અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૧૦
રેકોર્ડીંગ - ૧૦
હ. શોએબ અલેહિસ્સલામ
(પેજ-૧૪૦) હ. શોએબ (અ.), હ. ઈસહાક (અ.)ની ઔલાદમાંથી હોવાનું પણ મળી આવે છે.
“કસસૂલ અંબિયા'ના જણાવ્યા મુજબ હ. શોએબ (અ.) હ. સાલેહ પયગમ્બરની ઔલાદમાંથી હતા.
હ. શોએબ (અ.)ની કોમ 'મદયન' વંશમાંથી ઉતરી આવેલી હોવાથી તેમને 'મદયન લોકો' તરીકે ઓળખવામાં આવે છે.
હ. લુત (અ)ની કોમ ઉપર, તેમજ ‘મદયન' શહેર ઉપર ત્યાંની પ્રજાને હ. શોએબ (અ.)ને હીદાયત કરવા ખુદાતઆલાએ મોકલ્યા હતા કે જ્યારે અત્યાચાર, બેઈમાની અને નાફરમાનીની તેઓ હદ વટાવી ગયા હતા અને બેદરકારીથી રાત્રે અને બપોરે આરામ કરતા હતા; ઉપરાંત તોલમાં ૫ણ ઘણીજ બેઈમાની કરતા હતા. તેઓ બે જાતના તોલ રાખતા હતા. એક મોટો અને એક નાનો. મોટા તોલ માપથી તેઓ પોતા માટે વસ્તુંઓ ખરીદતા અને નાનાથી વેચતા. વળી તેઓ શરીયામ રસ્તા ઉપર લુંટ ચલાવતા.
હ. શોએબ (અ.) પોતાની કોમની આવી હાલત જોઈ, તેમને દગોફટકો નહી કરવા, બુતપરસ્તી તજી દેવા અને બેઈમાનીથી દુર રહી ખુદાતઆલથી ડરીને ચાલવા નસિહત કરતા હતા. ઉપરાંત હઝરતે પોતાની કોમને ઉપદેશ આપતા ફરમાવ્યું કે હમણા હું તમને આસુદા જોઈ રહ્યો છું, પણ તોલ-માપમાં જો દગો કરતા રહેશો તો મને ધાસ્તી છે કે, એક દિવસ અલ્લાહના અઝાબના તમે ભોગ થઈ પડશો.
એ પ્રમાણેની હીદાયત સાંભળી એ લોકોએ હ. શોએબ (અ.)ને કહ્યું કે, માલ અમારો છે અને તોલ પણ અમારું છે, તો પછી તમે અમને આવી નસીહત શા માટે કરો છો ?
(૧૪૦/૧૪૧) ત્યારબાદ હ. શેએબ (અ.) વિરૂધ્ધ મદયન કોમના આગેવાનોએ પોતાની કોમને જણાવ્યું કે, “તમે આ૫ણા વડીલોનો સાચો ધર્મ તજી શોએબનો ધર્મ કબુલ કરતાં નહી.” એ વખતે મદયનવાસીઓ વૃક્ષ પુજામાં રચ્યાપચ્યા રહેતા હતા અને તેના છાંયડાને ખુદાઈ રહેમત ગણી મનુષ્ય કરતા ઝાડને ઉંચ કોટીના સમજતા હતા; વળી મદયતવાસી આગેવાનો કોમને સમજાવતા હતા. કે, “જેમાં આપણો ફાયદો છે તેને છોડી દેવાનું કહેનાર મનુષ્ય પયગમ્બર કેમ થઈ શકે ? તેથી જો તેની સલાહ માનશો તો તમારૂં આર્થિક તંત્ર ભાંગી પડશે.”
(૧૪૧) એ તો દીવા જેવું સ્પષ્ટ છે કે, જ્યારે પણ ખુદાતઆલા તરફથી અજ્ઞાન કોમમાં હિદાયત આવતી ત્યારે તેઓ આવનાર હાદીઓનો સામનો અને વિરૂધ્ધતા કરતા હતા અને માનતા હતા કે, “પોતાનો જુનો ધર્મ જ સાચો છે અને નવો ધર્મ જુઠો છે.” પયગમ્બરો એ માર્ગ ભુલેલાઓને ભય દેખાડતા અને ભલી આશાઓ પણ આપતા હતા. ખુદાતઆલાએ તેમને બિમારી, તંદુરસ્તી, ગરીબી તેમજ તંવગરી આપીને તેમની કસોટી કરી, છતાં પોતાના પાપાચાર માટે તેઓએ પશ્ચાતાપ કર્યો નહી અને દુઃખદ કે સુખદ સ્થિતી એ તો જગતનું ફરતું ચકકર છે, એમાં કાંઈ નવીનતા નથી એવું તેઓ કહેવા લાગ્યા. એ રીતે તેઓ અલ્લાહની અજમાયેશને ઓળખી શક્યા નહી અને ખુદાતઆલાના પાક દરબારમાં પશ્ચાતાપ કે આજીજી કરી શક્યા નહીં.
હ. શોએબ (અ) ઘણાજ બાહોશ હતા. તેમના ભાષણો ઘણા છટાદાર, ખેંચાણકારક અને અસર પેદા કરનારા હતા. હઝરત મદયન કબીલાની અતરાફમાં રહેનારા લોકોને તોલ-માપનું નીતીમય શિક્ષણ આપવા ઉપરાંત લેવડદેવડમાં પ્રમાણિક રહેવાનો બોધ પણ આપતા હતા, ઉપરાંત અનેક વિદ્યાઓ પણ શીખવતા હતા. વળી વહેમી રીવાજો તજી દઈ એકજ ખુદાની કુદરતને માનવા માટે બોધ પણ કરતા હતા; છતાં અજ્ઞાન લોકો તેમનો સામનો કરવા ચુકતા નહીં ઘણી વખત અજ્ઞાન આગેવાનોની ઉશ્કેરણીથી લોકો ઉશ્કેરાઈ જઈ હઝરતના ઘરની આસપાસ છુપાઈ રહેતા અને જ્યારે શીક્ષણ લેવા માટે કોઈ આવતું ત્યારે તેને તેઓ અટકાવતા, ધમકીઓ આપતા અને હેરાન કરી, લુંટી પણ લેતા હતા.
(૧૪૧/૧૪૨) આવી અનેક વીટંબણાઓ વેઠવા છતાં, હ. શોએબ (અ.)એ પોતાની કોમને ફરમાવ્યું કે, તમે નિતિપુર્વક વર્તો સાચે જ એ તમારા માટે ઘણું બહેતર છે હું તમારા ઉપર ખુદા તરફથી પયગમ્બર બનીને આવ્યો છું. એથી મારી ફરજ તમને સાચા માર્ગે લઈ જવાની અને ખોટા માર્ગથી બચાવવાની છે. છતાં તમે મારી નસીહત કબુલ કરશો નહી તો, જેમ હ. નુહ, સાલેહ અને લુત (અ.)ની કોમો ઉપર ખુદાઈ ગઝબ ઉતર્યો તેમ કદાચ તેવોજ ગઝબ તમારી ઉપર પણ ઉતરે; માટે એ પહેલા તમે ખુદાના દરબારમાં તૌબા સાથે માફી માંગો. મારો ખુદા મહેરબાન અને ગુના બક્ષવાવાળો મહાન છે.
(૧૪૨) પણ અવળે પંથે ચડેલી કોમ માટે આવી નસિહતો કારગત થતી નથી અને હ. શોએબ (અ.)ની કોમ માટે પણ તેમજ બન્યું. હઝરતની નસીહતની અવગણના કરતા તેઓએ જણાવ્યું કે, અય શોએબ અમે તમારી લાંબી લાંબી વાતોને સમજી શકતા નથી. અમે સમજીએ છીએ કે અમારાથી તમે ઘણા અશક્ત છો, પણ તમારા સાથીઓ બળવાન હોવાથી અમે તમને કંઈ પણ કરી શકતા નથી, નહી તો તમને પત્થર મારી ક્યારના મારી નાખ્યા હોત. હવે જો તમે અમારા દેવો અને ધર્મની આડે આવી ઉપદેશ આપવાનું ચાલું રાખશો તો તમને તેમજ તમારા સાથવાળાઓને અમે શહેરની બહાર કાઢી મુકશું; અમે તમને અમારા સરદાર તરીકે માન્ય રાખતા નથી. પણ જો તમે અમારા દેવતાની પુજામાં શામેલ થશો, અમારી સલાહ અનુસાર ચાલશો તો અમે સઘળા તમને વડ૫ણ આપશું અને તમારૂં સન્માન કરશું.
હ. શોએબ (અ.)એ તેમને જણાવ્યું કે “તમારો દીન તકલાદી છે અને તમારા દેવતા નિર્જીવ છે. તેઓમાં કોઈનું ભલું કે બુરૂં કરવાની શક્તિ નથી. બલકે રખેવાળોના મોહતાજ છે. એે ધર્મ કદી પણ સાચો હોઈ શકતો નથી. એવી નિર્જીવ વસ્તુંથી અમે બેજાર છીએ. અમને અને અમારી સાથે જેઓએ હક-રાહ અને સતપંથ ઉપર ઈમાન અણ્યું છે, તેમને શહેર બહાર કાઢવાની ધમકી આપીને શા માટે ડરાવો છો ?
ભુલી જાઓ નહીં, ખુદાતઆલાએ અમને પાખંડ પુજાથી બચાવ્યા છે, છતાં જો અમે તમારી સાથે ભળીએ તો અલ્લાહ ઉપર તહોમત ચઢાવ્યું કહેવાય. અમારાથી એવું કદી પણ બનશે નહીં.”
(૧૪૨/૧૪૩) હ. શોએબ (અ.) ઉપર ઈમાન લાવનાર લોકોને કાફરો પારાવાર દુ:ખ આપતા હતા. તેમને લુંટી લઈ માર મારવા પણ તેઓ ચુકતા નહી. આવી અનેક સતામણીઓને લીધે હઝરત ઘણા લાચાર બની ગયા હતા. આ૫ની નસીહત કુમાર્ગે ચડેલી કોમને કાંઈ પણ અસર કરી શકી નહીં. તેઓ પોતાની ઈચ્છા અનુસાર પુજા કરતા અને મનફાવે તેવું વર્તન ચલાવી રહ્યા હતા. અંતે હ. શોએબ (અ.)એ એક દિવસ ખુદાતઆલાના દરબારમાં અરજ ગુજારી કે, યા ખુદા ! આ લોકો કોઈ પણ રીતે પોતાના અપ્રમાણીક કૃત્યોથી મોઢું ફેરવતા નથી, તેમ તારી શનાખત પણ રાખતા નથી અને બોધ પણ ગ્રહણ કરતા નથી. હવે તુંજ તેઓ માટે બહેતર ન્યાય કરવાવાળો છે.
(૧૪૩) હ. શોએબ (અ.)ની દુઃઆ ખુદાતાલાએ કબુલ ફરમાવી, હ. જીબ્રાઈલ અમીનને મોકલી ફરમાવ્યું કે, અય શોએબ, તમે તમારા સંબંધીઓ અને તમારા ઉપર ઈમાન લાવનારાઓને સાથે લઈ શહેર બહાર ચાલ્યા જાઓ, હુકમ અનુસાર હ. શોએબ (અ.) એક હજાર સાતસો માણસોને લઈ ત્યાંથી રવાના થઈ ગયા.
કાફીર લોકોએ હ. શોએબ (અ.) તથા તેમના સંબંધીઓ અને ઈમાનદાર લોકોને ગામથી રૂખસત થતા જોઈ તેમની મશ્કરી કરતા કહ્યું કે, શોએબ ! એવી કઈ મુશીબત આવી પડી છે કે શહેર છોડીને તમે બધા જઈ રહ્યા છો ?
હઝરતે ફરમાવ્યું કે, “હું તમારાથી જુદો પડું છુ. ખુદાના હુકમથી હવે તમારા ઉપર અઝાબ નાઝીલ થશે.” ત્યારબાદ હઝરત પોતાના સાથવાળાઓને લઈ શહેરથી ત્રણ કોશ દુર ચાલ્યા ગયા, જ્યાં તેઓ આખી રાત ખુદાની ઈબાદતમાં મશગુલ રહ્યા. જ્યારે બેઈમાન લોકો બેફીકરા બની ઘરોમાં સુઈ રહ્યા. તેમના કાફીર૫ણાને લીધે અંતે એ કેામ ઉપર ખુદાઈ કહેર ઉતર્યો, પ્રથમ ધરતીકંપ થયો અને લોકો ગભરાઈને ઘર બહાર નીકળી પડ્યા. એ પછી અતિશય ગરમી વરસવા લાગી એથી ગભરાઈ તેઓ શીતળતા શોધવા લાગ્યા. એવામાં આકાશમાં એક કાળું વાદળું તેમની નજરે પડ્યું, તેને તેઓ છાંયડો સમજી સધળા લોકો તેની નીચે એકઠા થયા. આ વાદળામાંથી એક ભંયકર કડાકો થયો અને તરત જ વાદળું ફાટી ગયું અને તેમાંથી અગ્નિના શોલા વરસવા લાગ્યા. પરિણામે મદયનવાસીઓ તેમાં બળીને રાખ થઈ ગયા.
મદયનવાસીઓનો નાશ થયા પછી હ. શોએબ (અ.)એ ખુદાતઆલાના દરબારમાં અરજ કરી કે યા ઈલાહી, હું હવે ક્યાં જઈ મુકામ કરૂં ?
નીદા આવી કે તમારા ઘરમાં જઈને રહો. હુકમે ઈલાહી અનુસાર હઝરત પોતાના સાથીદારો સહીત મદયનમાં આવી વશ્યા. હઝરતના આવવાથી મદયન શહેર આબાદ થયું. તે પછી હ. શોએબ (અ.)એ પોતાની કોમને બાર વર્ષ સુધી શરીયતનું શિક્ષણ આપી તેમને રાહે રાસ્ત યાને સતપંથ ઉપર વધુ દ્રઢ બનાવ્યા.
હઝરતે પોતાની કોમને આપેલી બદદુઃઆને પરિણામે કાફરોના થયેલા નાશથી આપને ઘણું લાગી આવ્યું. આપ ખુદાતઆલાના દીદાર માટે બહુ જ રડતા હતા.
(૧૪૪) રીવાયત છે કે, હ. જીબ્રાઈલ અમીને આવી આપને કહ્યું કે, હઝરત શા માટે રડો છો ? ખુદા પોતાના બંદાઓ ઉપર ઘણો મહેરબાન છે. રડવાથી શું ફાયદો છે ?
હ. શોએબે કહ્યું કે, હું ખુદાતઆલાના દિદાર સીવાય વધુ કાંઈ પણ ચાહતો નથી, માત્ર હું તેના દીદારનો તલબગાર છું.
જીબ્રાઈલે હઝરતની હકીકત સાંભળી. ઈલાહી દરબારમાં અર્જ ગુજારી. હુકમ થયો કે હઝરતને કહી દો કે અમારો દિદાર કયામતના દિવસે થશે.
ત્યારબાદ હ. શોએબે રડી રડીને પોતાની જિંદગી પસાર કરી, જેથી આપની આંખનું નુર જતું રહ્યું. એ દરમ્યાન હ. મુસા (અ.)નો જમાનો આવી પહોંચ્યો. હ. શોએબ (અ.) તે પછી આઠ વર્ષ હયાત રહી વફાત પામ્યા હતા.
હ. શોએબ (અ.)ની વધુ હકીકત હ મુસા (અ.)ના પ્રકરણમાં આપવામાં આવી છે.
ફિરઓન બાદશાહની હકીકત
(૧૪૪) અગાઉના પ્રકરણમાં આપણે જાણી ગયા છીએ કે, મીસરની રાજગાદી ઉપર આવનારાઓને તે ઝમાનામાં ફીરઓન તરીકે ઓળખવામા આવતા હતા. હવે આપણે હ. મુસા (અ.)ના ઝમાનામાં જે ફીરઓન સત્તા ઉપર હતો, તેના વિષે કેટલીક હકીકત “કસસુલ અંબિયા”માં હોવાથી તેનો ઉલ્લેખ અહીં રજુ કરીશું.
હ. મુસા (અ.)ના ઝમાનામાં ફીરઓનનું નામ "માસિબ ઈબ્ને વાલીબ ઈબ્ને રીયાન” હતું. તેનો જન્મ 'બલખ'માં થયો હતો. ત્યાંથી તે ધંધાર્થે મીસર તરફ નીકળ્યો. વચ્ચે માર્ગમાં "બયુશખ” નામના શહેરમાં તે આવ્યો; જ્યાં તેને “હામાન” નામના એક બેઈમાન શખ્સનો ભેટો થતા બન્ને મિત્રો બન્યા અને કેટલીક મસલેહત કર્યા પછી ત્યાંથી તેઓ મીસર તરફ રવાના થયા.
(૧૪૫) શહેરમાં આવી તેઓએ બાદશાહની હુજુરમાં વીનંતભરી એક અરજ મોકલી અને તેમાં જણાવ્યું કે, અમે અમારા વતનથી બેકારીના કારણે અહીં રોજી મેળવવાની આશાએ આવ્યા છીએ, માટે ગુજરાન થઈ શકે તેવું કામ આપવા કૃપા કરશો. બન્નેના સદભાગ્યે બાદશાહે કબ્રસ્તાનનો કર ઉઘરાવવા ફીરઓનને દારોગા તરીકે અને હામાનને તેના મદદનીશ તરીકે મુકરર કર્યા અને પ્રજામાં ઢંઢેરો ફેરવ્યો કે દરોગાની પરવાનગી વગર કોઈએ મુડદા દફન કરવા નહીં. તે મુજબ કોઈ પણ મરી જતું ત્યારે ત્યાંની પ્રજા, ધોરણ અનુસાર કર ચુકવી, પરવાનગી મેળવી મુડદાને દફન કરતી. કમનસીબે તેજ વર્ષે મિસરમાં બીમારી ફાટી નીકળી, ફીરઓને આ તકનો લાભ લેવા કરમાં વધારો કર્યો અને એક સોનામહોર લીધા વીના તે મુડદાને દફનાવવા રજા આપતો નહીં. આવી રીતે તેણે પુષ્કળ ધન એકઠું કરી શ્રીમંત બન્યો; પણ તેની લાલસા હજી વધુ માલદાર બનવાની હોવાથી તે મોટી રકમ સાથે બાદશાહની હુજુરમાં હાજર થઈ તમામ કબ્રસ્તાનનો ઈજારો આપવાની માંગણી કરી. બાદશાહ અક્કલહીન અને ફીરઓન ઉપર ઘણો મહેરબાન હોવાથી રઇયતની કનડગત કે મુશ્કેલીની પરવા કર્યા વિના મોટી રકમ લઈ તેણે ફીરઓનને મુલ્કના સઘળા કબ્રસ્તાનનો ઈજારો આપી દીધો.
જ્યારે આફતો આવે છે ત્યારે તે ઈન્સાનને ચારે બાજુથી મુંઝવી નાખે છે. મીસરની રઈયત માટે પણ તેમજ બન્યું. બિમારી પછી મીસરમાં વરસાદની અછતને લઈ સખ્ત દુષ્કાળ પડ્યો. રઈયત પરેશાની અનુભવવા લાગી, બીજી તરફ જનતા ઉપર બાદશાહનો કર ઝઝુમતો હતો, જે ચુકવ્યા વિના છુટકો નહોતો. ફીરઓન આવી કોઈ તકની રાહ કાગના ડોળે જોઈ રહ્યો હતો કે જેથી તે પ્રજાને પોતાની તરફેણમાં કરી શકે. અનાયાસે તેવો મોકો તેના હાથમાં આવ્યો અને તેણે પોતાના મિત્ર હામાનના વિચારો જાણી લેવા કહ્યું ; હું ધીરે ધીરે ખુદાઈ દાવો કરવા ઈચ્છું છું. હામાને કહ્યું, ઉતાવળ કરશો નહીં પ્રથમ પ્રજાના દીલને જીતી લેવાની કોશીશ કરો તો કોયડો તરતજ હલ થઈ જશે.
(૧૪૫/૧૪૬) ફીરઓનને હામાનની સલાહ યોગ્ય લાગવાથી તેણે સમસ્ત પ્રજાને પોતાની કરી લેવા અને તેમના હૃદયમાં પોતાનું સ્થાન અંકિત કરવા પોતે બાદશાહની હુજુરમાં જઈ અરજ કરી કે, દુષ્કાળને લીધે રઈયત રાજનો કર ભરી શકે તેવી સ્થિતિમાં નથી માટે મારી આપને અરજ છે કે, આ વર્ષનો તેમજ આવતા બે વર્ષનો કર રઈયતનો માફ કરી આપો; પણ રાજ્યને નુકશાની ખમવી પડે અને સલ્તનતને હાની થાય એવું હું ઈચ્છતો નથી, તેથી જો આપ નામદાર મારી અરજ માન્ય રાખો તો રઈયત તરફથી ત્રણ વર્ષનો કર હું મારા તરફથી ભરી આપું.
(૧૪૬) બાદશાહ નાદાન હોવાથી તેણે ફીરઓનની એ માંગણી કબુલ કરી લીધી, ત્યારબાદ ફિરઓન રઈયતનો ખરો હમદર્દ છે, તેવું તેમના મન ઉપર ઠસાવવા તેણે જાહેર કરાવ્યું કે રઈયત ઉપરનો આ વર્ષનો કર મેં માફ કરાવ્યો છે અને બીજા બે વર્ષનો કર માફ કરવા મારી અર્જ બાદશાહે મંજુર રાખી છે. તમારી મુશીબતો દુર કરવા મેં ત્રણે વર્ષનો કર ખજાનામાં ભરી આપેલ છે, એટલે મિસરની પ્રજાએ કર ભરવાની કાંઈપણ ફીકર કરવી નહીં.
એ ઉપરથી રઈયતના તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ફીરઓન ઉપર ઘણાજ ખુશ થયા અને તેની ઉન્નતી માટે ખુદાના દરબારમાં દુઃઆ માંગવા લાગ્યા.
થોડા વખત પછી મીસરનો બાદશાહ ગુજરી ગયો. તેને કોઈપણ સંતાન નહી હોવાથી રાજગાદી ઉપર કોને બેસાડવો, એવો સવાલ રઈયત સમક્ષ ઉપસ્થિત થયો. રઈયત ઈજારાદાર ફીરઓન ઉપર ખુશ હતી, કારણ કે આપણે જોઈ ગયા તેમ તેણે બધાનો કર ભરી આપ્યો હતો. છેવટે સૌએ મળીને તેને મીસરનો બાદશાહ બનાવ્યો. તેણે રાજગાદી ઉપર આવ્યા પછી પોતાને ફીરઓન તરીકે જાહેર કર્યો અને મિત્ર હામાનને પોતાના વજીર તરીકે નીમ્યો.
ફીરઓન મીસરનો બાદશાહ બન્યા પછી તેણે હામાન વજીરને કહ્યું કે, હવે કોઈ એવી યુકિત યોજવી જોઈએ કે જેથી લોકો મને પોતાના ખુદા તરીકે કબુલ કરે.
વજીર હામાને જણાવ્યું કે, તેમ કરવા માટે સૌથી પહેલા મહઝબનું શીક્ષણ આપતા મકતબો બંધ કરી શિક્ષકો તેમજ ઉલમાઓને ઘરે બેસાડી દેવા જોઈએ, ધર્મનો પ્રચાર સદંતર બંધ કરાવવો જોઈએ; આમ થવાથી લોકો ધીરે ધીરે મઝહબથી બેખબર થઈ જશે અને જાહીલ બની જશે. વજીરની સલાહ મુજબ ફીરઓને આખા મુલ્કમાંથી ધર્મ પ્રચારના તમામ સાધનો અને મઝહબી શિક્ષણ આપનારા બધાને બંધ કરવાનો હુકમ કર્યો. ફીરઓનના ભયના લીધે લોકોએ ઈલ્મ લેવાનું બંધ કર્યું. ધાર્મિક નીશાળોમાં અપાતું ખુદાઈ જ્ઞાન બંધ થતાંજ ધીરે ધીરે રયત ઉપર તેની ખરાબ અસર થવા લાગી. પરિણામે લોકો ખુદાના નામ અને તેની હસ્તીને ભુલી ગયા.
(૧૪૭) ફીરઓને જ્યારે જોયું કે લોકો હવે પુરેપુરા જાહીલ બની ગયા છે, ત્યારે તેણે પોતાની મકસદ પાર પાડવા એવો હુકમ કર્યો કે, મારી સઘળી રઈયત બુતોને સીજદો કરે. એ ઉપરથી ઈસરાઈલ કોમ સીવાયની કિબ્તી કોમ અજ્ઞાનતામાં અટવાઈ સૌથી પ્રથમ બુતપરસ્તી કરવા લાગી, આવી રીતે વીસ વર્ષ જેટલો કાળ વ્યતિત થઈ ગયો.
ત્યારબાદ ફીરઓને જોયું કે, લોકો હવે દ્રઢતાપુર્વક પોતાની સૂચના અનુસાર ખુદાને ભુલી બુતપરસ્તી કરવા લાગ્યા છે, ત્યારે તેણે સઘળાઓને એકઠા કરી કહ્યું કે, અન્ય લોકો તમે જેની પુજા કરો છો તે સધળા બુતો નાના ખુદા છે, જ્યારે હું સૌથી મોટો ખુદા છું. તે ઉપરથી લોકો નાના ખુદા તરીકે બુતોને અને મોટા ખુદા તરીકે ફીરઓનને માનવા લાગ્યા અને પછી તે ખુશી થઈ કિબ્તી કોમને બક્ષીસ આપી નવાજવા અને ઈસરાઈલ કોમ કે જે હ યુસુફ (અ.)ના સત્ય દીન ઉપર મુસ્તકીમ હતી તેને દુ:ખ આપી હેરાન કરવા લાગ્યો. આવીજ રીતે કીબ્તીઓને ફીરઓનની પુજા કરતા ચાલીસ વર્ષ જેટલો લાંબો કાળ પસાર થઈ ગયો હોવાથી તેમના માનસમાં પરીવર્તન થયું, પરીણામે તેઓને ફીરઓન પ્રત્યે ભાવ અને બુતો તરફ અભાવ ઉત્પન્ન થતાં જ તેઓ બુતોને ત્યાગી ફીરઆનને ખુદા તરીકે માનવા લાગ્યા.
એક એવો પણ ઉલ્લેખ મળી આવે છે કે, ઈસરાઈલ કોમ ફીરઓનના અમલ દરમ્યાન ૧૩ વર્ષ સુધી પરેશાનીમાં તેમજ કીબ્તી કોમની ગુલામીમાં ગીરફતાર રહી હતી.
ઈસરાઈલ કોમમાં “આસીયાખાતુન” નામની એક ઘણીજ ખુબસુરત તથા ઈમાનદાર સ્ત્રી હતી. ફીરઓને તેની સાથે નીકાહથી જોડાઈ તેણીને ઘણીજ સુખી રાખી હતી. વળી પોતાને ખુદા તરીકે કબુલ કરવા પણ તેણીને તે સમજાવતો હતો પરંતુ તે ઈમાનદાર ખાતુન ફીરઓનને નહી માનતા પોતાના દીન ઉપર મુસ્તકીમ રહી હતી.
(૧૪૭/૧૪૮) એક દીવસ ખુદાની કુદરતથી નીલ સમુદ્રનું પાણી સુકાઈ ગયું, તેથી ફીરઓનની કોમે તેને કહ્યું કે, સુકાએલી નિલમાં જો પાણી વહેતું કરી આપો તો અમે સમજીયે કે તમે અમારા સાચા ખુદા છો. આ સાંભળી ફીરઓન કેટલાક ઘોડેસ્વારોને લઈ “સઆદુલ આલા' નામના મેદાનમાં જઈ સવારોથી છુટો પડી એક ગુફા પાસે ગયો, અને ઘોડાને બહાર ઉભો રાખી તેની લગામને પોતાના ગળામાં વીંટાળી ગુફાની અંદર દાખલ થયો. જ્યાં તેણે સીજદામાં માથું ઝુકાવી ખુદાના દરબારમાં અરજ કરતાં કહ્યું કે, ખુદાયા ! તુંજ સાચો છે. મેં આખરતની ઉત્તમ નિયામતોના બદલે દુનિયાનું સુખ પસંદ કર્યું છે. મને આકબતમાં દોઝખ સીવાય બીજું કંઈ પણ જોઈતું નથી; માટે તને જે કંઈ પણ આપવું હોય તે મને આ દુનીયામાં જ આપી દે એટલું કહી તે ગુફાની બહાર તેના મુખ પાસે આવી જેવું સમુદ્ર તરફ તેણે મોઢું ફેરવ્યું કે, ત્યાં ગયબથી એક શખ્સે ગારના મુખ ઉપર આવી ફીરઓનને કહ્યું કે, હું એક શખ્સની ફરીયાદ તમારી પાસે લાવ્યો છું તેનો ઈન્સાફ કરી આપો.
(૧૪૮) ફીરઓને કહ્યું, આ જગ્યા ઈન્સાફની નથી, માટે કાલે તું દરબારમાં આવજે.
એટલામાં નીલ સમુદ્રમાં ધોધમાર વહેતું પાણી ફીરઓનની નજરે પડ્યું. તેથી પોતે ખુશી થઈ આવેલા શખ્સને કહ્યું કે, બોલ તું શું માંગે છે ?
એ શખ્સે કહ્યું કે, જે બંદા ઉપર ખુદા મહેરબાન થાય અને તે બંદો ખુદાની નાફરમાની કરે, અને તેનો હુકમ બજાવી ન લાવે, તો તેના માટે શું સજા હોવી જોઈએ ?
આ સાંભળી ફીરઓને કહ્યુ કે, તે બંદાને આ નીલ સમુદ્રમાં ડુબાડી મારી નાખવો જોઈએ.
પેલા શખ્સે કહ્યુ કે, મહેરબાની કરી એ બાબત મને લખી આપો કે જેથી મને તે યાદ રહે. એમ કહી તેણે ફીરઓનના હાથમાં કાગળ-કલમને શાહી આપ્યા. ફીરઓને ખુશી થઈ તેજ જગ્યાએ લખી આપ્યું કે : “જે બંદાને ખુદાતઆલા દરેક રીતે આરામ બક્ષે, છતાં તે બંદો પોતાના માલીકની નાફરમાની કરે અને તેને હુકમ નહી માને તો તે બધા માટે સજા એ છે કે, તેને નીલ સમુદ્રમાં ડુબાડી મારી નાખવો જોઈએ.” ફીરઓને એ મુજબ દસ્તાવેજ લખી આવેલા શખ્સને સુપ્રત કર્યો; પણ આવેલા શખ્સને તે એાળખી શક્યો નહી કે જે હ. જીબ્રાઈલ અમીન હતા. હ. જીબ્રાઈલ તરત જ ત્યાંથી ગૈબ થઈ ગયા.
ત્યારબાદ ગયબથી અવાજ આવ્યો કે, અય ફીરઓન ! અમે નીલ સમુદ્રને તારે હવાલે કર્યો છે. આ સાંભળી ખુશી થઈ પોતાના મહેલમાં આવ્યો અને પાણીના વહેણને ઉંચે નીચે વાળવા લાગ્યો. પોતાની ઈચ્છા મુજબ વહેણ વળ્યા કરે છે એવું લોકોને દેખાડી તે કહેવા લાગ્યો કે જુઓ આ મારી ખુદાઈનો કેવો જીવતો જાગતો પુરાવો છે ?
(૧૪૯) મીસરની રઈયત ફીરઓનનો આવો અજાયબીભર્યો ચમત્કાર જોઈ તેની તારીફ કરતા સિજદો કરીને કહ્યું કે ચોક્કસ તમે અમારા પરવરદિગાર છો.
ફીરઓને પોતા માટે એક ઘણો જ સુંદર અને આલીશાન મહેલ દરિયા કિનારે બંધાવ્યો અને તેનું નામ 'એનુસ-શમ્સ' રાખ્યું. અને તેની સુંદરતામાં વધારો કરવા એક હોજ અને તેની ફરતા ચાર સોનાના સ્થંભો ઉભા કરાવ્યા અને તેની અંદર નીલ સમુદ્રમાંથી નહેર દ્વારા આવેલું પાણી ફુવારાની જેમ ઉછળી બીજી તરફ વહી જતું હતું. ખુદાતઆલાએ હોજના કીનારે બે ચમત્કારી વૃક્ષો પેદા કર્યા, જેમાંના એક વૃક્ષમાંથી પીળો અને બીજામાંથી લાલ રસ નીકળતો હતો. કુદરતી નીકળતા એ રસ એટલા બધા ગુણકારી હતા કે, ફીરઓન ગમે તેવી વ્યાધીથી પીડાતા બીમારને તે પીવડાવતો તો તે રોગી તંદુરસ્ત બની જતો, આવી કુદરતી ન્યામતો પોતાને હસ્તગત થયેલી હોવાથી ફીરઓન ઘણો જ અભિમાની બની ગયો, અને એ બન્ને કુદરતી વૃક્ષો લોકોને બતાવી તે કહેતો કે, જુઓ આ મારા ખુદા હોવાની ખુલ્લી સાબિતી છે. આ જોઈ કીબ્તી કોમ ગુમરાહ બની ગઈ અને તેને પોતાના ખુદા તરીકે માનવા લાગી.
ફીરઓનની વધુ હકીકત હ. મુસા (અ.)ના વૃતાંતમાં આપવામાં આવશે.
યા અલી મદદ
