Ilm Majalis Logo

ILM MAJALIS

અલ્લાહના રસુલો

રેકોર્ડીંગ - ૧૧

રેકોર્ડીંગ - ૧૧

0:000:00

હઝરત મુસા કલિમુલ્લાહ

(પેજ-૧૪૯) હ. મુસા (અ.)નું વૃતાંત જાણવા પુર્વે તેમની વંશાવળી જાણી લેવી જરૂરી હોવાથી આપણે અહીં તેનો ઉલ્લેખ કરીશું.

હ. મુસા બીન ઈમરાન, બીન કોહાત, બીન લોવે, બીન યાકુબ, બીન ઈસહાક, બીન ઈબ્રાહીમ ખલીલુલ્લાહ.

હ. મુસા (અ.)ના પિતાનું નામ 'ઈમરાન' અને માતાનું નામ 'યોશબ' હતુ કે જેવણ પણ એજ કુટુંબના હતા.

ખ્રિસ્તી મત મુજબ હ. મુસા નબીનો જન્મ ઈ.સ. પૂર્વે ૧૫૭૧માં થયો હતો.

(૧૪૯/૧૫૦) “અહેવાલે અંબીયા”ના જણાવ્યા મુજબ કેટલાકોના મત પ્રમાણે હ. મુસા નબીના જન્મ વખતે ઈરાનની રાજગાદી ઉપર શાહ મીનોચહેર હતો. બીજી એક ઈસ્લામી તવારીખ પ્રમાણે તે વખતે મીસરની શાહી ગાદી ઉપર 'વલીદ બીન મસઅબ બીન રેઆન' અથવા તેનો પુત્ર કાબુરા હતો. તે ઝમાનામાં મીસરના રાજકર્તાઓ ફીરઓનની સંજ્ઞાથી ઓળખાતા હતા. મીસરના લોકો ઈસીસ અને ઓસીરીસને માનતા અને સૂર્યની પુજા કરતા હતા. સૂર્યને તેઓ 'રા'ના નામથી પુજતા અને ખુદા તરીકે ગણતા. ઉપરાંત મીસરના ફીરઓનને પણ તેઓ 'રા'નો અવતાર ગણી ખુદા તરીકે માનતા હતા.

(૧૫૦) કેટલાક જુના ઈતિહાસોના સંશોધન ઉપરથી જણાય છે કે, હ. યુસુફ (અ.)ના વખતમાં જે ફીરઓન રાજકર્તા હતો તે ઈજીપશીયન વંશનો નહી, પણ હીકસાસને નામે ઓળખાતા સીરીઅનોએ કે જેમણે ઈજીપ્ત ફતેહ કરી બાદશાહી મેળવી હતી તેમાંનો હતો. એમ પણ જણાય છે કે, હ. યુસુફ (અ.)ની વફાતના સમયે હીકસાસ ફીરઓનની રાજસત્તાનો લગભગ અંત આવ્યો હતો. ત્યારબાદ ફરીથી ઈજીપશીયન ફીરઓનની હકુમત સ્થપાઈ હતી, જેનો સ્થાપક 'આહમેશ-અમા-સીસ” નામનો ફીરઓન હતો. એ વંશની આખરમાં રમાસીસ નામના ફીરઓનની બાદશાહી થઈ અને તેના વખતમાં હ. મુસા (અ.)નો જન્મ થયો હતો. જ્યારે 'કસસુલ અંબિયા'માં ફીરઓનનું નામ 'માસીબ ઈબ્ને વાલીબ ઈબ્ને રિયાન' જણાવવામાં આવ્યું છે.

ફીરઓનના રાજ્યમાં બે કોમો વસવાટ કરતી હતી. એક કીબ્તી કે જે ત્યાંની મુળ વતની હતી અને ફીરઓનને ખુદા તરીકે માનતી હતી; બીજી ઈસરાઈલ કોમ જે સીરિયા તરફની વતની હોવાથી ફીરઓન તેને પરદેશી અને પરધર્મિ ગણી તેમના ઉપર હમેશા ઝુલ્મ કરતો હતો.

(૧૫૦/૧૫૧) બની ઈસરાઈલ કોમ ઉપર ફીરઓનના જુલ્મ કરવાના ત્રણ કારણો દેખાડવામાં આવ્યા છે. એક તો બની ઈસરાઈલની વસ્તી મોટા પ્રમાણમાં હોવાથી તેઓ રાજ્યને ઉથલાવી નાખશે એવો તેને ભય લાગતો હતો. બીજું મીસર ઉપર સામીઓ (સીરીયનો) હુમલો કરે તો ઈસરાઈલીઓ તેમની તરફેણ કરી રાજ્યને નુકશાન પહોંચાડે, ત્રીજું જે ભાગમાં ઈસરાઈલીઓ વસતા હતા ત્યાં બીજી કોમની વસ્તી નહોતી. આ ભાગ શામ અને મીસર વચ્ચે આવજાવના માર્ગ તરીકે ઉપયોગમાં આવતો હતો. આ ભાગ સરહદને લગતો હોવાથી બની ઈસરાઈલ કોમ દુશ્મનોને મીસરમાં દાખલ થવાનું સહેલું કરી આપે એવી ભીતી પણ તેને રહેતી હતી. આ સઘળા કારણોને લીધે ફીરઓનના નામે ઓળખાતા મીસરી બાદશાહે, મજુરી અને હલકા ધંધાઓ કરી પોતાનું ગુજરાન ચલાવવાની તેમને ફરજ પાડી હતી. આથી ઈસરાઈલીઓ ઘણી ખરાબ સ્થિતીમાં આવી ગયા હતા તેઓને રાજ્યના ગુલામોની પેઠે રાજ્યના બાંધકામ અને ઈંટો તૈયાર કરવાના મજુરીના કામમાં રોકવામાં આવતા હતા, તેમની ઉપર રાજ્યના દારોગા નજર રાખતા હતા અને તેઓ જરા પણ સુસ્તી કરે કે ચાબુકનો માર મારી તેમના ઉપર ગાળોનો વરસાદ વરસાવવામાં આવતો હતો. આટલો જુલમ છતાં ઈસરાઈલીઓની ઔલાદ વધતી જ જતી હતી.

(૧૫૧) "કસસૂલ-અંબીયા”ના જણાવ્યા પ્રમાણે, એક રાત્રે ફીરઓને સ્વપ્નામાં જોયું કે હોજ પાસેના બે વૃક્ષો (બન્ને વૃક્ષોની મતલબ હ. હારૂન તથા હ. મુસા થાય છે. ઉપરાંત આપણે જોઈ ગયા તેમ બંને વૃક્ષોમાંથી પીળા અને લાલ રંગનો રોગાન નીકળતો હતો) તે ઉપરની દુનિયા તરફ ચાલ્યા ગયા અને તેથી સમસ્ત જગત તેમના તાબામાં આવી ગયું.

ફીરઓને પોતાને આવેલા સ્વપ્નાની તાબીર જાણવા બીજી સવારે દરબારમાં જઈ રાજ્યના હકીમો, રમલ જોનારાઓ અને નજુમીઓને એકઠા કરી, આવેલા સ્વપ્નાનો ઉકેલ બતાવવા કહ્યું. જવાબમાં તેઓએ અરજ સાથે જણાવ્યું કે જહાંપનાહ, બની ઈસરાઈલની કોમમાં એક એવો શખ્સ પેદા થશે જે તમારી બાદશાહીનો નાશ કરશે અને તેના હુકમને તાબે સધળા લોકો થઈ જશે. તે બાળક આજથી ત્રણ રાત-દિન દરમ્યાન પોતાના પિતાની પુસ્તમાંથી માતાના હમલમાં રહેશે. આ સાંભળી ફીરઓને એવો હુકમ કર્યો કે ઈસરાઈલી કોમના પુરૂષોએ આજથી પોતાની સ્ત્રીઓથી દુર રહેવું. જે કોઈ આ હુકમનો ભંગ કરશે તેને જાનથી મારી નાખવામાં આવશે. પણ ઈલાહી કુદરતની સામે ઈન્સાનની નાચીજ બુધ્ધી કામ આવતી નથી. પરંતુ કુદરતને જે મંજુર હોય છે તે બનીનેજ રહે છે. જે દિવસે ફીરઓને હુકમ જાહેર કર્યો તેજ રાત્રે હ. મુસા (અ.)ના પિતા કે જે ફીરઓનના અંગરક્ષકોમાંના અને રાત્રે ફીરઓનના શયનગૃહમાં ચોકીદાર પણું કરનારાઓમાંના એક હતા ત્યાં હ. મુસા (અ.)ના માતા પોતાના પતિ પાસે રાજ્ય મહેલમાં આવ્યા. આ વખતે અન્ય ચોકીદારો અને પહેરેગીરો નીંદ્રાવશ થઈ ગયા હતા. ઈલાહી કુદરતથી તેજ રાત્રે હ. મુસા (અ.) પોતાના પિતાની પીઠથી માતાના હમલમાં કરાર થયા.

એ અહીં જાણવું જરૂરી છે કે, હ. મુસા (અ.)ના જન્મ પહેલા ઇમરાનથી બીબી “યોશબ”ને હ. હારૂન તથા પુત્રી "મરીયમ” એમ બે બાળકો અવતર્યા હતા અને ત્યારબાદ હ. મુસા (અ.)નો જન્મ થયો હતો.

(૧૫૧/૧૫૨) બીજી સવારે ફીરઓને નજુમીઓને પુછયું કે, અય નજુમીઓ જેના માટે તમે આગાહી કરી હતી, તે છોકરો પોતાની માતાના ગર્ભમાં રહ્યો કે નહીં ? નજુમીઓએ અરજ કરતાં કહ્યું કે, ગઈ રાત્રેજ તે છોકરો પોતાના પિતાની પુસ્તથી માતાના કુખે કરાર પામી ચુકયો છે.

એ ઉપરથી ફીરઓને હુકમ કર્યો કે, ઈસરાઈલ સ્ત્રીઓની તપાસ અર્થે દાઈઓ મુકરર કરવામાં આવે. ઉપરાંત ચોકીદારોને ફરમાવવામાં આવ્યું કે બની ઈસરાઈલ કોમમાં છોકરો જન્મે તો તેને તરતજ મારી નાખવો અને એના પુત્રના બદલા તરીકે તેના માવતરોને ૭૦ દિરમ આપવા અને જો છોકરી પેદા થાય તો તેને ગુલામડી તરીકે ઉપયોગમાં લેવા, જીવતી રહેવા દેવી.

તે મુજબ બની ઈસરાઈલ સ્ત્રીઓની તપાસ અર્થે પુષ્કળ દાઈઓ મુકરર કરવામાં આવી જેઓ સોંપાયેલી ફરજ મુજબ ઘરોઘર જઈ તપાસ કરતી હતી અને કોઈ ગર્ભ ધારણ કરેલી સ્ત્રી જણાતી તો તેનું પેટ મસળી ગર્ભપાત કરાવી દેતી. આવા બીનકુદરતી ઉપચારથી કેટલીક ઈસરાઈલ કોમની સ્ત્રીઓ મોતના મોઢામાં ધકેલાઈ ગઈ. હઝરતની માતા પણ આવી દેખરેખથી બચવા પામ્યા નહોતા, તેમની તપાસ અર્થે પણ ઘણી વખત દાઈઓ આવી હતી પણ જ્યાં કુદરતની રહેમ દ્રષ્ટી હોય ત્યાં કોઈ શું કરી શકે ? મતલબ કે હ. મુસાની માતાના શરીર પર ગર્ભના કોઈપણ ચિન્હો દેખાતા નહીં હોવાથી તપાસ કરી દાઈઓ ચાલી જતી.

એક દિવસ હ. મુસા (અ.)ની માતા રોટલી પકાવતા હતા. તે વખતે તેમને પ્રશવ વેદના ઉપડતા હ. મુસા (અ.) નો જન્મ થયો. હઝરતની માતા દુશ્મનોની નજરથી આપને ત્રણ માસ સુધી તો સંતાડી રાખ્યા, પણ અચાનક એક દીવસે રાજ્યના સિપાહીઓ તપાસ અર્થે શહેરમાં નીકળી પડ્યા. આ વખતે હ. મુસાની માતા તેમને રમાડતા હતા, ત્યાં અચાનક તેમની નજર સીપાહીઓ ઉપર પડવાથી તેમના પેટમાં ફાળ પડી. એક તરફ બાળકની મહોબત હતી, બીજી તરફ મૌતનો ભય હતો, તેથી તેમણે ગભરાઈને પોતાના બાળકને કપડામાં વીંટાળી ધખધખી રહેલા તંદુરમાં ફેંકી દીધા. જ્યારે તપાસ કરી સીપાહીઓ પાછા ચાલ્યા ગયા ત્યારે ખાતુનને ખ્યાલ થયો કે અરે પોતે આ શું કર્યું ? અને ફરઝંદના વિયોગથી રૂદન કરતા, અફસોસ સાથે બોલી ઉઠ્યા કે મેં બાળકને શા માટે તંદુરમાં નાખ્યો ? એટલું બોલી તેમણે નીરાશા ભર્યા ચહેરે તંદુર તરફ દ્રષ્ટી કરી તો હ. મુસાને અગ્નીમાં એક ફળ સાથે રમત કરતા જોયા. તરત જ દોડી જઈ તેમને તેમણે બહાર કાઢયા અને માલીકના શુક્રાના અદા કર્યા.

(૧૫૩) એ બાદ હ. મુસા (અ.)ની માતાને ફીકર થવા લાગી કે આવી હાલતમાં પોતે બાળકને ક્યાં સંતાડી રાખે ? એવામાં ખુદાતઆલા તરફથી નીદા થઈ કે, "જ્યારે તને બીક લાગે, ત્યારે તેને દૂધ પીવડાવી એક પેટીમાં મુકી, તે પેટી નીલ સમુદ્રના પાણીમાં વહેતી મુકી દેજે. અને કોઈ તરેહનો ભય રાખીશ નહી અને ગમગીન થઈશ નહી, અમે તેને તારી પાસે ફરી પહોંચાડીશું અને તેને એક રસુલ બનાવીશું." આથી હઝરતની માતા ધણા ખુશ થયા અને એક પેટી બનાવવાની ફિકરમાં પડ્યા. એવામાં હ. જીબરાઈલ સુથારના રૂપમાં ત્યાં આવી એક પેટી બનાવી ત્યાંથી ચાલ્યા ગયા. હુકમ અનુસાર હઝરતની માતાએ પુત્રને ધવરાવી પેટીમાં મુકી તેની ઉપર તાળું મારી પેટીને નીલ સમુદ્રમાં વહેતી મુકી દીધી.

અન્ય એક રિવાયત છે કે, હ. મુસા (અ)ની માતા પેટી બનાવવા માટે ખાનગી રીતે એક સુથારને ઘરમાં લાવ્યા, તેની જાણ એક પડોશીને થઈ ગઈ, તેથી હઝરતની માતા ભય પામી. પડોશીને ૭૦ દીનાર આપીને કહ્યું કે, કૃપા કરી આ ભેદ કોઈને કહેશો નહી. તેમજ સુથારને પણ ભેદ છુપાવવા ૭૦ દીનાર મજુરી ઉપરાંત બક્ષીશ તરીકે આપ્યા. પડોશી બેઈમાન અને લાલચું હોવાથી વધુ બક્ષીશ મેળવવાના ઈરાદાથી ફીરઓનની હુઝુરમાં ગયો. પણ ભેદ ખોલી શક્યો નહીં. કારણ કે ખુદાતઆલાએ તેની જબાન ઉપર મહોર મારી દીધી હતી. તે બોલવા જતા મુંગો બની જતો ને જ્યારે બહાર આવતો ત્યારે બોલતો થઈ જતો. આવી રીતે તે શખ્સ ફીરઓનને ભેદની જાણ કરવા સાત વખત ગયો અને મુંગો બની સાત વખત પાછો આવ્યો. છેવટે તેને પોતાની ભુલ માટે ઘણો પસ્તાવો થયો. અને તેણે ઈલાહી દરબારમાં પોતાના ગુનાની તૌબા કરી અને અલ્લાહ ઉપર ઈમાન લાવી મોમન બન્યો.

(૧૫૩/૧૫૪) એક દિવસ હ. મુસા (અ.)ની માતાએ પોતાના પુત્રને પેટીમાં મુકી, નીલ નદીમાં તે પેટી મુકી દીધી. નીલની એક શાખા ફીરઓનના મહેલમાંની વાડીઓમાં થઈને જતી હતી. એ શાખા દ્વારા એ પેટી હોજમાં તણાઈ આવી. એ વખતે ફીરઓન પોતાની સ્ત્રી આસિયાખાતુન સાથે આનંદમાં ત્યાં બેઠો હતો તેણે એ પેટી જોઈ પોતાની બીબીને કહ્યું કે, કોઈ ચીજ પાણી ઉપર તરતી અહીં આવી રહી છે. પેટી જ્યારે પાસે આવી ત્યારે એણે તેને બહાર કઢાવી અને તે ખોલવાનો હુકમ કર્યો. પેટી ઉઘાડતાં જ તેમાં એક અતિ સુંદર બાળક નજરે પડ્યો. એના ચહેરા ઉપરના નુરથી ફીરઓનનો મહેલ ઝળકી ઉઠ્યો; આથી ફીરઓનને બાળક પ્રત્યે વાત્સલ્યભાવ ઉત્પન્ન થયો. આ જોઈ આસીયાખાતુને પોતાના પતિને કહ્યું કે, મને કોઈ પુત્ર નથી. હું આ બાળકને ઉછેરી મોટો કરીશ. તે આપણી આંખોને ઠંડક બક્ષે એવો છે. એને જરાએ ઈજા કરશો નહી. ભવીષ્યમાં કદાચ એ આપણને ઉપયોગી થશે. આપણે આને આપણા પેટના પુત્ર સમાન ગણી પરવરિશ કરશું. કુદરતની કળા ન્યારી છે; પતિ-પત્ની એ નહીં જાણતા હતા કે એ બાળક મોટો થઈ શું શું કરી બેસશે ?

(૧૫૪) ફીરોનને એક દીકરી હતી અને તે કોઢની બીમારીથી પીડાતી હતી. તે પોતાના માતા પિતા જ્યાં બેઠા હતા ત્યાં આવી અને બાળકને જોયો કે તરત જ તેણીએ વહાલ સહીત તેને ગોદમાં લઈ મહોબત કરવા લાગી ખુદાના ફઝલો કરમથી હ. મુસા (અ.)નું થુંક તેના શરીર ઉપર પડતા જ, તેનો કોઢ જતો રહ્યો, આ દ્રશ્ય જોઈ 'આસીયા ખાતુને' પોતાના પતિને કહ્યું કે, જુઓ આ બાળક કેટલો બરકતવાળો છે કે જેના થુંક માત્રથી આપણી પુત્રી સારી થઈ ગઈ. આ જોઈ ફીરઓને મહોબત સાથે હ. મુસા (અ.)ને ગોદમાં લઈ પ્યાર કરવા લાગ્યો. તે પછી તેણે તેના પોષણ માટે ઘણી દાઈઓ મુકરર કરી, પણ બાળક કોઈની ધાવ મ્હોંમા લેતો નહી, તેથી ઘણી દાઈઓ બદલાવવામાં આવી પણ જ્યારે દાઈ તરીકે હ. મુસા (અ.)ની માતા પોતે આવી આપને ધવરાવ્યા, ત્યારે જ હઝરતે માતાનું દુધ પીધું દરમ્યાન વજીર હામાન ત્યાં આવી પહોંચ્યો. તેણે હ. મુસાની માતાને કહ્યું કે એમ જણાય છે કે આ બાળકના તમે માતા હોવા જોઈએ, હજરતની માતાએ કહ્યું: તમે કહો છો તેમ નથી પણ તેને મારૂં દુધ ગમતું હશે.

ફિરઓને હ. મુસા (અ)ની માતા કે જેણી એક દાઈ તરીકે આવતી હતી, તેને કહ્યું કે તમને ધવરાવવાના બદલા તરીકે દરરોજ એક દીરમ આપવામાં આવશે. તે મુજબ દરરોજ પોતે પોતાના પુત્રને દુધ પીવરાવતા હતા.

અહીં અલ્લાહે પોતાનો કોલ પુરો કર્યો હતો, આપણે અગાઉ જાણી ગયા છીએ કે, હઝરતની માતા ફીરઓનના સિપાહીઓથી પુત્રને બચાવવા ગભરાટ અનુભવી રહ્યા હતા, ત્યારે ખુદાએ ફરમાવ્યું હતું તેને પુર્ણ કરતાં પુનઃ ફરમાવ્યું : “ફરી અમે પહોંચાડ્યો મુસાને તેની માતા તરફ કે જેથી તેની આંખો ઠંડી રહે અને સમજે કે અલ્લાહે કરેલો વાયદો સત્ય છે.”

(૧૫૪/૧૫૫) હ. મુસા (અ.) બાળક હતા ત્યારે ફીરઓને એક દિવસ તેને ગોદમાં લઈ ચુંબન કરવા લાગ્યો, તે વખતે હઝરતે તેની જવાહીરોથી શણગારેલી દાઢી એક હાથથી પકડી, બીજા હાથથી તમાચો મારી દીધો. આથી ફીરઓનને એટલો બધો ક્રોધ ચડ્યો કે હ. મુસાને મારી નાખવાનો હુકમ કરતા કહ્યું કે કદાચ આ તેજ છોકરો છે કે જેના હાથે મારો દેશ બરબાદ થવાનો છે પણ તેની સ્ત્રી આસિયાખાતુને વચ્ચે પડી અને તેને સમજાવીને કહ્યું કે, એ તો માત્ર એક બાળક છે અને બચ્ચાંઓની રમત પણ નિર્દોષતાભરી હોય છે; પણ તમારા ખ્યાલ, કે કહેવા મુજબ તે બની ઈસરાઈલમાંથી તો નથી ? એટલામાં વજીર હામાન ત્યાં આવી પહોંચ્યો અને તેણે બનેલી હકીકત સાંભળીને કહ્યું કે, એ બાળકને અજમાવવા માટે એક ખુમચામાં રત્ન અને બીજામાં બળતો કોયલો મુકીએ, જો તે બની ઈસરાઈલમાંથી હશે તો રત્નવાળા થાળમાં હાથ નાખી રત્ન ઉપાડશે. સૂચના મુજબ ખુમચા મંગાવી હ. મુસા સમક્ષ મુક્યા. હઝરત રત્નના ખુમચા તરફ હાથ લાંબો કરે છે એટલામાં જ ખુદાના હુકમથી હ. જીબ્રાઈલ અમીને આવીને હ. મુસા (અ.)નો હાથ પકડીને આગના ખુમચામાં નાંખ્યો અને તેમાંથી એક અંગારો લઈને હ. મુસા (અ)એ પોતાના મોઢામાં મુક્યો, એથી આપની જીભ સહેજ ઈજા પામી, આ દ્રષ્ય આસિયાખાતુને નીહાળી ફીરઓનને તેણીએ કહ્યું કે, જુઓ આ બાળક બની ઈસરાઈલમાંથી નથી પછી ફીરઓને હઝરતને ગોદમાં લઈ પ્યાર કરી, તેમની માતાને હવાલે કર્યો.

(૧૫૫) હ. મુસા (અ.) કંઈક સમજણા અને મોટા થતા, ફીરઓને તેમને પોતાની પાસે બેસાડતો અને જ્ઞાન તથા હીકમત ભરેલી વાતો તેમની પાસેથી સાંભળતો અને ખુશી થઈ તેમને પ્યાર કરતો. એમ કરતા હઝરતની ઉંમર વીશ વર્ષની થઈ, ત્યારે ફીરઓને તેમની શાદી ખુબ દબદબા સાથે કરી અને તેમને 'હરસુન અને બલકા' નામના બે પુત્રો થયા.

મીસરથી મદીયન તરફ હ. મુસા (અ.)નું પ્રયાણ.

(૧૫૫/૧૫૬) એક દીવસ બપોરના સમયે હ. મુસા (અ) ફરવા નીકળ્યા, માર્ગમાં એક કીબ્તી જમાદાર તથા સામરી નામના ઈસરાઈલ મજુર વચ્ચે તકરાર થતી જોઈ. તપાસ કરતા જણાયું કે કીબ્તીએ ઈસરાઈલની સ્ત્રી ઉપર જુલમ ગુજારવાના સબબે બન્ને વચ્ચે તકરાર થઈ હતી, અને જમાદાર પેલા ઈસરાઈલને ઘણી ક્રુરતાભરી રીતે માર મારતો હતો. હ. મુસા (અ.)એ ત્યાં જઈ કીબ્તીને તેમ નહી કરવા ઘણો સમજાવ્યો પણ એથી એ તેને વધુ મારવા લાગ્યો. આ જોઈ હ. મુસા (અ.)એ ન છુટકે ઈસરાઈલને એ ઝાલીમના પંજામાંથી મુકત કરાવવા કીબ્તી જમાદારને એક મુક્કો માર્યો અને જમાદાર જમીન ઉપર પડી ગયો અને મરણ પામ્યો, આ વખતે ત્યાં કોઈ નહી હોવાથી હઝરતે ઈસરાઈલીને ત્યાંથી નસાડી મુક્યો અને પોતે ખુદાતઆલાની હુજુરમાં અરજ કરી કે, યા બારીતઆલા ! આજે મેં ભારે જોખમ ખેડ્યું છે બલકે ખરૂં જોતાં મેં જુલ્મ કર્યો છે, આ ગુના માટે માફી માંગુ છું. ઓ બારીતાલા મારી આ ભુલ માફ કરજે, તું મહાન રહેમત કરનાર છે. એ પ્રમાણે દુઆ ગુજારી તેવણ પોતાને સ્થાને ચાલ્યા ગયા.

(૧૫૬) ત્યારબાદ કેટલાક કીસ્તીઓ ત્યાંથી પસાર થતા હતા તેમણે તેમના સરદારને મરણ પામેલો જોયો, એથી ફરીયાદ કરવા તેઓ ફીરઓન પાસે ગયા. ફરીયાદ સાંભળી ફીરઓને કહ્યું કે, ખુન કરનારને મારી પાસે હાજર કરો. કીબ્તીઓએ ઘણી શોધખોળ કરી પણ તેઓ ખુનીને મેળવી શક્યા નહી અંતે ફીરઓન લાચાર બની ખામોશ રહ્યો.

બીજા દીવસની સવારે હ. મુસા (અ.) બીતા બીતા ગામમાં ફરીથી ફરવા નીકળ્યા, ત્યારે આપે જોયું કે એક કીબ્તી પેલા જ ઈસરાઈલ શખ્સને માર મારી રહ્યો છે. જ્યારે હ. મુસા ઈસરાઈલની નજરે પડ્યા ત્યારે તેણે વિનંતી કરી પોતાને છોડાવવા કહ્યું. હ. મુસા (અ)એ ત્યાં જઈ ઈસરાઈલ પર ક્રોધે ભરાઈ કહ્યું કે સાચેજ તું રાહ ભુલેલો ખરાબ શખ્સ છે, રોજ આવા શખ્સોથી ઝગડે છે અને તું મને પણ તેમાં શા માટે સંડોવે છે ?

આવા અનેક જુલ્મો ઈસરાઈલીઓ ઉપર થતા જોઈ આપની સહનશકિત પણ ખુટી ગઈ હતી. તેમાં છેલ્લા બે દીવસના બનાવોથી તેમને સખ્ત આઘાત લાગ્યો અને આપ ઘણા જ ક્રોધે ભરાણા. એ જોઈ પેલા ઈસરાઈલને લાગ્યું કે, કદાચ હ. મુસા (અ) આજે પણ આ કીબ્તીને સજા કરશે. વળી મારા ઉપર પણ ક્રોધે ભરાણા છે તેથી મને પણ કદાચ મારશે એટલે તેણે ભયભીત બની કહ્યું કે, અય મુસા, શું આજે તમે મને મારવાનો ઈરાદો કર્યો છે, કે જેવી રીતે ગઈ કાલે પેલા કીબ્તીને તમે મારી નાખ્યો હતો ? ખરેખર તમે આ મુલ્કના એક બળવાન પુરૂષ છો.

સામરીના કહેવાથી કીબ્તી સમજી ગયો કે, ગઈ કાલે ખુન કરનાર મુસા પોતેજ છે. તેણે હ. મુસા (અ)ને કહ્યું કે કાલે એક કીબ્તીનું ખુન તમેજ કર્યું છે, હું બાદશાહને હમણા જ તેની જાણ કરૂં છું. એમ કહી તે દોડતો દોડતો ફીરઓનના દરબારમાં ગયો.

(૧૫૬/૧૫૭) કીબ્તીને ફીરઓન પાસે જઈ રહ્યાનું જાણી, હ. મુસા (અ.) ગભરાટમાં પડી ગયા અને ત્યાંથી તરત જ પોતાની માતા પાસે જઈ તેમને બનેલી (હકીકતની જાણ ખાનગી રીતે કરી રહ્યા હતા, તેવામાં એક શખસે આવીને સમાચાર આપ્યા કે, અય મુસા ! ફીરઓન તમને મારી નાખવાની તજવીજ કરી રહ્યો છે, માટે જલ્દી ક્યાંક ચાલ્યા જાઓ, ખાત્રી રાખો કે હું તમારૂં ભલું ઈચ્છનારામાંનો છું.

(૧૫૭) હ. મુસા (અ.)એ આ હકીકત સાંભળી માતાથી વિદાય લઈ, ભયભીત બની ઘરની બહાર આવી ખુદા પાસે અરજ કરી કે, યા ખુદા, હું મદીયનના રસ્તાથી અજાણ છું માટે તું મારો માર્ગદર્શક બની મને આ જાલીમ કોમથી બચાવજે. એમ દુઃઆ ગુજારી તેવણ અલ્લાહના આસરે મદીયન ગામ બહારના એક કુવા પાસે આવી પહોંચ્યા. અહી કેટલાક પુરૂષો પોતાના જાનવરોને પાણી પીવડાવતા હતા. તેમનાથી થોડેક દુર બે સ્ત્રીઓ પોતાની બકરીઓ સાથે ઉભી હતી. હ. મુસા (અ)એ એ બાનુઓને પુછયું કે, તમે શા માટે ઉભા છો ? જવાબમાં એ સ્ત્રીઓએ જણાવ્યું કે, પાણી સીંચવાની ડોલ બહુ વજનદાર છે એટલે બકરીના રખેવાળની રાહ જોઈ રહ્યા છીએ. તે આવીને પાણી સીંચી આપશે. જો કે ઘરે જવામાં મોડું તો થાય છે. અમારો બાપ જઈફ છે પણ બકરીઓને પાણી પીવરાવ્યા વગર અમારાથી જવાય તેમ નથી. હ. મુસા (અ.)એ પાણી ભરી બકરીઓને પીવરાવ્યું. તે બાદ આપ એક બાજુ છાયામાં જઈ અલ્લાહની બંદગીમાં મશગુલ થયા.

પેલી બે બાનુઓ હ. શોએબ (અ.)ની પુત્રીઓ હતી. તેમના નામો 'સફુરા' અને 'સફીરા' હતા. તેણીઓ ઘરે આવતા તેમના પિતાએ આટલા જલ્દી આવી જવાનું કારણ પૂછ્યું. સફુરાએ જણાવ્યું કે એક યુવાન શખ્સ અમારી બકરીઓને પાણી સીંચીને પીવરાવી આપ્યું. એ સાંભળી હ. શોએબ (અ.)એ ફરમાવ્યું કે, અય બેટી, જલ્દી જાઓ અને તેને ઘરે તેડી લાવો આપણે તેની મહેનતનો બદલો ચુકાવી આપીએ, પિતાની આજ્ઞા અનુસાર હ. શોએબ (અ.)ની મોટી દીકરી 'સફુરા' શરમાતી શરમાતી હ. મુસા (અ.) પાસે આવીને કહ્યું કે, અય હઝરત ! આપ અમારા ઘરે ચાલો, અમારા પિતા આપને યાદ કરે છે. હ. મુસા (અ.)એ ફરમાવ્યું કે તેઓ શા માટે મને બોલાવે છે ? સફુરાએ કહ્યું કે, તેમની ઈચ્છા તમે લીધેલી મહેનતનો બદલો આપવાની છે.

(૧૫૭/૧૫૮) હ. મુસા (અ.) સાત દીવસના ભુખ્યા અને થાકેલા હતા એટલે હ. શોએબ (અ.)ના આમંત્રણને માન આપી સકુરા સાથે જવા તૈયાર થયા અને ચાલવા પહેલા આપે ફરમાવ્યું કે, સાહેબઝાદી તમે મારી પાછળ પાછળ ચાલો કારણ કે પરાઈ સ્ત્રીના પાછળ ચાલી પગ જોવા એમા ગુના છે. એ ઉપરથી સફુરા આપની પાછળ રહી પોતાના ઘરની એંધાણી સુચવતી ચાલી તે મનમાં કહેવા લાગી કે, આ યુવાન કોઈ નેક અને પરહેઝગાર શખ્સ જણાય છે.

(૧૫૮) હ. મુસા (અ.) સકુરા સાથે હ. શોએબ (અ.)ના ઘરે આવી ફીરઓનની સઘળી હકીકતથી તેમને વાકેફ કર્યા, જેથી હ. શોએબ (અ.)એ ફરમાવ્યું કે, હવે જરા પણ ભય રાખશો નહીં; ઈન્શાઅલ્લાહ જાલીમ કોમથી તમે છુટકારો મેળવ્યો છે.

ત્યાર બાદ સફુરાએ પોતાના પિતાને કહ્યું કે, જો તમારી ઈચ્છા હોય તો આવેલા મહેમાનને આપણે ત્યાં નોકરી રાખીએ કારણ કે, તે એક સશકત અને ઈમાનદાર શખ્સ છે.

હ. શોએબ (અ.)એ પોતાની પુત્રીને કહ્યું કે તે ઈમાનદાર છે એમ તું શા ઉપરથી કહે છે ? સફુરાએ જવાબમાં કહ્યું કે, આપના કહેવાથી હું તેમને તેડી લાવવા ગઈ ત્યારે એમણે મને કહ્યું કે, તમે મારી પાછળ ચાલો કે જેથી હું તમારા પગ જોઈ શકું નહીં કારણ કે પરાઈ સ્ત્રીના પાછળ રહી પગ જોવા એ ગુનાનું કામ છે. તેમની એવી દાનાઈ ભરેલી વાતચીત તથા તેમની ચાલચલણથી મને ખાત્રી છે કે તેઓ ભરોસાપાત્ર અને ઈમાનદાર, નેક અને પરહેઝગાર શખ્સ છે.

એ ઉપરથી હ. શોએબ (અ.)ને ખાત્રી થઈ કે, હ. મુસા અમાનતદાર અને પરહેઝગાર, નેક શખ્સ છે અને તેમને નોકરી ઉપર રાખવા અને સકુરા સાથે લગ્ન કરી આપવા તેમણે મનમાં નક્કી કરી લીધું. બાદ આપે હ. મુસા (અ.)ને ફરમાવ્યું કે, તમે ૮ થી ૧૦ વર્ષ સુધી મારી બકરીઓ ચરાવવાની નોકરી કરો તો હું મારી બે દીકરીમાંથી એકની સાથે તમારી શાદી કરી આપીશ. જવાબમાં હ. મુસા (અ.)એ કહ્યું કે ભલે હું તેમ કરવા તૈયાર છું, પણ આપે આપેલા કોલ ઉપર આપ સાબીત રહેશોને ? હ. શોઅબ (અ.)એ તેમની ખાત્રી કરાવી આપવા લગ્નની મહોર તરીકે ૮ વર્ષનું નોકરીનામું લખાવી લઈ, પોતાની દીકરી સફુરા સાથે હ. મુસા (અ.)ની શાદી કરી આપી.

(૧૫૮/૧૫૯) 'કસસુલ અંબિયા' ના ઉલ્લેખ પ્રમાણે હ. શોએબ (અ.) પાસે 'અસા' (લાકડી) હતી કે જે હ. આદમ (અ) જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે ખુદાતઆલાએ તેમને આપી હતી, અને તે ઉત્તરોત્તર દરેક પયગમ્બરને વારસામાં મળતી રહેતી હતી. અને તે મુજબ હ. શોએબ (અ.)ને પણ એ મળી હતી, તે "અસા” હ. શોએબ (અ.)એ હ. મુસા સામે મૂકી ફરમાવ્યું અય મુસા ! જો તમે આ 'અસા'ને જમીન ઉપરથી ઉપાડી લેશો તો તે હું તમને આપી દઈશ. કારણ કે આ અસાને તેનો હકદાર હોય તેજ ઉપાડી શકે છે. આ સાંભળી હઝરત મુસાએ અસાને ઉપાડી લીધી. હ. શોએબ (અ.)એ આ કરામત નિહાળી ફરમાવ્યું" કે, અય મુસા ! ખુદાતઆલા તમને પયગમ્બર મુર્રસલીન બનાવશે ઉપરાંત એક બીજી પણ વાત તમને કહી દઉં કે તમે જ્યારે બકરીઓ ચરાવવા જાઓ ત્યારે મયદાનના અમુક ભાગ તરફ જશો નહી; કારણ કે ત્યાં ઘણા અજગરો છે અને તે બકરીઓને ખાઈ જશે.

(૧૫૯) એક દીવસ એવું બન્યું કે, મનાઈ કરેલા મયદાનની હદમાં ઓચીંતી બકરીઓ ચાલી ગઈ. હ. મુસા (અ)એ તેમને રોકવા ઘણી કોશીશ કરી પણ તેમાં તેઓ ફાવ્યા નહી. અંતે આપ લાચાર થઈ એક ટેકરા ઉપર જઈને બેઠા અને “અસા'ને પોતાની પાસે રાખી કહ્યું કે, અય અસા ખબરદાર રહેજે. જો અઝદા આવે તો તેને મારી નાખજે. ત્યારબાદ હઝરત નીંદ્રાવશ થઈ ગયા તેટલામાં એક અઝદા ખોરાક શોધતો શોધતો બકરીઓના ધણ પાસે આવી ચડ્યો, એને જોતાં જ હ. મુસા (અ.)ની અસા (લાકડી) અઝદા બની ગઈ અને આવેલા અઝદાને મારી નાખ્યો અને પાછી 'અસા' બની ગઈ. થોડીવાર પછી હઝરત જાગૃત થયા અને જોયું તો એક મરેલો મોટો અઝદા પડેલો છે. આ જોઈ આપ ઘણા જ ખુશી થયા અને બકરીઓને લઈ ઘરે આવ્યા. ઘરે આવી જંગલમાં બનેલી હકીકત હ. શોએબ (અ.)ને કહી સંભળાવી. આ સાંભળી હ શોએબને યકીન આવ્યું કે, હ. મુસા (અ.) જરૂર પયગમ્બર મુર્રશલ થશે.

કરાર અનુસાર હ. મુસા (અ.) હ. શોએબની બકરીઓ ચાર વર્ષ ચરાવ્યા પછી જ્યારે પાંચમું વર્ષ બેઠું ત્યારે હ. શોએબ (અ.)એ હ. મુસા (અ)ને ફરમાવ્યું, તમારા નશીબે અમારી બકરીઓ આ વર્ષે નર બચ્ચા, છઠે વર્ષે માદા બચ્ચા, સાતમે અને આઠમે વર્ષે કાળા તેમજ સફેદ રંગના જેટલા બચ્ચાંઓ આપશે તે સઘળા અમે તમને ભેટ આપશું. ખુદાતઆલાની કુદરતથી તેમજ બન્યું અને હ. શોએબ (અ.)એ બકરીના ઘણા બચ્ચાંઓ હઝરતને અર્પણ કર્યા અને હ. મુસા (અ) પણ પોતાની પત્ની બીબી સફુરાની મહેર અદા કરી કરજથી મુક્ત થયા.

ત્યારબાદ હ. શોએબ (અ.)એ ફરમાવ્યું કે, અય મુસા આ બધી બકરીઓ ઉપરાંત મારી માલમતા અને પુત્રી સફુરા વિગેરે હું તમને અર્પણ કરૂં છું અને તમે તમારી ઈચ્છા અનુસાર જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો.

યા અલી મદદ