અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૧૨
રેકોર્ડીંગ - ૧૨
હઝરત મુસા (અ.)નું મીસર જવું અને તેમને પયગમ્બરી મળવી.
(પેજ-૧૬૦) હ. મુસા (અ.)એ પોતાની બીબી સફુરાની મહર અદા કર્યા પછી તેમની ઈચ્છા મીસર તરફ જવાની થઈ; કારણ કે ત્યાં બની ઈસરાઈલીઓ ઘણાજ દુ:ખી હાલતમાં હતા. તેવણ પોતાની પત્નિ બીબી સફુરા તેમજ દાસીઓ અને જાનવરો અને માલમત્તા સાથે મીસર તરફ જવા રવાના થયા. માર્ગમાં ‘કોહેતૂર” પાસેના જંગલમાં આપે રાતવાસો કર્યો તે દરમ્યાન ત્યાં ગાજવીજ સાથે વરસાદ ટુટી પડ્યો, પવન જોરથી ફૂંકાવા લાગ્યો, શરદી સખ્ત પડવા લાગી આ વખતે બીબી સફુરા કે જેવણ ગર્ભવંતી હતા તેમને પ્રસૂતીની વેદના થવા લાગી બીબીને ઠંડીથી બચાવી લેવા આગ સળગાવવા હ. મુસા (અ.)એ ચકમકના પત્થરોને ઘસ્યા, પણ ઠંડીને લીધે તેમાંથી આગ ઉત્પન્ન થઈ નહીં એથી તેઓ ચારે તરફ આગની શોધ કરવા લાગ્યા. ખુદાની કુદરતથી તેમને કોહેતુર (જેને સીનાન તરીકે પણ ઓળખવામાં આવે છે) ઉપર આગના ભડકા જેવું કંઈક નજરે પડ્યું.
આ પહેલા હ. મુસા (અ.)થી બીબી સફુરાને "ગેરસામ” નામનો એક ફરજંદ મદીયનમાં જનમ્યો હતો અને આ બીજો પ્રસવકાળ હતો.
સીનાઈ નામથી ઓળખાતા પહાડને બે ઉંચી ટોચ હતી જેમાંની એકનું નામ 'સીનીન' અને બીજીનું નામ 'હોરેબ' હોવાનું બાયબલમાં જણાવ્યું છે અને ઈસ્લામી ઈતિહાસમાં તેને 'તુર'ની સંજ્ઞા આપવામાં આવી છે.
ઈસ્લામી તવારીખમાં જણાવ્યા મુજબ હ. મુસા (અ)નો કબીલો તુર પહાડની પાસે પહોંચતા બીબી સફુરાને પ્રસુતીની વેદના થવા લાગી. બીજી તરફ હ. મુસા (અ.)ને દુર દુર આગના ભડકા જેવું કંઈક જોવામાં આવ્યું, તેથી આપે બીબી તથા સાથીઓને કહ્યું કે મને સામે અગ્નિ જેવું કાંઈક દેખાય છે. એટલે ત્યાં જઈ આગ લઈ આવું છું. સાથીઓને અને બીબીને એ મુજબ કહી હઝરત 'અસા' સાથે તે તરફ રવાના થઈ, કાહેતુર પાસે આવી તે ઉપર ચડવા લાગ્યા. રસ્તામાં ‘તોવા” નામની એક ખીણ આવી; ત્યાં બોરડીનું (ઉતાબનું) એક ઝાડ હતું, જેની ઉપર અગ્નિ નહી પણ ખુદાનું નુર ચમકતું હતું આપ તે રોશની પાસે ગયા તેટલામાં તેમના કાને અવાજ આવ્યો કે, 'આ 'તુર'ની નજદીક અને આસપાસ જે છે, તે બરકતવાળું છે, ખુદાતઆલા કે જે દુનીયાનો રબ છે તેની અપાર શક્તિઓના વખાણ ! અય મુસા ! હું અલ્લાહ છું, અઝીઝ અને હકીમ છું.”
(૧૬૧) સુરત તાહા માં એ વષે જે જણાવ્યું છે તેનો સારાંશ એમ છે કે, જ્યારે તે તેના નઝદીક આવ્યા ત્યારે અવાજ આવ્યો કે, “અય મુસા ! ખચીત હું તારો રબ છું. તારા જુતા કાઢી નાખ કેમકે તું 'તોવા'ની પાક ખીણમાં છે. મેં તને (લોકોની હીદાયત માટે) પસંદ કર્યો છે, માટે જે તને વહી કરવામાં આવે તે ધ્યાનથી સાંભળ, ખચ્ચીત હું અલ્લાહ છું, મારા સિવાય બીજો ખુદા નથી વાસ્તે મારી બંદગી કર અને મારૂં સ્મરણ કરી મારી જ ઈબાદત કર, ખચીત વખત આવી પહોંચ્યો છે અને દરેક જીવને તેના કાર્યના પ્રમાણમાં બદલો આપવાનું જાહેર થશે. તે માટે જે ઈન્સાનો પોતાની હલકી ઈચ્છાઓને તાબે થઈ તેની પેરવી કરે છે, તેઓ તને ખોટે માર્ગે દોરવે નહી. તેની સંભાળ રાખજે.”
આ હકીકત બાયબલમાં એકઝોદસ (Exodus) નામના બીજા ભાગના ત્રીજા પ્રકરણમાં એ પ્રમાણે જણાવેલ છે કે: “એને તેણે કહ્યું, અહીં નઝદીક આવીશ નહી, તારા પગમાંથી તારા જુતા કાઢી નાખ, કારણ કે જે જગ્યાએ તું ઉભો છે, તે જગ્યા પાક છે. હું તારા પોતાનો ખુદા છું. એ સાંભળી મુસાએ પોતાનું મોઢું ઢાંક્યું કેમકે તે ખુદાને જોવાથી બીતો હતો.”
તે પછી ફરી અવાજ આવ્યો કે, “અય મુસા તારા જમણા હાથમાં શું છે ?” આપે અરજ કરી કે મારી લાઠી છે, જેને હું બકરીઓના ખોરાક માટે ઝાડના પાંદડા તોડવા અને મારા કેટલાક કામો માટે ઉપયોગમાં લઉં છું. ત્યારે ખુદાનો હુકમ થયો કે, મુસા લાકડી ફેંકી દે. હઝરતે તરત જ તેને ફેંકી દીધી, એટલે એ અઝદા બની ગયો અને અહીંતહીં નાશભાગ કરવા લાગ્યો. એ જોઈ હ. મુસા (અ) ડરના લીધે કાંપવા લાગ્યા, એટલે ઈલાહી ફરમાન થયું કે, મુસા ડર્યા વગર તેને પકડી લે ! અમે તેને જેવી હતી તેવી લાકડી બનાવી દઈશું. ઈલાહી હુકમને તાબે થઈ હ. મુસા (અ.)એ અઝદાને પકડી લીધો કે તરત જ તે 'અસા' બની ગઈ અને હાથમાં આવી ગઈ.
ફરી હુકમ થયો કે, અય મુસા ! તારા હાથને તારા સીના ઉપર રાખ. હુકમ અનુસાર હઝરતે હાથને પોતાના સીના ઉપર મુકયો કે તરત જ આપની હથેળીમાં સૂર્યની માફક રોશની ઝળહળી ઊઠી. આવી રીતે ખુદાએ તેમને બે કરામતની બક્ષીશ કરી, જેમાંની એક 'અસા' જેનાથી હઝારો મોજીઝા થઈ શકે, બીજી 'યદે બયઝા' યાને રોશનીવાળો નુરાની હાથ. આમ બે કરામતો ઈનાયત કરવાનો હેતુ એ હતો કે લોકો હ. મુસા (અ.)ને પયગમ્બર માની તેમના ઉપર ઈમાન લાવે અને સત્યના માર્ગ ઉપર ચાલે.
(૧૬૨) લાકડીનું સર્પ બની જવું અને હાથ નુરાની થઈ જવો, એ સંબંધમાં જુદા જુદા વિદ્વાનોમાં ભીન્નભીન્ન મત છે, ખ્રીસ્તી ધર્મ-ગુરૂઓની માન્યતા સંબંધમાં સાઈમન પેત્રીક નામનો બીશપ પોતાની કોમેન્ટરીમાં જણાવે છે કે, “મુસા નબીને આવીને શક્તિ હોવી એ ઘણું જરૂરનું હતું, કારણ કે તેમને જે કાર્ય સુપ્રત કરવામાં આવ્યું હતું, તેની ખાત્રી આવી અસાધારણ શક્તિ વગર લોકોને થવી મુશ્કીલ હતી.”
તેથી જ ખુદાતઆલાએ મુસા નબીને તેના કાર્યમાં મદદરૂપ થવા બે નીશાનીઓ આપી હતી. એક અંબિયાઓની 'અસા' જે જમીન ઉપર ફેંકવાથી અઝદા બની જતી, જ્યારે બીજી નીશાની પોતાનો હાથ છાતી ઉપર મુક્તાં જ તે નુરાની બની જતો હતો.
અલ્લાહે 'તુરે-સિનાઈ' યાને સીનાન પહાડ ઉપર હ. મુસા (અ.)ને નબુવત સોંપી, અને ફીરઓન પાસે જઈ ખુદાવંદે કરીમની વહેદાનીયત શીખવવા તથા ઈસરાઈલીઓને તેની ગુલામગીરીમાંથી મુક્ત કરાવવા હુકમ કર્યો.
હ. મુસા નબીએ અરજ કરી કે, યા રબ ! મારો પરીવાર અને બકરીઓ જંગલમાં પડ્યા છે. હું મીસર કેવી રીતે જાઉં ? નીદા આવી કે, અય મુસા ! અમે તારી બીબીની ખીઝમત માટે બહેશ્તથી હુરાઓ અને બકરીઓની રક્ષા માટે વરુઓને મોકલ્યા છે માટે ફીકર કર નહીં. મુસા નબીએ ફરી અરજ કરી કે, યા રબ ! મેં મીસરમાં એક શખ્સનું ખૂન કર્યું છે તેથી મને બીક લાગે છે કે, કદાચ તેઓ મને મારી નાખશે, માટે મારા મનને મજબુત બનાવ, મારી ઝબાનને ખુલ્લી કરી આપ (આપણે અગાઉ જોઈ ગયા તેમ તેમની ઝબાન બાળવયમાં જ્યારે તે ફીરઆનના ઘરમાં હતા તે વખતે આપ કઈ કોમમાંથી છે તેની અજમાયેશ કરતાં સ્હેજ બળી ગઈ હતી. તેથી સ્પષ્ટ બોલી શકતા નહોતા, તે ઉપરથી આપે અરજ કરી કે મારી જબાનને ખુલ્લી કરી આપ કે જેથી તેઓ મારી વાતને કબુલ કરી લે, અને મારા કુટુંબમાંથી મારા ભાઈ હારુનની મદદ મને ઈનાયત કર, જે મને મારા કામમાં મદદ કરે.
(૧૬૨/૧૬૩) ખુદાતઆલાએ ફરમાવ્યું કે, અય મુસા ! તારી મદદ માટે અમે તારા ભાઈ હારુનને તને સોંપીશું, ઉપરાંત તમને તે લોકો ઉપર ફતેહ આપશું, એટલે તેઓ તમને કાંઈ પણ કરી શકશે નહી. હવે તું અને તારો ભાઈ બન્ને અમારી નિશાનીઓ સાથે ફીરઓન પાસે જાઓ. ફીરઓન ઘણો જુલ્મી બની ગયો છે તેને તમે નમ્રતાપુર્વક સમજાવજો. ઈલાહી આઝાબની બીક બતાવજો કદાચ તેથી તે તમારી નસીહત ગ્રહણ કરે. તમે અમારી યાદથી ગાફેલ રહેજો નહી.
(૧૬૩) હ. મુસા (અ.)એ ફરીને અરજ કરી કે, યા બારીતઆલા, મને ભય છે કે કદાચ ફીરઓન ગુસ્સામાં આવી અમારા ઉપર જુલ્મ ગુજારશે.
હુકમ થયો કે, મુસા ! ડર નહી, અમે તારી સાથેજ છીએ, અમે દરેક બનાવો સાંભળી અને જોઈએ છીએ. આમ ખુદાએ નસીહતો કરી, હ. મુસા (અ)ને તુર ઉપરથી રવાના કર્યા.
જે મેદાનમાં બીબી સફુરા હતા ત્યાં હ. મુસા (અ.)એ આવીને જોયું તો, બીબીએ એક બાળકને જન્મ આપ્યો છે અને તેની ખીઝમતમાં અલ્લાહે સ્વર્ગથી મોકલેલી હુરાઓ હાજર છે. તેમજ વરૂઓ બકરીઓની સંભાળ લઈ રહ્યા છે. હ. મુસા (અ.) એ પોતાની બીબીને અલ્લાહ સાથે તુર ઉપર થયેલી વાતથી વાકેફ કરી અને કબીલાને તેજ મેદાનમાં રાખી, પોતે 'અસા' લઈ ત્યાંથી મીસર તરફ જવા રવાના થયા.
મીસરમાં આવી હ. મુસા (અ.) પોતાના માતા-પિતા તથા બહેન અને ભાઈ હારુનને મળવા તેમને ઘરે ગયા. વર્ષો પછી થયેલી મુલાકાતથી સૌએ આનંદના અશ્રુઓ વહાવ્યા. ત્યારબાદ હ. મુસા (અ.)એ મદીયનની હકીકત સવિસ્તાર તેમને કહી સંભળાવી. તે સાથે પોતાના ભાઈ હારુનને ફરમાવ્યું કે, ખુદાતઆલાએ 'કોહેતુર' ઉપર મારી સાથે હમકલામ કરવાની કરમબક્ષીશ ફરમાવી છે (તે ઉપરથી આપનું નામ મુસા કલ્લિમુલ્લાહ પડયું) અને મને પયગમ્બર બનાવી કોમને હીદાયત કરવા મોકલ્યો છે; અને મને મદદ કરવા તમને પણ હુકમ કર્યો છે. ખુદાએ મોજીઝા કરવા મને બે કરામતોની બક્ષીશ પણ કરી છે. એ સાંભળી હ. હારૂન ઘણા રાજી થયા અને ત્યાંથી રવાના થઈ બન્ને ભાઈ ફીરઓનના મહેલના દ્વાર પાસે આવી પહોંચ્યા.
તેમને આવેલા જોઈ દરવાને તેમને આવવાનું કારણ પુછ્યું. જવાબમાં હ. મુસા (અ.)એ જણાવ્યું કે, અમે ફીરઓનને મળવા માંગીયે છીએ.
દરવાને કહ્યું કે, ફીરઓન તો અમારો ખુદા છે.
(૧૬૩/૧૬૪) હ. મુસા (અ.)એ ફરમાવ્યું કે, “ફીરઓાન ખુદા હોઈ શકે નહી. તમારા બાપદાદાનો, તમારો અને તમારી ઔલાદનો ખુદા એક છે, અને તેનો કોઈ ભાગીદાર નથી.”
(૧૬૪) દરવાને ફીરઓન પાસે જઈ એ વિષેની જાણ કરી, જે સાંભળી તે સખત નારાજ થયો, અને તેમને અંદર મોકલી આપવા હુકમ કર્યો. દરવાનની સૂચના અનુસાર હ. મુસા (અ.) તથા હ. હારૂન ફીરઓનની રૂબરૂ હાજર થયા. તેમને જોઈ તેણે પુછ્યું કે, તમે શા માટે આવ્યા છો ?
હ. મુસા (અ.)એ ફરમાવ્યું કે, ખુદાતઆલાએ મને પયગમ્બર બનાવી તમને હીદાયત કરવા મોકલ્યો છે.
ફીરઓને કહ્યું કે, શું તમને મેં બાળપણથી ઉછેરી મોટા નથી કર્યાં ?
હ. મુસા (અ.)એ ફરમાવ્યું કે, શું એ મહેરબાનીના બદલામાં તમે ઈસરાઈલના ફરઝંદોને ગુલામ તરીકે રાખવા માંગો છો ?
ફીરઓને કહ્યું કે, દુનીયાનો રબ કોણ છે ?
હ. મુસા (અ) ફરમાવ્યું કે, પૃથ્વી અને આકાશ અને એ બન્ને વચ્ચે જે કાંઈ પણ છે તે બધાનો પયદા કરનાર એક ખુદાતઆલા છે.
ફીરઓને કહ્યું કે, જો તમે મારા સિવાય બીજા કોઈને ખુદા તરીકે માનશો તો હું તમને કેદમાં નાખીશ.
હ. મુસા (અ)એ ફરમાવ્યું કે, ખુદાએ મને તમારા ઉપર પયગમ્બર બનાવી મોકલ્યો છે માટે ઈમાન લાવી કલમો ૫ડો.
ફીરઓને કહ્યું કે, હું કલમો પડું તો તમારો ખુદા મને શું આપશે ?
હ. મુસા (અ.)એ ફરમાવ્યું કે, જો તમે ઈમાન લાવશો તો ખુદા તમને ત્રણ નિયામતોની બક્ષીશ કરશે; જેમાંની એક તો જુવાની, બીજું પુર્વથી પશ્ચીમ સુધીની બાદશાહી, અને ત્રીજું વધુ એકસો વર્ષની ઉમર.
તે ઉપરથી ફિરએાને કહ્યું કે, અય મુસા, મને વિચાર તથા સલાહ મશવેરો કરવા મુદત આપો. હું તમને આવતી કાલે એનો જવાબ આપીશ. બાદ હ. મુસા (અ.) તથા હ. હારૂન ત્યાંથી રવાના થઈ પોતાના ઘરે આવી પહોંચ્યા.
(૧૬૫) ત્યારબાદ બીજે દીવસે હ. મુસા (અ.) પોતાના ભાઈ હારૂન સાથે દરબારમાં આવ્યા. તેમને જોઈ ફીરઓને કહ્યું કે, અય મુસા ! તમારી પયગમ્બરીની સાબીતી શું છે ?
હ. મુસા (અ.)એ ફરમાવ્યું કે, હું પયગમ્બર છું એની ખાત્રી માટે એક ચમત્કાર તમારી સમક્ષ કરી બતાવું તો પછી તો તમે ઈમાન લાવશોને ?
ફીરઓને કહ્યું કે, અગર તમે સાચા પયગમ્બર હો તો તમારો એવો કોઈ મોજીજો કરી બતાવો.
હ. મુસા (અ.)એ તેજ વખતે પોતાના હાથમાંની લાકડી (અસા)ને ભોંય પર ફેંકી કે તે એક રાક્ષસી આકૃતીનો અઝદાહ બની જઈ મોઢું ફાડી ફીરઓન તરફ ધસવા લાગ્યો. તેના મોઢામાંથી અગ્ની જવાળા નીકળી રહી હતી. આ જોઈ ફીરઓનથી ચીસ પડાઈ ગઈ. તે પોકારી ઉઠ્યો કે, અય મુસા ! તમે મને દઆવત કરવા આવ્યા છો કે મારી નાખવા ? ખુદા ખાતર એને ઉંચકી લ્યો. હ. મુસા (અ.)એ એ અઝદાહ (અજગર)ને ઉંચકી લેતાં તે ફરી લાકડી બની ગઈ.
ત્યારબાદ ફીરઓને કંપતાં કંપતાં હ. મુસા (અ.)ને કહ્યું કે, “હું સોગંદ ખાઈને કહું છું કે તમે કોઈ બીજો ચમત્કાર દેખાડશો તો હું તમારા દીન ઉપર ઈમાન લાવીશ અને બની ઈસરાઈલને મુકત કરીશ."
બીજા ચમત્કાર તરીકે હ. મુસા (અ.)એ પોતાનો હાથ છાતીમાં રાખીને બહાર કાઢયો તો તે નુર જેવો પ્રકાશમાન દેખાયો. આ જોઈને ફીરઓન અંજાઈ ગયો. તે પછી તેમણે હાથ પાછો છુપાવીને બહાર કાઢતાં તે જેવો હતો તેવો થઈ ગયો.
(૧૬૫/૧૬૬) અજગર અને નુરાની ચળકતા હાથનો ચમત્કાર જોયા પછી ફીરઓન નરમ પડી ગયો અને હ. મુસા (અ.)ની દઆવત સ્વીકારવાનો વિચાર કરવા લાગ્યો, પરંતુ તેના પ્રધાન હામાને કહ્યું કે “હ. મુસા મહાન જાદુગર છે. તમે તેનાથી છેતરાવ નહી, બલ્કે તમારે દેશના સઘળા જાદુગરોને એકઠા કરીને તેનો સામનો કરવો જોઈએ. એમ નહી કરશો તો આપણું રાજ્ય અને તમારી ખુદાઈ નાશ પામશે.” પોતાના પ્રધાન હામાનની એવી સલાહથી ફીરઓનનો વિચાર બદલાઈ ગયો. તેણે પોતાના સરદારોને કહ્યું કે, આ કોઈ જાદુગર લાગે છે; તેની ઈચ્છા છે કે પોતાના જાદુના બળે તે તમોને પોતાના વતનમાંથી હાંકી મુકે. બોલો એ માટે તમારી શું સલાહ છે ?
(૧૬૬) સરદારોએ જવાબમાં જણાવ્યું કે, હમણા તો હ. મુસા તથા તેના ભાઈથી મુદત માંગી લેવી ઉચિત લેખાશે, દરમ્યાન આપણે માણસોને શહેરોમાં મોકલી પ્રવીણ અને નામાંકિત જાદુગરોને તેમના મુકાબલા માટે એકઠા કરી શકીશું. આ વાત ફીરઓનના ગળે ઉતરતા તેણે હ. મુસા (અ.)થી મુદત માંગી; અને હ. હારૂનને લઈ હ. મુસા (અ.) પોતાને સ્થાને જઈ છ માસ સુધી અલ્લાહની ઈબાદતમાં મશગુલ રહ્યા.
કુરાને શરીફની તફ્સીરોમાં વર્ણન છે કે: ફીરઓને પોતાના કર્મચારીઓ અને સરદારોની સલાહ અનુસાર પોતાના રાજ્યમાંના બધા જાદુગરોને એકઠા કર્યા, જેની સંખ્યા ૧૨૦૦૦ ની થઈ. એમાં સાદુર, ધાદુર, ખતત અને મરફી એમ ચાર મોટા અને હોંશીયાર જાદુગર હતા. અને એ ચારનો વડો સમઉન નામનો એક જાદુગર હતો. તેઓએ ફીરઓન અને તેના સરદારોની મુલાકાત લીધી, અને જો હ. મુસા (અ.) ઉપર તેઓ વિજય મેળવે તો તે માટે તેમને મોટો બદલો મળવો જોઈએ એવી માંગણી કરી, આ ઈલાહી વાણીમાં ધંધાદારી જાદુગરો ઉપર પયગમ્બરની ફઝીલત દર્શાવેલી છે. પયગમ્બરો બદલાની કાંઈ પણ આશા રાખ્યા વિના અલ્લાહને માર્ગે જગતના કલ્યાણ અર્થે કામ કરતા હોય છે, જ્યારે જાદુગરો સ્વાર્થના ગુલામ હોઈ લોકોને અવળે માર્ગે દોરવી જાય છે.
બીજો એક એવો ઉલ્લેખ મળી આવે છે કે, ફીરઓને ૧૨૦૦૦ જાદુગરોને એકઠા કરી, તેમને મોટા મોટા ઈનામોની લાલચો આપી, અને તેથી જાદુગર લાલચોને વશ થઈ પોત પોતાની કળા અને ઈલ્મ મુજબ મોટી મોટી કરામતોની તૈયારીઓ કરવા લાગી ગયા. જાદુગરોએ સઘળી તૈયારીઓ પુર્ણ કરી લીધા પછી ફીરઓને હ. મુસા (અ.)ને પોતાની સચ્ચાઈ સાબિત કરવા કહેણ મોકલાવ્યું.
હ. મુસા (અ) અને જાદુગરોની કસોટી કરવા એક ભવ્ય મેદાનમાં પ્રબંધ કરવામાં આવ્યો. મુકાબલાના દીવસે મીસરી પ્રજા ટોળાબંધ એકઠી થઈ. ફીરઓન પોતાના દરબારીઓ સાથે મેદાનમાં આવીને સીંહાસન ઉપર બેઠો. જાદુગરો મેદાનમાં આવીને ઉભા રહ્યા, તેની સામે હ. મુસા (અ.) અને હ. હારૂન (અ.) ખાલની ટોપી અને બાલના ઝબ્બા પહેરી, કમર પર લટકતી દોરી રાખી, હાથમાં લાકડી લઈને આવ્યા.
(૧૬૭) પ્રથમ તો હ. હારૂને ઉલમાઓ સાથે મઝહબી વાદવિવાદનો આરંભ કર્યો, જેમની સચોટ દલીલો સામે ઉલ્માઓ કે ખુદ ફીરઓન મુદ્દલ ટકી શકયા નહી અને શરમાઈને લાજવાબ બની ગયા.
ત્યારબાદ જાદુગરોએ હ. મુસા (અ.)ને કહ્યું કે, હવે તમારો ચમત્કાર દેખાડો પરંતુ હ. મુસા (અ.)એ પહેલા જાદુગરોને પોતાની કળા દેખાડવાનું કહ્યું. જાદુગરોએ તમામ તમાશો જોનારાની નજર બાંધી લીધી અને પછી પોતાની રસ્સીઓ અને લાકડીઓ જમીન પર નાખી, એ સધળી સર્પો જેવી બની ગઈ અને એ સર્પો મેદાનમાં અહિંતહીં દોડવા લાગ્યા, અને હ. મુસા (અ.) તરફ જવા લાગ્યા. અસંખ્ય સર્પોને અહિંતહીં દોડતા જોઈ પ્રેક્ષકો ગભરાટમાં પડી આમતેમ નાસવા લાગ્યા. હવે હ. મુસા (અ.)ને તેમની સામે પોતાની લાકડી નાખવાનો ઈલાહી હુકમ થયો. હ. મુસા (અ.)એ લાકડી ફેંકતા તે અજગર બની ગઈ અને જાદુગરોની રસ્સીઓ અને લાકડીઓ કે જે સર્પોના સ્વરૂપમાં હતી તે બધીને ગળી ગઈ, જેથી આખું મેદાન સાફ થઈ ગયું. આ વખતે ઈલાહી હુકમ થયો કે, અય મુસા, હવે તારી 'અસા' પકડી લે, નહિ તો તે મુલ્કે મીસરને તબાહ કરી નાખશે. અલ્લાહના ફરમાનને તાબે થઈ હ. મુસા (અ)એ અઝદાહને હાથ લગાડતા તે લાકડી બની ગઈ. ખુલ્લા મેદાનમાં ફીરઓન અને તેના સાથીઓની આ પ્રમાણે હાર થતા તેઓ ખસીયાણા પડી ગયા.
હ. મુસા (અ)એ ખુદાઈ ઈચ્છા અને પોતાના રૂહાની બળ વડે મહાન જાદુગરોના જાદુને તોડી પાડવાથી જાદુગરોને પોતાની અસત્યતા જણાઈ આવી અને તેથી તેઓના ઉપર સારી અસર થઈ, અને હ. મુસા (અ.)ની દઆવત માન્ય કરી, સત્ય ધર્મનો સ્વીકાર કરી, તેના ઉપર ઈમાન લાવી તેઓ સિજદામાં પડી ગયા અને બા-પોકાર કરી કહેવા લાગ્યા કે, અજાયબીભરી કુદરતની કરામતો નિહાળ્યા પછી, અમે હ. મુસા (અ.) તથા હ. હારૂન (અ.)ના ખુદા ઉપર ઈમાન લાવ્યા છીએ, જે બરહક અને સાચો ખુદા છે, અલબત તેના સીવાય બીજો કોઈ માબુદ નથી.
આવી રીતે જાહેરમાં પોતાની હલકાઈ થતી જોઈ ફીરઓન એકદમ ઉશ્કેરાઈ ગયો અને જાદુગરો ઉપર રોષે ભરાઈને કહેવા લાગ્યો કે, તમારો ખુદા હું છું, એમનો ખુદા તમને શું આપશે ?
જાદુગરોએ કહ્યું કે, અય બાદશાહ ! તમે અમને લલચાવી ગુનાહમાં ગીરફ્તાર કરાવ્યા છે, પણ તે ગફુરોરહિમ છે, અમને ઉમ્મીદ છે કે તે માલીક અમારા ગુનાહ બક્ષી આપશે.
(૧૬૮) એ સાંભળી ફીરઓન ઘણોજ ક્રોધે ભરાણો અને કહ્યું કે, યાદ રાખજો આની સજા ઘણી ભયંકર છે, જો તમે તમારી જીદ ચાલું રાખશો તો હું તમારા હાથ પગ કપાવીને તમને સૂળીએ ચઢાવીશ.
હાથ પગ કાપી નાખવાનો રિવાજ અહિંથી શરૂ થયો છે. એ પહેલા કોઈએ એવી શિક્ષા કરી નહોતી.
સત્ય ધર્મ તરફ આવેલાઓ ઉપર ફીરઓનની એ પ્રકારની ધમકીઓ કાંઈ અસર કરી નહી અને તેઓએ નીડરતાથી ફીરઓનને જણાવી દીધું કે, “અમે સ્વીકારેલો માર્ગ સાચો છે છતાં તમે જુલ્મ કરવા માગતા હો તો ભલે કરો; પરંતુ અમે તો એક ખુદા ઉપર અને હ. મુસાના ઉપર યકીન લાવ્યા છીએ અને એવા ઈમાન સાથે જ મરી જવા ઈચ્છીએ છીએ.”
ફીરઓને જાદુગરોની આવી મક્કમતા જોઈ, જલ્લાદોને તેમના હાથ પગ કાપી ફાંસીએ લટકાવી દેવાનો હુકમ કર્યો.
હુકમ મુજબ જલ્લાદોએ જ્યારે જાદુગરોના હાથ પગ કાપી નાખી ફાંસીના લાકડે ચડાવ્યા ત્યારે જાદુગરોએ કહ્યું કે, અમે ફાંસીથી ડરતા નથી, આખરે મરીને અમારે અલ્લાહના દરબારમાં તો જવાનું જ છે. અમે હક્કનો સ્વીકાર કર્યો છે. તે માલિક અમારા ગુના બક્ષી આપશે. ત્યારબાદ જાદુગરો ઈમાન સાથે હકનો કલમો પઢી શહીદ થયા. હ. મુસા (અ.) તથા હ. હારૂન (અ.)એ જાદુગરોની ફિદાગીરી જોઈ ખુદાતઆલાના દરબારમાં તેમના હકમાં ભલી દુઆ માંગી અને માલિકના શુક્રાના અદા કરી, પોતાના ઘર તરફ રવાના થયા.
મીસરી જાદુગરોના અહોભાગ્ય ગણાય કે તેઓ પાપાચારમાંથી મુક્ત થઈ એટલા ટૂંક વખતમાં હ. મુસા (અ.)ની દઆવત સ્વીકારી સત્ય માર્ગે ચડી ખુદાની કસોટીમાંથી પસાર થયા. તેઓ હજી સવારના તો હરીફાઈના મેદાનમાં અધર્મિ તરીકે આવ્યા હતા. દહાડો ચડતા તેમણે પોતાની જાદુઈ શક્તિનું પ્રદર્શન કર્યું અને બપોરે અલ્લાતઆલાની દરબારમાં પશ્ચાતાપ કરી સિજદામાં પડ્યા. સાંજે ફીરઓને તેમના હાથ પગ કપાવ્યા અને મોડી સાંજે તેમને સુળીએ ચડાવી દેવામા આવ્યા. આ દ્રષ્ટાંત અદભૂત છે કે જેઓ સવારના અધર્મમાં અથડાતા હતા અને સાંજે ઈમાનદાર બની જન્નત તરફ પ્રયાણ કરી જગતમાં સાચા ફીદાઈઓ તરીકે પોતાનું નામ અમર કરી ગયા.
(૧૬૯) પોતાને સોંપાયેલી ફરજ અનુસાર હ. મુસા (અ.) તથા હ. હારૂને ૪૦ વર્ષ સુધી ફીરઓનને ખુદાના ઘરની દઆવત કરી, પણ તે પાપી છેવટ સુધી માન્યો નહીં, બલ્કે પોતે ખુદા છે એવો ખોટો દાવો કરતો રહ્યો. આ પ્રમાણે વીશ વર્ષ વીતી ગયા.
એક દીવસ “આસીયાખાતુન” કંગઈથી પોતાના માથાના વાળ સમારી રહ્યા હતા, તે વખતે તેમના હાથમાંથી કંગઈ પડી ગઈ, પાછી ઉંચકવા જતાં તેમનાથી કહેવાઈ ગયું કે, યા રબ્બુલઆલમીન તું ફીરઓનને ગારત કર. આ શબ્દો ફીરઓન સાંભળી ગયો તેથી તેણે આસીયાખાતુનને કહ્યું કે, તું મુસાનો મઝહબ ત્યાગી દે, હું તેના બદલામાં તને સોનાનો મહેલ બનાવી આપીશ. જવાબમાં આસીયાખાતુને કહ્યું કે મને દુનીયાના સોનાના મહેલની ઈચ્છા નથી. ફીરઓને કહ્યું કે, જો તું મારૂં ફરમાન નહીં માનશે તો હું તને ભયંકર અઝાબમાં નાખીશ. આસિયાએ જવાબમાં નીડરતાપુર્વક કહ્યું કે, તમને યોગ્ય લાગે તેવી રીતે મારી જાન લઈ શકો છો. હું તો “લા ઈલાહા ઈલલ્લાહ મુસા કલીમુલ્લાહ”નો કલમો પડી, હ. મુસાના દીન ઉપર ઈમાન લાવી ચુકી છું, હવે હરગીઝ મારા મઝહબથી બેવફા થઈશ નહીં; એ સાંભળી ફીરઓને જલ્લાદોને બોલાવી આસીયાખાતુનના હાથ પગમાં ખીલા ઠોકી જાનથી મારી નાખવાનો હુકમ કર્યો.
હુકમ થતાંજ જલ્લાદોએ “આસીયાખાતુન”ને જમીન ઉપર સુવાડી તેમના નાજુક હાથ પગમાં ખીલા ઠોક્યા. ખાતુન તરફડવા લાગ્યા, પોતે ચાહતા હતા કે પ્રાણ પંખેરૂં જલદી નીકળી જાય તો સારૂં છતાં હૈયાતી હોય તેટલા દમ તો ઈન્સાને લેવાજ જોઈએ તેથી ખાતુને ઈલાહી દરબારમાં દુઆ માંગી કે, યા રબ ! આ આઝાબથી તું મને મુકત કર. ખુદાએ દુઆ કબુલ કરી. એક ફીરસ્તો ઈન્સાન રૂપમાં આવી, ફુલ આપી ખાતુનને સુંઘવા કહ્યું. ખાતુને જેવું ફુલ સુંધ્યું કે તરતજ તેમનો આત્મા આ જગતમાંથી પરલોક ચાલ્યો ગયો.
(૧૬૯/૧૭૦) તે બાદ એક વખત ફીરઓને પોતાના અમીર ઉમરાવો સમક્ષ વિચારો જાહેર કરતાં કહ્યું કે, આપણે મુસાને મારી નાખવો જોઈએ. જો તેમ નહીં કરીશું તો તે તમારી માન્યતાઓને આડે આવશે. સાથે મુલ્કમાં ખરાબીઓ પેદા કરશે. એ સાંભળી ફીરઓનની કોમમાંથી એક શખ્સ કે જે હ. મુસા (અ.)ના દીન ઉપર ઈમાન લાવ્યો હતો તેણે કહ્યું કે ખરેખર મને બીક લાગે છે કે આવું અધમ પગલું ભરવાથી, અગાઉ હ. નુહ, હ. આદ, હ. સમુદ અને જેટલા હીદાયત કરનારાઓ થઈ ગયા છે તેમની કોમ ઉપર ગુમરાહીને કારણે જે આફતો આવી ગઈ હતી, તેવી મુશીબતો અહીંના લોકો ઉપર પણ આવે. જો કે અલ્લાહ કોઈ ઉપર જુલ્મ કરતો નથી, પણ જ્યારે ઈન્સાન ખુદ જુલ્મગાર બને છે, ત્યારે તેનુંજ પાપ જુલ્મના રૂપમાં આવી, જુલ્મગારોનેજ નાબુદ કરી મુકે છે. ચોક્કસ માનજો કે મારા આ શબ્દો આગળ જતા તમને યાદ આવશે.
(૧૭૦) તે ઉપરથી ફીરઓનના સરદારોએ ફીરઓનને ઉશ્કેરતા જણાવ્યું કે, આ શખ્સે કહેલી હકીકત ઉપરથી શું તમે હ. મુસા અને તેની કોમને જવા દેવા માંગો છો કે જેથી તેઓ મુલ્કમાં ફીસાદ કરે અને તમારો તેમજ આપણા બુતોનો નાશ કરે ?
પણ હ. મુસા (અ)એ જાદુગરોને આપેલો જવાબ એટલો બધો સચ્ચોટ હતો કે તે વડે ફીરઓનના હાંજા ગગડી ગયા હતા. તેણે પોતાના સરદારોને સધ્યારો આપતા કહ્યું કે, હું આગળ પ્રમાણે ઈસરાઈલના છોકરાઓને કત્લ કરાવીશ, જેથી તેમનો વંશ કપાઈ જશે અને તેમની છોકરીઓને જીવતી રાખી આપણી ગુલામ બનાવી દઈશું'. એ પ્રજા આપણી ગુલામ છે, એટલે આપણે બની શકશે તેટલી મુશ્કેલીઓ ઉભી કરી એ પ્રજાનો નાશ કરશું'.
ફીરઓનની દયાહીન વલણથી બની ઈસરાઈલને અતિશય ત્રાસ છુટ્યો અને ભય પામીને હ. મુસા (અ.) પાસે ફરીયાદ લઈ ગયા કે, કિબ્તીઓ અમારા ઉપર જુલ્મ ગુજારી રહ્યા છે. રાત-દિવસ અમારી પાસે મજુરી કરાવે છે, અને અમને ગુલામ બનાવી રાખ્યા છે. વેઠ દરમ્યાન અમે જરા પણ થાક ઉતારીએ કે, બેસીએ તો ચાબુકનો એવો માર મારે છે કે ચામડી ચીરાઈ જઈ લોહીની ધારા છુટે છે અને એવી જ સ્થિતીમાં ફરી કામે લાગી જવું પડે છે. નહી તો વધારે માર પડે છે. આપના આવ્યા પછી ફીરઓન વધારે નિર્દય બન્યો છે. વળી અમારા પુત્રોનો વધ કરવાનો પણ એણે નિર્ણય કર્યો છે.
હ. મુસા (અ)એ ફરમાવ્યું કે, અલ્લાહની મદદ માંગો અને મઝહબ ઉપર કાયમ રહો, જમીન અલ્લાહની છે, અને તે ઈચ્છે તેને પોતાના બંદામાંથી તેને વારસ બનાવે છે. ખરી રીતે જુલ્મગારોથી ડરવાનું નથી, આપણે તો હક પરસ્ત છીએ. એ વખત હવે નીકટ આવી લાગ્યો છે કે, અલ્લાહ આપણા એ જુલ્મગાર દુશ્મનોનો નાશ કરશે અને તમને ફતેહ આપશે અને જ્યારે તમે આ મુલ્કના અધિકારી થશો ત્યારે તમે મારા પ્રત્યે કેવી વફાદારી બતાવો છો તે હું જોઈશ.
(૧૭૦/૧૭૧) હ. મુસા પયગમ્બર હોવાની ખાત્રી બદલ ખુદા તરફથી નવ નિશાનીઓ તેમને આપવામાં આવી હતી કે જરૂર પડતા કાફરો સામે તેનો ઉપયોગ કરી, તેઓ મુશ્કેલીમાંથી મોમિનોને બચાવી શકે, એ નવ નિશાનીઓ આ પ્રમાણે હતી.
(૧૭૧) (૧) અસા, (૨) યદે-બયઝા, (૩) તૂફાન, (૪) દુષ્કાળ (૫) તીડ, (૬) જુ, (૭) દેડકા, (૮) લોહી ,કે જે પાણીમાં પ્રસરી જતું, (૯) કરા, કે જેના વરસાદથી વનસ્પતી અને પ્રાણીનો નાશ થાય.
એવો પણ ઉલ્લેખ મળી આવે છે કે, હ. મુસા (અ.)એ ફીરઓનને બની ઈસરાઈલીઓને તેમના વતને પાછા જવા દેવાની છુટ આપવા ચાલીશ વર્ષ સુધી સમજાવ્યું હતું કે જેથી એ કોમ ફીરઓનના જુલ્મથી મુકિત મેળવી શકે, પણ ફીરઓને તેમની વાત માની નહી અને પોતાની હઠ ઉપર કાયમ રહ્યો.
(૧૭૧/૧૭૨) એ પ્રમાણે જ્યારે ફીરઓન અને તેના લોકો જુલ્મ ગુજારવામાં હદ કુદાવી ગયા, ત્યારે તેઓની ઉપર હ. મુસા (અ.)ની નિશાનીઓ એક પછી એક આફત રૂપે આવવી શરૂ થઈ. પ્રથમ આઠ દિવસ સુધી રાત દહાડો મુશળધાર વરસાદ પડ્યો જેને લીધે ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા, ઘણી ઈમારતો પડી ગઈ. આ આફતને જોઈ તેઓ હ. મુસા (અ )ને બલા દુર કરવા અરજ ગુજારી અને તેમના દીન ઉપર ઈમાન લાવવાનું વચન આપ્યું; એ ઉપરથી હઝરતે ખુદાના દરબારમાં પ્રાર્થના કરી અને બલા તેમના ઉપરથી દુર થઈ. પરંતુ એ આફતમાંથી જેવા તેઓ મુક્ત થયા કે તરત જ બેઈમાની તરફ પાછા વળ્યા; એથી ખુદાતઆલાએ તીડ મોકલ્યા. તીડના ધાડા આવીને ખેતરોનો સઘળો પાક અને લીલોતરી ખાઈ ગયા, તેથી તેઆએ પ્રશ્ચાતાપ કરી ખુદામાં આસ્થા રાખવાનું ફરી વચન આપ્યું. અલ્લાહે કૃપા કરી તેમને આ સજામાંથી મુક્ત કર્યા. આફત ટળી જતા તેઓ પોતાના અધર્મિ૫ણાને વળગી જ રહ્યા અને હ. મુસા (અ.)ને જાદુગર કહેવા લાગ્યા. તે ઉપરથી ખુદાતઆલાએ દેડકા મોકલ્યા જે ઠેર ઠેર ફેલાઈ ગયા, દરબારી સ્થળ પણ દેડકાઓથી ભરાઈ ગયું. તે લોકોના બીછાનાઓમાં ભરાઈ ગયા અને ઉંઘમાં તેમની ઉપર દોડાદોડ કરવા લાગ્યા. અને છેવટે તેઓના મોઢા અને કાનો સુધી પણ પહોંચી ગયા. ફરી ખુદાએ તેમને એ આફતમાંથી બચાવ્યા. પણ તેઓ પોતાના મુળ સ્વભાવથી ડગ્યા નહી, એથી ખુદાતઆલાએ નીલ સમુદ્રનું પાણી લોહીમાં ફેરવી નાખ્યું. રાંધવા તથા જમવાના વાસણમાં કે પીવામાં તેમને લોહીજ દેખાતું હતું. એ સઘળા સંકટો અને આફતો ફીરઓનની ફકત કિબ્તી કોમ ઉપરજ ઉતરી હતી અને બની ઈસરાઈલ કોમ એ બલાઓથી બચી ગઈ હતી. આ સઘળું અનુભવવા છતાં તેમાંથી બોધ ગ્રહણ કરવાને બદલે તેઓ હ. મુસા (અ.)એ જાદુ કર્યું છે, એમ કહેતા હતા, અને તેઓએ આવી વિશમ સ્થિતિમાં પણ પોતાની ગુમરાહી છોડી નહિ.
(૧૭૨) આમ નવ નિશાનીઓ હ. મુસા (અ.)એ બતાવી અને એની ફરીયાદ તેઓએ ફીરઓનને કરી, જે સાંભળી એ ભયભીત બની ગયો અને હ. મુસા (અ.) પાસે આવીને કહ્યું કે, અય મુસા ! પુકારો તમારા ખુદાને કે જેણે તમને આ બધું શીખવ્યું છે જે તમે અમારા ઉપરથી આ આઝાબો દુર કરશો તો અમે તમારા ખુદા અને તમને કબુલ કરીશું. આવી આવી રીતે તે હઝરતના આદેશ મુજબ ચાલવા તૈયાર થતા અને બીજી પળે આપેલા વચનથી ફરી જઈ પોતાની હઠ ઉપર કાયમ રહેતા, ફીરઓને છેવટે વિચાર્યું કે, હ. મુસા તથા ઈસરાઈલીઓને મીસરમાં રાખવાથી પોતે કે પ્રજા સુખે રહી શકશે નહીં, તેથી લાચારી સહીત બનીઈસરાઈલીઓ અને હ. મુસા તથા હ. હારૂનને મીસર છોડી જવા માટેની મંજુરી આપી. તેણે એવો ઈરાદો કર્યો કે, બની ઈસરાઈલીઓ ગોશનના પ્રાંતમાંથી જેવા રવાના થયા કે તરતજ પાછળથી તેમના ઉપર હુમલો કરી તેમનો નાશ કરી નાખે.
ત્યારબાદ હ. મુસા (અ.) ઉપર ખુદાતઆલા તરફથી વહી નાઝીલ થઈ કે, અય મુસા ! બની ઈસરાઈલીઓને લઈને રાતના સમયે મીસરથી સમુદ્ર કાંઠે જાઓ. ઈલાહી હુકમ અનુસાર હ. મુસા (અ.)ની કોમના છ લાખ માણસો પોતાના પરિવાર સહીત રવાના થવા તૈયાર થયા.
યા અલી મદદ
