Ilm Majalis Logo

ILM MAJALIS

અલ્લાહના રસુલો

રેકોર્ડીંગ - ૧૩

રેકોર્ડીંગ - ૧૩

0:000:00

હ. મુસા (અ.)નું મીસરથી જવું અને ફીરઓનનું તેના લશ્કર સહિત ગારત થવું.

(પેજ-૧૭૨/૧૭૩) ખુદાતઆલાના હુકમથી હ. મુસા (અ.)એ પોતાની કોમને મીસરથી રાતના સમયે રવાના થવાનો હુકમ કર્યો અને તે મુજબ તે કેામના છ લાખ પુરૂષો, સ્ત્રી, બાળકો અને માલમત્તા સહિત મિસર છોડી જવા માટે તૈયાર થયા, એમની સરદારી હ. મુસા (અ)એ હ. હારૂન (અ.)ને આપી. તેએાએ ગેશન પ્રાંતના માર્ગે કુચ નહી કરતા રમાસીસથી ઓન અથવા બેતશમશ માર્ગે સક્રથ શહેરનો માર્ગ લીધો, જે શહેર હાલના કેરો શહેરની નજદીકમાં પુર્વ તરફ હોવાનું અનુમાન છે. ત્યાંથી તેઓ એથામ ગામમાં આવ્યા, કે જે હાલના સૂએઝ બંદરની ઉત્તર પશ્ચીમે આસરે ૧૦ થી ૧૨ માઈલ દુર હોવાનું અનુમાન છે. એથામથી જમીન માર્ગે પેલેસ્ટાઈન તરફ જવાનો સીધો માર્ગ હોવા છતાં ત્યાંથી નહી જતા હ. મુસા નબી પોતાના કાફલાને લઈ દક્ષિણ દીશા તરફ જવા લાગ્યા, જે રાતા સમુદ્રના પશ્ચીમ ઉત્તર કિનારે આવેલા પીહારોથ નામના ગામડા પાસે આવેલ હોવાનું મનાય છે પીહારોથ હાલના સૂએઝ બંદરની દક્ષીણે આસરે ૨૦ માઈલ દૂર ઈજીપ્તના કિનારા પર હોવાનું મનાય છે.

(૧૭૩) બીજી સવારે ફીરોનને જાણ થઈ કે, ઈસરાઈલીઓ રાત્રે મીસરનો ત્યાગ કરી ચાલ્યા ગયા છે, એટલે તેણે સાત લાખનું એક ગંજાવર લશ્કર તૈયાર કર્યું, અને તેની સરદારી વજીર હામાનને આપી; પોતે પણ લશ્કર સાથે ઈસરાઈલીઓની પુંઠ પકડવા રવાના થયો.

ફીરઓન અને હામાનનું ધારવું હતું કે, બની ઈસરાઈલીઓ ગોશન પ્રાંતના માર્ગે જશે, પણ તેમની તે માન્યતા ખોટી પડી.

પીહારોથ પહોંચતા હ. મુસા (અ.)ને સમાચાર મળ્યા કે ફીરઓન લશ્કર સહીત આવી રહ્યો છે.

ફીરઓનના જંગી લશ્કરને જોઈ ઈસરાઈલીઓ કંપી ઉઠ્યા, અને કંપતા હઈડે કહ્યું કે, અય મુસા ! કદાચ હવે આપણે પકડાઈ જઈશું. હ. મુસા (અ)એ આશ્વાસન આપતા ફરમાવ્યું કે, ફિકર કરશો નહીં, મારો રબ મારી સાથે જ છે. તે માર્ગદર્શક બનશે અને આપણને સહાય કરી બચાવી લેશે.

એવામાં હ. જીબ્રાઈલે આવી ખુદાનો પયગામ કહ્યો કે, અય મુસા ! 'અસા'ને સમુદ્રના પાણી ઉપર મારો. તેમ કરતાં પાણી વચ્ચે માર્ગ થઈ ગયો, તે માર્ગે હ. મુસા (અ.) પોતાની કોમ સહીત ચાલીને સામે કિનારે જઈ પહોંચ્યા.

(૧૭૩/૧૭૪) તેટલામાં ફીરઓન લશ્કર સાથે સમુદ્ર કિનારે આવી પહોંચ્યો. હ. મુસા (અ.) અને તેમના અનુયાયીઓને દરિયા વચ્ચેથી પસાર થતા જોઈ ફીરઓનને તે માર્ગે જઈ ઈસરાઈલીઓની પુંઠ પકડવા વિચાર થયો. પણ તેને શંકા થઈ કે કદાચ પોતે લશ્કર સાથે ડુબી તો નહીં જાય ? એવો ખ્યાલ આવતા તેણે લશ્કરને આગળ નહીં વધવા હુકમ કર્યો; પણ ઈસરાઈલીઓ માટે તેના દીલમાં ઘણોજ કીન્નો હોવાથી તેને પકડી પાડવા કયો માર્ગ લેવો તેના વિચારમાં અટવાઈ પડ્યો. એ વખતે હ. ઈજરાઈલ અમીન ઘોડી ઉપર સ્વાર થઈ, ફીરઓનના ઘોડેસ્વારોની સામેથી પોતાની ઘોડીને સમુદ્ર તરફ હંકારી મુકી. ફીરઓનના ઘોડાઓ ઘોડીને જોઈ તરતજ તેની પાછળ દોડ મુકી અને એ જોઈ લશ્કરના ઘોડાઓ પણ તેની પાછળ દોડવા લાગ્યા. આ વખતે ફીરઓને પોતાના ઘોડાને રોકવા શક્ય તેટલા બળનો ઉપયોગ કર્યો પણ તે કારગત નીવડ્યો નહીં. પરીણામે તે પોતાના લશ્કર સહીત સમુદ્રના મધ્યભાગમાં આવી ફસાણો. જ્યારે હ. મુસા (અ.) પોતાની કોમ સાથે સામે કિનારે પહોંચી ગયા હતા, એ વખતે ખુદાનો હુકમ થયો અને તે અનુસાર હ. મુસા (અ.)એ સમુદ્રના પાણી ઉપર અસા મારી. એટલે તરતજ સમુદ્રમાં પાણી ઉછાળા મારવા લાગ્યું અને સર્વત્ર પાણી પાણી થઈ ગયું અને ફીરઓન પોતાના લશ્કર સહીત સમુદ્રમાં ગારત થઈ ગયો; પણ તેનો બેઈમાન વજીર હામાન યુક્તીપુર્વક ઘોડા ઉપરથી કુદી પડ્યો અને મીસર તરફ ભાગી ગયો.

(૧૭૪) સુજ્ઞ વાંચકો ! આપણે અહીં એક વિચારવાયોગ્ય હકીકત ઉપર દ્રષ્ટી કરીશું તો જણાશે કે, ખુદાતઆલાએ જુલમગાર ફીરઓનને ઘણી છુટ આપી, હીદાયત કરવા હ. મુસા અને હ. હારૂનને મોકલ્યા. તેઓએ તેને નસિહત કરી છતાં હઠાગ્રહી ફીરઓને તેની દરકાર નહીં કરતા પોતાની મગરૂરી ઉપર કાયમ રહ્યો એથી એનો નાશ થયો.

ખુદાતઆલાએ હ. મુસા (અ.) તથા હારૂન (અ.)ને વહી દ્વારા ફરમાવ્યું કે, તમે સઘળા પાછા મીસરમાં જાઓ અને ફીરઓન તથા તેમના સાથીઓના ધન-માલનો કબજો લઈ તેનો ભોગવટો કરો. ઈલાહી ફરમાન અનુસાર હ. મુસા (અ.) બની ઈસરાઈલીઓને પાછા મીસરમાં લઈ આવ્યા. જ્યાં તેમને કરોડોનો ખજાનો હાથ આવ્યો અને તેઓએ પોતાની સત્તા જમાવી અને તેમના ઘરોમાં સુખચેનથી રહેવા લાગ્યા. ત્યારબાદ કેટલાક ઈસરાઈલીઓ કીબ્તીઓની કુસંગતમાં ઉતરી ગયા અને બુતપરસ્તી કરવા લાગ્યા. એ જોઈને હ. મુસા (અ)એ તેઓને અગાઉની મુશીબતોની યાદી આપી અને એ માર્ગેથી પાછા ફરવાની હીદાયત કરી, પરંતુ બની ઈસરાઈલના એ ભટકેલા લોકો ઉપર કાંઈ અસર થઈ નહીં અને કહેવા લાગ્યા કે અમારા માટે કીબ્તીઓના ખુદા પ્રમાણેનો ખુદા હોવો જોઈએ અને તે તમે બનાવી આપો. આવી અજ્ઞાનતા જોઈ હ. મુસા (અ.) એવા લોકોને તેમના ઉપર જ્યાં મુશીબત પડી હતી અને ફીરઓનના ભયથી નાસભાગમાં પડી ગયા હતા, તે દરિયા કિનારા ઉપર લઈ આવ્યા. અહીં આવતા બની ઈસરાઈલને પોતાની પુર્વેની સ્થિતી યાદ આવી અને તેમાના કેટલાક પવિત્ર અને પરહેઝગાર લોકો રડવા લાગ્યા, એથી હ. મુસા (અ.)એ તેમને ગુનાહ માફ કરવા માટે દુઃઆ ગુજારી.

બેઈમાન હામાન કે જે ફીરઓનનો વજીર હતો તે મીસરમાં આવી ગયા પછી આંધળો બની ગયો હતો, અને શેરીએ શેરીએ ભટકી ભીખ માંગી પોતાની આજીવીકા પુરી કરતો હતો. એ પ્રમાણે તેને તે દુષ્ટ કૃત્યોનો બદલો મળ્યો હતો.

(૧૭૫) ત્યારબાદ હ. મુસા (અ)એ પોતાના બાલબચ્ચાં અને જનાવરો કે જે “કોહેતુર” પાસેના જંગલમાં હતા તેમને મીસરમાં લાવી પોતાની માતાને હવાલે કર્યા.

એવો પણ ઉલ્લેખ મળી આવે છે કે, અઢી વરસના અરસા દરમ્યાન હ. મુસા (અ.)ના પિતા ઈમરાન અને બહેન મરીયમ વફાત પામ્યા હતા.

હ. મુસા (અ)નું વધુ વૃતાંત હવે પછીના અન્ય પ્રકરણમાં આપવામા આવશે.

હ. મુસા (અ.)નું “કોહેતુર” ઉપર જવું.

ઈસ્ફહાનીના કુરઆનમાં જણાવેલું છે કે, ફીરઓનનો નાશ થયા પછી ઈસરાઈલના પુત્રો માટે ધર્મના સઘળા જરૂરી કાયદાનું લખેલું એક પુસ્તક ખુદાતઆલા પાસેથી લાવી આપવા હ. મુસા (અ.)એ લોકોને વચન આપ્યું હતું; અને જ્યારે તેએાએ તે પુસ્તક લાવવાની હઝરતને અરજ કરી ત્યારે ખુદાતઆલાએ ખુદ પોતાની સાથે વાત કરવાનો લાભ મેળવવા માટે, ૩૦ દિવસના રોઝા રાખી તે કામ માટે તૈયાર થવાની અને તે રઝા પુરા થયા બાદ, “સીનાઈ પહાડ” ઉપર આવવાની હ. મુસા (અ.)ને આજ્ઞા કરી. જ્યારે ત્રીસ દીવસના રોઝા પુરા થયા અને હુકમ અનુસાર ત્યાં ગયા ત્યારે તેમને ૧૦ દીવસના વધું રોઝા રાખવાનું ફરમાન થયું. હ. મુસા (અ.)એ તે મુદત પુરી કરી ત્યારે ખુદાએ તેની સાથે વાત કરી અને “તૌરેત” આપશે એમ ફરમાવ્યું.

હ. મુસા (અ.) “કોહેતુર” ઉપર ખુદાની સાથે હમ-કલામ કરવા રવાના થયા ત્યારે તેઓ પોતાની ગેરહાજરીમાં હ. હારૂન (અ.)ને પોતાના પ્રતિનિધિ તરીકે લોકોના પેશવા યાને ઈમામ નીમી ગયા. પાક-પરવરદિગારે હ. મુસા (અ.)ને એક માસ માટે કોહેતુર ઉપર તેડાવેલ, ૫ણ પાછળથી દસ દિવસનો વધારો કર્યો એટલે તેઓનું પહાડ ઉપર રોકાણ વધી ગયું, તેથી ઈસરાઈલીઓમાં બેચેની ઉત્પન્ન થઈ ગઈ.

(૧૭૫/૧૭૬) હ. મુસા (અ.)એ કોહેતુર ઉપરથી આવીને લોકોને ફરમાવ્યું કે, ખુદાતઆલા મારી ઉપર તૌરેત કિતાબ નાઝીલ કરશે, તેમાંથી હું તમને શરીયતનું શિક્ષણ આપીશ, તે ઉપરથી તમે હીદાયત મેળવી શકશો. બની ઈસરાઈલીઓએ કહ્યું કે, અય મુસા ! જ્યાં સુધી અમે પોતાની આંખોથી ખુદાને જોઈશું નહી, ત્યાં સુધી તમારી વાત ઉપર કદી પણ ઈતબાર કરશું નહીં. હ. મુસા (અ.)એ ફરમાવ્યું કે, અય લોકો દુનિયાની વાતો જાહેરી કાનોથી સાંભળી શકાય છે, જ્યારે ખુદાતઆલાની વાતો હૃદયના કાનોથી જ અનુભવી શકાય છે; પણ હઠાગ્રહીઓ કોઈ કાળે માનવા તૈયાર નહોતા, બલકે હ. મુસા (અ.)ને કહેવા લાગ્યા કે અમને જે સંદેશો તમે સંભળાવ્યો છે તે અમે અમારા કાનોકાન સાંભળવા ઈચ્છીએ છીએ; એ ઉપરથી હ. મુસા (અ.)એ તે કામ માટે પરહેઝગાર અને પવિત્ર માણસોની માંગણી કરી અને કહ્યું કે, “ફકત નેક લોકોને એ મોકો મળી શકશે.” તે બાદ ૭૦ માણસોને પસંદ કરવામાં આવ્યા અને તેઓ પાક પાકીઝા થઈને હ. મુસા (અ.) સાથે કોહેતુર ઉપર ગયા અને તેએાએ ખુદાની નઝદીકી હાંસલ કરી એટલે હ. મુસા (અ)એ અરજ ગુજારી કે, યા ખુદા જલલશાનહુ ! મારી સાથે આવેલી જમાત પરહેઝગાર લોકોની છે, તેમને તારા શબ્દો સાંભળવા છે માટે તું એમની સાથે વાત કર. એ બાદ કોહેતુર ઉપર રકીક અર્થાત બારીક અને ખુનુક એટલે ઠંડા વાદળાના સ્વરૂપે નુર જાહેર થયું અને તે ધીરે ધીરે ફેલાતા તેનાથી આખો કોહેતુર ઢંકાઈ ગયો અને હ. મુસા (અ) પણ એ નુરના દરીયામાં છુપાઈ ગયા. પેલા માણસો આ બધું જોયા કરતા હતા, એટલામાં ઈલાહી વાણીનો અવાજ આવ્યો, જેમાં હ, મુસા (અ.)ને પાલન કરવાના અને મનાઈ કરવાના ફરમાન થઈ રહ્યા હતા. આ સાંભળીને તેઓએ હ. મુસા (અ.)ને કહેવા લાગ્યા કે, “તમે ખુદાની સાથે વાતચીત કરી પણ અમે એથી બેનશીબ રહ્યા, એટલામાં તો એક નુરાની ચમક તેમના તરફ એકાએક ધસી આવી અને તેમાંથી અવાજ આવ્યો કે, ''બેશક હું અલ્લાહ છું અને મારા સીવાય અન્ય કોઈ માઅબુદ નથી. મેં તમને મિસરની સરજમીનમાંથી બચાવ્યા એટલા માટે કે મારી બંદગી કરો અને મારા સિવાય કોઈની ઈબાદત કરો નહીં.” એ પછી હ. મુસા (અ.)એ વાદળમાંથી બહાર આવીને કહ્યું કે, તમે ઈલાહીવાણી સાંભળી ? તેએાએ કહ્યું કે, એની ખાત્રી શું કે એજ અલ્લાહતઆલાના વચનો હતા, અમે તો અલ્લાહનો ચહેરો જોઈને શબ્દ સાંભળવા માંગીએ છીએ અને એમ નહી બને ત્યાં સુધી યકીન લાવવાના નથી. અમે દરવેશો અને આત્મજ્ઞાનીઓ માફક યાને દ્રશ્ય વસ્તું અને મુશાહેદા યાને દર્શન યાને દિદાર માંગીએ છીએ. આ લોકો એ મુજબ કહી રહ્યા હતા તેવામાં આકાશમાંથી અગ્નિજવાળા પ્રગટ થઈ અને તેમાં તેઓ બળીને ભષ્મ થઈ ગયા. આ પ્રમાણે હ. મુસા (અ) ઉપર વિશ્વાસ નહી મુકવાના કારણે તેમના ઉપર ખુદાનો કો૫ ઉતર્યો અને તેમનો નાશ થયો.

(૧૭૬/૧૭૭) એ ઉપરથી હ. મુસા (અ)ને ભય લાગ્યો કે થોડા મુર્ખાઓને કારણે આખી કોમ તારાજ થઈ જશે, તેથી તેઓ પુકારી ઉઠ્યા કે, ઓ મારા માલિક હું પાછો જઈને ઈસરાઈલીઓને હવે શું જવાબ આપીશ ? યા બારીતઆલા જો તારી એવી જ ઈચ્છા હતી તો પહેલેથી જ એમને પાણીમાં ડુબાડીને હલાક કરી દેવા જોઈતા હતા, પણ મને તો લાગે છે કે આ એક અજમાએશ છે. સિત્તેર બંદાઓએ તારા વચનો સાંભળ્યા તો તેમને દિદાર કરવાની તમન્ના જાગી અને તે માટે તેમણે એ માંગણી કરી. યા પરવરદિગાર તું રહીમો કરીમ છે, એ માટે અમને ક્ષમા આપજે અને રહેમ કરજે અને કૃપા કરીને આ લોકોને જીવતા કર. હ. મુસા (અ.)ની દુઆ કબુલ થઈ અને તેઓને માફી અપાઈ અને ૭૦ જણા સજીવન થયા. તેમને લઈ હ. મુસા (અ.) પાછા મીસર આવી પહોંચ્યા.

(૧૭૭) કસસુલ અંબીયામાં એમ જણાવેલું છે કે, બીજી વખત હ. મુસા (અ) સીત્તેર પાક પાકીઝા શખ્સોને સાથે લઈ પાછા કોહેતુર પાસે ગયા અને સાથીઓને ફરમાવ્યું કે, તમે અહિં રોકાઈ જાઓ. હું ઉપર જઈને આવું છું ત્યારબાદ હ. મુસા (અ) પહાડની ઉપર ગયા. ત્યાં જઈને ખુદાતઆલાથી ૭૦ કલામો સાંભળી ઈશ્કના આવેશમાં ખુદીનું ભાન નહી રહેતા પુકારી કહ્યું કે, “યા રબ ! “હે પરવરદિગાર તું મને દિદાર આપ.” જવાબ મળ્યો કે, 'લનતરાની' “ તું મને જોઈ શકીશ નહી.” પરંતુ હ. મુસા (અ.)એ દીદાર માટે માંગણી ચાલું જ રાખી એથી આસમાનના ફિરસ્તા કહેવા લાગ્યા કે, અય ઈમરાનના પુત્ર ! તમે કલામે ઈલાહી સાંભળ્યા અને હવે તેના દિદારની પણ તલબ રાખો છો ? તે માલિક પાક જાત છે. છતાં હ. મુસા (અ)એ દીદાર માટેની માંગણી ચાલું રાખી એટલે અવાજ આવ્યો કે, અય મુસા, 'જમીન તરફ દ્રષ્ટી કર.” એ મુજબ જમીન તરફ જોતાં અલ્લાહની ખલકત અને ગયબી ખજાના તેમની નજરે પડ્યા છતાં એથી ન સંતોષાતા આપે અરજ કરી કે, યા ખુદા ! તું મને તારો ચહેરો બતાવ, કારણ કે એ તો સઘળી તારી મખલુકાત છે. ફરી અવાજ આવ્યો કે, અય મુસા ! આસમાન તરફ જો ! આપે તે તરફ જોયું તો આકાશી લીલા અને ફિરશ્તા વગેરે તેમજ અર્ષ પણ તેમના જોવામાં આવ્યા. હઝરતે અરજ કરી કે, ખુદા યા ! એ તો સઘળું તારૂં સર્જન છે, મને તો તારા દીદારની ઝંખના છે, માલિક મને તારા દીદાર ઈનાયત કર. એ મુજબની હ. મુસા (અ.)ની સતત માંગણી પછી ખુદાતઆલાએ ફરમાવ્યું કે, અય મુસા ! તું હરગીઝ મને દુનિયામાં જોઈ શકીશ નહીં; પણ પહાડ ઉપર દ્રષ્ટી કર. જો તે પહાડ સલામત રહેશે તો તું મને જોઈ શકીશ. તેથી હઝરતે પહાડ તરફ નજર કરી. ખુદાતાલાએ જેવો પોતાના તુરની તજ૯લી પહાડ ઉપર નાખી કે તેવા જ તેના ટુકડે ટુકડા થઈ ગયા અને તેમાંથી છ પહાડો જુદા પડી ગયા. આ ચમત્કાર જોઈ હ. મુસા (અ.) બેહોશ બની ગયા. ફરી હોશમાં આવ્યા બાદ આપે ખુદાના શુક્રાના અદા કર્યા.

(૧૭૮) ખુદાતઆલાએ ફરમાવ્યું કે, અય મુસા ! અમે તને તારા લોકો ઉપર વડાઈ આપી છે અને મારા પયગામ પહોંચાડી આપ અને લોકોને હિદાયત કર અને તારી હાલત માટે શુક્રાના અદા કર; અને એજ વખતે ફિરશ્તાઓએ તૌરેતની તખ્તીઓ હ. મુસા (અ.) સમક્ષ લાવી મુકી, તે હઝરતે જોઈ, તેમાં ખુદાતઆલાએ ફરમાવ્યું હતું કે, અમે તેઓના વાસ્તે દરેક બાબતની હિદાયત અને તે સંબંધી ખુલાસાઓ લખ્યા છે. અય મુસા ! આ તખ્તીઓને ધીરજથી લે અને તારી કોમને તેમાં જણાવ્યા મુજબ અમલ કરવાની હિદાયત કર. ત્યારબાદ એ તખ્તીઓને ઉઠાવી હ. મુસા (અ.) પહાડ ઉપરથી નીચે આવ્યા.

ઉપર આપણે જોઈ ગયા કે, જ્યારે ખુદાતઆલાએ પોતાના નૂરનો જલ્લો પહાડ ઉપર નાખ્યો ત્યારે તેના ટુકડે ટુકડા થઈ ગયા અને એ નુરની તજલ્લીના પ્રકાશ અને પહાડના ધડાકાથી હઝરતના ૭૦ સાથીઓ જેઓ પહાડની નીચે બેઠા હતા તેઓ મરી ગયા. હ. મુસા (અ.) તુર ઉપરથી જ્યારે નીચે આવ્યા અને જોયું તે સાથીઓ મરેલા પડેલા હતા, એથી વતન જઈ ઈસરાઇલીઓને શું જવાબ આપશે એે ખ્યાલ તેમને આવ્યો અને અલ્લાહના દરબારમાં દુઆ માંગી જે કબુલ થઈ અને મરેલા શખ્સ સજીવન થઈ હઝરત સામે જોવા લાગ્યા, પરંતુ ઈલાહિ નુરના ચમકારા હઝરતના મોઢા ઉપર ચમકી રહ્યા હોવાથી તેઓ તેમની સામે મીટ માંડી શક્યા નહિ. રિવાયત છે કે, એ જોઈ હ. મુસા (અ.)એ પોતાના મોઢા આડે કપડું ધર્યું પણ નૂરાની તેજથી કપડું બળવા લાગ્યું. આવી રીતે હઝરત જે કાંઈ આડે ધરતા તે બળીને ખાક થઈ જતું. છેવટે આપે ઈલાહિ દરબારમાં દુઆ માંગી અને જવાબમાં નીદા આવી કે, અય મુસા દરવેશની ચાદર મોઢા ઉપર નાખ. તેમ કરતા સાથીઓ તેમના સામે જોઈ શક્યા અને વાતચીત કરી શક્યા. બાદ હ. મુસા (અ) તૌરેત અને સાથીઓ સાથે મીસર આવી પહેંચ્યા.

બની ઈસરાઈલીઓની ગૌપુજા

સામરીનું સોનાનું વાછરડું

(૧૭૮) આગલા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે, હ. મુસા (અ.) જ્યારે ૭૦ માણસોને લઈ કોહેતુર ઉપર ગયા, જ્યાં પાછળથી દસ દિવસનો વધારો થતા પહાડ ઉપર તેમનું રોકાણ વધી જવાથી ઈસરાઈલીઓમાં બેચેની ઉત્પન્ન થઈ અને હ. મુસા (અ.)ને વફાત પામેલા માની તેઓ ફસાદ અને ઝગડામાં પડી ગયા અને હ. મુસા (અ.)ના ભાણેજના ફરેબમાં ફસાઈ પડ્યા.

(૧૭૮/૧૭૯) “કસસુલ–અંબિયા'માં એવો ઉલ્લેખ મળી આવે છે કે, હ. મુસા (અ.)ના ભાણેજનું નામ 'સામરી' હતું, જે ઝરગર યાને સોનીનો ધંધો કરતો હતો.

(૧૭૯) 'ઈસ્ફહાની કુરઆન'ની તફસીરમાં જણાવ્યા મુજબ સામરી સામેરાની કોમનો હોવાથી તેને એ લકબ આપવામાં આવ્યો હતો. તેનું નામ 'મુસા બેન ગફાર’ હતું વળી કેટલાક કહે છે કે તે કેરમાનનો રહેવાસી અને ઈસરાઈલ વંશનો ન હતો, અને તે સામરીના નામથી જ ઘણે ભાગે ઓળખાતો હતો, વળી તે વાછરડાને પુજનારામાંનો એક હતો. જ્યારે તે જન્મ્યો ત્યારે તેની માતાએ તેને નીલ સમુદ્રના કિનારે ફેંકી દીધો, અને ખુદાતઆલાએ તેને ઉછેરી મોટો કરવા જીબ્રાઈલને હુકમ કર્યો. અને તેથી તે જીબ્રાઈલને ઓળખતો હતો. ફીરઓન ગારત થયો તે દીવસે જે ઘોડી ઉપર જીબ્રાઈલ સવાર થયા હતા તે ઘોડીની ખરી નીચેથી તેણે એક મુઠી ધુળ લઈ લીધી હતી; અને હ. મુસા (અ)ની ગેરહાજરીમાં એક સોનાનો વાછરડો બનાવી લોકોને ફરેબ આપવા તેણે તેના મોંઢામાં ધુળ નાખી તેને બોલતો કર્યો હતો.

વળી એવો પણ ઉલ્લેખ મળી આવે છે કે, હ. મુસા (અ)ની માંગણીથી ફીરઓને લાચાર બની ઈસરાઈલીઓને મીસરથી ચાલ્યા જવાની રજા આપી, ત્યારે છ લાખ ઈસરાઈલીઓ પોતાના કુટુંબ સહીત હ. મુસા તથા હ. હારૂન સાથે રાતા સમુદ્ર કિનારે આવી સામે પાર પહોંચી ગયા, ૫ણ સામરી પોતાના માબાપથી વીખુટો પડી એજ કિનારે રહી જવા પામ્યો. આ વખતે તે યુવાન હતો. જે વખતે ફીરએાન અને તેના લશ્કરને સમુદ્રમાં દોરી જવા માટે હ. જીબ્રાઈલ ઘોડી ઉપર સવાર થઈ આવ્યા તે વખતે સામરી કે જેને હ. જીબ્રાઈલે ઉછેરી મોટો કર્યો હતો તે તેમને એાળખી લીધા.

હ. જીબ્રાઈલની ઘોડી જમીન ઉપર જ્યાં જ્યાં પગ મુકતી ત્યાં ત્યાં તેજ વખતે તાજુ ઘાસ ઉગી નીકળતું. એ જોઈ સામરીએ કોઈ ન જાણે તેમ ઘોડીના ૫ગ નીચેની એક મુઠી ખાક લઈ તે પોતાની પાસે સાચવી રાખી લીધી.

(૧૭૯/૧૮૦) કુરઆનની તફસીરમાં જણાવ્યા મુજબ, હ. મુસા (અ.) ખુદાની મુલાકાતે તુર પર્વત ઉપર ગયા ત્યારે, બની ઈસરાઈલના રંગઢંગ જોઈ તેઓને ઉંધે રસ્તે લઈ જવા માટે સામરીએ તેમને કહ્યું કે, હ. મુસાની અસા કરતા સરસ કરામત હું દેખાડી શકું છું. તે બાદ ઈસરાઈલીઓ પાસેથી સ્ત્રીઓના કાનોના એરિંગ તથા બીજું સોનું એકઠું કરી, એને ગાળી એમાંથી એક વાછરડું બનાવી વાછરડાના પેટમાં પેલી સાચવી રાખેલી ખાક મુકી દીધી. એ ખાકની તાસીરથી સૌની અજાયબી વચ્ચે એ સોનાનું વાછરડું હાલવા ચાલવા અને બોલવા લાગ્યું. કેટલાકોનો એવો પણ મત છે કે, ખાકની તાસીરથી વાછરડાને ચામડી, હાડકા અને માંસ આવી ગયા. એ જોઈને લોકો સામરીના કપટ જાળમાં ફસાઈ કહેવા લાગ્યા કે, હ. મુસા (અ.) ખુદાની શોધમાં ભટકી રહ્યા છે પરંતુ હક તો અમારી પાસે છે. આવી રીતે ભ્રમમાં પડી જઈને બની ઈસરાઈલ વાછરડીને ખુદા માની ગૌ પુજા કરવા લાગ્યા. એ જોઈ હ. હારૂન (અ.)એ તેમને એક અલ્લાહ સીવાય બીજાને નહી માનવા અને નહી પુજવા ઘણા સમજાવ્યા પણ ઈસરાઈલીઓ માન્યા નહી, બલ્કે હ. હારૂન પ્રત્યે ઉશ્કેરાઈ જઈ તેમને મારી નાખવા તૈયાર થઈ ગયા. એ મુજબ તેમણે હ. હારૂન (અ.)ની રહેબરી છોડી દીધી, આ જોઈ ઉત્તેજીત બની સામરીએ પાથરણા પથરાવ્યા, નોબતો વગડાવી અને ગાવું બજાવવું ચાલુ કર્યું. એથી લોકોની ભારે ઠઠ જામી અને તેઓ નાચવા અને કુદવા લાગ્યા. એ મુજબ ખુદાતઆલાને છોડી તેઓ વાછરડાની પુજામાં પડ્યા અને અંતે પોતપોતામાં લડી કપાઈ મુઆ.

(૧૮૦) થોડા વખત બાદ કલામ લખેલી તોરેતની તખ્તીઓ લઈ હ. મુસા (અ.)એ પાછા આવીને જોયું તો પોતાની કોમ સોનાના વાછરડાની ચારે બાજુ નાચકુદ કરી રહી હતી. આ જોઈ હઝરતને ઘણો સદમો થયો અને તેમના હાથમાંથી કલામની તખ્તીઓ પડીને ભાંગી ગઈ.

ઘણા જ ખીન્ન હૃદયે હ. મુસા (અ.)એ હ. હારુનને પુછયું કે તમારી રહેબરી હેઠળ આવું કેમ બન્યું ? હ. હારૂન (અ.)એ જણાવ્યું, અય મારા ભાઈ ! હું તદ્દન બેગુનાહ છું, જો કે મેં તેઓને બહુ સમજાવ્યા, પણ તેઓએ મારી નસીહત લક્ષમાં લીધી નહી, બલ્કે મારો જાન લેવા તૈયાર થઈ ગયા. એ સાંભળી હ. મુસા (અ.)એ પુછયું કે, આ વાછરડું કોણે બનાવ્યું ? હ. હારૂને કહ્યું કે, તે સામરીએ બનાવ્યું છે. આથી હ. મુસા (અ.)એ સામરીને બોલાવી ઘણા જ ગુસ્સા સાથે કહ્યું કે, તું તે વાછરડું કેવી રીતે બનાવ્યું ? તું લોકોને શા માટે ગુમરાહ કર્યા ? સામરીએ કહ્યું કે, મેં તે ચીજને જોઈ છુપી રીતે ઘોડાની ખરી નીચેથી મેળવી કે જેને લોકોએ કદી જોઈ નહોતી. મને જે ઠીક લાગ્યું તે અને મારા હૃદયે જેમ મને દોરવ્યો તેમ મેં કર્યું અને વાછરડો બનાવ્યો. ત્યારબાદ હ. મુસા (અ.)એ વાછરડાને બાળી તેની ખાક નીલના પાણીમાં ફેંકાવી દીધી.

(૧૮૦/૧૮૧) બની ઈસરાઈલના મોટા ભાગના હૃદયમાં વાછરડાની મહોબ્બત એટલી બધી ઘર કરી ગઈ હતી કે નીલ કે જેમાં વાછરડાની રાખ ફેંકી દેવામાં આવી હતી. તેના પાણીને પવિત્ર ગણી તેઓ પીવા લાગ્યા, એથી તેમના શરીર કાળા પડી ગયા અને તેઓ મરણ પામ્યા. અને બાકીનાને કબુધ્ધિ સુજી અને તેઓ પોત પોતામાં લડી કપાઈ મુઆ. તેમને તેમના કૃત્યના બદલા તરીકે એ શિક્ષા મળી હતી.

(૧૮૧) ત્યારબાદ હ. મુસા (અ.)એ ખુદાતઆલા પાસેથી લાવેલી તૌરેત કિતાબ ઈસરાઈલીઓને વાંચી સંભળાવી અને તેમાં દર્શાવ્યા મુજબ અમલ કરવા હુકમ ફરમાવ્યો. ૫રંતુ, “એમાંના હુકમો ઘણા ભારે પડતા છે તેથી અમે તેનું પાલન કરી શકશું નહિ.” એવા બહાના નીચે પોતાના હાદી તરફથી તેમની એવી બેવફાઈના કારણે ૫રવરદિગારે તેઓની ઉપર કોહેતુર યાને તુરનો પહાડ અધ્ધર લટકતો રાખ્યો, તેથી તેઓ ગભરાઈ ગયા કે પહાડ આપણી ઉપર આવી પડશે તો ભીંસાઈ જશું અને એ બીકને લીધે તૌરેત કબુલ કરીને સિજદો કર્યો. એમાં પણ એમની છેતરપીંડી હતી. તેએાએ નમતી વખતે ચહેરાનો એક ભાગ અને એક આંખને જમીન સાથે લગાડ્યો ત્યારે બીજો ચહેરાનો ભાગ અને બીજી આંખ ઉંચી રાખીને સિજદો કરતા રહી પહાડને નિહાળતા રહ્યા કે રખે પહાડ આપણા ઉપર તુટી પડે ! અલ્લાહતઆલાએ તેમને ફરમાવ્યું કે, ત્યારે કલામ દ્રઢતાપુર્વક પકડી રાખો અને જે તૌરેતમાં છે તેનું સ્મરણ કરો, એમાં જ તમારી ભલાઈ છે.

(૧૮૨) હ. મુસા (અ) ફીરઓનના નાશ પછી કેટલોક સમય મીસરમાં રહી, બની ઈસરાઈલીઓને હીદાયત કરી, ઈલાહી માર્ગ બતાવતા હતા.

બાદશાહ કારૂન અને તેનું ગારત થવું.

(૧૮૨) “કસસુલ-અંબીયામાં જણાવ્યું છે કે, હ. મુસા (અ.)એ પોતાની કોમને ફરમાવ્યું કે, ખુદાની તૌરેતની તખ્તીઓ કે જે હું તમારા માટે લઈ આવ્યો છું, તેની નકલ કરીને ઘરમાં રાખો અને વાંચો, તેમજ તેના ફરમાન ઉપર અમલ કરો. હુકમ મુજબ બની ઈસરાઈલીઓએ તખ્તીઓ ઉપરથી નકલ કરી. આ વખતે ખુદાનો હુકમ થયો કે, અય મુસા ! લોકોને કહી દે કે તૌરેતને ઘણી સંભાળ પુર્વક રાખે. હઝરતે અરજ કરી કે, ખુદાયા ! અમે ઝર (નાણું) રાખતા નથી તો કેમ કરી તેની સંભાળ કરીયે ? એ ઉપરથી જીબ્રાઈલે નાઝીલ થઈ કહ્યું કે, ત્રણ જાતના ધાસ લઈ તેને તાંબા ઉપર રાખશો તો ખુદાની કુદરતથી તે સોનું બની જશે, અને પીતળ ઉપર મુકશો તો ચાંદી થઈ જશે. મજકુર ઈલાહી હુકમ સાંભળી હ. મુસા (અ.)એ ત્રણ પત્રોમાં ત્રણ પ્રકારના જુદા જુદા નામો લખી તે લઈ આવવા એક યુશાને, બીજો કારૂન અને ત્રીજો કાલુતને મોકલાવ્યા અને તેમાં જણાવ્યું કે લખેલા ઘાસની જરૂરત છે તે મને લાવી આપો. તે અનુસાર ત્રણે જણે એ ત્રણ પ્રકારના ધાસ લાવી આપ્યા, જેને હ. મુસા (અ.)એ એકાંતમાં લઈ જઈ તોરેત માટે જેટલા સોના-ચાંદીની જરૂર હતી તેટલું બનાવી તૌરેત કિતાબને કાળજીપુર્વક સંભાળવા લાગ્યા.

કારૂને એ કીમીયો જાણી લેવા માટે, યુશા અને કાલુત કેવી કીસ્મના ઘાસ લાવ્યા હતા તેનાથી વાકેફ થવા તેમના પત્રો તેણે વાંચી લીધા, કારણ કે તે ઘણો ચાલાક અને લુચ્ચો હતો વળી હાફીઝે તૌરેત હતો યાને તોરેત તેણે મોઢે કરી હતી. તે બાદ તે કોઈ ન જાણે તેમ પોતાના ઘરમાં પુષ્કળ સોનું અને ચાંદી બનાવવા લાગ્યો અને એવી રીતે તે મહાન દૌલતમંદ બની ગયો.

(૧૮૨/૧૮૩) કારૂન હ. મુસા (અ)ના કાકા યસહરનો દીકરો હતો. તે ઈસરાઈલના વંશજોમાંથી સૌથી વધુ રૂપાળો અને ઘણોજ વિદ્વાન શખ્સ હતો, જે કે હ. મુસા (અ) તથા હ. હારૂન (અ)થી ઉતરતો, પણ બીજા બધાથી તૌરેતના જ્ઞાનમાં તે વધુ પ્રવીણ હતો અને જે ૭૦ માણસો હ. મુસા (અ.)એ પસંદ કરી પોતાની સાથે સીનાઈ પર્વત ઉપર લઈ ગયા હતા, તેમાંનો તે પણ એક હતો. માલદાર થયા પહેલા તે ઘણો નમ્ર અને ભલો હતો. પણ દૌલતમંદ બન્યા પછી તે હ. મુસા (અ.)ની વીરૂધ્ધતા કરવા લાગ્યો.

(૧૮૩) કારૂનનો લોભ વધતો ગયો અને તેને મળેલ કીમીયાથી તે પુષ્કળ સોનું, ચાંદી, ઝર, ઝવેરાત એકઠું કરવા લાગ્યો. એક રીવાયત છે કે, તેની દૌલત એટલા મોટા પ્રમાણમાં વધી ગઈ કે જેની ચાવીઓ ઉપાડવા ૬૦ મજબુત અને કસાયેલા માણસો મુકરર કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા મત પ્રમાણે ૬૦ ઉંટો ઉપર તેના ખજાનાની કુંચીઓ લાદવામાં આવી હતી.

જામેઉલ તવારીખથી એે ઉલ્લેખ મળે છે કે, કારૂને પોતાના માટે એક આલીશાન સુંદર મહેલ બનાવ્યો, તેના મીનારા આંખને આંજી નાંખે તેવા સુંદર હતા. તેમાં તે વસવાટ કરવા લાગ્યો. લોકોને પોતાની દૌલતનો મદ દેખાડવાના હેતુસર પોતાના ગુલામો અને દાસીઓને સુંદર વસ્ત્ર અને ઝવેરાતવાળા ઘરેણાઓ પહેરાવી જ્યારે તે ફરવા નીકળતો ત્યારે એ ગુલામ અને દાસીઓ તેની આગળ પાછળ તહેનાતમાં રહેતા. આમ પોતે પુષ્કળ દૌલતનો સ્વામી છે એવી છાપ લોકો ઉપર પાડવામા તે આનંદ માનતો.

તેને ઘણોજ અભિમાની અને દુન્યવી દૌલતમાં ખુશ થયેલો જોઈ તેની કોમ તેને કહેતી કે, અય કારૂન ! બહુ ખુશ નહીં થા ! કારણ કે બહુ ખુશ થવાવાળાને ખુદા પોતાનો દોસ્ત રાખતો નથી; અલ્લાહે તને જે કંઈ આપ્યું છે તેમાંથી આખરતનો સોદો કરી લે, પોતાની હસ્તીને ભુલી જા નહીં. બલકે જે કાંઈ મેળવ્યું છે તે અલ્લાહના નામ ઉપર ખર્ચ, દુનીયામાં ભલો માનવી બન અને અલ્લાહે આપેલી નિયામત માટે તે બારીતઆલાના શુક્રાના અદા કર અને ધરતી ઉપર ફસાદ કર નહીં, કારણ કે અલ્લાહ ફસાદ કરનારાને ચાહતો નથી.

આ માટે ખુદાતઆલા કુરઆને શરીફમાં ઈશારો કરતા ફરમાવે છે, જેનો સાર એ છે કે, “તે નથી જાણતો કે અલ્લાહે નાશ કર્યો છે, તેની પુર્વે થઈ ગયેલા તેના જેવાઓનો કે જેઓ તેના કરતાં અઢળક દૌલત-માલ અને સાથીઓ રાખતા હતા. એવાઓને પુછવામાં નહી આવે તેમના કૃત્યોનો હિસાબ બલ્કે પુછાણું લીધા વગર જ તેઓને મોકલી આપવામાં આવશે દોઝખના આઝાબમાં.”

(૧૮૩/૧૮૪) એક દિવસ હ. મુસા (અ.) ઉપર ખુદાતઆલાએ વહી નાઝીલ કરી ફરમાવ્યું કે, કારૂનને કહે કે, તે પોતાના માલમાંથી જકાત યાને ખુદાઈ હક આપે ! અગર નહીં આપશે તો તે મુશીબતમાં આવી પડશે. હુકમ અનુસાર હ. મુસા (અ)એ કારુન પાસે જઈ જકાત યાને ખુદાઈ હક આપવા ફરમાવ્યું; તે ઉપરથી કારૂને પોતાની દૌલતનો હીસાબ કર્યો તો જકાત ઘણી થઈ ગઈ, તેથી તેટલી દૌલત આપવા તેના દીલે કબુલ કર્યું નહીં. તેણે કહ્યું કે, અય મુસા ! મને જે દૌલત મળી છે તે મારા પાસે એક હુન્નર છે તેના લીધે છે, તેથી મારા માલમાં તારા ખુદાનો શું હક્ક લાગે ? હઝરતે ફરમાવ્યું કે, અય કારૂન ! તેં બનાવેલા કીમીયામાંથી નીચે પડેલી રજકણો અગર આપીશ તો તે પણ જકાત તરીકે કબુલ થશે કારૂને કહ્યું કે, હું મારા માલની જકાત આપું તો મને તારો ખુદા શું આપશે ? હઝરતે ફરમાવ્યું કે, જકાતની નેકીના અવેજમાં તે તને બહેશ્ત આપશે. એ સાંભળી અભિમાનના અવેષમાં આવી તેણે કહ્યું કે, મને બહેશ્તનું શું કામ છે ? કારૂનના આવા અણછાજતા જવાબથી હઝરતે તેને ઘણી ઘણી હિદાયત કરી પણ તેની અસર તેને થઈ નહી અને છેવટ સુધી તે માન્યો નહી.

(૧૮૪) ઉલ્ટુ તેણે હ. મુસા (અ) ઉપર ખોટું તહોમત ઓઢાડવાનું મનમાં નક્કી કર્યું કે જેથી આ૫ની લોકોમાં ફજેતી થાય, તેમજ હ. મુસા (અ) ફરીને ક્યારે ૫ણ જકાતની વાત કે માંગણી કરે નહી. એક દિવસ કારૂને બની ઈસરાઈલ કોમમાંની એક ઘણી જ ખુબસુરત સ્ત્રીને બોલાવી શીખવ્યું કે, જ્યારે ઈસરાઈલીઓની જમાત એકઠી મળે ત્યારે, તારે બધાઓની સમક્ષ મોટા અવાજે પુકારી કહેવાનું છે કે, મુસા તો મારા યાર છે અને તે મારી સાથે ખરાબ વ્યવહાર રાખે છે. જો આ પ્રમાણે તું કહીશ તો હું તને એક હજાર અશરફી ઉપરાંત ઘણો માલ અસબાબ આપી નીયાલ કરી નાખીશ, આથી તે સ્ત્રી લાલચમાં આવી તેમ કહેવા કબુલ થઈ.

(૧૮૪/૧૮૫) એક દિવસ હ. મુસા (અ.) બની ઈસરાઈલ જમાતની ભરચક હાજરી વચ્ચે વાએઝ કરી રહ્યા હતા. આ મોકો ઠીક આવેલો જાણી કારૂને પેલી શીખવેલી સ્ત્રીને ત્યાં મોકલી પાછળથી પોતે પણ ગયો. આ વખતે હ. મુસા (અ) લોકોને હરામ–હલાલની વાએઝ કરી સમજ આપી રહ્યા હતા કે, જે વ્યભિચાર કરશે તેને ખુદા સજા કરશે અને જકાત નહી આપશે તેને અમુક પ્રકારની સજા ભોગવવી પડશે. તે વખતે ચાલું મજલસમાં કારૂને ઉભા થઈ, હઝરત મુસા (અ.)ને કહ્યું, અય મુસા ! અગર તારે કોઈ સાથે આડો વ્યવહાર હોય તો તેની સજા શું ? હઝરતે ફરમાવ્યું કે, એમ હોય તો મને મારી નાખવો જોઈએ કે જે શરા મુજબ વાજબ છે. કારૂને કહ્યું કે, મને ચોક્કસ ખબર મળી છે કે તું વ્યભિચાર કર્યો છે અને તેનો પુરાવો પણ અહિ મૌજુદ છે; એમ કહી કારૂને તરત જ પેલી શીખવી રાખેલી સ્ત્રીને મીજલસમાં ઉભી કરી. તે સ્ત્રી માટે એક તરફ મોટી રકમની લાલચ હતી, જ્યારે બીજી તરફ અસત્ય બોલવા માટે ખુદાતઆલાનો ડર હતો, છતાં પણ આવા ધર્મ સંકટ વચ્ચે તેણીએ બોલવા ચાહ્યું; ૫ણ કુદરતની ઈચ્છા સાચાને સાથ આપવાની હતી; તેથી ખુદાની મરજીથી તે સ્ત્રીનો હૃદયપલટો થઈ ગયો અને ખોટું બોલવા તેના આત્માએ કબુલ કર્યું નહી અને તેણીએ હાજર મીજલસને કહ્યું કે, અય નેક જમાત હ. મુસા (અ.) પાક છે અને મને અસત્ય કહેતા તે માલિકનો ખૌફ પેદા થાય છે. બસ એટલામાં હ. મુસા (અ.) બેશુધ્ધ બની મિંબર ઉપરથી ઢળી પડ્યા અને તરત જ હ. જીબ્રાઈલ અમીને આવીને આપને પોતાના બાહુપાશમાં લઈ સબુરી અખત્યાર કરવા અને ખુદાનો હુકમ સંભળાવતા કહ્યું કે, અય મુસા ! ખુદાતઆલાએ જમીનને તારા તાબામાં મુકી છે, તું ચાહે તે સજા કારુનને આપી શકે છે. એ ઉપરથી હ. મુસા (અ.)એ ફરમાવ્યું કે, અય કારૂન ! તું ખોટું બોલતા ખુદાથી ડર અને તેના ખૌફનો વિચાર કર. પણ તે તો અભિમાનમાં ચકચુર બની હઝરતને બેઅદબી ભર્યા જવાબો આપવા લાગ્યો.

(૧૮૫/૧૮૬) આ ઉપરથી હ. મુસા (અ.)એ ત્યાં જે ઈસરાઈલી લોકો હાજર હતા તેમને ફરમાવ્યું કે, જો મને માનતા હો તો તમે કારૂનથી જુદા પડી જાઓ. તે ઉપરથી કારૂનના બે મિત્રો સીવાય બીજું કોઈ તેની સાથે રહ્યું નહીં. તે વખતે ખુદાના હુકમથી હ. મુસા (અ.)એ જમીન ઉપર “અસા” મારી ફરમાવ્યું કે, અય જમીન ! કારૂનને તારામાં સમાવી લે. તરતજ જમીને કારૂનને તેના સાથીઓ સાથે ઘુંટણ સુધી દબાવી દીધા. કારૂન પોતાનું મૌત પાસે આવેલું જાણી હઝરતને આજીજીપુર્વક કહ્યું કે, અય મુસા ! આ સજામાંથી તું મને મુકિત આપ, હવેથી હું કદી પણ એવું કરીશ નહીં. હ. મુસા (અ.)એ તેજ વખતે આવેશમાં આવી ફરમાવું કે, અય જમીન ! તું એને કમર સુધી તારામાં ખેંચી લે. રિવાયત છે કે, ૭૦ વખત કારૂને તૌબા સહિત આજીજી સાથે હ. મુસા (અ.)ની માફી માંગી, ૫ણ કારૂન માટે હવે માફી માંગવા જેવું રહ્યું નહોતું; કારણ કે, તેના કૃત્યો સજાને પાત્ર થઈ ચુક્યા હતા; તેથી હ. મુસા (અ.) એ સખત નારાજી સાથે જમીનને ફરમાવ્યું કે, તું એને તારામાં ગર્ક કરી દે. ફરમાન અનુસાર જમીને કારૂનને તેના સાથીઓ સહીત ગળા સુધી ખેંચી લીધા. હવે કારૂનને માફીની કશી આશા નહીં રહેતા તેણે કહ્યું કે, અય મુસા ! શું તું મારી દૌલત છીનવી ઈસરાઈલીઓને આપી દેવા માંગે છે ? હઝરતે ફરમાવ્યું કે, મને કે મારા ખુદાને તારી દૌલતની કંઈ પણ પરવાહ નથી. તેજ વખતે ખુદાના હુકમથી હ. જીબ્રાઈલે કારૂનનો તમામ ખજાનો ઝર ઝવેરાત લાવી ત્યાં હાજર કર્યો. જે ઉપરથી હ. મુસા (અ.)એ કારૂનને ફરમાવ્યું કે, લે આ તારો ખજાનો અને સઘળી માલમતા. ત્યારબાદ આપે જમીનને ફરમાવ્યું કે, કારૂનને તેની સઘળી માલમતા સાથે ગારત કરી દે. બસ ઈલાહી હુકમ અનુસાર જમીને કારૂન તથા તેના ખજાના અને સાથીઓને પોતામાં સમાવી ગર્ક કરી દીધા.

(૧૮૬) કારૂન તેના ખજાના સાથે ગારત થઈ ગયો, ત્યારે ત્યાં હાજર રહેલા લોકેાએ આ દ્રષ્ય જોઈ તૌબા સહીત ખુદાના શુક્રાના અદા કરતા કહ્યું કે, ઓ દુનીયાના તલબગારો ખુદાનો હક નથી આપતા તેના કેવા હાલ થાય છે એ સબક આ બનાવ ઉપરથી મેળવજો.

યા અલી મદદ