અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૧૪
રેકોર્ડીંગ - ૧૪
આમીલ મકતુલ બિન સુલેમાનનું ગાયની કુરબાનીથી જીવતા થવું.
(પેજ-૧૮૬) “કસસુલ અંબિયા”માં એક રિવાયતનો ઉલ્લેખ કરતાં જણાવેલ છે કે, ઈસરાઈલી કોમમાં આમીલ નામનો એક શખ્સ હતો; જે જમીનદાર, આબરૂવાળો અને ઘણોજ માલદાર હતો. તેનો એક ભત્રીજો હતો જે ઘણો ગરીબ પરંતુ બહુ જોરાવર હતો. તે પોતાના કાકાનો માલ હસ્તગત કરવા તેનું ખુન કરવાની તક શોધી રહ્યો હતો.
(૧૮૬/૧૮૭) “ઈસ્ફહાની કુરઆન”ની તફસીરમાં જણાવ્યા મુજબ એક શખ્સ પાસે એક વાછરડી હતી, જ્યારે તે મરણ પથારીએ પડ્યો ત્યારે તેને એક બાળક પુત્ર હતો. જ્યાં સુધી એ છોકરો મોટો થઈ વાછરડીને પોતાના કબજામાં લઈ તેની સંભાળ રાખી શકે ત્યાં સુધી તેણે તે વાછરડીને ખુદાના આશ્રયે જંગલમાં છોડી મુકી. એ વાછરડી જંગલમાં ભટકતી ફરતી રહેતી. પોતાની વાછરડીને એ મુજબ અલ્લાહને હવાલે કરી થોડા દિવસ બાદ તે શખ્સ ગુજરી ગયો. તેનો બાળપુત્ર માતાની પરવરીશ હેઠળ ઉમર લાયક થયો. મા-દીકરો ગરીબ હોવાથી છોકરો જંગલમાંથી લાકડા લાવી માતા તથા પોતાનું ગુજરાન મુશ્કીલીથી ચલાવતો; પણ પુરતી મજુરી નહીં મળી શકવાથી એક દિવસ તેની માતાએ તેને ગાયના ચીન્હ સમજાવીને કહ્યું કે, તારા પિતા એક ગાય તારા માટે વારસા તરીકે ખુદાને હવાલે જંગલમાં છુટી મુકી ગયા છે, તે તું જંગલમાં જઈ તેની માંગણી અલ્લાહ પાસેથી કર એટલે તે ગાય તારા હાથમાં આવશે. માતાની સુચના અનુસાર છોકરાએ ચરાઈના જંગલમાં જઈ ખુદાતઆલા પાસે આજીજીપુર્વક જેવી ગાયની માંગણી કરી કે તરતજ તેની ગાય તેની પાસે આવી ઉભી રહી. તેને તે પોતાને ઘેર લઈ આવ્યો, પછી તેની માતાએ કહ્યું કે, બેટા ! આપણી હાલત ઘણી તંગ છે માટે તું તેને બજારમાં જઈ વેચી નાખ. જો માત્ર ત્રણ અશરફીયો આવે તો પણ વેચી નાખજે.
(૧૮૭) માતાની આજ્ઞા અનુસાર છોકરો ગાયને લઈ બજાર તરફ ચાલ્યો, દરમ્યાન ફીરસ્તો માણસના રૂપમાં તેની પાસે આવ્યો અને તેને ગાયની કીંમત તરીકે છ સોનાના સીક્કા આપવા કહ્યું, પણ માતાને પુછયા વગર છોકરાએ તેટલી કીંમતમાં આપવાની ના પાડી અને તરત જ ઘરે જઈ તેણે છ સીક્કામાં થયેલી માંગણીની હકીકત પોતાની માતા ને કહી અને ગાય વેચવાની રજા મેળવી કરી તે ગાયને લઈ બજારમાં ખરીદનારને મળ્યો. આ વખતે ખરીદદારે તેને અગાઉ કરતા બમણી કીંમત આપવા એવી શર્તે કહ્યું કે, તેણે પોતાની માતાને પુછવા જવું નહી, પણ તેમ કરવા છોકરાએ ના પાડી અને તે પાછો પોતાને ઘેર આવ્યો અને ખરીદદાર વધુ કીંમત આપવા તૈયાર છે એવું તેણે પોતાની માતાને જણાવ્યું; એ ઉપરથી તેની માતા સમજી ગઈ કે, માણસ રૂપમાં બીજો કોઈ નહી પણ ફીરશ્તો હોવો જોઈએ એટલે માતાએ છોકરાને કહ્યું કે, બેટા, તું પાછો તેની પાસે જા, અને આ ગાયનું શું કરવું તે બાબત તેને પુછી જો, તે છોકરો જઈ ખરીદદારને પુછયું એટલે તેણે જવાબ આપ્યો કે, થોડા સમય પછી ઈસરાઈલ લોકો તારી પાસે આવે ત્યારે એ ગાયના ચામડામાં સમાય તેટલી સોનાની અશરફીઓની કીંમત માંગજે.
થોડા વખત બાદ એવું બન્યું કે, આમીલને તેના ભત્રીજાએ કોઈ ન જાણે તેમ તેના ઘરમાં પ્રવેશી મારી નાખ્યો અને એ હકીકતને છુપાવવા તેણે પોતાના કાકાના શબને યહૂદીઓની મસ્જિદ કે જેને બાર દ્વાર હતા, તેના એક દરવાજા પાસે ફેંકી આવ્યો અને પોતે કાકાની મિલ્કતનો વારસદાર બની બેઠો.
(૧૮૭/૧૮૮) ત્યારબાદ તેણે પોતાનો ગુનો છુપાવવા ખાતર ફરેબ અને મકર કરી કાતીલની શોધ કરવા લાગ્યો. બાદ તેણે એક નવી યુકિત યોજી અને ગામવાળાઓ ઉપર પોતાના કાકાના ખૂનનું તહોમત મુકવા લાગ્યો, જેથી ગામવાળાઓ એકબીજા ઉપર શક લઈ જવા લાગ્યા. પરિણામે આપસમાં મતભેદ બહુ વધી પડવાથી તેનો અંત લાવવા ગામવાળા હ. મુસા (અ.)ની હુઝુરમાં ગયા અને કહ્યું કે, આમીલના ખુન માટે લોકો એકબીજા પર તહોમત મુકે છે, પણ અમારામાંથી કોઈએ તેનું ખુન કર્યું નથી. હવે આપ દુઆ કરો કે જેથી ખરો ખુની મળી આવે. એ સાંભળી હઝરતે અલ્લાહના દરબારમાં દુઆ કરી એટલે હ. જીબ્રાઈલે આવી ખુદાના હુકમથી કહ્યું કે, એક ગાયને કત્લ કરો તેનો અમુક ભાગ મુરદાના શરીરને સ્પર્ષ કરાવવાથી તે સજીવન થઈ ખરા ખૂનીનું નામ જાહેર કરશે. તે પ્રમાણે હ. મુસા (અ.)એ તેઓને ખુદાનો હુકમ સંભળાવ્યો. આ બાબત તેઓના મગજમાં ઉતરી નહી, તેથી તેઓએ હઝરતને કહ્યું શું તમે અમારી મશ્કરી કરો છો ? હ. મુસા (અ)એ ફરમાવ્યું કે, અલ્લાહની પનાહ માંગી કહું છું કે હું કાંઈ નાદાન નથી કે તમારી મશ્કરી કરૂ; પણ મને ખુદાતઆલાએ જે ફરમાવ્યું છે તેજ મેં તમને કહ્યું છે.
એ સાંભળી કોમે કહ્યું કે, તમે અમારા માટે પરવરદિગારને વીનંતી કરો કે તે અમારા માટે વર્ણન આપે કે તે ગાય કેવી જોઈએ ? હ. મુસા (અ)એ ફરમાવ્યું કે, ખુદાતઆલા ફરમાવે છે કે, તે એવી ગાય હોવી જોઈએ કે તે ન હોય ધરડી ન હોય જુવાન; તે વચલા વાંઘની હોવી જોઈએ. તેઓએ ફરી કહ્યું કે તેનો રંગ કેવો હોય ? હ. મુસા (અ.)એ ફરમાવ્યું કે, તેનો રંગ ન સફેદ કે ન રાતો હોય અને ખુબસુરત હોય. તેઓએ ફરી પુછ્યું કે, તેવી ગાય ક્યાં મળે ? એવી કોઈ ગાય અમારી બીજી ગાયોને મળતી નહી હોવાથી અમે તેને ઓળખી શકતા નથી. હઝરતે ફરમાવ્યું કે, તે એવી ગાય છે કે તેને જમીન ખેડવાને તેમજ ખેતરોને પાણી પાવાને કોઈએ પલોટી નથી, તે ગાય કંઈ ૫ણ ખામી ખોડ વિનાની છે. એ મુજબ એવી ચોક્ક્સ નિશાનીવાળી ગાયને મારવાનો તેમણે હુકમ કર્યો. હવે એવી ગાય પેલા છોકરાની ગાય સિવાય બીજી કોઈ ગાય હતી નહીં.
તે ઉપરથી ઈસરાઈલીઓ 'આમીલ'ના ખુનીની શોધ માટે ગાય મેળવવા કોશીશ કરવા લાગ્યા; ૫ણ ખુદાએ ફરમાવ્યા મુજબની ગાય મળતી નહોતી. દરમ્યાન એક માણસની નજર આ છોકરાની ગાય જે ખુદાએ સુચવેલ નીશાનીવાળી હતી, તે ઉપર પડી; તેની જાણ તેણે ઈસરાઈલીઓના આગેવાનોને કરી તેથી તેઓ તે ગાયને ખરીદ કરવા છેકરાની માતા પાસે આવ્યા. તેની માતાએ હ. જીબ્રાઈલના કહેવા પ્રમાણે કિંમત બતાવી. તેથી બની ઈસરાઈલીઓએ મહામુશીબતે તેટલી અશરફીઓ ભેગી કરી અને તે ગાયને ખરીદી. ખુદા તરફથી છોકરાને તેની માતાની આજ્ઞા પ્રમાણે ચાલવાનો બદલો આપવાનો હોવાથી ખુદાએ તે તેને એ રીતે આપ્યો અને તે ખુબ ધનવાન બન્યો.
(૧૮૮/૧૮૯) ત્યારબાદ તે ગાયને કત્લ કરી તેના શરીરના એક ભાગને આમીલના મુડદાને સ્પર્ષ કરાવ્યો કે મુડદુ સજીવન થઈ બોલ્યું કે, મારૂં ખુન મારા ભત્રીજાએ મારી દૌલત મેળવવા માટે કર્યું છે. એટલું બોલી તે ફરી મરણ પામ્યો. તે ઉપરથી હ. મુસા (અ.)એ મરનારના ભત્રીજાને પકડાવી તેને શુળી ઉપર ચડાવ્યો અને આમીલની સધળી દૌલત ગરીબ હાજતમંદોમાં વહેંચી આપી આથી હ. મુસા (અ.) ઉપર બની ઈસરાઈલીઓને સંપુર્ણ વીશ્વાસ બેઠો.
ફરમાન ઉપર નૂકતેચીની કરી બુધ્ધી ચલાવવાથી કેવું પરિણામ આવે છે, તે ઈસરાઈલીઓના ઉપલા વર્ણન ઉપરથી જણાય છે. તેઓએ ફરી ફરી ગાયની નિશાનીઓ પુછવાથી, અશરફીયો ભેગી કરવામાં તંગ બની ગયા. ઉપરાંત તેમનામાં એક એ પણ ખરાબ ટેવ હતી કે, જ્યારે ખુદા તરફથી કોઈ પણ ફરમાન થતું ત્યારે “આમીન” કરી કબુલ કરી લેવાને બદલે અનેક સવાલો પુછતા અને પોતાનું ડહાપણ ચલાવતા અને તેથી અનેક નવા નવા સંકટોના ભોગ થઈ પડતા.
ઈસમાઈલી પ્રેસના કુરઆને શરીફમાં જણાવ્યા મુજબ “ઈબ્ને અરબી' પોતાની તફસીરમાં જણાવે છે કે, બની ઈસરાઈલે ગાય કેવી જોઈએ તે વિષે સંખ્યાબંધ નકામા સવાલ અને જવાબ કર્યા; કારણ કે તેઓમાં ફરમાનબરદારીની ઉણ૫ હતી. આ બાબત પર જ રસુલે ખુદા (અ.)એ ફરમાવ્યું કે, જો તે લોકો એક સામાન્ય ગાયને ઝબ્હે કરી નાખત તો તેમના માટે એ પુરતું થાત; પરંતુ તે લોકોએ ઘણી સખતી વાપરી ત્યારે ખુદાતઆલાએ પણ તેમના ઉપર સખ્તી કરી. જો આવા નકામા સવાલો થયા ન હોત અને સચ્ચાઈથી ફરમાન કબુલ કરી લેતે તો તેઓ માટે એ ફરમાન સહેલું અને આસાન બની જાત અને તેમની મુરાદ બર આવત.
ઔઝ બિન ઉનુક
(૧૮૯) “કસસુલ–અંબિયા”માં જણાવેલ છે કે, બની ઈસરાઈલ પ્રથમ શામ પેલેસ્ટાઈનમાં વસવાટ કરતા હતા. ત્યાર પછી મીસરના મુલ્કમાં રહેવા આવ્યા. હ. મુસા (અ.)ને ખુદાનો હુકમ થયો કે, બની ઈસરાઈલીઓને લઈ શામના પ્રદેશમાં જાઓ અને દુશ્મનોથી લડાઈ કરી “જાબીરો” પાસેથી તે મુલક છીનવી લ્યો.
(૧૮૯/૧૯૦) ઈલાહી હુકમ અનુસાર હ. મુસા (અ.)એ પોતાની ઉમ્મતને ખુદાઈ કરારનું પાલન કરવાની ફરજ પાડી અને અમાલિકા કોમ ઉપર ચઢાઈ લઈ જવા કટિબધ્ધ થવા આજ્ઞા કરી અને બની ઈસરાઈલની બાર જમાતોના જે બાર હિંમતવાન લડવૈયા હતા તેમને પોતપોતાના ટોળાની સરદારી સુપ્રત કરી. આ વખતે 'જબાબરા'ના મુખ્ય નગરો 'ઈલીયા' અને 'અહીહા' હતા; ઉપરાંત શામના બધા વિભાગો બની ઈસરાઈલીઓને જીતવાના હતા. પુર્ણ તૈયારી કરીને હ. મુસા (અ.) પોતાના લશ્કર સહિત “તૈયા”ના મેદાનમાં આવી પહોંચ્યા.
(૧૯૦) "ઈસ્ફાની કુરાન” ની તફસીરમાં જણાવ્યા મુજબ, હ. મુસા (અ.) 'તૈયા'માં આવી બાર સરદારોને રાક્ષસોના મુલ્કની હાલત સંબંધી હકીકત મેળવવા મોકલ્યા. બાર જણા જ્યારે તે દેશની સરહદ પર પહોંચ્યા, તે દરમ્યાન તેઓને માર્ગમાં “ઓઝ બિન ઉનુક” મળ્યો. જે ૩૩૦૦ વાર ઉંચો અને જોરાવર હતો. તેણે બાર જણાને જોતાં જ પોતાના અંગરખાની અંદર તેમને લઈ લીધા અને પોતાની માતા પાસે તેઓને લઈ ગયો અને પોતાના પગ તળે દબાવી તેમને મારી નાખવાની તેણીથી પરવાનગી માંગી; પણ માતાએ તેઓને છોડી મુક્યા. એમ ધારીને કે તેઓ આ ખબર પોતાના લશ્કરને આપશે એટલે ભયના માર્યા તેઓ નાસી જશે. બારે સરદારો જ્યાં પોતાના લશ્કરે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવી હ. મુસા (અ.) તથા હ. હારીન (અ)ને બનેલી ઘટના કહી સંભળાવી. ત્યારે હ. મુસા (અ.)એ આ વાત બની ઈસરાઈલીઓને નહીં કરવા એટલા માટે કહ્યું કે, એ સાંભળી તેઓ ડરી જશે; પણ 'યુશા બીન નુન” અને “કાલુત” સિવાયના દશ જણે પોતે જે જોયું હતું તે કહી દીધું. આથી બની ઈસરાઈલીઓ ગભરાઈને કહેવા લાગ્યા કે, આવા રાક્ષસો જેવા માણસોની સામે આપણે લડાઈ કરી કેવી રીતે જીત મેળવી શકીશું ?
(૧૯૦/૧૯૧) સરદારો આવી ગયા પછી, હ. મુસા (અ.) એ પોતાની કોમને અમાલીકા (રાક્ષસ) કોમ ઉપર ચઢાઈ માટે તૈયાર થવા હુકમ ફરમાવ્યો. જે સાંભળી કેટલાકો કંપી ઉઠ્યા, કેટલાક પોક મુકી રડવા બેઠા અને કેટલાકો કહેવા લાગ્યા કે, અમે શા માટે મીસરમાં મરી નહી ગયા કે, આ રાક્ષસોનો શિકાર બનવા જીવતા રહેવા પામ્યા ? અહીં એ જાણવું જરૂરી છે કે, હ. મુસા (અ.)ની કોમ કાયર અને બેવફા હતી. મીસર પછી તેઓને શામનો મુલ્ક જીતમાં આપવા માટે અલ્લાહની ઈચ્છા હતી, છતાં તેઓ અસ્થિર યકીનના કાચા અને નાહિંમત હોવાથી અલ્લાહ તથા પયગમ્બરની શાન વિરૂધ્ધ બોલવા પણ ચુકતા નહોતા. પરિણામે કેટલાકો તો રાક્ષસોની સામે કદી પણ નહિ લડવાનું જણાવીને હ. મુસા (અ.)ને કહેવા લાગ્યા કે, “તમે અને તમારો ખુદા બન્ને જ એ રાક્ષસો સાથે લડીને ફતેહ મેળવો, અમે તો અહીં બેઠા છીએ.” તે ઉપરથી “યુશા બીન નુન” અને 'કાલુતે' તેમને સમજાવતા કહ્યું કે, અય કોમ ! ભલે તે લોકો જોરાવર છે છતાં ફતેહ તો ખુદાતઆલા આપણને જ આપશે, કારણ કે, તેણે તમારી ફતેહ થવાનો જે વાયદો આપ્યો છે તે સાચો જ પડવાનો છે. જવાબમાં તેઓએ જણાવ્યું કે, અમે હરગીઝ લડવા જઈશું નહીં, જોઈએ તો તમે અને તમારો ખુદા તેઓથી લડી લ્યો.
(૧૯૧) બની ઈસરાઈલે રાક્ષસો સામે લડવા જવાની એ પ્રમાણે ના પાડી ત્યારે, હ. મુસા (અ.)એ તેમના ઉપર ઘણા નારાજ થઈ શ્રાપ આપ્યો. અને હ. હારુનને પોતાની સાથે લઈ રાક્ષસો સામે લડવા ગયા.
હ. મુસા (અ.)ના રવાના થયા પછી ઈસરાઈલીઓએ પાછા મીસર જવાનો નિર્ણય કરી, રાત્રે સફર ચાલું કરી, પણ સવાર થતા જ જે જગ્યાએથી તેઓ ઉપડ્યા હતા ત્યાં જ પાછા આવ્યા છે એમ તેઓને જણાયું.
ફરી બીજી રાત્રે આખી રાત તેઓ ચાલ્યા; સવારે જોયું તો જ્યાંથી તેઓએ કુચ આદરી હતી તેજ જગ્યાએ પોતાને પાછા જોયા. આ ઉપરથી તેમને લાગ્યું કે, હ. મુસા (અ.)ની બદ દુઆને લીધે તેઓ આવા સંકટમાં આવી પડ્યા છે.
હ. મુસા (અ.)એ તેમને શ્રાપ આપ્યો હોવાથી ખુદાતઆલાએ તેમને રણમાં ભટકતા રાખ્યા અને ૪૦ વર્ષ સુધી “તૈયા”ના જંગલમાં તેઓ રખડતા રહ્યા. તેઓ ૩૬ માઈલની અંદર જ રહેતા, જે કે તેઓ રાતથી સવાર સુધી મુસાફરી કરતા છતાં જે જગ્યાએથી ઉપડતા તેજ સ્થળે પાછા પોતાને જોતા.
હ. મુસા (અ.) જ્યારે “ઔજ” શહેરમાં પોતાના ભાઈ હ. હારૂન સાથે આવી પહોંચ્યા અને ત્યાંના લોકોના કદ તથા વિક્રાળ ચહેરા જોયા ત્યારે તેઓ ગભરાઈ ગયા. છતાં અલ્લાહને યાદ કરી આગળ ને આગળ વધતા રહ્યા દરમ્યાન “ઔજ બીન ઉનુકે” તેમને જોઈ પડકારતા કહ્યું કે, અય બની ઈસરાઈલ કોમના સરદાર ! તેંજ ફીરઓનને પાણીમાં ડુબાડી મારી નાંખ્યો છે ને ? આટલું કહી તેણે હ. મુસા (અ.)ને કીડીની જેમ મસળી નાખવાનો ઈરાદો કરી હુમલો કર્યો, જેના જવાબરૂપે હ. મુસા (અ.) એ કુદકો મારી પોતાની “અસા” (લાકડી) તેના ગુંઠણ ઉપર એવા જોરથી મારી કે તે જમીન ઉપર પછડાઈ મૌતને આધીન થયો. આવી રીતે ખુદાએ આપેલી જીતથી હ. મુસા તથા હ. હારૂન (અ.) આનંદ પામી જ્યાં બની ઈસરાઈલીઓ અટકી પડ્યા હતા તે મેદાનમાં આવી પહોંચ્યા.
“તૈયા” મેદાનમાં હ. મુસા (અ) તથા હ. હારૂન (અ.) આવતા જ કોમે આપને ઘણાજ ખુશખુશાલ જોયા. બાદ હ. મુસા (અ)એ ફરમાવ્યું કે, અય કોમ ! મારા હાથે “ઔજ બીન ઉનુક” મરણ પામી પોતાના અંજામે પહોંચ્યો છે. હવે તમે સઘળા શામ તરફ ચાલો અને ખુદાનો હુકમ બજાવી લાવો.
(૧૯૨) આ વખતે બની ઈસરાઈલીઓએ હ. મુસા (અ.) પાસે પોતાની અવદશાનું વર્ણન કરતાં કહ્યું કે, આ મેદાનમાંથી અમે બહાર નીકળી શક્તા નથી, ત્યારે હ. મુસા (અ)એ ફરમાવ્યું કે, તમારો સરસામાન લઈ મારી સાથે શામના મુલ્કમાં ચાલો. હુકમ અનુસાર તેમણે આખી રાત પોતાની કુચ ચાલું રાખી, પણ પરોઢીયું થતા જ તેઓએ પોતાને જ્યાંના ત્યાંજ જોયા પોતાની કોમની આવી ખરાબ હાલત જોઈ હ. મુસા (અ.)એ તેમની મુશ્કેલી દુર થાય એવી દુઆ ખુદાના દરબારમાં માંગી. ખુદાનો હુકમ થયો કે, અય મુસા ! અફસોસ નહીં કર, હુકમ નહી માનનાર કોમ ઉપર આ રીતે ૪૦ વર્ષ ભટકવું નિર્માણ થઈ ચુક્યું છે, કારણ મારૂં ફરમાન હોવા છતાં તેઓ તારી સાથે યુધ્ધ કરવા આવ્યા નહી અને હુકમનો અનાદર કરતાં કહ્યું કે, “તમે અને તમારો ખુદા દુશ્મનથી લડી લ્યો.”
“તૈયા” વેરાન જંગલમાં આવેલું એક એવું મેદાન હતું કે, જ્યાં કાંટાના ઝાડ સીવાય પાણી કે લીલોતરી જેવું કંઈ પણ હતું નહીં. વળી હ. મુસા (અ.)ના આવ્યા બાદ ૫ણ ઈસરાઈલીઓ તે મેદાનમાંથી બહાર નીકળી શક્યા ન હતા, તેથી તેઓને સૂર્યનો તાપ, ભુખ અને તરસથી ખુબ કષ્ટ વેઠવું પડતું હતું. આવી મુશીબતમાંથી બચાવી લેવા તેઓએ હઝરતને ખુદા પાસે દુઆ માંગવા કહ્યું. હ. મુસા (અ.)એ દુઆ માંગી અને તેની બરકતથી ખુદાતઆલાએ તેમના ઉપર છાંયો કરવા માટે એક ઠંડા વાદળનો કટકો અને ખાવા માટે મન્ન તેમજ સલ્વા નામના બે જાતના ખોરાક આસમાનમાંથી મોકલ્યા. આ બે ખોરાકના સંબંધમાં તફસીર લખનારાઓના જુદા જુદા મત છે; પણ ઘણા તફસીર લખાનારાઓનો મત છે કે, “મન્ન” એક જાતથી વનસ્પતી હતી અને “સલ્વા” એક જાતનુ પક્ષી હતું જે ચકલી કરતાં મોટું અને કબુતર કરતા નાનું હતું. તેને હાડકા નહોતા, તે પક્ષી જમીન ઉપર પડ્યા પહેલા તેના સઘળા પીછા હવામાં સાફ થઈ જતા અને તે સુર્યના તાપથી પટકાઈને નીચે પડતું.
ઈસરાઈલ લોકોએ ભુખને સંતોષવા મન્ન અને સલ્વા ખાધા અને પછી તેઓને લાગેલી તરસ માટે તેઓએ હઝરત પાસે પાણી મેળવી આપવાની વીનંતી કરી. ખુદાના હુકમથી હ. મુસા (અ.)એ પોતાની અસા લાકડી એક ખડક ઉપર મારી એટલે તેમાંથી તેમની કોમની સંખ્યા પ્રમાણે બાર ઝરા ફુટી નીકળ્યા. તે ક્યો ખડક હતો તેના સબંધમાં તફસીર લખનારાઓમાં ભીન્ન-ભીન્ન મત છે. કેટલાક કહે છે તે ખડક બહેશ્તમાંથી હ. આદમ (અ.) લાવ્યા હતા. બીજા કહે છે તે સીનાઈ પર્વતમાંથી હતો.
(૧૯૩) હ. મુસા (અ)એ પોતાની કોમને નસીહત કરતા ફરમાવ્યું કે, “મન્ન" અને "સલ્વા” એકજ દીવસના ખોરાક પુરતું રાખજો, વધારે ભેગું કરી રાખશો નહી. છતાં ઇસરાઈલીઓ હઝરતના હુકમની અવગણના કરીને એક મહીનાનો ખોરાક ભેગો કરવા લાગ્યા, તેથી “મન્નો-સલ્વા” જે રીઝકરૂપે તેઓને મળતું હતું તે બંધ થઈ ગયું; આથી ઈસરાઈલીઓ ગભરાટમાં પડી હઝરતને એ ખોરાક મેળવી આપવા ફરી અરજ કરી. હઝરતની દુઆથી માત્ર એક દીવસ પુરતું જ રીઝક તેઓને મળવા લાગ્યું; પણ તે દરરોજ ખાઈ ખાઈ તેઓ કંટાળી ગયા અને તેઓએ હ. મુસા (અ.)ને અરજ કરી કે, આ મેદાનમાં પડ્યા રહી, આવો બેસ્વાદ ખોરાક ક્યા સુધી ખાતા રહીશું ? હઝરતે ફરમાવ્યું કે, તમારી કિસ્મતમાં એજ ખોરાક નિર્માણ થયેલો છે. કારણ કે, તમોએ ખુદાની નાફરમાની કરી તેની સજા તરીકે આ દુઃખ ભોગવે જ છુટકો છે. દરમ્યાન બની ઈસરાઈલના વૃધ્ધ ઉંમરના તમામ લોકો હેરાન-પરેશાન થઈ મોટા પ્રમાણમાં મરણ પામ્યા હતા. જ્યારે મિસરથી આવ્યા પછી જે ઔલાદ થઈ હતી તે, તેમજ યુશા અને કાલુત જીવતા રહેવા પામ્યા હતા. હ. મુસા (અ) તથા હ. હારૂન (અ) “તૈયા”ના મેદાનમાં વફાત પામ્યા હતા.
બની ઈસરાઈલીઓના પયગમ્બર તરીકે “હ. યુશા બીન નુન' હ. મુસા (અ.) ૫છી પયગમ્બરી કરવા લાગ્યા હતા. હ. મુસા (અ.) તથા હ. હારૂન (અ.) “તૈયા” મેદાનમાં આવ્યા પછી ૩૦ વર્ષે વફાત પામ્યા હતા. જ્યારે ૪૦ વર્ષ પછી ઈસરાઈલીઓને બહાર નીકળવાનો રસ્તો મળ્યો હતો, કે જ્યાંથી તેઓએ કીનઆન-શામ” વગેરે દેશેામાં જઈ વસવાટ કર્યો હતો.
હઝરત મુસા (અ.)ની હ. ખીઝર (અ.) સાથે મુલાકાત
(૧૯૩/૧૯૪) એક દિવસ હ. મુસા (અ.) બની ઈસરાઈલીઓને જ્યારે નસિહત કરી રહ્યા હતા, ત્યારે ખુદાતઆલાના હુકમથી તેમના ઉપર એક સફેદ વાદળું આવી છાયો કરવા લાગ્યું, એ વખતે એક શખશે હ. મુસા (અ.)ને પુછયું કે એેવો કેાઈ શખ્સ છે કે જે તમારાથી વધુ હોય ? યાને ઈલ્મ વધારે જાણતો હોય ? હ. મુસા (અ)એ ફરમાવ્યું કે, મને ખબર નથી. હું નથી જાણતો કે મારાથી કોઈ વધુ હોય. તે વખતે હ. જીબ્રાઈલ અમીને નાઝીલ થઈ કહ્યું કે, અય મુસા ! તમે જાઓ અને તે શખ્સ પાસે ઈલ્મ શીખો, એવો તમારા માટે ખુદાનો હુકમ છે. હ. મુસા (અ.)એ કહ્યું કે, ક્યો શખ્સ ? તેને હું ઓળખતો નથી. ત્યારે જીબ્રાઈલે કહ્યું કે, જેટલું ઈલ્મ દુનિયામાં છે તે તમે તે શખ્સ પાસે શીખવા માટે જાઓ. આંગળીથી નીશાની બતાવીને કહ્યું કે તમે ત્યાં જાઓ તેની પાસેથી ઈલ્મ શીખો, એવો તમારા માટે ખુદાનો હુકમ છે. હ. મુસા (અ.)એ કહ્યું કે, તે શખ્સને હું ઓળખતો નથી, તેને હું ગોતવા ક્યાં જાઉં ? જીબ્રાઈલે કહ્યું કે, તમે ત્યાં જઈ જોશો તો તે ત્યાં છે, અગર ગોતશો તો તે તમને મળશે.
(૧૯૪) ખુદાવંદતઆલાના હુકમથી હ. મુસા (અ.)એ પોતાના ભાઈ હ. હારુનને તખ્ત ઉપર બેસાડી, પોતાના જાંનશીન યુશાને લઈ “મજમઉલ બાહરેન” તરફ રવાના થવાનો ઈરાદો કર્યો. ‘મજમઈલ બાહરેન' સમુદ્રનું નામ છે, જે ફારસ અને રૂમ નજીક પૂર્વમાં આવેલો છે. તે વખતે જીબ્રાઈલે આવીને કહ્યું કે, અય મુસા ! તમને ખુદાનો હુકમ છે કે, સાથે એક સુકી માછલી લઈ જાઓ. આ માછલી જ્યાં જીવતી થાય ત્યાં તે શખ્સને ગોતજો અને જોજો.
હ. મુસા (અ.) પોતાની ઉમ્મતને કહ્યું કે, મને ખુદાનો હુકમ છે કે, “તું ઈલ્મ શીખવાને માટે જા.” જેથી હું ઈલ્મ શીખવાને માટે જાઉં છું અને હ. હારૂનને મારી બદલીમાં તખ્ત ઉપર બેસાડું છું તેની ફરમાબરદારી કરજો.
હ. મુસા (અ.) યુશાને સાથે લઈ એક સમુદ્ર પાસે આવ્યા. તે ઠેકાણે હ. મુસાને કુદરતી હાજત થવાથી માછલીને ત્યાં મૂકી અને હ. યુસાને ત્યાંજ બેસાડી હાજત માટે ચાલ્યા. હ. મુસા કુદરતી હાજત માટે હંમેશા ઘણા છેટે જતા હતા, કારણ કે તેમને કોઈ જુએ નહી.
(૧૯૪/૧૯૫) પાછળથી પાણીની વાસથી માછલી જીવતી થઈ અને પાણીમાં ચાલી ગઈ. હ. મુસા (અ.) જ્યારે આવ્યા ત્યારે માછલીને ત્યાં ન જોતા હ. યુશાને પૂછયું કે, માછલી ક્યાં છે ? ત્યારે હ. યુશાએ માછલીને જે બનાવ બન્યો હતો તે કહી સંભળાવ્યો અને કહ્યું કે, તે પાણીમાં ચાલી ગઈ. હ. મુસાએ કહ્યું કે, એમ કેમ બને ? એમ કહીને માછલીને જોવા માટે પાણીમાં ચાલ્યા અને માછલીને પાણીમાં ચાલી જતી જોઈ. હ. મુસા (અ.) તેને પકડવા માટે તેની પાછળ ચાલ્યા ત્યારે પાણી તેમને ખેંચીને નીચે લઈ ગયું જ્યારે પાણીની નીચે જમીન ઉપર પહોંચ્યા ત્યારે હ. મુસા (અ.)એ નજર કરી તો હ. ખિઝરને બંદગીમાં મશગુલ થઈ બેઠેલા જોયા. હ. મુસા (અ.) ત્યાં જઈને ઉભા રહ્યા. જ્યારે બંદગીમાંથી હ. ખિઝર (અ.) ફારેગ થયા ત્યારે હ. મુસાએ સલામ કરી અને હ. ખિઝરે સલામનો જવાબ આપી પુછ્યું કે, તમે શા માટે આવ્યા છો ? ત્યારે હ. મુસાએ કહ્યું કે, હું ઈલ્મ શીખવા આવ્યો છું. હ. ખિજરે કહ્યું કે, મારૂં ઈલ્મ શીખવાની તમારામાં તાકાત નથી કે તે તમે શીખી શકો, કારણ કે તમારામાં એટલી સબુરી નથી અને તમે સબુરી રાખી શકશો નહી. હ. મુસાએ કહ્યું કે, મને તમારી પાસે ઈલ્મ શીખવા માટે ખુદાતાલાએ મોકલ્યો છે અને હું ખુદાના હુકમથી અહીં આવ્યો છું, ખુદાતઆલા મને સબુરી આપશે.
હ ખિજર (અ.) અને હ. મુસા (અ.) બન્ને જણા ચાલતા ચાલતા દરિયા કીનારે પહોંચ્યા. ત્યાં એક કિશ્તી યાને વહાણ હતું તેમાં બેઠા. જ્યારે કિનારા નજીક આવ્યા ત્યારે હ. ખિઝર શું કરે છે તે હ. મુસા જોવા લાગ્યા. આ વખતે હ. ખિઝર વહાણનું એક પાટીયું કાઢતા હતા અને આખરે પાટીયું કાઢી નાખ્યું; આથી વહાણમાં પાણી ભરાવા લાગ્યું, ત્યારે હ. મુસાએ હ. ખિજરને કહ્યુ કે, આ શું કર્યું ? હમણા પાણી ભરાઈ જશે અને આપણે ડુબી જશું. હ. ખીઝરે કહ્યું કે, અય મુસા ! તમે મને કહ્યું હતું કે હું સબુરી રાખીશ, તે તમે ભુલી ગયા ? હ. મુસાએ કહ્યું કે, હવે પછી હું નહી બોલું, હવે હું સબુરી રાખીશ.
હ ખીઝર (અ.) અને હ. મુસા (અ.) બન્ને જણા કિનારે ઉતરી આગળ ચાલ્યા, ત્યાં એક છોકરો ઉભો હતો. હ. ખીઝરે તલવાર કાઢીને તે છોકરાને મારી નાખ્યો. ત્યારે હ. મુસાએ કહ્યું કે, અય ખીઝર ! આ બેગુનાહ છોકરાને શા માટે મારી નાંખ્યો ? ત્યારે હ. ખીઝરે કહ્યું કે, ફરી તમે ભુલી ગયા ! ત્યારે હ. મુસાએ આજીજી કરી કહ્યું કે, હવે નહીં પુછીશ, જો હવે પછી હું પુછું તો તમે મને ઈલ્મ નહી શીખવજો.
ત્યાંથી બન્ને જણા ચાલ્યા અને એક શહેરમાં પહોંચ્યા અને ભુખ લાગી હોવાથી જમવા માટે ગયા, ૫ણ શહેરમાં કોઈએ તેઓને ખાવાનું આપ્યું નહીં, એટલું જ નહી પણ બન્નેને શહેરમાંથી બહાર કાઢી મુક્યા.
ઉપલી હકીકત કુરઆને શરીફમાં છે. હ. મહમદ મુસ્તફા (૨. સ. અ.)એ ફરમાવ્યું છે કે, એ શહેર ઘણું ખરાબ છે, કારણ કે કોઈ પણ મહેમાન આવે તો તેને ખાવાનું ન આપતા શહેરની બહાર કાઢી મુકે છે, તેમ હ. મુસા અને હ. ખીઝરને પણ કાઢી મુક્યા.
(૧૯૫/૧૯૬) પછી હ. ખીઝરે હ. મુસા (અ.)ને કહ્યું કે અહીં આ૫ણને કોઈ ખાવાનું આપશે નહીં, માટે ચાલો આપણે મજુરી કરી પૈસા કમાવી ખાવાનું લઈએ, ત્યાંથી તેઓ એક શહેરની પાસે પહોંચ્યા, ત્યાં એક ઘરની ભીંત પડી ગઈ હતી. તે ભીંત હ. ખીઝર ઉભી કરવા લાગ્યા અને ભીંત સરખી કરી હ. મુસાએ કહ્યું કે આ ભીંત કોની છે, આપણે તેની મજુરી પણ ઠેરાવી નથી, તો તેની મજુરી આપણને કોણ આપશે ? તેના માલીક પાસે મજુરી ઠરાવી ત્યારબાદ મજુરી કરી હતે તો ઠીક થતે. હ. ખીઝરે કહ્યું કે તમે તમારા મકાને જાઓ કારણ કે આપણો વાયદો હવે ખલાસ થયો છે. તમે કહ્યું હતું કે, હું હવે સબુરી ન રાખું તો તમે મને નહી શીખવજો. તે શરત પ્રમાણે તમારાથી સબુરી રાખી શકાણી નહી એટલે આપણો વાયદો ખલાસ થયો.
હ. ખીઝર (અ.)એ હ. મુસા (અ.)ને કહ્યું કે, તમે જે ત્રણ બાબતો જોઈ તેનો મતલબ અને ભેદ હું તમને સમજાવું છું અને હ. મુસા સાંભળવા બેઠા. હ. ખીઝર કહેવા લાગ્યા કે, મેં જે કીશ્તી ભાંગી નાખી, તેનો સબબ એ હતો કે, તે કીશ્તી એક ગરીબ માણસની હતી અને અહીંનો બાદશાહ જાલીમ હોવાથી જેની કીસ્તી સારી જોવામાં આવતી તેને વેઠમાં લઈ જતો હતો; અગર હું તેની કીસ્તી ન ભાંગતે તો તે કીસ્તી બાદશાહ લઈ જતે અને તે ગરીબ માણસ ભુખે મરી જતે.
બીજી બાબતનો ખુલાસો કરતા હ. ખીઝર (અ.)એ કહ્યું કે, જે છોકરાને મેં મારી નાખ્યો તેનો સબબ એ હતો કે, તે છોકરાના માબાપ સારા છે અને આ છોકરો કાફર હતો. જો તે મોટો થયો હોત તો તેણે પોતાના બાપનું નામ ડુબાવ્યું હોત અને પોતાના માબાપને ઘણું દુઃખ આપ્યું હોત અને તેના મા બાપને ઘણું દુઃખ ભોગવવું પડતે, બલ્કે આખા શહેરને દુ:ખ આપતે તેના માટે તેને મેં મારી નાખ્યો કે જેથી દુઃખ ન થાય.
ત્રીજી બાબતનો ખુલાસો કરતા હ. ખીઝરે કહ્યું કે, જે ભીંત મેં ઉભી કરી તે એક યતીમની હતી, તે યતીમ પાસે એટલો પૈસો નથી કે ભીંતની મરામત કરી ઉભી કરી શકે. તેનો બાપ હતો તે ઘણો સારો અને નેક માણસ હતો તેના બાપનું નામ “સાલેહ” હતું. સાલેહ નામ ખુદાવંદતઆલાએ રાખ્યું હતું, કારણ કે તે ઘણો સારો હતો અને ઘણા લોકોના સારા કામો કર્યા હતા. તેનું અસલ નામ કાસરખા હતું પણ તે દરેકની જરૂરીયાતો પુરી કરતો હતો તે માટે ખુદાએ તેનું નામ “સાલેહ” રાખ્યું હતું. એ ભીંત તેના છોકરાની હતી. તે ભીંત પડી ગઈ અને છોકરા પાસે પૈસો નહીં હતો, વળી તે યતીમ હોવાથી તેની ભીંત મેં ઉભી કરી હતી.
જ્યારે તેનો બાપ સાલેહ ગુજરી ગયો ત્યારે તેણે પાંચ વસીયતો કરી હતી.
(૧૯૭) પહેલી વસીયત એ હતી કે :
"હું અજબ થાઉં છું કે, માણસો કહે છે કે, અમો મરી જશું છતાં દુનીયામાં ઠઠા, મશ્કરી અને ખુશી મનાવે છે.”
બીજી વસીયત એ હતી કે :
“જે માણસો સમજે છે કે અમે મરી જઈશું અને કબરમાં દાખલ થશું છતાં દુનીયામાં પોતાને માટે કેવા મકાન બંધાવે છે ?”
ત્રીજી વસીયત એ હતી કે :
“હું અજબ થાઉં છું કે, જે માણસો સમજે છે કે આપણા માટે બહેશ્તમાં કેવા સારા મકાનો છે ? પણ માણસો તે મેળવવા માટે સવાબના કામો કરતા નથી.”
ચોથી વસીયત એ હતી કે :
“મને તાજુબી થાય છે કે, માણસો કહે છે કે, ગુના કરવાથી જહન્નમમાં જશું, છતાં ગુના કરે છે.”
પાંચમી વસીયત એ હતી કે :
“હું અજબ થાઉં છું કે, માણસો કહે છે કે તોબા કરવાથી ગુના માફ થાય છે અને ખુદાવંદતઆલા તૌબા કબુલ કરે છે, છતાં તૌબા કરતા નથી.”
આવી રીતે પાંચ વસીયતો કરી હતી.
હ. ખીઝર (અ)એ કહ્યું કે, અય મુસા ! તમે મારા કરતા મોટા છો, ૫ણ તમે મગરૂરી કરી, તેથી ખુદાએ તમને મારી પાસે મોકલ્યા. બાકી તમે મોટા છો અને તમારૂં ઈલ્મ પણ વધારે છે અને તમે મુરસલ છો, પણ તમે તકબ્બુરી કરી કે મારી પાસે ઈલ્મ ઘણું છે, એમ સમજી તમે ખુશી થતા હતા. ખુદાતઆલાના કેટલાક બંદા છે, પણ તેઓની પાસે ઈલ્મ નથી અને મારી પાસે ઈલ્મ ઘણું છે એમ સમજી તમે તમારા મનમાં ખુશી રહેતા હતા અને તે માટે તમને અહીં આવવું પડ્યું.
(૧૯૭/૧૯૮) હ. ખીઝર (અ.) હ. મુસાથી વાતો કરતા હતા. તે વખતે એક પક્ષી આવ્યું અને દરીયામાંથી ચાંચ ભરી ચાલ્યું ગયું. તે સમયે હ. મુસાને હ. ખીઝરે કહ્યું કે, તમે તે પક્ષીને દરીયામાંથી ચાંચ ભરી ચાલ્યા જતા જોયું ? હવે જુઓ, આ દરિયામાંથી કાંઈ ઓછું થયું ? જુઓ દરિયામાંથી કાંઈ ઘટ્યું કે ઓછું થયું નથી, તેવી રીતે ઈલ્મ મિસાલ દરિયો છે તેમાંથી જે કોઈ ઈલ્મ મેળવે છે તો તેમાંથી કંઈ પણ ઓછું થતું નથી.
(૧૯૮) હ. ખીઝર (અ.) વધુ ખુલાસો કરતા કહ્યું કે, જુઓ ! વિશાળ સમુદ્રના મુકાબલામાં પાણીનું' એક બિંદુ કોઈ વિસાતમાં નથી. અય મુસા ! જાણો કે તમારૂં અને મારૂં ઈલ્મ પણ એક કતરા સમાન છે. ખરેખર ખુદાતઆલાએ દરેક ઈન્સાનને તેની માનસીક શક્તિ પ્રમાણે ઈલ્મ આપ્યું છે, મતલબ કોઈને એક, તો કોઈને તેનાથી જુદુ બસ આ વાતનો સાર એ છે કે, અલ્લાહે બક્ષેલું જે ઇલ્મ મને છે, તે તમને નથી.
અય મુસા ! તમોએ કરેલી શર્ત પ્રમાણે તમારો અને મારા વચ્ચેનો સંબંધ ખલાસ થાય છે. હવે આપણે છુટા પડીએ તે પહેલા તમને હું ત્રણ નસીહતો કરૂં છું.
પહેલી નસીહત એ છે કે, આનંદી અને નેક અમાલવાળા લોકોની વચ્ચે રહો કે જેથી તમારી ઈજ્જતમાં ખુબ વધારો થશે.
બીજી નસીહત એ છે કે, કોઈ પણ વખત મગરૂરી કરવી નહી કારણ કે મગરૂરને અલ્લાહ પોતાનો દોસ્ત રાખતો નથી.
ત્રીજી નસીહત એ છે કે, તમારી કે બીજા માટેની જરૂરીઆત ખુદા સિવાય બીજાથી માંગશો નહીં. એમ કરવાથી ખુદા પાસે તમારી દુઆ કબુલ થશે.
આટલી નસીહતો સંભળાવી હ. ખિઝર (અ.), હ. મુસા (અ.) પાસેથી ગેબ થઈ ગયા.
હ. મુસા (અ.), હ. ખીઝર (અ.)ને ઈલ્મથી ઘણા તાજુબ થયા અને પોતાને ઈલ્મનો જે ફખ્ર હતો તે જતો રહ્યો. ત્યારબાદ હ. મુસા (અ.) પોતાની કોમ પાસે આવ્યા, ત્યારે કોમે આપને પુછયું કે, હ. ખીઝર પાસેથી આપ ક્યો ઈલ્મ શીખી આવ્યા ? જવાબમાં હઝરતે કહ્યું કે, એ હકીકત તમને કહેવા જેવી નથી.
આ બાબતમાં એક એે ઉલ્લેખ મળી આવે છે કે, ઈમામ જાફર સાદીકે ફરમાવ્યું છે કે, “જો મુસા પયગમ્બરે સબુરી કરી હોત તો સીત્તેર બાબતો હ. ખીઝરે હ. મુસા (અ.)ને બતાવી હોત, પણ સબુરી ન કરવાથી માત્ર ત્રણ બાબતો તેમણે જોઈ.”
હ. મુસા અને હ. હારૂન (અ.)ની વફાત
'કસસુલ અંબીયા'ના ઉલ્લેખ પ્રમાણે બની ઈસરાઈલીઓ ખુદાના હુકમની બેફરમાની કરી શામના મુલ્કમાં લડાઈ કરવા ગયા નહીં. જેથી “તૈયા” નામના મેદાનમાં ૪૦ વર્ષ સુધી રસ્તો નહી મળવાથી ભટકતા રહ્યા. આવી રીતે ૩૦ વર્ષ પસાર થયા ત્યારે હ. મુસા (અ.) ઉપર વહી નાઝીલ થઈ કે, અમુક દીવસે, અમુક વખતે અને અમુક જગ્યાએ તારા ભાઈ હારુનની વફાત થશે. જ્યારે એ વાયદાનો દીવસ નીકટ આવ્યો, ત્યારે પોતાની કોમથી છુટા પડી હ. હારૂન અને હ. મુસા (અ.) એક બાગમાં ફરવા ગયા, ત્યાં નહેરના કિનારે એક તખ્ત તેમની નજરે પડ્યું જેના ઉપર હ. હારૂન (અ.) જઈને બેઠા, અને કહ્યું કે, આ જગ્યા કેવી ખુશનુમા છે ?! એટલું બોલી રહ્યા કે તેમને રૂહ કબ્ઝ કરી લેવામા આવ્યો અને હઝરત વફાત પામ્યા.
ત્યારબાદ હ. મુસા (અ.)એ ખુદાના હુકમથી પોતાના ભાણેજ હ. યુશા બિન નુનને પોતાના ઉત્તરાધીકારી બનાવી પયગમ્બરી સુપ્રત કરી. જ્યારે ત્રણ વર્ષ વીત્યા ત્યારે મલકુલ-મૌતે હ. મુસા (અ.) પાસે આવીને કહ્યું કે, હું તમારો રૂહ કબ્જ કરવા આવ્યો છું.
જવાબમાં હઝરતે કહ્યું કે, મેં મારી ઝબાનથી ખુદા સાથે કલામ કર્યા છે, આંખો વડે ખુદાનું નુર જોયું છે અને પગે ચાલી કોહેતુર ઉપર ગયો છું. તો હવે તમે મારો રૂહ કેવી રીતે કબ્ઝ કરવા માંગો છો ?
મલેકુલ મૌતે કહ્યું કે, જે રીતે મને ખુદાનો હુકમ છે તે રીતે કબ્ઝ કરીશ.
હ. મુસા (અ.)એ આવેશમાં આવીને કહ્યું કે, હમણા હું મારો આત્મા તમારા હવાલે કરવા માંગતો નથી.
તે વખતે ખુદા તરફથી વહી આવી કે, અય મુસા ! શું મારી તરફ આવવા તું રાજી નથી ?
હ. મુસાએ કહ્યું કે, ઈલાહી ! હું તારી તરફ આવવા ઘણો રાજી છું બલ્કે ઈન્તેઝાર છું, પણ એક વખત તૂર ઉપર આવી તારા દીદાર અને કલામ સાંભળવાની ઉમ્મીદ રાખું છું.
(૧૯૯/૨૦૦) તરત જ ખુદાના હુકમથી હ. મુસા (અ.) તૂર ઉપર ગયા, જ્યાં તેમને ખુદાના દીદાર થયા. ત્યાં આપે અરજ કરી કે, ખુદા યા ! મેં મારી આલ ઔલાદને તારા હવાલે કરી છે, તું એનું રક્ષણ કરજે.
(૨૦૦) ખુદાએ ફરમાવ્યું કે, અય મુસા ! જમીન ઉપર 'અસા' માર ! તેમણે જેવી અસા મારી કે તરતજ જમીન ફાટી અને ત્યાં પાણીનું વહેણ ચાલું થયું. હુકમ થયો કે, પત્થર ઉપર અસા માર ! અસા મારતાજ પત્થરના બે ટુકડા થઈ ગયા. જેમાંથી એક કીડો મોઢામાં હરિયાળા ઘાસ સહીત અલ્લાહનો ઝીકર કરતો બહાર આવ્યો. ખુદાતઆલાએ હ. મુસાને આ મુજબનો ચમત્કાર દેખાડીને ફરમાવ્યું કે, અય મુસા ! તેં જોયું કે હું કાળમીંઢ જેવા મજબુત પત્થરમાં વસી રહેલા કીડાને પણ રોઝી પહોંચાડું છું, તો તારી આલ ઔલાદને કેમ ભુલીશ ?
હ. મુસા (અ.) ખુદા સાથે છેવટના હમ કલામ કરી આનંદ અનુભવતા કોહેતૂર ઉપરથી નીચે આવ્યા. રસ્તે જતાં આપે જોયું કે, સાત શખ્સો એક કબર ખોદી રહ્યા છે. હઝરતે તેઓને પુછ્યું કે, તમે કોના માટે કબર ખોદી રહ્યા છો ? તેઓએ કહ્યું કે, ખુદાના દોસ્ત માટે ખોદી રહ્યા છીએ. તમે પણ આ કામમાં શામીલ થાઓ ઘણો સવાબ હાસલ થશે. તેથી હઝરત ૫ણ એ કાર્યમાં શરીક થયા.
કબર જ્યારે ખોદાઈને તૈયાર થઈ ગઈ ત્યારે હ. મુસા (અ.)એ પુછયું, તમે કબર તો તૈયાર કરી પણ તેનું માપ લીધું છે ? પેલા શખ્સો કે જેઓ ફિરસ્તા હતા (જેમને હ. મુસા (અ.) એળખી શક્યા નહતા.) તેમણે કહ્યું કે, જે ખુદાના દોસ્ત માટે કબર ખોદાણી છે તે બરાબર તમારા કદના છે. આ૫ અંદર ઉતરીને જુઓ કે મા૫ બરાબર છે કે નહિં.
હ. મુસા (અ) તરત જ કબરમાં ઉતર્યા અને મા૫ જોવા પોતે લાંબા થઈને સુતા તેવું જ આપથી કહેવાય ગયું કે, હાશ ! ખુબ સરસ જગ્યા છે. અગર આ કબર મારા માટે હોત તો હું ઘણો ખુશ થાત. આ વખતે મલકુલ મોતે આ૫ના હાથમાં બહેસ્તનું એક ફળ આપ્યું. તેને સુંઘતા વેંતજ હ. મુસા (અ.)નો રૂહ કબ્ઝ થતા આપ વફાત પામ્યા.
ત્યાર બાદ ફિરસ્તાઓએ તેજ હાલતમાં તેમના ઉપર માટી નાખી કબરને સપાટ જમીન જેવી બનાવી દીધી; જેથી કબરની નીશાની રહેવા પામી નહીં.
(૨૦૦/૨૦૧) હ. મુસા (અ)ની તુરબત ક્યાં છે તેનો ૫તો હજી કોઈને મળ્યો નથી, તેનું કારણ એ છે કે, હ. મુસા (અ.)ની ઈસરાઈલ કોમ કબર પરસ્ત હતી તેથી તેઓ કબરની પુજા નહિ કરે તે માટે હઝરતની કબર અદ્રશ્ય જેવી અર્થાત સપાટ જેવી બનાવવામાં આવી.
હ. મુસા (અ.) ૧૫૦ વર્ષની ઉંમર ભોગવી ઈ.સ. પૂર્વે ૧૪૨૧ માં વફાત પામ્યા હતા. બીજા મત પ્રમાણે ઈસરાઈલીઓને શામનો મુલ્ક ફતેહ કરાવ્યા બાદ વફાત પામ્યાનું પણ મળી આવે છે.
યા અલી મદદ
