Ilm Majalis Logo

ILM MAJALIS

અલ્લાહના રસુલો

રેકોર્ડીંગ - ૧૫

રેકોર્ડીંગ - ૧૫

0:000:00

હઝરત યુશા બીન નુન અને બલઅમ બીન બાઉર

(પેજ-૨૦૧) હ. યુશા બીન નુનના પિતાનું નામ એફ્રેમ બીન યુસુફ હતું. તેમની માતા હ. મુસા (અ.)ના બહેન મરીયમ હતા. એ મુજબ તેઓશ્રી હ. મુસા (અ.)ના ભાણેજ થતા હતા. તેમનો જન્મ ખ્રિસ્તી માન્યતા પ્રમાણે ઈ.સ. પુર્વે લગભગ ૧૫૩૫ માં થયો હતો.

હ. મુસા (અ.)ની વફાત પછી ઈસરાઈલીઓ સાત વર્ષ સુધી તૈયાના મેદાનમાં ભટકતા રહ્યા. જ્યારે ૪૦ વર્ષ પુરા થયા ત્યારે ખુદાતઆલાએ હ. યુશા બીન નુનને પયગમ્બરી બક્ષીને ફરમાવ્યું કે, બની ઈસરાઈલીઓને તૈયામાંથી બહાર કાઢી શામના મુલ્કને કબજે કરી, બધા મિસરમાં જઈને રહો. આ વખતે હ. યુશા (અ.)ની ઉમર ૮૪ વર્ષની હતી.

ઈસરાઈલીઓએ ખુદા અને હ. મુસા (અ.)ના હુકમની કરેલી અવગણનાની સજા ભોગવ્યા પછી તેઓને “તૈયા” નામના મેદાનમાંથી હ. યુશા (અ.)એ ખુદાના હુકમથી મુક્ત કર્યા અને પોતાની સરદારી નીચે ઈસરાઈલીઓના મોટા લશ્કરને લઈ નાની મોટી લડાઈઓ લડી શામ, કનઆનના મુલ્કોને ફતેહ કર્યા અને જેઓ કાફરો હતા તેમનો નાશ કર્યો અને જેઓએ હિદાયત માની ઈમાન લાવ્યા તેમને ઈલાહી પંથમાં દાખલ કર્યા.

ત્યારબાદ બની ઈસરાઈલીઓ કે જેઓ બાર કબીલામાં વહેંચાયેલા હતા તેમને હઝરતે જીતેલા મુલ્કો સુપ્રત કરી આપ્યા. જીતેલા સઘળા મુલ્કો હ. યુશા (અ.)એ પોતાને બક્ષીશ કરેલા હોવાથી તેમાંનું 'સલાહ' નામનું શહેર ઈસરાઈલીઓના બાર કબીલાઓએ મળીને હઝરતને આપ્યું, જ્યાં હ. યુશા (અ.) વસવાટ કરવા લાગ્યા.

(૨૦૧/૨૦૨) 'કસસુલ અંબીયા'માં ઉલ્લેખ છે કે, ત્યારબાદ હ. યુશા (અ.) ‘બાલક' બાદશાહના પાયતખ્ત 'અલકા' નામના શહેર ઉપર જંગી લશ્કર સાથે ચઢાઈ લઈ ગયા. બાદશાહ બલકે તેમનો મુકાબલો પોતાના પુષ્કળ લશ્કર સહિત કર્યો અને છ માસ સુધી ખુનખાર યુધ્ધ ચાલ્યું. આટલી લાંબી મુદત સુધી બાદશાહનું ટકી રહેવાનું કારણ એ હતું કે, બલક શહેરમાં તે કોમમાં એક નેક બંદો મકબુલે ખુદા યાને ખુદાના દરબારમાં સ્વીકારાયેલો ઈબાદતી શખ્સ રહેતો હતો. તેનું નામ 'બલઅમ બીન બાઉર' હતું. તે દરવેશ અને પરહેઝગાર હતો, પરવરદીગારે એની બંદગી અને ઈતાઅતને લીધે તેને ‘ઈસ્મે આઝમ'ની નવાજેશ કરી હતી. પરીણામે તે જે માંગતો હતો તે તેને મળતું હતું અને તે જે કંઈ બોલતો હતો તે મુજબ બનતું હતું અને આ હકીકત તેની કોમ જાણતી હતી.

(૨૦૨) બલક બાદશાહ પોતાના સરદારોને સાથે લઈ બલઅમ બીન બાઉર પાસે ગયો અને કહ્યું કે, તમે દુઆ કરો તો અમે યુશા ઉપર ફતેહ મેળવીએ. બલઅમે કહ્યું કે, હ. યુશા (અ.) ખુદાના પયગમ્બર છે તેથી તમે સઘળા ઈમાન લાવી તેના દિનને કબુલ કરો. જવાબમાં બાદશાહે કહ્યું કે, અમે યુશાનો દીન કદીપણ કબુલ કરશું નહીં અને જો તમે અમારા માટે દુઆ નહીં કરશો તો તમને સુળી ઉપર ચડાવી દઈશું.

બલઅમે બાદશાહને આપેલા ઉત્તરથી તેની સ્ત્રી અજાણ નહોતી.

તે એક કાફીર અને આખા શહેરની સ્ત્રીઓમાં સૌથી વધારે ખુબસુરત અને મક્કાર સ્ત્રી હતી. તેણે પોતાના પતિને કહ્યું કે, જો તમે આપણા બાદશાહની ફતેહ માટે દુઆ ન કરવાના હો તો મને તલ્લાક આપી છુટી કરો. આથી બલઅમ ધર્મસંકટમાં આવી પડ્યો. જો કે તે અલ્લાહનો આશક તો જરૂર હતો, પણ બીજી તરફ તે પોતાની સ્ત્રીના રૂપ ઉપર એટલો મોહિત હતો. છેવટે તે પોતાની સ્ત્રીના સૌંદર્યના મોહમાં ફસાયો અને ખુદા અને પોતાની ફરજને ભુલ્યો અને પોતાની સ્ત્રીને કહેવા મુજબ બાલક બાદશાહની ફતેહ અને હ. યુશા (અ)ની હાર થાય એ માટે દુઆ માંગવા લાગ્યો. પરીણામે હ. યુશા બીન નુનની વખતો વખત હાર થવા લાગી. પોતાની જીત થતી નહીં હોવાથી હ. યુશા (અ.)એ ઈલાહી દરબારમાં દુઆ ગુજારી કે, યા રબ ! અમે છ માસ થયા તારા હુકમથી લડી રહ્યા છીએ, છતાં એવું કયું કારણ છે કે, અમારી જીત થતી નથી. નીદા આવી કે, અય યુશા ! તે કોમમાં અમારો એક પરહેઝગાર બંદો છે તેની દુઆને લીધે તમારો પરાજ્ય થઈ રહ્યો છે. તે ઉપરથી હઝરતે અરજ કરી કે, યા ઈલાહી ! તું તેનો એે મર્તબો અને બુઝુર્ગી પાછી લઈ લે કે જે સત્યની સામે અસત્ય આચરી રહ્યો છે. આપની દુઆ દરબારે ઈલાહીમાં કબુલ થઈ.

(૨૦૩) ત્યાબાદ હ. યુશા (અ.)એ દુશ્મનો ઉપર જબરદસ્ત હલ્લો કરી તેમને ઘેરી લીધા. આથી ફરી બલઅમે હ. યુશાની હાર માટે દુઆ માંગી, પણ તે કુમાર્ગે ચડેલો હોવાથી તેણે ઈબાદતથી મેળવેલી સિધ્ધી નષ્ટ થતા તેની એવી દુઆ કબુલ થઈ નહીં. બીજી બાજુ ખુનખાર યુધ્ધ ખેલાઈ રહ્યું હતું. તે દીવસ શુક્રવારનો હતો, તેથી હ. યુશાએ આજેજ લડાઈને ફતેહ કરવાની પ્રતીજ્ઞા લીધી; કારણ કે, આવતી કાલે શનીવાર હતો કે જે દીવસ ઘણો હુરમતવાળો ગણાતો હોવાથી હ. યુશાએ એ બરકતવાળો દીન અલ્લાહની ઈબાદતમાં ગાળવાનું નક્કી કરી ખુદાની હુજુરમાં અરજ ગુજારી કે, યા રબ ! આજે સુર્યને તું હુકમ કર કે જ્યાં સુધી હું કાફરો ઉપર ફતેહ મેળવું નહીં, ત્યાં સુધી તે ડુબે નહીં, ખુદાએ હ. યુશાની દુઆ કબુલ ફરમાવી અને સુર્યાસ્તનો સમય થવા છતાં તેને ડુબવા દીધો નહીં. દરમ્યાન હ. યુશાના લશ્કરે કાફર બાદશાહને હરાવી તેને કત્લ કરી શહેરને ફતેહ કર્યું અને તે માટે હ. યુશા તથા બની ઈસરાઈલીઓએ ખુદાના દરબારમાં શુક્રાનાનો સીજદો અદા કર્યો.

જ્યારે “બલક શહેર”નો કબજો હ. યુશા (અ.)એ લીધો ત્યારે આપની ખીઝમતમાં બલઅમે આવી સલામ કરી, દીલગીર થતાં કહ્યું કે, અય હઝરત ! મેં લાચારી સાથે આપના હકમાં બદદુઆ કરી હતી. હ. યુશાએ ફરમાવ્યું કે, મેં પણ તમારા માટે દુઆ માંગી તેથી અલ્લાહે તમારી વડાઈ અને મર્તબો છીનવી લીધા છે છતાં હું તમને ખુશખબર સંભળાવું છું કે, હવે તમારા માટે માત્ર ત્રણ હાજતો અલ્લાહ પાસે બાકી રહી છે. એ ત્રણ દુઆ પુરી કરવા જ્યારે પણ તમને ઈચ્છા થાય, ત્યારે જે માંગવામાં આવશે તે મંજુર કરવામાં આવશે. આથી બલઅમને પારાવાર દુઃખ થયું, કારણ કે, પોતાની ઈચ્છા નહી હોવા છતાં, પોતાની સ્ત્રીના રૂપમાં મોહિત બની તેના કહેવા પ્રમાણે ચાલી, ઈબાદતથી મેળવેલી મહાન રિધ્ધીસિધ્ધી ખોઈ ચુક્યો હતો. બાદ ઘરે આવી તેણે પોતાની સ્ત્રીને કહ્યું કે, અય બદજાત ! મેં તને નહોતું કહ્યું કે, પયગમ્બર વિરૂધ્ધ બદ દુઆ કરવી ગુનાહ છે ! સાંભળ મેં મેળવેલી સઘળી કરામતો ખુદાએ લઈ લીધી છે, ફક્ત ત્રણ વખત દુઆ કબુલ થાય તેટલું બાકી રાખ્યું છે. આ સાંભળી તેની સ્ત્રીએ સ્ત્રી ચરિત્ર કરતાં કહ્યું કે, ત્રણમાંથી એક દુઆ મારા માટે કરો અને બે દુઆ તમારા માટે રાખો.

(૨૦૩/૨૦૪) બલઅમે કહ્યું કે, ના હવે એ નહિ બને ! એ ત્રણે દુઆ મેં મારા માટે રોઝે ક્યામતના માટે રાખી છે કે જેના થકી હું ખુદા પાસે રહેમતની માંગણી કરી બક્ષાઈ જાઉં; પણ તેની સ્ત્રીએ હઠ કરી અને કહ્યું કે, માત્ર એક જ દુઆ મારા માટે કરો કે જેથી અલ્લાહ ખુબસુરતી મને બક્ષે. બલઅમે તેને ખુબ સમજાવીને કહ્યું કે, તારૂં રૂપ અને સૌંદર્ય અન્ય સ્ત્રીઓ કરતાં અનેક ગણું ચડીયાતું છે. છતાં તે કોઈ રીતે માની નહિ, બલ્કે હઠાગ્રહી બની પોતાની માંગણી ચાલું રાખી, તેથી બલઅમે લાચાર બની તેના માટે દરબારે ઈલાહિમાં દુઆ માંગી, તરત જ તેની સ્ત્રી એટલી બધી ખુબસુરત બની ગઈ કે ઘર આખું તેના હુસ્નોજમાલથી રૌશન થઈ ગયું. આવા અપાર રૂપના પ્રતાપે તેણીના વિચારો બદલાઈ ગયા અને તે ખરાબ બનીને કુમાર્ગે ચડી ગઈ અને છેવટે એક જારકર્મી સ્ત્રી બની ગઈ.

(૨૦૪) એક દિવસ બલઅમ બાઉરે તેની સ્ત્રીને ખરાબ હાલતમાં જોઈ લીધી અને તેથી નારાજ થઈ ખુદાતઆલા પાસે બદદુઆ માંગી, જેથી તે ઈન્સાન મટી કાળી કુતરી બની ગઈ. પોતાની માતાની આવી બદસુરત હાલત જોઈ તેના બાળકો રડવા લાગ્યા. જે ઉપરથી લોકોએ બલઅમને સમજાવતાં કહ્યું કે, અય બુઝુર્ગ ! તમારા બાળકોની દયા ખાતર તમારી સ્ત્રીને વધુ નહિ તો જેવી હતી તેવી સુરત બક્ષવા દુઆ કરો કે જેથી તમારી સ્ત્રી તમારા હુકમમાં રહે અને કૌમ પણ આપને દયાળું તરીકે માન આપે.

લોકોના આગ્રહથી બલઅમે પોતાની બાકી રહેલી એક દુઆનો ઉપયોગ પોતાની સ્ત્રીને અસલ સ્વરૂપમાં લાવવા માટે કર્યો, જેથી તેણી સ્ત્રી સ્વરૂપમાં પાછી આવી ગઈ.

આમ બલઅમની પેલી દુઆ સ્ત્રીની ખુબસુરતી મેળવવા માટે, બીજી દુઆ બદસુરતમાં ફેરવી નાંખવા માટે અને ત્રીજી દુઆ બદસુરતમાંથી અસલ સ્વરૂપમાં લાવવા માટે કરતાં, ત્રણે કરામતો જે ખુદાએ તેના માટે બાકી રાખી હતી તે સઘળી વ્યર્થ જતાં છેવટે તે મુશીબતમાં આવી પડ્યો.

“કસસુલ અંબિયા”માં જણાવ્યું છે કે, દરેક મોમિન મર્દોને વાજબ છે કે, લાભકારક ન હોય તેવી સ્ત્રીઓની કોઈપણ વાત કે માંગણી સાંભળી તે ઉપર અમલ કરવો જોઈએ નહિ; કારણ કે સ્ત્રીની બેહુદી માંગણીનો સ્વીકાર કરવાથી પોતાની જાતને ક્યારેક નુકશાન સિવાય બીજો ફાયદો કદી પણ મળી શકતો નથી.

(૨૦૫) હ. યુશા (અ.)એ બલક શહેર ફતેહ કર્યા પછી જુદી જુદી લડાઈઓ લડી કેટલાક મુલ્કો પણ ફતેહ કર્યા હતા; તેમજ મેદાને “તૈયા”માંથી ઈસરાઈલીઓને મુક્ત કરાવી ૨૦ વર્ષ સુધી લડાઈઓ લડી હતી. તે પછી કેટલોક સમય દઆવતનું કામ કરી લોકોને દીને ઈલાહિમાં દાખલ કર્યા હતા.

હ. યુશા (અ.)ની વફાત થતાં તેમની લાશ માટે સંદુક (પેટી) બનાવી મિસરમાં રાખવામાં આવી હતી, પણ જ્યારે ઈસરાઈલીઓએ મિસરનો ત્યાગ કર્યો ત્યારે તે પેટી પોતાની સાથે લઈ ગયા અને તે પછી જ્યારે પેલેસ્ટાઈન ફતેહ કરવામાં આવ્યું ત્યારે તે સંદુકને જેરૂસલમમાં લાવી ત્યાં દફનાવવામાં આવી.

હ. યુશા (અ)એ પોતાના આખરી દિવસોમાં "શેશેમ"માં ઈસરાઈલીઓને ભેગા કરી તેઓને અલ્લાહની કૃપાઓ યાદ અપાવી ધર્મનો ઉપદેશ કર્યો હતો.

જોસફ નામનો ઈતિહાસકાર હ. યુશા બીન નુનના સંબંધમાં જણાવે છે કે, યુશા બહુ દુરંદેશી, પ્રખર રાજદ્વારી અને લોકપ્રિય વક્તા હતા. આપ પોતાના વિચારો ઘણી જ સુંદર રીતે રજુ કરી શક્તા હતા. વળી આપ બહાદુર અને યુધ્ધમાં અથાગ મહેનત કરનાર ઉપરાંત ઈન્સાફી અને દયાળુ પણ હતા.

યા અલી મદદ