Ilm Majalis Logo

ILM MAJALIS

અલ્લાહના રસુલો

રેકોર્ડીંગ - ૧૬

રેકોર્ડીંગ - ૧૬

0:000:00

હ. દાઉદ (અ.) અને બાદશાહ તાલુત

(પેજ-૨૦૫) “કસસુલ અંબિયા”માં ઉલ્લેખ છે કે, તાલુત નામનો એક શખ્સ બની ઈસરાઈલીઓના જનાવરો ચરાવતો હતો. એક દિવસ એવું બન્યું કે, તેના તાબામાંથી એક જનાવર ખોવાઈ ગયું, તેથી તેના બદલા તરીકે જનાવરના માલિકે કિંમત માંગી, પણ તે ચુકવવા જેટલી તેની શક્તિ નહિ હોવાથી તે લાચાર બની હ. સેમ્યુઅલ (અ) પાસે ગયો, એટલા માટે કે સેમ્યુઅલ (અ)ની ભલામણથી કદાચ તે માફ કરી દે.

“હ. સેમ્યુઅલ (અ)એ તેને તેનું નામ પુછયું. તેણે પોતાનું નામ તાલુત હોવાનું જણાવ્યું.

(૨૦૫/૨૦૬) કિતાબમાં લખેલ છે કે, એક વખત હ. જીબ્રાઈલ અમીને હ. સેમ્યુઅલ (અ.)ને બહેશ્તમાંથી ઝાડની એક ડાળી લાવી આપીને કહ્યું કે, જેનું કદ આ ડાળ (અસા લાકડી)ના બરાબર હશે તે બની ઈસરાઈલીઓનો બાદશાહ બનશે અને તેનું નામ “તાલુત” હશે. હવે આ શખ્સ કે જેનું નામ તાલુત હતું, તેનું કદ તે ડાળી બરાબર હતું.

(૨૦૬) એ ઉપરથી હ. સેમ્યુઅલ (અ.)એ બની ઈસરાઈલ કોમને કહ્યું કે, ખુદાતઆલા તમારા ઉપર તાલુતને બાદશાહ બનાવશે. આ સાંભળી ઈસરાઈલીઓએ કહ્યું કે, જે માણસ એક જાનવરની કિંમત પણ ચુકવી શકતો નથી, વળી જેણે નેસ્તીનો ધંધો કર્યો છે અને જેણે રસોયા તરીકે કામ કર્યું છે તેમજ ચામડા રંગનાર કારીગર છે તે અમારો બાદશાહ કેમ બની શકે ? હ. સેમ્યુઅલ (અ.)એ કહ્યું કે, અલ્લાહ જેને ચાહે તેને રાજ્ય આપે છે; પણ ઈસરાઈલીઓએ તાલુતને એક મામુલી માણસ સમજી કહ્યું કે, અય સેમ્યુઅલ ! તે બાદશાહ થશે એવી કાંઈ નિશાની છે ? હ. સેમ્યુઅલે કહ્યું કે, તેની નિશાની એ છે કે, તે કોઈના સાથ વગર એકલો અમાલિકા રાક્ષસો પાસે જઈ “તાબુતે સકીના” તમને લાવી આપશે.

“અહેવાલે અંબિયા”માં તાબુતે સકીના માટે એમ જણાવેલ છે કે, “ઈસ્લામી ઈતિહાસમાં તેને “મસકન શહાદત” અથવા “સંદુકે શહાદત” કહે છે, જેને સોનાથી મઢી લેવામાં આવી હતી.” ઉપરાંત ઈસ્લામી લેખકો એમ પણ જણાવે છે કે, તે પેટીમાં “મન્ના” હારૂન (અ.)ની લાકડી અને તોરેતની તખ્તીઓ પણ રાખવામાં આવી હતી. તે ઉપરથી તે પેટીને તાબુતે સકીના કહેવામાં આવેલ છે. સકીનાનો બીજો અર્થ શાન્તિ ૫ણ કરવામાં આવ્યો છે, તેને ઈસરાઈલીઓ ખુબ સંભાળ અને ઈજ્જત સાથે પોતાની સફરમાં લઈ જતા હતા.

ત્યારબાદ હ. સેમ્યુઅલ (અ)એ તાલુતને ભાગ્યવાન, ગણી કહ્યું કે, તમે બની ઈસરાઈલીઓના બાદશાહ થશો, માટે તમે તે મેદાનમાં જુઓ કે જ્યાં તાબુતે સકીના છે અને તે બની ઈસરાઈલીઓને આપો. એ સાંભળી તાલુત તે લેવા માટે ત્યાંથી રવાના થઈ ગયો અને તે લાવીને ઈસરાઈલીઓને આપી, જે ઉપરથી તે કોમે તાલુતને પોતાના બાદશાહ તરીકે કબુલ રાખ્યો. તાલુતે એ માટે અલ્લાહતઆલાના શુક્રાના અદા કર્યા.

પોતે બાદશાહ થયા પછી તાલુતે ઈસરાઈલીઓને હુકમ કર્યો કે, તમે સઘળા મારી સાથે યુધ્ધ કરવા ચાલો ! હુકમને તાબે થઈ ઈસરાઈલીઓ તૈયાર થયા. રવાનગીના સમયે હ. સેમ્યુઅલ (અ)એ બાદશાહ તાલુતને એક બખ્તર અર્પણ કરીને ફરમાવ્યું કે, આ બખ્તર જેના અંગ ઉપર બંધબેસસ્તું આવશે, તેના હાથથી દુશ્મન બાદશાહ જાલુત માર્યો જશે.

(૨૦૭) રીવાયત છે કે, તાલુત એક લાખ એંસી હજાર ઈસરાઈલીઓના લશ્કરને પોતાની સાથે લઈ જાલુત સામે લડવા ગયો હતો. રસ્તામાં પેલેસ્ટાઈનની એક નહેર આવી કે જેનું પાણી ઘણું જ સ્વચ્છ હતું; પણ તે પાણી પીવાની પોતાના લશ્કરને બાદશાહ તાલુતે મના કરી, છતાં થોડાક સિવાયના બાકીનાઓએ તે પીધું અને જેમણે તે પીધું તેમની તૃષામાં ખુબ વધારો થયો અને તેઓએ ખુબ પાણી પીધું અને તેથી તેમની જીભો બહાર નીકળી પડી અને તે સઘળા મરણ પામ્યા. પણ જેઓએ ફરમાનબરદાર રહી પાણી નહોતું પીધું તેવા ફક્ત ૩૧૩ શખ્સો જ જીવતા રહ્યા કે જેમાં હ. દાઉદ તેમના માતાપિતા અને છ ભાઈઓનો ૫ણ સમાવેશ થતો હતો.

ત્યારબાદ સહુ આગળ વધ્યા. કુચ દરમિયાન હ. દાઉદ (અ.)ને માર્ગ વચ્ચે આવતા પત્થરો પુકારી પુકારી કહેવા લાગ્યા કે, અમને તમારી સાથે લઈ જાઓ, અમે જાલુતને મારી નાખશું. અમે તેમાંના પત્થરો છીએ કે જેને ખુદાના હુકમથી હ. લુત (અ)ની કોમ ઉપર વર્ષાવવામાં આવ્યા હતા. એ ઉપરથી હ. દાઉદ (અ)એ પત્થરોને ઉંચકી પોતાની સાથે લઈ લીધા.

યુધ્ધના મોર્ચે બન્ને લશ્કરો જ્યારે સામસામા થયા, ત્યારે તાલુતના લશ્કરીઓએ કહ્યું કે, જાલુતનું લશ્કર ઘણું મોટું છે અને તેથી તેમનો સામનો આપણે કરી શકશું નહીં. તે ઉપરથી તાલુતના લશ્કરમાંના અમુકે કહ્યું કે, ભલે ! આપણે થોડી સંખ્યામાં છીએ, પણ ખુદા આપણો મદદગાર છે. ત્યારબાદ બન્ને ફૌજો સામસામી યુધ્ધ માટે તૈયાર થઈ અને તાલુતની કોમે પોતાની ફતેહ થાય એ માટે ખુદાતઆલા પાસે દુઆઓ માંગી.

બીજી તરફ દુશ્મન બાદશાહ જાલુત, સામા પક્ષની નાનકડી ફૌજની મર્દાનગી જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો અને પોતાનું જંગી લશ્કર મુઠીભર માનવીઓ સામે લડે તેમાં તેને હીણપત જેવું લાગ્યું તેથી તેણે બાદશાહ તાલુતને કહેણ મોકલ્યું કે, જે સિપાઈઓ તું યુધ્ધ માટે લાવ્યો છે તેઓ મારા મુકાબલાને લાયક નથી, માટે બહેતર એ છે કે તું તારી હાર કબુલી લે અને મારે શરણે થા અને મારૂં વડપણ સ્વિકારી લે.

એના જવાબમાં તાલુતે હિંમતભેર કહેવરાવ્યું કે, તું એવો ખ્યાલ નહી રાખજે કે મારૂં લશ્કર નાનું છે; પણ યાદ રાખજે કે મારો ખુદા મારી સાથે છે કે જે બહુ જ મોટો અને મહાબળવાન છે અને તે મને જરૂર ફતેહ આપશે.

(૨૦૮) તે બાદ થોડીક વારમાં એક ખુબસુરત નવયુવાન અંગ ઉપર લડાઈનો બખ્તર સાથે હાથમાં ધ્વજ ફરકાવતો ઘોડા ઉપર સ્વાર બની મેદાનમાં આવ્યો અને ગર્જના કરતો કહેવા લાગ્યો કે, હું જાલુત છું તમારામાંથી એક એક મારી સાથે લડવા આવી જાઓ.

આ સાંભળી બાદશાહ તાલુતે પોતાના લશ્કરને હુકમ કર્યો કે, તમારામાં કોઈ એેવો છે જે આ દુશ્મનનું માથું મને લાવી આપે ? જો કોઈ લાવી આપશે તેને હું મારી અર્ધી સલ્તનત આપવા ઉપરાંત તેની શાદી મારી પુત્રી સાથે કરાવી આપીશ પણ કોઈએ તેને જવાબ આપ્યો નહીં. આથી તાલુત વિચારમાં પડી ગયો અને પોતે જ તેની સાથે લડી લેવા તૈયાર થયો.

બાદશાહ તાલુત પોતાના વિચારને અમલમાં મુકે તેટલામાં એક નવજુવાન માથે લોખંડની ટોપી પહેરી અને શરીરે લીલો પોષાક ધારણ કરીને તાલુત સમક્ષ આવ્યો અને સલામ બજાવી કહ્યું કે, આપ ફીકર કરો નહીં. અલ્લાહના હુકમથી દુશ્મન જાલુતને હું મારી નાખીશ.

યુવકને જોઈ બાદશાહ તાલુતે પુછયું કે, તમે કઈ કોમમાંથી છો અને તમારૂં નામ શું છે ? યુવાને કહ્યું કે, હું બની ઈસરાઈલમાંથી છું અને મારૂં નામ દાઉદ છે.

આ વખતે બાદશાહ તાલુત કે જેમને હ. સેમ્યુઅલ (અ.)એ એક બખ્તર આપતાં ભવિષ્ય ઉચ્ચાર્યું હતું કે, “આ બખ્તર જેના શરીર ઉપર બંધબેસતું આવશે તેના હાથથી જાલુત માર્યો જશે,” તરત જ તાલુતે તે બખ્તર મંગાવી હ. દાઉદને પહેરવા આપ્યું જે આપને બરાબર બંધબેસતું થયું; એ ઉપરથી બાદશાહ તાલુતે હ. દાઉદને કહ્યું કે, ખરેખર ! જાલુતનું મૌત તમારા હાથે જ થશે.

તે બાદ હ. દાઉદ (અ) બખ્તર પહેરી માર્ગમાંથી ઉંચકેલા પત્થરો સાથે લઈ, જાલુતની સામે લડવા રણમેદાનમાં આવી પહોંચ્યા.

(૨૦૮/૨૦૯) પોતાના સામના માટે આવેલા નવજુવાનને જોઈ જાલુતે કહ્યું કે, તું કેવા હથીયારોથી મારો મુકાબલો કરીશ ? હ. દાઉદ (અ.)મે કહ્યું કે, ખુદાના હુકમથી હું આ પત્થરોથી તારૂં માથું તોડી નાખીશ, જાલુતે કહ્યું કે સિંહની સામે પત્થરોથી લડી કોઈએ જીત મેળવી છે ખરી ? હઝરતે કહ્યું કે, તું તો કુતરો છે, કુતરાને તો પત્થરથી જ મારી નાખવો જોઈએ. આટલું કહી હ. દાઉદ (અ.) પોતાની ગોફણમાં પત્થર ગોઠવી એની સામે નિશાન તાકી તેની છાતીમાં એવા જોરથી માર્યો કે, એના સખ્ત મારથી જાલુત જમીન ઉપર પટકાઈ પડ્યો અને મોતને આધીન થઈ ગયો.

(૨૦૯) હ. દાઉદ (અ.)એ મારેલો પત્થર એની છાતી ઉપર લાગતા જ તેના બે ટુકડા થઈ ગયા અને તેમને એક જમણી તરફના તેના લશ્કર ઉપર પડ્યો અને તેથી તે લશ્કરનો નાશ થયો જ્યારે બીજો ટુકડો બીજી પાંખ ઉપરના લશ્કરના મધ્ય ભાગમાં પડતાં જ દુશ્મનનું લશ્કર વેરવિખેર થઈ નાશભાગ કરવા લાગ્યું. છતાં જેઓ તેમાં સપડાઈ ગયા, તેઓ મૌતને આધીન બન્યા. એ માટે ખુદાતઆલાએ ફરમાવ્યું છે કે જેનો સાર એમ છે કે, “બની ઈસરાઈલીઓએ હાર આપી જાલુતની કોમને અને અલ્લાહના હુકમથી દાઉદે જાલુતનો નાશ કર્યો.”

લડાઈમાં ફતેહ મેળવ્યા પછી તાલુતે પોતે આપેલા કોલ અનુસાર હ. દાઉદ (અ.)ને અડધું રાજ આપી બાદશાહ બનાવ્યા, ઉપરાંત પોતાની પુત્રી સાથે તેમની શાદી પણ કરાવી આપી.

હ. દાઉદ (અ.) સાથે તાલુતની દુશ્મનાવટ

(૨૦૯) “કસસુલ અંબિયા'માં એક રિવાયતના આધારે જણાવેલ છે કે, હ. દાઉદ (અ) રાજ્યના માલિક બન્યા પછી ઘણા સૈનિકો આપને બહુ ચાહતા હતા, તેથી તાલુતને ધાસ્તી લાગી કે, કદાચ હ. દાઉદ તેનું રાજ્ય પણ લઈ લેશે. એથી તેણે હ. દાઉદ (અ)ને મારી નાખવાનો ઈરાદો કર્યો.

હ. દાઉદ (અ)એ લડાઈ ફતેહ કર્યા પછી પાસે આવેલા એક પર્વતના કિનારે મસ્જિદ બનાવી અને ઉલમાઓ સાથે અલ્લાહની ઈબાદતમાં રાતદિન મશગુલ રહેવા લાગ્યા.

એક વખતે તાલુત વિશાળ લશ્કર સાથે ત્યાં આવ્યો અને હ. દાઉદ (અ.)ને મારી નાખવાના ઈરાદાથી મસ્જિદને તાલુતના લશ્કરીઓએ ખુલ્લી તલવારો સાથે ઘેરી લીધી અને તાલુતે ત્યાં પડાવ નાખ્યો; પણ ખુદાની મરજી હ. દાઉદને બચાવી દુશ્મનને શિકસ્ત આપવાની હોવાથી, તાલુત અને તેનું લશ્કર રાતના સમયે નગ્ન તલવારો સહિત નીંદ્રાધીન થઈ ગયું.

(૨૧૦) હ. દાઉદ (અ.)એ ઈબાદતથી નિવૃત થઈ બહાર આવીને જોયું તો તાલુત પોતાની ફૌજ સાથે ઘોરનિંદ્રામાં પડ્યો છે. હ. દાઉદ તાલુતનો ઈરાદો સમજી ગયા અને તેને નસિહત રૂપે ઈશારો કરવા ખાતર તેના હાથમાંથી તલવાર લઈ, ત્યાં પડેલા એક પત્થર ઉપર પટકી તેના બે ટુકડા કરી નાખ્યા અને તાલુતના પેટ ઉપર તે પત્થરના બે ટુકડા, તલવાર અને એક પત્રમાં ચેતવણી લખીને મુકી દીધા. હ. દાઉદ (અ.)એ એ પત્રમાં લખ્યું હતું કે, “અય તાલુત ! મેં તારીજ તલવારથી પત્થરના બે ટુકડા કર્યા છે. જો મેં ધાર્યું હોત તો તારા પેટ ઉપર તલવાર મારી તેના ટુકડા કરી નાખત અને તેની તને જાણ સુધ્ધાં થવા દેત નહિ, માટે બહેતર એ છે કે તું અહિંથી ચાલ્યો જા !” બાદ હઝરત મસ્જીદમાં ચાલ્યા ગયા.

સવારે જાગૃત થતાં તાલુતે જોયું તો પોતાના પેટ ઉપર પત્થરના બે ટુકડા, તલવાર તથા એક પત્ર પડ્યા છે. એ જોઈ તે ગભરાઈ ગયો અને સ્વસ્થ થઈ પત્ર વાંચી પસ્તાવો કરવા લાગ્યો અને તરતજ લશ્કર સાથે બેતુલ મુકદસ તરફ રવાના થઈ ગયો.

બૈતુલ મુકદ્દસ પહોંચ્યા પછી તાલુતે પોતાના થોડાક ચુનંદા સૈનિકોને હુકમ કર્યો કે, જે મસ્જિદમાં હ. દાઉદ (અ) વસવાટ કરી રહ્યા છે ત્યાં જઈ તેને તેમજ તેના સાથીઓને મારી નાખો. હુકમ અનુસાર તેજ ઘડીએ એક નાનકડી ફૌજ રવાના થઈ અને મધરાતે મસ્જિદ પાસે આવી પહોંચી. પણ તે દિવસે એવું બન્યું કે, તે રાત્રે હ. દાઉદ (અ) ક્યાંક બહાર ગયા હોવાથી આ૫ મસ્જિદમાં હાજર નહોતા. સૈનિકેાએ મસ્જિદમાં જઈ આબિદો અને ઉલમાઓ જે ત્યાં હાજર હતા તે બધાને મારી નાખ્યા.

પાછળથી તાલુતને ખબર મળી કે, હ. દાઉદ સિવાયના તેમના બધા સાથીઓ કત્લ થયા છે; જ્યારે તેનો ઈરાદો તો હ. દાઉદને મારી નાખવાનો હતો. ત્યારબાદ તાલુતે હ. દાઉદ (અ)ને આમંત્રણ મોકલી કહેવરાવ્યું કે, પોતાને હાથે થયેલી ભુલની તે માફી માંગવા ચાહે છે. દુતે આ સમાચાર જ્યારે હઝરતને આવીને કહ્યા. ત્યારે તેના જવાબમાં હ. દાઉદ (અ.)એ કહ્યું કે, તાલુતે નિર્દોષ આબિદોને મરાવી નાખ્યા છે, એટલે જ્યાં સુધી તે આબિદોના ખુનના બદલામાં એક એક કાફરને મારી નાખશે નહિ ત્યાં સુધી પોતે આવવાના નથી. દુતે ત્યાંથી પાછા ફરી તાલુતને એ હકિકત કહી. જે સાંભળી તાલુત ઘણો જ દુ:ખી થયો અને હઝરતની સુચનાને અમલમાં મુકવા લડાઈના મોરચે ગયો; પણ ત્યાં પહોંચતા જ તે મરણ પામ્યો, એથી તેનું લશ્કર લડ્યા વગર જ પોતાના મુલ્કમાં પાછું ફર્યું.

(૨૧૧) તાલુતનું મૃત્યુ થતાં જ યહુદી કબીલાના આગેવાનો શામ દેશના હેબરાન શહેરમાં એકઠા થયા અને જાબાશ, ગીલીદના, યહુદીઓ સાથે મળી હ. દાઉદ (અ.)ને બાદશાહ તરીકે જાહેર કર્યા, તેમજ હ. દાઉદ નબીને હેબરાનમાં પધરામણી કરાવી, ત્યાં તેમની રાજ્યાભિષેકની ક્રિયા કરી ગાદીએ બેસાડ્યા.

હ. દાઉદ (અ.)ને પયગમ્બરી મળી

(૨૧૧) હ. દાઉદ (અ.)ના પિતાનું નામ અયસા બીન ઓબેદ બીન બીઝે હતું. તેઓશ્રી હ. યાકુબ (અ.)થી નસલ બ નસલ ઉતરી આવ્યા હતા.

હ. અયસાને બધા મળી સાત ફરઝંદો હતા, જેમાં સૌથી નાના ફરઝંદ હ. દાઉદ નબી હતા. હ. અયસા પોતાના પરિવાર સાથે 'બેતુલ લહમ'માં રહેતા હતા. ખુદાના હુકમથી હ. સેમ્યુઅલ (અ.) એ બેતુલ લહમ જઈ હ. અયસાને ફરઝંદ દાઉદના જન્મના આર્શીવાદ સહિત મુબારકી આપી. હ. દાઉદ નબી ઘણા જ ખુબસુરત અને મજબુત બાંધાના હતા. તેમને હ. સેમ્યુઅલ (અ.)એ પોતા પાસે રાખી ઈલ્મ શીખવી પ્રવિણ કર્યા હતા.

હ. દાઉદ (અ.) રાજસત્તા ઉપર આવ્યા પછી ૪૦ મે વર્ષે આપને પયગમ્બરી ઈનાયત થતા આપના ઉપર ખુદાતઆલાએ “જંબુર” નામની કિતાબ નાઝીલ કરી હતી.

એ સંબંધમાં ખુદાતઆલાએ ફરમાવ્યું છે કે, “અય દાઉદ ! ખરેખર મેં તને જમીન ઉપર ખલિફ (પયગમ્બર) બનાવ્યો. બસ લોકોને હિદાયત કર હક્કની અને નફ્સની ઈચ્છા મુજબ પેરવી કરીશ નહિં; જો તેમ કરવામાં આવશે તો ખુદાની રાહથી ગુમરાહ થઈ જઈશ.”

હ. દાઉદ (અ)ને રાજ્ય મળવાથી તાલુતના સૈન્યનો સીપેહસાલાર એબનરે આપની વિરૂધ્ધ થઈ તાલુતના દિકરા ઈશબશતને મહાનેમ ગામમાં ગાદીએ બેસાડ્યો. ઈશબશતની તરફેણમાં આશર, જઝરીલ અને એફરેમના રહેવાસીઓ, બન જમીનનો કબીલો, તેમજ ઈસરાઈલીઓનો મોટો ભાગ હતો.

(૨૧૧/૨૧૨) બીજી તરફ આપસના કંકાસના પરિણામે ઇસરાઈલીઓમાં બે પક્ષ પડી ગયા હતા અને તેઓ વચ્ચે મારામારી થયા કરતી હતી, જે કેટલાક સમય સુધી ચાલું રહી. તે બાદ ઈશબશત અને એબનર વચ્ચે અણબનાવ જાગતા એબનર ઈશબશતને મુકી હ. દાઉદ (અ.)ની મુલાકાતે નીકળ્યો, પણ માર્ગમાં એબનરને અયુબ નામના એક સરદારે મારી નાખ્યો, કારણકે એબનરે તેના ભાઈને કત્લ કર્યો હતો. એની જાણ હ. દાઉદ (અ.)ને થતા આપ અયુબ ઉપર ઘણા નારાજ થયા, પણ અયુબ ત્યાંથી નાશી છુટ્યો હોવાથી તે બચી ગયો હતો. થોડાક વખત પછી ઈશબશતને તેના બે નોકરોએ મારી નાખ્યો જેની ખબર હ. દાઉદ (અ.)ને થતાજ તેમણે બન્ને નોકરોને પકડી મૌતની સજા કરી અને ઈશબશતને માન સહિત દફન કરવામાં આવ્યો.

(૨૧૨) એબનર અને ઈશબશતના મૃત્યુ પછી ઈસરાઈલીઓ વચ્ચે જે પક્ષ પડી ગયા હતા તેમને એકત્ર કરવામાં ખાસ મુશ્કેલી ૫ડી નહીં, કેમકે ફીલીસ્તીન લોકો ઈસરાઈલીઓની અંદરોઅંદરની લડાઈનો લાભ લઈ રહ્યા હતા, જેથી તેમની સામે બચાવ કરવાનો ખ્યાલ ઉત્પન્ન થયો હતો, એટલે ઈસરાઈલીઓના કબીલાઓ જે હ. દાઉદ (અ.)થી વિરૂધ્ધ હતા, તેઓ પણ હઝરતને તાબે થયા અને ફરીથી હેબરાન શહેરમાં હ. દાઉદ (અ)નો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, પ્રથમ રાજ્યાભિષેક વખતે હઝરતની વય ૩૦ વર્ષની હતી, તે પછી ૭ વર્ષ અને ૬ મહિના આપે યહુદા કબીલા ઉપર રાજ્ય કર્યું અને ત્યારબાદ ફરીથી હેબરાનમાં રાજ્યાભિષેક થયો. બીજા રાજ્યાભિષેક પછી હ. દાઉદ (અ.) એ ૩૩ વર્ષ રાજ્ય ભોગવ્યું. બીજા રાજ્યાભિષેક પછી હઝરતે યબુસીત લોકો ઉપર હુમલો કરી જેરૂસલમ તાબે કર્યું અને ઝાયનની ટેકરી ઉપર મસ્જિદનો પાયો નાખ્યો. જે મસ્જિદે–સુલેમાનના નામથી ઓળખાય છે અને શહેર મદીનત દાઉદ City of David કહેવાય છે.

(૨૧૨/૨૧૩) હ. દાઉદ (અ.)એ ફિલીસ્તીનો ઉપર જે ફતેહ મેળવી હતી તેથી ફીનીશીયન કિનારા ઉપરના તાયર શહેરના રાજા હિરામે હ. દાઉદ (અ.) સાથે સુલેહનો સંબંધ બાંધ્યો હતો. હીરામ અને હ. દાઉદ (અ.) વચ્ચેની મિત્રાચારીને લીધે હઝરતને ઘણી મદદ મળી. એ પહેલા ઈસરાઈલીઓ મોટા ભાગે ખેતી ઉપર ગુજરાન ચલાવતા હોવાથી તેઓમાં કારીગર વર્ગ જુજ હતો; તેમજ જ્યારે ફીલીસ્તીન લોકોએ ઈસરાઈલીઓ ઉપર કાબુ મેળવ્યો તે વખતે ઈસરાઈલીઓને લડાઈના હથીયાર મળી શકે નહિં, તેટલા માટે ઈસરાઈલીઓના ગામોમાંથી લુહારોને ફીલીસ્તીન શહેરમાં લઈ જવામાં આવ્યા હતા અને ઈસરાઈલીઓને માત્ર ખેતી પુરતા ઓજારો ત્યાંથી પુરા પાડવામાં આવતા હતા, એટલે લોખંડની બનાવટ ઈસરાઈલીઓ વચ્ચેથી બંધ પાડવામાં આવી હતી, જેથી ઈસરાઈલીઓને લડાઈ વખતે હથીયાર બનાવવામાં ઘણી અડચણ ઉભી થતી હતી. હીરામની મિત્રાચારીથી હ. દાઉદ (અ.)ને સુતારો તથા લુહારો પુરા પાડવામાં આવ્યા અને તેમની મદદથી લોખંડ તથા બીજી ધાતુઓ બનાવવાના કારખાના જેરૂસલમમાં ખોલવામાં આવ્યા.

(૨૧૩) કલામે શરીફ સુરે અંબિયાની ૨૦મી આયતમાં જણાવ્યા મુજબ હ. દાઉદ (અ.)એ પોતાના લશ્કર માટે હથીયાર બનાવવા શરૂ કર્યા હતા; ઉપરાંત બખ્તર બનાવવાનું પણ ચાલુ કર્યું હતું.

સુરા અસ્સબાની આયાત ૧૦-૧૧ માં લોખંડ નરમ થઈ જવાની જે વિગત આપવામાં આવી છે તેનો અર્થ એે થાય છે કે, હ. દાઉદ (અ.)એ ખાણોમાંથી મોટા જથ્થામાં લોખંડ કઢાવી તેને ગાળી સાફ કરવાનું શરૂ કર્યું હતું, કારણ કે ફિલીસ્તીન લોકો સાથે અણબનાવ અને લડાઈનો ભય હોવાથી તેઓ તરફથી આ ઉપયોગી ધાતુ મળવી બંધ થઈ ગઈ હતી.

હ. દાઉદ (અ.)ના પયગમ્બર તરીકેના મોઝીઝા એ હતા કે, તેમનો અવાજ ઘણોજ સુરીલો અને બુલંદ હતો, આપ જ્યારે “જંબુર” કિતાબનું વાંચન કરતા ત્યારે અવાજ સાંભળી સાંભળનારાના મસ્તક ડોલવા લાગી જતા અને જનાવરો અને પક્ષીઓ થંભી જતા હતા, અને વાતાવરણમાં અનેરી ઝલક પેદા થઈ જતી હતી. આપનો અવાજ ચાલીશ ફરલાંગ લાંબે સુધી સંભળાતો હતો. હ. દાઉદ (અ)નો બીજો મોઝીઝો એ હતો કે, જ્યારે આપ લોખંડને સ્પર્ષ કરતા ત્યારે તે મીણ જેવું નરમ થઈ જતું; ઉપરાંત આ૫ લડાઈમાં ઉપયોગી થાય એવા લોખંડના ઘણાજ મજબુત બખ્તર બનાવી તેનું વેચાણ કરી પોતાની રોઝી મેળવતા અને તેમાંથી ખુદાઈ હક્ક કાઢી હલાલની રોઝીથી પોતાનું ગુજરાન ચલાવતા હતા.

હઝરત દાઉદ (અ.)નો અદલ ઈન્સાફ - આકાશી સાંકળ.

(૨૧૩) હ. દાઉદ (અ.)ના રાજ અમલમાં અદલ ઈન્સાફ ઘણી જ સારી અને ચોખવટભરી રીતે થતો હતો. “આકાશી સાંકળ” નામની સીરીઝમાં તેનો ઉલ્લેખ આ પ્રમાણે મળી આવે છે.

હ. દાઉદ પયગમ્બરના સમયમાં એક આકાશી સાંકળ લટકતી હતી. અને તે સાંકળથી તે વખતમાં ખરાખોટાનો ઈન્સાફ થતો હતો.

(૨૧૩/૨૧૪) વાદી પ્રતિવાદીઓની તકરાર સાંભળી હ. દાઉદ (અ.) લોકોને મેદાનમાં એકઠા કરતા અને નિયમ મુજબ બેઉ પક્ષકારોને કહેવામાં આવતું કે જે ખરો હશે તેના હાથમાં સાંકળ પકડાશે અને જે ખોટો હશે તે સાંકળ પકડવા જતા સાંકળ ઉંચે જતી રહેશે; અને એજ પ્રમાણે બનતું.

(૨૧૪) એ પ્રમાણે તે ઝમાનામાં ઝગડાઓનો નિકાલ ઘણીજ આસાનીથી થતો હતો અને ખરો ખોટો પરખાઈ આવતો હતો. કોઈ જાતનો ગેરલાભ ન લેવાય તે માટે પયગમ્બર ઘણી સંભાળ રાખતા હતા અને દાવેદારની હકીકત પહેલેથી લખાવી લેતા અથવા જાહેર પ્રજા સમક્ષ કબુલ કરાવતા કે જેથી પાછળથી કોઈ ગેરલાભ લઈ શકે નહિં.

આ મુજબ ઝગડાના થતા ફેંસલાને લીધે પ્રજામાંથી ઘણી જુજ ફરીયાદો નોંધાતી, કારણ કે ખરૂં ખોટું પારખવામાં કુદરતની મદદ આ “આકાશી સાંકળ” મારફતે મળતી હતી.

દુનિયાના લોકોમાં ઉત્તરોત્તર દગાબાજી, કપટ વધતું જાય છે. તેને લીધેજ લોકોની વય ઘટતી જાય છે.

અગાઉના લોકોમાં દગા અને કપટના બદલે ઈમાનદારી અને સચ્ચાઈ વિશેષ હતા અને ઈર્ષા, હસદ, લોભ, નિંદા બહુજ ઓછા પ્રમાણમાં હોવાથી લોકો શયતાની જાળથી બચતા હતા અને તેથી તેઓની જીંદગી શાંત અને સુખી રહેતી. ત્યારે આજે આખર ઝમાનામાં દરેક ખરાબીઓ હદ વટાવી ગઈ છે અને તેથી મનુષ્યની જીંદગી પણ ટૂંકી થઈ ગઈ છે.

હ. દાઉદના જમાનામાં કે જ્યારે 'આકાશી સાંકળ'થી ફેંસલા થતા ત્યારે લોકોમાં શ્રધ્ધા હતી અને ખોટું બોલવાથી બીતા હતા, છતાં કદાચ સમજફેરના લીધે ઝગડા થતા તો તેનો નિકાલ સત્ય રીતે થવાથી ખોટાપણાને ઉત્તેજન મળતું નહોતું.

આ રીતે એ વખતના સાદા સ્વભાવના શ્રધ્ધાળું લોકોને એ 'આકાશી સાંકળ” ખુદાઈ ન્યામત તરીકે એક આશીર્વાદ સમાન થઈ પડી હતી ને તેથી લોકો ઘણા સુખી હતા. આવી ખુદાની ન્યામતને રોકવાના કારણોમાં શયતાન હંમેશા જેમ ચળવળ કરતો રહે છે તે મુજબ એ વખતના લોકોના સુખ અને શાંતિ છીનવી લેવાનો પ્રપંચ પણ શયતાને રચ્યો.

એવું બન્યું કે:- એક વેપારીએ પોતાને જાત્રાએ જવાનું હોવાથી બીજાને ત્યાં પોતાની જંગમ મિલકત એટલે દાગીના અને ઝવેરાત અનામત મુક્યા.

(૨૧૫) અમુક મુદત બાદ જાત્રા કરી તે પાછો ફર્યો અને પોતાની અનામત મેળવવા માટે પેલા વેપારીને ત્યાં ગયો. પરંતુ પેલા વેપારીએ કહ્યું કે, મેં તો તમારી અમાનત તમને પાછી આપી દીધી છે, છતાં બીજી વખત એની માંગણી કરી ગળે શા માટે પડે છે ?”

આવો જવાબ મળવાથી પેલા અમાનત મુકનારે ઘણી રીકઝીક કીધી, પરંતુ પેલો એકનો બે થયો નહિં.

આથી આ તકરાર હ. દાઉદ (અ.) પાસે ગઈ. હઝરતે અનામત રકમના દ્રવ્યની નોંધ લીધી અને પછી પેલા શાહુકારને બોલાવ્યો અને એ વિષે પુછ્યું, પેલા શાહુકારે કહ્યું કે, “નામદાર, મેં એની અનામત એને પાછી આપી દીધી છે. છતાં આવી ખોટી માંગણી કરી એ મને ગળે પડે છે.”

બે વેપારીઓની ઉલટી સુલટી વાતનો બીજી કોઈ રીતે ફેંસલો થયો નહિં. છેવટે પેલી “આકાશી સાંકળ" પકડવાની વાત રજુ થતા, શાહુકારે કબુલ કીધું કે, “હું સાંકળ પકડવાને તૈયાર છું.”

છેવટે દિવસ નક્કી થયો અને તે મુજબ મુકદમાનું પરિણામ જાણવા લોકો ઈન્તિઝારીથી રાહ જોવા લાગ્યા અને ઠરાવેલા વખતે લોકો મેદાનમાં નિયમ મુજબ ભેગા થયા કે જ્યાં “આકાશી સાંકળ” લટકતી હતી.

હ. દાઉદ (અ.)એ પણ ત્યાં પધારી પોતાની બેઠક લીધી.

વાદી પ્રતિવાદી બેઉ જણા પેલી 'આકાશી સાંકળ' રૂબરૂ ગયા. આકાશી સાંકળ ખુલ્લા મેદાનમાં રાખવામાં આવી હતી અને પેલા અનામત હજમ કરનાર શાહુકારે આ “આકાશી સાંકળ"નો ગેરલાભ લેવા યુકિ્ત રચી રાખી હતી.

પેલા દાવેદારની અનામત વસ્તુંઓને એક પોકળ લાકડીની પોલમાં સમાવીને બેઉ છેડાને બંધ કરી તેની નકશીદાર મુઠ બનાવી તેને પોતાના હાથમાં ટેકા તરીકે રાખી તે મેદાનમાં આવ્યો.

“આકાશી સાંકળ" સનમુખ બીજા હજારો જોનારાઓની ઈન્તેઝારી વચ્ચે અનામત ભરેલી લાકડી પેલા અનામત મુકનારને પકડી રાખવા આપતા કહ્યું કે, “હું આકાશી સાંકળ પકડું તેટલો વખત આ લાકડી તારી પાસે રાખ.”

(૨૧૬) પેલા અનામત મુકનારે એ લાકડી પોતાના હાથમાં લીધી. અને તે બાદ પેલા જવાબદારે બધા લોકો સાંભળે તેવી રીતે આકાશી સાંકળ તરફ જોઈને કહ્યું કે, “ઓ ખુદા ! મેં રાખેલી અનામત તેના માલિકને હાથોહાથ આપેલ છે અને તે જ ખરૂં હોય તો મારા હાથમાં આ સાંકળ પકડવા દેજે.”

ખુદાને કોઈ છળકપટથી ઠગી શકતું નથી બલ્કે ખુદાને ઠગનાર પોતે ઠગાય છે.

જાહેર રીતે તો પેલાએ અનામત રકમ જે લાકડીમાં ભરેલ હતી, તે લાકડી દાવેદારને સોંપી હતી. પરંતુ એવી ઠગબાજીમાં મનુષ્ય સપડાય પણ ખુદાતઆલા કદી ઠગાતો નથી. આવી ઠગબાજી જોઈ ખુદાતઆલાએ ‘આકાશી સાંકળ’ને આકાશ તરફ બધાના દેખતા સદા માટે ખેંચી લીધી અને તે બાદ તે લટકતી બંધ થઈ ગઈ.

લોકો આ જોઈ અજબ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ સાંકળ ખેંચાઈ કેમ ગઈ ?

એ મુજબ તકરારને કોઈ જાતનો નિર્ણય થયો નહિ. લોકો મુંઝવણમાં પડ્યા એટલે હ. દાઉદ (અ.)એ ખુદા પાસે દુઆ ગુજારી કે, ખુદાવંદ તારી મસ્લેહત કોઈ સમજી શકતું નથી, પણ આ તકરારનો નિર્ણય કેમ થાય ?

હ. દાઉદ (અ.)ની દુઆ સાંભળી ખુદાતઆલાએ વહી મોકલાવી કે, “અનામત રાખનાર વેપારીએ કુદરતને છેતરવા યુકિત કીધી તેથી એ સાંકળ અમે ખેંચી લીધી છે; કારણ કે પેલાએ અરજદારને હાથમાં રાખવા જે લાકડી આપેલ છે તે પોકળ છે, તેમાં બધું અનામત દ્રવ્ય રાખેલું છે ને તેણે કરેલ અરજ મુજબ, અનામત રકમો છુપી રીતે લાકડીમાં ભરી, તે લાકડી અરજદારના હાથમાં આપી હતી અને તેથી તેની ઠગાઈમાં તેને ઉઘડો પાડવા માટેજ આ સાંકળ હંમેશને માટે ખેંચી લેવાઈ છે. હવેથી તે સાંકળ પાછી ફરશે નહીં અને તમારો ઈન્સાફ હવેથી તમે મુખ જુબાની અને પંચ વચ્ચે કરજો. કુદરતે હવેથી આ કપટબાજીથી જાહેરમાં તમારા માટેનું સાધન ખેંચી લઈને લોકોને સજા કરેલ છે.”

આ ખુદાઈ સંદેશા મુજબ પેલાનું કપટ બધાની વચ્ચે ખુલ્લું થયું અને પછી એ લાકડીની મુઠ ખોલવામાં આવી અને તેમાં ભરેલું દ્રવ્ય બધાએ જોયું અને તે તેના હકદારને સોંપવામાં આવ્યું.

(૨૧૬/૨૧૭) પેલા કપટબાજ વેપારીને જાહેર પ્રજાએ ફિટકાર આપ્યો કે, ખુદાઈ ન્યામતરૂપ 'આકાશી સાંકળ' અમારા હાથમાંથી તારા પાપના લીધે ખેંચાઈ ગઈ અને પ્રજા ઉપર અન્યાય થવાના કારણરૂપ પેલા વેપારીનું લોકોએ ઉશ્કેરાઈ જઈને ખુબ અપમાન કર્યું.

યા અલી મદદ