અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૧૭
રેકોર્ડીંગ - ૧૭
હઝરત દાઉદ (અ.) ઉપર આવેલી મુશીબત
(પેજ-૨૧૭) ‘કસસુલ અંબિયા'ના ઉલ્લેખ પ્રમાણે હ. દાઉદ (અ.)નું બલામાં સપડાઈ જવાનું કારણ એ હતું કે, એક વખત હ. દાઉદ (અ.) એક સહિફો કે જેમાં હ. ઈબ્રાહીમ, હ. ઈસહાક અને હ. યાકુબ (અ.)ની બુઝુર્ગીનું વર્ણન લખેલું હતું, તેનું વાંચન કરતા આપને ખ્યાલ આવ્યો કે, “આ બુઝુર્ગોએ એવું તે શું કર્યું કે જેને લીધે તેમણે બુઝુર્ગી પ્રાપ્ત કરી ?” તે વખતે દરબારે ઈલાહિથી નીદા આવી કે, “અય દાઉદ ! મારી મોકલાવેલી બલાઓ ઉપર તેઓએ સબર કરી છે.” આ સાંભળી હ. દાઉદ (અ.)એ ખુદાને અરજ કરી કે, યા રબ ! તું મારા ઉપર પણ બલા મોકલ હું પણ સબર કરીશ.
બીજી રીવાયત છે કે, તાલુતની સલ્તનત જ્યારે હ. દાઉદ (અ.)ને મળી અને બાદશાહ થયા ત્યારે આનંદમાં આવી જઈ આપે કહ્યું કે, “કસમપુર્વક કહું છું કે, હું અદલ ઈન્સાફ બરાબર કરીશ.” પણ તેમ કહેતી વખતે આપે “ઈન્શાઅલ્લાહ” એમ કહ્યું નહિં.
કહેવામાં આવ્યું છે કે, એક દિવસ હ. દાઉદ (અ.) પોતાના ઘરમાં બેઠા હતા, તે વખતે એક ઘણું જ ખુબસુરત કબુતર જેવું રંગીન પક્ષી ઘર સામે ઈબાદતગાહની બારી ઉપર આવીને બેઠું. આપ એ સુંદર પક્ષીને જોઈ તેને પકડવા ગયા. તેવું જ તે પક્ષી ઉડીને બાજુના બાગના ઝાડ ઉપર જઈ બેઠું, હઝરત તેને પકડવા તેની પુંઠે બાગમાં ગયા, જ્યાં આપને એક નવજવાન, ખુબસુરત “બતશા” નામની સ્ત્રી હોજમાં સ્નાન કરતી દેખાણી. અરસપરસ એકબીજાની નજર મળી, પરિણામે એકબીજાને દિલમાં મહોબ્બત ઉત્પન્ન થઈ ગઈ તેથી હઝરતે કોઈકને પુછ્યું, આ બાગ કોનો છે ? તેણે કહ્યું કે, “બતશા’નો છે. હઝરતે પુછયું, એ પરણેલી છે ? કહ્યું કે, હા. તેણીના લગ્ન “ઉરીયા” સાથે થયેલા છે.
તે ઉપરથી હ. દાઉદ (અ)એ ઉરિયાને બોલાવી ઘણા રૂપિયા આપ્યા અને ઈનામની લાલચ આપી તેને રૂમના મુલ્કમાં નાતકા નામની જગ્યાએ જ્યાં સખ્ત લડાઈ ચાલતી હતી ત્યાં મોકલી આપ્યો. ત્યાં જઈ ઉરીયા લડાઈમાં શહીદ થયો.
(૨૧૭/૨૧૮) ઉરીયાના મરણ સમાચાર બતશાને મળતા તે ઘણી રંજીદા થઈ અને કેટલાક દિવસો શોકમાં વિતાવ્યા. પછી તે હ. દાઉદ (અ.) સાથે નિકાહથી જોડાણી.
(૨૧૮) એ પહેલા હ. દાઉદ (અ.) ને ૯૯ બીબીઓ હતી અને ઉરીયા સહીત આપ ૧૦૦ બીબીઓના ભરથાર બન્યા.
એક દિવસ હ. દાઉદ (અ.) મસ્જીદમાં અલ્લાહની ઈબાદત કરી રહ્યા હતા; અચાનક મસ્જિદની દીવાલ ફાટી અને તેમાંથી બે શખ્સો નીકળી હઝરત સમક્ષ આવી બેસી ગયા, જેઓને જોતાં જ હઝરત હેબતાઈ ગયા. ત્યારે આવનારાઓએ કહ્યું, ગભરાવ નહી અમે તમારી પાસે અમારો ઈન્સાફ કરાવવા આવ્યા છીએ તેનો ફેંસલો કરી આપો. હઝરતે કહ્યું કે, કહો તમારૂં શું કહેવું છે ?
આવનારાઓમાંથી ફરિયાદીએ કહ્યું કે, આ મારો ભાઈ છે અને તેની પાસે ૯૯ બકરીઓ છે ત્યારે મારી પાસે માત્ર એક જ બકરી છે, અને તેને પણ આપી દેવા તે મારી ઉપર બળજબરી કરી રહ્યો છે, તો આ૫ તેને ફેંસલો કરી આપો.
આ સાંભળી હ. દાઉદ (અ)એ ફરમાવ્યું કે, આમ કરી તારો ભાઈ તારા ઉપર અન્યાય કરી રહ્યો છે અને તારી એક બકરી પણ છીનવી લઈ તે પોતાની બકરીઓ સાથે જોરજુલ્મથી ભેળવી દેવા માંગે છે. આવું તેનું વર્તન વાજબી કહેવાય નહિ.
હઝરતનો એ મુજબનો ફેંસલે સાંભળી આવેલા બન્ને શખ્સો હસી પડ્યા અને કહ્યું કે, અય દાઉદ ! આપને ૯૯ ઓરતો હોવા છતાં આપે ઈરાદાપુર્વક ઉરીયાને લડાઈમાં મોકલી તેની સ્ત્રી સાથે શાદી કરી લીધી. આમ કરી તમે તમારા નફ્સ ઉપર જુલ્મ અને ઉરિયાનો ગુનો વહોરી લીધો છે. આવી બેઈન્સાફીના ખાતર જ અમે તમારી સમક્ષ બકરી વિષેનો મુકદમો લઈ આવ્યા છીએ. એટલું કહી વાદી–પ્રતિવાદી બની આવેલા બન્ને ફિરસ્તાઓ ગેબ થઈ ગયા.
આવા વાદવિવાદ ઉપરથી હ. દાઉદ (અ.) સમજી ગયા કે, માત્ર મને નસિહત કરવા ફિરસ્તા આવ્યા હતા, તેથી પોતાના હાથે થયેલી ભુલ માટે આપને ઘણોજ પશ્ચાતાપ થયો, જેનું પ્રાયશ્ચિત કરવા આપ સિઝદામાં પડી ૪૦ દિવસ સુધી અન્ન લીધા વગર તૌબા સાથે ઘણી ગીરીયાઝારીપુર્વક એકધારા રડતા રહ્યા, ત્યારે ખુદાતઆલા તરફથી હ. જીબ્રાઈલે આવીને કહ્યું કે, અય દાઉદ ! તમે ખુદાનો ગુનો કર્યો છે તે માફ કરવામાં આવે છે, પણ ઉરીયાનો ગુનો તો તેની કબર પાસે જઈ માફ કરાવો અને જો તે માફ કરે તો માફ થાય.
(૨૧૯) તેથી હ. દાઉદ (અ.)એ ઉરિયાની કબર ઉપર જઈ પુકાર કરી કહ્યું કે, અય ઉરિયા ! એમ ત્રણ વખત પુકાર્યું. ત્રીજા અવાજે ઉરીયાએ જવાબ આપતાં કહ્યું કે, લબ્બેક ! તમે કોણ છો ? હઝરતે કહ્યું હું દાઉદ છું. ત્યારે ઉરીયાએ કહ્યું કે, અય ખુદાના ખલીફા તમે શા માટે અહીં આવ્યા છો ? હઝરતે ફરમાવ્યું કે, હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું. ઉરિયાએ કહ્યું કે, અય હઝરત ! આપે મને લડાઈમાં મોકલ્યો હતો, જ્યાં હું શહીદ થયો, બદલામાં મને ખુદાતઆલાએ બહેસ્તમાં જગા આપી છે. તમે મારા સાથે જે કંઈ કર્યું હોય તે બધું હું તમને માફ કરૂં છું. એ સાંભળી હઝરત ખુશી થઈ પોતાને ઘેર આવ્યા.
બીજી વખત ફરીને જીબ્રાઈલે આવીને કહ્યું કે, અય દાઉદ ! આપને ખુદાએ સલામ સાથે કહેવરાવ્યું છે કે, “તમે ફરી ઉરિયાની કબર પાસે જઈ તમારો અને બતશાનો અહેવાલ વિગતવાર કહી માફી માંગો. તે મુજબ હ. દાઉદ (અ.)એ ઉરિયાની કબર પાસે જઈ ફરીને પુકાર કરી, ત્યારે ઉરીયાએ જવાબ આપ્યો. હઝરતે પોતાના હાથે થયેલી ઘટના વિસ્તારપુર્વક કહી સંભળાવી તેમજ બતશાની વિગત ૫ણ વર્ણવી અને પોતાના હાથે થયેલી ભુલની માફી માંગી.
તે ઉપરથી ઉરિયાએ કહ્યું કે, આ બાબતમાં હું તમને હરગીઝ માફ કરીશ નહિ. આ સાંભળી હઝરત ઘણા રડવા લાગ્યા. બાદ દરબારે ઈલાહીથી નીદા આવી કે, અય દાઉદ ! રડ નહિ. હું બહેસ્તમાં ઉરિયા માટે યાકુતનો એક મહેલ બનાવીશ અને તેમાં હુરાઓને મુકીશ અને તેના ઉપર તેને મહોબત ઉત્પન્ન કરાવીશ. એવું કહેવાય છે કે ખુદાતઆલાએ બહેસ્તમાં એક યાકુત અને ઝવેરાતનો સુંદર મહેલ બનાવ્યો અને તેમાં હુરાઓને રાખી અને તે મહેલ ઉરિયાને દેખાડીને હકતાલાએ ફરમાવ્યું કે, અય ઉરિયા ! તું દાઉદને માફ કરી દે. હું તેના બદલામાં આ બહેસ્તી મહેલ તને આપીશ. ઉરીયા તે મહેલ અને તેનું રાચરચીલું જોઈ ઘણોજ ખુશી થઈ ગયો અને હર્ષના આવેશમાં આવીને પુકારી ઉઠ્યો કે, અય દાઉદ ! તમે કરેલો મારો ગુનો હું તમને માફ કરૂં છું. એ સાંભળી હ. દાઉદ (અ.) ખુશી થઈ તે બેતુલમુકદસ તરફ જવા રવાના થયા.
હ. દાઉદ (અ.)ના બેતુલ-મુકદ્દસમાં આવ્યા પછી એક દીવસ આપે ઈલાહી દરબારમાં અરજ કરી કે, યા રબ ! જેવી રીતે તેં મારી તૌબા કબુલ કરી છે, તેવી રીતે તે ગુનાની એક નિશાની મારા પંડની ઉપર આપ કે જેને જોઈ હું હંમેશા તૌબા કરતો રહું. હકતાલાએ હઝરતની દુઆ કબુલ ફરમાવી અને તેમણે કરેલા ગુનાની નિશાની તેમના જમણા હાથ ઉપર રાખી દીધી. જેને હંમેશા જોઈ હ. દાઉદ (અ.) પોતાની ભુલને યાદ કરી તૌબા સાથે અશતગફાર કરતા અને તે નિશાની સૌને દેખાડતા. જેને જોનારાઓ જોઈ પોતાના જીવનની ફીકર કરી આહોઝારી સાથે રડતા.
હઝરત દાઉદ (અ.)એ બે ખેડુતોને કરેલો અદલ ઈન્સાફ
(૨૨૦) 'કસસુલ અંબિયા'માં લખેલ છે કે, એક દિવસ ઈલિયા નામનો ખેડુત તથા યુહન્ના નામનો ભરવાડ દાઉદ (અ.)ની અદાલતમાં આવ્યા. ખેડુતે ભરવાડને દેખાડી ફરીયાદ કરતા કહ્યું કે, આ શખ્સની બકરીઓએ મારા ખેતરનો પાક ખાઈ જઈ નુકશાન કર્યું છે, કૃપા કરી આ૫ તેનો ઈન્સાફ કરી આપો.
હ. દાઉદ (અ.)એ કાજીને ફરમાવ્યું કે, ખેતર તથા બકરીઓની કિંમત નક્કી કરો. ગણત્રી કરતા ખેતરની કિંમત વધારે થઈ તે ઉપરથી હઝરતે ઈન્સાફ કરી બકરીવાળાને બકરીઓ ખેતરવાળાને સુપ્રત કરવાનો હુકમ ફરમાવ્યો. આથી બકરીવાળો રડતો રડતો દરબારથી પાછો ફરતા દરવાજા પાસે આવ્યો, જ્યાં હ. સુલેમાન (અ.) બેઠા હતા. હ. સુલેમાનની ઉમર આ વખતે ૭ વર્ષની હતી.
હ. સુલેમાન (અ) બકરીવાળાને રડતો જોઈ તેને રડવાનું કારણ પુછયું. બકરીવાળાએ ઈન્સાફના ફેંસલાની હકીક્ત કહી સંભળાવી. તે સાંભળી હ. સુલેમાન (અ) એ તેને કહ્યું કે, તમે પાછા હ. દાઉદ (અ)ની હુઝુરમાં જઈને કહો કે, ઈન્સાફ એે કરે કે જેના થકી મારા જેવા ગરીબને સહન કરવું પડે નહિં. સુચના અનુસાર બકરીવાળો હ. દાઉદ (અ)ની હુઝુરમાં ગયો અને એ પ્રમાણે અરજ ગુજારી. જે ઉપરથી હઝરતે ફરમાવ્યું કે, આ રસ્તો તને કોણે બતાવ્યો ? ત્યારે બકરીવાળાએ હ. સુલેમાનનું નામ આપ્યું. હઝરતે પોતાના પુત્ર હ. સુલેમાનને બોલાવી એ બાબતનો ઈન્સાફ કરવા કહ્યું, જે ઉપરથી હ. સુલેમાન (અ.)એ ફેંસલો આપતા ખેતરના માલીકને કહ્યું કે, તમે બકરીવાળાની બકરીઓ તમારા કબજામાં રાખો અને તેની ઉપજ યાને બકરીનું દુધ વિગેરેનો તેના બચ્ચા ઉપયોગ કરે અને બકરીવાળો તમારા ખેતરને પાણી સીંચે જ્યારે ખેતી જેવી હતી તેવી થઈ જાય ત્યારે બકરીઓના માલિકને તેની બકરીઓ પાછી આપી, તમે તમારૂં ખેતર તમારા સ્વાધિન લેજો. આમ કરવાથી તમે બન્નેમાંથી કોઇને પણ નુકશાની ખમવી પડશે નહિં.
હ. દાઉદ (અ) આવો સંતોષી ફેંસલો સાંભળી ઘણાજ ખુશી થયા.
હ. દાઉદ (અ.)ના દરબારમાં એક ડોશીએ હવા વિરૂધ્ધ કરેલી ફરિયાદ
(૨૨૧) એક દિવસ એક ગરીબ ડોશીએ હ. દાઉદ (અ.)ની હુઝુરમાં ફરિયાદ કરતાં કહ્યું કે, અય ખુદાતઆલાના ખલીફ ! હું વયોવૃધ્ધ ડોશી માથા ઉપર આટો લઈ મારા ઘર તરફ જઈ રહી હતી, તે વખતે હવા જોરથી આવી અને મારો આટો ઉડાડી લઈ ગઈ. મારા બાળ બચ્ચા ભુખ્યા છે તો આપ ઈન્સાફ કરી મને હવા પાસેથી મારો આટો અપાવો.
હ. દાઉદ (અ.)એ ફરમાવ્યું, અય ડોશી ! હવા મારા તાબામાં નથી, તેથી તેના બદલામાં હું આટો આપું છું તે લઈજા. આટો લઈ ડોશી દુઆ દેતી પોતાના ઘર તરફ રવાના થઈ.
ડોશી જ્યારે દરવાજા પાસે આવી ત્યારે હ. સુલેમાને તેણીને પુછ્યું કે, અય અમ્મા ! આ આટો ક્યાંથી લાવ્યા ? ત્યારે ડોશીએ બનેલી બીના કહી સંભળાવી. આ સાંભળી હ. સુલેમાન (અ.)એ ડોશીને કહ્યું કે, તમે હ. દાઉદ પાસે પાછા જાઓ અને કહો કે, મને ઈન્સાફ જોઈએ છે. એ મુજબ ડોશીએ હ. દાઉદ (અ.)ની હુજુરમાં જઈ ફરી અરજ કરી કે, અય પયગમ્બરે ખુદા ! મને આટો નહિં પણ ઈન્સાફ જોઈએ છે. હ. દાઉદે ફરમાવ્યું કે, અય અમ્મા ! તમને જેટલો આટો જોઈએ તેટલો લઈ જાઓ પણ હવા પાસેથી બદલો માંગો નહિં. તેથી ડોશી ઘણી રાજી થઈ, પુષ્કળ આટો લઈ ફરી દરવાજા પાસે આવી ત્યારે હ. સુલેમાન (અ.)એ ફરી તેને પુછ્યું કે, તમે ઈન્સાફ મેળવ્યા વગર કેમ જઈ રહ્યા છો ? તમે પાછા હઝરત પાસે જાઓ અને ઈન્સાફની માંગણી કરો. હ. સુલેમાનની દોરવણી અનુસાર ડોશી પાછી હ. દાઉદ (અ.) પાસે ગઈ અને આટો પાછો આપતા અરજ કરી કે, અય હઝરત મને ઈન્સાફ જ જોઈએ છે. હ. દાઉદે ડોશીને પુછયું કે, આવી સલાહ તમને કોણે આપી ? ડોશીએ કહ્યું કે, હ. સુલેમાને મને આવી સલાહ આપી છે. તે ઉપરથી હઝરતે હ. સુલેમાન (અ.)ને બોલાવી કહ્યું કે, હવાને કેવી રીતે બોલાવું કારણ કે તે પકડી શકાય તેમ નથી. ત્યારે હ. સુલેમાન (અ.)એ કહ્યું કે, તે માટે તમારી દુઆ પુરતી છે. દુઆ કરશો તો ખુદાના હુકમથી હવે એક સુરતરૂપે આપની સેવામાં હાજર થશે. એમ નહિ કરે તો મને ધાસ્તી છે કે, ક્યામતના દિને એ બુઢીબાઈ તમારા વિરૂધ્ધ ફરીયાદ કરશે અને ત્યાં આપે ઈન્સાફ નહિં આપવા માટે જવાબ આપવો પડશે.
(૨૨૨) તરતજ હ. દાઉદ (અ.)એ દરબારે ઈલાહીમાં દુઆ માંગી અને તે કબુલ થતાજ હવા ઈન્સાનના રૂપમાં હઝરતની હુજુરમાં હાજર થઈ. જેને હઝરતે ફરમાવ્યું કે, અય હવા ! આ ડોશીનો આટો તમે શા માટે ઉડાડી મુક્યો ? હવાએ અરજ કરતાં કહ્યું કે, મેં આ કામ ખુદાના હુકમથી કર્યું છે. કારણ કે તે વખતે સમુદ્રના મધ્યમાં એક કોમના વહાણમાં કાણું પડ્યું હતું અને તે લગભગ ડુબી જવાની અણી ઉપર હતું. તે વખતે તે કોમે અલ્લાહની મનત માની કે, અમે આ સંકટમાંથી બચશું તો વહાણમાંનો અમારો સઘળો માલ ખયરાત કરી આપશું. મેં ખુદાના હુકમથી એ બુઢી બાઈનો આટો લઈ જઈ વહાણનું કાણું પુરી દીધું, જેથી વહાણ ડુબતું બચી ગયું. એટલું બોલી હવા ગાયબ થઈ ગઈ.
તે બાદ ચોથા દિવસે વહાણ કિનારે પહોંચ્યું. તે વખતે મનત માનેલો સઘળો માલ હ. દાઉદ (અ)એ પોતા પાસે મંગાવી તેમનો અર્ધો માલ હાજતમંદોને ખયરાત કર્યો અને બાકીનો અર્ધો માલ આટાના બદલા તરીકે તે ડોશીને આપી દીધો, કારણ કે તેના આટાથી વહાણ બચી ગયું હતું.
ત્યારબાદ હ. દાઉદ (અ.)એ તે ડોશીને પુછ્યું કે, અય અમ્મા ! તમે ખુદાની એવી તે કઈ બંદગી કરી હતી કે જેના બદલા તરીકે તમે આટલો બધો માલ મેળવ્યો છે ?
ડોશીએ કહ્યું કે અય હઝરત ! મેં મારા ખાવા માટે એક રોટલી રાખી હતી તે દરમ્યાન ઘરના દ્વાર ઉપર એક ભુખ્યા ફકીરે આવી સવાલ નાખ્યો. મેં મારી રોટલી તેને અલ્લાહના નામ ઉપર આપી દીધી; પણ એક રોટલીથી તેની ભુખ તૃપ્ત થઈ નહિં, તેથી તેણે સવાલ કર્યો તેને પેટ ભરી ખવરાવવા માટે, હું દાણા લઈ પડોશમાં પીસવા ગઈ, જ્યારે આટો લઈ હું પાછી આવતી હતી એટલામા હવા જોરથી આવી મારો આટો ઉડાડી લઈ ગઈ. બાકી તે આપની દુઆ અને હ. સુલેમાનની સલાહનું આ પરીણામ છે કે, અલ્લાહે મને માલામાલ કરી આપી અને તે માટે હું અલ્લાહની અહેસાનમંદ છું.
કહેવામાં આવ્યું છે કે, હ. દાઉદ (અ.)એ હ. જીબ્રાઈલના સંકેતથી પેલી ડોશીને કહ્યું કે, અમ્મા ! તમે જે કંઈ પણ માલ પ્રાપ્ત કર્યો છે તે આટાનો બદલો છે અને તમે જે તમારા માટે રાખેલી રોટલી ફકીરને આપી હતી, તેના બદલા તરીકે તમને આખરતમાં ૭૦ રોટલીઓ મળશે.
ગાયની કુરબાની મરનારનું જીવતા થવું.
માતાની આજ્ઞાનું પાલન કરનાર પુત્રને ખુદા તરફથી મળેલો બદલો
(૨૨૩) “કસસુલ અંબિયા”માં એક રિવાયતનો ઉલ્લેખ કરીને જણાવેલ છે કે, બની ઈસરાઈલ કોમમાં એક માલદાર હતો. તેની પાસે એક ખુબસુરત રંગીન ગાય હતી, જેને જરીની ઝુલથી શણગારી મેદાનમાં ચરવા માટે છોડી મુકવામાં આવતી હતી.
તેજ કોમમાં એક પરહેઝગાર સ્ત્રી હતી. તેને એક નેકબખ્ત પુત્ર હતો. મા-દીકરાએ તેમના રહેઠાણ પાસે એક ઈબાદતગાહ બનાવી તેમાં તેઓ દરરોજ બંદગી કરતા હતા. ઈબાદતગાહ પાસે એક મીઠા પાણીનો ઝરો તથા એક દાડમનું ઝાડ હતું. તે ઝાડમાં ખુદાની કુદરતથી રોજ બે દાડમ લાગતા હતા. જેના ઉપર મા-દીકરો પોતાનું ગુજરાન ચલાવતા હતા. આમ કેટલાક વર્ષો વીતી ગયા.
એક દિવસ છોકરાએ પોતાની માતાને કહ્યું કે, મા ! મને ઈચ્છા થાય છે કે, બજારમાંથી કોઈક નવીન ચીજ ખરીદ કરીને ખાઉં. તેની માતાએ કહ્યું કે, અય બેટા ! અલ્લાહ આપણને બે દાડમ આપે છે તે ઉપર સબર કર અને તે સિવાય બીજી વસ્તુંની લાલચ કર નહિં. ત્યારબાદ તેઓએ ઝાડ તરફ નજર કરી તો બે દાડમ જે રોજ લટકતા હતા તે ગેબ થઈ ગયા. આ દ્રષ્ય જોતાં જ તેની માતાએ કહ્યું કે જોયું, બેટા ! બેસબરી તથા નાશુક્રાનાના લીધે ઝાડ ઉપરથી દાડમ ગૈબ થઈ ગયા. મા અને દીકરો તે દિવસે ભુખ્યા રહ્યા.
બીજે દિવસે ઉપર જણાવેલ ગાય પેલા મા દિકરા પાસે આવી અને કહ્યુ કે, મને કાપીને ખાઓ, હું તમારા ખોરાક માટે હલાલ છું. ગાયનું કહેવું સાંભળી માતાએ દીકરાને કહ્યું કે, “આ ગાય આ૫ણને ગુનામાં ફસાવવા આવી છે.” બાદ તેને તેઓએ હાંકી કાઢી.
ફરી બીજા દિવસે તેજ ગાયે આવીને કહ્યું કે, હું તમારા માટે હલાલ ખોરાક છું મને ઝબ્હે કરીને ખાઓ. છતાં મા દિકરાએ તેનું કહેવું માન્યુ નહિ અને તેને હાંકી મુકી.
(૨૨૩/૨૨૪) ફરી ત્રીજા દિવસે પણ ગાયે આવીને પોતાને ઝબ્બે કરવા કહ્યું, છેવટે મા-દીકરાએ તેને હલાલ કરી તેના માંસના કબાબ બનાવ્યા. જ્યારે તેઓ કબાબ ખાતા હતા. ત્યારે ઈસરાઈલ કોમની એક દલાલ સ્ત્રી જે ઘરોઘર ફરીને લોકોની જરૂરીયાતની વસ્તુંઓ લેતી તેમજ વેચતી હતી તે આવી ચડી. તેણીએ જોયું તો મા-દિકરો ગાયના ગોસ્તના કબાબ ખાઈ રહ્યા છે. એ સ્ત્રીને જઈને મા-દીકરો હેબતાઈ ગયા-તેમને ડર લાગ્યો કે તેણી તેઓને બદનામ કરશે.
(૨૨૪) ગાય ઘરે નહિ આવવાથી તેના માલીક તેની ઘણી શોધ કરાવી, પણ પત્તો લાગ્યો નહિ. દલાલણ કે જે ગાયની હકીકતથી માહિતગાર હતી તેણે ગાયના માલીકને એ સમાચાર આપ્યા અને ઘરની નિશાની પણ આપી.
એ મુજબ ગાયને કત્લ કરનારનો પત્તો મળતા તેણે હ. દાઉદ (અ.)ની હુઝુરમાં જઈ ફરિયાદ કરી અને ઈન્સાફ કરવા માંગણી કરી. હઝરતે મા-દીકરાને બોલાવી તપાસ કરી. પેલી મોમીન સ્ત્રીએ ખુલાસો કરતા કહ્યું કે, અમોને ગાયે પોતે કહ્યું કે, હું તમારા માટે હલાલ છું. તે ઉપરથી ગાયવાળાએ કહ્યું કે, જાનવર તે વાત કરતા હશે ? એટલું કહી તેણે બદલાની માંગણી કરી. તેની માંગણી ઉપરથી હ. દાઉદ (અ)એ તેને સમજાવતા કહ્યું કે, તમે તેઓને માફ કરી આપે અને ગાયના બદલામાં મારી પાસેથી જેટલું જોઈએ તેટલું દ્રવ્ય લે. પણ ગાયનો માલિક સમજ્યો નહિ અને ગાયના બદલા સિવાય બીજું કાંઈ તેણે માંગ્યું નહિ.
એટલામાં હ. જીબ્રાઈલે નાઝીલ થઈને કહ્યું કે, અય દાઉદ ! અલ્લાહે તમને સલામ સાથે કહેવરાવ્યું છે કે, બની ઈસરાઈલ ક્યામતનો બનાવ દુનિયામાં જોવા માંગે છે. તમે તેને કહે કે, આવતી કાલે ઈદના દિવસે સઘળા મેદાનમાં હાજર થાય. ઈલાહી હુકમ અનુસાર હઝરતે ઈસરાઈલ કોમમાં તે મુજબ એલાન કરાવ્યું.
(૨૨૪/૨૨૫) ઈદના દિવસે તે કોમના સ્ત્રી-પુરૂષો તથા બાળકો સૌ મેદાનમાં હાજર થયા. તે વખતે હ. દાઉદ (અ.)એ “ઝંબુર”નું વાંચન શરૂ કર્યું. દરમ્યાન સઘળી માનવમેદની બેહોશ બની ગઈ. તે વખતે ખુદાના હુકમથી હ. જીબ્રાઈલે આવીને હ. દાઉદ (અ)ને કહ્યું કે, આપ ગાયના માલિકને કહો કે, તે દિવસને યાદ કર કે જ્યારે તું તે શખ્સ સાથે તેનો નોકર બની શામના મુલ્ક તરફ જઈ રહ્યો હતો. આ વખતે તારા માલિકની સાથે પાંચસો ઊંટ, બકરા અને ઘણો માલ અસબાબ હતો અને માર્ગમાં તેં તેને મારી નાંખ્યો અને તેનો માલ અસબાબ તથા જાનવરો મિસર તરફ લઈ જઈ ત્યાં તેને વેચી તું તેની દૌલત દબાવી પાછા શામમાં આવી ગયો. તેં જેને કત્લ કર્યો છે, તેના જ એ સ્ત્રી અને બાળક છે, જેઓ તારી ગાયને ઝબેહ કરી ખાઈ ગયા છે અને હાલ જેટલો માલ તારા પાસે મોજુદ છે, તે સઘળો તેઓનો છે. હ. દાઉદ (અ.)એ જીબરાઈલથી એ હકીકત સાંભળીને ગાયના માલિકની તપાસ કરી અને તેને પોતાની પાસે બોલાવ્યો. ગાયવાળાએ કહ્યું કે, મેં કોઈને લુંટી કે મારી નાખ્યો નથી. એટલામાં ખુદાની કુદરતથી તેની બોલવાની શકિત જતી રહી, પણ તેના હાથપગ તો સાક્ષી આપતા જ રહ્યા. તેના હાથે કહ્યું.
(૨૨૫) અય હઝરત આ વાત સાચી છે, મેં તે સોદાગરને છુરાથી કત્લ કર્યો છે. અને તેના ઊંટ, બકરા માલ અસબાબ બધો છીનવી લીધો છે. આવી જ રીતે શરીરના દરેકે દરેક અવયવો સાક્ષી આપવા લાગ્યા.
જે સાંભળી બની ઈસરાઈલીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. બાદ હ. દાઉદ (અ.)એ કોમને સંબોધીને ફરમાવ્યું કે, અય મોમિનો ! આવી જ રીતે રોઝે મહેસર (ક્યામત)માં બનવાનું છે અને તે વખતે બધાના હાથ પગો શાક્ષી આપશે. એ માટે ખુદાતઆલાએ કુરઆને શરીફમાં ફરમાવ્યું છે કે, “રોજ (કયામતના દીવસે) અમે તેઓના મોઢા ઉપર મહોર મારી દઈશું, પણ તેઓના હાથ બોલશે અને પગ દેખાડશે અને જે કંઈ તેઓએ કર્યું હશે દુનીયામાં.”
માનવ સમુહથી ખીચોખીચ ભરાયેલા મેદાનમાં હકીકત પુરવાર થયા પછી હ. દાઉદ (અ.)એ પેલા મા દીકરાનો ફેંસલો સંભળાવતા છોકરાને ફરમાવ્યું કે, આ કોમના સરદારે તારા બાપને મારી નાખી તમામ માલ, દૌલત લુંટી ગયો હતો, હવે ખુદાનો હુકમ છે કે, તું તેને મારી નાખ. તારા બાપનો બદલો લે અને તેની પાસે જે માલ અસબાબ છે તે પણ લઈ લે. હુકમ અનુસાર તેજ વખતે છોકરાએ ગાયના માલિકનું માથું ધડથી જુદુ કરી નાખ્યું. અને પોતાની માલમત્તા મેળવી, ખુદાના શુક્રાના અદા કરી, પોતાની મા સાથે ઘર તરફ રવાના થયો.
ખુદાઈ ફરમાનનું ઉલ્લંધન કર્યું તો વાંદરા બની ગયા
(૨૨૫) કહેવામાં આવેલ છે કે, બની ઈસરાઈલની કોમના એક કબીલાવાળાઓએ રાતા સમુદ્રના કિનારે એક ઘર બનાવ્યું અને તૌરેતની આજ્ઞા વિરૂધ્ધ જઈ બેફરમાનીના કામો કરવા લાગ્યા.
(૨૨૫/૨૨૬) “સબ્થ” એટલે “શનિવાર”નો દીવસ યહુદીઓનો તહેવારનો દીવસ ગણાય છે. એ દીવસે શિકાર કે બીજા કોઈ પણ કામ કરવાની તેઓને મના કરવામાં આવી છે; આથી તે દીવસે સમુદ્રના માછલા પાણી ઉપર આવી નિર્ભયપણે ફરતા; પણ અઠવાડીયાના બીજા દીવસોમાં તેઓ દેખાતા નહિ. હ. દાઉદના રાજ્યમાં જે યહુદીઓ રાતા સમુદ્રના કિનારા પર આવેલા એલા નામના ગામમાં રહેતા હતા. તેમાંના કેટલાકોએ ખુદાતઆલાની એ આજ્ઞાનું ઉલ્લંઘન કરી, શનિવારના દીવસે માછલીઓ પકડીને ખાધી. તેઓને શનીવારે માછલા પકડવાની મના હોવાથી સમુદ્રમાંથી તેઓ નહેરો ખોદતા અને શનીવારે જ્યારે માછલીઓ તે નહેરોમાં આવતી ત્યારે માછલા સમુદ્રમાં પાછા ચાલ્યા ન જાય એ માટે તેઓ રસ્તો બંધ કરી લેતા અને બીજે દિવસે આવીને તેને પકડતા. તેઓમાંના કેટલાક ધાર્મિકવૃત્તિના માણસોએ એમ કરનારને તેમ નહિ કરવા શિખામણ આપી, પણ તેનું કાંઈ પણ પરિણામ આવ્યું નહિ, એથી હ. દાઉદ (અ.)એ તેમને શ્રાપ આપ્યો અને ખુદાતઆલાએ તેમને વાંદરા બનાવી દીધા.
(૨૨૬) તે માટે ખુદાતઆલાએ કુરઆને શરીફની સુરએ બકર આયાત ૬૫માં ફરમાવ્યું છે કે, “અને ખરેખર તમે તેઓને જાણ્યા છે કે, જેઓએ તમારામાં શનિવારના દિવસે હુકમનું ઉલ્લંધન કર્યું, પછી અમે તેઓને કહ્યું કે, તમે તુચ્છ વાંદરાઓ થાઓ.”
કુરઆને શરીફ સુરતુલ અઅરાફ આયાત ૧૬૬માં ખુદાતઆલાએ ફરમાવ્યું છે કે:- “પછી જ્યારે તેઓએ જેની તેઓને મના કરવામાં આવી હતી તેની નાફરમાની કરી ત્યારે અમે તેઓને કહ્યું કે, તમે તુચ્છ હાંકી કાઢેલા વાંદરા થાઓ.”
હ. દાઉદ (અ.)ની વફાત
(૨૨૬) હ. દાઉદ (અ.)ને ૧૯ ફરઝંદો હતા, જેમાં હ. સુલેમાન (અ.) “બતશા”ના કુખે જન્મ્યા હતા.
કહેવામાં આવ્યું છે કે, જ્યારે હ. દાઉદ (અ.)ની વફાતનો સમય નજીક આવ્યો, ત્યારે હ. જીબ્રાઈલે આપને એક સંદુક(પેટી) લાવીને આપી અને કહ્યું કે, અય દાઉદ ! આપના ફરઝંદોને પુછો કે આ પેટીમાં શું ચીજ છે ? અને એનો ખુલાસો જે આપે તેને પયગમ્બરી તથા સલ્તનત અર્પણ કરજો. એ ઉપરથી હ. દાઉદ (અ)એ પોતાના બધા ફરઝંદોને બોલાવી પુછયું, જેનો જવાબ બીજાઓ આપી શક્યા નહિ પણ સૌથી નાના પુત્ર હ. સુલેમાને કહ્યું કે, આ પેટીમાં એક વીંટી, ચાબુક તથા એક પત્ર એમ ત્રણ ચીજો છે. જ્યારે સંદુક ખોલી તપાસ્યું તો હ. સુલેમાન (અ.)ના કહેવા પ્રમાણે તેમાં ત્રણ ચીજો હતી.
(૨૨૬/૨૨૭) બાદ હ. જીબ્રાઈલે કહ્યું કે, આ ત્રણે વસ્તુંઓ મોજીઝાવાળી છે. તે પછી તેમાં શું શું ચમત્કારો સમાયેલા છે તે સમજાવતા જીબ્રાઈલે કહ્યું કે, આ વીંટી બહેસ્તની છે જે શખ્સ તેને પોતાના હાથમાં રાખશે તે ઈચ્છિત વસ્તું મેળવી શકશે, એટલુંજ નહિ પણ જ્યારે તે વીંટી ઉપર દ્રષ્ટી નાખશે તો આખી મખલુકાત અને તેમાંની સઘળી ચીજો તેના તાબામાં આવી જશે. અને ચાબુક ગુનેગારોને લાચાર બનાવી મુકશે.
(૨૨૭) ત્યારબાદ હ. જીબ્રાઈલે હ. દાઉદ (અ)ને સંકેતમાં કહ્યું કે, તમારા ફરઝંદોને પુછો કે, આ પત્રમાં શું લખ્યું છે ? જ્યારે હઝરતે પોતાના ફરઝંદોને પુછયું, ત્યારે બીજાઓ જવાબ આપી શક્યા નહીં પણ સૌથી નાના ફરઝંદ હ. સુલેમાને તેનો ખુલાસો કરતા કહ્યું કે, એ પત્રોમા પાંચ બાબતો લખેલી છે.
પહેલું ઈમાન, બીજી મહોબ્બત, ત્રીજી અક્કલ, ચોથી શરમ અને પાંચમી તાકાત. જે સાંભળી હ. દાઉદે તેમને સવાલ કર્યો કે, એ દરેકનું સ્થાન શરીરના ક્યા ક્યા ભાગોમાં છે ?
જવાબમાં હ. સુલેમાન (અ.)એ કહ્યું કે :-
ઈમાન અને મહોબ્બતનું સ્થાન દિલમાં છે, અક્કલનું સ્થાન મસ્તકમાં છે, શરમની જગ્યા આંખમાં છે અને કુવ્વત હાડકામાં રહેલી છે.
આવી ગુપ્ત અને દાનાઈભરી હકીકતો હ. દાઉદ (અ.)એ સાંભળ્યા પછી પોતાના ફરઝંદ હ. સુલેમાનને પોતાના પ્રતિનિધિ યાને ખલિફ બનાવ્યા અને પોતાની હૈયાતીમાં જ તેમનો રાજ્યાભિષેક કરી તેમને તખ્ત ઉપર બેસાડ્યા અને બહેસ્તથી સંદુકમાં આવેલી વીંટી પહેરાવી અને રાજદંડ તરીકે ચાબુક સુપ્રત કર્યો અને પોતે ગોશાનશીન તરીકે એક ઓરડામાં બેસી દુનિયાના સઘળા વ્યવહારથી મુક્ત થઈ અલ્લાહની યાદમાં મશગુલ થયા અને ત્યારબાદ આ૫ વફાત પામ્યા. તે વખતે આપની ઉંમર ૧૨૦ વર્ષની હતી.
લુકમાન હકીમ બીન બાઉર અને તેમણે પોતાના ફરઝંદને કરેલી વસિયત
(૨૨૭/૨૨૮) “ઈસ્ફહાની કુરઆન'માં એવો ઉલ્લેખ મળી આવે છે કે, લુકમાન, બાઉરના દિકરા હતા અને બાઉર હ. અયુબની બહેન કે માસીના પુત્ર કે પૌત્ર થતા હતા તેમનો જન્મ હ. દાઉદ (અ.)ના રાજ્ય અમલના દશમા વર્ષે થયો હતો અને હ. યુનુસ (અ.)ના સમય સુધી તેમણે હૈયાતી ભોગવી હતી. કેટલાકનું કહેવું છે કે, તેઓ હજાર વર્ષ સુધી જીવ્યા હતા; વળી કેટલાકનો મત લુકમાન પયગમ્બર હતા એેવો છે, તો કેટલાકનો મત તેવણ પયગમ્બર નહિ હતા એવો છે. વળી કેટલાકના મત મુજબ ખુદાએ તેમને પયગમ્બરી અથવા જ્ઞાન બેમાંથી ગમે તે એક પસંદ કરવાનો અખત્યાર આપ્યો હતો અને લુકમાને જ્ઞાન પસંદ કર્યું. એ મુજબ લુકમાન એક મહાન જ્ઞાની સખ્સ હતા અને તેમને ખુદાતઆલાએ તિક્ષ્ણ બુધ્ધિ અને અસરકારક ભાષણ કરવાની શકિત પણ બક્ષી હતી. લુકમાને આશરે દશ હજાર ડહા૫ણભર્યા વચનો કહ્યા છે, જેમાંનું દરેક વચન અતિ કિંમતી ગણાય છે.
(૨૨૮) “કસસુલ અંબિયા'માં જામેઉત તવારીખનો હવાલો આપતા લખેલ છે કે, લુકમાન હકીમ 'હબ્શ'ના રહેવાસી હતા, રંગે કાળા હતા અને આપના હોઠ જાડા હતા.
લુકમાન બની ઈસરાઈલના એક ગુલામ હતા અને તેમના માલિક પાસે તેમની સાથે બીજો પણ એક ગુલામ હતો. એક દિવસ તે ગુલામ પોતાના માલીકના ફળો ચોરીને ખાઈ ગયો. માલિકને તેની જાણ થતા બન્ને ઉપર તેને શંકા ગઈ. એ બાબતની લુકમાનને ગંધ આવતા તેણે પોતાના માલિકને કહ્યું કે, અમો બન્નેને ગરમ પાણી પીવા આપો કે જેથી બન્નેને ઉલટી થતા ખાધેલી વસ્તું બહાર નીકળી આવશે અને ચોર કોણ છે તેની ખબર પડશે. લુકમાનના માલીક તે પ્રમાણે કર્યું, જેની અસરથી થોડીકવાર પછી બીજા ગુલામના મોઢામાંથી ખાધેલા ફળો ઉલ્ટી થતાં બહાર નીકળી આવ્યા અને માલીકે તેને સજા કરી અને લુકમાનને હિકમતવાળો અને નેક ખસલતવાળો સમજી તેના ઉપર ખુશી થઈ તેને ગુલામીમાંથી આઝાદ કરી દીધો. લુકમાન હકીમની સૌથી પહેલી આ હીકમત હતી કે જેનાથી તેઓ આઝાદ થયા હતા.
લુકમાન આઝાદ થયા પછી એક દિવસ બપોરના સમયે હ. જીબ્રાઈલે આવીને તેમને કહ્યું કે, ખુદાતઆલા તમને આ જમીનનો ખલિફો બનાવશે. એ સાંભળતાજ લુકમાને આજીજીપુર્વક કહ્યું કે, માલીકની મારા ઉપરની આવી અત્યંત કૃપા માટે હું ઘણોજ અહેશાનમંદ છું, પણ મને ભય છે કે, મારાથી આવડો મોટો ભાર ઉંચકી શકાશે નહિ. એ ઉપરથી ખુદાતઆલાએ પોતાની રહેમ દ્રષ્ટીથી તેમના દીલના દ્વારને ઉઘાડી દીધા અને તેમને અક્કલ તથા હીકમતની બક્ષીશ કરી કે જેની બરકતથી લુકમાનને તેમજ હ. દાઉદ (અ.)ને પણ ફાયદો પહોંચ્યો હતો.
(૨૨૮/૨૨૯) એક વખત લુકમાન હકીમના નાના દીકરાએ પોતાના પિતાને વિનંતી કરતાં કહ્યું કે મને મુસાફરી કરવાનો વિચાર છે. આથી લુકમાને તેને મુસાફરીની સફળતા પ્રાપ્ત થાય તેવી શિખામણ આપતાં કહ્યું કે, ઓ મારા પુત્ર ! ખુદાની સાથે કોઈને શરીક કરીશ નહિ, મતલબ કે ખુદા સિવાય અન્યની પુજા કરીશ નહિ. ઈબાદત બંદગી કરવાનું કદી પણ ચુકીશ નહિ. જેટલી થાય એટલી ભલાઈ કરજે. બુરાઈ મુદ્દલ કરીશ નહિ. હર હાલતમાં સબર કરજે. કોઈપણ ઈન્સાન પ્રત્યે દ્વેષ રાખીશ નહિ અને તકબ્બુરી કરીશ નહિ કારણ કે કોઈ પણ તકબ્બુરી અને વડાઈ કરનારાઓને ખુદાતઆલા ચાહતો નથી. સત્યનો માર્ગ ગ્રહણ કરજે. અવાજમાં મીઠાશ અને મધુરતા રાખજે કારણ કે નાપસંદ અવાજ ગધેડાનો છે. જ્યારે વિદાયની સઘળી તૈયારીઓ તેમના ફરઝંદે કરી લીધી ત્યારે વિદાય દરમ્યાન માર્ગદર્શન આપતાં લુકમાને કહ્યું કે :-
(૨૨૯) અય બેટા ! સફરમાં જતાં રસ્તામાં એક મેદાન આવશે ત્યાં એક પાણીનો ચશ્મો અને તેના કિનારે એક ઝાડ હશે. તેના છાંયડે તું બેસીશ નહિ, પણ ત્યાં એક બુઝુર્ગ દરવેશ મળશે તે જેમ તને કહે તે મુજબ વર્તજે.
વળી સફરમાં તું અમુક એક ગામે પહોંચીશ, જ્યાં એક ખુબસુરત અને માલદાર સ્ત્રી રહે છે, તે તને પોતાની સાથે શાદી કરવા કહેશે, પણ તું તેની સાથે શાદી કરીશ નહિ. અમુક જગ્યા કે જ્યાં એક શખ્સ રહે છે તે વર્ષોથી મારો કરજદાર છે તેના પાસેથી આપણી લેણી રકમ વસુલ કરજે; પણ તેને ત્યાં રાત રોકાઈશ નહિ. બસ મારી આટલી વસિયત ધ્યાનમાં રાખજે; હવે તું ખુશીથી જઈ શકે છે. ખુદા હાફિઝ; મેં તને અલ્લાહને હવાલે કર્યો છે.
ત્યારબાદ લુકમાનનો એ ફરઝંદ રવાના થઈ સફર કરતો કરતો એક બીયાબાન જંગલમાં જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક પાણીનો ચશ્મો અને તેના કિનારે એક ઝાડ જોયું અને તેની છાંયા નીચે એક વયોવૃધ્ધ બુઝુર્ગને બેઠેલો જોયો. તેને બહુજ તૃષ્ણા લાગી હતી એથી પેલા ચશ્માનું પાણી પીવાની તેને ઈચ્છા થઈ. વળી ગરમીનો થાક ઉતારવા ઝાડના છાંયડે આરામ કરવાનું પણ તેને મન થયું, પણ તેને પોતાના પિતાની નસિહત યાદ આવી એટલે તે ત્યાંથી આગળ વધવા લાગ્યો. પેલા બુઝુર્ગે તેને આગળ વધતો જોઈ કહ્યું કે, અય છોકરા ! સૂર્યના અસહ્ય તાપમાં સફર કર નહિ. જરા છાંયડાના આસરે બેસી આરામ કર. છોકરાએ કહ્યું કે, એમ કરવાની મને મારા પિતાએ મનાઈ કરી છે. બુઝુર્ગે કહ્યું કે, અય છોકરા ! કસમ છે તને તારા પાલનહારના, તું મારૂં કહ્યું માન અને ધખધખતા તાપમાં જા નહિ. એ સાંભળી તેને પોતાના પિતાની એ નસિહત યાદ આવી કે, બુઝુર્ગ કહે તે પ્રમાણે વર્તજે.
(૨૩૦) તેથી ત્યાં રોકાયો અને એ ચશ્માનું પાણી પીધું અને પેલા બુઝુર્ગ પાસે ઝાડના છાંયડે આરામ કરતા નિદ્રાવશ થઈ ગયો. થોડાક સમય પછી એ ઝાડના દરમાંથી એક સર્પ છોકરાને ડંશવા બહાર નીકળ્યો. પણ તેને પેલા બુઝર્ગે જોઈ લેતા જ મારી નાખ્યો અને તેનું માથું કાપી પોતા પાસે રાખી લીધું. છોકરો જ્યારે જાગૃત થયો ત્યારે તેણે પોતાની પાસે પડેલો માથા વગરનો સા૫ જોયો. ત્યારબાદ પેલા બુઝુર્ગે બનેલી સઘળી હકીકત તેને કહી સંભળાવી. જે સાંભળી તે તાજુબ થયો અને બુઝુર્ગને સલામ કરી સફરમાં આગળ વધવા તૈયાર થયો, ત્યારે બુઝુર્ગે તેને કહ્યું કે, જો તારી ઈચ્છા હોય તો હું તારી સાથે આવું. છોકરાએ કહ્યું કે, ઘણું જ સારૂં, આપ આવો તો આપની મહેરબાની.
છોકરો અને બુઝુર્ગ સફર કરતા કરતા પેલા ગામમાં પહોંચ્યા જ્યાં પેલી ખુબસુરત સ્ત્રી રહેતી હતી. નવીન પરોણાઓને આવેલા જોઈ ગામવાસીઓએ બન્નેને ઘણીજ ઈજ્જત સાથે આવકાર આપ્યો.
એક દિવસ ગ્રામજનોએ પેલા છોકરા પાસે આવીને કહ્યું કે, અમારામાં એક નેકબખ્ત માલદાર અને હસીન સ્ત્રી છે અને તેણી તમારી સાથે શાદી કરવા ઈચ્છે છે. છોકરાએ કહ્યું કે, શાદી કરવાની મારા પિતાની મને મના છે. એ સાંભળી પેલા બુઝુર્ગે કહ્યું કે, તેણી ખાનદાન અને શાદી માટે આરજુમંદ છે, માટે ના નહિ પણ હા કહી દે. દરવેશનું કહેવું માનવાની તેના પિતાએ આપેલી આજ્ઞા મુજબ, છોકરાએ તે માલદાર સ્ત્રી સાથે શાદી કરી.
શાદી થઈ ગયા બાદ કોઈએ છોકરાને ખબર આપી કે, તેણી ઘણી જ ખરાબ સ્ત્રી છે વળી તેણીએ નવ મરદો સાથે શાદી કરી પહેલી જ રાતે તેઓને મારી નાખ્યા છે. એ સાંભળી છોકરો પસ્તાવા લાગ્યો. છોકરાની મુંઝવણ પેલા બુઝુર્ગ પીરમર્દ સમજી ગયા અને કહ્યું કે, તું જરાય ચિંતા કરીશ નહિ. પણ મારી સુચના પ્રમાણે એક યુક્તિ કરજે કે, જ્યારે તેણી રાત્રે તારી પાસે આવે તે વખતે કંઈક બહાનું કરી તું મારી પાસે આવી જજે. ઈન્શાઅલ્લાહ તે વખતે આપણે તેનો ઈલાજ કરીશું.
(૨૩૦/૨૩૧) જ્યારે રાત પડી અને તે સ્ત્રી છોકરા પાસે આવી, ત્યારે છોકરો કોઈક બહાનું કરી દરવેશ પાસે પહોંચી ગયો. તરત જ બુઝુર્ગે બળતી સગડીમાં પોતા પાસે રાખેલું પેલા સર્પનું માથું નાખીને સગડી છોકરાને આપીને કહ્યું કે, સર્પનું માથું બળતા તેમાંથી ધુંવાડો નીકળશે, તે તેણીને લેવડાવજે, એટલે તેની અસરથી તે સ્ત્રીમાં જે કંઈ પણ હશે તે બહાર આવી જશે તે પછી તે સઘળું તું મારી પાસે લાવજે.
(૨૩૧) બુઝુર્ગની સુચના અનુસાર છોકરાએ કર્યું અને થોડીવાર પછી તેણે પીરમર્દને સઘળું લાવીને આપ્યું. જ્યારે બુઝુર્ગે તેમાં જોયું તો બે સર્પો બળી રહ્યા હતા. તેને દેખાડતા પીરમર્દે છોકરાને કહ્યું કે, હવે તું તારી સ્ત્રી પાસે જા, બીક માત્ર આ બે સર્પોની હતી જે તારી બીબીના શરીરમાંથી નીકળી બળી રહ્યા છે. તે પછી છોકરો પોતાની પત્ની પાસે જઈ આખી રાત ત્યાંજ રહ્યો. જ્યારે સવાર થઈ ત્યારે ગામલોકોએ તેને જીવતો જોયો અને ઘણા રાજી થયા.
પછી લુકમાનના દીકરાએ દરવેશને કહ્યું કે, મારા પિતાનો કરજદાર ફલાણા ગામમાં રહે છે. આપ મારી સાથે આવો તો સારૂં. તેથી બુઝુર્ગ અને છોકરો લુકમાનના કરજદાર પાસે ગયા અને છોકરાએ લેણી રકમની માંગણી કરી. ત્યારે દેણદારે કહ્યું કે, આજની રાત આપ મારે ત્યાં રહો. સવાર થતાં જ હું આપનો હિસાબ ચુકતે આપી દઈશ. છોકરાએ કહ્યું કે, મને રાત રોકાવા મારા પિતાનો હુકમ નથી. એ સાંભળી બુઝુર્ગે કહ્યું કે, કોઈ પરવાહ નહિ. આપણે આજની રાત અહીં જ રહીશું; તેથી પીરમર્દના કહેવાથી છોકરો રાત રહેવા કબુલ થયો.
લુકમાનનો દેણદાર બહુ જ દગલબાઝ હતો. તેણે દરિયાકાંઠે બેમાળનું એક મકાન એવી યુક્તિપુર્વક બનાવ્યું હતું કે ભરતી આવતા પેલા માળમાં પાણી ફરી વળતું અને તેમાં સુતેલા હોય તે બધા ડુબીને મરણ પામતા આવનારા લેણદારો માટે પણ તેણે એવો જ ઘાટ ઘડી રાખ્યો હતો. તે દગાબાઝે પોતાના મહેમાનોને ખાણું ખવરાવી રાતના સુવા માટે પેલો માળ આપ્યો જ્યાં છોકરો સુતા વેંત જ નિદ્રાવશ થઈ ગયો, પણ બુઝુર્ગ જાગતો રહ્યો. સમય થતા જ સમુદ્રમાં ભરતીનું પુર આવ્યું, તેની સાથે પાણી ઉછળવા લાગ્યું. સમય વિત્યો ન વિત્યો ત્યાં પાણી મકાનના પહેલા માળમાં દાખલ થયું, તરત જ બુઝુર્ગે છોકરાને ઉંઘમાંથી ઉઠાડયો અને બન્ને બીજા માળ ઉપર ચાલ્યા ગયા કે જ્યાં દગલબાઝના છોકરાઓ સુતા હતા. બુઝુર્ગે તેઓને ઉચકી લીધા અને નીચેના માળમાં સુવડાવ્યા અને પોતે તથા લુકમાનનો છોકરો ઉપરના માળમાં સુતા.
(૨૩૨) સવાર થતા જ દગાબાઝે બન્ને લેણદારોને સલામત અને પોતાના છોકરાઓને મરેલા જોયા. આવું ગંભીર દ્રષ્ય જોઈ તે બાવરો બની પુકારી પુકારી કહેવા લાગ્યો કે, અફસોસ ! અફસોસ ! મારા ફરેબમાં હું પોતે જ ફસાણો અને પાયમાલ થયો.
ત્યારબાદ લુકમાનના છોકરાએ તેના પાસેથી લેણી રકમ વસુલ કરી અને પોતાની સ્ત્રી અને બુઝુર્ગ સાથે વતન તરફ જવા રવાના થયો.
સફર દરમ્યાન બુઝુર્ગનું રહેઠાણ આવ્યું ત્યારે છોકરાને બુઝુર્ગે કહ્યું કે, હું તારી સાથે આટલા દિવસ રહ્યો. આપણા વસવાટ દરમ્યાન તેં મને નેક યા બદ કેવો જોયો ?
છોકરાએ કહ્યું, આપ એક નેક પુરૂષ છો. વળી હું તમારા થકી જ જીવતો રહેવા પામ્યો છું અને માલ, ધન તેમજ નેક સ્ત્રી પણ મેળવવા ભાગ્યશાળી થયો છું.
ત્યારે દરવેશે કહ્યું કે, જો આ બધું તેં મારા થકી જ મેળવ્યું છે તો તેમાંથી મને હિસ્સો આપ. છોકરાએ કહ્યું કે, ઘણી ખુશીથી આ૫ તેમાંથી અડધું લઈ લીઓ. તે પછી પીરમર્દે થોડોક માલ તેની સ્ત્રી પાસે મુકી કહ્યું કે, આ બે ભાગમાંથી તારી મરજીમાં આવે તે એક લઈ લે. તેથી છોકરાએ પોતાની સ્ત્રીવાળો હીસ્સો રાખી બાકીનો માલ પેલા બુઝુર્ગને આપી પોતાના વતન તરફ રવાના થયો. થોડેક દુર ગયા પછી, છોકરાએ પાછળ ફરી જોયું તો બુઝુર્ગને તેણે પોતાની પાછળ આવતો જોયો. પીરમર્દે તેની પાસે આવીને કહ્યું કે, અય છોકરા ! મને લાગે છે કે, તું ભય પામી મને હીસ્સો આપ્યો છે. છોકરાએ કહ્યું કે, નહિ સાહેબ ! આપ તો મારા ખેરખ્વાહ છો અને આપની જ કૃપા તેમજ મદદ વડે આ બધું હું મેળવી શક્યો છું બલકે મારો પ્રાણ પણ તમે જ બચાવ્યો છે. એટલે આ બધું મેં આપને ખુશીથી આપ્યું છે.
છોકરાની ઈચ્છા જાણ્યા પછી પીરમર્દે કહ્યું કે, હું તારાથી ઘણો ખુશ છું. બાદ પોતાનો હીસ્સો તેને આપતા બુઝુર્ગે કહ્યું કે, આ બધો માલ ખુદા તને મુબારક કરે. મને દુનિયાના માલની જરાએ તમન્ના નથી. હું તે અલ્લાહ તરફનો અમીન (વિશ્વાસુ) છું. મારૂં કર્તવ્ય ભુલેલાને માર્ગ દેખાડવાનું અને મુશીબતમાં સપડાએલાને મદદ કરવાનું છે. તે પછી તે બુઝુર્ગ ત્યાંથી ચાલ્યા ગયા. અને છોકરો માલ અસબાબ તથા પોતાની સ્ત્રી સાથે પોતાના વતને પહોંચી ગયો અને ઘરે જઈને પોતાના પિતાને પગે પડી સફરની સઘળી હકીકત કહી સંભળાવી.
યા અલી મદદ
