અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૧૮
રેકોર્ડીંગ - ૧૮
હ. સુલેમાન (અ.)
(પેજ-૨૩૩) હ. દાઉદ નબી વફાત પામ્યા તે પહેલા તેમણે હ. સુલેમાન (અ.)ને ખુદાતઆલાના હુકમથી પયગમ્બરી સોંપી રાજગાદી ઉપર બેસાડ્યા હતા એ આપણે અગાઉ જોઈ ગયા છીએ.
ઈસરાઈલી રાજ્યનો પાયો હ. સેમ્યુઅલ (અ.)એ તાલુતની નિમણુંક કરીને નાખ્યો હતો અને ઈસરાઈલીઓને સ્વતંત્રતા આપવાની પહેલ પણ તેમણે કરી હતી. ત્યારબાદ હ. દાઉદ (અ.)એ ઈસરાઈલી રાજ્યને વિશાળ બનાવ્યું અને હ. સુલેમાન (અ.)એ તેને બંધારણપુર્વકનું બનાવી સુધાર્યું અને હુન્નર ઉદ્યોગ સ્થાપી વેપારને વધારી રાજ્યમાં આબાદી ફેલાવી.
હ. સુલેમાન (અ.)ની રાજનીતિ આસપાસના રાજ્યો સાથે મિત્રાચારીનો સંબંધ બાંધવાની હતી. ઈસરાઈલી રાજ્યની અતરાફમાં કેટલાક મજબુત અને આગેવાન રાજ્યો હતા કે જેમની મિત્રાચારી વગર ઈસરાઈલી વેપારને ખીલવવાનું શક્ય નહોતું, એથી મીસરના ફિરઓનની સાથે પણ હઝરતે મિત્રાચારીનો સંબંધ જોડ્યો. અને મિત્રાચારીની ગાંઠ મજબુત બને એ હેતું અર્થે હ. સુલેમાન (અ.)એ ફીરઓનની પુત્રી સાથે લગ્ન પણ કર્યા. ફિરઓને પોતાની પુત્રીને કન્યાદાન તરીકે “ગઝર” નામનું કનઆન શહેર કે જે મિસરના શહેનશાહના તાબામાં હતું, તે હ. સુલેમાન (અ.)ને આપ્યુ.
હ. સુલેમાન (અ)ના પિતા હ. દાઉદ (અ.)એ પોતાના રાજ્ય અમલ દરમ્યાન ઝાયનની ટેકરી ઉપર “મસ્જિદે સુલેમાન”નો પાયો નાખ્યો હતો. જેના ઉપર “મસ્જિદે સુલેમાન” (Solomon's Temple) બનાવવાનું કામ હ. સુલેમાન (અ.)એ હાથ ધર્યું અને તે માટે જોઈતું લાકડું તેમજ કારીગરો હીરામે એવી શર્તે પુરા પાડ્યા કે હ. સુલેમાન (અ.) તેના બદલામાં દર વર્ષે ૨૦,૦૦૦ માપ ઘઉં અને ૨૦ મા૫ ઓલીવનું તેલ પુરૂં પાડે, કારણ કે સીરિયાની જમીનમાં ઘઉંની પેદાશ થતી હતી તેમજ મિસરના અનાજ ઉપર પણ ફીનીશિયન બંદરોનો ખોરાકીનો આધાર હતો.
ઈસરાઈલીઓ ઈજીપ્તની ગુલામીમાંથી મુક્ત થયા પછી ૪૦૮ વર્ષે તથા હ. સુલેમાન (અ.)ના રાજ અમલના ચોથા વર્ષે ઝીફ મહીનામાં હઝરતે બાંધકામનો આરંભ કર્યો અને હજારો માણસોને કામે લગાડી સાડા સાત વર્ષે બુલ મહિનામાં મસ્જિદે સુલેમાનનું કામ પુરૂં કરાવ્યું. ત્યારબાદ આપે શાહી મહેલો તેમજ પોતાની બીબી માટે એક ખાસ મહેલ બનાવ્યા, જેના બાંધકામને તેર વર્ષ લાગ્યા.
(૨૩૪) તાયરના કારીગરોએ મસ્જિદે સુલેમાન તથા મહેલોના શણગાર માટે પિત્તળ તથા બીજી ધાતુઓની અનેક ચીજ તૈયાર કરી હતી.
હ. સુલેમાન (અ.)ની અકકલમંદી તથા ઈન્સાફીપણાની હકીકતો ઘણી મશહુર છે.
બાઈબલના 1 king ના પ્રકરણ ત્રીજામાં જણાવ્યું છે કે, જે વખતે હ. સુલેમાન (અ.)એ ગીબીઆન શહેરમાં ખુદાનો આભાર માનવા કુરબાની કરી તે વખતે વહી દ્વારા આપને પુછવામાં આવ્યું કે, માંગો તમારી જે કંઈ ઈચ્છા હશે તે પુરી કરવામાં આવશે. ત્યારે હ. સુલેમાન (અ.)એ માંગણી કરી કે, "યા બારીતઆલા મને અકલમંદી અને મારિફતની બક્ષીશ કર કે જેથી હું મારી રૈયત સાથે ઈન્સાફથી વર્તું, સત્ય અને જુઠ, ખરા અને ખોટા વચ્ચેનો તફાવત સમજી શકું” હઝરતની આ માંગણી અલ્લાહને ઘણી જ પસંદ પડી.
હ. સુલેમાન (અ.)એ પોતાના રાજ્યને બાર ભાગમાં વહેંચી તે ઉપર બાર ગવર્નરો નીમ્યા. રાજ્યના મુખ્ય અમલદારો ઈસરાઈલીઓ હતા. તે ઉપરાંત હઝરતે પોતાની બીજી પ્રજાને હુન્નર ઉદ્યોગ શીખવી કારીગરો તરીકે ધંધે લગાડી વેપાર હુન્નરને ઘણું ઉતેજન આપ્યું હતું. પરદેશ સાથે વેપાર ખીલવવા, અને બચાવ અર્થે ધોરી રસ્તાઓ ઉપર ચોકિયાત મુક્યા અને સમુદ્ર માર્ગે વેપાર વધારવા વહાણોનો એક કાફલો પણ તૈયાર કર્યો. સીનાઈ પહાડવાળો પ્રદેશ કે જે સનાન પેનીનશ્યુલાને નામે ઓળખાય છે તે, તથા તેની પુર્વ તરફ હેજાઝની ઉત્તરે આવેલા અદમ અને મીદીઅન કબીલાના ગામો જે હ. દાઉદ નબીના વખતથી જ તાબામાં હતા; ઉપરાંત સીનાન તથા અદમ વચ્ચેના અખાત ઉપરના બંદરો જે એલાથ અને એઝનના નામથી ઓળખાતા હતા, તે માર્ગે અરબસ્તાનના હીજાઝ, યમન વિગેરે પ્રાંતો સાથે તેમજ હિંદુસ્તાન અને ઈરાન સાથેનો વેપાર પણ વધાર્યો. હ. દાઉદ (અ.)ના વખતમાં લોખંડની ધાતુનો બહોળો ઉપયોગ થતો હતો. હ. સુલેમાન (અ.)એ પીત્તળની ધાતુના ઉદ્યોગને ઉત્તેજન આપ્યું તેથી પીત્તળની કારીગીરીના વાસણો બનવા લાગ્યા. બાબલ મંડપ નજીકના આફ્રિકાના કિનારાના પ્રદેશો (એબીસીનીયા) તરફ આવેલ ‘ઓફીર' નામના દેશથી હઝરત વહાણો મારફત સોનું મંગાવવા લાગ્યા, તેથી સોનાનો વપરાશ પણ વધ્યો. હાથી દાંતનો વપરાશ પણ આપના જમાનામાં શરૂ થયો હતો, એવું તવારીખ ઉપરથી જણાય છે.
(૨૩૫) એવું કહેવામાં આવ્યું છે કે, દુનિયાના અન્ય કોઈ પાદશાહને નથી મળ્યું એવુ એક તખ્ત હ. સુલેમાન (અ.)ને મળ્યું હતું. એ તખ્તની જમણી અને ડાબી બાજુએ અસંખ્ય ખુરસીઓ મુકવામાં આવી હતી; તે ઉપર મનુષ્ય જાતના અને જીન્નોના ઉમરાવો બેસતા હતા; અને મુખ્ય ખુરસીઓની જમણી તથા ડાબી બાજુએ મનુષ્ય અને જીન્નોના વિદ્વાનો બેઠક લેતા હતા; અને બધી જાતના પક્ષીઓ પોતાના પીંછા એક બીજા સાથે ભેળવીને તખ્ત ઉપર છત્ર બનાવી દેતા હતા, એ તખ્ત ઉપર હ. સુલેમાન (અ.) જ્યારે બીરાજમાન થતા ત્યારે પોતાને વારસામાં મળેલી વીંટી પહેરતા અને ઈસ્મે આઝમના બળથી આપ પોતાની ઈચ્છા મુજબ હવામાં ગમે ત્યાં ઉડ્યન કરી શકતા હતા.
કુરઆને શરીફમાં જુદા જુદા સ્થળે હ. સુલેમાન (અ.)ની બાદશાહી અને કારકિર્દીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આપને યમન તરફ પીગળેલા તાંબાનો એક ચશ્મો ૫ણ મળી આવ્યો હતો, જેમાંથી મોટા મોટા વાસણો અને બીજી ઉપયોગી વસ્તુંઓ બનાવવામાં આવતી હતી. હ. સુલેમાન (અ.) દેવ, જીન્ન, માનવ તેમજ જાનવરોની દરેક ભાષા ઉપર કાબુ ધરાવતા હતા અને તેમના ઉપર હુકમ પણ ચલાવતા હતા. આપની પાસે જે વીંટી હતી તેમાં ‘ઈસ્મે આઝમ’ લખેલું હતું, જેની બરકતથી આપ જે કંઈ ઈચ્છતા તે ઉમ્મીદ પાર પડતી. આપના ઉડતા તખ્તની શોભા માટે ચમત્કારીક અને અજાયબીભર્યા અનેક વર્ણનો મળી આવે છે.
હ. સુલેમાન (અ) પાસે વિશાળ લશ્કર હતું અને તેને ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. એક પાયદળ પહાડી માણસોનું, બીજું ઈસરાઈલ અને તેમની સાથે સબંધ ધરાવતા અન્ય કબિલાના માણસોનું અને ત્રીજું ઘોડેસવારોનું બનેલું હતું કે જેની ઝડપી ચાલના કારણે તેને પક્ષીઓની ઉપમા આપવામા આવી હતી. આ લશ્કર સાથે હ. સુલેમાન (અ) એક વખત દક્ષિણ મીદીઅન તરફ જતા હતા ત્યારે માર્ગમાં પહાડો વચ્ચેની એક જગ્યા જે નમલની ખીણના નામે ઓળખાતી હતી, ત્યાંના રહેવાસીઓ હઝરતના લશ્કરની જાહોજલાલી જોઈ, પોતાના ઘરોમાં સંતાઈ ગયા. નમલ ખીણના અર્ધ જંગલી રહેવાસીઓ કે જેની સંખ્યા મોટી હતી છતાં તેઓ હઝરતને તાબે થયા. એ ઉપરથી હ. સુલેમાન (અ.)એ ખુદાના શુક્રાના સાથે દુઆ માંગી કે: “અય ખુદાવંદે કરીમ મને મદદ કર કે જેથી હું તને પસંદ પડે તેવા લોકકલ્યાણના કામો કરું.”
હ. સુલેમાન (અ.) સાથે કીડીઓના બાદશાહની મુલાકાત
(૨૩૬) એક દિવસ હ. સુલેમાન (અ.) પોતાના વઝીરે આઝમ આસિફ દેવ તથા અંગ રક્ષકો અને દૌલતમંદ શખ્સો સાથે તખ્ત ઉપર સ્વાર થઈ આકાશ માર્ગે ગમન કરી રહ્યા હતા, ત્યારે તેમના સાંભળવામાં એક અવાજ આવ્યો કે જેમાં ફિરસ્તાઓ ખુદાતઆલાની હુઝુરમાં તેમની બાદશાહી અને જાહોજલાલી માટે નિંદા કરતા હતા, જે ઉપરથી ખુદાતઆલાએ તેઓને ફરમાવ્યું કે, “મેં સુલેમાનને પયગમ્બરી અને બાદશાહી આપી છે પણ જો તેના દિલમાં એ માટે જરા પણ મોટાઈ આવી હોત તો, હું તેને હવા ઉપરથી જમીન ઉપર ફેંકી નાબુદ કરી દેત.” આ સાંભળી હઝરતે ખુદાની હુઝુરમાં સિજદો કરી એ કરીમો રહીમના શુક્રાના અદા કર્યા.
ત્યારબાદ હ. સુલેમાન (અ.)એ તખ્તને જમીન ઉપર ઉતરવા ફરમાવ્યું તે મુજબ હવાએ તખ્તને એક મેદાનમાં ઉતાર્યું કે, જ્યાં કીડીઓની વસ્તી હતી.
તખ્તને નીચે ઉતરતું જોઈ, કીડીઓના બાદશાહ શાહમોરે કીડીઓને કહ્યું કે, તમે સઘળા પોતાના દરોમાં ચાલ્યા જાઓ, કદાચ તમે હ. સુલેમાનના તખ્ત નીચે કચડાઈ જશો. હઝરત જીવ જંતુ જનાવર તમામની બોલી સમજતા હોવાથી શાહમોરનું કીડીઓ પ્રત્યેનું કહેવું સાંભળી આપે મનમાં હસતાં હસતાં કહ્યું કે, કીડીઓ ઉપર પણ બાદશાહ છે અને તે તેઓનું રક્ષણ કરે છે ત્યારબાદ હઝરતે શાહમોરને પકડી પોતાની હથેળી ઉપર મુકીને પુછ્યું કે, અય શાહમોર ! મારા તરફથી એેવો શું જુલ્મ થતો જોયો કે તેં પોતાના લશ્કરને દરોમાં છુપાઈ જવા કહ્યું ?
શાહમોરે અરજ કરી કે, અય નબિયુલ્લાહ ! મેં આપના તરફથી થતો કોઈ જુલ્મ જોયો નથી, છતાં તેઓને મેં એટલા માટે તાકીદ કરી કે, કદાચ અજાણતાએ કોઈ કીડી ચગદાઈ જાય નહિ. હ. સુલેમાને કહ્યું કે, આવી રીતે તું તેમની ફીકર હમેંશા કર્યા કરે છે ? તેણે કહ્યું, અલ્લાહે મને તેઓના ઉપર બાદશાહી બક્ષી છે, એટલે તેમની ફીકર કરવી મારા ઉપર લાજમ અને વાજબ બની જાય છે, એટલુંજ નહિ ૫ણ કોઈ કીડી મરી જાય તો હું તેને ઉપાડી દર સુધી પહોંચાડી દઉં છું. હઝરતે કહ્યું કે તારી પાસે કેટલી કીડીઓ છે ? શાહમોરે કહ્યું કે, મારી પાસે ચાલીસ હજાર હુજુરીયાઓ છે, ને પ્રત્યેક હુજુરીયાઓ પાસે ચાલીસ હજાર ચોકીદાર છે. હઝરતે પુછ્યું કે, તારી સલ્તનત ઉત્તમ છે કે મારી ? શાહમોરે કહ્યું કે, મારી સલ્તનત ઉત્તમ છે કારણ કે તમારા તખ્તને હવા ઉડાડે છે અને તમે તખ્ત ઉપર બેસો છો ત્યારે તખ્ત તમને ઉપાડે છે, આટલો જ ફરક છે મારી તમારી બાદશાહીમાં.
(૨૩૭) હ. સુલેમાને હસતાં હસતાં કહ્યું કે, એ તું કેવી રીતે જાણી શક્યો ? શાહમોરે કહ્યું કે, ખુદાતઆલાએ અમારા જેવા અશકત જંતુઓને પણ કંઈક અક્કલ તો બક્ષી છે. જો પરવાનગી આપો તો થોડાક સવાલો આપને પુછું.
હઝરતે ફરમાવ્યું, ભલે જે પુછવું હોય તે પુછ.
શાહમોરે કહ્યું કે, ખુદાતઆલા પાસે તમે એવી માંગણી કરી હતી કે, “અય રબ્બુલ આલમીન મને માફ કર અને મને એવી બાદશાહી આપ કે, હવે પછી તું કોઈને પણ આપવાનો ન હોય. અને ખરેખર તું મહાન બક્ષીસ કરવાવાળો ઉદાર છે.” તમારી આવી માંગણીમાં હસદની ગંધ આવે છે કે જે એક પયગમ્બરમાં હોવી જોઈએ નહિ. ખુદા નુકતે નવાઝ છે, તે જેને ચાહે તેને બાદશાહી આપે, પણ મારા સિવાય કોઈને બાદશાહી નહિ આપજે, એમ કહેવું પયગમ્બરના દરજ્જાને છાજતું નથી.
આ સાંભળી હઝરત સહેજ નારાજ થયા, એ જોઈ શાહમોરે કહ્યું કે, અય હઝરત હક વાત છે માટે નારાજ થાઓ નહીં.
વળી ખુદાએ આપને વીંટી આપી છે. આપ જાણો છો તેનો ભેદ શું છે ? હઝરતે કહ્યું કે, હું નથી જાણતો. એટલે શાહમોરે કહ્યું કે, ખુદાતઆલાએ તમને જે સલ્તનત આપી છે ફક્ત એ વીંટીના એક હીરાની કિંમત બરાબર છે જેથી તમે સમજી શકો કે દુનિયા કોઈ વસ્તું નથી. વળી હવાને તમારા તાબામાં કરી અલ્લાહે તમને જાગૃત કર્યા છે કે, તમે વફાત બાદ સમજી શકો કે દુનિયા, મિસાલ હવા સિવાય બીજું કંઈ નથી. આ સાંભળી હઝરત બહુ જ રડ્યા અને કહ્યું કે, અય શાહમોર ! ખરેખર તું કહે છે તે ખરૂં જ કહે છે. ખરેખર દુનિયા હવા મિસાલ છે.
૫છી શાહમોરે કહ્યું કે, અય હઝરત ! સુલેમાન શબ્દની માયના એ છે કે, દુનિયા ઉપર દિલ લગાડો નહિં અને તેનો ભરોસો કરો નહિ કારણ કે, મૌત માથા ઉપર ભમી રહ્યું છે.
હ. સુલેમાન (અ) શાહમોરની મુખ્ય નસિહત સાંભળી લીધા બાદ ત્યાંથી રવાના થવાની તૈયારી કરવા લાગ્યા, ત્યારે શાહમોરે કહ્યું કે, અય હઝરત ! અમારી દાવત સ્વીકારો અને પછી જાઓ. હઝરતે ફરમાવ્યું કે, ઘણી ખુશીથી તમારી દાવત કબુલ કરૂં છું.
(૨૩૭/૨૩૮) ત્યારબાદ શાહમોરે, ટીડના પગની એક રાંગ લાવી હઝરત સામે મુકી, જે જોઈ હઝરત હસ્યા અને કહ્યું કે, અય શાહમોર ! તારા, મારા અને મારા આખા લશ્કરને માટે આટલો ખોરાક પુરો થશે ખરો ? જવાબમાં તેણે કહ્યું કે, રાંગને જરા જેટલી સમજો નહિ. અલ્લાહની કુદરત ઉપર ભરોસો રાખો. એની કુદરતનો પાર કોઈ પામી શકયું નથી, માટે તેની ઉપર કપડું ઢાંકી રાખી ખોરાક લ્યો. ખરેખર ખુદા બરકતદાર અને બુલંદ છે.
કહેવામાં આવ્યું છે કે, હ. સુલેમાન સહિત આપના લશ્કરે ખાણું લીધા પછી પણ રાંગનો કેટલોક ભાગ વધી પડ્યો હતો. એ જોઈ હઝરતે તાજુબી સાથે દરબારે ઈલાહીમાં માથું ઝુકાવી અરજ કરતાં કહ્યું કે, અય પરવરદિગાર ! તારી કુદરતનો પાર કોઈ પામી શકયું નથી. ખરેખર તું વખાણને પાત્ર છે.
હ. સુલેમાન (અ.) અને શાહઝાદી બીલકીશ
(૨૩૮) એક દિવસ હ. સુલેમાન (અ.) પોતાના તખ્ત ઉપર સ્વાર થઈ હવામા સફર કરવા નીકળ્યા હતા; હંમેશ મુજબ આપની સાથે રસાલાના તમામ માણસો, દેવો, જીન્નો તેમજ ચરીંદા, પરિંદા પણ સામેલ હતા. સફર દરમ્યાન બંદગીનો સમય થવાથી હઝરતે વઝુ કરવા માટે પાણી માગ્યું. પણ પાણી તૈયાર નહી હોવાથી, પોતા ઉપર છાયો કરી રહેલા પક્ષીઓ તરફ નજર કરી, ત્યારે આપને હુદહુદ નામનું પક્ષી દેખાયું નહિં. આ પક્ષીનું કામ પાણી શોધી કાઢવાનું હતું. તે એટલું બધું તુક્ષ્ણ દ્રષ્ટીવાળું હતું કે જમીનની નીચે જ્યાં જ્યાં પાણી હોય ત્યાં ત્યાં તે જોઈ શકતું. અને જીન્નો તે પક્ષી જે ઠેકાણે તેની ચાંચથી જમીન ઉપર નીશાની કરતું તે જગ્યા ખોદીને પાણી કાઢતા, તેથી હઝરતે “ઉકાબ” નામના પક્ષીને તેની તપાસ અર્થે મોકલ્યું, જેણે હુદહુદને હઝરત પાસે લાવી હાજર કર્યું.
(૨૩૮/૨૩૯) હુદહુદ હાજર થઈ, પોતાની ગેરહાજરીનું કારણ વિગતવાર રજુ કરતાં કહ્યું કે, અય હઝરત ! આપ જ્યારે સહેલ અર્થે તખ્ત ઉપર સ્વાર થયા, તે વખતે મેં મારી જાતના એક હુદહુદને બગીચાની દીવાલ ઉપર બેઠેલો જોયો અને તેની પાસે જઈને મેં પુછ્યું કે, તું કોણ છે ? અને ક્યાંથી આવ્યો છે ? તેણે કહ્યું કે, હું શહેર “શબા”થી આવ્યો છું અને ત્યાંનો વતની છું. ત્યાં “બીલકીશ” નામની સ્ત્રી રાજ્ય કરે છે, એ સ્ત્રીના તાબામાં દરેક કોમના ૧૨,૦૦૦ સરદારો છે અને દરેક સરદારના હાથ નીચે એક એક લાખ ઘોડેસ્વાર અને પાયદળ લશ્કર હંમેશા તૈયાર રહે છે. તે પક્ષીએ મને કહ્યું કે, તું મારી સાથે ચાલ હું તને એ બધું બતાવું મેં તેને અમારી ભાષામાં કહ્યું કે, મને મારા માલિક અને તેના લશ્કરથી છુટો પડતા ઘણો સમય થઈ ગયો છે. કદાચ તેમને પાણીની જરૂર પડશે તો તેઓ મારી શોધ કરશે અને ગેરહાજર જાણી મને સજા પણ કરશે.
(૨૩૯) અહીં એ જાણવું જરૂરનું છે કે, એ શાહઝાદીનું નામ ‘બીલકીશ' હતું. અને તે શરાહીલ બીન માલેકની એકની એક પુત્રી હતી. તેનો બાપ આખા ધમન પ્રાંતનો રાજા હતો. અને તેના બાપદાદાઓએ ચાલીશ વર્ષ રાજ્ય કર્યું હતું. તે રાજ્યને “સબા”નું રાજ્ય પણ કહેવામાં આવતું હતું અને તે ઘણું વિશાળ અને શક્તિશાળી રાજ્ય ગણાતું હતું. તેની રૈયતનો મોટો ભાગ સુર્ય, ચંદ્ર અને બીજા ગૃહોને પુજતો હતો. એ રાજ્યના રાજાના મૃત્યુ પછી તેની દીકરી ‘બીલકીશ’ રાજગાદી ઉપર આવી હતી. તેનામાં બુતપરસ્તી કરવા સિવાય બીજે કોઈપણ દુર્ગુણ નહોતો.
બાદ હુદહુદે કહ્યું કે, અય હઝરત ! મેં આપની હુઝુરમાં હાજર થવા માટે ઘણી ઈચ્છા કરી, પણ બીલકીશની ઘણી જ તારીફ અને શાનો શૌકત સાંભળી તેને જોવા માટે હું પેલા હુદહુદ સાથે “સબા” શહેર તરફ ગયો અને રાણી તથા તેના રાજ્યને જોયા જે ઘણા જ રોનકદાર છે. મેં એ પણ જાણી લીધું કે, ત્યાંની રાણી કુંવારી છે અને સુર્યની પુજા કરે છે.
હઝરતે ફરમાવ્યું કે, તેં કેમ જાણ્યું કે તેણી સૂર્યપુજક છે ?
હુદહુદે કહ્યું કે, અય હઝરત ! મેં રાણી બીલકીશને તેની પ્રજા ઉપર રાજ્ય કરતી જોઈ છે. ખુદાએ તેને પુષ્કળ ધનસંપત્તિ અને અપાર સૌંદર્ય બક્ષ્યું છે. તે ખુબ જ હુશ્નો જમાલ છે. તેનું તખ્ત સોના, રૂપા અને રત્નનું બનેલું છે. મેં તેને તથા તેની પ્રજાને ખુદાતઆલાને બદલે સૂર્યની પુજા કરતા પણ જોયા.
હુદહુદે કહેલી હકીક્ત સત્ય છે કે નહિ તેની ખાત્રી કરવા હ. સુલેમાન (અ.)એ એક પત્ર લખી તેના ઉપર પોતાની મહોર મારી રાણી બીલકીશને પહોંચાડવા, હુદહુદને આપ્યો. હુદહુદે તે પત્રને ચાંચમાં લઈ જઈ બીલકીશને પહોંચાડ્યો.
એવું કહેવામાં આવ્યું છે કે, જ્યારે પત્ર પક્ષીએ રાણીના ખોળામાં નાખ્યો, તે વખતે તેણીની આસપાસ તેના અમીરો બેઠા હતા. બીજા એક મત પ્રમાણે તેણી જ્યારે પોતાના મહેલના એક ઓરડામાં સઘળા દ્વારો બંધ કરીને બેઠી હતી, તે વખતે હુદહુદે બારી વાટે અંદર જઈ તે કાગળ તેને પહોંચાડ્યો, જેને બીલકીશે પોતાની કચેરીમાં લાવી, પોતાના અમલદારોનો અભિપ્રાય જાણવા તેઓને બોલાવ્યા.
(૨૪૦) સધળા ઉમરાવો, અમલદારો દરબારમાં એકઠા થયા, ત્યારે પત્રની હકીકત રજુ કરતા બીલકીશે કહ્યું કે, મારી ઉપર હ. સુલેમાનનો પત્ર આવ્યો છે. જેની શરૂઆત ‘બિસ્મીલ્લાહ હિર-રહેમાનિ રહીમ અર્થાત ખુદાના નામથી શરૂ કરૂ છું, જે મહેરબાન અને રહેમવાળો છે, થી કરવામાં આવી છે તે પત્રમાં હઝરત જણાવે છે કે, સૂર્ય પરસ્તી તજી એકેશ્વરવાદી બની જાઓ, હું ચાહુ છું કે, તમે મારૂં કહેવું કબુલ કરશો અને સામનો કરવાનો વિચાર કરશો નહિ. હું ઉમ્મીદ રાખું છું કે, મારો પત્ર મળતા તમે મારી રૂબરૂ આવી જશો. આખો પત્ર વાંચ્યા પછી અભિપ્રાય જાણવા બીલકીશે પુછ્યું કે :–
અય ઉમરાવો ! આ પત્રની હકીકત માટે તમારી શું સલાહ છે ?
જવાબમાં ઉમરાવો અને સરદારોએ કહ્યું કે, ફીકર કરવાની કંઈ જરૂર નથી, અમે કુવ્વતવાળા અને જબરદસ્ત લડવૈયા છીએ.
ત્યારે બીલકીશે કહ્યું કે, તમારો ખ્યાલ ઠીક છે, પણ જો હું સુલેમાનનો હુકમ માન્ય રાખીશ નહિ તો તે આપણી સલ્તનતને બરબાદ કરી નાખશે. તમારે સમજવું જોઈએ કે, જ્યારે જ્યારે રાજાઓ બીજાના મુલ્ક ઉપર ચડાઈ કરી ફતેહ મેળવે છે ત્યારે દુશ્મન રાજ્યમાં દાખલ થતા જ ત્યાંની પ્રજાને બરબાદ અને તેના સરદારોને બેઈજ્જત બનાવી મુકે છે તેથી મારો મત એે છે કે, જો સુલેમાન પયગમ્બર હોય તો તેની સામે લડવું હું મુનાશીબ ધારતી નથી; પણ તેમની અજમાયસ તો આપણે કરવી જ જોઈએ અને તેમની પરિક્ષા કરવા અર્થે તેમને એક તોહફો મોકલવા માંગુ છું. જો તેવણ ખરેખર પયગમ્બર હશે તો, એકેશ્વરવાદી સિવાયના પરધર્મીનો તોહફો તેઓ કદી પણ સ્વિકારશે નહિ.
આ સાંભળી વજીરો, ઉમરાવો અને દરબારીઓએ કહ્યું કે, તે માટે આપ મુખત્યાર છો. જેમ યોગ્ય લાગે તેમ કરી શકો છો.
ત્યારબાદ બીલકીશે જુદી જુદી જાતની અવનવી ભેટો કે જેમાં સોના, ચાંદીની ઈંટો અને કળામય જરીયન ભરતના સુંદર પડદાઓ, કસ્તુરી, અંબર અને એક રત્નજડિત મુગટ વિગેરે હતું તે નજરાણા તરીકે પોતાના એલચી મારફત હઝરત માટે મોકલી.
આ વખતે હ. સુલેમાન (અ.) તખ્ત ઉપર બેઠા હતા, દરમ્યાન હવાએ હુજુર પાસે આવીને કહ્યું કે, અય હઝરત ! બીલકીશનો એલચી આપની સેવામાં શાહઝાદી તરફથી ભેટ સોગાદો લઈ આવી રહ્યો છે.
(૨૪૧) ત્યારબાદ બીલકીશનો એલચી કુરનીશ બજાવી હ. સુલેમાન (અ.)ના મહેલમાં દાખલ થયો; પણ ત્યાંનો મહાન દબદબો જોઈ તે તાજુબ થયો અને પોતાના મનમાં કહેવા લાગ્યો કે, શાહઝાદીએ મોકલેલી ભેટો હઝરતની શાનોશૌકત પાસે કંઈપણ વિસાતમાં નથી. બાદ તેણે શાહઝાદી વતી હઝરતની હુજુરમાં નજરાણું પેશ કર્યું; જે જોઈ હ. સુલેમાન (અ)મે તેને કહ્યું કે, શું આ નજરાણું મારા માટે લાવ્યા છો ? મારા માલિકે મને ઘણું બધું આપ્યું છે અને તે મારા માટે પુરતું છે, માટે લાવેલો તોહફો પાછા લઈ જાઓ, અને તેનાથી તમે ખુશ રહો. ઉપરાંત મારા તરફથી તમારી શાહઝાદીને કહેજો કે, હવે અમે એવું લશ્કર મોકલવાના છીએ, જેનો સામનો તમે કરી શકશો નહિ. બલ્કે હયરાન પરેશાન થઈ જશો. એ સાંભળી બીલકીશનો વકીલ તોહફા સાથે પોતાના મુલ્ક તરફ રવાના થઈ ગયો.
બીલકીશનો પ્રતિનિધિ પોતાને વતને આવી હઝરતે કહેલો સંદેશો શાહઝાદીને સંભળાવ્યો. ઉપરાંત હ. સુલેમાન (અ)ની બાદશાહી અને પયગમ્બરીની પણ તારીફ કરી. તે સાંભળી બીલકીશે કહ્યું કે, એ બધું ખરું ! પણ પયગમ્બર હોવાની નિશાની મોજીજો ગણાય છે એથી જ્યારે હ. સુલેમાન અમને મોજીજો દેખાડશે, ત્યારે અમે ઈમાન લાવી એકેશ્વરવાદી બનશું.
હ. સુલેમાન (અ.) પયગમ્બર છે કે નહિ, તેની ખાત્રી કરવા બીલકીશ તૈયારી કરવા લાગી.
પ્રથમ પરિક્ષા તરીકે તેણીએ મળતા ચહેરાના એકસો ગુલામ અને દાસીઓ વીણી કાઢી, તેઓને એકજ જાતનો પોશાક પહેરાવ્યો.
બીજી પરિક્ષા તરીકે તેણીએ છિદ્ર વિનાનું મોતી કાઢ્યું.
ત્રીજી પરિક્ષા તરીકે તેણીએ થોડીક ગર્ભવતી અને ગર્ભ વિનાની ઘોડીઓ ભેગી કરી.
અને ચોથી પરિક્ષા તરીકે તેણીએ એક ખાલી શીશો તૈયાર કર્યો.
એ મુજબ હઝરતની પરિક્ષા માટે તેણીએ ચાર ચીજો તૈયાર કરી, પોતાના પ્રતિનિધિને સુચના આપતા કહ્યું કે, હ. સુલેમાનના દરબારમાં ચારે ચીજો પેશ કરજો અને વિનંતી સાથે કહેજો કે :-
એક સરખા વસ્ત્રધારીઓમાંથી ગુલામ અને દાસીઓને જુદી તારવી આપો.
(૨૪૨) આ મોતીમાં લોઢાના કોઈપણ ઓજારની મદદ વગર વીંધ પાડી આપો. ઘોડીઓમાંથી ગર્ભવતી તેમજ ગર્ભવિનાની જુદી જુદી કરી આપો.
અને શીશાને એવા પાણીથી ભરી આપો કે જે આસમાનથી વર્ષેલું કે જમીનમાંથી નીકળેલું ન હોય.
એમ કહી બીલકીશે તેને તાકીદ કરતાં કહ્યું કે: આનું પરિણામ શું આવે છે તેના સમાચાર ઉતાવળે લઈ ચાલ્યા આવજો.
અહિં બીલકીશ એ બધી તૈયારી કરી રહી હતી, ત્યારે હવા દ્વારા એલચી આવવાના સમાચાર, હ. સુલેમાન (અ.)ને તેના રવાના થવા અગાઉ મળી ચુક્યા હતા. તેથી હઝરતે ચૌદ ગાઉમાં પથરાયેલ એક વિશાળ મેદાન ફરતી સોના, રૂપાની ઈંટોવાળી જંગી દિવાલ બાંધવાનો હુકમ કર્યો. અને તેમાં કિંમતી ગાલીચાઓ પથરાવ્યા, તે ઉપરાંત ઈન્સાનો, જીન્નો, પશુ અને પક્ષીઓવાળું પોતાનું લશ્કર પણ તેમાં ગોઠવ્યું.
ટૂંક મુદત બાદ સફર કરતો બીલકીશનો એલચી આપની મુલાકાતે આવી પહોંચ્યો. જેણે શાહઝાદીની સુચના અનુસાર સાથે લાવેલી ચારે ચીજો હઝરતની હુઝુરમાં પેશ કરી અને ખુલાસા આપવાની અરજ ગુજારી.
હ. સુલેમાન (અ)એ પ્રથમ મોજીઝા તરીકે, ગુલામો અને દાસીઓને તેઓની પાણી લેવાની રીતભાત ઉપરથી ઓળખીને જુદા જુદા કર્યા. (કારણ કે હાથ તથા ચહેરો ધોવા માટે પાણી લેતી વખતે દાસીઓએ એક હાથમાંથી બીજા હાથ ઉપર તે રેડ્યું હતું અને જે ગુલામો હતા તેઓએ પોતાના આખા હાથો ધાયા હતા.)
બીજા મોજીઝા તરીકે, હ. સુલેમાન (અ)એ એક કીડાને મોતીમાં છીદ્ર કરવાનો હુકમ કરતા, કીડાએ મોતીમાં વીંધ કરી આપ્યું.
ત્રીજા મોજીઝા તરીકે, હઝરતે ઘોડીઓની સામે દાણા તથા ઘાસ મુકાવ્યા, ત્યારે અમુક ઘોડીઓએ તરત જ દાણામાં મોઢું નાખ્યું, જ્યારે બાકીની ઘોડીઓએ જરા રહીને મોઢું નાખ્યું. એ ઉપરથી હ. સુલેમાન (અ.)એ ફરમાવ્યું કે, જે ઘોડીઓએ તરતજ દાણામાં મોઢું નાખ્યું તે ગર્ભવતી છે અને બાકીની ગર્ભ રહીત છે.
છેલ્લો અને ચોથો મોજીઝો કરતાં હ. સુલેમાન (અ.)એ ફરમાવ્યું કે, ઘોડીઓને ખુબ દોડાવો અને તેના પસીનાથી ખાલી શીશો ભરી આપો.
(૨૪૩) એ મુજબ મોજીઝા પુર્ણ થયા પછી હ. સુલેમાને બીલકીશના પ્રતિનિધિને કેટલીક ભેટ સોગાદો આપવા ઉપરાંત તેણીના ચાર સવાલોના ઉપર મુજબ જવાબો આપી, તેમને તેમના વતન તરફ રવાના કર્યા.
બીલકીશનો એલચી પોતાના વતને પાછા ફર્યા પછી શાહઝાદીને બનેલી સઘળી હકીકત કહી સંભળાવી. એ સાંભળી તેણીએ આપને તાબે થવાનો સંકલ્પ કર્યો અને હ. સુલેમાનની હુઝુરમાં જવા માટે સફરની તૈયારી કરવાનો હુકમ આપ્યો અને પોતાનું તખ્ત તથા સઘળો ખજાનો એક મજબુત કિલ્લામાં મુકાવી તેના ઉપર તાળું માર્યું અને તે ઉપર મજબુત ચોકી પહેરો ગોઠવ્યો; જે બાદ તેણી મોટી ફૌજ સાથે પોતાના વતનથી રવાના થઈ.
દરમ્યાન હવાએ હ. સુલેમાન (અ)ને ખબર આપી કે, શહેર સબાની શાહઝાદી આપની મુલાકાતે આવી રહી છે. જીન્નો આ હકીકત સાંભળી ગભરાટમાં પડી પોતા પોતામાં કહેવા લાગ્યા કે, બીલકીશ હુશ્ને જમાલ હોવાથી તેણી હુઝુરમાં આવતા જ, હઝરત તેની સાથે શાદી કરશે. વળી બીલકીશ આ૫ણા છુપા ભેદો જાણે છે તે હઝરતને કહી દેશે. એવા ખ્યાલથી જીન્નોમાંથી કેટલાકો તેણીની વિરૂધ્ધતા કરવા હઝરતને કહ્યું કે, બીલકીશમાં બુધ્ધિનો અભાવ છે કારણ કે તે પરીઓની પેદાશમાંથી છે. ઉપરાંત તેના પગની પીંડલી ઉપર ઘણા વાળ છે.
જીન્નોનું કહેવું ખરૂં છે કે નહિ, તેની ખાત્રી કરવા હ. સુલેમાને બીલકીશ આવ્યા પહેલા તેના પગના નિરિક્ષણ અર્થે મહેલમાં દાખલ થવાના તેણીના માર્ગ વચ્ચે એક હૌજ બનાવી તેમાં હિકમતથી બનાવેલી તરેહ તરેહની માછલીઓ મુકાવી અને તેના ઉપર કાચનો પુલ બંધાવ્યો કે જેથી બિલકીશ ત્યાં આવતાં જ તેને પાણી સમજી વીમાસણમાં પડી જાય અને પાણીથી બચવા પીંડલી પરનું વસ્ત્ર ઉચું કરે, એટલે તેના પગના વાળ જાહેર થઈ જાય.
ઉપરાંત તેણીની બુધ્ધિની પરિક્ષા અર્થે હ. સુલેમાને પોતાના ઉમરાવોને ફરમાવ્યું કે, તમારામાં કોઈ એેવો છે કે બીલકીશ આવીને ઈમાન લાવે તે પહેલા તેનું તખ્ત મારી પાસે લાવી આપે ! જીન્નોમાંથી એકે કહ્યું કે, યા હઝરત ! આપને તખ્ત ઉપરથી ઉભા થતા જેટલો સમય લાગે, માત્ર તેટલાજ સમયમાં હું હાજર કરવા શક્તિમાન છું. તરતજ આસિફ બીન બરખીયા જે હઝરતનો વઝીર હતો તેણે કહ્યું કે, ત્યાં હઝરત ! હું એનાથી પણ જલ્દી યાને આંખના પલકારામાં ઈલ્મે કિતાબ યાને ઈસ્મે આઝમની તાકાતથી તખ્તને હાજર કરીશ અને જોતજોતામાં આસિફે ઈસ્મે આઝમની બરકતથી તખ્તને હઝરત સમક્ષ લાવી મુક્યું.
(૨૪૪) તખ્તને જોઈ હઝરતે ફરમાવ્યું કે, બીલકીશના તખ્તનું રૂપાંતર કરી નાખો. કારણ કે હું એ જાણવા માંગું છું કે, બીલકીશ પોતાની અક્કલથી તેને ઓળખી શકે છે કે નહિ ?
જ્યારે બીલકીશ હ. સુલેમાનની મુલાકાત માટે આપના મહેલમાં દાખલ થઈ અને પુલ પાસે આવી ત્યારે કાચના પુલને પાણી સમજી પાણીથી બચવા તેણીએ પોતાનો જામો ઉંચો કર્યો, જે જોતા તેણીની પીંડલી ઉપર વાળ નહિ જણાતા, હઝરતને જીન્નોએ કહેલી વાત ખોટી જણાઈ.
બાદ તેણી હ. સુલેમાનની હુજુરમાં જવા ત્યાંથી આગળ વધી અને ત્યાં પડેલું પોતાનું તખ્ત તેણીએ એાળખી લીધું. એથી હઝરતને ખાત્રી થઈ કે બીલકીશ અક્કલમંદ છે.
બીલકીશે હઝરત સાથે મઝહબી ઘણી ચર્ચા કરી અને તેથી સંતોષ પામતા પોતે બુતપરસ્તી તજી “લાઈલાહા ઈલલ્લાહ સુલેમાન નબીયુલ્લાહ”નો કલમો પડી દીનમાં દાખલ થઈ. તે બાદ તેણી હ. સુલેમાન (અ.)ની સાથે શાદીની પવિત્ર ગાંઠથી જોડાઈ.
એક દિવસ બિલકીશે હઝરતને અરજ કરતાં કહ્યું કે, યા નબીયુલ્લાહ ! આપ દરરોજ તખ્ત ઉપર સહેલ કરો છો. હું પણ તમારી સાથે ફલાણા ટાપુ તરફ સહેલ કરવા અને અવનવા આકર્ષક દેખાવો જોવાની ઉમ્મીદ રાખું છું. એથી હ. સુલેમાન (અ.)એ પોતાના રસાલા સાથે બીલકીશને પણ સાથે લઈ હવાને તે ટાપુ તરફ લઈ જવા હુકમ કર્યો. આપનું તખ્ત જ્યારે સમુદ્ર ઉપરથી પસાર થઈ રહયુ હતું ત્યારે દરિયાઈ ઘોડા તખ્તને જોઈ દુર દુર ઉડી ગયા. ઘોડાઓને મેળવવા હઝરતે જીન્નોને હુકમ કરતા કહ્યું કે, પક્ષી માફક ઉડી ગયેલા એ પાંખવાળા ઘોડાઓને પકડી મારી પાસે હાજર કરો. જીન્નોએ કહ્યું કે, તેઓને અમે પકડી શક્તા નથી પણ અમને ઉમ્મીદ છે કે સમધુન નામનો દેવ જે આપનો વિરોધી બની મોટા મહાસાગરમાં ભરાઈ બેઠો છે તે ઘોડાઓને પકડી લાવશે, અગર હુઝુરનો હુકમ હોય તો સમધુનને પકડી લાવીએ. હઝરતે તેને પકડી લાવવા હુકમ કર્યો, જેથી જીન્નોએ સમધુન દેવને પકડી હઝરત સમક્ષ હાજર કર્યો.
(૨૪૪/૨૪૫) સમધુન દેવ આપને જોઈ કંપવા લાગ્યો. કારણ કે તે હ. સુલેમાન સાથે દુશ્મની રાખતો હતો. હવે પોતાને સજા મળશે એવા ભયથી તેણે બીતા બીતા વિનંતીપુર્વક કહ્યું કે, યા નબીયુલ્લાહ ! મને ક્ષમા કરો અને જે કંઈ હુકમ હોય તે ફરમાવો જે હું બજાવી લાવવા તૈયાર છું. હઝરતે ફરમાવ્યું કે, દરિયાઈ પાંખવાળા ઘોડાઓને પકડી મારી સમક્ષ હાજર કર.
સમધુને અરજ કરતા કહ્યું કે, યા હઝરત ! ઘોડાઓ અમુક ચશ્મામાંથી પાણી પીવે છે. જે થોડાક જીન્નોને મારી મદદે આપશો તો હું તે ઘોડાઓને પકડી લાવીશ. હઝરતે થોડાક જીન્નોને સમધુન સાથે મોકલાવ્યા, જેની મદદથી તેણે ૪૦ ઘોડા પકડી હઝરત સામે રજુ કર્યા, તેથી ખુશી થઈ આપે સમધુનને માફી આપી અને પોતાનો હુજુરીયો બનાવ્યો.
ઘોડા દેખાવે ઘણાજ સુંદર હોવાથી તેને જોવામાં હઝરત તલ્લીન બની ગયા. તે દરમ્યાન મગરીબની બંદગીનો સમય થઈ ગયો, જેનો ખ્યાલ આપને રહ્યો નહી.
ખુદાના હુકમથી તે વખતે હ. જીબ્રાઈલે આવી આપને કહ્યું કે, યા હઝરત ! દુનિયાના માલમાં તમે એટલા બધા મશગુલ થઈ ગયા છો કે, મગરીબની બંદગી કરવાનું પણ ભુલી ગયા.
પયગામે ઈલાહી સાંભળી હઝરતે સિઝદામાં માથું નમાવી અસ્તફગાર કહી ઝાર ઝાર રડતા કહ્યું કે, ખરેખર હું મારા રબની યાદને ભુલી ગયો અને માલની મહોબ્બતમાં એટલો બધો ગીરફ્તાર થઈ ગયો કે, સૂર્ય પણ અસ્ત થઈ ગયો.
રીવાયત છે કે, હ. સુલેમાનની ગીરીયાઝારી ઉપરથી ખુદાતઆલાએ હઝરત મગરીબની બન્દગી ગુજારી લે ત્યાં સુધી સૂર્યને ડુબતો થંભાવી દીધો.
કહેવામાં આવ્યું છે કે, સાંજની બંદગી ગુજાર્યા બાદ હઝરતે ઘોડાઓની પાંખ કપાવી નાખી. એની નસલમાંથી તેજી (ગાઝી) ઘોડાઓની પેદાશ થઈ છે.
યા અલી મદદ
