અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૧૯
રેકોર્ડીંગ - ૧૯
હઝરત સુલેમાન (અ.)ની સીદુન શહેર ઉપર ચડાઈ
(પેજ-૨૪૫/૨૪૬) એક દિવસ હ. સુલેમાન (અ.)એ સમધુન દેવને પુછયું કે, તારા જોવામાં કોઈ એવી ચીજ આવી છે કે જે અજાયબીથી ભરપુર હોય ? તેણે કહ્યું કે, પશ્ચિમ સમુદ્ર તરફ એક ટાપુ આવેલો છે અને તે ટાપુની અંદર એક મોટું શહેર છે; જેની ચારે બાજુ બહુજ મજબુત વિશાળ દિવાલ ચણી લેવામાં આવી છે અને તેની અંદર બાર મિનારા ઉભા કરવામાં આવ્યા છે. દરેક મિનારા ઉપર ધ્વજ ફરક્યા કરે છે અને તેમાં એક નગારૂં રાખવામાં આવ્યું છે. તે શહેરની વચ્ચોવચ્ચ એક જંગી મેદાન છે, જેમાં સંગેમરમરનો એક આલીશાન મહેલ છે જેના ઉંચા મિનારા ઉપર બે સિંહો અને તેની ટોચ ઉપર એક મુરઘો અને કેટલીક તીલસ્મી સુરતો ૫ણ ગોઠવવામાં આવી છે. જે સઘળી અજાયબીથી ભરપુર છે. એક વખત હું તે મકાનની નજીક ગયો અને મેં જોયું કે એક મોટા તખ્ત ઉપર એક પરી પોતાની ખુબસુરત પુત્રીને ગોદમાં લઈને બેઠી છે અને તેની તહેનાતમાં ચાર હજાર ખુબસુરત દાસીઓ ઉભેલી છે.
(૨૪૬) મેં જોયું કે, થોડીકવાર પછી તે પરી પોતાની પુત્રી સાથે મહેલના બીજા ઓરડામાં ચાલી ગઈ. આ વખતે તક મળતાં મેં એક દાસીને પુછયું કે, આ શહેરનું નામ શું છે અને આ પરી અને તેની પુત્રી કોણ છે ?
દાસીએ આશ્ચર્ય પામી કહ્યું કે, તમે કેાઈ પરદેશી જણાવ છો ! હું તો હમણા સુધી એમ જ સમજતી હતી કે, દુનિયામાં અમારા સીવાય બીજો કોઈ મુલ્ક કે મખલુકાત જેવું કંઈ છે જ નહિં. એમ કહી તેણીએ વધારે માહિતી આપતા કહ્યું કે, આ શહેરનું નામ સીદુન છે. એ પરી તે અમારા બાદશાહની રાણી છે અને ગોદમાં બેઠેલી બાદશાહની શાહઝાદી છે.
તે બાદ તેણે મિનારા તરફ અંગુલી નિર્દેશ કરતાં કહ્યું કે, આ મિનારા ઉપર જે તિલસ્મી સુરતો છે તે રાખવાનું કારણ એ છે કે, કદી કોઈ દુશ્મન અમારા મુલ્ક ઉપર ચઢી આવે તો તરતજ એ સુરતો અમને અવાજ આપી ચડાઈ લાવનારની ખબર આપે છે અને એ સાંભળી અમે સૌ સાથે મળી આવનારાઓને મૌતના ઘાટે ધકેલી દઈએ છીએ.
પેલા મુરઘા (કુકડા)નું કામ અમારી પુજાનો સમય થતા બાંગ પુકારવાનું છે; એ બાંગ સાંભળી અમે અમારા બાદશાહની પુજા કરીએ છીએ. ક્યારેક અમારા લોકોમાં ટંટો ફીસાદ ઉપસ્થિત થાય તો અમારો બાદશાહ અમને પેલા બાંધી રાખેલા સિંહો પાસે મોકલી આપે છે અને સિંહ તિલસ્મી તાસીરથી જે ગુનેગાર હોય, તેને ફાડીને મારી નાખે છે, એથી અમે સૌ ગુના કરવાથી દુર રહીએ છીએ.
(૨૪૬/૨૪૭) હ. સુલેમાન (અ.)એ સમધુન દેવ પાસેથી શહેર સીદુનની એ મુજબ હકીકત સાંભળી પોતાના લશ્કરને તે મુલ્ક ઉપર ચઢાઈ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો. હુકમ અનુસાર પરીઓ અને જીન્નો વગેરે તમામ લશ્કર તખ્ત ઉપર હાજર થઈ ગયું. ત્યારબાદ હઝરતના તખ્તને આકાશ માર્ગે હવા શહેર સીદુન તરફ લઈ આવતી જોઈ સીદુન શહેરના જાદુઈ નગારા ગડગડાટ કરવા લાગ્યા; જેને સાંભળતાં જ ત્યાંની પ્રજા ભયભીત બની અહીંતહીં જોવા લાગી. તેમની નજરે જંગી લશ્કર સાથેનું એક તખ્ત પોતાના મુલ્ક તરફ આવતું દ્રષ્ટિએ પડ્યું. હવાએ જેવું તખ્તને ત્યાં ઉતાર્યું કે, તરત જ દુશ્મનોએ સામનો આરંભ્યો અને બન્ને લશ્કરો વચ્ચે ખુનખાર યુધ્ધ જામ્યું. પરિણામે સીદુનની ફૌજ હારી ગઈ. એ ઉપરથી સીદુનનો બાદશાહ અનકબુત પોતે હ. સુલેમાન સામે લડવા આવ્યો. બન્ને વચ્ચે દારૂણ યુધ્ધ થયું. છેવટે હઝરતે તેનું માથુ ઉડાડી દીધું અને સીદુન શહેરને સર કર્યું ત્યારબાદ હ. સુલેમાન સીદુનની શાહઝાદી અને તેની ચાર હજાર દાસીઓ અને પોતાના રસાલા સહીત તખ્ત ઉપર સવાર થઈ ત્યાંથી પોતાના મુલ્ક તરફ આવવા રવાના થયા.
હઝરત સુલેમાન (અ.) ઉપર બલા - વીંટી ગુમાવવી.
(૨૪૭) હ. સુલેમાન (અ.)એ સીદુન શહેર ફતેહ કરી લીધા પછી તખ્ત ઉપર સવાર થઈ પાછા ફરતા, રસ્તામાં શાહઝાદીને આપે કહ્યું કે, તમે વશહદુઅન લા શરીક ખુદાતઆલા ઉપર ઈમાન લાવી સત્યપંથ ગ્રહણ કરો. શાહઝાદીએ કહ્યું કે, આપ જ્યારે મને મારા પિતાની મુલાકાત કરાવશો ત્યારે હું દીનદાર બનીશ. હઝરતે કહ્યું કે, તમારા પિતાને તો મેં મારી નાખેલ છે. હવે તેને કેમ જોઈ શકશો ? પણ તેના અતીશય આગ્રહને વશ થઈ હઝરતે તેના પિતાનું માથું લાવી તેણીને દેખાડ્યું કે, જેની આંખો તીડો ફોલીને ખાઈ ગયા હતા. પોતાના પિતાની ખોપરીની આવી ભયંકર હાલત જોતા જ શાહઝાદી મુર્છિત થઈ ગઈ. પણ જ્યારે શુધ્ધિમાં આવી ત્યારે ઘણી જ દિલગીરી અને ગમ સાથે આજીજી કરવા લાગી. એથી હઝરતે તેને ખુબ આશ્વાસન આપી સબર અખત્યાર કરવા ફરમાવ્યું જે બાદ તેણી ઈમાન લાવી દીનમાં દાખલ થઈ. ત્યારબાદ હઝરતે તેની સાથે શાદી કરી.
છતાં પણ તેણી હંમેશાં બેચેન અને દિલગીર રહ્યા કરતી હતી, તેથી હઝરતે આ પ્રમાણે ગમગીન રહેવાનું કારણ પુછ્યું. જવાબમાં તેણીએ કહ્યું કે, મને મારા પિતા ઉપર અનહદ મહોબ્બત હતી અને તેને જોયા વગર હું રહી શક્તી નથી. તે ઉપરથી હઝરતે કહ્યું કે, જેની હસ્તી જગતમાં નથી તેને કેમ જોઈ કે મેળવી શકાય ? ત્યારે તેણીએ કહ્યું કે, જો આપ મંજુરી આપો તો શિલ્પી પાસે મારા પિતાની મુર્તિ તૈયાર કરાવી તેને જોઈને હું સંતોષ મેળવું. એ ઉપરથી હઝરતે, તેણી પોતાના પિતાની મુર્તિની પુજા નહિ કરે એ શરતે એમ કરવાની રજા આપી, પણ મૂર્તિ તૈયાર થયા પછી તેણીએ આપેલા વચનનો ભંગ કરી, છુપી રીતે તેની પુજા કરવા લાગી.
(૨૪૮) કહેવાય છે કે, અનકબુતની શાહઝાદીએ હ. સુલેમાન (અ.)ને કહ્યું કે, મારી ઈચ્છા છે કે, એકાદ તીડની કુરબાની કરૂં. હઝરતે કહ્યું કે, તીડ કરતાં ઉંટની કુરબાની ઉત્તમ અને સવાબરૂપ ગણાય છે; પણ તેણીએ કહ્યું કે, મારી ઈચ્છા તો તીડને ઝબેહ કરવાની છે. તેની એ માંગણીનું મુળ કારણ એ હતું કે, તીડો તેના પિતાની આંખો ફોલીને ખાઈ ગયા હતા, તેથી તીડો ઉપર એ વેર વાળવા ઈચ્છતી હતી. હઝરતને એ બાબતની ખબર નહિ હોવાથી તેમણે તીડની કુરબાની કરવા મંજુરી આપી. આ પ્રમાણે તેણીએ એક ગુનો મઝહબ વિરૂધ્ધ ગુપ્તપણે મુર્તિ પુજા કરીને અને બીજો ગુનો નિર્દોષ તીડને કતલ કરીને એમ બે ગુનાના કામ કર્યા. એવું કહેવામાં આવ્યું છે કે, તેણીએ શા માટે પોતાના પિતાની મુર્તિ પોતા પાસે રાખી છે અને તીડની કુરબાની શા માટે કરે છે ? તેનો વિચાર કે હકીકતની તપાસ કર્યા વિના એ મુજબની રજા હઝરતે આપવાથી આપના ઉપર બલા આવી પડી હતી. એ બલા સંબંધી હકીકત એમ છે કે :-
હ. સુલેમાન (અ.) પાસે ઈસ્મે આઝમ લખેલી વીંટી હતી. આપ જ્યારે કુદરતી હાજતે જતા ત્યારે તે વીંટી પોતાની વિશ્વાસુ દાસી અમીનાને સોંપી જતા હતા. એક દિવસ રાબેતા મુજબ દાસીને વીંટી આપી આપ હાજતે ગયા. દરમિયાન સુખરા નામના એક દેવે જાદુઈ શકિતથી પોતાનો ચહેરો હઝરત જેવો બનાવી, દાસી પાસેથી વીંટી માંગી અને દાસીએ તેને હ. સુલેમાન સમજી વીંટી આપી દીધી. સુખરા દેવ તેને આંગળીમાં પહેરી તખ્ત ઉપર જઈ બેઠો. દેવ, પરી અને સઘળા તેને હ. સુલેમાન સમજી ખીઝમતમાં હાજર થઈ ગયા.
થોડીવાર પછી હ. સુલેમાન (અ.)એ હાજતથી પરવારી દાસી પાસે આવી વીંટીની માંગણી કરી, ત્યારે દાસીએ કહ્યું કે, તે તો હ. સુલેમાન લઈ ગયા. તમે કોણ છો ? પોતેજ સુલેમાન છે એમ હઝરતે તેણીને ઘણું ઘણું કહ્યું, પણ દાસી માની નહીં. ત્યારબાદ હઝરત તખ્ત પાસે ગયા અને સુખરા દેવને હુકમો કરતો જોઈ કહ્યું કે સુલેમાન બીન દાઉદ હું છું; છતાં કોઈએ તેમની વાત માની નહીં અને તેમને દીવાના ગણી ત્યાંથી કાઢી મુક્યા.
આથી આપ બેચેન બની બૈતુલ મુકદશની ઈબાદતગાહમાં જઈ લાગલગાટ ત્રણ દિવસ સુધી અન્ન લીધા વગર દરબારે ઈલાહીમાં સિજદામાં પડી રડતા રહ્યા.
(૨૪૮/૨૪૯) છેવટે ભુખના દુઃખથી મુક્ત થવા, આપ મસ્જિદમાંથી બહાર આવી ઈસરાઈલીઓના ઘર તરફ ગયા, પણ કોઈએ આપની જરાએ દરકાર કરી નહિં; તેથી નિરાશ થઈ પાછા શહેર તરફ આવ્યા અને કાંઈ કામ ધંધો કરી પોતાનું ગુજરાન કરવાનો ઈરાદો કર્યો. તેમણે ઘણી કોશીષ કરી પણ ક્યાંય મેળ પડ્યો નહિ, છેવટે ભુખ્યા પેટે આપ સમુદ્ર કિનારે ગયા કે જ્યાં માછીમારની વસ્તી હતી. આપે એક માછીમારને કહ્યું કે, મને નોકરી ઉપર રાખો અને તેના બદલામાં યોગ્ય લાગે તે આપજો. માછીમારે કહ્યું કે, રોજ બે માછલી આપીશ. જે કબુલ કરી હઝરત તેની પાસે નોકરીએ રહ્યા. તે દિવસે આપને મહેનતાણામાં બે માછલી મળી, જેમાંથી એક મચ્છીની બજારમાંથી રોટલી લઈ આવ્યા અને બીજી માછલી સેકી તેને રોટલી સાથે ખાઈ અલ્લાહનો શુક્ર અદા કર્યો. આમ ૪૦ દિવસ વ્યતીત થઈ ગયા.
(૨૪૯) ઈસ્મે આઝમવાળી વીંટી પહેરી સુખરા દેવે હ. સુલેમાનના તખ્ત ઉપર બેસી ૪૦ દિવસ સુધી રાજ્ય કર્યું. તે દરમિયાન રાજ્યના કર્મચારીઓ, પરીઓ વગેરેને તેની રીતભાત અને સ્વભાવ ઉપરથી શંકા ઉત્પન્ન થતા તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, તે હ. સુલેમાન નહિ પણ કોઈ દેવ હોવો જોઈએ.
રાજ્ય કર્મચારીઓમાં સૌથી વિદ્વાન અને બાહેશ આસિફ બીન બરખિયા હઝરતનો વજીરે આઝમ હતો. તે પણ એવીજ શંકાકુશંકામાં મુંઝાઈ પડ્યો હતો અને અનુકુળ સમયની રાહ જોઈ રહ્યો હતો. અનાયાસે તેને જોઈતો મોકો મળતા તે ગુપ્ત રીતે હઝરત સુલેમાનની બીબીઓ પાસે જઈ પહોંચ્યો અને પુછ્યું કે, હઝરત અહિં આવે છે કે નહિં ? બીબીઓએ કહ્યું કે, આજે ચાલીસ દિવસ થયા હઝરત અહિં આવ્યા નથી. ત્યારબાદ હઝરત વિષે તેણે અમીના દાસીને પુછ્યું. દાસીએ જવાબમાં કહ્યું કે, ૪૦ દિવસ થયા હઝરત આવતા નથી ને વીંટી આપતા નથી.
આથી વઝીરની શંકા દ્રઢ થઈ; તેને લાગ્યું કે, આ બાબતમાં જરૂર કંઈક ભેદ સમાયેલો છે. એટલે તેણે પોતાની શંકાનું સમાધાન કરવા અને સત્ય શું છે તે જાણવા એમ નક્કી કર્યું કે, આલીમો પાસે “તૌરેત” કિતાબનું વાંચન કરાવવું કે જેથી કિતાબના ઈલ્મના બળે જે સત્ય હશે તે આપોઆ૫ જાહેર થઈ જશે.
(૨૪૯/૨૫૦) આલિમોએ જેવું તૌરેતનું વાંચન શરૂ કર્યું કે, તરતજ પાક કલામોની બરકતથી સુખરા દેવ તખ્ત ઉપર બેચેની અનુભવવા લાગ્યો અને તેની અકળામણ હદ ઉપરાંત વધી ગઈ અને તખ્ત ઉપર બેસવું તેના માટે મુશ્કેલ થઈ પડ્યું. છેવટે તે તખ્તથી ઉતરી સમુદ્ર કિનારે જઈ આરામ લેવા બેઠો. ત્યાં પણ તે આરામનો દમ લઈ શક્યો નહિ, કારણ કે તેનું પાપ તેને ડંખી રહ્યું હતું. પોતાના કર્તુકથી તે અજાણ નહોતો, વળી વીંટીની અસર તેને જંપી બેસવા દે તેમ નહોતી. આખરે અસત્યનો ઘડો છલકાઈ ગયો અને તે ત્યાંથી નાસી ગયો પણ તેના મનની અશાન્તિ ઘણીજ વધી ગઈ. આખરે હતાશ બનીને તેણે પોતાના હાથમાંની વીંટી સમુદ્રમાં ફેંકી દીધી અને કોઈ અદ્રષ્ય સ્થાને જઈને રહ્યો.
(૨૫૦) એક દિવસ હ સુલેમાન (અ) માછીમારનું કામ પુરૂં કરી થાક્યાપાક્યા દરિયા કિનારે સુતા હતા. આપના આરામમાં વિઘ્ન ન પડે તે માટે એક નાગ ઝાડના પાંદડાની ડાળી મોઢામાં રાખી હઝરતને હવા કરી રહ્યો હતો. દરમ્યાન નિયમ અનુસાર માછીમારની પુત્રી પિતા માટે ખાણું લઈને આવી તેણીએ આ દ્રષ્ય જોઈ, પોતાના પિતા પાસે જઈ સવિસ્તાર હકીકત બ્યાન કરતાં કહ્યું કે, અય બાબાજાન ! મને સુલેમાન સાથે પરણાવી આપો. એના સિવાય હું બીજા સાથે લગ્ન કરીશ નહિ. પોતાની પુત્રીની એવી ઈચ્છા જાણી, માછીમાર પુત્રીને લઈને હઝરત પાસે આવ્યો; આ વખતે નાગ ત્યાંથી ચાલ્યો ગયો હતો. અવાજ સાંભળી હઝરત જાગૃત થઈ ગયા ત્યારે માછીમારે કહ્યું કે, આપની શાદી મારી પુત્રી સાથે કરાવી આપીશ. હઝરતે કહ્યું કે, હું તો આપનો નોકર છું અને મજુરીમાં મને માત્ર બે માછલી જ મળે છે, તો હું તમારી પુત્રીની મહર કેવી રીતે આપી શકીશ ? માછીમારે કહ્યું કે, મારી પુત્રી તમારા પાસે મહેર માંગતી નથી. વળી તમારા ભરણપોષણની જવાબદારી હું મારા ઉપર લઉં છું તેથી હઝરતે માછીમારની વાત માન્ય રાખી તેની દીકરી સાથે શાદી કરી.
સુખરા દેવે ઈસ્મે આઝમવાળી જે વીંટી દરિયામાં ફેંકી હતી, તેને એક માછલી ગળી ગઈ હતી. બીજા દીવસે હ. સુલેમાન સાથે માછીમારે મચ્છી પકડવા દરિયામાં જાળ નાખી, તેમાં બીજી માછલીઓ સાથે તે માછલી જાળમાં આવી ગઈ. તે દિવસે માછીમારે હઝરતને મહેનતાણામાં તે માછલી ઉપરાંત વધારાની બે માછલીઓ આપી.
(૨૫૦/૨૫૧) હઝરતની બીબીએ માછલીને ચીરતાં જ તેના પેટમાંથી એક ઝળકતી વીંટી મળી આવી. તેના પ્રકાશથી આખું ઘર રોશન થઈ ગયું. આ જોઈ આપની બીબી અજાયબીમાં ગરકાવ થઈ ગઈ. હઝરતે પોતાની વીંટી ઓળખી લીધી અને તેને હાથમાં પહેરી લીધી. વીંટી પહેરતાં જ પક્ષીઓએ આવી આપના ઉપર છાંયડો કર્યો અને જીન્નો અને પરીઓ આપની ખીઝમતમાં તખ્ત સાથે હાઝર થઈ ગયા. આ વખતે હઝરતે પોતાની બીબીને પોતાની ઓળખ આપતા કહ્યું કે, હું સુલેમાન બીન દાઉદ છું. ઉપરાંત પોતાનો અહેવાલ ઈતિથી અંત સુધી કહી સંભળાવ્યો. ત્યારબાદ હઝરત પોતાની બીબી સહીત તખ્ત ઉપર 'આરૂઢ થઈ પોતાના મુલ્કમાં આવી પહોંચ્યા.
(૨૫૧) હ. સુલેમાન આવી સીધા મહેલમાં ગયા અને સીદુનની શાહઝાદી અર્થાત પોતાની બીબીને તેના પિતાની મૂર્તિ બનાવી પુજા કરવા માટે સખ્ત ઠપકો આપ્યો અને તેના પરિણામે પોતા ઉપર ઉતરેલી કુદરતી આફતોથી ૪૦ દિવસ સુધી કેટકેટલું દુઃખ આવી પડ્યું હતું તેનું વર્ણન કહી સંભળાવ્યું. બાદ હ. સુલેમાન (અ.) એ અનકબુતની મુર્તિના ટુકડે ટુકડા કરાવી નાખ્યા અને એ મુજબ પોતાના જ ઘરમાં અજાણતાએ થઈ રહેલી બુતપરસ્તીનો નાશ કરાવ્યો.
બાદ હ. સુલેમાને સુખરા દેવની તપાસ કરાવી પણ તેનો ક્યાંય પતો મળ્યો નહિં. તે ઉપરથી હઝરતે જીન્નાતને હુકમ કર્યો કે, તે જ્યાં હોય ત્યાંથી પકડી તેને મારી પાસે હાજર કરો. હુકમ અનુસાર જીન્નો તેની શોધ માટે રવાના થઈ તેને પકડીને હઝરતની હુજુરમાં હાજર કર્યો. સુખરા હાજર થતાં જ હઝરતે તેને ૪૦ દિવસ સુધી સખ્ત સજા ભોગવવાનો અને તે પછી તેને મારી નાખવા ફરમાવ્યું હુકમ મુજબ સજાનો અમલ પુરો થતા જ સુખરા દેવને મારી નાખવામાં આવ્યો.
તે પછી હ. સુલેમાન (અ)એ કેટલાક વર્ષો સુધી રાજ અમલ ચલાવ્યો હતો અને બેતુલમુકદસ કે જે હ. દાઉદ (અ.)એ બનાવ્યું હતું તેને વધુ વિસ્તારવાળું બનાવવા તેમણે જીન્નોને કામે લગાડ્યા. ઉપરાંત તેની શોભામાં વધારો કરવા અર્થે તેના સંગેમરમરના થાંભલા ઉપરાંત સુગંધી લાકડાના ચાર દરવાજા બનાવ્યા. પહેલા દરવાજાનું નામ બાબે દાઉદ, બીજાનું નામ બાબે તુમા, ત્રીજાનું નામ બાબે રહેમત અને ચોથાનું નામ બાબે નાબીઉલ અરબી આખેરૂઝઝમાન રાખ્યું. વળી ઈબાદતગાહમાં ગંધકના ખુબીભર્યા ચિરાગો મુકાવ્યા, જેની રોશનીનો પ્રકાશ ત્રણ ગાઉ દુર પહોંચતો હતો.
(૨૫૧/૨૫૨) પણ હ. સુલેમાન (અ)નો અંતકાળ નજીક આવ્યો ત્યાં સુધી ઈબાદતગાહ તૈયાર થઈ નહોતી એટલે પોતાના અંતકાળ વખતે આપ એક દરવાજાની પાસે લાકડીના ટેકે ઉભા રહી ગયા. તે વખતે ખુદાના હુકમથી મલેકુલ મૌતે આવી આપનો રૂહ કબ્ઝ કર્યો. આ હકીકતથી જીન્નો તદ્દન અજાણ હતા અને હઝરત લાકડીના ટેકે કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે એમ સમજી તેઓ ઈબાદતગાહનું અધુરૂં કામ પુરૂં કરવા લાગ્યા. જેવું કામ સંપુર્ણ થયું, તેવી જ આપની લાકડી જેને ઉધઈ ખાઈ ગઈ હતી તે ટુટી પડી. અને હઝરત જમીન ઉપર ઢળી પડ્યા, તે સાથે જ આપનું તખ્ત હવામાં ગૈબ થઈ ગયું. એ સર્વ ઘટનામાં ખુદાનો રાઝ જીન્નોના અભિમાનને દુર કરવાનો હતો. જીન્નોને એવું અભિમાન હતું કે પોતે ગૈબના રહસ્યને સમજી શકે છે. પણ હઝરતની વફાત બાદ તેઓ પોતાની માન્યતામાં ખોટા પડ્યા હતા.
(૨૫૨) હ. સુલેમાન (અ.) ઈ.સ. પુર્વે ૯૭૫ માં વફાત પામ્યા હતા. તેમની ઉંમર માટે જુદા જુદા મત છે. એક મત એવો છે કે, તેઓ ૧૨૦ વર્ષની ઉંમર ભોગવી વફાત પામ્યા હતા.
યા અલી મદદ
