અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૨૦
રેકોર્ડીંગ - ૨૦
હઝરત યુનુસ અલૈહિસ્લામ
(પેજ-૨૫૨) અહેવાલે અંબિયામાં જણાવ્યા પ્રમાણે, હ. યુનુસ (અ.), હ. હુદ પયગમ્બરના વંશમાંથી હતા. તેમના પિતાનું નામ ‘મતા’ હતું. આપનો જન્મ “ગાથ-હેફર” કે જે 'હેફા' બંદરની પૂર્વે બંદરથી વીસ માઈલ ઉપર ગેલીલી પ્રાંતમાં આવેલું છે, ત્યાં થયો હતો. ગાથ હેફર ઝેબુલમ કબીલાના તાબામાં હતું અને હ. યુનુસ પણ એજ કબીલાના હતા. તેઓ પયગમ્બરે મુર્સલિન હતા. આપને ખુદાની ઈબાદત કરવાનો બહુ શોખ હતો.
નૈનવા શહેર અસીરીયન શહેનશાહતનું પાયતખ્ત હતું અને તેની વસ્તી "એક લાખ વીસ હજાર માણસોની હતી અને તેમની પાસે અસંખ્ય ઢોરો હતા. હાલમાં તે શહેરને દમીશ્ક કહેવામાં આવે છે.
(૨૫૨/૨૫૩) “ઈસ્ફહાની કુરઆન”ની તફસીરમાં ઉલ્લેખ છે કે, ત્યાંના લોકો મુર્તિપુજક બની ગયા હોવાથી ખુદાતઆલાએ તેમને ધર્મોપદેશ કરી સુમાર્ગે ચડાવવા માટે ‘મતા’ના પુત્ર હ. યુનુસ (અ.)ને મોકલ્યા હતા. આપે નૈનવા જઈ ત્યાંના લોકોને ૪૦ વર્ષ સુધી હિદાયત કરી. સૌથી પ્રથમ તેઓને મુર્તિપુજા કરવા માટે પશ્ચાતાપ કરવા ઉપદેશ આપ્યો અને “લા ઈલાહા ઈલલ્લાહા યુનુશ નબિયુલ્લાહ”નો કલમો આપ્યો; પણ ઉપદેશ ગ્રહણ કરવા અથવા કલમો પડવાની એ લોકોએ ચોખ્ખી ના પાડી અને કહેવા લાગ્યા કે, અમારા શરીરના ટુકડે ટુકડા કરી નાખવામાં આવશે તો પણ અમે આપનો કલમો પડવાના નથી. ઉપરાંત હ. યુનુસ (અ.)ને તેઓએ એટલું દુઃખ આપવા માંડ્યું કે તેમને શહેર છોડવું પડ્યું. આવી હાલતમાં હ. યુનુસ (અ.)એ જાલીમ લોકોને શિક્ષા કરવા ખુદાતઆલાના દરબારમાં અરદાસ કરી, જેના જવાબમાં નીદા આવી કે, અય યુનુસ ! જ્યારે સમય આવશે ત્યારે તેઓ ઉપર બલા નાઝીલ કરશું, છતાં હ. યુનુસ (અ.) પોતાના માલિકની ઈચ્છા વિના પોતાની સ્ત્રી તથા બાળકોને લઈ પોતાની કોમને ત્યજી ત્યાંથી રવાના થઈ ગયા. રસ્તા વચ્ચે નદી આવી જે પુરથી ભરપુર હોવાથી, એક સાથે બધાને સામે કિનારે લઈ જવું મુશ્કેલ હતું તેથી હઝરત એક છોકરાને કિનારે રાખી, બીજા છોકરાને ખંભા ઉપર બેસાડી પોતાની સ્ત્રીનો હાથ પકડી નદી પાર કરવા લાગ્યા. થોડેક દુર જતાં ઉંડાણ આવ્યું અને પાણીના જબરા વહેણથી તેમની સ્ત્રીનો હાથ છુટી ગયો અને તેણીને બચાવવા જતાં ખંભા ઉપરથી છોકરો પાણીમાં પડી ગયો અને મા દીકરો તણાઈ ગયા. જેમને બચાવવા હઝરતે ઘણી કોશીશ કરી, જે નિષ્ફળ જતાં આપ ભારે હૃદયે કિનારે બેસાડેલા છોકરાને લેવા આવ્યા પણ તે નજરે પડ્યો નહિ. આપે તેની ઘણી શોધ કરી, જે વ્યર્થ જતાં આપે માની લીધું કે, કદાચ ફાડી ખાનાર વરૂ બાળકને ઉપાડી ગયું હશે.
(૨૫૩) અંતે રંજોગમ સાથે હ. યુનુસ (અ.) પુન નવા શહેરમાં આવી સરદારોને મળ્યા અને ફરીથી હિદાયત આપવાનું શરૂ કર્યું, પણ ગુમરાહ બનેલા લોકો ઉપર તેની કોઈ અસર થઈ નહિ, બલ્કે લોકો આપની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા, છતાં પોતે હિદાયત ચાલું રાખી. લોકો જ્યારે હદ વટાવી આપને અનેક રીતે પરેશાન કરવા લાગ્યા, ત્યારે નારાજ થઈને ફરીથી આપે ચાલ્યા જવાનો ઈરાદો કર્યો અને જતા પહેલા તેમણે લોકોને જણાવ્યું કે, ૪૦ દિવસમાં તમારી ઉપર ખુદાઈ કહેર નાઝીલ થશે, કારણ કે તમારી બુતપરસ્તી અને બેહયાઈએ હવે માજા મુકી દીધી છે. એમ કહી આપ નૈનવા શહેરનો ત્યાગ કરી, પોતાના વતને જવા રવાના થઈ ગયા.
(૨૫૩/૨૫૪) જ્યારે લોકો ઉપર શિક્ષાનો સમય નજીક આવ્યો તે વખતે ખુદાતઆલાએ દોઝખની ચોકી કરનાર ફિરસ્તાઓને અગ્નિનો એક તણખો બહાર કાઢવાનો હુકમ આપ્યો. તણખો મુળ સ્વરૂપ તજી એક કાળું વાદળ બની ગયું. પછી તેઓએ આકાશને તે કાળા વાદળાથી ઘેરાઈ ગયેલું જોયું કે જેમાંથી આગ ઝરતી હતી અને હવા તેના ધુમાડાથી ભરાઈ ગઈ હતી. ત્યારબાદ તે વાદળું તેઓના ગામ ઉપર પડું પડું થઈ રહ્યું, જે જોઈ તેઓ ગભરાટમાં પડી ગયા અને ઘરડા તથા યુવાનો પોત પોતાના બાળકોને લઈ ફાટેલતુટેલ વસ્ત્રે ખેતરો તરફ દોડી ગયા અને કરેલા પા૫ માટે ક્ષમા કરવા પુકાર કરી ખરા દિલથી પસ્તાવો કરી, ખુદાની હુઝુરમાં આજીજી કરવા લાગ્યા, એ ઉપરની ખુદાતઆલાએ કૃપા કરી તેમને માફી બક્ષી, એટલે તેમના ઉપરથી તુફાન જતું રહ્યું અને તૌબા કરવાથી તેમની ઉપર આવનારી આફત દુર થતા નૈનવા બચી ગયું.
(૨૫૪) હ. યુનુસ (અ.) ખુદાતઆલાના હુકમની વાટ જોયા કે ઈચ્છા જાણ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા. તેમના રસ્તા વચ્ચે આવતો સમુદ્ર આપને પાર કરવાનો હતો. દરિયા કાંઠે આવતા જ પોતાના વતન તરફ જતું એક વહાણ ઉભેલું તેમણે જોયું. તેમાં કેટલાક મુસાફરો બેઠા હતા. આપ પણ તે વહાણમાં સ્વાર થઈ ગયા. વહાણ ભર દરિયે પહોંચ્યું. તે વખતે ભયંકર તોફાન ફાટી નીકળ્યું અને ઉતારૂઓ પોતાની જંદગીની ફીકરમાં પડી પોતપોતાની માન્યતા પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યા. વહાણમાંનો કેટલોક માલ પણ દરિયામાં નાખી દેવામાં આવ્યો, છતાં બચવાની આશા નહિ જણાતા ઉતારૂઓએ ધાર્યું કે, વહાણમાં કાંતો કોઈ ભાગી જતો ગુલામ અથવા કોઈ પાપી માણસ હોવો જોઈએ. આ સાંભળી હ. યુનુસ (અ.)એ કહ્યું કે, તમે ધારો છો તેવો પાપી માણસ હું છું; પણ લોકોએ તેમનું કહેવું માન્યું નહિ.
અંતે ઉતારૂઓએ પોતામાંથી એકનો ભોગ આપવાનું ઠરાવ્યું અને કોનો ભોગ આપવો તે નક્કી કરવા, ત્રણ વખત ચીઠ્ઠીઓ નાખતા, ત્રણે વખતે ચીઠ્ઠી હ. યુનુસ (અ.)ના નામની નીકળી. હઝરત કોણ છે અને ક્યાં જઈ રહ્યા છે, તે આપને પુછવામાં આવ્યું. આપે કહ્યું કે, હું હિબ્રુ છું અને અલ્લાહનો પયગમ્બર છું પણ હું ધારૂં છું કે ઈલાહી ફરમાનની તાબેદારી નહિ કરવાના સબબે આ આફત આવી પડી છે માટે સમુદ્રમાં મને ફેંકી દો. ઉતારૂઓએ જ્યારે જાણ્યું કે, હ. યુનુસ પયગમ્બર છે, ત્યારે તેઓ ગભરાયા કે જો પયગમ્બરને દરિયામાં નાખી દેવામાં આવશે તો આપણે સૌ વધુ આફતમાં આવી પડશું, એટલે વહાણને બચાવી લેવા તેઓએ શક્ય તેટલી યુક્તિઓ કામે લગાડી.
સમય જતા તુફાનની ભયંકરતા વધી. મુસાફરોની હિંમત ભાંગી પડી અને સૌને એમ લાગ્યું કે, હવે વહાણ બચવા પામશે નહિ, એટલે ન છુટકે તેમણે હઝરતને દરિયામાં ફેંકી દીધા અને તરત જ તુફાન શાંત થઈ ગયું. એ વખતે સમુદ્રમાંની, ખુદાતઆલાએ એ કાર્ય માટે મુકરર કરેલી માછલી હ. યુનુસ (અ.)ને ગળી ગઈ.
(૨૫૪/૨૫૫) હઝરત માછલીના પેટમાં કેટલો સમય રહ્યા, તે માટે જુદા જુદા મતો મળી આવે છે. કેટલાકો કહે છે હ. યુનુસ (અ.) માછલીના પેટમાં ૪૦ દિવસ રહ્યા હતા ત્યારે કેટલાક ૭૦ દિવસ તો કોઈ ત્રણ દિવસ રહ્યા હોવાનું જણાવે છે. માછલીના પેટમાં પણ આપ અલ્લાહની ઈબાદત-બંદગીમાં મશગુલ રહી પોતાના ગુનાહની તૌબા માંગતા હતા. આપે દરબારે ઈલાહીમાં આજીજી સાથે દુઆ માંગી કે, “લા ઈલાહા ઈલ્લા અંતા સુબ્હાનકા ઈન્ની કુન્તો મિનઝાલેમીન” યાને “તારા સિવાય બીજો ખુદા નથી અને હું જુલ્મગારોમાંનો છું.” આ વજીફો પડવાથી છેવટે ૪૦ દિવસ બાદ માછલીએ કાંઠે આવી હઝરતને ધીમેથી પોતાના પેટમાંથી બહાર કાઢી, જમીન ઉપર મુક્યા. જમીન ઉપર આવતા આપે દરબારે ઈલાહિમાં શુક્રાનાનો સિજદો અદા કર્યો.
(૨૫૫) હ. યુનુસ (અ.) માછલીના પેટમાં રહેવાથી બહુ જ અશક્ત બની ગયા હતા અને માછલીના પેટમાં રહેવાથી જે દુઃખો સહન કર્યા હતા તેથી એક તાજા જન્મેલા બાળકના દેહ જેવું આપનું શરીર કુમળું બની ગયું હતું. એમ પણ કહેવામાં આવે છે કે, માછલી યુનુસ પયગમ્બરને ગળી ગયા પછી હંમેશા પોતાનું માથું ઉપર રાખી વહાણના પછવાડે તરતી હતી. જેથી હઝરત શ્વાસ લઈ શકે અને જ્યાં સુધી માછલીએ જમીન પાસે આવીને આપને પેટમાંથી બહાર કાઢયા ત્યાં સુધી આપે ખુદાના વખાણ-કીર્તિ અને બંદગી ચાલું જ રાખી હતી.
માછલીના પેટમાંથી બહાર આવ્યા પછી, હઝરત એક સુંકેલા ઝાડના ટેકે બેઠા; દરમ્યાન ખુદાએ તે ઝાડની ઉપર દુધીનો વેલો ઉગાડ્યો, જે આપને છાંયડો કરવા લાગ્યો અને એક બકરીએ આવીને દુધ આપ્યું. આમ આપ ઘણા જ ખુશ થયા અને અલ્લાહની નિયામતો માટે તે બારીતઆલાના શુક્રાના અદા કરવા લાગ્યા.
એક રાત્રે એવું બન્યું કે, દુધીના ઝાડમાં અચાનક કીડો પેદા થઈ તેના વેલાને કોતરી ખાઈ ગયો, બીજી સવારે છાંયડો આપતો વેલો નાશ પામેલ જણાતા આ૫ ઘણા જ દિલગીર થયા અને ખુદાતઆલા પાસે ફરિયાદ કરવા લાગ્યા. તે વખતે ઈલાહી પયગામ આવ્યો કે, અય યુનુસ ! એક દુધીના વેલાનો નાશ થવાથી શું દિલગીર થાઓ છો ? અને નૈનવા જેવું શહેર નાશ પામે તેથી તમને દીલગીરી ઉપજશે નહિ ? નૈનવા જ્યાં એક લાખ વીશ હજાર ઈન્સાનો ઉપરાંત અસંખ્ય ઢોરો વસે છે તેવા શહેરનો નાશ થાય તો તમને દીલગીરી ઉપજશે નહીં ? આ પયગામ સાંભળી હ. યુનુસ (અ)એ પોતાથી થયેલી ભુલ માટે પશ્ચાતાપ કરી અલ્લાહના દરબારમાં માફી માંગી.
(૨૫૫/૨૫૬) બીજી તરફ હ. યુનુસ (અ.)ની કોમે ગીરીયાઝારીના પ્રતાપે ઈલાહી અઝાબથી નજાત મેળવી અને હઝરતની શોધ કરવા લાગી; પણ આપનો પતો તેઓ મેળવી શક્યા નહીં, તેથી તે કોમે દરબારે ઈલાહીમાં અરજ કરી કે, યા પરવરદિગાર ! અમારી કોમ ઉપર તેં જે પયગમ્બર મોકલ્યો હતો તેને જ ફરી મોકલજે.
(૨૫૬) હ. યુનુસ (અ.)ને ફરી નૈનવા જવાનો ખુદાતઆલાનો હુકમ થયો કારણ કે સમસ્ત કોમ આપના આગમન માટે આતુર હતી. ઈલાહી હુકમ અનુસાર આપ નૈનવા જવા રવાના થયા. માર્ગમાં આપની બીબી અને બાળકો રાહ જોઈ બેઠા હતા. લોકોએ એક છોકરાને વરૂંના મોઢામાંથી અને આપની બીબી તથા બીજા બાળકને ડુબી જતા બચાવી લીધા હતા. હઝરત તેમને સાથે લઈ નૈનવા આવી પહોંચ્યા. આ વખતે કોમે આપનું બહુમાન કર્યું અને ઈજ્જત સાથે ગામમાં લઈ ગયા. ત્યારબાદ લોકોએ આપથી શરીઅત તથા ધર્મનો ઉપદેશ ગ્રહણ કર્યો જેના પ્રતાપે એક લાખથી વધુ જનસંખ્યા ઈમાન લાવી મઝહબે ઈલાહીમાં દાખલ થઈ.
હ. યુનુસ (અ.) ઈ.સ. પુર્વે ૮૪૦ થી ૮૦૦ દરમ્યાન હઈયાત હતા. આપની ઉંમર વિષે ચોક્કસ માહીતી મળતી નથી.
યા અલી મદદ
