અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૨૧
રેકોર્ડીંગ - ૨૧
હઝરત જરજીસ અલેહિસ્સલામ
(પેજ-૨૫૬) 'કસસુલ અંબિયા'માં જણાવવામાં આવ્યું છે કે, દાદિયાન નામે ફીલીસ્તીનનો બાદશાહ અને તેની પ્રજા બુતપરસ્તી કરતા હતા અને જે કોઈ પ્રજાજન તેના મતથી વિરૂધ્ધ વર્તતો તો તેને જીવતો આગમાં નાખી બાળી મુકવામાં આવતો હતો. આવા અધર્મિ બાદશાહ અને તેની પ્રજાને હિદાયત કરવા અને તેઓને સત્યના માર્ગે લાવવા ખુદાતઆલાએ હ. જરજીસને પયગમ્બર બનાવી મોકલ્યા હતા.
(૨૫૬/૨૫૭) હ. જરજીસ (અ.) તે મુલ્કમાં આવી લોકોને બુતપરસ્તી તજી એક જ અલ્લાહને માનવાની હિદાયત કરવા લાગ્યા. એ સાંભળી બાદશાહ દાદિયાને હઝરતને કહ્યું કે, અગર તમારો ખુદા સાચો છે તો દુનિયાની દૌલતથી તમને શા માટે મહેરૂમ રાખ્યા છે ? હઝરતે કહ્યું કે, દુનિયાની દૌલત અને ઝીંદગી બન્ને નાશવંત છે, પણ જે ચીજ સદા રહેવાવાળી હોય તેજ ઉત્તમ અને બહેતર ગણાય. તેણે પુછયું કે, એવી કઈ ચીજ છે ? હઝરતે ફરમાવ્યું કે, એવી ચીજ બહેસ્ત અને તેમાંની નીયામતો છે. હજી તે હઝરત જન્નતની તારીફ કરતા હતા ત્યાં જ તેણે આવેશમાં આવીને હુકમ કર્યો કે, એમને ફાંસીએ ચડાવી પત્થરથી મારી નાખો અને તેમના હાડકાને આગમાં બાળી ખાક બનાવો. હુકમ અનુસાર કાફરોએ અમલ કર્યો અને આપના હાડકાને આગમાં ફેંકી દીધા. આગમાંથી હ. જરજીસે પુકારીને કહ્યું કે, “લા ઈલાહા ઈલલ્લાહ” આમ ખુદાતઆલાએ આપને સજીવન કર્યા. આપ સજીવન થઈ બહાર આવી લોકોને ઉપદેશ આપવા લાગ્યા અને કહ્યું કે, અય લોકો ! કહો “લા ઈલાહા ઈલલ્લાહ” આપને સજીવન થયેલા જોઈ દાદીયાને હુકમ કર્યો કે, એમને લોખંડની મેખો ગરમ કરી, હાથમાં ઠોકી મારી નાખવામાં આવે. તે મુજબ અમલ થયો પણ ફિરસ્તાઓએ આવી આપને બચાવી લીધા અને આપ ફરીથી હિદાયત કરતા ફરમાવ્યું કે, અય કાફરો ! લા ઈલાહા ઈલલ્લાહ કહો, બુતપરસ્તી તજો અને એક ખુદાની ઈબાદત કરો.
(૨૫૭) તેમના આવા ઉપદેશથી મુર્તિપુજક બાદશાહ બહુ જ કોપાયમાન થયો અને હઝરતની જીંદગીનો અંત આણવા તાંબાની એક દેગ મંગાવી, તેમાં ઘી અને ગંધક નંખાવ્યા, પછી દેગને સળગતા લાકડાની ભઠ્ઠી ઉપર મુકવામાં આવી. જ્યારે ઘી અને ગંધક જોશમાં આવી ઉકળવા લાગ્યા, ત્યારે હઝરતને તેમાં નાખી દીધા. તરત જ ઈલાહિ કુદરતથી દેગ ઠંડી બની ગઈ અને તેમાંથી હઝરત સહીસલામત બહાર નીકળી આવ્યા.
દાદિયાને જ્યારે આવું અજાયબીભર્યું દ્રશ્ય જોયું ત્યારે તે વિચારોના વમળમાં ગોથા ખાવા લાગ્યો. ફરી તેને કબુધ્ધિ સુજી અને તેણે હઝરતને ફરી કેદમાં પુરાવી લોખંડની મેખો મરાવી અને આપના પેટ ઉપર ભારે વજનદાર પત્થર મુકાવ્યો, ૫ણ સત્યને આંચ આવતી નથી એ સિધ્ધાંત અનુસાર જ્યારે રાતનો સમય થયો ત્યારે કેદખાનામાં ફિરસ્તાઓએ હાજર થઈ આપના પેટ ઉપરથી પત્થર ઉપાડી લીધો અને મેખ મારેલા ખીલા ખેંચી લીધા અને આપને ખાણું ખવડાવી કહ્યું કે, અય જરજસ ! તમે આવી બલાઓમાં સાત વર્ષ સુધી ઘેરાયેલા રહેશો; એટલા વખત સુધી તમારે સબર કરવી પડશે અને ત્યાર બાદ આપ શહીદ થશો. જે સઘળું હ. જરજસે હસ્તે મુખડે કબુલ કર્યું.
બીજા દિવસની સવાર થતાં જ હ. જરજીસ (અ.) જેમને ફિરસ્તાઓએ કેદની મુશીબતમાંથી મુક્ત કર્યા હતા તેમણે બાદશાહ સમક્ષ આવીને કહ્યું કે, અય શાહ ! જુઓ ખુદાએ મારા ઉપર રહેમની નજર કરી મને બલામાંથી બચાવી લીધો છે.
આમ હઝરતને અનેક આફતોથી બચી જતાં જોઈ દાદિયાને આપને ઘણી જ સખત સજા ફરમાવી અને તે ફરમાન અનુસાર હ. જરજીસ (અ.)ના કરવતથી બે ટુકડા કરી નાખવામાં આવ્યા અને આ૫ના મૃતદેહને ફાડી ખાનાર સિંહોના ભક્ષણ માટે મુકી દીધું, પણ સિંહોએ માંસ ખાવાને બદલે આપના શબને માથું ઝુકાવી માન આપ્યું.
(૨૫૮) ફરી તેજ રાત્રે ખુદાતઆલાએ આપને સજીવન કર્યા અને બીજા દિવસે કાફરો જ્યારે ઈદગાહમાં એકઠા થયા હતા ત્યારે આપે ત્યાં જઈ ખુદાના હુકમથી તેઓને રાહોરાસ્ત પર આવવા દઆવત આપી. એ મુજબ હઝરતને જીવતા જોઈ, સૌ કોઈ આશ્ચર્ય સાથે અરસપરસ કહેવા લાગ્યા કે, ખરેખર જરજીસની આ બધી જાદુઈ કરામત લાગે છે. એથી આપને મહાત કરવા દાદીયાને મુલ્કના સઘળા જાદુગરોને મોટી લાલચો આપી એકઠા કર્યા અને તરેહતરેહના તિલસ્મી જાદુઓ તેમના પાસે તૈયાર કરાવ્યા. ઉપરાંત એક પાણીનો પ્યાલો મંત્રાવી, આપને પીવા આપ્યો, એવા હેતુસર કે તેની ખરાબ અસર આપને થતા જ તેમની ધારેલી મકસદ પાર પડશે અને માર્ગ વચ્ચેથી કાટો નીકળી જશે. પોતાને જાદુ કરેલો પ્યાલો મળતાજ હ. જરજીસ (અ.) એ ‘બિસમીલ્લાહ, કહી એ મંત્રેલા પાણીને પી જઈને કહ્યું કે, તમે સારૂં કર્યું કારણ કે હું ઘણો જ તૃષાતુર હતો એટલે મને પાણી મળવાથી ઠંડક થઈ છે અને મને રાહત મળી છે. જાદુગરો અને લોકો હઝરતને મંત્રની શું અસર થાય છે તે જોવા આતરતાપુર્વક રાહ જોવા લાગ્યા; પણ ખુદા બચાવે તેને કોણ મારી શકે છે ? કુદરતે આપને અણુશુધ્ધ બચાવી લીધા હોવાથી અને મંત્રની કંઈ પણ અસર થઈ નહીં હોવાથી આપને જાદુગરોના સરદારે અરજ કરતાં કહ્યું કે, અય હઝરત ! ખરેખર આપ મહાન છો એટલે અમારો જાદુ કે અમારી કળા આપને કાંઈ કરી શકે તેમ નથી.
એક દિવસ એક સ્ત્રીએ આવીને હઝરતને અરજ કરી કે, હું ગરીબ છું અને ફાકાકશીમાં જીવન ગુજારૂં છું. આજીવિકાના સાધન તરીકે મારી પાસે એક ગાય હતી, તે પણ મરી ગઈ છે. તો આપ દુઆ કરો તો તે જીવતી થાય અને હું તેના ઉપર ગુજારો કરૂં.
આ સાંભળી હઝરતે ફરમાવ્યું કે, આ મારી લાકડી લે અને જ્યાં તારી ગાયના હાડકા પડ્યા હોય તેના ઉપર લાકડી મારી કહેજે કે ખુદાના હુકમથી ઉભી થા, એટલે તે ઉભી થઈ જશે. તે મુજબ તે બાઈએ અમલ કર્યો અને ગાય સજીવન બની ઉભી થઈ ગઈ. હઝરતનો એ મોઝીઝો લોકોમાં ખુબ પ્રચલીત થઈ ગયો. ઉપરાંત આપનું વખતેવખત સજીવન થવું પણ લોકો માટે આશ્ચર્યની ઘટના બની જતા સૌને આપના પ્રત્યે આદર અને શ્રધ્ધા ઉત્પન્ન થઈ ગઈ.
(૨૫૮/૨૫૯) એક વખત બાદશાહના માનીતા ઉમરાવોમાંથી એકે કહ્યું કે, અય લોકો ! હ. જરજીસની કરામતો જોઈ મને એમ ચોક્કસ લાગે છે કે, તેઓ સાચા પયગમ્બર છે. જે સાંભળી તે કોમના લોકોએ કહ્યું કે, શું ! તમને પણ જરજીસના જાદુએ અસર કરી છે ? તેણે કહ્યું કે, તમે ધારો છો તેવું કંઈ નથી, પણ આ સત્ય મને અલ્લાહે સુજાડ્યું છે. એટલું કહી તે શખ્સ અને બીજા ચાર હજાર લોકો કલમો પડી ઈમાન લાવી દીનમાં આવ્યા.
(૨૫૯) આ હકીકતની જાણ દાદીયાનને થતા જ તેણે ઉમરાવ સુધ્ધા તેના ચાર હજાર સાથીદારોને કત્લ કરાવી નાખ્યા અને તેઓ શહીદોના દરજ્જે પહોંચ્યા.
એક વખત હ. જરજીસ (અ.) બાદશાહ દાદીયાનને હિદાયત કરતા હતા, તે વખતે કહ્યું કે, હું ઈમાન તો લાવું જો તમે તમારી પયગમ્બરીની નિશાની રૂપે મોઝીઝો દેખાડો અને તે એ કે, જે ખુરસી ઉપર હું બેઠો છું તેના પાયામાંથી ચાર કિસ્મના ઝાડ પેદા થાય, વળી તે ઝાડને ફળ લાગે અને તેને હું ખાઉં તો હું સમજું કે તમે ખુદાના સાચા પયગમ્બર છો. હ. જરજીસ (અ.) એ તેજ વખતે ખુદાના દરબારમાં દુઆ ગુજારી અને તરત જ માંગણી મુજબ સઘળું ઉત્પન્ન થઈ ગયું. જે જોઈ દાદીયાને કહ્યું કે, ખરેખર આ૫ મોટા જાદુગર છો અને જાદુગર ઉપર ઈમાન લાવવું દુરસ્ત નથી.
ત્યારબાદ દાદિયાને હ. જરજીસનો અંત લાવવાના ઈરાદાથી નવીન યુકિત તરીકે તાંબાની એક મોટી ગાય તૈયાર કરાવી અને તેમાં હ. જરજીસને બંધ કરી ધખધખતી આગમાં ફેંકાવી દીધા. પણ ખુદાની ઈચ્છાથી તે વખતે એક તોફાની સુસવાટા કરતો વંટોળીઓ ફરી વળ્યો અને આકાશ અંધકારથી ઘેરાઈ ગયું, વિજળી ભયંકર કડાકા સાથે ચમકવા લાગી અને આખા મુલ્ક ઉપર કેટલાએક દિવસો સુધી કાળું અંધારૂં છવાઈ ગયું. એથી લોકોને દિવસ કે રાત કલ્પવું મુશ્કેલ થઈ પડ્યું. તે દરમ્યાન ખુદાના હુકમથી ફિરસ્તાઓ આવી તાંબાની બનાવટી ગાયને જોરદાર ઝટકો માર્યો અને હ. જરજીસને તેમાંથી મુક્ત કર્યા.
(૨૫૯/૨૬૦) હ. જરજીસ (અ.) એ બહાર આવીને લોકોને ફરમાવ્યું કે, અય લોકો ? ખુદાથી ડરો અને તેના ઉપર ઈમાન લાવો. હઝરતનો ઉપદેશ સાંભળી તે કોમના લોકાએ કહ્યું કે, અય જરજીસ ! અમારામાંથી જેઓ મરી ગયા છે તેઓને જીવતા કરી આપશો તો અમે ઈમાન લાવશું ! જો કે તે કોમના મરેલા માનવીઓને ઝમાનાઓ વીતી ચુક્યા હતા અને તેમના હાડકાઓ પણ માટી સાથે મળી માટી બની ગયા હતા છતાં લોકો સત્યમાર્ગ ગ્રહણ કરે એ આશયથી આપે ખુદાના દરબારમાં મૃત માનવીઓ માટે દુઆ માંગી અને તે દુઆની બરકતથી, તેજ વખતે બાર હજાર મુડદા જીવતા થઈ કબરોમાંથી બહાર આવ્યા, જેમાં એક નોફિલ નામનો શખ્સ હતો તેને હ. જરજીસ (અ.)એ પુછ્યું કે, અય શેખ તમારો ધર્મ ક્યો હતો અને તમને ગુજરવાને કેટલા વર્ષો થયા છે ? તેણે જવાબમાં કહ્યું કે, મારા મૃત્યુને ચાર હજાર વર્ષો વીતી ચુક્યા છે. મારી હૈયાતી દરમીયાન હું બુતપરસ્ત હતો અને તેથી હમણા સુધી હું અઝાબમાં ગીરફતાર હતો.
(૨૬૦) એક વખત એક ડોસીએ હ. જરજીસ (અ.)ની હુજુરમાં આવીને કહ્યું કે, મારો આ દીકરો આંધળો, લંગડો, ગુંગો અને બહેરો છે, તે સારો થાય તેવી આપ દુઆ કરો. તે ઉપરથી હઝરતે પોતાના મોઢાનું થુંક (આબે-દહન) લઈ તેની આંખ અને કાનોમાં લગાડ્યું એટલે તે સારો થઈ ગયો. માત્ર લંગડો અને ગુંગો રહ્યો. ત્યારબાદ હઝરતે પેલી ડોસીને ફરમાવ્યું કે, અલ્લાહની મરજી હશે તો હવે પછી તેને સારો કરી આપીશ. એ મોઝીઝાની અસર એ થવા પામી કે, ડોસી ઈમાન લાવી દીનમાં આવી.
જ્યારે એ હકીકતની ખબર બાદશાહ દાદિયાનને થઈ તો તેણે હ. જરજીસ (અ.)ને ડોસીના ઘરમાં કેદ કર્યા અને આપનું ખાવું પીવું પણ બંધ કર્યું. જે મકાનમાં હઝરતને કેદ કરવામાં આવ્યા હતા ત્યાં એક લાકડાનો થાંભલો હતો. આપની દુઆથી તે હર્યું ભર્યું હરિયાળું ઝાડ બની ગયું અને તેના ઉપર ફળો લાગ્યા. જે જોઈ ડોસી તો અચંબામાં ગરકાવ થઈ ગઈ. જ્યારે એની જાણ દાદીયાનને થઈ ત્યારે તેણે ડોસીના ઘરને તોડાવી જમીનદોસ્ત કરાવી નાખ્યું. પછી તેણે ઝાડ તરફ નઝર કરી એટલે તે હતું તેવું સુકું બની ગયું.
ફરી તેણે હ. જરજીસને મેખો મરાવી અને સકંજાના ફાંસામાં નાખી મરાવી નાખ્યા અને આપના સબને આગમાં બાળી રાખ બનાવી દરિયામાં ફેંકાવી દીધી, પણ સમુદ્રે આપના દેહ મુબારકને કિનારે લાવી સુકી જમીન ઉપર મુક્યો. જ્યાં આપ ફરી સજીવન થયા. તે વખતે કાફરોએ આવી આપને કહ્યું કે, અય હઝરત ! આપ અમારા બુતોને સિજદો કરો ! હઝરતે કહ્યું કે, મારાથી એ કદી પણ બનશે નહીં. જો કે આપનું કહેવું સ્પષ્ટ હતું, પણ કાફરોની સમજે અર્થનો અનર્થ કાઢ્યો હતો. તેઓ એમ સમજ્યા કે હઝરત બુતને સિજદો કરવા કબુલ થયા છે. જ્યારે એ સમાચાર દાદીયાને જાણ્યા ત્યારે તરત જ તેણે હઝરતની હુઝુરમાં આવીને મહોબ્બત સાથે કહ્યું કે, આજ તમે મારે ત્યાં આરામથી રહો, કારણ મેં તમને ઘણી તકલીફ આપી છે. હઝરત તે દિવસે દાદિયાનને ત્યાં રહી શુરીલા કંઠે તૌરેત વાંચવામાં મશગુલ થયા. તૌરેતના ખુદાઈ કલામો જ્યારે દાદીયાનની સ્ત્રીએ સાંભળ્યા કે તરત જ તેના દીલનો અંધકાર દુર થઈ ગયો અને તેણી કલમો પડી દીનમાં દાખલ થઈ.
(૨૬૧) હવે જે છોકરાને હઝરતે દુરસ્ત કર્યો હતો, તેની માએ ફરી પોતાના દીકરાને હઝરતની હુજુરમાં લાવી કહ્યું કે, મારો પુત્ર લંગડો અને મુંગો છે. આપે ફરમાવ્યું હતું કે, ખુદાના હુકમથી હું તેને સારો કરી આપીશ. પોતે આપેલા વાયદાને સિધ્ધ કરતા હઝરતે ફરમાવ્યું કે, અય છોકરા ! તેણે જવાબ આપતા કહ્યું કે, લબ્બેક ! (હાજર છું) યા નબીયુલ્લાહ ! મતલબ તે ગુંગો મટી બોલતો થઈ ગયો. ફરી હઝરતે છોકરાને ફરમાવ્યું કે, તું જા અને મારા તરફથી બુતોને કહે કે, જરજીસ તમને બોલાવે છે. તરત જ છોકરો ઉભો થઈ ગયો. મતલબ કે તેનું લંગડાપણું જતું રહ્યું અને તેણે બુતો પાસે જઈ હઝરતનો પયગામ કહ્યો. જે સાંભળતા જ સધળા બુતો પયગમ્બરના હુકમને માન આપી સિજદા સાથે હુજુરમાં હાજર થયા, એટલે હઝરતે તેમને ઠોકર મારી માટીમાં મેળવી દીધા. આ દ્રષ્ય દાદીયાનની સ્ત્રીએ જોયું અને પોતાની કોમને ઉદેશી કહ્યું કે, અય લોકો ! જરજીસ સાચા પયગમ્બર છે માટે સૌ ઈમાન સાથે આપની હિદાયતને કબુલ કરો. દાદીયાનને એ બાબતની જાણ થતાંજ તેણે પોતાની સ્ત્રીને ફાંસીને લાકડે ચડાવી મારી નાખી અને તે નેક સ્ત્રી સદાના માટે મોતને ભેટી દુનીયાને ત્યાગી જન્નત તરફ ચાલી ગઈ.
હવે હ. જરજીસનો અંતકાળ પણ નજીક આવી પહોંચ્યો હતો એટલે આપે પોતાનો ચહેરો આસમાન તરફ કરી આજીજી સહિત દરબારે ઈલાહીમાં દુઆ માંગતા કહ્યું કે, ખુદા યા ! સાત વર્ષનો વાયદો પુરો થયો છે, અને હવે હું સબર પણ કરી શકતો નથી માટે તું મને શહાદત નશીબ ફરમાવ અને જેઓ ગુમરાહ છે તેના ઉપર તારો કહેર ઉતાર અને જેઓ ઈમાન લાવ્યા છે તેમના ઉપર તું તારી રહેમત વર્ષાવ.
હ. જરજીસ (અ.)ની દુઆ દરબારે ઈલાહીમાં કબુલ થતા જ આકાશમાં આગના સોલા ચમકી ઉઠ્યા, વીજળી ચમકારા અને કડાકા સાથે કાફરો ઉપર ઉતરવા લાગી, તે જોતા જ કાફરોએ હઝરત ઉપર તલવાર ખેંચી આપને શહીદ કર્યા. તેવો જ કુદરતી કહેર પુર ઝડપે ફરી વળ્યો અને સઘળા કાફરો આગમાં બળી જહન્નમવાસી થઈ ગયા.
યા અલી મદદ
