Ilm Majalis Logo

ILM MAJALIS

અલ્લાહના રસુલો

રેકોર્ડીંગ - ૨૨

રેકોર્ડીંગ - ૨૨

0:000:00

હ. ઝકરીઆ અને હ. યાહ્યા (અ.)

(પેજ-૨૬૧/૨૬૨) “અહેવાલે અંબિયા”માં જણાવ્યા પ્રમાણે હ. ઝકરીઆ (અ.) અંબીયાના ખાનદાનમાંથી હતા. યહુદાની ગાદી હેરોદ બીન એન્ટીપેટરના હાથમાં આવી હતી અને તે રામન રાજ્યના તાબામા હતો. હેરોદના વખતમાં હ. ઝકરીઆ (અ.) મદદનીશ ધર્મગુરૂ તરીકે કામ કરતા હતા. તેમનું કાર્ય બૈતુલ મુકદસમાં સુગંધી બાળવાનું હતું.

તે જમાનાની હાલત એવી હતી કે ખુદાના વલીઓ ઘરનો ખુણો પકડી બેઠા હતા. જ્યારે રીયાસત અને સિયાસતનો ગેરલાભ લેવાવાળા બની બેઠેલા આગેવાન, મોટા ધર્મગુરૂઓ જુદા જ હતા. તેઓ પોતાની મતલબ સાધવા હાકેમોની ખુશામત કરતા અને લોકોને નીચોવવામાં ખુદાના ખોફ રાખતા નહિ.

હ. ઝકરીયા (અ.)ના ધર્મપત્નિ 'ઈસબાત' હ. હારૂન (અ.)ની ઔલાદમાંથી હતા અને હ. ઈસા (અ.)ની માતા મરયમના માસી થતા હતા. બાઈબલમાં તેમનું નામ એલીઝાબેથ જણાવેલું છે. તેણીની ઉંમર મોટી થવા છતાં કોઈ પણ સંતાન નહીં થવાથી સહેજ ગમગીન રહેતા હતા.

હ. ઝકરીયા (અ.) વૃધ્ધ થયા ત્યાં સુધી તેમને ત્યાં ઔલાદ થઈ નહોતી અને આપના ભત્રીજાઓ ઘણા દુષ્ટ સ્વભાવના હતા, એથી આપને બીક રહેતી હતી કે, કદાચ પોતાની વફાત પછી તેઓ લોકોને સત્ય ધર્મને દ્રઢતાપુર્વક વળગી રાખવાને બદલે તેમને ભરમાવીને મુર્તિપુજા તરફ લઈ જશે. આથી આપે એક દિવસ બૈતુલ મુકદસમાં જઈ ખુદાની હુજુરમાં અરજ કરી કે, ખુદા યા ! હવે હું વૃધ્ધ થયો છું, મારા વાળ સફેદ થઈ ગયા છે માટે મારો વારસદાર એવો બનાવ કે જે સાલેહ અને યાકુબ (અ.)ની ઔલાદમાંથી ઘણો નેક હોય.

એ વખતે જીબ્રાઈલ અમીને આવી વધામણી આપતા કહ્યું કે, “ખુદાતઆલાએ તમારી દુઆ સાંભળી છે અને તમારી ધર્મપત્નિ “ઈસબાત”ને ફરઝંદ થશે, તેનું નામ યાહ્યા રાખજે. યાહ્યાના જન્મ વખતે ઘણા હસનાતો થશે. યાહ્યા ખુદાના વહાલા થશે, તે ઘણા લોકોને ખુદાને રસ્તે દોરવશે અને એલીયાસ (અ.)ને રસ્તે ચાલશે.” એમ કહી આ વાત થોડાક સમય સુધી ખાનગી રાખવા જણાવ્યું.

એ બાબતમાં ખુદાતઆલાએ કુરઆને શરીફ સુરા આલે ઈમરાન આયાત ૩૮-૪૦ માં ફરમાવ્યું છે કે, “ખરેખર ખુદા તમને યાહ્યાના ખુશખબર આપે છે. જે ખુદાના શબ્દને માનનાર છે, તે એક આગેવાન, સ્ત્રી સંગતથી દુર રહેનાર અને પવિત્ર વંશનો પયગમ્બર છે.”

હ. ઝકરીયા (અ.)એ અરજ કરી કે, હે પરવરદિગાર મને દીકરો ક્યાંથી થાય ? કારણ કે મને ઘડપણ આવી પહોંચ્યું છે અને મારી સ્ત્રી વાંઝણી છે.

(૨૬૩) ત્યારે ફિરસ્તાઓમાંથી એકે કહ્યું કે, આજ સ્થિતિમાં પણ ખુદા જે ચાહે તે કરે છે.

હ. ઝકરીયા (અ.)એ અરજ કરી કે, હે પરવરદિગાર મારા માટે કંઈ નિશાની મુકરર કર.

તેનો ઉત્તર આપતા ફિરસ્તાએ કહ્યું કે, તેની નિશાની એ છે કે, તમે માણસો સાથે ત્રણ દિવસ સુધી ઈશારા સિવાય વાત કરી શકશો નહી અને તમારા પરવરદિગારને બહુજ યાદ કરજો અને સાંજે અને સવારે તેની પવિત્રતા યાદ કરી બંદગી કરજો.

હુકમ અનુસાર હ. ઝકરીયા (અ.)એ ત્રણ દિવસ સુધી કોઈથી વાતચીત કરી નહીં.

હ. ઝકરીયા (અ.)ની સ્ત્રી ઈસબાતને ગર્ભ રહ્યાને છ માસ થયા તે અરસા દરમિયાન ઈસા (અ) પોતાની માતાના હમલમા રહ્યા હતા. હ. ઝકરીઆને ઘરે મરિયમ આવતાજ બીબી ઈસબાતે તેને ઈસા માટે મુબારકી સાથે વધામણી આપી અને તે પછી ત્રીજા મહીને ઈસબાતે ફરજંદને જન્મ આપ્યો. તેના આઠમાં દિવસે સુન્નત કરવામાં આવી અને નામ પણ રાખવામાં આવ્યું. હઝરતના કુટુંબીઓએ બાળકનું નામ ઝકરીઆ રાખવાની ઈચ્છા દર્શાવી કારણ કે, તે ઝમાનામાં ઈસરાઈલીઓ અને અરબોમાં છોકરાનું નામ બાપના નામ જેવું રાખવામાં કોઈજાતને બાધ ગણવામાં આવતો નહોતો. પણ હ. ઝકરીઆ (અ.)એ બાળકનું નામ યાહ્યા રાખવા કહ્યું અને તેનું નામ યાહ્યા પાડવામાં આવ્યું.

હ. યાહ્યા (અ)નો જન્મ થયો તે વખતે તેમના પિતા ઝકરીઆ (અ.)ની વય કેટલી હતી તે ચોક્કસ જણાયું નથી,પણ તફસીર લખનારાઓએ ૬૦ થી ૯૦ વર્ષની તેમની ઉમર હોવાનું જણાવ્યું છે. યાહ્યાનું નામ બાઈબલમાં જોન John જણાવેલ છે કે જેનો હીબરૂ ભાષામાં અર્થ “અલ્લાહતઆલાની બક્ષીસ” થાય છે.

(૨૬૩/૨૬૪) હ. યાહયા (અ.) ૪ વર્ષના થયા તે દરમિયાન તેમની માતાએ કદી પણ યાહ્યાને ઘરની બહાર જતા કે બાળકો સાથે રમતા જોયા નહોતા; તેથી માતાએ કહ્યું કે, યાહ્યા તમે બાળકો સાથે કેમ રમતા નથી ? હ. યાહ્યાએ કહ્યું કે, અય મા ! મને ખુદાએ રમવા પેદા કર્યો નથી, પણ જે કારણ માટે તે માલિકે મને પયદા કર્યો છે તેજ માર્ગ મારે ગ્રહણ કરવો જોઈએ. આટલું કહી આપ દિનરાત રડવામાં જ વ્યતીત કરવા લાગ્યા.

(૨૬૪) પોતાના પુત્રની આવી હાલત જોઈ હ. ઝકરીઆ (અ.)એ ખુદા પાસે અરજ કરી કે, યા રબ ! મેં તમારાથી એક વલી જેવો ફરજંદ માગ્યો હતો પણ આતો રાત દિવસ રડ્યા કરે છે અને તેથી મને ક્યાંય ચેન પડતું નથી.

ખુદાતઆલાએ ફરમાવ્યું કે, તમે અમારાથી એક સાલેહ ફરઝંદ માગ્યો હતો અને તેવો જ ફરઝંદ મેં તમને આપ્યો છે કે જે મારી બંદગી કરે અને મારી મહોબતમાં રડ્યા કરે. એ સાંભળી હ. ઝકરીઆએ અલ્લાહતઆલાના શુક્રાના અદા કર્યા.

એક દિવસ હ. ઝકરીઆ (અ) લોકોને હિદાયત કરી રહ્યા હતા, તેમાં દોઝખના અઝાબનું વર્ણન આવ્યું ત્યારે આપે ધીમા અવાજે કહ્યું કે, જો મારો ફરઝંદ આ બ્યાન સાંભળી જશે તો વધુ રડશે. હ. યાહ્યા આ વખતે એક ખુણામાં ભરાઈને બેઠા હતા. આપે જેવું દૌઝખનું વર્ણન સાંભળ્યું કે આપે એક મોટી ચીસ નાખી અને રડતાં રડતાં જંગલ તરફ ચાલ્યા ગયા, જ્યાં સાત દિવસ અને સાત રાતો રડતી હાલતમાં પહાડો વચ્ચે ભટકતા રહ્યા. તેમના ચાલ્યા ગયા પછી આપના માતા પિતાએ ઘણી શોધખોળ કરી પણ ક્યાંય ૫ત્તો લાગ્યો નહિ. સાત દિવસ બાદ એક ભરવાડે આવી ખબર આપી કે તમારો ફરઝંદ દિવસના પહાડોમાં રડતો ફરે છે અને રાતના ફલાણી ગુફામાં જઈને રહે છે. એવા સમાચાર મળતા તેમની માતા જંગલમાં જઈ, તે ગુફા પાસે બેઠા. જ્યારે સંધ્યાકાળનો સમય થયો ત્યારે નિયમ અનુસાર હ. યાહ્યા ત્યાં આવી પહોંચ્યા. તેમને જોતા જ માતાએ કહ્યું કે, અય બેટા ! તમે રડો નહિ અને ખામોશ રહો. હ. યાહ્યાએ કહ્યું કે, અય માતા, ખામોશ કેમ રહું ? મને દોઝખની યાદ બેચેન બનાવી રહી છે. આ સાંભળી માતાએ કહ્યું કે, બેટા ! તમે એક વખત કહ્યું હતું તે યાદ છે કે અલ્લાહે મને રમવા પેદા કર્યો નથી, ૫ણ જે કારણ માટે તે માલિકે જન્મ આપ્યો છે તેજ માર્ગ મારે ગ્રહણ કરવો જોઈએ ? માટે તે કાર્ય વસ્તી કે લોકોનો ત્યાગ કરી જંગલમાં વસવાથી પાર પડવાનું નથી. અય બેટા ! જે મકસદ અર્થે તારો જન્મ થયો છે તે લોકોને ખુદાના ઘરની હિંદાયત કરવાથી અને તેમને સત્યરાહનો ઉપદેશ આપવાથી અને માર્ગ ભુલેલાઓને રાહેરાસ્ત બતાવવાથી બર આવશે, માટે ઘરે ચાલ અને અલ્લાહે સુપ્રત કરેલા કાર્યને વેગ આપી ફરજ મુક્ત થાઓ. માતાની આવી ઘણી તરેહની સમજાવટથી હ. યાહ્યા ઘરે આવ્યા. એ વખતે આપની ઉંમર માત્ર ૭ વર્ષની હતી.

(૨૬૫) હ. યાહ્યા (અ.) યુવા અવસ્થામાં પ્રવેશતા જ લોકોને હિદાયત કરવા લાગ્યા અને તે સાથે લોકોને ઈસા (અ.)ના આગમનની વધામણી આપવા લાગ્યા. તે વખતના વડા ધર્મગુરૂઓ 'અનસ' અને 'કેફા' હતા. તેઓ અનેક જાતના ધર્મ ઢોંગથી લોકોને આડે માર્ગે દોરવતા, નીચોવતા અને લોકો પાસેથી મોટી રકમોની સલામો નજરાણા તરીકે મેળવવા અનેક પ્રકારની યુકિતઓ રચી કાઢી હતી અને તેને ધર્મનું રૂપ આપી લોકોને અંધશ્રધ્ધા તરફ લઈ જતા હતા; પણ એ સ્વાર્થી ધર્મગુરૂઓને પોતાની મતલબ પાર પાડવામા હ. યાહ્યા (અ.)નો ઉપદેશ નડતો હોવાથી તેઓ હઝરતને તકલીફ પહોંચાડવા લાગ્યા અને અજ્ઞાન, જાહીલ ધર્મઝનુનીઓને ઉશ્કેરી હઝરતનું અનેકવાર અપમાન કરાવવા પણ ચુક્યા નહિ. પોતા માટે આવી વિષમ પરિસ્થિતી ઉપસ્થિત થતા આપને જેરૂસલમમાં રહેવું બહુ મુશ્કિલ થઈ પડ્યું. જેથી આપ યરદન તરફ નીકળી ગયા અને ત્યાં જઈ શહેર બહાર જંગલમાં વસવાટ કરવા અને લોકોને હિદાયત આપવા લાગ્યા. હઝરતની રહેણીકરણી માટે એવો ઉલ્લેખ મળી આવે છે કે, આપ માત્ર ઉંટના વાળનું બનાવેલું કપડું પહેરતા અને જંગલમાં જે કંઈ મળતું તે ખાઈ પોતાનું ગુજરાન ચલાવતા હતા.

હ. યાહ્યા (અ.)નો બોધ એવો હતો કે, અય લોકો ! તમે એમ નહિ સમજતા કે, હ. ઈબ્રાહીમ (અ.) તમારા પયગમ્બર હોવાથી તમે છુટી જશો, અથવા તમારા ગમે તેવા કર્તવ્યો હોવા છતાં તેઓ તમને છોડાવશે. એવી ખોટી ભ્રમણા તમે કાઢી નાખજો, પણ છુટકારો મેળવવા માટે લોકહીતના સુકાર્યો કરીને સવાબ મેળવો, લોકોને શિક્ષણ આપો અને જાહેલીયતને દુર કરો. જેમાંથી સવાબ હાસલ ન થાય તેવા નકામાં ખર્ચ કરો તે ખુદાતઆલા પસંદ કરતો નથી. જે ઝાડ ઉત્તમ ફળ આપતું નથી, તેવા ઝાડને કાપી નાખવામાં આવશે. ઓ ધર્મ ગુરૂઓ ! તમે લોકોને નીચોવો નહિ, ખોટા વહેમો અને રિવાજો દુર કરો, રહેમદીલ થાઓ, દયાનો માર્ગ ગ્રહણ કરો, લોકોની શું શું હાજતો છે તેની તપાસ કરો અને નાગાને વસ્ત્ર આપો અને ભુખ્યાને ખોરાક આપો અને પરહેઝગારીનો ખોટો દેખાવ, ડોળ તજી દો અને તમારી ચાલચલનમાં સુધારો કરો.

(૨૬૫/૨૬૬) 'કસસુલ અંબિયા'માં જણાવ્યું છે કે, હ. ઝકરીયા (અ.)ની વફાત વિષે એવી હકીકત મળી આવી છે કે, આપ હંમેશાં બની ઈસરાઈલીઓને વાએઝ નસિહત સંભળાવતા હતા, પણ ઈસરાઈલીઓ તે પ્રમાણે વર્તતા કે અમલ કરતા નહિ, બલ્કે સાંભળ્યા છતાં શરાથી ઉલટા ચાલતા હતા; છતાં આપે હિદાયત તો ચાલુંજ રાખી એથી લોકો આપને મારી નાખવાની વેતરણ કરવા લાગ્યા. લોકોની આવી અધમ મનોદશા જાણી હઝરત વિવશ બની પોતાનો જાન બચાવવા ગામ બહાર જઈ ઝાડથી આસરો માગ્યો, જેથી ઝાડ હઝરતને પોતામાં સમાવી લેવા વચ્ચેથી ફાટ્યું અને આપ તેમાં સંતાઈ ગયા. તે બાદ ઝાડ હતું તેવું થઈ ગયું. પણ કર્મસંજોગે આપના કપડાનો નાનકડો છેડો બહાર રહી ગયો, જેથી દુશ્મનોને આપનો પતો મળી જતા કરવત મંગાવી અને તેનાથી ઝાડને વહેરવા લાગ્યા. જ્યારે આપના માથાની લગોલગ કરવત આવી પહોંચી, ત્યારે મુશીબતથી બચવા આપે અલ્લાહના દરબારમાં અરજ ગુજારી. તરત જ જીબરાઈલ અમીન દ્વારા ખુદાતઆલાએ ફરમાવ્યું કે, હે ઝકરીઆ ! અગર જો ઉફ કરશો તો તમને સાબર પયગમ્બરો યાને સબુરી અખત્યાર કરનાર પયગમ્બરોમાં દાખલ કરીશ નહિ. યાદ કરો કે તમે મારી પનાહ માંગવાને બદલે ઝાડની પનાહ માંગી છે તો હવે સબુરી અખત્યાર કરી કત્લ થઈ જાઓ.

(૨૬૬) ઈલાહી હુકમ અનુસાર હ. ઝકરીઆ (અ.) ચુંચા કર્યા વિના, સબર સાથે માથાથી પગ સુધી દુશ્મનોના હાથે કરવતથી વહેરાઈ વફાત પામ્યા.

પોતાના પિતાની વફાત કરૂણ રીતે થયાના સમાચાર જ્યારે હ. યાહયા (અ.) એ સાંભળ્યા ત્યારે બોલ્યા કે, “ઈન્નાલીલ્લાહે વ ઈન્ના ઈલિયહે રાજેઉન” એટલે “ખચિત ખુદા તરફથી આવ્યા છીએ અને ખચ્ચિત ખુદા તરફ પાછા ફરવાનું છે.” આ આયાત ખાસ કરીને કોઈના મોતના સમાચાર મળતા પડવામા આવે છે.

“કસસુલ અંબિયા'માં લખેલ છે કે, હ. યાહ્યા (અ) પોતાના પિતા હ. ઝકરીઆ (અ.)ની વફાત બાદ હંમેશાં ઈલાહિ ઈબાદતમાં મશગુલ રહેતા હતા.

તે દરમ્યાન એક કિસ્સો એેવો બન્યો કે, બની ઈસરાઈલ કોમમાં મલેકા નામની એક સ્ત્રીને, તેના પહેલા ધણીથી એક દીકરી થઈ હતી. ત્યારબાદ તેણી શહેરના બાદશાહ સાથે નિકાહથી જોડાણી હતી. દરમ્યાન તેને એવી ઈચ્છા થઈ કે પોતાની દીકરીને તે પોતાના ભરથાર સાથે નિકાહ કરાવી આપે. જ્યારે લોકોને એ હકીકતની જાણ થઈ તો તેઓએ પણ તેને ટેકો આપ્યો. ત્યારબાદ ગામ લોકોએ હ. યાહયા (અ.) પાસે જઈ કહ્યું કે, નિકાહ પડાવી આપો. હઝરતે કહ્યું કે એ નિકાહ જાએઝ નથી.

(૨૬૬/૨૬૭) બાદશાહને એની જાણ થતા જ તેણે હુકમ આપ્યો કે, યાહ્યાને બાંધી મારી પાસે લઈ આવો. તે મુજબ લોકોએ આપને બાંધી બાદશાહ સમક્ષ હાજર કર્યા.

(૨૬૭) તરત જ હ. જીબ્રાઈલ અમીને ખુદાના હુકમથી આવીને કહ્યું કે, અય યાહ્યા ! હુકમ હોય તો આ શહેરને ગારત કરી દઉં. હ. યાહ્યા (અ.)એ કહ્યું કે, હું અલ્લાહની રજામંદી ઉપર રાજી છું. ત્યારબાદ બાદશાહે હ. યાહ્યા (અ.)ને મારી નાખવા ફરમાન કર્યું અને જલ્લાદોએ આપનું માથું મુબારક ધડથી જુદું કરી જ્યારે થાળમાં મુક્યું ત્યારે હક નાહકનો ઉપદેશ આપતા આપનુ સર મુબારક બોલી ઉઠ્યું કે “પોતાની સ્ત્રીની દીકરી સાથે નિકાહ કરવા વાજબ નથી.”

હ. યાહ્યા (અ.)ની વફાત બાદ તે સ્ત્રી પોતાની દીકરીના નિકાહ પોતાના ભરથાર સાથે કરી આપ્યા. એ પાપી કૃત્યની સજા તરીકે તેની ઉપર ઈલાહી ગઝબ ઉતર્યો. કોઈ કામ અર્થે તેણી માળ ઉપરની અગાશીમાં ગઈ. એ દરમ્યાન પવનનો એક જોરદાર સુસવાટો આવ્યો અને તેને ઉડાડી જમીન ઉપર ફેંકી દીધી તેણી જમીન ઉપર ફેંકાતાજ એક સિંહે તેને જોઈ લીધી અને તેણે તેણીને ફાડી ખાધી. જે બાદ તેનો ધણી પણ કોમ સહીત ઈલાહી ગઝબનો ભોગ બની જહન્નમનો અધિકારી બન્યો.

આવી રીતે હ. યાહ્યા (અ.) યુવાન વયે શહીદ થયા.

યા અલી મદદ