અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૨૩
રેકોર્ડીંગ - ૨૩
હ. ઈસા અલેહિસ્સલામ
(પેજ-૨૬૭) હ. ઈસા (અ.)નું જીવન વૃતાંત જાણવા અગાઉ તેમની માતા બીબી મરીયમ વિષેની હકીકત સંક્ષિપ્તમાં જાણવી ઠીક થઈ પડશે.
હ. ઈસા (અ.) બાપ વગર પેદા થયા હતા. તેઓ “રૂહઉલકુદુસ” એટલે પવિત્ર આત્મામાંથી જન્મ્યા હતા, એથી આપને “ઈસા રૂહ અલ્લાહ” પણ કહેવામાં આવે છે.
હ. ઈસા (અ.)ની માતા બીબી મરિયમ પેલેસ્ટાઈનના ગેલીલી પ્રાંતના નઝારેથ નામના ગામડામાં રહેતા હતા. બીબી મરયમના પિતાનું નામ “ઈમરાન બીન માસાન” અને માતાનું નામ “હન્ના” હતું. હન્ના હ. ઝકરીઆ પયગમ્બરના ધર્મપત્ની “ઈસબાત”ના બહેન થતા હોવાથી હ. ઝકરીઆ બીબી મરયમના માસા થતા હતા.
(૨૬૭/૨૬૮) બીબી મરયમના જન્મ પહેલા તેમની માતાને કોઈ પણ સંતાન નહીં હતું, તેથી તેણીએ માનતા કરી કે, જો ખુદાતઆલા મને ફરઝંદ આપશે તો હું તેને બૈતુલ મુકદસમાં અર્પણ કરીશ. જેથી તે પોતાની જિંદગી ખુદાની ઈબાદતમાં પસાર કરે. તે ઝમાનામાં આવી માનતા માનવાનો રિવાજ હતો.
(૨૬૮) માનતા પછી હન્નાને પુત્રના બદલે પુત્રી જન્મી, તેથી તેઓ દીલગીર થવા લાગ્યા, એથી ખુદાઈ ઈલહામ થયો કે, તમે દીલગીર થાઓ નહિ; તમારે ત્યાં જે પુત્રી જન્મી છે તે પુત્ર કરતાં બહેતર અને નેક છે. તેનું નામ “મરિયમ” રાખો.
ઈલહામ સાંભળી તેઓ ખુશ થયા અને બૈતુલ મુકદસમાં રાખવાની પોતાની માનતાને અમલમાં લાવવા મરયમના વડીલો તેણીને જેરૂસલમ લઈ ગયા.
જ્યારે બાળ મરિયમને મસ્જિદમાં મુકવામાં આવી, તે વખતે આશરે ૨૦ માણસો તેની સંભાળ લેવા માટે તૈયાર થયા. જેનો ચોક્કસ ઉકેલ લાવવા છેવટે આપસમાં સોરટી નાખવાનું નક્કી થયું અને જેનું નામ આવે તે મરયમની સંભાળ રાખે એમ ઠરાવવામાં આવ્યું. સોરટી કરવાની રીત એવી હતી કે જે કલમો વડે તેઓ તૌરેતનું પુસ્તક લખતા તે કલમ અથવા તીરો ઓરદોન નામની નદીમાં નાખે અને જેની કલમ અથવા તીર પાણીની સપાટી ઉપર ટટાર ઉભું રહે, તેણે તેણીની સંભાળ રાખવી. તેમ કરતા હ. ઝકરીયાની કલમ પાણી ઉપર સ્થિર રહી અને તેમણે મરીયમની સંભાળ પોતાને હસ્તક લીધી.
ત્યારબાદ મરિયમને બૈતુલ મુકદસમાં વિદ્યા અભ્યાસ માટે રાખવામાં આવ્યા, તેણીને શીખવવાનું હ. ઝકરીઆએ પોતાના શીરે લીધું કેમકે હ. ઝકરીઆ (અ.) મરિયમના માસા થતા હતા. વળી વૃધ્ધ હોવાથી કુમારિકા માટે તે વધુ યોગ્ય હતું.
મરિયમ ઘણા હોશીયાર હોવાથી ટુંક સમયમાં વિદ્યા અને મઝહબી જ્ઞાનમાં ખુબ પ્રવિણ બની આગળ વધવા લાગ્યા. બાર વર્ષની વય થતા મરિયમ બીજી યહુદી સ્ત્રીઓને શીખવવા સાથે પોતાનો અભ્યાસ પણ આગળ વધારતા રહ્યા હતા. તે ઝમાનામાં મુસવી, યહુદી તથા ઈસરાઈલીઓમાં સ્ત્રી તેમજ બાળકીઓને શિક્ષણ આપવાનો રિવાજ પ્રચલિત હતો.
(૨૬૮/૨૬૯) બીબી મરિયમ ઉમર લાયક થતા તેમનું સગપણ એજ નઝારેથ ગામમાં રહેતા તેમના પિત્રાઈ ભાઈ “યુસુફ” કે જે સુતારનો ધંધો કરતા હતા તેમની જોડે કરવામાં આવ્યું. સગપણ પછી અને લગ્ન પહેલા એક દિવસ બીબી મરીયમ પડદા પાછળ નહાવાને ગયા, જ્યારે નહાઈને પરવાર્યા તેવો જ તેણીને પોતાના ખંડમાં એક ખુબસુરત માણસ નજરે પડ્યો (જે ફિરસ્તો જીબ્રાઈલ અમીન હતો) તેને જોતા જ બીબી મરીયમે ગભરાતા હૃદયે કહ્યું કે, “ખચ્ચીત હું ભલું કરનારા અલ્લાહનો આસરો લઉં છું, તમો બુરા કામો કરવાથી મને બચાવનાર છો.” તેણે જવાબ આપ્યો કે, હું ફક્ત તમારા રબનો પયગામ પહોંચાડનાર છું કે, તમોને એક નેક ફરજંદ આપું.” બીબી મરીયમે કહ્યું કે, “મને કોઈ પણ ઈન્સાને હાથ અડાડ્યો નથી અને પાક દામન છું એટલે મને ફરજંદ કેમ થાય ?” ફિરસ્તાએ કહ્યું કે, ભલે તેમ હોવા છતાં રબ્બુલ આલમીન માટે બધું સહેલું છે. ખુદાતઆલા ફરમાવે છે કે, “અમે તેને ઈન્સાન માટે એક દાખલા રૂપ અને અમારી રહેમતનો દાખલો આપવા માંગીએ છીએ અને તેમ થવું નીર્માણ થએલું છે.”
(૨૬૯) બીબી મરયમ વિષે કુરઆને શરીફમાં સુરતુલ મરિયમ નામની સુરા નાઝીલ થઈ છે, ઉપરાંત અન્ય સ્થળે પણ તેણીનું વર્ણન આપવામાં આવ્યું છે.
સુરતુલ અંબીયાની આયાત ૯૧માં જણાવ્યું છે કે, “તેણી કે જેણીએ પોતાને પાક દામન રાખી હતી અને તેણીમાં અમારા રૂહને ફુંક્યું અને તેણીને અને તેણીના ફરજંદને સૃષ્ટિ ઉપર દાખલા રૂ૫ બનાવ્યા.”
લખવામાં આવ્યું છે કે, હ. જીબ્રાઈલ અમીને હ. આદમની ફુંક બીબી મરિયમના ગીરેબાન યાને પહેરેલા પહેરણના ગળામાં મારી. બીજી એક રિવાયત એમ પણ છે કે, હ. જીબ્રાઈલ અમીને બીબી મરીયમના પેટમાં હવા ફુંકી તેથી તેણીને હ. ઈસાનો હમલ રહ્યો હતો.
સુરા આલે ઈમરાન આયાત ૪૬-૪૭ નો સાર એ છે કે –
“અને ફિરસ્તાઓએ કહ્યું, એ મરિયમ ખુદાતઆલા તને ખુશખબરી પહોંચાડે છે તે માટેની કે જેનું નામ “ઈસા મસીહ” છે. જે આ દુનિયામાં અને આખરતમાં માન પામેલા છે અને જે ખુદાની નજદીકના સાહેબોમાંથી છે અને તે નાની ઉમરથી મોટી ઉંમર સુધી શીખવતા રહેશે. મરિયમે કહ્યું, ઓ મારા રબ ! મને ક્યારે ફરજંદ થશે ! હજી તો મને કોઈ માણસે અડકી નથી ! ખુદાતઆલાએ ફરમાવ્યું કે, એવી રીતે ખુદા જે ચાહે તે પેદા કરે છે. જ્યારે તે એક કામ કરવા ચાહે છે તે વખતે કહે છે “થા ! અને તે થયું જ છે. (કુન ફય કુન)” અને તે તેને તૌરત અને હીકમત શીખવશે અને ઈન્ઝીલ શીખવશે અને તેને બની ઈસરાઈલ ઉપર રસુલ બનાવશે.”
(૨૭૦) બાયબલના નવા કરારમાં કરવામાં આવેલા ઉલ્લેખનો સાર એ છે કે, બીબી મરયમના સગપણ બાદ અને શાદી થઈ તે પહેલા યુસુફ કે જે તેણીના સગપણના પતિ હતા, તેઓએ બીબી મરયમ સગર્ભા છે એમ સાંભળ્યું ત્યારે તેણીની સાથેનું પોતાનું સગપણ રદ કરવા વિચાર્યું; પણ યુસુફ સુતાર ઘણા નિતિવાન હોવાથી આવી રીતે ઉઘાડું અપમાન કરવું તેમને યોગ્ય લાગ્યું નહી. પણ કોઈક બહાના હેઠળ છોડી દેવા વિચારી રહ્યા હતા. દરમ્યાન એક રાત્રે ફિરસ્તાએ તેમના સ્વપ્નમાં આવીને કહ્યું કે, ઓ યુસુફ ! દાઉદના દીકરા (યુસુફ હ. દાઉદ પયગમ્બરના વંશમાંથી હતા.) તારી વહુ મરિયમને તેડી લાવવામાં ડર નહિ, કેમકે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તે દીકરો જણશે ને તું તેનું નામ ઈસુ પાડજે; કેમકે તે એજ છે કે જે પોતાના લોકોને તારનાર થશે.
સ્વપ્નમાં થએલી બશારત પ્રમાણે યુસુફે પોતાની સ્ત્રી મરિયમ વિષેની શંકા દુર કરી અને ત્યારબાદ તેણે તેની સાથે શાદી કરી અને પોતાને ઘેર તેડી લાવ્યા.
તે અરસામાં રોમન શહેનશાહ સીઝરે રઈયત ઉપર નવો કર નાખવા એેવો હુકમ કર્યો કે, દરેક પ્રજાજન પોતાને વતને જઈ રહે કે જેથી લોકોના નામો રજીસ્ટર કરવાનું આસાન થાય તે મુજબ બીબી મરિયમ અને તેમના પતિ નઝારથથી બેતલલહેમ ગયા, એટલા માટે કે યુસુફ દાઉદ નબીની ઔલાદના અને મદીનત દાઉદ (City of Dawid)ના રહેવાસી હતા. ત્યાં પહેંચ્યા પછી તેઓ હ. ઝકરીઆને ઘેર જઈને રહ્યા. કારણ કે હઝરતના ધર્મપત્ની મરયમના માસી થતા હતા. કેટલાક સમય બાદ ત્યાંથી પાછા ફરતા માર્ગમાં બીબી મરિયમને પ્રસવની વેદના થઈ તેથી બીબી એક ખજુરીના ઝાડની ઓથમાં થડને ટેકે જઈ બેઠા અને વેદનાને લઈ કહેવા લાગ્યા કે હું ઇચ્છું છું કે, આ પહેલા મરી ગઈ હોત અને ભુલાઈ જઈ વિસરાઈ ગઈ હોત તો સારૂં થાત.
સુર મરયમ આયાત ૨૩-૨૭માં જણાવ્યું છે કે, “પછી તેણીના પેટમાંથી તે (ઈસા) અવાઝ કરી બોલ્યો કે, તું દિલગીર થા નહિ. ખરેખર તારા પરવરદગારે તારા પગ નીચે એક નદી પેદા કરી છે અને તું તારા અંગ વડે ખજુરીનું થડ હલાવ એટલે તે તારા ઉપર તાજા અને પાકા ખજુર નાખશે. પછી તું ખા અને પાણી પી અને તારી આંખો ઠંડી કર. પછી જો તું કોઈ માણસને દેખે, તો તું કહેજે કે, ખરેખર મેં કૃપાળુ ખુદાને માટે રોજાની માનતા કરી છે તેથી હું આજે માણસ અને ફિરસ્તાઓ સાથે બોલીશ નહિ."
(૨૭૧) ત્યારબાદ બીબી મરયમે હ. ઈસાને જન્મ આપ્યો. બાયબલ લ્યૂક. પુસ્તકના પ્રકરણ બીજામાં જણાવ્યું છે કે, હ. ઈસા (અ.) આઠ દીવસના થયા ત્યારે તેમની સુન્નત કરવામાં આવી હતી.
હ. ઈસા (અ.)નો જન્મ થયો ત્યારે તેમને કપડામાં વીંટાળી ગમાણમાં સુવડાવ્યા. કારણ કે મુસાફરખાનામાં જગા નહીં હતી. હ. ઈસાને સુવડાવ્યા પછી ત્યાંના કેટલાક ભરવાડો આવ્યા. તેઓ બાળકના ચહેરા ઉપરનો પ્રકાશ જોઈ ગભરાવા લાગ્યા. તે વખતે ફીરસ્તાએ આવી તેઓને વધામણી આપી.
આ વખતે જેરૂસલમમાં રાજા હેરોદ રાજ કરતો હતો. હ. ઈસા (અ)નો જન્મ થતાં પેલેસ્ટાઈનની પૂર્વેથી માગીઓએ જેરૂસલમ આવીને પુછ્યું કે યહુદીઓનો જે શાહ જન્મ્યો છે તે ક્યાં છે ? કેમકે પુર્વમાં અમે એેવો તારો જોયો છે અને તેથી તેની કદમબોસી કરવાને આવ્યા છીએ. એ સાંભળી રાજા હેરોદ તેમજ આખું જેરૂસલમ ગભરાટમાં પડી ગયું. ત્યારબાદ રાજા હેરોદે ધર્મગુરૂ અને કાઝીઓને એકઠા કરી તેઓને પુછ્યું કે, મસીહાનો જન્મ ક્યાં થયો હોવો જોઈએ ? તેઓએ જવાબ આપ્યો કે, યહુદાના બેથલહેમમાં,એમ ભવિષ્યવાદીએ લખ્યું છે.
ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્ત રીતે તેડીને, તારો કઈ વેળાએ દેખાયો તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી અને હેરેદે તેમને બેતુલલહેમમાં મોકલતા કહ્યું કે, તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો અને તે મળ્યા પછી મને ખબર આપો કે જેથી હું પણ ત્યાં આવીને તેની કદમબોશી કરૂં. પછી રાજાનું એ મુજબનું કહેવું સાંભળીને માગીઓ ચાલ્યા ગયા. જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. તેઓ એ થંભેલા તારાને જોઈને ખુબ હરખાયા અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયો અને તેની મુલાકાત લઈ ઘણી કિંમતી ભેટ સોગંદો આપી, કદમબોશી કરી અને રાજા હેરેદ પાસે પાછા જવું નહિ એમ સ્વપ્નામાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં ચાલ્યા ગયા.
તેઓના પાછા ગયા પછી ખુદાતઆલા તરફથી ફિરસ્તાએ આવીને યુસુફને ચેતવણી આપી કે, તું ઉઠ અને બાળક તથા તેની માને લઈને મિસરમાં ચાલ્યો જા અને બીજો હુકમ થાય ત્યાં સુધી ત્યાંજ રહેજે, કારણ કે, બાળકને મારી નાખવા સારૂં હેરોદ તેની શોધ કરવાનો છે.
(૨૭૨) એ મુજબની ચેતવણી મળતા તે ઉઠયો અને બાળક તથા તેની માને લઈને મિસર ચાલ્યો ગયો અને તે ત્યાં હેરોદના મરણ સુધી રહ્યો.
જ્યારે હેરોદે જોયું કે, માગીઓએ મને ઠગ્યો છે ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને તેણે જે વેળા માગીઓ પાસે ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષના તથા તેથી નાના સઘળા બાળકો કે જેઓ બેતુલકુમમાં તથા તેની આજુબાજુમાં હતા તે સઘળાને મારી નંખાવ્યા.
રાજા હેરોદના મરણ બાદ ખુદાતઆલા તરફથી ફિરસ્તાએ આવી યુસુફને કહ્યું કે, તું ઉઠ અને બાળક તથા તેની માને લઈને યહુદાના બેતુલલહેમ દેશમાં જા કેમકે જેઓ બાળકનો જીવ લેવાની શોધ કરતા હતા તેઓ મરી ગયા છે. સુચના મુજબ બાળક તથા તેની માને લઈને યહુદાના બેતુલલહેમાં આવ્યો. રાજા હેરોદ પછી તેની જગ્યાએ “યહુદા એન્ટીપાસ” આવ્યો. કહેવાય છે કે તે વખતે હ. ઈસા (અ.)ની ઉમર ૧૨ વર્ષની હતી.
હ. ઈસા (અ.) બાર વર્ષની ઉમરે બૈતુલમુકદસ ગયા અને ત્યાં ધર્મગુરૂઓ સાથે શાસ્ત્રાર્થ કરી તેઓને મહાત કર્યા. સોળ વર્ષની ઉમર પછી ત્યાંજ પોતાનો વસવાટ કાયમ રાખ્યો અને લોકોને પોતામાં રહેલા ઉંડા તત્વજ્ઞાનનો પરીચય કરાવવા લાગ્યા. ૩૦ વર્ષ બાદ હ. ઈસા (અ.) પયગમ્બર તરીકે જાહેર થયા.
હ. ઈસા (અ.)ના જન્મથી લઈ ૩૦ વર્ષ પર્યંત હ. યાહ્યાએ લોકોને ધર્મબોધ કર્યો હતો અને તે સાથે હ. ઈશાના આવવાની આગાહી પણ કરતા રહ્યા હતા.
હ. યાહ્યાની વફાત બાદ જ્યારે હ. ઈસા (અ.) ૩૦ વર્ષના થયા ત્યારે તેમણે લોકોને મઝહબની દઆવત આપી મુરીદો બનાવવાનું કાર્ય હાથ ધર્યું.
ખ્રિસ્તીઓ હ. ઈસા (અ.)ને ખુદાના દીકરા તેમજ ખુદા તરીકે માને છે. તેમની એવી પણ માન્યતા છે કે, ખુદા પોતે ઈસાનું સ્વરૂપ ધારણ કરી આ જગતમાં માનવીઓને પાપનું પ્રાયશ્ચિત કરાવવા અને તેમનો ઉધ્ધાર કરવા આવ્યા છે. તેઓ બીબી મરિયમને ખુદાની માતા તરીકે માને છે.
(૨૭૨/૨૭૩) જ્યારે ઈસ્લામીઓ હ. ઈસાને અન્ય પયગમ્બરો જેવા પયગમ્બર હોવાનું અને ખુદાની કુદરતથી તેમનો જન્મ થયો હોવાનું માને છે અને જેઓ વખતના પયગમ્બરના ફરમાન પ્રમાણે ચાલે તેઓ જ પાપથી મુક્ત બની નજાત મેળવશે ! એવી માન્યતા ધરાવે છે. બીબી મરિયમ માટે ઈસ્લામીઓનો એવો મત છે કે, તેઓ એક પરહેઝગાર અને પાક બાનુ હતા; તેની પુજા અર્ચના કરવી એ એક પ્રકારનું શીર્ક છે.
ખ્રિસ્તીઓ હ. ઈસા (અ.) અને બીબી મરિયમની મુર્તિઓ બનાવી પુજા કરે છે, જે ઈસ્લામની દ્રષ્ટિએ ગુનાહે કબીરા ગણાય છે.
હઝરત ઈસા (અ.)નું પયગમ્બરી કાર્ય
(૨૭૩) હ. ઈસા (અ.) ૩૦ વર્ષની વયના થયા ત્યારે હ. યાહ્યા જેને બેપટીસ્ટ-જોન પણ કહેવામાં આવે છે, તેમના પાસેથી હ. ઈસા મુસવી મઝહબની (હ. મુસાના મઝહબની) દિક્ષા લીધી હતી. હ. યાહ્યા, હ. મુસા (અ.)ની કિતાબ તૌરેત પ્રમાણે બોધ કરતા હતા.
હ. ઈસા (અ.)ના વખતમાં લોકો તૌરેતની આજ્ઞા પ્રમાણે નહિ ચાલતા ધર્મગુરૂઓના મનઘડીત સિધ્ધાંતો અને ક્રિયાઓ પ્રમાણે વર્તતા હતા અને હ. મુસા (અ.)ના ધર્મતત્વનું તદ્દન રૂપાંતર કરી નાખ્યું હતું. હ. ઈસા (અ.) એ તે વખતના લોકોને અનુકુળ આવે તેવી નવી શરીઅત દાખલ કરી અને હ. મુસા (અ.)ના સિધ્ધાંતોને કાયમ રાખી તેમાં થયેલા બગાડાને દુર કરી, વાસ્તવીક માર્ગ દાખવ્યો અને શીખવ્યો હતો.
હ. ઈસા (અ.)ના હિદાયત કાળમાં યહુદિ ધાર્મિક સંપ્રદાયમાં એક “ફૈરિસિ” અને બીજો “સૈડ્યુસિ” એવા બે વર્ગ હસ્તી ધરાવતા હતા. ફૈરિસિઓ મોટા કર્મકાંડી હતા એટલે તેઓ ક્રિયાઓમાં રચ્યાપચ્યા રહેતા હતા; જ્યારે સૈડ્યુસિઓ તત્વજ્ઞાની અને સુધારક હતા. આમ બન્ને વર્ગ મુળ હ. મુસાના આદેશથી બહુજ દુર જઈ રહ્યા હતા. એ લોકો ધાર્મિક ક્રિયાઓ તેમજ તત્વજ્ઞાનની વાતો કરતા હોવા છતાં તેમના આમાલ અને આચરણ સારા નહિ હતા.
ફેરિસિઓ અને સૈડ્યુસિ વર્ગ ઉપરાંત એક પુજારીવર્ગ પણ હતો, જે સેનેગાગમંદીરમાં ધાર્મિક ક્રિયા કરાવતો. જે ‘કોહેન' તરીકે ઓળખાતો હતો; ઉપરાંત બીજો એક શાસ્ત્રી વર્ગ પણ હતો જે શાસ્ત્રોનું વાંચન કરવા ઉપરાંત તેની સમજ આપવાનું કાર્ય પણ કરતો હતો. લોકો તેને “રબ્બી” ધર્મગુરૂ તરીકે સંબોધતા હતા.
(૨૭૩/૨૭૪) અહિં એટલું જાણવું જરૂરનું છે કે, હ. યાકુબ પયગમ્બરની ઔલાદમાંથી ઉતરી આવેલાઓને બની ઈસરાઈલ તરીકે ઓળખવામાં આવે છે, પણ રાજકિય કારણે હ. દાઉદ (અ)ના ઝમાનામાં હ. યાકુબના એક પુત્ર યહુદા ઉપરથી યહુદીના નામે ઓળખાયેલા તેમજ તેમણે અલગ રાજ્યની સ્થાપના કરવાથી તેઓ યહુદીઓ તરીકે ઓળખાવા લાગ્યા હતા. ઈસરાઈલીઓ તેમજ યહુદીઓ હ. મુસા (અ.)ને માનનારા છે.
(૨૭૪) હ. ઈસાના ઝમાનામાં મુસવી મઝહબમાં ન્યાય કરનારી એકોતરી સભા હતી, જે લોકોનો ન્યાય ચુકવતી; પરંતુ તેની સત્તા માત્ર નામની જ હતી, કારણ કે, પેલેસ્ટાઈનમાં રોમન શહેનશાહ તરફથી ગવર્નરની નીમણુંક થતી અને સઘળી સત્તા તેની જ ચાલતી.
હ. ઈસા (અ.)ના વખતમાં એક દાણી વર્ગ હતો જે કર ઉઘરાવવાનો ઈજારો લઈ લોકો પાસેથી ભારે કર વસુલ કરતો. તે ઉપરાંત ભારે વ્યાજ વટાવનો ધંધો પણ ખુબ ધીખતો ચાલતો હતો. જેથી સીનેગાગની ઈબાદતગાહ વેપાર અને વેપારીઓથી ઘેરાયેલી રહેતી; મતલબ કે ઈબાદતગાહની હાલત બજારના રૂપમાં ફેરવી નાખવા જેવી કરી મુકી હતી.
યહુદીઓમાં કેટલાક કઢંગા રીવાજો ઘર કરી બેઠા હતા, જેવા કે આભડછેટ, વહેમી રિવાજ વગેરે અને ધર્મના નામે ધતીંગ દાખલ થઈ ગયું હતું. ધર્મ પાળનારાઓ પણ દંભી અને ઘમંડી બની ગયા હતા. આવી દરેક બદીઓનો નાશ કરી, ઝમાનાને અનુકુળ ધર્મ દાખવવાનું અને હિદાયત કરવાનું કામ હ. ઈસા (અ.)ને કરવાનુ હતું.
હ. ઈસા (અ) ઉપર ઈન્જીલ કિતાબ નાઝીલ થઈ હતી. હાલમાં તે કઈ કિતાબ છે તે નક્કી થઈ શકતું નથી. ખ્રિસ્તીઓ યાને ઈસાઈઓ. બાયબલના નવા કરારને ઈન્જીલ તરીકે ઓળખાવે છે. હાલની ઈન્જીલને અંગ્રેજીમાં “ગોસ્પલ” કહેવામાં આવે છે, પરંતુ જે ઈન્જીલ વિષે કુરઆને શરીફમાં વર્ણન છે, જેની વાણી માત્ર ઈલાહીવાણી છે, તે હાલમાં દેખાડવામાં આવતી ઈન્જીલ હોય એમ સાબિત થતું નથી; કારણકે હાલની ઈન્જીલ ચાર ઈસમો (વ્યક્તિઓ)ની લખેલી છે, વળી તે જુદી જુદી રીતે લખાયેલી છે અને તેમાં કેટલીક હકીકતો એક બીજાથી તદ્દન ભિન્ન અથવા તો ઉલટી પણ જોવામાં આવે છે; ઉપરાંત તેમાં અમુક એક બાબતને ખુબ મહત્વ અપાયું હોય છે તો બીજામાં તે વિષે કંઈ પણ ઇશારો કે ખુલાસો દેખાતો નથી.
(૨૭૫) ગુજરાતીમાં ઈન્જીલને સુવાર્તા તરીકે ઓળખવામાં આવે છે અને તે હ. ઈસા (અ.)ની વફાત પછી આશરે એકસો વર્ષ બાદ કે તે દરમ્યાન ચાર જણાએ લખેલી છે. સુવાર્તાના લખનારાઓ હ. ઈસા (અ.)ની હઈયાતીમાં હસ્તીમાં હોય એવી કોઈ સાબિતી મળતી નથી પણ પાછળથી સાંભળેલી હકીકતો ઉપરથી તેઓએ લખ્યું હોય એમ જણાય છે; એમ છતાં હાલમાં ઈન્જીલ તરીકે બીજું પુસ્તક હસ્તીમાં નહી હોવાથી ઈસાઈઓ સાથે શાસ્ત્રાર્થ કરવા, તેમની માન્યતા પ્રમાણેની હાલની ઈન્જીલ કિતાબનો ઉપયોગ કરવામાં આવે છે. સુવાર્તા લખનારાઓના નામો આ પ્રમાણે છે. (૧) સેન્ટ મેથ્યુ (૨) સેન્ટ માર્ક (૩) સેન્ટ લ્યુક (૪) સેન્ટ જોન. એ ચારેની લખેલી સુવાર્તાને ઈન્જીલ ગોસ્પલ તરીકે, ખ્રિસ્તીઓ ઓળખાવે છે.
હ. ઈસા (અ)એ મઝહબના પ્રચાર અર્થે એક શિષ્યમંડળ સ્થાપવાનો વિચાર કર્યો અને તેને અમલમાં મુકવા પ્રથમ ગેલીલ પ્રાંતના સરોવર કિનારે આવેલા કેપરનામ શહેરમાં જઇ ત્યાંના લોકોને ઉપદેશ આપવા લાગ્યા. એ સરોવરને કાંઠે સાયમન ઉર્ફે પીટર જેને સમઉન તરીકે પણ ઓળખવામાં આવે છે તે તથા તેનો ભાઈ એન્વદરૂ ધોબીનો ધંધો કરતા હતાં અને તેઓ હ. યુનુસના ફરઝંદો થતા હતા. તેમને સલામ કરીને તેમણે કહ્યું કે, “કપડાં શું ધુવો છો? આવો હું તમને હૃદય ધોતા શીખવું.” આ શીખામણની તેમના ઉપર અસર થઈ અને આસ્થા રાખીને તેઓ તેમની પછવાડે ચાલી નીકળ્યા. ત્યાંથી આગળ વધતા માછીમારની હોડીમાં જેમ્સ બીન ઝબદી અને તેનો ભાઈ યાહ્યા ઉર્ફે જોન બીન ઝબદી કે જેઓ માછલા પકડતા હતા, તેમને હ. ઈસા (અ.)એ બોલાવીને કહ્યું કે, “આ માછલીઓ પકડવાને બદલે ચાલો આપણે વધારે સારા પ્રાણીઓ પકડીએ.” અર્થાત મનુષ્યોને ઉપદેશ કરીએ. આ માછીઓ હઝરતની તેજસ્વી વાણી સાંભળી તેમના ઉપર ઈમાન લાવી, હોડી પોતાના પિતાને સુપ્રત કરી, હ. ઈસા (અ.)ની સાથે ચાલી નીકળ્યા.
હ. ઈસા મસીહ તેઓને સાથે લઈ કેપરનામની યહુદીઓની ઈબાદતગાહમાં ગયા અને એવી રીતે ધર્મબોધ આપવા લાગ્યા કે, જે રીતે અધિકાર સાથે કોઈ હુકમ કરતું હોય. આપના ઉપદેશની અસર લોકોના મન ઉપર એટલી ઉંડી ઘર કરી ગઈ કે લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ત્યારબાદ ત્યાંથી તેઓ સમઉનના ઘરે ગયા જ્યાં હઝરતે ઘણા બીમારોને સારા કર્યા.
(૨૭૫/૨૭૬) હ. ઈસા (અ.)ના અનેક મોજીઝામાંનો એ એક હતો કે, આપ માટીમાંથી પતંગીયાના આકારના પક્ષીઓ બનાવતા અને તેમની અંદર ફૂંક મારતા એટલે તે હવામાં ઊડતા અને અદ્રશ્ય થતા ત્યારે મરી જઈ જમીન ઉપર પડી જતા.
હ. ઈસા (અ.)ના ઝમાનામાં હકીમો ઘણા બુધ્ધીશાળી હતા. લોકોમાં તેમનો મોટો પ્રભાવ હતો. એ હકીમો ઈલાજ કરતા તે મોજીઝા જેવા ગણાતા હતા અને તેને કારણે લોકોના આચાર વિચાર ઉપર અસર પડતી હતી. આવા સંજોગોમા આ હકીમના એવા આશ્ચર્યકારક કાર્યો તોડી પાડે તેવા શખ્સની જરૂરત હોવાથી અલ્લાહે હ. ઈસા (અ.)ને કરામતો આપી હતી.
તે અનુસાર આપનો બીજો મોજીઝો એ હતો કે, ગમે તેવા બિમારોને સારા કરતા અને મુડદાને જીવતા કર્યા હતા, તેમાં એક હ. નુહ (અ.)નો પુત્ર સામ હતો જે ચાર હજાર વર્ષ અગાઉ મરણ પામ્યો હતો.
એ ઉપરાંત થોડાક ખાણામાંથી હજારો માણસોને ખવડાવતા હતા, જેનો ઉલ્લેખ ઈસ્ફહાની કુરઆનમાં આ પ્રમાણે મળી આવે છે.
(૨૭૬/૨૭૭) એક દિવસ પોતાના શિષ્યોની અરજ ઉપરથી હ. ઈસા (અ.)એ ખોરાકનો ખુમ્ચો તેમને મોકલી આપવા ખુદાતઆલા પાસે દુઆ માંગી એટલે સૌના દેખતા બે વાદળા વચ્ચેથી એક રાતો ખુમ્ચો તરત જ ઉતર્યો, જે તેઓની આગળ મુકવામાં આવ્યો એટલે હ. ઈસા (અ.)એ ઉભા થઈને વઝુ કર્યું, પ્રાર્થના કરી અને ખુમ્ચા ઉપર ઢાંકેલું કપડું ઉપાડી લીધું. શું શું ખાવાનું હતું તે માટે મુસલમાન લેખકોમાં જુદા જુદા મતો છે, પણ ઘણાએ કબુલ કરેલો મત એ છે કે, તેમાં ચરબી ટપકતી અને ભીંગડા તથા પાંખ વગરની એક તૈયાર તળેલી માછલી નજરે પડી. માછલીના માથા આગળ મીઠું અને તેની પુંછડી આગળ સરકો મુકેલો હતો અને તેની આસપાસ લસણ સિવાયના બધા ભાજીપાલા ઉપરાંત પાંચ રોટલા પણ હતા. જેમના એક રોટલા ઉપર જીત ફળનું તેલ, બીજા ઉપર મધ, ત્રીજા ઉપર માખણ, ચોથા ઉપર પનીર અને પાંચમાં ઉપર રાંધેલું માંસ હતું. તે વખતે હ. ઈસા (અ.)એ પોતાના શિષ્યોની વિનતીથી તેઓને એક વધુ ચમત્કાર દેખાડ્યો, તે એ હતો કે, હઝરતે તે માછલીને સજીવન કરી અને તેના ઉપર ભીંગડા તથા પાંખો લાવીને ફરી તેને તેની અસલ સ્થિતીમાં લાવ્યા. એ જોઈ પાસે ઉભેલા લોકો ભય પામ્યા અને તેમાંથી કાંઈ ખાધું નહીં. એટલે હ. ઈસાએ માંદા, અશક્ત અને ગરીબોને પોતાની પાસે બોલાવી એ ખાવા ફરમાવ્યું અને તે ખાધા પછી તે સઘળાની બીમારી જતી રહી. જો કે ૧૩૦ માણસોએ તેમાંથી ખાણું લીધુ હતું, છતાં ખોરાક જેટલોને તેટલો જ બાકી રહ્યો હતો. ત્યારબાદ તે ખુમ્ચો તરત જ બધાના દેખતા આસમાન તરફ ઉડી ગયો હતો અને જે લોકોએ તે ખોરાક ખાધો હતો તેઓ અશક્તિ અને માંદગીમાંથી મુક્ત થયા હતા. એ મુજબનું ખાવાનું ૪૦ દિવસ સુધી એકાંતરે ત્રણ વખત નીચે ઉતરતું અને ત્યાર પછી તે ખુમ્ચો આકાશ તરફ લઈ જવામાં આવ્યો. આશરે ૩૩૩ માણસો એને જાદુ છે એમ કહેવાથી અથવા બીજા મત પ્રમાણે તેમાંથી થોડોક ખોરાક ચોરી લેવાથી ડુક્કર બની ગયા હતા.
(૨૭૭) ઉપરાંત પાણી ઉપર ચાલવું, લોકોના શરીરમાંથી ભુતપ્રેત કાઢવા વગેરે અનેક પ્રકારના ચમત્કારો હ. ઈસા (અ.)એ દેખાડ્યા હતા, જેનું સવિસ્તાર વર્ણન બાઈબલના નવા કરારમાં કરવામાં આવ્યું છે.
ચાર શિષ્યો બનાવ્યા બાદ કેપર નામના બંદર ઉપર જકાત ખાતાના કારભારી લેવી બીન અલફીઅસ જેને સેન્ટ મેથ્યુ કહે છે તેને હ. ઈસાએ હિદાયત કરી એથી તે પણ તેમની સાથે ચાલી નીકળ્યો. ત્યારબાદ તેમણે જેમ્સ બીન અલફીઅસ, યહુદા બીન અલફીઅસ, સમઉન કનઆની, યહુદા સહરબુતા, થોમસ, ફીલીપ, બારથો લોમીઓ એમ બાર જણાનું શિષ્યમંડળ બનાવ્યું, જેને હવ્વારીયુન તરીકે એાળખવામાં આવે છે.
હ. ઈસા (અ.) પેલેસ્ટાઈનના નાના મોટા દરેક ગામડામાં ફરતા અને પોતાની સાથે હવ્વારીયુનને પણ ફેરવતા અને તેની પાસેથી પણ હિદાયત કરાવતા હતા. હ. ઈસા ઘણા ભાગે ગરીબ મજુર વર્ગના લોકોને ઉપદેશ આપતા અને પાપી પતિત થયેલાઓને પણ હિદાયત કરતા હતા અને તેઓના પાપની માફી આપી દિક્ષા આપતા. તેઓશ્રી કેાઈની આભડછેટ રાખતા નહિ.
એક વખત એક ફોરિસીએ હ. ઈસાને હવ્વારીયુન સહીત જમણની દઆવત આપી. જમણ લીધા બાદ ત્યાં એક હલકો ધંધો કરનારી સ્ત્રી આવી ઝાર ઝાર રડવા લાગી, એટલે સુધી કે તેણીએ પોતાના આંસુઓથી હઝરતના પગ ભીંજવી નાખ્યા. ત્યારબાદ તેને ખ્યાલ આવ્યો કે, પોતાના કલુષિત આંસુથી હઝરતના ચરણો અપવિત્ર થયા હશે એમ માની તે સ્ત્રીએ પોતાના માથાના વાળથી આપના પગને સ્વચ્છ કરી પોતે કરેલા પાપો માટે તૌબા કરવા લાગી, તેથી આપે તેના સઘળા પાપો માફ કર્યાં, જે ત્યાં બેઠેલા આમ વર્ગના માણસોને રચ્યું નહિ. એટલે કહેવા લાગ્યા કે, આવી પાપી સ્ત્રીના ગુનાહ કેમ માફ થાય ?
(૨૭૭/૨૭૮) તેના જવાબમાં હ. ઈસા (અ.)એ ફરમાવ્યું કે એક શેઠના બે કરજદાર હોય જેમાં એક પાંચસોનો અને બીજો પચાસનો દેવાદાર હોય. એ બન્નેને જો માફ કરવામાં આવે તો તેમાંથી વધુ ખુશી કોણ થશે ?
(૨૭૮) હવ્વારીયુન (અસહાબો)માંથી સાયમને કહ્યું કે, પાંચસોનો દેવાદાર વધુ ખુશ થાય.
હ. ઈસા (અ.)એ જણાવ્યું કે, તેજ મુજબ આ સ્ત્રીએ વધુમાં વધુ પાપ કર્યા છે, પણ તેને માફ કરવાથી તે કેટલી બધી ખુશ થઈ ? ત્યારબાદ હ. ઈસાએ તે સ્ત્રીને દિક્ષા આપી મઝહબમાં દાખલ કરી.
ત્યારબાદ લોકોએ એક ઝારકર્મ સ્ત્રીને પકડી લાવી હ. ઈસા (અ.) પાસે હાજર કરતા કહ્યું કે, આ ઝારકર્મ સ્ત્રી છે અને તેને પત્થરથી મારી નાખવી જોઈએ, એવું હ. મુસાના નિયમ શાસ્ત્રમાં લખેલું છે; માટે તે વિષે આપનો શું અભિપ્રાય છે ? પુછનારાઓની મુરાદ એવી હતી કે હ. ઈસા, હ. મુસાના શાસ્ત્રથી વિરૂધ્ધ મત ઉચ્ચારતાંજ તેમની ઉપર અધર્મી હોવાનું તહોમત ચડાવવું. હ. ઈસા (અ.)એ ઉત્તર આપતા ફરમાવ્યું કે, તમારૂં કહેવું બરાબર છે, માટે તમારામાંથી જે કોઈ નિષ્પાપી હોય તે આ સ્ત્રીને પ્રથમ પથ્થર મારે. એ સાંભળી આવનારાઓ એક પછી એક ત્યાંથી ચાલ્યા ગયા, કારણ કે તેઓમા કોઈપણ જાતનું પાપ કર્યું ન હોય એેવો એક પણ શખ્સ હતો નહિ.
પેલી સ્ત્રીને ત્યાંજ બેઠેલી જોઈ હ. ઈસાએ ફરમાવ્યું કે, અય બાઈ ! તું હવે તારે ઘેર જા અને હવેથી પાપના કામો કરીશ નહિ.
હ. ઈસા (અ)નો ઉપદેશ ઢોંગી ધર્મગુરૂઓ, લોકોને ચુસનારા વ્યાજખાઉ શ્રીમંત અને અંધશ્રધ્ધાળું કર્મકાંડીઓ વિરૂધ્ધ હંમેશા થતો હોવાથી તેઓ બહુજ રોષે ભરાતા અને આપના ઉપદેશનો અનર્થ કરી કોઈપણ રીતે આપને રાજદ્રોહી કે ધર્મદ્રોહી ઠેરાવવા મથતા હતા.
હ. ઈસા (અ.) જે ઉપદેશ કરતા હતા તેનો સાર એ હતો કે, લોકોમાં મોટામાં મોટો તે ગણાય કે જે લોકોનો નોકર થઈ રહેવા કબુલ કરે, જે કોઈ પોતાને મોટો કહેવડાવવાની કોશીશ કરતો હોય તે હલકોજ ગણાય, જે કોઈ નમનતાઈથી ચાલતો હોય તેજ ખરી રીતે મોટો માણસ છે.
અફસોસ ! ઓ કાઝીઓ ! અને ધર્મઢોંગીઓ ! તમે યતીમ અને વિધવાના માલને પણ ખાઈ જાઓ છો અને નેક દેખાવા માટે લાંબી લાંબી ઈબાદત કરો છો પણ ખચ્ચીત માનજો કે આવા કામ કરનાર જહન્નમમાં જશે.
(૨૭૯) અફસોસ ! એ આંધળાઓ ! તમારી પાસે જે સચ્ચાઈથી વર્તે તેનો કોઇ હિસાબ નથી પણ જે તમને સોનાના ચાંદલા કરે છે તેજ નેક છે એમ માનો છો.
અફસોસ ! એ આંધળા ભોમિયાઓ ! તમે આંખની કીકી જેવી વસ્તું માટે ઈમાનદારી બતાવો છો પણ હાથીઓને હજમ કરી જાઓ છો. તમારી પાઘડી સફેદ અને ચોખ્ખી છે પણ તમારૂં અંદરનું દિલ લોકો પાસેથી નીચોવેલા અને જુલ્મોથી લીધેલા પૈસાથી ગંદુ થઈ ગયું છે.
અફસોસ એ કાઝીઓ અને ઉલમાઓ ! તમે સફેદ ચુનો લગાવેલા ઉજળા કુબા જેવા છો, જે દેખાવમાં ઘણા શોભીતા છે પણ તેની નીચે મરેલા માણસોના હાડકા ભરેલા છે.
આવા અનેક પ્રકારના સત્ય ઉપદેશથી યહુદી ધર્મગુરૂઓ, ધર્મ ઢોંગીઓ અને શ્રીમંતોનો રોષ ભભુકી ઉઠ્યો હતો અને જેમ તેઓએ હ. યાહ્યા પયગમ્બરનો વધ કર્યો હતો તેમ હ. ઈસા (અ.)ને મારી નાખવાનો લાગ પણ તેઓ શોધી રહ્યા હતા.
યા અલી મદદ
