અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૨૪
રેકોર્ડીંગ - ૨૪
હ. ઈસા (અ.)
(પેજ-૨૭૯) હ. ઈસા (અ.)ના વખતમાં જે હવારીયુન (અસહાબો) હતા તેઓમાં અગ્રગણ્ય તરીકે સેન્ટ પીટર ઉર્ફે સમઉન સફા હતા. તેઓ હ. ઈસા (અ.) પછી ઈન્જીલ કિતાબ પ્રમાણે અથવા તેમના ઉપદેશ ઉપરથી તારવેલા સિધ્ધાંત મુજબ મઝહબનો પ્રચાર કરતા હતા. હ. સમઉન (અ.), હ. મુસાના નીયમ શાસ્ત્ર પ્રમાણે તેમજ હ. ઈસા (અ.)ના આદેશ અનુસાર સુન્નત (ખત્ના) કરવાનો ઉપદેશ કરતા હતા; પણ સેન્ટ પિલ અને ધર્મ પ્રચારકો તેમનાથી વિરૂધ્ધ પ્રચાર કરતા હતા. મતલબ કે હાલના ઈસાઈ ધર્મના જે સિધ્ધાંતો છે, તે સેન્ટ પિલ અને તે પછીના ધાર્મિક પ્રચારકોના પ્રચાર અનુસારના જોવામાં આવે છે. તેની સાબીતી એ છે કે હાલના ખ્રિસ્તીઓ સુન્નત કરાવતા નથી, જ્યારે સુન્નત કરાવવી એ તેમના ખરા ધાર્મિક યકીદા પ્રમાણે તેઓ ઉપર ફરજ છે.
જ્યારે એક તરફથી ધર્મગુરૂઓ હ. ઈસા (અ.)ને શહીદ કરવાની કોશીષમાં હતા, ત્યારે હઝરત જેરૂસલમ આવીને ઉપદેશ દેવા લાગ્યા કે, તમે મને ગોતી નહિ શકો, જ્યાં હું રહું છું ત્યાં તમે પહોંચી નહિ શકો, હું યહુદીઓના પુર્વજોના પહેલાનો છું. આ મંદિરને તોડીને ફરીથી બાંધી શકું છું. આવા ગુઢાર્થ ભર્યા આધ્યાત્મિક ઉપદેશને ધર્મગુરૂઓ, ફેરિસિઓ તેમજ અન્ય લોકો સમજી ન શક્યા, જેથી આપના ઉપર અનેક જાતના તહોમતો ચડાવવા લાગ્યા.
(૨૮૦) એટલામાં પાસ ઓવરનો તહેવાર આવ્યો. તે દિવસની સાંજે યહુદી લોકો ઘેટાના બચ્ચાની કુરબાની કરે છે અને બીજા સાત દીવસ સુધી ખમીર વગરની રોટલી ખાય છે. (The day of unleaveued bread) તેને પાસ ઓવરના તહેવારો કહેવામાં આવે છે. એ તહેવારો હ. મુસા (અ.) જે દિવસે મિસરથી રવાના થયા, તેની આગલી સાંજે હ. મુસાના હુકમ મુજબ કરેલી કુરબાની અને તેનો ભુંજેલો ગોસ્ત અને ખમીર વગરની રોટલી જે સફરમાં સાથે લેવામાં આવી હતી. તેની યાદદાસ્ત જાળવી રાખવાની છે.
હ. ઈસા (અ.) આ વખતે પોતાના સાથીઓ સહીત બીથાની નામના ગામડામાં હતા. આપને આપના સાથીઓએ પુછ્યું કે, આજે સાંજે પાસ ઓવરનો તહેવાર છે તો ખાણું ક્યાં લેશું ? ઈસા મસીહે જણાવ્યું કે, જેરૂસલમમાં ફલાણા શખ્સને ખબર આપો કે, મારો દિવસ આવી પહોંચ્યો છે માટે આજે સાંજે તમારે ત્યાં ખાણું લઈશું.
તે મુજબ હ. ઈસા (અ.) પોતાના ૧૨ સાથીઓ સાથે સાંજના સમયે તેને ધરે ગયા અને ખાણું લેવા બેઠા. તે વખતે આપે જણાવ્યું કે, ખચીત તમારામાંથી એક જણ મને દગો દેશે.
હ. ઈસા (અ.)ની આગાહી સહરબુતા માટે હતી અને તે સાબિત થઈને જ રહી, કારણ કે રાત્રીનું ખાણું લઈ સહરબુતા ગામમાં ગયો, જ્યારે હ. ઈસા (અ.) ત્રણ હવ્વારીયુનને લઈ ઓલીવની ટેકરી ઉપર ગયા, જ્યાં આખી રાત ઈબાદતમાં ગુજારી અને પરોઢીએ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે સહરબુતા સાથે વડા ધર્મગુરૂના માણસો હ. ઈસા (અ.)ને પકડવા આવ્યા હતા. તેઓ હઝરતને પકડી વડા ધર્મગુરૂ કેફા પાસે લઈ ગયા.
કેફાએ હ. ઈસા (અ.)ની વિરૂધ્ધમાં શું કહેવું છે તે વિષે લોકોને સવાલો પુછ્યા અને પછી કેસ ચલાવવામાં આવ્યો. આવો કોઈપણ મુકદમો ચલાવવાને માટે એકોતેરી સભા ભરાતી, જેનો છેવટનો ફેંસલો વડો ધર્મગુરૂ આપતો. પુછપરછ ઉપરથી લોકોએ જણાવ્યું કે, આ શખ્સ અમારી ધાર્મિક લાગણી દુભાવે છે તેથી અમે ઘણા ઉશ્કેરાઈ ગયા છીએ. તે અમારા ધર્મગુરૂ માટે એવા શબ્દ બોલે છે જે અમારાથી સહન થતા નથી માટે તેને સજા થવી જોઈએ અને સુળીએ ચડાવી તેનું માથું ઉતારી લેવું જોઈએ.
(૨૮૦/૨૮૧) વડા ધર્મગુરૂ અને આગેવાનોએ હ. ઈસા (અ.) ઉપર તહોમત મુકી, તેમને મોતની સજા કરવાનો ઈરાદો કર્યો પણ પોતાને તેવી સજા કરવાનો અખત્યાર નહિ હોવાથી અને તે માટે રોમન ગવર્નરની રજા મેળવવી જરૂરી હોવાથી હ. ઈસા (અ.) ઉપર તહોમત મુકવામાં આવ્યુ કે, તેઓ રાજદ્રોહી છે કારણ કે તે રોમન સત્તા ઉથલાવી નાખી પોતે બાદશાહ થવા ઈચ્છે છે, હઝરતના ઉપર આવા આરોપો મુકી તેમને કેદ કરી રોમના ગવર્નર 'પોનટસ પાઈલેટ’ પાસે મોકલી દેવામાં આવ્યા. પોનટસે વડા ધર્મગુરૂ અને લોકોની ખ્વાહેશ પ્રમાણે હ. ઈસા (અ.)ને શુળીએ ચડાવવાની શિક્ષા ફરમાવી.
(૨૮૧) ખ્રિસ્તીઓના મત પ્રમાણે હ. ઈસા (અ.)ને જ્યારે શુળી ઉપર લઈ જવામાં આવ્યા ત્યારે અને આપનો કેસ ચાલ્યો તે વખતે સઘળા હવ્વારીયુન આપનો ત્યાગ કરી નાસી છુટ્યા હતા. માત્ર પીટર સભાગૃહની બહાર શું થાય છે તે જોવા ઉભો રહ્યો હતો, એટલામાં કોઈને ખબર પડી કે પીટર બહાર ઉભો છે એટલે તરતજ એક જણે કહ્યું કે, આ માણસ પણ ઈસાની સાથે રહી તેના કામમાં મદદ કરતો હતો. એ સાંભળી પીટરે ફરી ફરીને ત્રણ વખત કહ્યું કે, ઈસા કોણ છે તેની મને ખબર નથી.
આ માટે ચોખવટ કરતાં “માત્થી” પોતાની બાયબલમાંની સુવાર્તામાં આ પ્રમાણે લખે છે. “ત્યારે ઈસુ તેઓને કહે છે કે, તમે સૌ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો. ત્યારે પીટરે ઉત્તર દેતાં કહ્યું કે, જે બધા સંબંધી ઠોકર ખાશે, તો પણ હું ઠોકર નહિ ખાઈશ. ઈશુએ તેને કહ્યું કે, હું તને ખચિત કહું છું કે આજ રાત્રે મુરઘો બોલ્યા પહેલા ત્રણ વખત તું મારો નકાર કરીશ. પીટર તેને કહે છે, જો તારી સાથે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નહિ જ કરીશ.
(૨૮૧/૨૮૨) હ. ઈસા (અ.)ને શુળી અર્થાત કેસ ઉપર ચડાવી શહીદ કર્યા બદલ ખ્રિસ્તી તથા મુસલમાનોમાં મતભેદ છે અને તે વિષે ખ્રિસ્તી પાદરી અને ઈસ્લામી મોલવીઓ વાદવિવાદ કરી, પોતપોતાના મતમાં મક્કમ રહે છે. કુરઆને શરીફ સુરા અન નિસા આયાત ૧૫૭માં ખુદાતઆલાએ ફરમાવ્યું છે કે :-
(૨૮૨) અને તેઓ કહે છે કે, ખચિત અમોએ મસીહ ઈસા ઈબ્ને મરિયમને કત્લ કર્યા, પણ તેઓએ તેમને કત્લ કર્યા નથી, ને શુળી પણ આપી નથી; પણ તેઓ તે બાબત વહેમમાં જ રહ્યા છે અને જેઓ એ વાતમાં મતફેર રાખે છે, તેઓ માત્ર શકના સબબથી. (યાને શંકાશીલ બની વાદવિવાદ કરે છે.)”
હ. ઈસા (અ.) ૩૬ વર્ષની ઉંમર ભોગવી વફાત પામ્યા હતા, અથવા આસમાન ઉપર ચાલ્યા ગયા હતા. તેઓ ખરી રીતે ૩૦ વર્ષની ઉંમર બાદ પયગમ્બરી કાર્ય કરી દીને ઈલાહી માટે સતત ७ વર્ષ મહેનત કરી દઆવતનું કાર્ય કરી, પોતાના પુર્વજો હ. મુસા તથા હ. ઈબ્રાહીમ (અ.)ના આદેશોને નવા સ્વરૂપમાં રજુ કરી અસલનો જુનો મઝહબ કાયમ કર્યો હતો, પરંતુ પાછળથી હ. ઈસાના આદેશોને ફેરવી નાખી ઈસાઈઓએ મઝહબની મનઘડીત રીતે સ્થાપના કરી, નવીન ઈસાઈ ખ્રિસ્તી ધર્મ ઉત્પન્ન કર્યો છે.
હ. ઈસા (અ)ને હિબ્રુ ભાષામાં “યોશુઆ” અથવા “યશુઅ” કહેલ છે જેને અરબ લોકો અપભ્રંશ કરી “ઈસા” અને ગ્રીક લોકો (Jesus) ઉચ્ચાર કરે છે. મસીહાનો અર્થ “તેલ ચો૫ડી અભિષેક કરવો” એે થાય છે. હિબ્રુ ભાષામાં “મસીહા” અને ગ્રીકમાં “ક્રાઈસ્ટ” કહે છે. જ્યારે અંગ્રેજીમાં ક્રાઈસ્ટનો અર્થ (Anointed) એટલે તેલ ચોપડી અભિષેક કરેલો થાય છે. ખ્રિસ્તીઓ યુવરાજ અથવા ગાદીવારસ એે અર્થ કરે છે. મસીહાનો અર્થ મુડદાને સજીવન કરનાર પણ થાય છે.
હ. ઈસા (અ.) અને જમજમા બાદશાહની ખોપરી
(૨૮૨/૨૮૩) “કસસુલ અંબિયા”માં જણાવ્યું છે કે, એક વખત હ. ઈસા (અ.) શામ દેશની વેરાન ભુમી ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં માણસના માથાની એક જુની ખોપરી આપને જોવામાં આવી; એ જોઈ હ. ઈસા (અ.)એ ખુદાતઆલાના દરબારમાં અરજ ગુજારી કે, "યા બારીતઆલા ! આ ખોપરીને વાચા બક્ષ કે જેથી તે મારી સાથે વાતચિત કરે.” ખુદાતઆલાએ ફરમાવ્યું કે, અય ઈસા ! તું એને જે જે પુછશે તેનો તે જવાબ આપશે.
(૨૮૩) હ. ઈસા (અ.)એ કહ્યું કે, અય ખોપરી ? ખુદાના હુકમથી બોલ ! ત્યારે ખોપરી બોલી, “અશહદો અન લાઈલાહા ઈલલ્લાહ વ અશહદો અન્ન ઈસા રૂહ અલ્લાહ” અને તેણે વધુમાં કહ્યું કે, હું બાદશાહ જમજમા, સખી મર્દ, સૈયદ અને પસંદ કરાએલો હતો. અનેક બાદશાહ મારા તાબામાં હતા. હું દુનિયાની દૌલત, જાહોજલાલી અને ઈજ્જતથી ભરપુર હતો. અય પયગમ્બરે ખુદા ! જો હું મારી જાહોજલાલીની વિગત રજુ કરૂં તો આપ તાજુબ થશો, કારણ કે મેં શાનોશૌકત સાથે ચારસો વર્ષ બાદશાહી કરી હતી. આવી રીતે તેણે પોતાની હઈયાત જીંદગીમાં બનેલા બનાવોની વધુ હકીકત રજુ કરતાં કહ્યું કે, હું દરરોજ ફકીર અને મોહતાજને દીનાર આપતો, ભુખ્યાઓને ભોજન તથા નાગાઓને વસ્ત્ર આપતો હતો અને હું બુતપરસ્ત હતો. મારા મૃત્યુને આજે સો વર્ષ વિતી ચુક્યા છે.
મારી હઈયાતી દરમ્યાન એક દિવસ એવું બન્યું કે, હું બેઠો હતો તે અરસામાં ગરમીની મોસમ ચાલું હતી. તે વખતે મારા શરીરમાં સુસ્તી પેદા થઈ, તે સાથેજ હું પારાવાર બેચેની અનુભવવા લાગ્યો, એટલે પથારીમાં જઈ પડ્યો. તરતજ મેં મારા નોકરોને કહ્યું કે, મારો ઉપચાર કરો, તેવાજ મહાન અને મોટા અફલાતુન હકીમો મારા ઈલાજ માટે કામે લાગી ગયા, પણ તેમના ઈલાજો મારા માટે કારગત નીવડ્યા નહિં.
(૨૮૩/૨૮૪) આમ ચાર દીવસ તો જેમ તેમ નીકળી ગયા અને પાંચમા દિવસે મારી હાલત ઘણી ગંભીર બની ગઈ અને મારી ઝબાન બંધ થઈ ગઈ, મોઢું કાળું પડી ગયું, શરીર કંપવા લાગ્યું, આંખની રોશની ચાલી ગઈ અને હું બેહોશ થઈ ગયો. બેહોશીવાળી સંકરાત દરમ્યાન મારા સામે એક શખ્સ યાને મલકુલ મૌત દેખાણો કે જેની શિકલ ઘણીજ ભયંકર હતી અને તેને અનેક વિક્રાળ મોઢા અને અનેક હાથ હતા. તેને જોતાં જ હું ભયતીત બની ગયો અને ગીરીયાઝારી તથા કાલાવાલા કરવા લાગ્યો, ૫ણ તેણે મારૂં કંઈ સાંભળ્યુ નહિ. તેની સાથે બીજા પણ મવકકલ યાને તાબેદાર ફિરસ્તા હતા. તે બધાના હાથમાં, અગ્નિ ઝરતા ગુરંજ અને તિક્ષ્ણ હથિયારો હતા, જે વડે તેઓ મારા ઉપર ટુટી પડ્યા અને મારા આખા શરીરની નસો તથા તંતુઓમાંથી મારો જીવ ખેચવા લાગ્યા. અય પયગમ્બરે ખુદા ! મારા શરીરમાંથી પ્રાણ નીકળતા મને એવી અસહ્ય વેદના થઈ કે જાણે કોઈ ઝીણા કપડાંને કાંટાળા ઝાડ પર બીછાવ્યા પછી, તેના એક છેડાને ખેંચતા જેમ કપડાનો તાંતણે તાંતણો ખેંચાઈ પીંખાઈ છુટો પડી જાય છે તેવી રીતે મારા જીવને કબ્ઝ કરવામાં આવ્યો.
(૨૮૪) વળી થોડીકવાર પછી મારો પ્રાણ ફરી દેહમાં દાખલ થયો ત્યારે મેં પોતાને કબરમાં જોયો. તે સાથે મુનકીર અને નકીર ઉપરાંત બીજા અઝાબ દેનારા ફિરસ્તાઓને જમીન ચીરી મારી પાસે આવતા મેં જોયા, તેવો જ હું ગભરાઈ ગયો. તે પછી તેઓએ મને કહ્યું કે, તેં જે નેકી બદી કરી છે તે લખ અને તેની મજાહ ચાખ. મેં દુનિયામાં જે જે કામો કર્યા હતા, તે સઘળા મને ત્યારે એક પછી એક યાદ આવવા લાગ્યા, જેને મેં મારી આંગળીથી આબે દહન યાને મોઢાના થુંક વડે મારા કફન ઉપર લખ્યા.
ત્યારબાદ તેઓએ મને સાત સવાલો તોહિદ યાને ખુદાની એકતા અર્થાત ખુદા એક છે એ વિષે પુછ્યા. જેના જવાબો હું આપી શક્યો નહિ. મને નિરઉત્તર યાને લાજવાબ થયેલો જોઈ તેઓ અગ્નિના ગુરંજો મારી મને તકલીફ આપવા લાગ્યા. મેં આવું દુઃખ નહીં આપવા ઘણી ઘણી આજીજી કરી પણ તેની તેઓ ઉપર કાંઈ અસર થઈ નહિ. ત્યારબાદ તે ખોપરીએ પોતા ઉપર મૌત દરમ્યાન અને પછી એક પછી એક જે જે દુઃખો પડ્યા હતા તેનું વિસ્તારીને વર્ણન કર્યું.
ખો૫રીની આ હકીકત સાંભળી હ. ઈસા (અ.) પુકારીને હૃદયને હચમચાવી મુકે એવી રીતે ખુબ રડ્યા એટલે સુધી કે તેઓશ્રી બેહોશ થઈ ગયા; પછી જ્યારે હોશમાં આવ્યા ત્યારે એજ જુની ખોપરીએ પોતાની અધુરી કથનીને આગળ ચલાવતા કહ્યું કે, અય પયગમ્બરે ખુદા ! મેં દુનિયામાં કંઈક સવાબના કામો પણ કર્યા હતા. ભુખ્યા તરસ્યાઓને ખવડાવ્યું હતું, નાગાઓને શરીર ઢાંકવા વસ્ત્ર આપ્યા હતા અને ગરીબ મોહતાજોની હાજતો પુરી પાડી હતી. એ પુન્યના પ્રતાપે આજે ખુદાતઆલાએ આવી વેરાન જગ્યામાં મને આપની માનભરી મુલાકાતનો લાભ આપે છે અને તે પણ એટલા માટે કે, મારા જેવા અધમ અને ગુનેહગારના હાલ ઉપર આપને દયા આવે અને આપ ઈલાહિ દરબારમાં દુઆ કરે કે જેથી મારો છુટકારો થાય.
યા નબીયુલ્લાહ ! હું ઈલિયાસ નબીની કોમમાંથી છું. હવે આપ આ ગુનેહગારના હકમાં દુઆ કરો કે જેથી ખુદાવંદ આલમીન મને આઝાબમાંથી છુટકારો આપે અને ફરી મને જીવતો કરી દુનિયામાં મોકલે.
(૨૮૫) ત્યારબાદ હ. ઈસા (અ.)એ તેના હકમાં ખુદાતઆલાની હુજુરમાં દુઆ માગી. ઈલાહિ દરબારથી હુકમ થયો કે, અય ઈસા ! રોઝે અઝલમાં લખ્યું છે કે, તારી દુઆથી હું તેને જીવતો કરીને ફરી દુનિયામાં મોકલીશ અને હું તેને આઝાબથી મુક્ત કરીશ; કારણ કે દુનિયામાં તે એક સખી હતો. હ. ઈસા ઈલાહી પયગામ સાંભળી ખુદાનો શુક્ર અદા કર્યો અને પ્રસન્ન થઈ જમજમા બાદશાહની ખોપરી ઉપર દુઆ માંગી કે તરતજ તેનું શરીર તૈયાર થઈ ગયું અને જમજમા જીવતો થઈ બોલી ઉઠયો, “અશહદો અન્ન લાઈલાહા ઈલલ્લાહ વ અશહદો અન્ન ઈસા રૂહ અલ્લાહ.”
ત્યારબાદ જમજમા દુનિયા ઉપર ૮૦ વર્ષ જીવતો રહી, ઈબાદતે ઇલાહીમા હંમેશા મશગુલ રહેવા લાગ્યો અને તેણે માત્ર એક અલ્લાહ ઉપર ઈમાન રાખી નેકીના કાર્યમાં જિંદગી પસાર કરી અને છેલ્લા દમ સુધી સાચા રસ્તા ઉપર મુસ્તકીમ રહી દુનિયાનો ત્યાગ કર્યો. જેથી ખુદાવંદે કરીમે તેના ગુનાહ માફ કર્યા અને તે જન્નતનશીન થયો.
યા અલી મદદ
