અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૨૫
રેકોર્ડીંગ - ૨૫
ખાતેમુલ અંબીયા
હ. મોહમ્મદ મુસ્તફા રસુલ (સ. અ. વ.)
(પેજ-૨૮૬) ખાતેમુલ અંબિયા હ. મોહમ્મદ મુસ્તફા રસુલ (સ.અ.)ની જન્મભુમિ અરબસ્તાન છે, આથી આ પ્રકરણમાં હ. રસુલ કરીમના જીવન અને કાર્યની રૂપરેખા રજુ કરવા પહેલા આપના આગમન પુર્વેની આરબ પ્રજાની સ્થિતિ અને તેની જીવન પધ્ધતિનો ટુંકમાં ઉલ્લેખ કરવો જરૂરી છે.
હ. મોહમ્મદ મુસ્તફા રસુલ (સ. અ. વ.)ના આગમન પુર્વેનું આરબ પ્રજાનું જીવન.
અરબસ્તાનમાં વસવાટ કરતી આરબ પ્રજા શુરવીર, ટેકલી અને ખડતલ હોવા છતાં હ. રસુલ કરીમના આગમન પુર્વે અશિક્ષિત અને બીન કેળવાએલી હોય, તે સમયની તેમની રહેણીકરણી, જીવનપધ્ધતિ અને ધાર્મિક રીવાજો ખુબ “ઘ્રુણાસ્પદ અને માનવતા વિરૂધ્ધના હતા.
તે સમયે આરબો જુદા જુદા કબીલાઓમાં વહેંચાએલા હતા. કબીલાઓ વચ્ચે વંશપરંપરાગત વેરભાવ ચાલ્યા આવતા હતા. આ કારણે આરબોમાં હંમેશાં આપસમાં ટંટા ફિસાદ અને લડાઈઓ થયા કરતી હતી. આવા ટંટા ફિસાદ અને લડાઈઓમાં જ આરબની સઘળી શકિત ખર્ચાઈ જતી હતી.
ઈ.સ.ની છઠ્ઠી સદી સુધી અરબસ્તાનમાં કોઈ એક રાજસત્તા નહોતી. આ સમયે સંખ્યાબંધ નાની મોટી સત્તાઓ સ્થપાતી અને વિલીન થઈ જતી. આમ દેશના વહીવટમાં અંધકાર અને અંધાધુંધી હોવાથી આરબોને કાબુમાં રાખે તેવી કોઈ મહાસત્તા હસ્તી ધરાવતી ન હતી.
(૨૮૭) સામાજિક અને નૈતિક રીતે આરબો જે જીવન જીવતા હતા તે ઉપરથી તેઓની ઘોર અજ્ઞાનતા જણાઈ આવતી હતી. સ્ત્રીઓની હાલત તે સમયે ખુબ દયાજનક હતી. સ્ત્રી સન્માનનો સંપુર્ણપણે નાશ થયો હતો. આરબો સ્ત્રીઓ સાથે હલકો અને તિરસ્કારયુક્ત વર્તાવ કરતા હતા. તેઓને ત્યાં જ્યારે પુત્રીનો જન્મ થતો તો તેને મારી નાખવા સુધીની હદે પહોંચતા હતા. પોતાની પુત્રી બીજાને ઘરે જાય અને પોતાનો કોઈ જમાઈ થાય એ બાબતને તેઓ હિણપદ માનતા હતા.
અરબસ્તાનમાં ગુલામગીરીનો કનિષ્ટ રીવાજ સામાન્ય રીતે જોવામાં આવતો. આવા ગુલામ પુરૂષો સાથે નિર્દયતાભર્યો વર્તાવ રાખવામાં આવતો હતો. સ્ત્રીઓને વારસામાં કંઈ હક્ક મળતો નહિ. પુરૂષ અનેક સ્ત્રી સાથે લગ્ન કરતો અને તે સ્ત્રીઓને પોતાની મરજીમાં આવે ત્યારે કંઈ પણ હક્ક આપ્યા વિના તલ્લાક આપી દેતો હતો.
નૈતિક રીતે પણ આ લોકોનું પતન જ થએલું હતું તેઓ દારૂ, જુગાર અને લુંટફાટમાં જકડાએલા હતા. અરણ્યવાસી અરબનો મુખ્ય ધંધો ઉંટ, ઘેટા, બકરા, ઘોડા, ખચ્ચર વિગેરે રાખવાનો હતો. આ માલધારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રાણીઓને ઘાસ ચારાની સગવડ પ્રમાણે લઈ જતા અને કામચલાઉ તંબુ ઉભા કરી તેમાં તેઓ રહેતા. ગામવાસીઓ ખેતી અને વેપાર કરતા તેમ કેટલાક નોકરી અને હુન્નર ઉદ્યોગ પણ કરતા.
વર્ષના આઠ મહિના દરમ્યાન અરબો લુંટફાટ, ટંટા ફિસાદ અને લડાઈ ઝગડામાં જ પસાર કરતા. બાકીના ચાર મહિનાને પવિત્ર સમજી આ સઘળા તોફાનો છોડી દઈ હજ વિગેરે ધાર્મિક ક્રિયામાં પસાર કરતા હતા. આવી કેટલીક અજ્ઞાનતા અને કુટેવો હોવા છતાં કેટલાક આરબો સ્વાભિમાની, વતન અને કુટુંબ પ્રેમી, મહેમાન નવાઝ, એકવચની, ટેકીલા અને હિંમતવાન જોવામાં આવતા હતા.
૫યગમ્બર સાહેબના જન્મ સમયે અરબસ્તાનના મોટા ભાગ ઉપર પરદેશીઓની સત્તા હતી. રોમન, ઈરાન અને ઈથોપિયા જેવા રાજ્યો અરબસ્તાનના જુદા જુદા ભાગ ઉપર કબજો જમાવી બેઠા હતા.
(૨૮૭/૨૮૮) અરબસ્તાન વાસીઓના ધર્મ વિષે અગર જો ઉલ્લેખ કરીએ તો આરબ લોકોનો મુખ્ય ધર્મ અનેક દેવ દેવીઓની પુજા કરવાનો હતો. આ દેવ દેવીઓ અનેક પ્રકારની ધાતુઓ, પત્થર, માટી, લાકડા અને છાણ વિગેરેના બનેલા રહેતા, જેમાં કેટલીક મોટી મુર્તિઓને તહેવારના દિવસે પુજતા હતા. મુર્તિ પુજા વખતે નગ્ન સ્થિતિમાં નાચવું, ગાવું, બજાવવું અને તેને પ્રાણીઓના ભોગ ધરવા વિગેરે કુરિવાજો હતા. કેટલાક આરબો અલ્લાહને માનતા પણ સાથે સાથે તારા, સુર્ય, ચંદ્રની ૫ણ પુજા કરતા, જેને “સાબી” ધર્મવાળા તરીકે ઓળખવામાં આવતા હતા. ધાર્મિક બાબતમાં અનેક વહેમને પ્રતાપે નિર્દોષ પ્રાણીઓ અને ઈન્સાનોના કરપીણ રીતે ભોગ દેવાતા હતા. મક્કામાં આવેલા ખાનેકાબામાં ૩૬૦ નાની મોટી મુર્તિઓ હતી. અને તેની પુજા પણ શરમજનક રીતે થતી હતી.
(૨૮૮) અરબસ્તાનમાં પરદેશથી આવેલા ખ્રિસ્તીઓ, યહુદીઓ અને જરથોસ્ત પણ સારા પ્રમાણમાં હતા. આ સઘળાઓ પણ મુર્તિપુજા, ધર્મઝનુન અને અનેક પ્રકારના વહેમમાં ફસાયેલા હોવાથી અંદરો અંદર ધર્મના નામે ટંટા ફિસાદ મચાવતા અને ખુનો કરતા, બીજાના ધર્મ ઉપર સરસાઈ ભોગવવા વાદવિવાદ અને ધતિંગો કરતા હતા.
આ રીતે અંધકારના વાદળો સમગ્ર અરબસ્તાન ઉપર છવાઈ ગયા હતા. આવા સમયે ઈલાહી પ્રકાશની જરૂર જણાઈ હતી. પરિણામે ખુદાતઆલાના ફઝલો કરમથી ઈ.સ. ૫૭૧ની એપ્રિલની ૨૦મી તારીખે એટલે ૧૨મી રબીઉલ અવ્વલના સોમવારે સુર્યોદય વખતે રહેમતુલ આલમીન હ. રસુલ કરીમ મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.)નો મકકા ખાતે મુબારક જન્મ થયો. આપના જન્મના સમાચાર સાંભળી આ૫ના દાદા અબ્દુલમુતલિબ આપની માતા “અમીના”ને મુબારકી આપવા ઘરમાં આવ્યા અને આપને ઘણા વહાલ સહીત ખોળામાં લીધા અને આપનું નામ ”મોહમ્મદ” રાખ્યું. હઝરતના જન્મથી આખા હાશમી કબીલામાં ખુશાલી વ્યાપી ગઈ.
હઝરત રસુલ કરીમના પુર્વજો
(૨૮૮) હ. મોહમ્મદ મુસ્તફા રસુલ (સ.અ.વ.)ની વંશાવળીનો સંબંધ હ. ઈબ્રાહીમ પયગમ્બર સુધી મળતો રહે છે; એટલે આપ હ. ઈબ્રાહીમ પયગમ્બરના વંશમાંથી ઉતરી આવ્યા છે. હ. ઈબ્રાહીમને બે ફરઝંદો હતા. હ. ઈસમાઈલ અને હ. ઈસહાક. આ બન્ને ફરઝંદોમાંથી હ. ઈસમાઈલ (અ. સ.)ના વંશજો મક્કામાં રહ્યા અને કાબાતુલ્લાના વાલી તરીકે દરજજો ભોગવતા રહ્યા. જ્યારે હ. ઈસહાક (અ. સ.)ના વંશજો શામમાં રહ્યા અને જેરૂસલમમાં બૈતુલમુકદસના વાલી તરીકે રહેતા આવ્યા. હ. ઈસમાઈલના વંશમાંથી હ. મેહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) થયા અને હ. ઈસહાક (અ.સ.)ના વંશમાંથી હ. મુસા, હ. દાઉદ, હ. ઈસા વિગેરે પયગમ્બરો થયા.
(૨૮૯) હ. ઈસમાઈલના વંશજો અરબસ્તાનમાં જ રહેવા લાગ્યા અને તેઓની આલ ઔલાદ ઘણી વધી. હ. ઈસમાઈલના વંશમાંથી ઉતરી આવેલા “અદનાન” અને તેના પુત્ર “મઆદ” તે સમયમાં સત્તાધારી તરીકે લેખાતા હતા. ‘મઆદ'ના વંશજો ઘણા કબીલામાં વહેંચાઈ ગયા જેમનો એક કબીલો કુસઈ ઉપરથી 'કુરેશી' કબીલા તરીકે પ્રખ્યાત હતો. કુસઈથી અબ્દેમુનાફ થયા. અબ્દેમુનાફથી અબુ હાશમ થયા. હ. હાશમના નામ ઉપરથી હાશમીઓ અને આપને હાશમી ખાનદાન તરીકે ઓળખવામાં આવે છે. અબુ હાશમથી અબ્દુલમુતલિબ અને અબ્દુલમુતલિબના ફરઝંદ અબ્દુલ્લાહ કે જે હ. મોહમ્મદ મુસ્તફાના પિતાશ્રી થાય. અબ્દુલમુતલિબને દશ ફરઝંદો હતા, જેમાં અબુતાલિબ કે જે અવ્વલ ઈમામ, હ. અલી (અ.સ.)ના પિતાશ્રી થાય. આ રીતે હ. મોહમ્મદ (અ.સ.) અને હ. અલી (અ. સ.) કાકાના દીકરા ભાઈ થતા હતા.
હ. નબી મેહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) તેમના માતુશ્રી બીબી અમીનાને કુખે જન્મ્યા તે પહેલા અમુક મહિના અગાઉ જ આપના પિતાશ્રી હ. અબ્દુલ્લાહ શામ દેશના પ્રવાસે જતાં રસ્તામાં મદીના ખાતે વફાત પામ્યા હતા; આથી હાશમી ખાનદાનને અને આપની માતુશ્રી બીબી અમીનાને પારાવાર દુઃખ થયું, પણ આપના મુબારક જન્મથી એ દુઃખ ઓછું થયું.
આપના જન્મના આગલા અઠવાડીયામાં એક ખ્રિસ્તી બાદશાહ મક્કા ઉપર મોટા સૈન્યને લઈને ચડી આવ્યો પણ ખુદાઈ શક્તિના પ્રતાપે, ખ્રિસ્તી સૈન્ય ઉપર “અબાબીલ” નામના અસંખ્ય પક્ષીઓએ ચાંચમાં કાંકરીઓ વડે હુમલો કર્યો જેથી ખ્રિસ્તી બાદશાહ અને તેનું વિશાળ સૈન્ય હતાશ થઈને નાસી ગયું. આ રીતે સામનો કર્યા વગર મક્કાવાસીઓનો વિજય થયો.
પયગમ્બર સાહેબની બાલ્ય અવસ્થા
(૨૮૯/૨૯૦) કુરેશી અને અન્ય કબીલાના રીવાજ મુજબ હ. મોહમ્મદ સાહેબને એક ગામડામાં “હલીમા સાદીયા” નામની ધાવને ત્યાં ઉછેર માટે રાખવામાં આવ્યા હતા. આ બાનુએ આપને કાળજીપુર્વક ઉછેર્યા હતા. આપ ચાર વર્ષના થયા બાદ “હલીમા સાદીયા” મક્કા આવી આપને આપની માતાજી બીબી અમીનાને સુપરત કર્યા. આપ છ વર્ષના થયા ત્યારે આપની માતાજી આપને સાથે લઈને મદીના ગયા હતા. મદીનાથી પાછા આવતા રસ્તામાં 'અબવા' નામની જગ્યાએ એકાએક આપના માતાજી અમીના બિમાર પડ્યા અને વફાત પામ્યા. જેથી આપને અપાર દુ:ખ થયું. આ પછી આપના દાદા હ. અબ્દુલમુતલિબ પાસે આપ રહેતા હતા. થોડા વર્ષ બાદ દાદા અબ્દુલમુતલિબ પણ વફાત પામ્યા. ત્યારબાદ આપના કાકા અબુતાલિબે વહાલભરી દેખરેખ રાખી આપનો ઉછેર કર્યો.
(૨૯૦) હ. અબુતાલિબ વેપાર કરતા હોય વેપાર અર્થે દેશાવર ખાતે વખતો વખત મુસાફરીએ જતા હતા. મુસાફરીમાં આપને પણ સાથે લઈ જતા એ વખતે આપની ઉમર ૯ વર્ષની હતી. એક વખતે શામના પ્રવાસે જતા રસ્તામાં ખ્રિસ્તી પાદરી “બહીરા” કે જે તૌરેત અને ઈન્જીલનો મોટો અભ્યાસી હતો, તે ત્યાં મઠ બાંધીને રહેતો હતો. હ. મોહમ્મદ મુસ્તફા (અ.સ.)ને તેણે પોતાના ઈલ્મ વડે એાળખી કાઢ્યા અને તેને આ બાળક આખર ઝમાનાના પયગમ્બર થવાના છે એવી ખાત્રી થઈ, જેથી હ. અબુતાલિબ અને સઘળા કાફલાને જમવાની દાવત આપી. વિદાય વેળાએ હ. અબુતાલિબને “બહીરા”એ જણાવ્યું કે આ૫ આ બાળક મોહમ્મદ સાહેબને રૂમ અને શામ તરફ લઈ ન જશો કારણ કે ત્યાંના લોકો આખર ઝમાનાના પયગમ્બરની નિશાનીઓથી પરિચીત હોઈ આપના શત્રુ બની નુકશાન કરશે. પાદરીની આ વાત ઉપરથી હ. અબુતાલિબ શામ તરફ ન જતા મક્કા પાછા ફર્યા.
આપની યુવાવસ્થા અને શાદી
(૨૯૦) આપ નાનપણથી જ શાંત અને એકાંતપ્રિય હતા. પોતાના રોજીંદા કામમાંથી આપને જે સમય મળતો તે ઈબાદત અને ચિંતનમાં પસાર કરતા હતા. આપના પવિત્ર અને શુધ્ધ ચારિત્ર્યની મક્કાવાસીઓ ઉપર ઉંડી છાપ પડી હતી. આપને દરેક “અમીન” તરીકે સંબોધતા. આ૫ નાન૫ણથી જ જનકલ્યાણનું કાર્ય કરતા હતા. બીજાનું દુઃખ જોઈ આપને પારાવાર દુ:ખ થતું. પીડીતોનું દુઃખ દુર કરવા આપ સઘળા પ્રકારનો ભોગ આપતા. અંદરો અંદરના ઝગડાને પણ આપ કુનેહ અને શાંતિથી નિકાલ કરતા હતા.
(૨૯૦/૨૯૧) આપની યુવાવસ્થા દરમ્યાન “ખાને કાબા”નું સમારકામ થતું હતું. કાબાતુલ્લામાં આવેલા મુબારક “સંગે અવસદ'ને સમારકામ બાદ મુળ જગ્યાએ પધરાવવાનો હતો. આ વખતે અરબોના મુખ્ય ચાર કબીલાઓએ તે "સંગે અસવદ"ને પધરાવવાનો પોતાનો હક્ક હોવાનો દાવો કર્યો. અંદરોઅંદર લડાઈ થવાનો ભય ઉભો થયો ત્યારે આપે આ દરેક કબીલાવાળાની ઈચ્છાથી એવો ન્યાય કર્યો કે ચારે કબીલાવાળા એક ચાદરમાં સંગે અસવદને રાખીને તેના છેડા ઉંચકે અને ચારે કબીલાવાળા આ રીતે પધરાવવાનો લાભ લે. આ પ્રમાણે સંગે અસવદને ઉંચકી મુળ જગ્યાએ લાવ્યા, બાદ આપે પોતાના મુબારક હાથે તેને મુળ જગ્યાએ રાખી દીધો. આ રીતે ભયંકર ઝઘડાનો કુનેહથી અંત આવ્યો.
(૨૯૧) આપ જેમ જેમ વધુ મોટા થતા ગયા તેમ એકાંતવાસની ખ્વાહેશ વધતી ગઈ. મક્કા પાસેની પહાડી ટેકરીઓ ઉપર જઈ કલાકો પર્યંત ધ્યાન અને ચિંતનમાં આપ બેસી રહેતા. વર્ષોના ધ્યાન અને ચિંતન પછી આપને ખાત્રી થઈ કે અલ્લાહ એક જ છે અને તે અલ્લાહતઆલાના દિદાર કરવાની આપને લગની લાગી.
આપ સાહેબની ઉંમર જ્યારે ૨૫ વર્ષની થઈ ત્યારે આપ ઘણા જ માલદાર વેપારી બાનુ ખતીજતુલ કુબરા બિન્તે ખવૈલિદ કે જેઓ વિધવા હતા તેને ત્યાં નોકરી રહ્યા. આ૫ દેશદેશાવર જઈ વેપારમાં સારા પ્રમાણમાં નફા કરી લાવતા. આ૫ની પ્રમાણિકતા તરફ ખેંચાઈ બીબી ખતીજાએ આપની સાથે શાદી કરવા માંગણી કરી, પરિણામે આપે તે માંગણીનો સ્વિકાર કરી શાદી કરી.
બીબી ખતીજાની ઉંમર શાદી વખતે ૪૦ વર્ષની હતી. આપનાથી બીબી ખતીજા ૧૫ વર્ષ મોટા હતા. આ શાદી પાછળ આપનો વિધવાઓનો ઉદ્ધાર કરવાનો અને બીબી ખતીજાની વિપુલ ધન સંપત્તિ ઈસ્લામના પ્રચાર અર્થે ખર્ચાય એેવો શુભ હેતુ હતો. આ પ્રથમ શાદી ઘણી જ સુખરૂપ નીવડી. બીબી ખતીજાથી આપને બે ફરઝંદો કાસિમ અને અબ્દુલ્લાહ અને ચાર પુત્રીઓ ઝયનબ, રૂકૈયા, ઉમે કુલસુમ અને હઝરત ફાતિમા જન્મ્યા હતા. જેમાં બન્ને ફરઝંદો નાનપણમાં જ વફાત પામ્યા હતા. બાકી ચાર પુત્રીઓ હઈયાત હતી.
આ૫ મુર્તિપુજાના સખ્ત વિરોધી હતા અને એક જ અલ્લાહમાં માનનારા હતા. ખાનેકાબામાં મુર્તિપુજા વખતે થતી અનેક વિચિત્ર અને શરમજનક વિધિઓ જોઈ આપને બહુ જ દુ:ખ થતું હતું. આ૫ અલ્લાહતઆલાને અરબોની આવી જાહેલીયત ભરેલી ધાર્મિક ક્રિયાઓમાંથી ઉગારવા દર્દભરી રીતે આજીજી કરતા હતા અને કોઈ વખતે આવી અધમ હાલત જોઈ રડી પડતા હતા.
(૨૯૧/૨૯૨) સ્ત્રીઓની દયાજનક કરૂણ હાલત જોઈ આપનું હૃદય દ્રવી ઉઠતું. આપ, સ્ત્રીઓનું સન્માન કરવા લોકોને ભારપુર્વક ઉપદેશ આપતા હતા. ગુલામો પ્રત્યે આપનું વર્તન મમતાભર્યું અને ઉદાર હતું. આપ ગુલામોના ઉપર થતો ઝુલ્મ જોઈ શક્તા નહિ હતા. આપ ગુલામથી ન થઈ શકતા કામોનો બોજો હળવો કરવા તેને મદદ કરતા. એક બિમાર ગુલામ અનાજ દળવાની ઘંટી ખેંચી શક્તો નહિ હતો, આ જોઈ આપે ગુલામને ફરમાવ્યું, “તું આરામ કર, હું તારૂં કામ કરી આપું.” આમ કરી ગુલામનું સઘળું અનાજ આપે દળી આપ્યું.
(૨૯૨) ગુલામીની પ્રથા નાબુદ કરવા આપે મોટો ભોગ આપ્યો હતો. આપની સંપત્તીનો ઉપયોગ ગુલામોને આઝાદ કરવા અર્થે કર્યો હતો અને સંખ્યાબંધ ગુલામોને આઝાદ કરાવ્યા હતા.
આપની ઉંમર જ્યારે ૩૨ વર્ષની હતી ત્યારે આપના કાકા હ. અબુતાલીબની ઘરવાળી ફાતમા બિન્તે અસદના કુખે કાબાતુલ્લાહમાં એક બાળકનો જન્મ થયાનું સાંભળી આ૫ ત્યાં પધાર્યા અને આ બાળકને ખોળામાં લઈ તેની આંખ અને ગાલ ઉપર ચુંબન કર્યું અને હ. અબુતાલીબને મુબારકી આપી અને આપે તે બાળકનું નામ “અલી” રાખ્યું. હ અબુતાલીબને આપે કહ્યું, “મને સગો ભાઈ નથી પણ આ મને સગા ભાઈ જેવો વહાલો લાગે છે. હું તેને સગો ભાઈ ગણીશ” હ. અબુતાલીબે કહ્યું, “હા એ તમારો ભાઈ છે.” હ. મૌલા મુર્તઝાઅલીનો જન્મ થવો એ આપના જીવનમાં ખુશીનો મોટો બનાવ હતો.
આ૫ ૪૦ વર્ષની ઉંમરના થયા ત્યારે આગળ કરતા ૫ણ વધુ સમય એકાંતમાં રહી ધ્યાન અને ચિંતનમાં પસાર કરવા લાગ્યા હતા. મક્કા શરીફથી ઉત્તરમાં આવેલા "હીરા” પહાડની ગુફામાં જઈ આ૫ દિવસો અને મહિનાઓ ઈબાદતમાં પસાર કરતા હતા; ત્યાં આ૫ એટલા બધા ધ્યાન અને ચિંતનમાં તલ્લીન થઈ જતા કે ખાનપાન કે નિંદ્રાની પણ દરકાર કરતા નહિ. આ૫ લોકો સાથે બહુજ ઓછો સમય પસાર કરતા. આ સમય દરમ્યાન રાત્રીના વખતે આપને હેરતભર્યા સ્વપ્ના આવતા અને આકાશવાણી સંભળાતી.
(૨૯૨/૨૯૩) એક દીવસ આપ કોહે હીરામાં ધ્યાનમસ્ત સ્થિતિમાં બિરાજમાન હતા એવામાં આપે જોયું કે એકાએક અંધારૂં થઈ ગયું. આ પછી અંધકારમાં આપે નુરાની પ્રકાશ જોયો. પ્રકાશમાં આપે જોયું કે આપનાજ મુબારક ચહેરાને મળતી એક વ્યકિત પૃથ્વી અને આકાશ વચ્ચે ઉભી રહી સ્મિત કરી રહી હતી. આ પછી આપે એજ વ્યકિતને ડુંગરાઓ પાસે ઉભેલી જોઈ. આ પ્રસંગે આપે એક એવું ૫ણ દ્રશ્ય નિહાળ્યું જેમાં અસંખ્ય ઈન્સાનોને યાતના ભોગવતા અને ચીચીયારીઓ પાડતા જોયા. સ્વપ્ન અવસ્થામાં આપે આવી દિવ્ય વાણી સાંભળી : "આ મોહમ્મદ છે; અલ્લાહનો રસુલ છે, તું આદમ છો, નુહ છો અને તુંજ ઈબ્રાહીમ, મુસા અને ઈસા છો. હે મોહમ્મદ ! તું લોકોને તારા મઆબુદ તરફ બોલાવ, ખુદા એક છે, તેના જેવો બીજો કોઈ નથી. દરેક સ્થળે અને દરેક દિશામાં તે એક જ છે અને તેજ સંપુર્ણ છે.”
(૨૯૩) પયગમ્બરી મળવા બાબતનો ઈશારો પણ આપને આ પ્રમાણે કરવામાં આવ્યો હતો. આ ઈશારામાં આપના પવિત્ર કાર્યમાં આવનારા સંકટોથી પણ પરિચીત કરવામાં આવ્યા હતા અને એ સમયે ધૈર્ય ધારણ કરવા જણાવ્યું હતું. આકાશવાણીમાં આપે વધુમાં સાંભળ્યું, “એ મુહમ્મદ તારા ઉપર ભાર મુકવામાં આવશે. જેથી તારી કેડ વળી જશે. તે ભાર ઉઠાવી લીધા પછી ચોમેર સરળતા વ્યાપશે માટે ગભરાઈશ નહિ. અગાઉના રસુલો (પયગમ્બરો)ની જેમ હિંમત રાખજે.”
આ પછી જાગૃત અવસ્થામાં હ. જીબ્રાઈલ અમીન આપના પાસે આવ્યા અને પોતાની એાળખાણ આપી કહ્યું, “હું આપને વધામણું આપું છું કે આપ આપની કોમના અને સમગ્ર જગતના પયગમ્બર છો. અલ્લાહે પોતાનો પયગામ જગતને સંભળાવવા આપની નિમણુંક કરી છે, આપ રસુલિલ્લાહ થયા છો. ખુદાતઆલાએ આપને સઘળી કળા સુપ્રત કરી છે.”
આ સંદેશો સાંભળી આપના મુખમાંથી “લબ્બેક” “લબ્બેક”ના શબ્દો નિકળી પડ્યા. આ વખતે આ૫ની ઉમર ૪૦ વર્ષની હતી. આ પ્રસંગ આપને નબુવત મળ્યાનો હતો.
આ પછી આપ અંતર આત્માનો અવાજ સાંભળવા લાગ્યા, જેને “વહી” તરીકે સંબોધવામાં આવે છે. પ્રથમ વહી હીરાની ગારમાં આપને તખ્તી ઉપર લખેલી મળી. આ સમયે આપે હ. જીબ્રાઈલને જણાવ્યું, “હું ઉમ્મી છું. (અભણ છું) તેથી કેમ વાંચુ ?” હ. જીબ્રાઈલે જણાવ્યું, “આપ આપના પરવરદિગારનું નામ લઈને વાંચો.” આ સાંભળી આપ “બિસમિલ્લાહ હિર્ર રહમા નિર્ર રહીમ” પડીયા અને વાંચવું શરૂ કર્યું અને સઘળી આયાત વાંચી નાખી. આ આયાત કુરઆને શરીફમાં સુરે અલકમાં ૩૦મા પારામાં આવેલી છે, જેમા જણાવવામાં આવ્યું છે કે, “તારા પરવરદિગારનું નામ લઈ વાંચ, કે જેણે સર્વે ચીજ પેદા કરી છે. તેણે માણસને ઠરેલા લોહીમાંથી પેદા કર્યો છે. વાંચ, તારો પરવરદિગાર ઘણો જ મહાન છે. જેણે કલમથી લખતા શિખવ્યું છે, તેણે માણસને તે શિખવ્યું છે જે તે જાણતો ન હતો.”
(૨૯૪) આપના ઉપર ઉતરેલી વહીમાં આ પ્રથમ વહી હતી. આ બનાવ બન્યા પછી આપે આપની પત્નિ હ. બીબી ખતીજા અને હ. અલી (અ.સ.)ની મુલાકાત લઈ બનેલો બનાવ કહી સંભળાવ્યો. બન્નેએ આપને મુબારકીઓ આપી અને કલમો પડી ઈસ્લામ કબુલ કર્યો. બાળકોમાં પ્રથમ કલમો પડનાર હ. અલી હતા અને સ્ત્રીઓમાં પ્રથમ કલમો પડનાર બીબી ખતીજા હતા. આ પછી હ. અબુબકરનો ગુલામ ઝેદ કે જેનું આપ હઝરતે પુત્ર તરીકે પાલન કર્યું હતું તેણે ઈસ્લામ અંગીકાર કર્યો.
નબુવતના પ્રથમ વર્ષમાં હિદાયતનું કાર્ય ગુપ્તપણે થતું હતું. કારણ આપના શત્રુઓ ઘણા હતા. પ્રથમ ઈસ્લામ સ્વિકાર કરનારાઓમાં હ. ઉસમાન, હ. ઝુબેર, હ. અબુબકર સીદીક, હ. અબ્દુલ રહેમાન બિન એફ, હ. સઆદ બિન વકાસ, તલહા, અબ્દુલ્લા ઈન્ને મઝઉન, ઉબયદા અને સુબેહરૂમીનો પણ સમાવેશ થાય છે.
બીજી વહીમાં આપને આપના સંબંધીઓમાં ઈસ્લામનો પ્રચાર કરવા આજ્ઞા થઈ, જેનું આપે પાલન કર્યું. પણ આ વખતે આપના કાકા અબુલહબે ખુબ દુશ્મની કરી હતી અને આપના વિરૂધ્ધમાં ખુબ પ્રચાર કર્યો હતો. આમ છતાં આપે પ્રચાર કામ ચાલું જ રાખ્યું. જેમાં આપને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી. આવા સંજોગોમાં આપના કાકા અબુતાલિબના ફરજંદ હ. અલી (અ. સ.)એ આપને હિંમત આપી અને દરેક સંજોગોમાં આપની પડખે ઉભા રહી સહાયતા આપવા વચન આપ્યું. આ વખતે હ. અલી (અ. સ.)ની ઉંમર માત્ર ૧૧ વર્ષની હતી.
નબુવતના બીજા વર્ષે ૪૦ માણસોએ ઈસ્લામ અંગીકાર કર્યો; પરંતુ દુશ્મનોનું જોર પણ વધતું જ જતું હતું. સઘળા મક્કાવાસીઓ આપના કટ્ટા દુશ્મન બની ગયા હતાઃ અમીર માવીયાનો પિતા, અબુસુફિયાન, અબુલહબ, અબુજ- હેલ, વાલીદ બિન મુગેરા અને આસબીન વાયલ શબિયા જેવા તે સમયના મોટા સરદારો અને ઉમરાવો આપના શત્રુઓ હતા. ખાસ કરીને ઉમૈયા વંશના લોકો આપની વધુ દુશ્મની કરતા હતા. આવા વખતે પણ આપના કાકા અબુતાલિબ અને તેમના વહાલા ફરજંદ હ. ઈમામ અલી (અ.સ.) દરેક રીતે આપને સહાયતા કરતા અને હિંમત આપતા હતા.
(૨૯૪/૨૯૫) હ. રસુલે કરીમ ઉપર દુશ્મનોએ અનેક જાતના આક્ષેપો મુક્યા. છેલ્લે અનેક પ્રકારની લાલચો આપી પણ આપ ડગ્યા નહી અને ઈસ્લામનું પ્રચાર કાર્ય ચાલું રાખ્યું.
(૨૯૫) હ. રસુલ કરીમ અને જેઓ આપની હિદાયતથી ઈસ્લામમાં દાખલ થયા હતા તે સઘળાઓના ઉપર અનેક જાતના ઝુલ્મો ગુજારવામાં આવતા હતા. કેટલાકને જાનથી મારી નાખવામાં આવતા કેટલાકને એટલો બધો માર મારવામાં આવતો કે તેઓ બેશુધ્ધ થઈ જતા; છતાં આવા દરેક ઝુલ્મો સહન કરીને પણ તેઓ પોતાના દીન મઝહબ ઈસ્લામને વળગી રહ્યા હતા.
આવા કપરા કાળમાં પણ ઈસ્લામનું પ્રચાર કામ ચાલું જ રહેતું અને દિવસે દિવસે માણસો ઈસ્લામમાં દાખલ થતા રહ્યા. નબુવતના ચાર વર્ષ દરમ્યાન જે લોકો દાખલ થયા જેમાં થોડા શ્રીમંતો સિવાય મોટા ભાગના ગરીબો અને ગુલામો અને તેની સ્ત્રીઓ હતી. આ ઈસ્લામીઓ ઉપર હવે હદબહાર ઝુલ્મ થવા લાગ્યો ત્યારે ખુદાઈ આજ્ઞા અનુસાર હ. રસુલે કરીમે મુસલમાનોને મક્કાથી ઈથોપિયા ચાલ્યા જવા જણાવ્યું. ઈથોપિયાનો ખ્રિસ્તી બાદશાહ “નજજાશી” ભલો અને ઉદાર દિલનો હતો. મુસલમાનો ઈથોપિયા ગયા પણ ત્યાં પણ તેને સુખેથી રહેવા ન દેવા અને ત્યાંથી હાંકી કાઢવા નજજાશીના કાન ભંભેરવા શત્રુઓએ કંઈ પણ કચાસ ન રાખી. આ વખતે સત્ય હકીકતથી નજ્જાશીને વાકેફ કરવા હ. અલી (અ.સ.)ના ભાઈ હ. જાફરે ઘણું જ ઉત્તમ કામ કર્યું. પરિણામે બાદશાહે મુસલમાનોને પોતાના રાજ્યમાં સુખેથી રહેવા પરવાનગી આપી અને ખોટી ફરિયાદ કરનારા શત્રુઓને કાઢી મુક્યા.
(૨૯૫/૨૯૬) આ પછી આપનું પ્રચાર કામ ઠીક રીતે ચાલવા લાગ્યું; પણ અબુજહલને આ પ્રચાર જરા પણ ગમતો નહિ હતો. એક દિવસ ક્રોધે ભરાઈ હ. રસુલે કરીમના ઉપર તેણે હુમલો કર્યો પણ આ વિષેની આપના કાકા હ. હમઝાને ખબર મળતા તેઓ હઝરતની વહારે દોડી ગયા અને એક ઝાપટ મારી જણાવ્યું કે, “યાદ રાખ હ. મોહમ્મદને જરાપણ તકલીફ આપી છે તો તારી ખેર નથી. અમો હાશમીઓ હ. મોહમ્મદના પડખે છીએ. તેઓનું અપમાન અમો સાંખી લેવાના નથી.” તે સાથે જણાવ્યું કે, “જો હું પણ હવે ઈસ્લામનો કલમો પડી મુસલમાન થઈ જાઉં છું.” ત્યાબાદ હ. હમઝા ઈસ્લામમાં દાખલ થયા. હ. હમઝાએ ઈસ્લામ સ્વિકાર્યો તેથી મુસલમાનોમાં નવું જોમ આવ્યું અને પયગમ્બર સાહેબના કાર્યને ઘણો જ વેગ મળ્યો. આ અરસામાં હ. ઉમરે પણ ઈસ્લામનો સ્વિકાર કર્યો; આથી મુસલમાનોની તાકાતમાં ઓર વધારો થયો. હ. ઉમર ખીતાબ પહેલા તેમના બહેન અને બનેવી પણ ઈસ્લામમાં દાખલ થયા હતા.
આમ એક પછી એક મોટા સરદારોને ઈસ્લામમાં દાખલ થતા જોઈને દુશ્મનોના ક્રોધનો પાર ન રહ્યો અને તેઓએ એક પ્રતિજ્ઞા પત્ર બનાવ્યું જેમાં ઈસ્લામીઓ સાથે ખાનપાન, બેટા બેટી વિગેરેનો વ્યવહાર ન રાખવા તેમ તેના સાથેના દરેક સંબંધ તોડી નાખવા લખાણ લખવામાં આવ્યું અને તે પ્રતિજ્ઞા પત્ર કાબાતુલ્લાની દિવાલ ઉપર ચોટાડવામાં આવ્યો.
દુશ્મનોના સામાજીક બહિષ્કાર અને સતત પજવણીનો ભય જોતા હ. અબુતાલિબની સલાહથી હ. રસુલ્લિાહ, હાશમી ખાનદાનના માણસો અને સંબંધીઓને લઈને એક સાંકડી ખીણ કે જ્યાં દુશ્મનો હુમલો કરી ન શકે તેવી "શોએબે અબુતાલિબ” નામની જગ્યા કે જે હાશમીઓના વારસાની હતી ત્યાં રહેવા ચાલ્યા ગયા. આ જગ્યા મક્કાથી પુર્વમાં થોડે દુર આવેલી છે.
આ સાંકડા વિસ્તારમાં સઘળા માણસો ત્રણ વર્ષ પર્યંત રહ્યા. પુરતા અનાજના અભાવે ઝાડના પાંદડા, ઘાસ અને ચામડા ઉકાળીને ખાતા અને ભુખ ભાંગતા, કોઈ કોઈ દિવસ ઉપવાસ પણ કરવા પડતા. નાના બચ્ચાં અને સ્ત્રીઓ ભુખના લીધે ચીચીયારીઓ પાડતા અને રડી પડતા. આવા અસહ્ય ખાનપાનનો તકલીફથી સઘળાના શરીરો દુર્બળ બની ગયા, છતાં તેઓ પોતાના વિચારોમાં ડગ્યા નહિ, તેમ ઈસ્લામ મઝહબ છોડ્યો નહિ.
આ સમયે મક્કામાં વસતા કેટલાક દયાળુઓ મક્કાવાસી દુશ્મનોને સમજાવવા પ્રયાસો કર્યા પણ દુશ્મનો પીગળ્યા નહિ. પણ મુતઈન બીન અદમ' નામના એક બળવાન સરદારનું હૃદય દ્રવી ઉઠયું અને તેણે પેલા પ્રતિજ્ઞા પત્રને ઉભા થઈને કાબાતુલ્લાની દીવાલ ઉપરથી ઉતારી ફાડી નાખ્યુ અને જણાવ્યું જાઓ તમારા આવા ઝુલ્મ સામે મારો સખ્ત વાંધો છે. આ પછી કેટલાક મક્કાવાસીઓ શોએબે અબુતાલિબની ખીણ તરફ ગયા અને આપને તથા હાશમીઓને મક્કા ખાતે લઈ આવ્યા અને તેમની સાથે સઘળો વ્યવહાર ચાલું કરી દીધો. આમ ત્રણ વર્ષના મહાન દુ:ખ પછી ઈસ્લામીઓ ફરી મક્કામાં વસવાટ કરવા લાગ્યા.
આ બનાવ પછી રસુલિલ્લાહને મએરાજ થઈ જેમાં આપને અલ્લાહતઆલાનો સાક્ષાત્કાર થયો અને આપ અનેક ગુપ્ત ભેદોથી માહેતગાર થયા.
(૨૯૭) નબુવતના દશમાં વર્ષે આપના કાકા હ. અબુતાલિબ કે જેના તરફથી આપને ઘણીજ મદદ અને સધ્યારો મળતો રહેતો હતો તેની વફાત થઈ. આથી આપને ઘણું જ દુ:ખ થયું. આ વખતે આપના એક કાકા હ. અબ્બાસે ઈસ્લામનો સ્વીકાર કર્યો જેથી આપના કાર્યને ઘણો ટેકો મળતો રહ્યો.
આપના અતિ વફાદાર, આપના માટે પોતાની વિપુલ ધન સંપત્તિ ઉદાર દિલે ખર્ચી નાખનાર, સ્ત્રીઓમાં પ્રથમ પાક કલમો પડનાર અને હંમેશના સુખ દુઃખના ભાગીદાર આપના ઘરવાળી હ. બીબી ખતીજા પણ વફાત પામ્યા, જેથી આપને પારાવાર દુ:ખ થયું. હ. બીબી ખતીજા ૬૫ વર્ષની ઉંમર ભોગવી વફાત પામ્યા હતા. આ વખતે આપની ઉંમર ૫૦ વર્ષની હતી.
આપના કાકા અબુતાલીબ અને આપના ભલા અને દયાળું મહોરદાર બીબી ખતીજાના અવસાન બાદ પણ આપે ધિરજ રાખી પોતાનું પયગમ્બરી કામ ચાલુંજ રાખ્યું. આપે હવે મક્કાની બહાર પ્રચાર કરવાનો ઈરાદો કર્યો અને મક્કાથી ૬૦ માઈલના અંતરે આવેલા તાએફ નામના શહેરમાં ઈસ્લામના પ્રચાર અર્થે પોતાના પાલક પુત્ર ઝેદને સાથે લઈને ગયા. તાયફમાં સઘળા લોકો મુર્તિ પુજા કરતા હતા. ત્યાં લાત દેવીનું મોટું મંદિર હતું. તાયફ એટલે મુર્તિ પુજાનું કેન્દ્રસ્થાન. આપે તાયફના લોકોને ઈસ્લામની દાવત આપી અને એકજ અલ્લાહને માનવા હિદાયત કરી, પણ તાયફવાળાઓએ આપને સાંભળ્યા નહીં, આપની મશ્કરી કરી પત્થરા મારી આપને તાયફમાંથી હાંકી કાઢ્યા. આ રીતે તાયફવાળાઓએ આપને ખુબ હેરાન અને પરેશાન કર્યા; છતાં આપ હિંમત હાર્યા નહિ અને ફરી મકકામાં આવી પોતાનું પયગમ્બરી કાર્ય ચાલું રાખ્યું.
(૨૯૭/૨૯૮) આ બનાવ બન્યા પછી હજના દિવસો આવ્યા. હજના દિવસોમાં મક્કા શરીફમાં દેશદેશાવરથી સંખ્યાબંધ માણસો આવતા હતા. આ હજના મેળામાં આપે હિદાયતનું કામ ચાલું કર્યું. આપ મક્કાની ઉત્તરે “અકબા”નામની ટેકરી ઉપર હિદાયત કરી રહ્યા હતા ત્યારે કેટલાક યસરબ (કે જેનું પાછળથી નામ મદીના રાખવામાં આવ્યું હતું.) વાસીઓએ ઈસ્લામ વિષેનું પ્રવચન સાંભળ્યુ . આ પ્રવચનની યસરબવાળાઓ ઉપર એટલી બધી અસર થઈ કે તેજ વખતે કેટલાક જણ કલમો પડી મુસલમાન થઈ ગયા અને પોતાના ગામ યસરબ જઈ આ વિષેનો પ્રચાર કર્યો. પરીણામે બે મોટા કબીલાઓ બીજા વર્ષની હજ વખતે મક્કા આવી અને પયગમ્બર સાહેબના હાથે ઈસ્લામમાં દાખલ થયા અને તેઓએ એકજ અલ્લાહને માનવા વિગેરે ઉસુલો વિષેનું પ્રતિજ્ઞા પત્ર લખી આપ્યું. આ પ્રતિજ્ઞા પત્રને "અકબાની પહેલી પ્રતિજ્ઞા” તરીકે ઓળખવામાં આવે છે.
(૨૯૮) યસરબવાસીઓની માંગણીથી અહિં વધુ પ્રચાર અર્થે આપે મક્કાથી મસઅબ બીન ઉમરને મોકલ્યા, જેણે ઘણુંજ બાહોશીથી કામ કર્યું અને સુંદર સફળતા મળી.
ઈસ્લામનો ઝડપી પ્રચાર થતો જોઈ મક્કાવાસીઓ ચોંકી ઉઠ્યા અને આ લોકોએ હ. પયગમ્બર સાહેબને શહીદ કરવા કાવતરૂં ઘડ્યું. પરંતુ ઈલાહી પ્રેરણાના લીધે આપને આ બાબતની જાણ થઈ ગઈ. આ બાબતથી આપે હ. અલી (અ. સ.)ને જાણ કરી. હ. અલી (અ. સ.)એ જણાવ્યું કે આ૫ નિર્ભય રહો. દુશ્મનો આપના ઘરને જે રાતના ઘેરો ઘાલીને શહીદ કરવા માગતા હતા તે રાતના આપના બિછાનામાં હ. અલી (અ.સ.) સુઈ ગયા અને આપ હ. અબુબકરને સાથે લઈ મક્કાથી રાતોરાત ચાલ્યા જઈ “શેર” નામના પર્વતની ગુફામાં સંતાઈ ગયા. દુશ્મનોએ ૫યગમ્બર સાહેબના ઘર ઉપર હુમલો કર્યો અને જ્યારે આપના બદલે હ. અલી (અ. સ.)ને જોયા ત્યારે તેઓએ હ. અલી (અ.સ)ને પુછ્યું, મોહમ્મદ (સાહેબ) ક્યાં છે ? હ. અલી (અ.સ.)એ જણાવ્યું: શું મોહમ્મદ સાહેબને તમે મને સોંપી ગયા હતા કે મને પુછો છો ? આવા જવાબથી તેઓ ગુસ્સે થઈ ચાલ્યા ગયા. બાદ ઠેકઠેકાણે માણસો મોકલી તપાસ કરાવી પણ પત્તો લાગ્યો નહિ. હ. રસુલ કરીમ ત્રણ દિવસ સુધી 'કોહે શોર'માં જ હતા પણ ઈલાહી કુદરતથી તેઓ તેમને જોઈ શક્યા નહિ. આ૫ ચોથા દિવસે હ. અબુબકરને સાથે લઈ ઉંટ ઉપર સ્વાર થઈ મદીના તરફ રવાના થયા અને આખરે મદીનાથી ત્રણ માઈલના છેટે “કુબા” પધાર્યા અને ત્યાં આ૫ ૧૪ દિવસ રહ્યા. આપના કુબા પધારવાના અસરબના લોકોને સમાચાર મળ્યા જેથી ટોળેટોળા આપના દિદાર અર્થે આવવા લાગ્યા. અહિં આપે નાની એવી મસ્જિદ બંધાવી અને તેમાં બેસી હિદાયતનું કામ કર્યું. ઈસ્લામની આ પ્રથમ મસ્જિદ હતી.
(૨૯૮/૨૯૯) આપની સુચના અનુસાર હ. અલી (અ.સ.) મક્કાવાસીઓના લેતી દેતીના કામ પતાવી પગે ચાલીને કુબા પધાર્યા. હ. અલી (અ.સ.) મક્કાથી પગે ચાલીને આવી રહ્યા છે, એવું સાંભળી આ૫ તેમને લેવા સામા ગયા અને હ. અલી (અ. સ.)ને ભેટી પડ્યા અને તેઓને પગમાં પડી ગએલા ફફોલા જોઈ દિલગીર થયા અને આપે તેઓના પગને ચુંબન કર્યું, તે એટલા માટે કે આપને ઈસ્લામના કાર્યમાં રાહત મળે અને તે પછીના ઈમામોનો માર્ગ આસાન બને.
(૨૯૯) કુબાથી આપ યસરબ (મદીના)ના લોકોના ઉમળકાભર્યા આગ્રહથી યસરબ પધાર્યા. યસરબવાસીઓએ આપને ભારે દબદબા અને ધામધુમ સાથે પધરામણી કરાવી. આપને એવું માન આપવામાં આવ્યું કે આ પહેલા એવું માન કોઈને આપવામાં આવ્યું ન હતું. આપે “અબુઐયુબ”ના આગ્રહથી તેમના ઘરે ઉતારો રાખ્યો. રસુલિલ્લાહની પધરામણીની ખુશાલીમાં યસરબનું નામ “મદિનતુન્નનબી” રાખવામાં આવ્યું. પાછળથી તે મદીના તરીકે પ્રખ્યાત થયું. આપ ઈ. સ. ૬૨૨ સપ્ટેમ્બરની ૨૦મી તારીખ એટલે રબીઉલ અવ્વલની આઠમી તારીખ અને સોમવારના મદીના પધાર્યા હતા. આજ દિવસથી ઈસ્લામનો હીજરી સન શરૂ થયો છે. મક્કા શરીફમાં રહેલા આપના સગા સબંધીઓ તેમ કેટલાક ઈસ્લામીઓ હીજરત કરીને મદીના આવીને રહ્યા. આ વખતે આપની ઉમર પર વર્ષની હતી.
યા અલી મદદ
