અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૨૬
રેકોર્ડીંગ - ૨૬
રસુલિલ્લાહના હીજરત પછીના વર્ષો
(પેજ-૨૯૯) આપના મદીનાના નિવાસ પછી ઈસ્લામના પ્રચારનું કાર્ય ખુબ વિકસવા લાગ્યું. અશાંતિ અને અધર્મતાનો નાશ થવા લાગ્યો લડાઈ ઝઘડા વેરઝેર ભુલી લોકો શાંતિને ઝંખવા લાગ્યા. આપને મદીનાવાસીઓએ મદીનાના હાકમ તરીકેની વરણી કરી. આ પદવી ધારણ કરતાની સાથે આપે ઈસ્લામી રાજ્યની રાજનીતિ નક્કી કરી અને સ્થાનીક તેમજ દેશમાં સુલેહ શાંતિ અને આબાદી સ્થાપવાનું ઝડપભેર કાર્ય આરંભી દીધું. તે સાથે ઈસ્લામ મઝહબનો પ્રચાર પણ જારી રાખ્યો. તે સાથે શત્રુઓ પ્રત્યે ઉદારતાભર્યું વર્તન રાખવામાં આવ્યું અને ઈસ્લામના પાયાના સિધ્ધાંત: અહિંસા, પ્રેમ, શાંતિ સહિષ્ણુતા અને સંગઠનનો જોશભેર પ્રચાર થવા લાગ્યો. રાજ્યના કાનુનો ઘડવામાં આવ્યા, જેમાં ન્યાયને પ્રધાનપદ આપવામાં આવ્યું. દરેકના હક્કો જળવાઈ રહે તેવી જોગવાઈ કરવામાં આવી. કોઈને ગેરઈન્સાફ ન થાય એ માટે સંપુર્ણ લક્ષ આપવામાં આવ્યું આ રીતે સર્વાંગી વિકાસના પંથે માનવજાતને દોહરાવવાના મહાન કાર્યની શુભ શરૂઆત થઈ. સ્થાનીક અને અંતરાના કબીલાવાળા તેમ અન્ય કોમો જેવા કે યહુદીઓ, ખ્રિસ્તીઓ, જરથોસ્તો વિગેરે જોગ ફરમાનો બહાર પાડી ઈસ્લામી રાજ્યથી સહકાર રાખવા તેમ તેના નિયમોને તાબે રહેવા અનુરોધ કરવામાં આવ્યો. આ રીતે દિનપ્રતિદીન ઈસ્લામી રાજ્યની તરક્કીના ચિન્હો જણાવા લાગ્યા.
(૨૯૯/૩૦૦) મદીનાની ઈસ્લામી સલ્તનતને ફુલતી ફાલતી જોઈ મક્કાના દુશ્મનો ખળભળી ઉઠ્યા. તેઓએ નવા હસ્તીમાં આવેલા આ રાજયને ઉખેડી નાખવા પ્રયત્નો શરૂ કરી દીધા અને મદીના ઉપર વ્યવસ્થિત રીતે હુમલો લઈ જવાની વેતરણ કરવા લાગ્યા. આખરે મક્કાના કુરેશીઓએ ૧૦૦૦ માણસોનું લશ્કર એકઠું કર્યું જેમાં ઘોડેસ્વારો અને ઉંટસ્વારો પણ હતા.
(૩૦૦) રસુલિલ્લાહને આ વાતની ખબર મળી કે તરત જ આપે પણ એક નાનુ લશ્કર તૈયાર કર્યું; જેની સંખ્યા માત્ર ૩૧૩ જણાની હતી. દુશ્મનો મક્કાથી ૨૮૬ માઈલના અંતરે આવેલા મદીના તરફ આવવા રવાના થયા. આપે ઈસ્લામના આ નાના લશ્કરની આગેવાની હ. અલી, હ. હમઝા અને ઉબેદાને આપી અને મકકાથી આવતા લશ્કરનો રસ્તામાં સામનો કરવા રવાના થયા. અર્ધે રસ્તે “બદર” નામના ગામ પાસે બન્ને લશ્કરનો ભેટો થયો અને ખુનખાર યુધ્ધ થયું જેમાં દુશ્મનોની હાર થઈ કુરેશીઓના લશ્કરનો સરદાર અબુ જહેલ માર્યો ગયો અને ઈસ્લામના લશ્કરનો વિજય થયો.
જંગે બદરની આ લડાઈમાં માત્ર ૧૯ મદીનાવાસીઓ અને કુરેશીઓના ૪૯ માણસો મરાણા હતા, બાકીનાને કેદ કરવામાં આવ્યા અને બીજા કેટલાક ભાગી ગયા. કેદ થયેલાને પયગમ્બર સાહેબે ફરી હુમલો ન કરવાની શરતે માફી આપી છોડી મુક્યા.
જંગે બદરની લડાઈમાં થયેલા ચમત્કારીક વિજ્યથી ઈસ્લામીઓમાં નવું બળ આવ્યું. ત્યારબાદ એક પછી એક ૮૦ ધર્મ યુધ્ધો થયા હતા, જેમાં જંગે ઓહદના યુધ્ધમાં શિસ્તને અભાવે હાર થઈ હતી, બાકીના દરેક યુધ્ધમાં ઈસ્લામીઓનો વિજ્ય થયો હતો. આ સઘળી લડાઈઓમાં હ. અલી (અ. સ.)એ આગેવાની ભર્યો ભાગ લીધો હતો. માત્ર જંગે તબુકની લડાઈમા ભાગ લીધો નહિ હતો, કારણ કે રસુલિલ્લાહે આપને મદીનાના રક્ષણનું કામ સોંપ્યું હતું.
હીજરી સનના બીજા વર્ષે રસુલિલ્લાહની વહાલી દુખ્તર હ. બીબી ફાતમા- તુઝ ઝોહરાના લગ્ન ઈલાહી હુકમ અનુસાર મૌલા અલી (અ.સ.) સાથે થયા હતા. આ લગ્ન કોઈપણ પ્રકારની ધામધુમ વિના સાદાઈથી થયા હતા અને હ. બીબી ફાતમાને દહેજમાં બહુ જુજ વસ્તું આપી હતી.
(૩૦૦/૩૦૧) હ. નબી મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) એ પોતાના પ્રથમ મહોરદાર બીબી ખતીજાની વફાત બાદ ૧૧ લગ્નો કર્યા હતા, જેમાં હ. અબુબકરના પુત્રી બીબી આયશા સિવાય દરેક સ્ત્રીઓ વિધવા હતી. રસુલિલ્લાહે વિધવાના ઉધ્ધાર અર્થેજ આ લગ્નો કર્યા હતા.
(૩૦૧) હીજરી સનના પાંચમા વર્ષે ખંદકની લડાઈ થઈ હતી, જેમાં ઈસ્લામીઓનો શાનદાર વિજય થયો હતો. મકકાવાસીઓનું લશ્કર ૧૦૦૦૦નું હતું, જ્યારે મદીનાવાસી ઈસ્લામીઓનું માત્ર ૩૦૦૦ નું હતું. દુશ્મનો તરફનો મહાન લડવૈયો “ઉમર ઈબ્ને અબ્દેવદ” આ લડાઈમાં હ. અલી (અ.સ.)ના હાથે મરાણો હતો. બાદ દુશ્મનોના લશ્કરમાં કુદરતી વંટોળીઓ અને આંધી આવી જેથી તેઓ માલ અસબાબ છોડીને છિન્નભિન્ન હાલતમાં ભાગી ગયા. ઈસ્લામનો આ એક મહાન વિજય હતો. આ વિજય પછી ઈસ્લામીઓ વધુ જોરાવર અને સંગઠીત બન્યા હતા. ઈસ્લામનું દાવતનું કામ પણ બમણા જોરથી થવા લાગ્યું હતું.
રસુલે કરીમે ઈસ્લામની દાવત માટે અનેક વાએઝીનની નિમણુંક કરી હતી અને તેઓને જુદા જુદા પ્રદેશમાં મોકલ્યા હતા. દેશાવર ખાતે દાવતનું કામ કરવા જનાર વાએઝીનોની કાર્યપદ્ધતિ અને તેઓની પવિત્ર ફરજનું ભાન આપ સારી રીતે કરાવી પછી વિદાય આપતા હતા. આ રીતે ઈસ્લામની દાવતનું કામ નમુનેદાર રીતે ચાલતું હતું.
આ દાવતનું કામ અપુર્વ પ્રગતિ સાથે ચાલતું છતાં મક્કા અને મદીનાની રિયાસતોની આપસમાં દુશ્મની ચાલુંજ હતી. પયગમ્બર સાહેબ જાણતા હતા કે જ્યાં સુધી આ બે રાજ્યો મિત્ર નહીં બને ત્યાં સુધી અખંડ અરબસ્તાન થઈ શકશે નહીં તેમ અરબસ્તાન આઝાદીપુર્વક સુખ શાંતિથી રહી શકશે નહીં. આ સિવાય મક્કામાં આવેલા પવિત્ર સ્થળ “કાબાતુલ્લાહ” ઉપર દરેક અરબોનો સરખો હક્ક હતો. આ પવિત્ર સ્થળે દર વર્ષે મેળો ભરાતો અને તેમાં દરેક અરબો ભાગ લેતા. મદીનાવાળા મક્કાની હજ કરવા ઘણાજ આતુર હતા પણ અંદરોઅંદરના સંપના અભાવે ઘણી ભીતી રહેતી હતી.
આપ મદીના પધાર્યા અને ઠરીઠામ થઈ રહેવા લાગ્યા ત્યારબાદ ઈસ્લામ મઝહબની ક્રિયાઓ ઈલાહિ હુકમ પ્રમાણે મુકરર કરતા ગયા. નમાઝ પડવા માટેનો કીબ્લો કાબાતુલ્લા તરફ રાખવાનું, અઝાન પુકારવાનું, નમાઝ બા કાયદા પડવાનું તેમ રોઝા, ઝકાત, હજ વિગેરેના નિયમો દાખલ કર્યા હતા.
(૩૦૧/૩૦૨) મદીનાવાસીઓની હજ માટેની આકાંક્ષા જોઈ હ. રસુલે કરીમે ૧૪૦૦ ઈસ્લામીઓને સાથે લઈને હજ માટે મક્કા શરીફ જવા રવાના થયા. આ હજના સમયમાં લડાઈઓ બંધ રહેતી જેથી ખાસ ભય ન હતો. છતાં દુશ્મનોએ ૮૦ માણસોની ટુકડી મોકલી મદીનાવાળાઓનો રસ્તો રોક્યો. નબી સાહેબે કોઈ સામનો ન કર્યો તેમ હથિયારનો પણ ઉપયોગ ન કર્યો છતાં ઈસ્લામીઓએ પેલા ૮૦ માણસોને પકડી લીધા અને પયગમ્બર સાહેબ પાસે હાજર કર્યા. પયગમ્બર સાહેબે આ સઘળાને ઉદાર દિલે માફી આપી. આથી મક્કાવાસીઓ ઉપર તેની સારી અસર થઈ. આ પછી બન્ને પક્ષો એકત્ર થયા અને સુલેહના કરારો કરવામાં આવ્યા. દેશની અખંડતા જળવાઈ રહે અને ધર્મનું રક્ષણ થતું રહે તે માટે દુશ્મનો તરફ ઉદાર દિલે વર્તાવ કર્યો અને સુલેહનામું લખાણું. આ સંધીને “હુદેબીયાની સંધી"ના નામથી ઓળખવામાં આવે છે. આ હજ ઈસ્લામીઓની પહેલી હજ હતી.
(૩૦૨) આ પછી હીજરતના સાતમા વર્ષે બીજી હજ થઈ. આ પછી મક્કાના મોટા મોટા કબીલાઓએ ઈસ્લામનો સ્વિકાર કર્યો હતો. આ સમયે ઈસ્લામીઓનું ચિંતાનું એક મોટું કારણ યહુદીઓ હતા. યહુદીઓની કપટનીતિ અને ફિસાદથી ઈસ્લામીઓ તંગ આવી ગયા હતા. વારંવાર સમજુતીથી કામ લેવાની ઈસ્લામીઓની ન્યાય અને શાંત વલણનો યહુદીઓ તરફથી ગેરલાભ લેવામાં આવતો હતો આના પરિણામે “ખયબર”ની લડાઈ થઈ.
જંગે ખયબરમાં હ. પયગમ્બર સાહેબે હ. ઈમામ અલી (અ.સ.)ની સહાય લીધી હતી. હ. અલી (અ.સ.)ની શુરવીરતાના કારણે ૪૦ દિવસમાં ખયબરનો કિલ્લો સર કર્યો હતો. આ બનાવ ઈતિહાસમાં સુપ્રસિધ્ધ છે.
ખયબર ઉપર ઈસ્લામીઓએ શાનદાર વિજય મેળવ્યો પણ યહુદીઓ સાથે પયગમ્બર સાહેબે અજબ ઉદારતા દાખવી હતી. ખયબરની લડાઈ પછી યહુદીઓ શાંત પડ્યા. મધ્ય અરબસ્તાન હવે સંપુર્ણ શાંત બન્યું હતું. અહિંની પ્રજા ઈસ્લામમાં દાખલ થઈ હતી અને નીતિભર્યું શાંત જીવન પસાર કરી રહી હતી. આ પછી આપે ઉત્તર અને દક્ષિણ તરફ લક્ષ કેન્દ્રિત કર્યું. આ વિસ્તાર પરદેશીઓના હાથમાં હતો. આ બે વિસ્તારોમાંથી દક્ષિણ વિસ્તાર ઈરાનના તાબામાં અને ઉત્તરનો વિસ્તાર રોમના તાબામાં હતો.
(૩૦૨/૩૦૩) આ બન્ને પરદેશી સત્તાઓ ઈરાન અને રોમ હંમેશા આપસમાં ઝઘડાઓ કરતી હતી, હ. નબી સાહેબે આ બન્ને વિસ્તારોના સમ્રાટોને શાંતપણે રાજ્ય કરવાનું, અધર્મ તજી દેવાનું અને નીતિ અપનાવવાનું કહેણ મોકલ્યું અને ઈસ્લામનો મહાન સિધ્ધાંત પણ સમજાવ્યો. સંદેશા લઈને એલચીઓ રવાના થયા પણ તેઓએ આંતર રાજ્ય કાનુનનો ભંગ કરી સુલેહના દુતોને મારી નાખ્યા, આનું પરિણામ યુદ્ધમાં આવ્યું અને લડાઈ થઈ. આ લડાઈને જંગે “મુતા”ના નામથી ઓળખવામાં આવે છે.
(૩૦૩) જંગે મુતામાં ઈસ્લામીઓ અને ઈસાઈઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં ઈસ્લામીઓનો એક વધુ ભવ્ય અને શાનદાર વિજય થયો અને ઉત્તર અરબસ્તાન પણ ઈસ્લામી સલ્તનત નીચે આવી ગયું.
આ ચિંતાનો નાશ થયો કે તુરતજ મક્કાવાસીઓનો ફરી સળગતો પ્રશ્ન ઉપસ્થિત થયો. મક્કાવાસીઓ “હુદેબીયાના કરાર”નો ભંગ કરવા લાગ્યા હતા. અંતે અહિં કાયમી શાંતિ સ્થાપવા એક વધુ યુદ્ધ માટે તૈયારી કરવામાં આવી અને આખરે ૧૦૦૦૦ ના લશ્કર ઉપર હ. ઉમરને સરદારી આપી મદીના તરફ કુચ કરી પણ દુશ્મનોના દિલમાં ધાક બેસી જવાના પ્રતાપે નજીવા, સામના બાદ મક્કા શહેર સર કરવામાં આવ્યું.
આ વિજય પછી મકકામાંથી અને કાબાતુલ્લામાંથી મુર્તિપુજાનો સદંતર નાશ કરવામાં આવ્યો અને એક જ અલ્લાહ સિવાય કોઈને પણ પોતાના મઆબુદ તરીકે ન સ્વિકારવા ઢંઢેરો પીટાવવામાં આવ્યો. આ રીતે ઈસ્લામનો રાજકિય રીતે અને ધાર્મિક રીતે ચમત્કારીક વિજ્ય થયો. હ. રસુલિલ્લાહને મદીનાનું રહેઠાણ પસંદ હોવાથી આપે કાયમી રહેઠાણ મદીના જ રાખ્યું.
મક્કાની ફતેહ પછી એવું જ એક મુર્તિપુજાના કેન્દ્રસમું હતું “તાયફ”. તાયફવાસીઓ મદીનાની સરકારનો સ્વીકાર કરતા ન હતા. મક્કાના પતન પછી તાયફવાસીઓ વધારે ઝનુની બન્યા હતા. તેઓને દાબી દેવા ઈસ્લામી લશ્કર રવાના થયું. ખુબ ઓછી ખુનખરાબી થયા પછી આ બળવાખોરોને ઝેર કરવામાં આવ્યા. આ બળવાખોર પ્રદેશના લોકો ધીમે ધીમે સત્ય સમજવા લાગ્યા અને ઘણાઓ ઈસ્લામ કબુલ કરી નીતિથી જીવન જીવવા લાગ્યા. જે સ્થળેથી પયગમ્બર સાહેબને માર મારી હાંકી કાઢ્યા હતા એવા તાયફવાસીઓ આખરે પયગમ્બર સાહેબના વફાદાર અનુયાયી બની ગયા.
કેટલાક સમય પછી બીઝનટાઈનના શાહે અરબસ્તાન ઉપર હુમલો કર્યો. રસુલિલ્લાહે સામનો કરવા ઈસ્લામી લશ્કર મોકલ્યું અને “તબુક” પાસે આવ્યા. આ સમયે બીઝનટાઈનની રાજધાનીમાં બળવો થયો જેથી દુશ્મનો તેમાં રોકાઈ રહ્યા. આમ પોતાના દેશના બળવાની શાંતિ જાળવવાના કાર્ય માટે દુશ્મનોએ સાધારણ સામના પછી લશ્કર પાછું ખેંચી લીધું અને ઈસ્લામી લશ્કરનો વિજય થયો.
(૩૦૪) જંગે તબુકની લડાઈ વખતે રસુલિલ્લાહ “તબુક” પધાર્યા હતા. એ સમય દરમ્યાન આપે હ. અલી (અ. સ.)ને પોતાના ખલિફ તરીકે નિમણુંક કરી મક્કાના રક્ષણની જવાબદારી સોંપી હતી. આપે આ વખતે ફરમાવ્યું હતું કે, “અમારી જગ્યાએ હ. અલી (અ.સ.)ની નિમણુંક કરીએ છીએ. જેમ હ. મુસાને હારૂન હતા તેમ હ. અલી અમારા જમણા હાથ સમાન છે.”
આજ સમયમાં ધ્યાન ખેંચનારો બનાવ એ બન્યો કે મદિનાની ઉતરે સીરિયાની સરહદ ઉપર આવેલા તાઈ કબીલાએ ઇસ્લામનો સ્વિકાર કર્યો. આ તાઈ કબીલાનો સરદાર “અદીતાઈ” સુપ્રસિધ્ધ હાતમતાઇનો પુત્ર હતો.
ઉપરા ઉપરી મળેલા વિજ્યોને પરિણામે ઈસ્લામની શક્તિનો ખુબ વિકાસ થયો. રાજ્યનો વિસ્તાર પણ વધ્યો. ઉતરમાં સીરિયાની સરહદથી માંડીને દક્ષિણમાં હિંદી મહાસાગરના વિસ્તાર સુધી ઈસ્લામી સલ્તનતની આણ પ્રવર્તતી હતી. રોમ અને ઈરાન જેવી સત્તાઓ આપસના ઝઘડામાં રોકાએલી હતી એટલે ઈસ્લામી રાજ્યને તેનો ભય નહિ હતો.
રસુલિલ્લાહે હવે ઈસ્લામી રાજ્યને સુવ્યવસ્થિત બનાવવાને સઘળું લક્ષ કેન્દ્રીત કર્યું. જુદા જુદા પ્રાંતમાં પીઢ અને કાબેલ હાકમોની નિમણુંકો કરી. ન્યાયનીતિ અને રક્ષણ માટે પુરતી તકેદારી રાખવામાં આવી. મુસ્લીમો અને બીન મુસ્લિમોને સમાન નાગરીક અધિકારો આપવામા આવ્યા.
ઈસ્લામી લડાઈઓની મહાન ફતેહ અને સુવ્યવસ્થાના સમયે આપની ઉમર ૬૨ વર્ષની હતી. હવે આપે હજ માટે તૈયારી કરવા માંડી. ઈ. સ. ૬૩૨ માં એટલે હીજરી સન ૧૧માં વર્ષે એક લાખ ચાલીસ હજાર મુસ્લિમો સાથે આપે મક્કા શરીફ જઈને હજ કરી ઈસ્લામી ઈતિહાસમાં આ હજને “હજ્જતુલ અકબર” અને હજ્જતુલ વિદા” યાને મોટી હજ અને આખરી હજ તરીકે ઓળખવામાં આવે છે. હજની ક્રિયા પુરી કરી આપે “અરફા”ની ટેકરી ઉપરથી હાજરીને સઘળા મુસલમાનોને ગંભીર વદને અસરકારક ઉપદેશ આપ્યો અને નીતિ વચનો સંભળાવ્યા અને ફરી એક વખત સહુને પરમસત્ય વિષેનું રહસ્યમય જ્ઞાન સંભળાવ્યું. સ્ત્રી પુરૂષોના માનવ અધિકારોની સમજણ આપી દરેકને સહુ સહુના અધિકારો પ્રમાણે વર્તવા અને તેને જાળવી રાખવા આજ્ઞા કરી. ગુલામો પ્રત્યે મમતાભર્યું વર્તન રાખવા નસિહત કરી.
(૩૦૪/૩૦૫) આ સઘળી નસિહતો આપની અંતિમ હતી કારણ કે આપ ફરી હજ નિમીત્તે મક્કા આવી શકવાના નહિ હતા. હજ કરવા આવેલા મુસલમાનોને હિદાયત કરી આપ મદીના જવાના રસ્તામાં “ગદીરે ખુમ" નામના મેદાન પાસે સઘળા મુસલમાનો સહીત આવ્યા ત્યારે આપને ઈલાહિ વાણી સંભળાઈ, તે એ હતી કે :-
(૩૦૫) “અય રસુલ ! તારા પાલણહાર તરફથી જે તમારી ઉપર નાઝીલ થયું છે. તે (સંદેશો લોકોને) પહોંચાડી દે; અને જો તમે એમ નહિ કરશો, તો પછી તમોએ તે (ખુદા)નો પયગામ પહોંચાડ્યો નથી. અને અલ્લાહ તમોને લોકોથી બચાવશે. ખરેખર અલ્લાહ પાક અધર્મિ લોકોને સદમાર્ગે લઈ જતો નથી.” (સુરે માએદાર આ. ૬૭).
ગદીરે ખુમ
આ ઈલાહી વાણી સાંભળી હ. પયગમ્બર સાહેબે ગદીરે ખુમના મેદાનમાં લોકોને એકઠા કર્યા. આ દિવસ ૧૮મી જીલહજનો હતો. આપે આ ઈલાહિ સંદેશો સંભળાવવા માટે ઊંટોના કજાવાનું મિમ્બર બનાવ્યું અને સઘળા મુસલમાનો જોઇ શકે અને સાંભળી શકે તેમ મિમ્બર ઉપર ચડી બુલંદ અવાજે ઈલાહી સંદેશો કહી સંભળાવ્યો અને ત્યારબાદ આપે ઈલાહી હુકમ પ્રમાણે અવ્વલ ઈમામ હ. અલી (અ.સ.)ને આપના વસી - વારસદાર તરીકે જાહેર કર્યા. આપે વધુમાં તેઓના વિષે જાહેરાત કરતા સમજાવ્યું :-
“અલ્લાહ તું તેને દોસ્ત રાખજે જે અલીની દોસ્તી રાખે છે. તું તેને સહાયતા કરજે જે અલીને સહાયતા આપે છે. જે અલીને ઉતારી પાડવા માગે છે. યા અલ્લાહ ! તું તેને ઉતારી પાડજે.”
હ. અલી (અ.સ.)ને વસી જાહેર કર્યા બાદ નીચે પ્રમાણેનો ઈલાહી હુકમ કહી સંભળાવ્યો.
"અલ યવમ અકમલતો લકુમ દીનકુમ વ અતમમતો અલયકુમ નેઅમતી વ રઝીતો લકોમુલ ઈસ્લામ દીના.”
(૩૦૬) “આજ દિવસે મેં તમારા માટે તમારો ધર્મ સંપુર્ણ કર્યો છે અને તમારા ઉપર મેં મારી મહેરબાની પુરી કરી છે અને તમારા માટે મેં ઈસ્લામ ધર્મ પસંદ કર્યો છે."
(સુરતુલ માએદા આ. ૩.)
આ ઈલાહી વાણી દ્વારા વિશ્વમાં રસુલિલ્લાહે ઝમાનાના ઈમામને જાહેર કર્યા અને ઈમામની મહાનતાઓ સાથે બોધ આપ્યો. જાહેર ઈમામ વગર ધર્મ અધુરો છે. ઈમામ વગર અલ્લાહની નિયામતો પુરી થતી નથી. ઈમામથીજ સઘળું સંપુર્ણ થાય છે, એવો મહત્વપુર્ણ બનાવ “ગદીરે ખુમ”ના મેદાનમાં આપના જીવનના છેલ્લા પ્રસંગે પ્રસિધ્ધ થયો. ઈસ્લામ કે જે અલ્લાહને પસંદ કરાએલો મઝહબ છે તે સાથે તેની સંપુર્ણતા ઝમાનાના ઈમામથી થાય છે. આ બાબત સહેલાઈથી સમજાય તેવી છે.
ઉપરોકત ઈલાહિ આજ્ઞા સાંભળી ઈસ્લામીઓમાં અનેરો આનંદ વ્યાપી ગયો અને “અંતા મૌલાઈ, અંતા મલાઈ"ની ગગનભેદી ગર્જનાઓથી ગદીરે ખુમનું મેદાન ગાજી ઉઠ્યું. બાદ સહુએ હ. અલી (અ. સ.)ને મુબારકીઓ આપી. જેમાં હ. ઉમર (રઝી.) પ્રથમ હતા. ઈસ્લામના રાજકવિ હિસ્સામ બિન સાબિતે એક કસીદો રજુ કર્યો જેથી આખાય વાતાવરણમાં “યાઅલી, યાઅલી”નો મુબારક નાદ ગુંજી ઉઠ્યો.
આ રીતે વિશ્વમાં ઈમામની ઝહુરાત થઈ અને તે દિવસે ઈસ્લામ સંપુર્ણતાએ પહોંચ્યો અને વિશ્વને સદા પ્રકાશ દાખવનાર દિવ્ય ઈમામ મળ્યા.
આ૫ “ગદીરે ખુમ”થી મદીના પધાર્યા. આપની ઉંમર હવે ૬૩ વર્ષની થઈ હતી. આપને ઈસ્લામના પ્રચારથી અને અનેક લડાઈઓ તેમજ સતત કામકાજથી થકાવટ આવી ગઈ હતી. આપ શરીરે અશક્ત થઈ ગયા હતા અને આપને તાવ આવવા લાગ્યો હતો.
આપની માંદગીથી ઈસ્લામીઓ વ્યાકુળ બની ગયા હતા. દિવસે દિવસે આપ શારીરીક રીતે વધુને વધુ અશકત થતા ગયા. આપ હવે મસ્જીદમાં પણ જઈ શકતા નહીં હતા. આથી લોકોમાં વધુ બેચેની વ્યાપી ગઈ.
(૩૦૭) આ પછી એક રાતે આપને વધુ તાવ આવ્યો, જેથી આપ ઘણા જ અશક્ત થઈ ગયા. આખરે હી. સ. ૧૧માં આ૫ ૬૩ વર્ષનું આયુષ્ય ભોગવી આ ફાની દુનિયામાંથી રહેલત કરી ગયા.
હ. રસુલ કરીમ (સ.અ.વ.)ની વફાત બાદ હ. અલી (અ.સ.) આપની અંતિમ ક્રિયામાં રોકાયા હતા. આ સમયે ઈસ્લામીઓએ ઈસ્લામના ખલિફાની ચુંટણી માટે ચર્ચા શરૂ કરી. પરિણામે હ. અબુબકરને ઈસ્લામના ખલિફા તરીકે ચુંટી કાઢયા. ખલિફા તરીકે હ. અલી (અ.સ.)નો હક્ક થતો હોવા છતાં ઈસ્લામીઓની ઐક્યતા જળવાઈ રહે અને શાંતિથી ઈસ્લામનું રાજ્ય ચાલે તે માટે આપે પોતાના હક્કને જતો કર્યો. પરિણામે હ. અલી (અ. સ.) મુસ્લિમોના રૂહાની વડા તરીકે તો રહ્યા જ અને રસુલિલ્લાહના ઉત્તરાધિકારી તરીકે તેઓશ્રી અવ્વલ ઈમામ બન્યા અને તેઓથી પેઢી દર પેઢી ઈમામો જાહેર થતા રહી આજ સુધી ઝમાનાના ઈમામ તરીકે દુનિયાને હિદાયત કરી, સિરાતલ મુસ્તકીમ યાને સતપંથ બતાવી રહ્યા છે, અને રોજે ક્યામત સુધી એ હિદાયતના માલિક ઝમાનાના ઈમામ હાઝર અને મૌજુદ રહેશે.
અલ્લાહના રસુલો બુક કમ્પલીટ
યા અલી મદદ.
