ઈમામ શાહ કરીમ બૈતુલખ્યાલ ફરમાન
રેકોર્ડીંગ - ૨
રેકોર્ડીંગ - ૨
આપણા શીરછત્ર નુર મૌલાના શાહ કરીમ અલ- હુસેની હાઝર ઈમામે બૈતુલખ્યાલ મંડળીને ફરમાવ્યું:-
પેજ(૭૨) આ એક રૂહાની સાંકળ છે કે જે ઝમાનાના ઈમામ મારફત હઝરત અલીના નૂર મારફત અલ્લાહ તરફ જાય છે.
તમે જ્યારે સવારના બંદગીમાં બેસો ત્યારે તમારે મગરૂર કે લાલચુ થવું નહિં કે વધારે પડતી મોટી આશા રાખવી નહિં.
પેજ(૭૩) અમો તમને ‘નક્સ’ આપીશુ નહિં કારણ કે અમો તમોને જે ‘બોલ’ આપશું તે કેવી રીતે લખવો તે તમો તરત સમજી શકશો. અને તેથી ‘બોલ’ને નજરથી ઓળખવાનો કોઈ પ્રશ્ન રહેશે નહિં.
બીજા શબ્દોમાં કહીએ તો તમે હઝરત અલી મારફત અલ્લાહ સાથે રૂહાની નજદીકી પ્રાપ્ત કરવાની ચાહના રાખો અને તમે જો બંદગીમાં નિયમિત રહેશો તો ‘તે’ પોતે ઈચ્છા કરશે તે સમયે અને તે જગ્યાએ તમોને આ રૂહાની ઉન્નતિની નવાઝીશ કરશે. તમારે આ ‘બોલ’ લખવાનો નથી તમારે તે લખવાની જરૂરત નથી.
પેજ(૭૬) તમારા રૂહની પાકિઝગી માટેનો, તમારા રૂહને સાફ કરવાનો એક માત્ર રસ્તો એ છે કે તમો તમારી ધાર્મિક ફરજોમાં નિયમિત રહો, તમારી દુઆ બંદગીમાં નિયમિત રહો, જમાતખાનાની હાઝરીમાં નિયમિત રહો, તમારા મઝહબના ઉસુલો પ્રમાણે જીવન ગુજારો અને તે પ્રમાણે અમલ કરો.
પેજ(૮૨) અમારા જીવનનો અમુક ભાગ અમે એકાગ્રતા પાછળ, અલ્લાહનો શું અર્થ થાય છે તે વિચારવા પાછળ અને અમારી રૂહાની ઉન્નતિ પાછળ ખર્ચવા માગીએ છીએ બંદગીનો આ અર્થ છે.
પેજ(૮૬) શક્તિ, હિંમત અને પ્રબળ ઈચ્છાની જરૂરત છે. અધુરા દિલવાળા અને જે લોકો બંદગીની પ્રેકટીસ કરવાના પોતાના ઈરાદાઓમાં મક્કમ નથી તેઓ આ સુખની પ્રાપ્તિ કરી શકશે નહિ.
'તે’ કે જે બીજા સર્વેથી મહાન છે તેની ઈચ્છાને સંપુર્ણપણે આધિન થવું જોઈએ. અને આ પ્રકારની સંપૂર્ણ આધિનતાથી જ એક દિવસ તમોને તે સુખનો, તે શક્તિની અને તે નૂરની પ્રાપ્તિ થશે.
પેજ(૯૦) ‘બોલ‘ ઉપર ધ્યાન લગાડો ‘બોલ‘ના અર્થ ઉપર ધ્યાન લગાડો.
પેજ(૯૨) જે દિવસે તમોને આ ભૌતિક જગત મહત્વનું નહિ લાગે તે સમયે તમો હવે પછીની જિંદગી માટે તૈયાર થઈ ગયા હશો.
પેજ(૯૩) હું તદ્દન રૂહાની દ્રષ્ટિએ ફરમાન કરી રહ્યો છું. પ્રતિકરૂપે અમો તમોને જે ‘બોલ’ આપીએ છીએ તેનો અર્થ એ છે કે તમો અલીના નૂર મારફત તે કે જે સર્વથી ઉપર છે તેની નજદીક આવી શકશો.
પેજ(૯૬) બૈતુલખ્યાલ પરોઢિયે ચાર વાગે રાખવામાં આવેલ છે કે જ્યારે દુન્યવી ખેંચાણ ઓછામાં ઓછું હોય છે અને તે કારણે બંદગી કરનાર વ્યક્તિ પોતે એટલો શાંત વાતાવરણમાં હોયને એકાગ્રતા કેળવવા માટે ઉત્તમ તકો મેળવે છે.
તરીકા એટલે આમાલ માટેના માર્ગો.
પેજ(૯૭) બૈતુલખ્યાલ સમય અને શક્તિની કુરબાની માગે છે.
ફક્ત જેઓને રૂહાની પ્રકાશ મેળવવા માટેની અંતઃકરણ પૂર્વકની ઈચ્છા હોય તેઓજ બૈતુલખ્યાલમાં જોડાય.
પેજ(૯૮) તમો જે કંઈ જુઓ છો, અડો છો, (સ્પર્શ કરો છો) સાંભળો છો અને તેમજ દરેક ભૌતિક વસ્તુંઓ અદ્રશ્ય થઈ જશે અને ફકત આત્મા રહેશે.
બૈતુલખ્યાલ એટલે પરોઢિયે ચાર વાગે ઉઠવું.
પેજ(૯૯) દરેક સમયે જ્યારે તમો ઘડિયાળ જુઓ છો ત્યારે તમો તમારી રૂહાની જિંદગીની નજદીક આવો છો અને તમારી શારિરીક જિંદગી ટુંકી થતી જાય છે.
પેજ(૧૦૪) એવા નિરાળા રસ્તાઓ છે કે જે ઈમામ પોતાના રૂહાની બચ્ચાઓને બતાવી શકે છે કે જેથી તેવા રૂહાની બચ્ચાઓ ઉચ્ચ કક્ષાની રૂહાની જ્યોત મેળવી તેઓ પોતાના હ્રદયમાં અને આત્મામાં ઈમામતનું નૂર જોઈ શકે અને તે ઈમામતના નૂરથી તેઓ એટલી રૂહાની પ્રગતિ કરી શકે કે જે તેઓની જિંદગીના અંત સમયે આ રૂહાની જ્યોત એટલી હદ સુધી પહોંચી જાય કે જેથી તેઓની દરેક દુન્યવી વસ્તુંઓ અર્થ વગરની બની જાય.
પેજ(૧૦૬) જો તમે બૈતુલખ્યાલમાં મહેનત લેશો તો બીજા કોઈ વખતે અમો તમોને મજબુત સાંકળ આપશું જે ઘણી ઝડપથી તમારા અને મારા વચ્ચેના અંતરને ટુંકાવી નાખશે. એટલે અમોએ નક્કી કર્યું છે કે તમોને ઈસ્મે આઝમ અને નક્સ બંને આપવા અને અમે એ પણ સારી રીતે જાણીએ છીએ કે આ બંને વસ્તુંને સાથે રાખીને સુમેળ રાખવો કઠીન હશે, પણ તમારી પ્રેક્ટિસ અને તમારા ઈમામની મદદ તમને સાનૂકુળ બનાવી દેશે અને આ ઘણુંજ ઝડપી રીતે બનશે.
પેજ(૧૦૭) ઈબાદત માટે દરેક દિવસ એ તમારા માટે નવો દિવસ છે. તમોએ જે ઈબાદત કરી તેના તરફ ખ્યાલ ન રાખો પણ નવા દિવસ તરફ ખ્યાલ રાખજો અને આજથી તમે જે કરશો તેની તમારા ઈમામ અવશ્ય નોધ લેશે. એટલુજ નહિ પણ તમારી તકલીફ અને વીટંબણાઓ વખતે તમારા ઈમામ તમારી મદદે આવશે.
અમો સારી રીતે જાણીએ છીએ કે તમારામાંથી ઘણાઓ ઉપર દુન્યવી પરિસ્થિતિએ ગલ્બો કરેલ છે અને તેથી તેઓ નાસીપાસ થયેલ છે અને ઈબાદતમાં પણ કમજોર બન્યા છે, તેમજ નાહિંમત થયા છે. તેઓને અમો મદદ કરવા ચાહિયે છીએ. આજે જે ઈસ્મે આઝમ અને નકસ અમો ઈનાયત ફરમાવશું તેના થકી અને નિયમિત મહેનત થકી તમો જલદી બળવાન અને હિંમતવાન બની જશો અને અમો તમો સઘળાઓને ખાત્રી પુર્વક ફરમાવીએ છીએ તમારી તકલીફોને તમે પોતે તમારી મરજી મુજબ હટાવી શકશો અને હવા વાદળના પહાડને પોતાની મરજી મુજબ ખેંચી જાય છે તેવી જ રીતે તમારી તરફ આવી રહેલા સંકટના પહાડને તમારી મરજી મુજબ તમારા ઈશારે હટાવી શકશો અને તમે એ પણ જોઈ શકશો કે મુસીબતોનો પહાડ હટી રહ્યો છે (આ વખતે હાઝર ઈમામે પોતાના હાથ મુબારકથી સમજણ પાડી હતી) ફરમાવ્યું કે આ ઘણુંજ જલદી બનશે પછી તમોને કોઈ શીકાયત નહિ હોય તમો ક્યારેય ગભરાઈ જશો નહિ.
પેજ(૧૧૧) ...તમારે તમારા દુન્યવી કોયડાઓને ભૂલી જવા જોઈએ અને તમારે ‘બોલ’ના અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
પેજ(૧૧૨) જો તમે સફળ થશો તો તમે એ રોશની, સુખ, એ રૂહાની શક્તિ મેળવી શકશો કે જેને સહુ પ્રથમ તો તમે ઓળખી શકશો અને બીજું કે તે તમને બીજા કોઈપણ માર્ગેથી મળી શક્શે નહિ.
પેજ(૧૧૪) બંદગી વહેલી સવારે કરવામાં આવે છે અને તે માટે હિંમત, હેતુની પ્રમાણિકતા અને શક્તિની જરૂર રહે છે.
'બોલ’નો શું અર્થ થાય છે ? ‘બોલ’ એક કડી છે. તે એક એવી કડી છે કે જે અમે તમારામાંથી જેઓ પોતાના આખા જીવન દરમ્યાન નિયમિત રીતે બંદગી કરે છે તેમને માટે નવી આપીશું. તેને અમે ટૂંકી કરીશું. તમારા જીવનકાળ દરમ્યાન નૂરની વધુ, વધુ અને વધુ નજીક આવવા આ કડીએ તમને શક્તિમાન બનાવવા જોઈએ.
પેજ(૧૧૫) તમારા મનમાંથી દુન્યવી બાબતોને દુર કરો અને ‘બોલ’ ઉપર એકાગ્રતા કેળવવા પ્રયાસ કરો.
જ્યારે તમે બંદગીમાં બેસો ત્યારે તમે તે નૂરમાં પ્રવેશવા અને હઝરત અલીના તે નૂર થકી જે સર્વેથી ઉપર છે તેની (અલ્લાહની) તરફ આવવા કોશિષ કરો. બંદગીનો આ અર્થ છે.
પેજ(૧૧૬) એવા પણ રૂહાની બાળકો છે કે જેમણે તે નૂર મેળવ્યા વગર વરસો સુધી બંદગી કરી અને જ્યારે ફકત નજીવી આશા રહી હોય ત્યારે તેમણે તેને પ્રાપ્ત કર્યું.
પોતપોતામાં ‘બોલ’ વિષે ચર્ચા ન કરશો.
પેજ(૧૧૯) માત્ર તેજ રૂહાની બાળકો વહેલી સવારે જાગશે કે જેઓ પોતાની અંગત શક્તિ કે જે ઈમામ તમને આજે સાંજે નવાજેશ કરશે તેના દ્વારા રૂહાની રોશનીની શોધ કરનાર છે.
પેજ(૧૨૧)જો તમે સફળતા મેળવશો તો તમે નૂર જોઈ શકશો કે જેને તમે ઓળખી શકશો, તમે જોએલ અન્ય કોઈપણ કરતાં તે નૂર અનોખું હોવાનું તમે સમજી શકશો અને જે તમને સુખ, હિંમત અને ઈમાનની શક્તિ આપશે કે જે બીજી કોઈપણ વસ્તું તમને આપી નહિ શકે.
તમે પરિપૂર્ણ જ બનશો તેવી અમે અપેક્ષા રાખતા નથી. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારો પ્રયાસ નિખાલસ હોય અને સતત હોય.
પેજ(૧૨૪) ....નૂર માટેની, સત્ય માટેની, રૂહાની પ્રગતિ માટેની વ્યક્તિગત શોધ કરી શકે છે. બૈતુલખ્યાલનો આ અર્થ છે.
પેજ(૧૨૪) બૈતુલખ્યાલમાં વહેલી સવારે આવવાનું હોય છે અને નિયમિત બંદગી માટે હિંમત, પ્રમાણીકતા અને ઈચ્છાશક્તિની દ્રઢતા જરૂરી બની રહે છે.
પેજ(૧૨૬) જો નૂર જોવાની, નૂરની નજીક આવવાની તમારા ઉપર રહેમત ઉતરે તો તમોએ નૂરનો અનુભવ મેળવ્યો છે એ લોકોને કહેતા ન ફરો , કારણ કે આ રૂહાની બાબત છે.
પેજ(૧૨૭) બંદગી એ રૂહાની બાબત છે, ભૌતિક બાબત નથી, તેમાં હિંમત અને એકાગ્રતાની જરૂર છે. અમે પરિપૂર્ણતાની અપેક્ષા નથી રાખતા પરંતુ તે નૂર મેળવવા માટેના નિખાલસ અને સતત પ્રયાસોની અપેક્ષા રાખીએ છીએ.
પેજ(૧૨૯) બંદગી મુશ્કેલ બાબત છે. તેમાં હિંમત, આશયની પ્રામાણીકતા, નિખાલસતા અને નમ્રતાની આવશ્યકતા છે.
પેજ(૧૩૦) યાદ રાખો કે તમે શોધી રહ્યા છો, તમે મેળવી નથી રહ્યા, તમે પ્રયત્ન કરી રહ્યા છો. ખુલ્લા દિલથી અને નમ્રતાથી શોધો અને જે ‘બોલ’ અમે તમને આપ્યો છે તેના પર એકાગ્રતા કેળવો. જો તમે સફળતા મેળવશો તો તમે નૂર જોઈ શકશો.
પેજ(૧૩૨) બંદગી નિયમિત કરો કારણ કે આ રોશની પ્રાપ્ત કરવાનો તમારો કોઈ અધિકાર નથી, ઈન્શાઅલ્લાહ, તે તમને આપવામાં આવશે. જ્યારે તે તમને આપવામાં આવશે ત્યારે તમે તેને જાણી શકશો અને પછી તમને ખાત્રી થશે કે હવે પછી એક નવો ‘બોલ’ તમને આપવામાં આવે, અને આમ તમે આ રોશનીની હજુ વધુ નજીક આવશો.
પેજ(૧૩૫) જ્યારે તમે બંદગીમાં બેસો ત્યારે એ યાદ રાખો કે નૂરની પ્રાપ્તિ, નૂરનો દિદાર, નૂરનો અનુભવ એ કંઇ તમારો અધિકાર નથી.
તમારે તે નૂર કઈ રીતે પ્રાપ્ત કરવું જોઈએ ? તમારે તેને ‘બોલ’ મારફત, ‘બોલ’ પરની એકાગ્રતા મારફત પ્રાપ્ત કરવું જોઈએ.
પેજ(૧૪૦) તમારા અંતરને ખુલ્લું કરવા, ‘બોલ’ના અર્થ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તમારા મનમાંથી દુન્યવી વિચારોને દુર કરવા તમારે નમ્રતાથી પ્રયાસ કરવો જોઈએ. આ રૂહાની રોશનીની પ્રાપ્તી માટેના પ્રયાસ કરવા ઈમામ તમને માર્ગ બતાવે છે અને એ માર્ગ ‘કડી’ છે. એ કડી તે ‘બોલ’ છે. હઝરત અલીના નૂર મારફત તે કે જે સહુથી પર છે તેની નજીક આવવા પ્રયાસ કરવો જોઈએ.
તમે તે સુખની પ્રતીતિ કરી શક્શો અને તે તમને ઈમાનનું બળ, હિંમત અને રૂહાની શક્તિ આપશે.
પેજ(૧૪૧) જો તમને સફળતા મળે તો તમારા જીવનમાં હવે પછી અમે તમને બીજો ‘બોલ’ આપીશું અને જેમ જેમ તમારી વય વધતી જશે તેમ તેમ અમે તમને વધુને વધુ ટૂંકી કડીઓ આપીશું.
પેજ(૧૪૩) જ્યારે તમે બંદગી કરવા માટે મગજથી, શરીરથી, ભાવનાથી અને માનસિક રીતે તૈયાર હો ત્યારે બૈતુલખ્યાલમાં દાખલ થાવ.
ઈમામની દોરવણી થકી રૂહાની રોશની, રૂહાની જાગૃતિ અને રૂહાની સફળતા માટે પ્રયાસ કરવો અને તે પ્રાપ્ત કરવી એ દરેક રૂહાની બાળક માટે શક્ય છે. પરંતુ આ માટે અંગત પ્રયાસોની જરૂર છે અને આ અંગત પ્રયાસ એટલે બંદગી કરવી.
પેજ(૧૪૪)તમે કેવી રીતે બંદગી કરો છો ? ‘બોલ’ ઉપર ધ્યાન એકાગ્ર કરી તમે બંદગી કરો છો, ’બોલ’ રૂહાની કડી છે અને તમારા જીવન દરમ્યાન આ રૂહાની કડી વધુ અને વધુ ટૂંકી થતી જવી જોઈએ. આ પછી તમારા જીવન દરમ્યાન અમે તમને બીજો ‘બોલ’ આપીશું.
જ્યારે તમે ‘બોલ’નું રટણ કરો છો, તમે બંદગી કરો છો...
પેજ(૧૪૫) જો ટેબલ પર પાણીનો જગ પડ્યો હોય અને જો તમે તે પાણીનો જગ લેવા માગતા હો તો તમે તમારા હાથને લાંબો કરો છો અને તે પાણીના જગને લઈ લો છો. એ તમારી ઈચ્છાશક્તિ છે કે જે તમારા હાથને પાણી લેવા હુકમ કરે છે. બંદગીમાં તમારી ઈચ્છાશક્તિ તમને તે રોશની આપી શક્તિ નથી.
જ્યારે તમે શોધ કરો ત્યારે અને તે સમયે તેની તમારા પર નવાજેશ કરવામાં આવે છે કે જે ઉપર તમારો અખત્યાર નથી.
જેઓ બંદગી શરૂ કરે ત્યારે વહેલી તકે સફળતા ન મેળવે તો તેમને અમે ફરમાવીએ છીએ કે નિરાશ ન થશો અને બંદગી કરવાનું છોડી ન આપશો, કારણ એ બનવાજોગ છે કે જો તમે બંદગી કરવાનું ચાલુ રાખ્યું હોત તો તમે બંદગી કરવાનું છોડી આપ્યું તેના એક અઠવાડિયા પછી અથવા એક મહીના પછી તમે રોશની પ્રાપ્ત કરી શક્યા હોત. આથી બંદગી કરવાનું છોડી ન આપશો.
પેજ(૧૪૬) આથી તમે જ્યારે બંદગીમાં બેસો ત્યારે જે ભૌતિક વસ્તુંઓ છે તે બધી તમારા મગજમાંથી કાઢી નાખો અને જે ‘બોલ’નો અર્થ છે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.
પેજ(૧૪૭) નુર પ્રાપ્ત કરવામાં જો તમને સફળતા મળે, જે ઈન્શાઅલ્લાહ તમને મળશે, તો બીજા કોઈ પાસે તે રોશનીનું વર્ણન કરવાની કોશિશ ન કરશો, તે સંબંધી કહેવાની કોશિષ ન કરશો, બંદગીમાં તમને સફળતા મળી છે તે વિષે બીજા દિવસે બડાઈ ન મારશો.
યાદ રાખો કે બંદગી કરવા માટે હિંમત જરૂરી છે, તેમાં શારિરીક અને ભાવનાત્મક હિંમત જરૂરી છે અને તમારે તે હિંમત મેળવવી જોઈએ.
પેજ(૧૪૮) ઘડીયાળમાંથી જેમ જેમ દરેક સેકન્ડ પસાર થતી જાય છે તેમ તેમ પ્રત્યેક સેકન્ડે તમે તમારી રૂહાની જિંદગીની, તમારા સંપૂર્ણ રૂહાની જીવનની વધુને વધુ નિકટ આવતા જાવ છો, તે એટલે સુધી કે છેવટે તમારૂં શારિરીક અસ્તિત્વ રહેતું નથી એ ધ્યાનમાં રાખો.
પેજ(૧૪૯) જાહેરી એટલે જે કાંઈ દેખાય છે તે અને જે કાંઈ જોવામાં આવે છે તેનાથી જેઓ આગળ જવાની કોશિષ કરતા નથી તે.
પેજ(૧૫૦) બાતુની બાજુનો આ અર્થ છે તે એ છે કે જે જોવામાં આવે છે તેનાથી વધારે મેળવવા માટેની ચાહના રાખો જે સ્વર્ગીય છે, જે રૂહાની છે અને ઈમામ તરફથી તમને જે કાંઈ કહેવામાં આવે છે તે મેળવવાની ચાહના રાખો બાતુનીનો આ અર્થ છે.
પેજ(૧૫૧) તમે ઈમામ પાસેથી ફરમાન લ્યો એટલે ‘બોલ’ લ્યો અને તમારી જિંદગીમાં દુન્યવી અને બીજા વિચારો અગત્યતા મેળવે તેથી બીજે દિવસે તમે તેને ભુલી જાવ, તેથી બૈતુલખ્યાલ મરજિયાત છે.
પેજ(૧૫૧, ૧૫૨) ‘બોલ’ લીધા પછી તમારામાંના દરેકને તમારા જીવનકાળ દરમ્યાન ઓછામાં ઓછું એક વખત તે માર્ગ તમને મળવો જોઈએ તે રોશની તમે જોઈ શકો. તે સુખ તમે પ્રાપ્ત કરી શકો કે જે મેળવવા તમે જો ફતેહમંદ થાવ તો ચોકકસ તમે તેને ઓળખી શકશો તમે તેને જાણી લેશો અને તમારે તમને પોતાને કે ઈમામને સવાલ પુછવો નહિ પડે.
વહેલી સવારે ઊઠો અને તમારી બંદગીમાં મશગુલ થાવ.
પેજ(૧૫૪) જેમ જેમ તમે ઉંમરમાં મોટા થતા જશો તેમ તેમ અમે માનીએ છીએ કે બંદગી કરવી તમારે માટે વધારે અને વધારે આસાન બનશે.
પેજ(૧૫૬) તે રોશની તમને આપવામાં આવશે અને તેનો સમય, તારીખ કે સંજોગો ઉપર તમારો કોઈ અધિકાર નથી. બંદગીમાં તમે સફળ થશો તો તમને એક ટકાના સોમા ભાગ જેટલો પણ તમારા મનમાં શક રહેશે નહિ.
પેજ(૧૫૮) બંદગીમાં નિષ્ફળતાના ડરથી ન બેસો પરંતુ બંદગીમાં વિશ્વાસ પૂર્વક, ચાહનાથી અને એકાગ્રતાથી બેસો.
પ્રતિક રૂપે ‘બોલ’ અને ‘બોલ’ મારફત હઝરત અલીના નૂર મારફત બીજા શબ્દોમાં હઝરત અલીના નામ મારફત જે સર્વેથી ઉપર છે તેની નજદીકી હાંસલ કરો.
એ રૂહાની બાબત છે. માટે એ લાઈટ તે ભૌતિક લાઈટ જેવી હશે તેમ ન સમજજો કારણ કે તે ભૌતિક લાઈટ નથી પરંતુ એ રૂહાની લાઈટ છે. એ લાઈટ તમારા આત્મામાં છે. એ સુખ છે એ શક્તિ છે. આ લાઈટ (રોશની) મળ્યા પહેલા જે તમે અનુભવ્યું હોય તેનાથી આ અનોખા પ્રકારનું છે.
પેજ(૧૫૯) એ રોશની તમોને પહેલી વખત બંદગીમાં બેસો ત્યારે પણ આપવામાં આવે અથવા તો તમો આ દુનિયા છોડી જાવ તેના એક દિવસ પહેલા પણ આપવામાં આવે.
પેજ(૧૬૧) જો પહેલી વખત બંદગીમાં સફળતા ન મળે તો પણ સફળ ન થવાના ડરથી બંદગીમાં ન બેસો. ડરથી બેસવું તે પણ રસ્તાથી હટી જવા બરાબર છે. એક બાજુ તમારે લાલચુ પણ નથી બનવાનું અને બીજી બાજુ તમારે ડર પણ નથી રાખવાનો.
બંદગી કરતી વખતે ભૌતિક પ્રગટીકરણ (નિશાનીઓ)ની આશા ન રાખો.
ભાષા એ માનવિય ગુણ છે. નહિ કે રૂહાની ગુણ.
પેજ(૧૬૨) એટલા માટે એનું (રોશનીનું) વર્ણન કરવું મુશ્કેલ બલ્કે અશક્ય બને છે.
સવારે ચાર વાગ્યા સિવાય પણ બંદગી કરી શકીએ ? મારો જવાબ છે ‘હા’ તમે તેમ કરી શકો છો પરંતુ એ વહેલી સવારની બંદગીના બદલામાં ન હોવું જોઈએ.
જો દિવસ દરમ્યાન તમને એક અથવા બે કલાકનો સમય મળે તો પોતાની ખુશી માટે બહાર દુન્યવી પ્રવૃત્તિ હોવા છતાં બંદગી કરી શકો છો અને અમે આશા રાખીએ છીએ કે તમને સફળતા મળે તમને વહેલી સવારે અથવા દિવસના સમયે સફળતા મળે છે તે અગત્યની બાબત નથી. અગત્યની વાત એ છે કે તમે સફળ થાઓ.
પેજ(૧૭૧) બાતુનીની માયના એ છે કે જે આંતરિક અર્થ ધરાવતો હોય છે, એ આંતરિક અર્થ કે જેને ઈમામ, તેની તલબ કરનારને સમજાવે છે.
પેજ(૧૭૪) જો તમે સફળ થયા હશો તો અમે તમને એક નવો ‘બોલ’ આપીશું, એક નવું જોડાણ આપીશું એ જોડાણને તમારે ટૂંકુ અને વધારે ટૂંકુ અને વધારે ટૂંકુ કરવું જોઈએ.
પેજ(૧૭૫) તમારા ઈમામની હેસિયતે અમારૂં દ્રઢ પણે માનવું છે કે વહેલી સવારના તમારા સફળ થવાની તકો વધારે હોય છે.
પેજ(૧૮૫) જો તમારામાં નમ્રતા નથી તો બંદગીમાં સફળ થવાની તમારા માટે કોઈ તક નથી. જો તમે લાલચુ છો, જો તમે આડંબર કરો છો. જો તમે ઉતાવળીયા છો, તો તમને બંદગીમાં સફળ થવાની તક નથી. એટલા માટે, તમે ખોજ કરી રહ્યા છો અને એ નૂરની તમારા ઉપર એવા સમયે બક્ષિશ કરવામાં આવશે કે જ્યારે તમે તેને લાયક હશો પરંતુ એ તમારો હક નથી.
પેજ(૧૮૬) તમોએ નિયમિત બંદગી કરી છે. તો તમે પ્રમોશન માટે તૈયાર છો.
હું તમને પ્રમોશન આપીશ કારણ કે તમે નિયમિત પ્રેકટીસ કરી છે.
પેજ(૧૮૭) આ પ્રસંગે તમોએ આજ સુધી જે પણ ગુનાહ કર્યા હોય, જે પણ પ્રકારના ગુનાહ કર્યા હોય તે હું માફ કરૂં છું.
પેજ(૧૯૧) તમારે બંદગીમાં બેસવું જોઈએ અને તે રોશનીની તલબ કરવી જોઈએ.
પેજ (૧૯૨) તમારી શોધખોળમાં તમારે નિખાલસ અને વિનમ્ર રહેવું જોઈએ. તમારા મનને ભૌતિક બાબતોમાં ભટકવા નહિ દો, કારણ કે જો તમે તમારા મનને ભૌતિક બાબતોમાં ભટકવા દેશો તો બંદગીમાં એકધ્યાન થવું તમારા માટે મુશ્કિલ બનશે.
પેજ(૧૯૩) જ્યારે તમે બંદગીમાં બેસો ત્યારે ફક્ત એ ખ્યાલ કરો કે તમે તે રોશની શોધો છો અને તમે જે શોધી રહ્યા છો તેના અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો છો. તેની નજદિક આવવા માટે કે જે બીજા સર્વથી ઉપર છે.
પેજ(૧૯૪) જો તમે સફળ થયા તો એ જોડાણ તમારા જીવનકાળ દરમ્યાન વધારેને વધારે અને વધારે ટુંકુ થવું જોઈએ, તે એવી રીતે કે અંતે એ રોશની જ રહી જાય અને કોઈ પદાર્થ બાકી ન રહે. અને તે એ સમયે થાય છે કે જ્યારે તમારૂં જીવન અનંત બની જાય છે. એટલે કે જ્યારે દુન્યવી રીતે તમે જીવંત રહેતા નથી. હવે તે અનુભવ એવો અનુભવ છે કે જેને અમે ઈચ્છીએ છીએ કે તમારા મન (Mind)માં રાખજો. યાદ રાખો, આ બાબત રૂહની છે, આ બાબત ઈમાનની છે અને સત્વની છે. તેને ભૌતિક બાબતો સાથે કાંઈ લાગતું વળગતું નથી.
પેજ(૧૯૫) તમે તમારી આસપાસની કોઈ વસ્તુંને સ્પર્શવા તમારો હાથ લાંબો કરો અને તમને જે ખાત્રી થાય તેના કરતાં વધારે, સો ગણી વધારે ખાત્રી તમે એ રોશની મેળવશો ત્યારે થશે. એ રોશની એટલી શક્તિશાળી છે, એટલી ખાત્રીવાળી છે કે તમે જરા પણ ગુંચવણમાં નહિ રહેશો, તમને રોશની શોધવામાં કદાચ ગુંચવણ જેવું લાગે, પણ રોશની હાંસલ થયા બાબતે તમે જરાપણ ગુંચવણમાં નહિ રહેશો. અને અમો તમને ખાસ, ખાસ, ખાસ, દુઆઆશિષો ફરમાવીએ છીએ.
પેજ (૧૯૮) રૂહાની ખુશી, રૂહાની રોશની, મઝહબના અંદરના રાઝને સમજવા ચાહના રાખે છે. અને અસલ ઉપર વધું ઈમાન મજબુત કરવાની પુરી ચાહના રાખે છે. અને આ વિભાગને જ બાતુની વિભાગ કહેવામાં આવે છે. આમ જુઓ તો આ પ્રણાલીકા ન તો શિયા છે અને ન તો સુન્ની છે.
બંદગીના અમલમાં મહત્વની વાત રૂહાની રોશની માટે જ હોય છે અને વધારાના સમયમાં કરવામાં આવે છે તેને ખાસ બાતુની કહેવામાં આવે છે. આ જે વધારે વખત ભોગ આપવાનો હોય છે તેને આપણે બૈતુલખ્યાલ કહીએ છીએ.
પેજ (૨૦૧) ઈબાદતમાં જેટલો પોતાનો હકનો દાવો કરી બેસશો તેટલા જ તમે તે દરવાજાને બંધ કરવાના. પણ તેને બદલે નમ્રતાથી બેસો. આજીજીથી બેસો અને પ્રમાણિક પણે પ્રયાસ કર્યા કરો. મગરૂર ક્યારે પણ નહિ થતા.
જો તમને થોડોક વખત સફળતા મેળવવામાં લાગી જાય તો તેમાં કાંઈ અજુગતું નથી અને તેનાથી નાહિંમત થવાની જરૂર પણ નથી, શરમની વાત પણ નથી, ફિકર પણ કરવાની નથી. આમાં નાકામીનો કોઈ સવાલ નથી અને નાકામીની કોઈ વાત પણ નથી અને નૂર મહેનત કરતાં પણ મળી નથી રહ્યું એટલે એવું વિચારીને ગલતસલત વિચાર કરવાની જરૂર પણ નથી કારણકે આ તો તમારી ઉપર નવાજેશ કરવામાં આવશે તે તમારા કાબુની વાતતો છે પણ નહિ. આતો યોગ્ય સમયે મળી રહેશે.
પેજ (૨૦૨) તમે ફક્ત નમ્રતાથી બેસો અને ઈમાનદારીથી પ્રયાસ ચાલું રાખો આ જરૂર તમને આપવામાં આવશે, નહિ આપવાનું કોઈ કારણ નથી. અમે તમારી સુધારણા તરફ જરૂર ધ્યાન આપશું એટલે નિયમિત પણે ઈબાદત કરજો અને નિયમિત પણે તમારી અંદર સારા સુધારા વધારા પણ કરતા રહેજો.
પેજ (૨૦૪) તમે તમારી ખોજમાં યા તો સફળ થશો અથવા તો નિષ્ફળ થશો પરંતુ બન્નેની વચ્ચે ત્રીજી બાબત કંઈ પણ નહિ હોય. જો તમે સફળ થશો તો તેને તમે ઓળખી જશો તે સફળતા તમને છોડીને ચાલી નહિ જાય. જો એ રોશની મેળવશો તો એ એવી બાબત છે કે જે તમારી સાથે જ રહેશે અને તે તમને આખી જિંદગી દરમ્યાન બળ અને રૂહાની શક્તિ આપતી રહેશે.
પેજ (૨૦૫) જો તમને એ ‘નૂર’ની બક્ષિશ કરવામાં આવે તો તમારે તેના આભારી થવું જોઈએ.
યા અલી મદદ
