ઈમામ શાહ કરીમ બૈતુલખ્યાલ ફરમાન
રેકોર્ડીંગ - ૩
રેકોર્ડીંગ - ૩
આપણા શીરછત્ર નુર મૌલાના શાહ કરીમ અલ- હુસેની હાઝર ઈમામે બૈતુલખ્યાલ મંડળીને ફરમાવ્યું :-
પેજ(૨૦૬) આપણો તરીકો બાતુની તરીકો છે. એનો મતલબ એ છે કે દરેક રૂહાની બાળક ફક્ત મઝહબની ઝાહેરી બાબત ઉપર અમલ કરે એટલું પુરતું નથી પરંતુ તેઓને રૂહાની રોશની માટેની ખોજ, રૂહાની સુખ માટેની ખોજ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
...તમારા કામની જવાબદારીઓ તમને બંદગી કરવામાં અડચણ કરશે. એટલા માટે જો તમે આ ખોજમાં સફળ થવાની વધુમાં વધુ તકો મેળવવા માંગતા હો તો જ્યારે તમે આ બધાથી મુક્ત અને એકલા હો ત્યારે ‘બોલ’ ઉપર એકાગ્રચિત્ત બનો ...તમે ઈમામ પાસે આવવાનું પસંદ કર્યું હતું. તમને ‘બોલ’ આપવામાં આવે તે તમારી પસંદગી હતી અને બંદગી વહેલી સવારે કરવામાં આવે છે તે તમે જાણતા હતા એટલા માટે બૈતુલખ્યાલ સાથે બાંધછોડ ન કરો.
પેજ(૨૦૭) રોશનીનું તત્વ એ તાર્કિક (Logic) બાબત સંબંધિત નથી. એ આત્મિક બાબત છે અને એ તાર્કિક બાબત નથી.
પેજ(૨૦૮) તમો ખોજ કરો છો પણ એ ખોજમાં કંઈ ભૂલ કરો છો તેમ નથી એટલે તેમાં તમે નિષ્ફળ ન થઈ શકો પરંતુ તેમાં તમે ફકત સફળ થઈ શકો છો. એમાં નિષ્ફળતા છે જ નહિ.
પેજ(૨૦૮) ઈન્શાઅલ્લાહ, સફળ થશો તો તમને જરા જેટલી પણ શંકા રહેશે નહિ. તમે જાણી શકશો કે તમને સફળતા મળી છે. એ રોશની, એ સુખ, એ પ્રોત્સાહન જે તમારૂં હશે. ભલે તે સેકંડના દસ લાખમો ભાગ હોય, ભલે થોડી સેકન્ડ માટે હોય, ભલે વધું સમય માટે હોય, એ રોશની જો તમે મેળવશો તો તમે તેને ઓળખી શકશો અને તમે એના માટે ચોક્કસ હશો.
પેજ(૨૦૯) તમે જેમ જેમ મોટા થતા જશો તેમ તેમ અમો તમને વખતો વખત નવો ‘બોલ’ ઈનાયત કરીશું અને એ એક કડી હશે. જેમ તમે મોટા થતા જશો તેમ તેમ તે કડી ટૂંકી અને ટૂંકી થતી જશે એટલે સુધી કે ફક્ત 'રૂહ’ જ બાકી રહી જશે અને નહિ કે જીસ્માની માણસ ફક્ત ‘રૂહ’ જ રહી જશે.
તમારી સફળતા માટે દુઆ કરીએ છીએ કે તમને આ રોશની મળે કે જે તમને પ્રોત્સાહિત કરે એ તમને દોરવણી આપે.
પેજ(૨૧૧) શિયા વિભાગમાં રૂહ અને અક્કલની ભૂમીકા મહત્વતા ધરાવે છે.
પેજ(૨૧૨) આ શબ્દ અમને પસંદ નથી છતાં તેનો ઉપયોગ કરીએ છીએ અને તેનું વર્ણન કરીએ છીએ કે અકલી અથવા રૂહાની રીતે કોઈ ચીજ ઉપર દાવો કરવો, કોઈ ચીજ ઉપર જબરદસ્તી હક દર્શાવવો - પોતાની અગત્યતા જાહેર કરવી, કોઈ ચીજ ઉપર જબરદસ્તી દાવો કરવો, એ સફળતાના માર્ગમાં એક દિવાલ છે. બંદગીમાં તમે શોધ, નમ્રતા, સ્વાધિનતા અને ઈશ્ક સાથે બેસો. અગર તમને સફળતા પ્રાપ્ત થશે તો તેના સંબંધી તમને કોઈ શક ન રહે એટલી તે તાકાતવાળી હશે. તે ફક્ત એક પળ માટે નહિ પણ વરસો સુધી તમારી સાથે રહેશે.
તેમાંથી તમને રૂહાની રોશની મળશે જે તમારી પોતાની અંગત તથા વ્યક્તિગત હશે. જે તમારા પાસેથી કોઈ લઈ શકતું નથી, જેને તમોએ જીસ્માની રીતે નહિં પણ પોતાના રૂહમાં હાંસલ કરી હશે. એ બની શકે છે કે તે એક સેકન્ડના દસ લાખમા હિસ્સા માટે તમને અસર કરે, એમ પણ બની શકે છે કે તે આવે અને ચાલી જાય, પણ તેની ખુશી હંમેશા તમારા દિલમાં, તમારા રૂહમાં કાયમ રહેશે.
ઈમામ પોતે ચાહે કે તેનું (ખુશીનું) સ્પષ્ટ રીતે વર્ણન કરે તો તેઓ માટે પણ મુશ્કેલ હશે અને જો ઈમામ માટે મુશ્કેલ છે તો તે તમારા માટે અતિ મુશ્કેલ હશે.
પેજ(૨૧૩) 'બોલ’ ઈમામ તરફથી મુરીદ માટે છે, બીજા કોઈ પાસેથી નહિં. આ એક અમાનત છે, બીજાઓને કહીને તે અમાનત તોડી ન દો.
પેજ(૨૧૩) અમો સફળતા અને ખુશી વચ્ચેના તફાવતનું વર્ણન કરીશું.
ફકત બેસવું અને શોધવું એજ તમને ખુશી ઈનાયત કરશે.
અહીં આપણે શોધ કરવા આવીએ છીએ અને ખુશી સાથે બંદગીમાં બેસીએ છીએ. જેઓ બંદગીમાં બેસે છે તેઓ ખાસ કરીને અમારી નજીક છે. નિયમિતતા રાખો, હિંમત રાખો અને નાખુશ ન થાઓ.
પેજ(૨૧૪) બંદગીમાં બેસવું એજ એક રહેમત છે. નિષ્ફળતાનો ખ્યાલ તમારા માટે અક્કલી તથા માનસીક બોજ બનવો ન જોઈએ. શક ન લાવો કે તમે કોઈ ભૂલ કરી રહ્યા છો. આમ કરવાથી તમે બંદગી સાથે ખરા અને ખોટાની વિચારસરણીને સાંકળી દેશો. બંદગીમાં કોઈ ભૂલ હોતી નથી, તમારા દિલમાં કોઈ ભૂલનો અહેસાસ પેદા થવા ન દો, અમન અને સુકુનની હાલતમાં બેસો.
પેજ(૨૧૫) અમો તમને ‘નક્સ’ ઈનાયત નહિં કરીએ કારણ કે ‘બોલ’ કેવી રીતે લખાય છે તે તમે જાણી લેશો. તમારા ઘ્યાનની આસાની માટે ‘બોલ’નું લખાણ સુત્ર તમે તમારી વિચારસરણીમાં લાવી શકો છો. આ તમારો પોતાનો અધિકાર છે. તે તમારો ‘નક્સ’ નહિં હોય. તમે ‘બોલ’ થકી અલીના નૂર વડે તેની નજદીક, વધુ નજદીક આવવાની કોશિષ કરો જે સર્વે ચીજોથી ઉપર છે.
પેજ(૨૧૬) બંદગીમાં તાબેદારીની ભાવનાથી અક્કલ અને રૂહાની વલણથી ખોજ કરો.
પેજ(૨૧૭) તે એવી રોશની નહિ હોય કે જે તમને સુખ આપી ચાલી જાય તે આવી અને ચાલી જાય તેવું નહિ બને. તે કદાચ આવે અને જાય પરંતુ તે સુખ તમારા દિલમાં, તમારા રૂહમાં, આખી જિંદગી સુધી તમારી સાથે હશે. જે તમને રૂહાની શક્તિ, રૂહાની સુખ અને રૂહાની હિંમત આપશે.
પ્રતિક રૂપે ‘શબ્દ’ ઉપર એકાગ્રચિત્ત બનો. અને તે ‘શબ્દ’ દ્વારા તેની નજદીક આવવાની કોશિષ કરો કે જે સર્વેથી ઉપર છે.
પેજ(૨૨૧) મઝહબની સામાન્ય પ્રેક્ટીસ કરવા ઉપરાંત તે શોધખોળ કરવાનો દરેક મુરીદનો હક અને અધિકાર છે. અને એવી ખાત્રી સાથે કરે છે કે એવાઓ હશે કે જે સફળ થશે.
પેજ(૨૨૪) અમો આશા રાખીએ છીએ કે તમારા જીવનકાળ દરમ્યાન એ રૂહાની જોડાણ વધું અને વધું ટૂંકું થતું જશે, કારણ કે યાદ રાખો કે માત્ર એકજ ચીજ છે કે જે અનંત છે તે રૂહ છે. અન્ય કોઈ વસ્તું નથી.
અમો તમને ‘નક્સ’ નહીં આપીએ અમો તમને ફક્ત ‘બોલ’ આપીશું. અને એમ કરવાનું કારણ એ છે કે ‘બોલ’ કેવી રીતે લખાય છે તે તમે જાણી લેશો તથા તમે ઓળખી લેશો. એમ કરવાનો મકસદ તમને તમારી એકાગ્રતામાં મદદ કરવાનો છે.
પેજ(૨૨૭) અમો પોતે તમને ‘બોલ’ આપીએ. તેનો અર્થ થાય છે; તે કે જે બીજા સર્વેથી ઉપર છે. આ પૃથ્વીથી ઉપર, બ્રહ્માંડથી ઉપર, સમયથી ઉપર, ઈન્સાનની અક્કલથી ઉપર તે કે જે બીજા સર્વેથી ઉપર છે. પ્રતિક રૂપે, રૂહાની રીતે, હઝરત અલીના નૂર (રોશની) થકી તેની નજદીક આવવાની કોશિષ કરો કે જે બીજા સર્વેથી ઉપર છે. અને યાદ રાખો કે જ્યારે તમે બંદગીમાં બેસો તો તમારે ખુશી સાથે બેસવું જોઈએ અને ખુશી સાથે બંદગીમાંથી ફારેગ થવું જોઈએ.
પેજ(૨૨૯) આ રોશની દુન્યવી બાબતોને દૂર કરવા થકી જ મળી શકે છે.
તમે બંદગીમાં બેસો છો એજ ઈમાન છે. એજ તાબેદારી છે. એજ રૂહાની ખોજ છે. અને તમે બંદગીમાં બેસો છો એ બાબતથી જ તમારે ખુશ થવું જોઈએ ચાહે તમે રોશની મેળવો કે ન મેળવો અને તમે સમજો કે આ બાબત મહત્વની છે.
પેજ(૨૩૦) એ સર્વથી ઉપર છે, તે આ દુનિયાથી પર છે, જે સમયથી પર છે, જે માણસની બુધ્ધિથી પર છે. વાસ્તે ‘બોલ’ ઉપર એકાગ્રચિત્ત બની તેની નજદીક વધુંને વધું નજદીક આવવાની કોશિષ કરો કે જે સર્વેથી ઉપર છે અને તેની નજદીક આવશો તેમ તમને તેની વધારે લાગણી (feel) થશે અને અમુક સમયમાં ઘણી શક્તિશાળી રોશની હશે. ઈન્શાઅલ્લાહ.
પેજ(૨૩૧) આ એક આત્મીક બાબત છે આ શબ્દોની કે ભાષાની બાબત નથી.
જેમ જેમ તમે મોટા થતા જશો અને જો તમે રોશની મેળવવામાં સફળ થશો તો તે રોશની વધુ મજબુત બનતી જશે. એક સમયે ફકત ‘નુર’ જ હશે અને દુન્યવી બાબત નહિ હોય, ફકત ‘નૂર’ જ હશે.
પ્રતિક રૂપે ‘બોલ’ કહે છે. હઝરત અલીનું નૂર તમો દરેકમાં વ્યક્તિગત રીતે આવે તે માટે ‘બોલ’ ઉપર એકાગ્ર બનો.
પેજ(૨૩૨) તમે સવારે ઊઠો છો અને બંદગીમાં બેસો છો એજ કોલ પાળો છો અને દીનને તાબે છો તેની નિશાની છે.
પેજ(૨૩૩) સ્પેશ્યલ દુઆઆશિષ, યાદ રાખો કે જ્યારે તમે બૈતુલખ્યાલમાં બેસો છો ત્યારે જમાનાના ઈમામ ખાસ તમારી પાસે હોય છે.
પેજ(૨૩૯) તેને જોવું એ જે મુરીદ સફળ થાય છે તેની ઉપર એક અજોડ રહેમત છે.
પેજ(૨૪૧) જે સર્વથી પર, પૃથ્વીથી પર, સમયથી પર અને માનવીય અક્કલથી પર, તે કે જે બીજા સહુથી પર છે. પ્રતિક રૂપે તમે હઝરત અલીના નામ દ્વારા, નૂર દ્વારા તમે તેની કે જે બીજા સર્વેથી પર છે તેની નજદીક આવવાની કોશિષ કરો. તે નુરને ખોજવાની કોશીષ કરો.
પેજ(૨૪૬) એ તમે પોતેજ પસંદ કર્યુ છે કે ઈસ્મે-આઝમ મેળવો અને બંદગી કરવા સુધી પહોંચી શકો. એ તમારો નિર્ણય છે જો તમે એ નિર્ણય લો છો તો પછી એ નિર્ણયને વફાદાર રહો, અને તેને તમે માન આપો. અને તમારાથી બની શકે તેટલું બંદગીમાં નિયમિત રહો.
પેજ(૨૪૮) ઈસ્મે-આઝમનો, દરેક મુરીદ અને ઝમાનાના ઈમામ અને ખાસ કરીને ઝમાનાના ઈમામના નૂર એટલે હઝરત અલીના નૂર વચ્ચેની એક કડી તરીકે વિચાર કરો.
ઈન્શાઅલ્લાહ છેવટના દિને તમારા માટે ફક્ત નૂર જ હશે. દુન્યવી વિચારસરણીઓ નહિ, ફક્ત નૂર જ.
... તે કે જે સર્વથી પર છે, પૃથ્વીથી પર, સમયથી પર, બ્રહ્માડથી પર, માનવીય અક્કલથી પર, અને તે (બોલ) દ્વારા ‘તે’ કે જે બીજા સર્વથી પર છે. એ અર્થમાં તમારે પોતા પાસે, તમારા દિલમાં એ નૂર લાવવા માટેની કોશિષ કરવી જોઈએ.
પેજ(૨૪૯) સવારમાં ઉઠવું જ્યારે બીજાઓ સૂતા હોય છે, ત્યારે સમય કાઢવો અને રૂહાની રોશનીની ખોજમાં બંદગીમાં બેસવું એ હકીકતજ સુખનું મૂળ, આનંદનું મૂળ હોવું જોઈએ. વળી એ રહેમત છે એ રહેમત છે.
પેજ(૨૫૦) જો તમે સફળ થયા તો તમે જાણી લેશો કે તમે સફળ થયા છો અને તે તમને ખુશી આપશે અને તે અમને ખુશી આપશે.
પેજ(૨૫૧) બૈતુલખ્યાલની પ્રથા આપણી જમાતમાં એક ઐતિહાસિક પ્રથા છે. એ તો દાયકાઓ અને દાયકાઓ અને દાયકાઓથી ચાલતી આવી છે.
પેજ(૨૫૨) તમારામાંના જેઓ પશ્ર્ચિમની દુનીયામાં રહે છે. જેમ કે અહીં તમારામાંના ઘણાખરા છો, તેઓ અંગત રીતે એ બાબતથી જાણકાર હશો કે દુન્યવી જીવન કેવી રીતે તમારા સમય ઉપર વધુ ને વધુ કાબુ મેળવી રહ્યો છે. આ સમાજ, દાખલા તરીકે, ત્રીજા જગતમાંના બીજા દેશોના અથવા તો મુસ્લિમ જગતમાંના સમાજો કરતાં ઘણો જુદો છે. વળી, પશ્ર્ચિમ જગતની ગુણદોષ આંકવાની પધ્ધતિ, આમ ગુણદોષ આંકવાની આપણા તરીકાની પરંપરાગત પધ્ઘતિ કરતાં ઘણી ધ્યાન ખેંચે એ રીતે જુદી છે.
જેના મૂળ પશ્ચિમના જગતની બહાર છે. તમે જે સમાજોમાં રહો છો તેની ગુણદોષ આંકવાની પઘ્ઘતિને તમારે એકંદર રીતે અપનાવવી જોઈએ એવું નથી. અને કેટલીક વખત અમને એ બાબતની ફિકર રહે છે કે જે મુરીદો પશ્ચિમના જગતમાં પગભર થવાની કોશિશ કરે છે તેઓ એ પ્રમાણે પગભર થવાની કામગીરીને એ જગતની ગુણદોષ આંકવાની સઘળી પ્રદ્ધતિઓને અપનાવવાની જરૂરત સાથે ગુંચવી નાખે છે.
અને એટલા માટે અમે તમને આજે એ ફરમાવી રહ્યા છીએ કે ગુણદોષ આંકવાની પદ્ધતિઓ જે આપણા તરીકાના ભાગરૂપ છે તેને જગતમાં કબૂલ કરવામાં આવે છે કારણ કે તે શાંતિમય છે, પ્રમાણિક છે, તે નીતિભરી છે. તે યોગ્ય છે. અને આમ કોઈપણ આ સિદ્ધાંતોને પડકારી શકે એવી સ્થિતિમાં નથી.
પેજ(૨૫૩) પરંતુ જે મૂળભૂત છે તે એ છે કે ધર્મના પાલનમાં દરરોજ આ વ્યક્તિગત શોધને તમારા માટે એટલી જ મહત્વની રહેવા દો. કેટલીક વખત, એક એવી વલણ રહી છે, ખાસ કરીને પશ્ચિમના જગતમાં, કે દુન્યવી જીવનને બીજી વસ્તુંઓની ઉપરવટ થવા દેવામાં આવે છે. એ ઉપરવટ થવું સારૂં નથી.
તમે જ્યારે જન્મ લો છો ત્યારે તમે રૂહ સાથે જન્મો છો. જે પળે અલ્લાહ તમને જીવન આપે છે, ત્યારે દરેક જણ રૂહ ઘરાવે છે. વ્યક્તિનો ફક્ત એ જ ભાગ છે જે અનંત છે અને એટલા માટે રૂહની સંભાળ એ વ્યક્તિના શારિરીક જીવનમાં આવવા અને શારિરીક જીવનમાંથી બહાર જવામાં એક અગત્યનો ભાગ છે.
એટલા માટે અમે તમને આજે જણાવી રહ્યા છીએ કે ગુણદોષ આંકવાની પદ્ધતિ આપણા તરીકા માટે બેહદ અગત્યની છે અને તેમાં બાંધછોડ થવી ન જોઈએ, ભલે તમે જ્યાં પણ રહેતા હો, પછી ભલે એ પશ્ચિમમાં કે પૂર્વમાં, ઉત્તરમાં કે દક્ષિણમાં હોય.
પેજ(૨૫૫) તમે શોધના ભાવ સાથે બેસો છો, માગણી કરવાના ભાવ સાથે નહી. તમે નમ્રતાના ભાવ સાથે બેસો છો, અભિમાનના ભાવ સાથે નહીં. તમે એવા ભાવ સાથે બેસો છો કે જેમાં તમે આત્મા ઉપર ઘ્યાન ધરો છો.
જો તમે સફળ થયા હો તો જે સફળ થયા હોય તે તમારામાંના દરેક માટે એ એક રેહમત છે. પરંતુ ઉઠીને બીજાને એમ કહેવાનો કોઈ અર્થ નથી કે ‘આજે મને ખુશી મળી છે, કારણ કે આ એક રૂહાની બાબત છે, કોઈ દુન્યવી બાબત નહીં. એને તમારી પાસે જ રાખો, એ ખુશીને તમારી જ પાસે રાખો અને તમને બળ આપવા દો. એ તમારી જ છે. કોઈ બીજાની નહીં. અને એટલા માટે એ ખુશી ઉપર, ઉન્નતિની એ પળ ઉપર તમને સંપૂર્ણ હક છે. અને અમે વિચારીએ છીએ કે તમારે એ સમજવું અગત્યનું છે કે આપણે આત્મા વિશે, રૂહ વિશે વાતચિત કરી રહ્યા છીએ. આપણે માનવસંબંધો વિશે વાતચિત નથી કરી રહ્યા. આપણે દુન્યવી સંબંધો વિશે વાતચિત નથી કરી રહ્યા. આપણે બંદગીમાં બેસવા અને રૂહાની ઉન્નતિ હાંસલ કરવા વિશે વાતચિત કરી રહ્યા છીએ.
પેજ(૨૫૬) એ સંજોગોમાં એક માત્ર બાબત બની છે તે એ છે કે તમને એ નૂરનો સ્પર્શ નથી થયો. પરંતુ, તેમાં નિષ્ફળતા જેવું કશું નથી. અને અમને ફિકર થાય છે અને કેટલીક વખત નાખુશી થાય છે કે જ્યારે એક મુરીદ અમને અરજ કરે છે કે ‘હાઝર ઈમામ હું નિષ્ફળ રહ્યો છું’ એ નિષ્ફળતા નથી.
પેજ(૨૫૮) દાયકાઓ સુધી, જમાતમાંના મુરીદો ‘નક્સ’ ધરાવતા હતા તેમજ ‘બોલ’ ધરાવતા હતા. અમે હવે બૈતુલખ્યાલના પહેલા દરજજા માટે નક્સ નથી આપતા. એટલા માટે તમારે ફક્ત એ ‘બોલ’ જ યાદ રાખવાની જરૂર છે કે જે અમે તમને આપીશું અને યાદ રાખો કે ‘બોલ’ એક પ્રતિક (symbol) છે. એ તમારી શોધ દરમ્યાન પહોંચવાનું સ્થાન છે. પરંતુ તે એક પ્રતિક છે. નૂર અને હઝરત અલીના નામ વડે તેની (અલ્લાહની) નજદીક આવવાની કોશિષ કરો કે જે બીજા બધાથી ઉપર છે.
જો તમે આગળ વધવા માટે આવવા માંગતા હો તો યોગ્ય સમયમાં તમે આગળ વધવા માટે આવી શકો છો. કારણ, બોલ એક કડી છે, તમારા જીવન દરમ્યાન એ નૂરની વધુ અને વઘુ નજીક આવવા માટેની તે એક રીત છે. એક દિવસ ફક્ત એ નૂરજ હશે, પોતાના અંગત જીવનમાં કોઈ બીજી દુન્યવી સબંધ ધરાવતી બાબત બાકી રહી નહિ હોય. આથી એ નૂર મેળવવા માટે ઝંખના કરો અને નિયમિત પણે એમ કરતા રહો અને સમજદારી પુર્વક કરો.
અંતમાં, યાદ રાખો કે જેઓ સફળતા મેળવે છે તેઓ ખાસ કરીને અમારી નજદીક હોય છે. તમે એ સમજી લેશો કે અમારો કહેવાનો અર્થ શો છે. અને, અમે સફળતા માટે અમારા ખાસ પ્યારભર્યા ઉત્તમ દુઆઆશિષો ફરમાવીએ છીએ. શાંતિ સાથે અને ખુશી સાથે બેસો, શાંતિ સાથે અને ખુશી સાથે બેસો અને ઈન્શાઅલ્લાહ, તમે સફળ થશો.
પેજ(૨૬૦) તે તમને પહેલી વખત બેસો ત્યારે પણ આપવામાં આવે. અથવા એકસોમી (૧૦૦) વખતે બેસો ત્યારે પણ આપવામાં આવે. તે તમને એક વખત આપવામાં આવે અથવા ઘણી વખત બક્ષીસ કરવામાં આવે. પરંતુ તેના ઉપર તમારો કોઈ અધિકાર નથી.
પેજ(૨૬૧) જ્યારે તમને એ લાઈટ મળશે તે તમે જોએલી કોઈ પણ લાઈટ કરતાં અનોખી હશે. કારણ કે તમે તેનો અનુભવ કરી શકશો. એ જરૂરનુ નથી કે તમે તેને જોઈ શકો.
પેજ(૨૬૨) રોશનીની શોધ માટે તમે બંદગીમાં બેસો છો એજ ખુશીની બાબત છે. તે ખુશી તમને બંદગીમાં રોશની પ્રાપ્ત થશે તેવી નહિ હોય, પરંતુ જરૂર ખુશી થશે.
પેજ(૨૬૩) ...અમે એ બરાબર જાણીએ છીએ કે બૈતુલખ્યાલ જીસ્માની રીતે ભોગ માંગે છે. જો તમને આખી જીંદગીમાં એક વખત પણ એ રૂહાની ખુશી મળે તો તેની સરખામણીમાં જીસ્માની ભોગ, દરિયામાં વરસાદના એક ટીંપા જટલો પણ નથી.
પેજ(૨૬૫)તે લાઈટ થોડા સમય માટે, ઘણા થોડા સમય માટે, ભૌતિક સમયની મર્યાદામાં હશે છતાં તમે તે કેટલા સમય માટે હતી તે કહી શકશો નહિ. જો અમે તમને પુછીએ કે તે એક સેંકન્ડ માટે, એક મીનીટ માટે, એક કલાક માટે તે લાઈટ હતી તો તમે તેનો જવાબ આપી શકશો નહિ.
પેજ(૨૬૬) જમાનાના ઈમામ તરીકે અમારા મુરીદોને બૈતુલખ્યાલ વિષે સમજાવતાં અમે ઘણી ચીવટ રાખીએ છીએ. હાલ અમો તમારી સમક્ષ બોલીએ છીએ ત્યારે તે સમજાવવા શબ્દો શોધવા મુશ્કીલ પડે છે. અને જે તરજુમો કરશે તેના માટે તો વધુ મુશ્કેલ હશે.
પેજ(૨૬૮) અમો એ જાણીએ છીએ કે બૈતુલખ્યાલ એ મુશ્કેલ બાબત છે એટલે અમો અમારા મુરીદોને સહેલો રસ્તો બતાવીએ છીએ અને તે સહેલો રસ્તો એ છે કે બંદગી એવા સમયે કરવામાં આવે કે જ્યારે જીસ્માની જગત વધુમાં વધુ શાંત હોય, અને જેથી રૂહાની ખોજ માટે વધુમાં વધુ તક મળે. કારણ કે દુન્યવી અને રૂહાની સમતુલા માટે વહેલી સવારનો સમય રૂહાની દુનિયાની તરફેણમાં વધુ હોય છે. જો બંદગી બીજા સમયે કરવાની હોય તો તે મુશ્કેલ બને, અશક્ય નહિ પણ મુશ્કેલ.
એટલા માટે અમો અમારા રૂહાની બચ્ચાંઓને ફરમાવીએ છીએ કે તમો એવા સમયે બંદગી કરો કે જેમાં સફળ થવાની વધુ તકો હોય, અમો દુઆ કરીએ છીએ કે તમારામાંથી દરેક જણ સફળ થાય. અને એટલા માટે અમે એવો માર્ગ બતાવીએ છીએ કે જે ઈન્શાઅલ્લાહ, તમને સફળતા આપે.
પેજ(૨૬૯)જે ‘બોલ’ અમે તમને આપીએ તેનેજ ફક્ત સમજવાની કોશિષ ન કરો પણ બંદગીમાં કેવી રીતે સફળ થવાની વઘુ તકો તમને મળે તે પણ સમજો.
પેજ(૨૭૧) તમો ગુસ્સાથી કે લાલચુ બની બંદગીમાં ન બેસો પરંતુ નમ્રતા અને આશાવાદ સાથે બંદગીમાં બેસો.
પેજ(૨૭૨)તમારા દરરોજના જીવનમાં ખરૂં અને ખોટું બની શકે છે. પરંતુ તમે બંદગીમાં બેસો ત્યારે તમો ખરૂંજ કરી રહ્યા છો તો તમને ખુશીજ થશે. તમને કદાચ એ નૂરનો સ્પર્શ ન થવાથી સંપૂર્ણ રૂહાની ખુશી નથી મળી.
બંદગીમાં ખુશીથી, શાંતિથી, નમ્રતાથી, ખુલ્લા દિલથી અને ખોજની ભાવનાથી બેસો.
...તે સફળતા ભૌતિક આકાર અને સમયથી પર હશે પરંતુ શક્તિશાળી રૂહાની રોશની હશે.
પેજ(૨૭૩) હવે અમો તમોને બોલ આપીશુ.... ...હઝરત અલીના નૂરને મેળવવા કોશીષ કરો અને જે સર્વથી ઉપર છે તેની નજદીક આવવાની કોશીષ કરો. (હાઝર ઈમામે બોલની નવાજીશ કરી ફરમાવ્યું) આ એવી વસ્તું છે (બોલ) કે જે ઈમામ, ફક્ત ઈમામજ તે આપે છે, આ તમારા માટે દરેકની વ્યક્તિગત (સાંકળ) છે. ઈબાદતની પ્રેકટીસ કરો અને સફળતા મેળવો, પરંતુ ધીરજ ગુમાવશો નહિ. અને અમો તમને ખાસ દુઆ કરીએ છીએ કે તમો દરેકને જીંદગીમાં ઓછામાં ઓછી એક વખત તો સફળતા મળે, તમોને તે રૂહાની રોશની મળે. તે તમને ઈમાનનુ બળ આપશે. તે રોશની તમારા જીવનકાળ દરમ્યાન તમારી સાથે રહેશે. તમને તે એક વખત મળ્યા પછી ફરીથી પણ મળશે જે તમને અનંત રૂહાની વિશ્ર્વાસ (absolute spiritual confidence) આપશે.
ખાનાવાદાન, ખાનાવાદાન, ખાનાવાદાન.
યા અલી મદદ
