૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક
રેકોર્ડીંગ - ૮
રેકોર્ડીંગ - ૮
હકીકત
હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :–
ધર્મનો જે ફાયદો લેવાનો છે તે બાતુની છે. જાહેરનો ફાયદો કાંઈ કામનો નથી.
તમને સર્વે જાહેરી કામ જોઈએ છે, બાતુની કામમાં તમે કાંઈ ધ્યાન આપતા નથી. જાહેરી સઘળું દુનિયાને લગતું છે, તમે બાતુન ઉપર નિગાહ રાખો. જો તમે બાતુનને જોશો તોજ તમારા કામ થશે.
ખુદાની મહેરબાનીથી હાલમાં જુના જુના ગીનાનો અને જુદે જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ તમોને મળે છે. આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહિ મળતો હતો, જેથી કરીને દીનથી બે ખબર રહી શેતાની કામ કરતા હતા. આ ઈસમાઈલી દીનની અંદર શરીયત, તરીકત અને હકીકતને તેઓ સમજી શક્યા નહિ.
તમારામા ઘણાએક એવા છે કે જેઓએ પોતાના નામો ઈસમાઈલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઈસમાઈલી છીએ; પણ ઈસમાઈલી મઝહબ શું છે અને તેની ખુબી શું છે તે વિષે તેઓને કાંઈ ખબર નથી. તેઓ નાદાન છે.
તમારો મઝહબ ઘણો કઠણ તથા મુશ્કિલ છે. જમાતખાનામાં હંમેશાં દુઆ પડવા આવવું એ મુશ્કીલ નથી; એ સહેલું તથા આસાન કામ છે.
ફળનું ઉપલું છીલટું દેખાવમાં સારૂં લાગે છે પણ ફળની અંદરનો ગરભ ખાશો ત્યારે લીજ્જત તથા મીઠાસ આવશે.
હમણા જે ફરમાન થાય, જેમાં, તમારા જીવનો છુટકો થાય, તે પડો.
તમે મગજ છોડીને છીલટા ખાઓ છો, પણ ખરી ખુબી વિષે તમે તલાશ કરતા નથી.
તમે એવા કામ કરો કે, ખુદા તમારાથી રાજી થાય. સિજદા કરવા, રૂકુમાં જવું એ તો આસાન છે, પણ હકીકતની પેરવી ઉપર ચાલવું મુશ્કિલ છે.
તમે સડક ઉપર નકામી દોડધામ કરો છો અને દિલમાં એમ સમજો છો કે, અમે ખોજા છીએ તેમાં શું ફાયદો?
જેમ મરઘી જમીન ઉપર માથું પટકે છે તેમ કેટલા દિવસ તમે જમીન ઉપર માથું પટકતા રહેશો ? તમે ઉપર જવાના ખ્યાલ રાખો; એટલે કે, પોતાના રૂહનો ખ્યાલ આસમાન ઉપર જાવાનો રાખો.
તમારૂં માથું પછાડવાથી ખુદા તમને નજીક નહિ થાય. સારા આમાલ કરશો તો ખુદા તમને નજીક થશે. ઈન્શાઅલ્લાહ ! અમારા ફરમાન ઉપર ચાલશો તો તમને ફાયદો થશે.
તમને લાજમ છે કે, અમારા ફરમાનો સાંભળી તમારૂં દિલ અરીસા માફક સાફ કરશો તો ખુદા તમને નજદીક થશે.
આ જે સઘળા ફરમાન થાય છે, તે તમે સમજો. હકીકત અને શરિયત શું છે ? આ બીજી સોબત છે. <b>"આ”</b> અને <b>“તે”</b> ક્યારે પણ એક થવાના નથી. ક્યારે પણ એક નહિ થશે. <b>“આ” કિતાબ, રોઝા, નમાઝ</b> તથા <b>બંદગી</b>ને ચાહે છે. <b>"તે" ઉમેદ આઝાદીની રાખે છે.</b> એ બે વાતો છે. બન્નેના વિચારો જુદા જુદા છે. મારા વાસ્તે ઘણી મહેનત છે.
<b>એ</b> બેઈલ્મી કેમ રાજી થાય ? એ હકીકતને પકડતો નથી. એને હકીકત જોઈતી નથી. જેઓ બેઈલ્મ છે તેઓ હકીકતને છોડી આપે છે.
પણ જે હકીકતી છે તે બીજે રસ્તે ચાલે છે. જેમ આગળ (૧) ઈસા (૨) પીર સદરદીન (૩) નાસર ખુશરૂ (૪) પીર શમ્સ (૫) મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા ઉપર ચાલ્યા. આ રસ્તો નાદાનને માટે બહુ મુશ્કીલ છે.
તમે તમારા ધર્મમાં મજબુત તથા મુસ્તકીમ રહેજો. જાહેર પરસ્ત એટલે, બહારની વસ્તુંને માનનાર ખરાબ છે. બાતુન પરસ્ત એટલે બાતુન વસ્તુંને માનનાર બહેતર છે. તમે બાતુન પરસ્ત થજો.
તમે રૂહ પરસ્ત છો માટે તમારે રૂહ પરસ્ત જ રહેવું જોઈએ. જાહેરમાં હાથ પગ ધોઈને દોસ્તી રાખવાનું દીન પાળનાર મૌલાના દીનમાં કાંઈ ફાયદો મેળવી શકતા નથી, માટે તમારે રૂહ પરસ્ત રહેવું જોઈએ.
અમારા દરવેશી ધર્મને હકીકતી કહેવામાં આવે છે. હકીકતી દીન દિલની અંદર પાળવાનો છે.
ગીનાન ઉપર ચાલો તો સાચો દીન મળ્યો. અત્યાર સુધી ગીનાન પ્રમાણે ચાલ્યા તો સાચે રસ્તે રહ્યા.
ગીનાનના રસ્તા ઉપર ચાલો તો અમે અહિં પણ રાજી છીએ અને ત્યાં પણ રાજી થઈશું.
ઈલમ વડે પહાડ જેવી મુશ્કીલ બાબતો આસાન કરી દેવાય.
તમારા વાસ્તે ઈલમ છે તે “ગીનાન” છે.
જેમ ગીનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ ગીનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની માયના કાઢજો. અમારા ફરમાન એજ ગીનાન છે.
કેટલાક એવા છે કે જે, બીજાઓ ઉપર નઝર રાખે છે, પણ એમ નહિ કરવું જોઈએ. દરેકે પોતપોતાને માટે ખ્યાલ કરવો જોઈએ અને પોતપોતાનો રસ્તો ગોતી લેવો જોઈએ.
ખુદાએ સર્વેને અક્કલ આપી છે, તે પ્રમાણે વિચાર કરીને પોતાના દીન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ . જે બાબતમાં તમને સમજણ ન પડે તે અમને પુછો તો, અમે તમને દીનનો ખુલાસો આપીયે.
અમારી તમને કહેવાની મતલબ એ છે કે, તમારે પોતપોતાનું મગજ પહોંચાડવું જોઈએ; જેથી તરત તમને દીન રોશન થઈ આવશે.
અમારો દીન છે તે વિષે, અક્કલથી વિચાર કરશો તો, વધારે રોશની હાંસલ થશે. અમારો દીન અક્કલ ઉપર રચાએલો છે. અક્કલ વગર દીનની તપાસ કરશો તો, વધારે સમજણ નહિ પડે, અને કાંઈ પણ હાંસલ થશે નહિ, પણ અક્કલથી વિચાર કરશો તો, વધારે સમજણ પડશે.
જ્યારે તમે ઈલ્મ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો. આ તરફ પણ ખ્યાલ કરો અને પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી થોડું ઘણું સમજી શકશો.
તમારો દીન અક્કલ ઉપર છે, તેને તમે ત્રાટી ઉપર કરી મુકયો છે, તેથી જ કચાસ થઈ જાય છે.
તમે બદામના છીલટા ખાઓ છો પરંતુ, બદામના મગજની લીજ્જત તમે ચાખી નથી. તમે મગજ ખાઓ તો, દીનની વધારે ખબર પડે અને તમને વધારે ઈતબાર અને ખુશી હાંસલ થાય.
ધર્મ કરવાનો છે, તે દિલની અંદરનું કામ છે. મોમન અને મુરશીદની વચમાં એક રસ્તો છે.
ઈમાનદાર મોમન જો લાખો ગાઉ અમારાથી દુર હોય તો પણ અમે તેની નઝદીક છીએ અને બેઈમાન જો અમારી હુઝુરમાં હશે અને તે બેઈમાન અમને પોતાના જેવો સમજશે તો અમે તેને તેવા પ્રકારની દોસ્તી બતાવીએ છીએ.
મોમનનું દિલ ટેલીગ્રાફ અને ટેલીફોન માફક છે. જેને એક છેડે મુરશીદ છે તથા બીજે છેડે મોમન છે. જ્યારે તમે અમને યાદ કરો છો ત્યારે, તેજ વખતે તમે અમને પણ યાદ આવો છે.
તમે અમારા ફરમાન હંમેશાં દિલમાં રાખજો, જેથી તમારા દિલ રોશન થશે.
તમને હીરા, માણેક ઝવેરાત આપેલ છે. તેને તમે ઓળખતા નથી અને ફેંકી દીયો છો. તેમાં તમને ઘણું નુકશાન છે, માટે બરાબર સંભાળો. અમે તમારા પાસે ઝવેરાતની કોથળી છોડી તમને બતાવી છે, તેને તમે બરાબર સંભાળો.
તમે હમણા નથી સમજતા પણ જ્યારે મરશો ત્યારે, ફાયદાની ખરી કિંમત માલમ પડશે. ઝવેરાતને ન ઓળખે ત્યાં સુધી ખબર પડે નહિ. મરશો ત્યારે સમજ પડશે.
અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો.
તમારી પાસે ઘણો કિંમતી સાચો હીરો છે અને તમે આગગાડીમાં બેઠા છો, તમારી સાથે ચોર હોય તો શું તમે સુઈ રહેશો ? નહિ સુઓ. તમે જાણો છો કે તમારો દીન ઝવેરાત કરતાં પણ વધારે ઉત્તમ છે.
તમારા દીન કરતાં બીજો કોઈ દીન ઉત્તમ નથી. હજારો હીરા તથા ઝવેરાત હોય અને તે અમુલ્ય કિંમતના હોય તો પણ તમારા દીનના એક વાળ બરાબર થઈ શકે નહિ. તમારો દીન આવો અમુલ્ય છે, માટે તમે પોતાના દીનથી ગાફેલ નહિ થાઓ.
અમે તમને હીરા, ઝવાહીર રૂપી ફરમાનો ફરમાવ્યા છે, તે ભુલી નહિ જશો. એ ઝવાહીરોને દિલ રૂપી ખજાનામાં, સંભાળી રાખજો. તમારૂં ઈમાન સાબીત રાખજો, અને પહાડ જેવું મજબુત કરજો.
દરેકે પોતપોતાનું ઈમાન સંભાળવું. જે સોનું હશે તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તો તેની તેવી કિંમત થશે, તાંબુ અને લોખંડ હશે તો તેની તે પ્રમાણે કિંમત ઉપજશે. પત્થરાની શું કિંમત ઉપજશે ? તમે સાચ અને જૂઠને ઓળખો. ઈન્શાઅલ્લાહ, અમને ઓળખવાવાળા ઝવેરાત છે, જેની એક રતીની કિંમત સોગણી છે.
ઈમાન છે તે પોતાના હાથમાં છે. જો તમોને આખરત જોઈતી હોય તો પોતાના રૂહને ખુદાના ઈશ્ક તથા મહોબતમાં રાખજો. હંમેશાં ખુદાના ખ્યાલમાં રહેજો. ખુદાનો ખ્યાલ ઘડી એક પણ નહિ વિસારતા.
જુઓ ! પતંગિયું છે તે, બત્તીની રોશની જોઈ ઈશ્ક તથા મહોબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલી મહોબ્બત અને ઈશ્ક છે કે, કંઈક પતંગિયા જીવ આપી દે છે. તમારે પણ એવી જ મહોબ્બત ખુદાવંદતઆલા પ્રત્યે રાખવી જોઇએ. તમે એવા આશક થાઓ.
ઈન્સાનને વાજબ છે કે, ઈમામને પોતાના સીનામાં જગ્યા આપે. તમે પોતાને કાંઈ નહિ લેખો. મોટાઈ છોડી આપો તો ઈમામ તમારા સીનામાં રહે; પણ તે ક્રિયાઓ તમે પાળતા નથી.
અહિંયા તમે અમારી પાસે એક દિવસ બેઠા, તેવી જ રીતે એક મહિનો પણ બેસી રહો તો પણ તમને શું ફાયદો થાય ?
ફકત અમને જોઈને તમે ખુશી થાઓ તેમાં શું ફાયદો થાય ? તમે અમારા ફરમાન સાંભળી દિલમાં રાખજો. તમે અમને જોશો અને દિનના ફરમાન મુજબ નહિ ચાલો. તો શું ફાયદો થશે ?
અમે જાહેરીમાં અહીંયા આવ્યા છીએ અને તમે અમારા દીદાર કરો છો. જાહેરીમાં અમે તમારી પાસે નહિ પણ હોઈએ, એટલે અહીંયાથી ગેર હાજર હોઈએ તો પણ તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે જેથી તમારા દિલમાં અમને પ્રત્યક્ષ જુઓ.
જો આ દુનિયામાં અમારા ફરમાન પર બરાબર ધ્યાન રાખશો તો, આ દુનિયા તથા પેલી દુનિયામાં, તમે સારી રીતે રહેશો, અમે તમારી પાસે રહીશું અને તમારો રૂહ પાક તથા સાફ રહેશે.
મુર્તઝાઅલીની હુઝુરમાં જવાવાળા છે તે બાતુની આંખથી જુવે છે. મુર્તઝાઅલીને તેઓ આંખોથી જુવે છે પણ, બાતુનથી મૌલા અલીનું નુર જુવે છે.
ખુદા તો પોતાના બંદાને અને કુલ ખલ્કતને જુએ છે પણ ઈન્સાન તેને જોઈ શકતો નથી; કારણ કે, તેની આડે પડદો છે. જ્યારે આડો પડદો હોય ત્યારે કેવી રીતે પોતે જોઈ શકે ? જ્યારે ખુદાને તે નથી જોઈ શકતો ત્યારે તેના ખ્યાલ ખુદા તરફ રહી શકતા નથી; કારણ કે, ખુદાને તે જોતો નથી. તેના લીધે તેનુ ધ્યાન ખુદા તરફ રહી શકતું નથી.
ખુદાને જે પોતાની આંખોથી જુએ નહિ તો, તેની આંખો આંધળી છે.
હાઝર ઈમામને ઓળખીને ઈબાદત કરે તેની જ ઈબાદત કબુલ થાય અને કામ આવે અને સઘળું સારૂં થાય. ખાનાવાદાન.
તમારામા જુવાન બચ્ચા છે તેમને દીનનો ઈલ્મ તથા ગીનાન શીખવો તો તમારા બચ્ચા ઘણા સારા થશે. જો તમે તેમને ઈલ્મ નહિ શીખવશો તો તેઓ ગધેડા જેવા થઈ જશે અને બે બોલ બોલશે, મોઢાથી બકબક કરશે અને કહેશે કે, અમે ઈબાદત બંદગી કરી.
જબાનની ઈબાદત તો હેવાન પણ કરી શકે છે. તે શું કામની છે ?
તમે હરામખોરી તથા દુશ્મની કરો, નાફરમાનીના કામ કરો, ત્યાર પછી ઈબાદત કરો, એ તો શેતાનની ઈબાદત કહેવાય.
દુનિયાને ઢોંગ કરીને દેખાડવાની ઈબાદત વિગેરેને પણ ગુનાહ ગણવામાં આવે છે.
બયતુલખ્યાલવાળાઓની બંદગી, મખ્ફી એટલે બાતુની છે અને એકાંતની છે.
જેઓ સાચા હકીકતી મોમનો છે તેઓને ફાયદો થાય છે; પોતાની મેળે થાય છે.
જેઓ અમારા ફરમાન ઉપર અમલ કરે છે, તેઓ જ હકીકતી મોમન છે.
મુરશીદના ફરમાનને જેઓ માન આપે છે, તેઓ મોટા છે અને દીનને ખરેખર અર્થ પણ એજ છે.
તમારો દીન એવો છે કે, તેના ઉપર અમલ કરો તો ફિરશ્તા અને મલાએક જેવા થાઓ.
અમારો દીન સીધી સડક જેવો છે. તમે સડક પર સીધા ચાલ્યા જશો તો, તમારે ગામ પહોંચી જશો, એટલે કે તમારા અસલ નુરાની મકાને પહોંચશો.
ઈન્સાન રાત દિવસ પૈસા પેદા કરે, સારા કામ કરે પછી મરી જાય, ત્યારે શું વળ્યું ?
હંમેશાં બંદગી કરવા છતાં આઝાદીમાં ન પહોંચે તો શું વળ્યું ?
તમે બંદેખુદા છો. ખુદા રહેમુર રાહેમીન છે. ત્યારે શું તમને કોઈ વખત આઝાદ નહિ કરે ? અમે નથી કહેતા કે આ દુનિયા પછી પણ તે આઝાદીમાં તમે પહોંચી શકશો. એ સર્વે સીધા રસ્તા ઉપર ચાલવા તથા આલા હિંમત ઉપર આધાર રાખે છે. એ સઘળું તમારા હાથમાંજ છે.
અમે અમારા દિલથી તમને દુઆ કરીયે છીએ કે, ‘ખુદા યા ! તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દુર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે.
“ખુદા યા ! તેઓને હકીકતી આંખો બક્ષ." આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે.
અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે. તેઓનેજ કામ આવે છે.
સારી દુનિયાની લિજ્જતથી દુર રહે એવો રોજો રાખે, તો બાતુની આંખ અને કાન છે, તે ખુલે.
ઈન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે, પણ એવી રીતે જુએ કે જેથી, ખુદાના ભેદ અને કરામતની ખબર પડે.
તમે કહો છો કે, અમે મોમન છીએ; ત્યારે અમે પુછીએ છીએ કે, જનાવરથી ક્યો હુન્નર તમારામાં વધારે છે ?
એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે ? આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય.
આવા આવા વિચારો કરશો ત્યારે જ મોમનના લક્ષણ તથા દીનની ખબર પડશે.
ગધેડા જેવા માણસો આવીને અમને પુછે છે કે, અમે શું કરીએ ? અમારા ખ્યાલ દુનિયા ઉપર છે અને ઈબાદત પણ જબાનની છે. આવા માણસને અમારે શું જવાબ દેવો ? તેથી અમારે કાન બંધ રાખીને ચુપ બેસવું પડે છે.
જ્યારે તમે માણસને જુઓ છો, ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે. હાથ, પગ, મોઢું , આંખો, સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી.
તમે રૂહને જોવાની તજવીજ કરો.
ખુદાના નુરનો દીવો તમારી અંદર છે, તમારા હાથમાં છે. એ દીવો તમો સર્વેમાં છે. તેને તમે જુઓ. તમે એને પુછો, તમે એને નહિ પુછશો તો તમને ક્યાંથી ખબર પડશે ?
તમે નિયાજ પીઓ છો, ત્યાર પછી ખાલી પ્યાલી શા માટે આંખે લગાડો છો ?
તમે નિયાઝ-આબેસફા પીયો છો, તેમાં માટી અને પાણીથી કાંઈ તમારૂં દિલ સાફ થતું નથી; દિલ કેવી રીતે સાફ થાય, તેનો તમને વિચાર નથી.
જે ઈત્તેકાદ, ઈમાન અને સચ્ચાઈથી તમે આબેસફા પીયો છો, તેનાથી દિલ સાફ થાય છે. જો દિલમાં સચ્ચાઈ ન હોય, તો ખાલી માટી અને પાણીનું નિયાઝ પીવાથી કાંઈ ફાયદો નથી.
જે અમારા સ્વરૂપને ઓળખતો નથી તેને માટી અને પાણી પીવાથી કાંઈ પણ ફાયદો થતો નથી.
અમારા ફરમાન સાંભળી એક જણ પણ તે પ્રમાણે અમલ કરે તો બસ છે.
અમારા ફરમાન દિલમાં રાખીને હમેશાં ધ્યાનમાં લેજો.
દિલ પાક રાખવાથી મુક્તી મળે છે.
નુરને જોવા માટે ઈમાન સાફ હોવું જોઈએ.
જો તમે પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાતઆલાનું નુર જોશો.
દુનિયામાં હંમેશાં (૩૧૩) ત્રણસોને તેર મોમન હોય છે. જો તે ત્રણસો તેર જણા ન હોય તો દુનિયા ન ચાલે.
ત્રણસો ને તેર હકીકતી એક દિલ થાય અને સાપ જેવી અકકલ રાખી કબુતર જેવા ગરીબ થાય ત્યારે, ઝહુરાત થશે.
એવું કહ્યું છે કે, “અક્કલ સાપ જેવી જોઈએ અને દુઃખ હોય ત્યારે કબુતર જેવા થવું જોઈએ.”
ઈન્સાન ઝાલીમ થાય તેના કરતાં મઝલુમ થવું સારૂં છે.
દોઝખના દુ:ખ અને બહેશ્તના મેવાની દુનિયાને અગાઉથી ખબર પડે અને જુવે તો, દુનિયાની દરકાર ન રાખે.
તમે બચ્ચાંની માફક દીનને દુર કરીને દુનિયા સાથે રમો છો; અમને સર્વે રોશન છે.
યા અલી મદદ