Ilm Majalis Logo

ILM MAJALIS

૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક

રેકોર્ડીંગ - ૬

રેકોર્ડીંગ - ૬

0:000:00

ફરમાબરદારી (કાંગવો)

હ. ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :-

હ. મૌલા મુર્તઝાઅલી તથા નબી સાહેબના વખતથીજ કાંગવા ભરવાનું, એટલે કોલ લેવાનું કામ ચાલતું આવે છે. તે વખતે પણ મુરીદો થતા હતા.

આ સતપંથ દીન ઈસમાઈલીનો એ કાયદો છે કે, દરેક મુરીદે દરેક નવા જામાનો એકવાર ખાસ કરીને જરૂર કાંગવો ભરવો વાજબ છે. દરેક નવે જામે એકવાર પોતાની જિંદગીમાં કાંગવો ભરવો જોઈએ.

કાંગવા ભરવાનું કામ, છાંટા નંખાવવા અથવા ધર્મના બીજા કામો જેવું નથી.

કાંગવા ભરવાથી તમે અમારી બૈયતમાં આવો છો અને અમારા મુરીદ થવાનો કોલ આપી અમારી કબુલાતમાં આવો છો.

જ્યારે અમે ગાદી ઉપર બિરાજ્યા તે વખતે જેઓએ અમારો કાંગવો ભર્યો હતો, તેઓ તે વખતે અમારા નવા મુરીદ થયા હતા.

એવા પણ કેટલાક માણસો છે, જેઓ અમારા ઉપર ઈમાન બરાબર રાખે છે, પંજેભાઈઓ થયા છે તથા મિજલસ જાગરણમાં હંમેશાં જમાતખાનામાં આવે છે, છતાં તેઓએ હજી અમારા કાંગવા ભર્યા નથી. વળી તેઓના દશ બાર વરસના નાના બચ્ચાંઓના પણ કાંગવા અમારી પાસે ભરાવ્યા નથી, તેથી તે લોકો હજી પણ અમારા મુરીદ થયા નથી. કારણ કે તે લોકોએ મુરીદ થવાનો કોલ અમને આપ્યો નથી; તેમજ તેઓના છોકરા પાસે મુરીદ થવાનો કોલ અપાવ્યો નથી.

પંજેભાઈઓ થયા પણ અમને મુરીદ થવાનો કોલ આપ્યો નથી, ત્યાં સુધી પંજેભાઈ થયા તે કાંઈ કામ આવશે નહિ.

નવા જામાનો એક વખત કાંગવો ભરવો જોઈએ, એ બાબતથી ઘણા માણસો બેખબર છે. પોતાની ઉંમરમાં જે જામો હોય તેને એક વખત કાંગવો ભરવો દરેક મોમનને વાજબ છે. એક વખત નવા જામાની બૈયતમા આવવું લાજમ છે.

મા બાપોને ખાસ કરીને વાજબ છે કે, બચ્ચાંઓને પ્રથમ કાંગવા ભરાવીને મુરીદ કરવા.

જે લોકોએ અમારા કાંગવા ભર્યા નથી, તે લોકોએ અમારો દીન કબુલ કરવાની સહી કરી નથી.

જેમ તમે વેપારમાં અથવા બીજા કામમાં સહી કરી કબુલ થાઓ છો, તેમ કાંગવા ભરાવીને અમે તમારા રૂહની સહી લઈએ છીએ.

અમારા કાંગવા ભરવા તે અને અમારી દસ્તબોશી કરવી એ બન્ને સરખા કામ નથી. દસ્તબોશી તો કોઈ પણ માણસ કરી શકે છે. જેઓ અમારા મુરીદ નથી તેઓ પણ અમારી દસ્તબોશી કરી શકે છે.

અરબો, અમારા નોકર ચાકરો, અથવા બીજા માણસો, કે જેઓ અમારા મુરીદ નથી, તેઓ પણ અમારા હાથ ચુમે છે, તેમાં જરાપણ ફાયદો નથી.

અમારો કાંગવો ભરી, મુરીદ થઈ કોલ આપી, દસ્ત ચુમે તેનો ફાયદો મોટો છે.

અમારા મુરીદો સિવાય, કાંગવા ભરવાનું કામ બીજું કોઈ કરી શકતું નથી. કાંગવો ભરવાનું કામ તો મુરીદો જ જાણે છે.

જે લોકોએ અમારા કાંગવા ભર્યા છે અને અમારા મુરીદ થવાનો અમને કોલ આપ્યો છે, તેઓએ પોતાના દિલ સાથે ચોકસી કરવી કે, તેઓએ અમને આપેલો કોલ કદી પણ તોડવો નહિ.

અમારા કાંગવા ભરનાર અમારી સાથે એવો કોલ કરે છે કે, જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી તમારા ફરમાનથી કદી પણ બહાર જઈશું નહિ.

તમે કાંગવો ભરો છો, એટલે અમારી બૈયત કરો છો; એટલે કે તમે કોલ આપીને તમારો હાથ અમારા હાથમાં આપો છો.

કોલ એ છે કે, તમારી હૈયાતી સુધી અમારૂં ફરમાન તમારી ગરદન ઉપર હોય અને તમે અમારી ફરમાનબરદારી કરો. જેમ ગરદનમાં રસી હોય તેમ અમારૂં ફરમાન અક્કલથી ગરદન ઉપર રાખવું. આટલુંજ ફક્ત સમજીને રાજી થવાનું નથી; પણ આ કામ તથા ફરમાનની મતલબ પણ સમજવી જોઈએ. તમે આ કામ કીધું તેનો તથા ફરમાનનો સબબ તમે ભૂલી જાઓ તો આ કામ કરવાથી શું ફાયદો હાંસલ થાય ? તમે જ્યારે આ કામ કરો ત્યારે સમજો કે તમે મુરશીદને કોલ આપ્યો કે, જ્યાં સુધી તમે જીવતા છો, ત્યાં સુધી અમારા ફરમાનથી બહાર નહિ જાઓ.

તમે કાંગવો ભરો છો એટલે કે, તમે અમને કોલ આપો છો કે “સાહેબ અમે તમારો દીન અખત્યાર કીધો છે અને કોઈપણ વખત તમારા ફરમાનથી બહાર જઈશું નહિ."

જે લોકોએ અમને એવો કોલ આપ્યો છે તેના માટે કાંઈ પણ ધાસ્તી નથી. અમે કોઈ પણ વખતે ફરમાન કરીએ છીએ, તેમાં તમારો ફાયદો છે.

અમે એવા કોઈ પણ ફરમાન કરતા નથી કે, અમારા કોઈ પણ મુરીદને દુનિયામાં અથવા આખરતમાં નુકસાન થાય; માટે આ કારણથી તમે આ દીન ઉપર મુસ્તકીમ રહો.

જે લોકોએ અમને કોલ આપ્યો છે, તે લોકોએ પોતાનો કોલ બીલકુલ તોડવો નહિ.

તમે કાંગવો ભરો છો તેની માએના એ છે કે, તમે અમારી બૈયત કરો છો એટલે કે, તમે અમારી સાથે એવો કોલ કરો છો કે, અમારા હુકમથી કદી પણ બહાર જશો નહિ.

આવો કોલ કરીને પછી અમારી સાથે નથી ચાલતા, અમારા ફરમાન ઉપર નથી ચાલતા તો તેના કરતાં કાંગવો નહિ ભરવો અને કોલ નહિ આપવો એજ બહેતર છે.

મકસદ એમ છે કે, તમે બૈયત કરો છો કે અમે તાબામાં થયા. એ વાત તોડી નાખો ત્યારે એ તો મશ્કરી થઈ તમે મશ્કરી કરવા તો નથી આવતા ? 

હઝરત અમીરૂલ મોમનીનના ઝમાનામાં પણ બૈયત કરેલા માણસો હતા. તેમાંના કેટલાક બૈયત કરીને ફરી ગયા; તેઓ ઘણા ખરાબ હતા.

તમે આજ કાંગવો ભરો છો, અને કાલે શેતાની ઉપર ચાલશો તો કાંગવાનો શું ફાયદો ?

અમરૂઆસ, જે પયગમ્બરની હયાતીમાં મોમન તરીકે ખિદમત કરતો હતો, પછી મુઆવીયાના દોરમાં તેણે મુઆવીયાની દોસ્તી કરી અને હઝરત અલીનો દુશ્મન થયો.

તમારામાં અમરૂઆસ જેવા કેટલાક માણસો છે, તેઓ ઈમામના ફરમાન માનતા નથી.

જે લોકો ખુદાવંદના મોમન હોય છે, તેમને બૈયત કરાવવાને ઈમામ પોતાના વારસ નીમી જાય છે. મોમનોને વાજબ છે કે, તેઓએ તે ગાદીવારસના ફરમાનો માનવા જોઈએ.

કુરઆને શરીફમાં પણ એવું છે કે, પયગમ્બર અને વખતના ઈમામ જે તમને ફરમાન કરે તે મુજબ વર્તવું જોઈએ.

તમે જમાત પણ અમારા અસહાબો છો. પયગમ્બરના સર્વે અસહાબોએ ઘરબાર છોડી આપ્યા હતા. પયગમ્બરની સાથે જવા માટે, મક્કામાંથી ઘરબારનો ત્યાગ કર્યો, પોતાના બચ્ચાંબાલને છોડી આપ્યા અને તમામ ચીજો મુકી દઈને મદીનામાં હઝરત અલી પાસે આવ્યા અને પયગમ્બર પાસે હાજર થયા. તમે પણ એવી જ રીતે ફરમાન ઉપર ચાલો.

અમે તમારા વાસ્તે કહીએ છીએ, અમારા વાસ્તે કાંઈ નથી. તમે કબુલ કરશો તો ફાયદો થશે. નહિ તો નુકશાન થશે. સર્વે વાતો તમારા હાથમાં છે.

તમે દીન ઈસમાઈલીમા આવ્યા છો; તેથી અમે તમારા મુખત્યાર છીએ. હવે તમને ઘટારત છે કે, તમે દિલોજાનથી અમારા હુકમ પ્રમાણે ચાલો.

તમારા મનની ઈચ્છા પ્રમાણે કદી પણ ચાલશો નહિ. જો એવી રીતે કરો તો, પીરી મુરીદી શાની ? અમારા ફરમાન તમે કબુલ કરો.

તમારી જાનમાલના માલિક જ્યારે તમે અમને સમજો છો, ત્યારે તો અમારો જે કાંઈ હુકમ થાય તે તમારે ઉપાડવો જોઈએ.

અમે તમારા સારા કામો કરવા માટે અહિં આવ્યા છીએ. કપ્તાન તથા માલમ આગબોટને દરિયામાં ચલાવે છે તેમને રસ્તાની માહેતગારી છે. તેઓ જાણે છે કે, અહીંયા પાણી થોડું છે, અહીંયા પત્થરા છે, અહીંયા ડુંગરા છે, અહીંયા રેતી છે, અહીંયા પાણી ઝાઝું છે, અહીંયા રસ્તો સાફ છે, અહીંયાથી ચાલીશ તો પાર ઉતરીશ, આ પ્રમાણે ઈમામ છે. તેને દીનના રસ્તાની સઘળી માહેતગારી છે.

અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ.

અમે અહિં આવ્યા છીએ, તે તમારા દિલને પત્થર જેવા કઠણ કરવાને આવ્યા નથી, પણ તમારા દિલને નરમ તથા ચોખ્ખા કરવાને આવ્યા છીએ.

તમારા દિલ પથ્થર જેવા કઠણ છે, તેના ઉપર અમે નુરનો વરસાદ વરસાવી નરમ કરશું.

અમે જેટલા દિવસ અહીંયા છીએ, તેટલા દિવસ હંમેશાં આવશું અને હરરોજ તમને ફરમાન કરશું. જેટલા દિવસ અમે અહીંયા છીએ તેટલા દિવસ હંમેશાં નુરનું પાણી તમારા દિલમાં રેડશું અને તમારા દિલ નુરાની કરશું.

પીર મુરશિદની એ રીત છે કે, જેમ માવિત્ર છોકરાઓનો હાથ ઝાલી ચલાવે છે, તેમ અમે પણ તમારો હાથ ઝાલી ચલાવીએ છીએ. 

અમે તમને અમારી ઔલાદ ગણીએ છીએ, માટે તમારી ફરજ એ છે કે, અમારા ફરમાન મુજબ વર્તવું.

તમે ખરૂં સમજજો કે, અમે તમને અમારા ફરઝંદો સમજીએ છીએ. તમે ચોકસી કરો અને પિતાના હુકમ પ્રમાણે ચાલો.

તમે ફરમાનબરદારી કરો અને જે હુકમ થાય તે સિર ઉપર ચડાવજો.

અમે તમને અમારી ઔલાદ ગણીએ છીએ ત્યારે તમારે પણ એવી જ મહોબત તથા ઈશ્કથી વર્તવાની જરૂર છે, એટલે કે અમારા ફરમાન ઉપર મુસ્તકીમ રહેજો.

ફરમાન માનવામાં તમોને પોતાને લાભ છે.

અમારૂં કામ એ છે જે, તમને રસ્તો બતાવીએ. રસ્તામાં પથ્થર કે ઝાડ હોય તેને ખસેડી રસ્તો સાફ કરી આપીયે, તે રસ્તા ઉપર તમે ચાલશો તો તમને ફાયદો છે, નહિ ચાલશો તો અમને કંઈ નુકશાન નથી.

તમારૂં ભલુ થાય એનો વિચાર કરીને ફરમાન કરીયે છીએ.

તમે એમ નહિ ધારતા કે, સવારમાં વિચાર કરીને પછી તમને અમે અહીં ફરમાન કરીયે છીએ.

તમે યકીન રાખજો કે, અમારો મકસદ તમારા ફાયદા માટે છે. અમારો એ મકસદ છે કે, જે અમારા ફરમાન પ્રમાણે ચાલે તે ફિરસ્તા જેવો થાય અને તેમાં કાંઈ એબ ન હોય. તેઓના દીન તથા દુનિયાના કામ સારા હોય, અને તેઓમાં દુનિયા તથા દીનનો ઈલ્મ હોય.

અમારા ફરમાન તમારા દિલ તથા કાનમાં રાખજો. તમારા ભલાના માટે ફરમાન કરીયે છીએ.

તમે અમારા ફરમાન કબુલ કરશો તો, અમે તમારા ઉપર રાજી થાશું અને તેનો ફાયદો પણ તમને મળશે.

તમારા ઉપર વાજબ છે કે, અમે જે ફરમાન કરીએ તે પ્રમાણે અમલ કરો.

મોમન હોય તે હાઝર ઈમામના ફરમાન કબુલ કરે અને જે કાંઈ હાઝર ઈમામ હુકમ ફરમાવે તે માથે ચડાવે.

મોમનને વાજબ છે કે, ઈમામ જે ફરમાન કરે તે માનવું જોઈએ 

તમોને વાજબ છે કે, ઈમાન સાથે હાઝર જોમાનું ફરમાન માનવું.

જેમ મુર્તઝાઅલીનું ફરમાન માનતા હતા તેમ અમારા ફરમાન માનો અને તે પ્રમાણે અમલ કરો.

મુરશિદ જે ફરમાન કરે, તે વગર આનાકાનીએ તમારે મંજુર રાખવા જોઇએ.

આવી રીતનું ફરમાન કેમ થયુ ? તે તમારે બોલવાનું નથી. અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ, પણ ઈમામની અક્કલ મુજબ તમારે ચાલવું જોઈએ.

ઈન્સાનની અક્કલનું મુળ પણ ઈમામની અક્કલ છે. ઈમામના હુકમ વચ્ચે તમારી અક્કલ દોડાવવાનું કાંઈ પણ કામ નથી.

જ્યારે પણ ફરમાન થાય ત્યારે, તેના માટે ફરીથી પૂછવું તે વાજબ નથી.

અગર અમે તમને ફરમાવીએ કે, દુઆ નહિ પડો તો, તમારે દુઆ નહિ પડવી. અમે ફરમાવીએ કે, આ કામ સવાબનું છે, તો તેના માટે ફરીથી પૂછવું નહિ કે, કેવો સવાબ થશે. કોઈ પણ ફરમાન થાય તો તે પ્રમાણે કરવું.

થએલ ફરમાન માટે, ફરીથી પૂછવાનો સબબ એ છે કે, પૂછનાર સમજે છે કે, હું કેવો હુશિયાર છું, એવી મગરૂરી કરે છે.

મુરીદની ફરજ એ છે કે, મુરશીદના હુકમ પ્રમાણે વર્તે.

જો એક વખત એવું ફરમાન થાય કે, ચિરાગની બત્તી બનાવો, તો તે કામ કરવું જોઈએ; અગર ફરમાન થાય કે, બબરચી થઈને જમવાનું પકાવો તો તેમ કરવું. મુરીદોથી એમ ન કહેવાય કે આ કામ હું નહિ કરૂં, મોટું કામ હોય તેજ કરીશ.

મુરશિદ જે કાંઈ હુકમ ફરમાવે તે મુરીદે બજાવવો જોઈએ. 

બહેશ્તમાં  જવાનો રસ્તો ક્યો છે તે પીર મુરશિદને ખબર છે.

તમે બીજા મુલ્કમાં જાઓ અને તમને રસ્તાની ખબર ન હોય અને ભોમિયો કહે કે, આ રસ્તે ચાલો, તો તે રસ્તે ચાલવું જોઈએ. તેનો હુકમ ન માનીએ તો ઘરે અગર પંથે પહોંચી ન શકીયે. તમને ખબર ન હોય અને તે કહે, તે રસ્તે પાઘડી ઉતારી ચાલવું; તો તે પ્રમાણે કરવું જોઈએ.

તમને સવાલ પુછું છું કે, તમને રસ્તાની ખબર ન હોય તો, તે ભોમિયો કહે તેજ પ્રમાણે ચાલવું જોઈએ કે નહિ ?"

“ભોમિયો તમારી સાથે હોય અને તે કોઈના ઘરે તેડી જાય: ત્યાં તેનો ધણી ન હોય અને તે કહે કે, “હું છું તો ફીકર નહિ,” અને કહે કે અહિં બેસો તો, તમારે ત્યાં બેસવું જોઈએ, કેમ કે તેને ખબર છે.

મુર્તઝાઅલી મહાન છે, તેમના ફરમાન માનવા જોઈએ, કારણ કે, તેઓ પોતાની કુદરતથી ગુન્હા બક્ષી બહેશ્તમાં મોકલી શકે છે.

જે વખતે, જે ફરમાન થાય તે મહોબ્બતથી માનવું જોઈએ અને ફરમાન કરે તે પ્રમાણે ચાલવું જોઈએ.

કેટલીક વાતો તમારી અકકલમાં ન ઉતરે તો પણ, પીર મુરશિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ, કારણ કે, તેમને સઘળું રોશન છે.

હકીકતી મોમનોએ અમારા ફરમાન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ.

હકીકતી મોમનને જો ફરમાન થાય કે, છ માસ અથવા એક વર્ષ દસ્ત નહિ ચુમવા, તો ફરમાન કબુલ કરીને દસ્ત ચુમવાનો ખ્યાલ પણ ન રાખે. જ્યારે ફરીથી હુકમ થાય ત્યારે તેણે હાજર રહેવું જોઈએ.

એક લશ્કર પોતાની અખત્યારીથી કાંઈ પણ કરી શકતું નથી. પોતાના સરદારના હુકમ સિવાય એક કદમ પણ આગળ પાછળ રાખી શકે નહિ. તેવીજ રીતે હકીકતી મોમનોએ અમારા ફરમાનો મુજબ ચાલવું જોઈએ.

માલેવાજેબાત આપવાનો સવાબ તમે સમજો છો, તેમાં પણ જો એક વખત અમારા તરફથી એવો હુકમ કરવામાં આવે કે, તે આપે તે ગુન્હેગાર છે, તો તમારે તે આપવું નહિ. અમારા ફરમાન મુજબ અમલ કરવો જોઈએ. અમારો હુકમ ન હોય છતાં આપે તે ગુન્હેગાર ગણાય.

કોઈ વખત અમારા તરફથી એવો હુકમ આવે કે, છ અથવા આઠ માસ લગી દુઆ નહિ પડવી, તો તેટલો વખત તેમજ કરવું.

જેઓ અમારા ફરમાન ઉપર અમલ કરે છે, તેઓ જ હકીકતી મોમન છે.

તમારે લશ્કરની પેઠે પોતાના સરદારના હુકમ મુજબ વર્તવું જોઈએ. 

જેવી રીતે એક હેલકરી પોતાની મરજી પ્રમાણે જરાવાર સડક પર ચાલે છે અને જરાવાર નીચે ચાલે છે, એ પ્રમાણે મરજી મુજબ ચાલવું એ હકીકતી મોમનનો રસ્તો નથી.

હકીકતી મોમનોએ હંમેશાં ફરમાન ઉપર નિગાહ રાખવી. 

નાફરમાની કરે તો, તેવી પીરી મુરીદીથી કાંઈ ફાયદો નથી.

હાલ તમોને ફરમાવીએ કે, આ રસ્તે ચાલો તો તેજ રસ્તે ચાલવું જોઈએ. જે વખતે જે કાંઈ ફરમાન થાય, તે પ્રમાણે ચાલે તો જ ફરમાન પાળ્યું ગણાય.

જેમ ભોમિયો ચલાવે તે પ્રમાણે ચાલે તો મંઝીલે પહોંચે. તમે પણ તે પ્રમાણે ચાલશો તોજ ઠેકાણે પહોંચશો, નહિ ચાલો તો નહિ પહોંચો.

અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જેઓ ઈન્સાન છે તેઓ જવાહીર ઉંચકી લેશે. જેઓ હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહીરને છોડી આપશે.

અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો.

અમારા દીનમાં એવા એવા મેવા છે કે, તે મેવા ખાનાર કદી પણ બહાર જઈને ઘાસ ખાતો નથી.

અમારા ફરમાન કિંમતી સમજજો. મામુલી સમજશો તો નુકશાન થશે.

અમે તમને હીરા, ઝવાહીર રૂપી ફરમાનો ફરમાવ્યા છે, તે ભુલી નહિ જશો. એ ઝવાહીરોને દિલ રૂપી ખજાનામાં, સંભાળી રાખજો.

તમને હીરા, માણેક ઝવેરાત આપેલ છે. તેને તમે ઓળખતા નથી અને ફેંકી દીયો છો. તેમાં તમને ઘણું નુકશાન છે, માટે બરાબર સંભાળો.

અમે તમારા પાસે ઝવેરાતની કોથળી છોડી તમને બતાવી છે, તેને તમે બરાબર સંભાળો.

અમે જે ફરમાન કરીએ છીએ તે જવાહીર જેવા છે. જ્યારે તમને ફુરસદ મળે ત્યારે અમારા ફરમાન ઉપર બે કલાક ખ્યાલ કરો.

જ્યારે અમે ફરમાન માટે મોટું ઉઘાડીએ છીએ ત્યારે મોતીના ઢગલા આપીએ છીએ. પણ, પરીક્ષા કરનાર મોમન હોય તેજ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે, તેઓને શું ચીજ મળી છે.

પણ તમે નાદાન છો, ઈસા પયગમ્બર નાદાન પાસેથી નાસી ગયા હતા તેવા નાદાન તમે છો, ત્યારે મોતીના ઢગલામાંથી શું ફાયદો તમે હાંસલ કરી શકશો ?

નાદાન દીનનો દુશ્મન છે.

ફરમાન ધ્યાનમાં નહિ લીયે તે મુર્ખ નાદાન છે.

ફરમાન ન સાંભળે તે નાદાન છે.

તમે જમાતખાનામાં અમારા ફરમાન શા માટે વાંચતા નથી ?

દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે.

તમો જમાતને જે નસિહત થાય છે તે દિલમાં રાખો અને બહારગામ તમારા ભાઈઓને તે સંભળાવો કે જેથી, તેના ઉપર અમલ કરે.

તમો જમાત, સહુ જમાતખાનામાં નસિહત કરો. તમે હુઝુરમાં બેઠા છો ને અમે ફરમાન કરીએ છીએ તે, આ કાને સાંભળી બીજા કાને કાઢી નાખશો નહિ. તમામ ઠેકાણે આ ફરમાન સંભળાવો.

અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહિ નાખતા. જો તમે બીજા કાનથી કાઢી નાખશો અને તેનો તોલ નહિ કરો, આમાલ સારા નહિ કરો તો, અમે અમારી જગ્યાએ છીએ. તમે તમારી જગ્યાએ રહેશો. તેમાં શું ફાયદો છે ?

અમારા ફરમાન સાંભળી બીજે કાનથી કાઢી નહિ નાખો. તમારા દીનનો ખ્યાલ કરો અને તે મુજબ ચાલો.

અમે હંમેશાં તમને ફરમાન કરીએ છીએ અને તમે હંમેશાં અમારા ફરમાન સાંભળો છો. તે ફરમાન પ્રમાણે ચાલજો.

જેઓ અમારા ફરમાન પ્રમાણે ચાલશે. તેઓ ઉપર અમે ઘણા જ રાજી થઈશું.

અમે હકીકતીઓના હકીમ છીએ. તમારો રૂહ બિમાર હોય તેના અમે હકીમ છીએ. જેને દરદ થાય, તે ડાકટર પાસે જાય તો તેણે ડાકટરની વાત માનવી જોઈએ. તેમ તમારે અમારા ફરમાન માનવા જોઈએ.

પહેલા અમારા ફરમાન સાંભળો પછી ગીનાન. અમારા ફરમાન પ્રમાણે ચાલો તો તમને ફાયદો થાય.

જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી.

ગીનાન તથા ફરમાનમાં ફરમાવ્યું છે તે પ્રમાણે ચાલો. તેની કિતાબો બરાબર પડો. તેની માએના કાઢો, તે ઉપર અમલ કરો.

હમણા તમારો વખત છે, તેમાં તમારી અક્કલ ખોલો, સાંભળો, યાદ કરો અને તમે ખ્યાલ કરો.

પીર સદરદીને જે રૂહાની ગીનાન ફરમાવ્યા છે તથા હાજર જોમાના જે ફરમાનો છે તેને તમે યાદ કરો.

જેવી રીતે છાપા ન્યુઝ પેપર વાંચી જાઓ છો તેવી રીતે વાંચી ગયા તો શું ફાયદો ?

એક એક લીટી દિલમાં ગ્રહણ કરો. ગીનાનની તથા અમારા ફરમાનની એકએક લીટી હઝાર હઝાર લીટી જેવી છે.

અમારા ફરમાન ઉપર ચાલો; અમારા ફરમાન માનો. અમારા સિવાય બીજો ગમે તે હોય તેનો બોલ નહિ માનવો. 

અમારા ફરમાન સાંભળીને ભુલી નહિ જતા. હંમેશાં દિલમાં રાખજો. ખરાબ કામથી હંમેશાં દુર રહેજો, આ વાતને નાની સરખી નહિ સમજતા ઘણી મોટી છે.

તમે અમને કોઈ ચીજ વસ્તુ આપો, તેથી અમે ખુશી થઈએ એમ નથી. અમારા ફરમાન ઉપર અમલ કરો, ત્યારે અમે રાજી થઈએ.

કોઈ વસ્તું કે ચીજ લાવવા કરતા તમે અમારા ફરમાનમા રહેશો તો અમે વધારે રાજી થઈશું.

તમે અમારા ફરમાન સાંભળી દિલમાં રાખજો. તમે અમને જોશો અને દીનના ફરમાન મુજબ નહિ ચાલો તો શું ફાયદો થશે ?

તમે હંમેશાં અમારા ફરમાનોનો વિચાર કરજો. જરૂર વિચાર કરજો, ભુલી નહિ જશો તો અમારી મહેનત લેખે લાગી કહેવાશે.

અમારા ફરમાનોનો ખ્યાલ કરજો. અમારા ફરમાનોની હજારો માયના છે તેની સમજણ લઈને ચાલો તો, શેતાન તથા ચોરના ફરેબમાં નહિ આવો.

જેમ તમે ગીનાનની માયના કાઢો છો, તેમ અમારા ફરમાનોની પણ માયના કાઢજો. તેમાં શું ભેદ અને ખુબીઓ સમાયેલી છે, તે સમજવી જોઈએ.

અમારા ફરમાનના એકે એક શબ્દની માયના કાઢો. તેમાં ઘણા ભેદ છે, તે સમજવા જોઈએ.

અમે ફરમાન કરીયે છીએ તે તમે હંમેશાં વાંચજો. તેની માયના કાઢજો. ખ્યાલ રાખજો. ભુલી નહિ જતા.

જ્યારે તમે ઈલ્મ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો. આ તરફ પણ ખ્યાલ કરો અને પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી થોડું ઘણું સમજી શકશો.

અમારા ફરમાન ફક્ત સાંભળી લીધા એટલું જ બસ નથી, તમારા ઉપર વાજબ છે કે, અમારા ફરમાન ઉપર ખ્યાલ કરો, તેની માયના કાઢો તથા માયના સમજો. એક કાનેથી સાંભળી, બીજે કાનેથી કાઢી નાંખો તો શું ફાયદો થાય ? પણ એકઠા મળીને વાચો અને તેની માયના કાઢો.

કોઈ મકસુદ પુછે કે, આ ફરમાનની શું માયના થઈ ? બીજો જવાબ આપે કે, એની આ મકસુદ છે. આવી રીતે એકબીજા સાથે મશવેરો કરો.

બધા પેગમ્બરોના વખતમાં પણ ફરમાન થતા હતા તેની પણ માયના કાઢવામા આવતી હતી; તેજ પ્રમાણે તમે પણ અમારા ફરમાનોની માયના કાઢો.

અમારા ફરમાન હંમેશાં દિલમાં રાખજો, ભુલી નહિ જશો. એમ ન બને કે, જ્યાં સુધી અમે જાહેરીમાં અતરે હાઝર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહિ થવું જોઈએ.

જેમ ગીનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ ગીનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એજ ગીનાન છે.

                    ફરમાન મુબારક

હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું :–

જે ફરમાનો અમે કર્યા છે, તેને જીવતા જાગતા રાખવા તમારા હાથમાં છે; તેને તમે લખો, વાંચો, અમલ કરો તો ફરમાનોને જીવતા રાખ્યા ગણાય. તેમ નહિ કરો તો તેને મારી નાંખ્યા ગણાય.

જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉઘાડીએ છીએ ત્યારે મોતીના ઢગલા આપીએ છીએ. પણ, પરીક્ષા કરનાર મોમન હોય તેજ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે, તેઓને શું ચીજ મળી છે.

અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જેઓ ઈન્સાન છે તેઓ જવાહીર ઉંચકી લેશે. જેઓ હેવાન છે તેઓની નીગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહીરને છોડી આપશે.

મોમન હોય તે હાઝર ઈમામના ફરમાન કબુલ કરે અને જે કાંઈ હાઝર ઈમામ હુકમ ફરમાવે તે માથે ચડાવે.

તમારા ઉપર વાજબ છે કે, હું જે ફરમાનો કરૂં તે પ્રમાણે તમે અમલ કરો. મોમનનો એજ ધરમ છે.

દરેક જમાતની ફરજ છે કે, નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે.

હકીકતી મોમનોએ હંમેશાં ફરમાન ઉપર નિગાહ રાખવી.

હકીકતી મોમનોએ અમારા ફરમાન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ.

હકીકતી મોમનને જો ફરમાન થાય કે, છ માસ અથવા એક વર્ષ દસ્ત નહિ ચુમવા, તો ફરમાન કબુલ કરીને દસ્ત ચુમવાનો ખ્યાલ પણ ન રાખે. જ્યારે ફરીથી હુકમ થાય ત્યારે તેણે હાજર રહેવું જોઈએ.

એવી રીતે જેઓ અમારા ફરમાન ઉપર અમલ કરે છે, તેઓ જ હકીકતી મોમન છે.

જેવી રીતે એક હેલકરી પોતાની મરજી પ્રમાણે જરાવાર સડક પર ચાલે છે અને જરાવાર નીચે ચાલે છે, એ પ્રમાણે મરજી મુજબ ચાલવું એ હકીકતી મોમનનો રસ્તો નથી.

મોમનને વાજબ નથી કે, તે પોતાની નિગાહમાં આવે તેમ કરે.

મુરશિદ જે ફરમાન કરે, તે વગર આનાકાનીએ તમારે મંજુર રાખવા જોઈએ.

આવી રીતનું ફરમાન કેમ થયુ ? તે તમારે બોલવાનું નથી. અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ, પણ ઈમામ ની અક્કલ મુજબ તમારે ચાલવું જોઈએ.

અમારા ફરમાન ઉપર ચાલો; અમારા ફરમાન માનો. અમારા સિવાય બીજો ગમે તે હોય તેનો બોલ નહિ માનવો.

પહેલા અમારા ફરમાન સાંભળો પછી ગીનાન. અમારા ફરમાન પ્રમાણે ચાલો તો તમને ફાયદો થાય.

તમે જમાતખાનામાં અમારા ફરમાન શા માટે વાંચતા નથી ? 

અમારા ફરમાન વાંચવા તથા તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દીનનો દુશ્મન છે.

ફરમાન ધ્યાનમાં નહિ લીયે તે મુર્ખ નાદાન છે.

નાદાન દીનનો દુશ્મન છે.

જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી.

ફરમાન ઉપર અમલ નહિ કરશો તો શેતાન થશો. તકબ્બુરીવાળા થશો.

અમારા ફરમાન તમારા દિલમાં ઘડ બેસે છે કે નહિ ? અમે મુશ્કીલ સમજીએ છીએ.

શરિયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે, તો તેમના દિલમાં અસર કરતા નથી. જેઓ હકીકતી નથી તેઓ બેઅકકલ છે.

મુર્તઝાઅલી મહાન છે, તેમના ફરમાન માનવા જોઈએ.

જે વખતે, જે ફરમાન થાય તે મહોબ્બતથી માનવું જોઈએ કારણ કે, તેમને સઘળું રોશન છે.

મુરશિદનું ગમે તેવું ફરમાન માનવું જોઈએ.

અમારા ફરમાન તમને સખત લાગે છે પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીયે.

જેવી રીતે છાપા, ન્યુઝ પેપર વાંચી જાઓ છો તેવી રીતે વાંચી ગયા તો શું ફાયદો?

જેમ જમીનમાં બી વાવવામાં આવે છે, તેમ અમારા ફરમાન દિલમાં રોપજો, તો તેમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે. 

અમારા ફરમાન ઉપર બે કલાક ખ્યાલ કરો.

અમારા ફરમાન જેઓ સમજી શકશે તેમને મીઠાશ લાગશે.

અમારા ફરમાન કિંમતી સમજજો, મામુલી સમજશો તો નુકશાન થશે.

અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજે કાનથી કાઢી નહિ નાખતા.

અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે.

અમારા ફરમાન પ્રમાણે નહિ ચાલશો તો, તમે પરેશાન થશો. ત્યાં લોખંડ તથા આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે, ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે, “તૌબા તૌબા” રાત દિવસ ગુરજ માથામાં લાગશે.

બેખબરીનો ગુરજ ઘણો ઈજા પહોંચાડનાર છે.

અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે.

અમારા ફરમાન પ્રમાણે ચાલે છે તેજ અમારા ખરા મોમન છે.

અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે.

કેટલીક વાતો તમારી અક્કલમાં ન ઉતરે તો પણ, પીર મુરશિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જેઈએ.

યા અલી મદદ