Ilm Majalis Logo

ILM MAJALIS

૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક

રેકોર્ડીંગ - ૪

રેકોર્ડીંગ - ૪

0:000:00

હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું:-

જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉઘાડીએ છીએ ત્યારે મોતીના ઢગલા આપીએ છીએ પણ, પરીક્ષા કરનાર મોમન હોય તેજ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે, તેઓને શું ચીજ મળી છે.

પણ તમે નાદાન છે.

ઈસા પયગમ્બર નાદાન પાસેથી નાસી ગયા હતા તેવા નાદાન તમે છો ત્યારે મોતીના ઢગલામાંથી શું ફાયદો તમે હાંસલ કરી શકશો ?

અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જેઓ ઈન્સાન છે તેઓ જવાહીર ઉંચકી લેશે. જેઓ હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહીરને છોડી આપશે.

તમે ઈન્સાન રૂપમાં છો, ખુદાવંદતઆલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે કે, તમને મહોબતથી સતપંથ દીનમાં જન્મ આપ્યો છે પણ હેફ છે કે, ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે અને ઈન્સાન પાછો ખાકમાં દાખલ થઈ જાય છે.

રોજ કયામતમાં બીજી જાતોને તો એક બહાનું પણ છે કે, તેઓને સતપંથ દીનની ખબર નહિ હતી. તમે અરબ, બદકશાની, ખોજા, મુમના તથા બીજા જેટલા ઈસમાઈલી સતપંથી છો, તેઓ રોજ કયામતના દિવસે કાંઈપણ બહાનું કાઢી શકશો નહિ. 

ઈન્સાન ખ્યાલ કરતો નથી કે, જો મરણ પછી કયામતમાં તે એવો જવાબ આપશે કે ફલાણાએ મારા રૂહને ફરેબ દીધો, તો તે બહાનું કાંઈપણ ચાલવાનું નથી.

તમારી હવેની આટલી જિંદગી છે તે, બે ફાયદે અને બેખબરીથી કેટલોક વખત ખોતા રહેશો?

તમારા આદમના અવતારને ઓળખો.

ઈન્સાન અવતાર તરીકેનો તમારો મરતબો સમજો.

ઈન્સાન થઈને ક્યાં સુધી હેવાન જેવા રહી જશો ?

દુનિયા ઉપર ક્યાં સુધી મહોબત રાખશો ? ક્યાં સુધી દુનિયાની બાજી ખાધા કરશો?

તમે ઈન્સાન થયા ત્યારે તમને જન્મ તથા મરણ છે.

ઈન્સાન જન્મ અને મરણની વચમાં ફર્યા કરે તેમાં શું ફાયદો થાય ?

કોઈ માણસ પાસે આખી બાદશાહી હોય, એટલે કે તેને ઘેર આખી દુનિયાનું રાજ હોય, તેની પાસેથી બાદશાહી છીનવી લઈને, તેને ફકીર બનાવવામાં આવે તો, તેની કેવી ખરાબ હાલત થાય ? હવે તમે ઈન્સાન રૂપી ઉત્તમ દેહીમાં આવ્યા પછી, ફિરસ્તા થવાને બદલે ઈન્સાન મટીને હેવાન જેવા બનશો તો, તમારી પણ એવી જ ખરાબ હાલત થશે.

ઈન્સાનમાંથી ફિરસ્તો થઈ શકાય છે.

પરંતુ ઈન્સાનમાંથી ફિરસ્તા થવું તેમાં ઘણી મહેનત છે.

તમારા રૂહનો અવતાર પહેલાં પત્થરથી શરૂ થાય છે.

અવ્વલમાં ઈન્સાન માટી તથા પત્થર રૂપે હતો.

ખુદા સાથે ખ્યાલ બાંધે તો ઈન્સાન ફિરસ્તો થાય.

ઈન્સાન પહેલા તો પત્થર હતો, પછી ઝાડ થયો, હેવાન થયો, વાંદરો થયો, ત્યાર બાદ માણસ થયો. માણસ ફિરસ્તો થાય, તેથી પણ વધારે ઉંચો થાય. પાછો હેવાન પણ થાય, પત્થર પણ થાય. આ સઘળું પોતાના હાથમાં છે. આ બાબત નસીબ ઉપર આધાર નથી રાખતી.

મૌલાના રૂમી કહી ગયો છે કે, હું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો; તેમાંથી ઈન્સાન થયો છું. ઈન્સાનમાંથી શું થઈશ ? મલાએક બનીશ. ત્યાંથી ક્યાં જઈશ ? તે કરતાં ઉંચે જઈશ.

ઈન્સાન તે છે, જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તે સિવાય આ દુનિયામાં ઈન્સાન માત્ર જનાવર મિસાલ છે.

જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મહોબત પણ વધારે કરે છે.

પીર સદરદીન હતો. તે તમારા જેવો એક માણસ હતો. તમારાથી કાંઈ ફરક નહિ હતો તેની આંખો કાન વગેરે તમારા જેવા જ હતા. કોઈ પણ ખોજો હશે તે કહેશે કે, પીર સદરદીને ખોજા બનાવેલ છે. તે પીર સદરદીન પણ તમો ખોજાઓનો દીનબંધુ હતો.

પીર સદરદીન બુધ્ધિવાન, દાના, સાચો અને બાતુનમાં સાફ હતો. 

પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે, ખુદા મારી પાસે છે.

તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ.

અક્કલવાળો માણસ કહેશે કે, ઈન્સાન એ એક મોટી ચીજ છે.

સારા નરસાને બરાબર ઓળખે તે ઈન્સાન છે.

હવે જુઓ કે, સારા અને નરસા વચ્ચે શું ફરક છે ?

પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારૂં.

એવું ન બને કે રૂહ અહીંયા જ રહી જાય અને ઢોર માફક ખાય તથા સુએ.

સમજદાર ઈન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ; તે એ છે કે, રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે.

રૂહની અસલ ઉમેદ છે તે બીજું ઝવહર છે.

જ્યારે અસલની ખબર ન પડે, ત્યારે શું વળ્યું ?

અસલ મકાન કરતાં બીજું ક્યું મોટું મકાન છે ?

તમારૂં અસલ મકાન ઘણું મોટું છે, પણ હવે ઘણું દુર છે.

તમારૂં મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો.

અસલ મકાને પહોંચવા માટે નામર્દીને જડ મુળમાંથી ઉખેડી નાખવી જોઇએ. હિંચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે.

તમે જ્યારે સિજદો કરો ત્યારે, માંગો કે અમને અસલ મકાને પહોંચાડો.

જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે. ત્યારે તે રડે છે કે, ક્યારે મા પાસે જઈ પહોંચું ! તમે પણ તેવા થાઓ.

તમે દુનિયામાં બેઠાં છો તો તમારે દિલથી રોવું જોઈએ. 

આ દુનિયામાં બે જાતના મોમન છે, જેમાં એક બદનના મોમન છે, તથા બીજા રૂહના છે.

જેઓ બદનના મોમન છે, તેઓ અહીં જ રાજી થાય છે, અને આ દુનિયામાં જ રહેવાને રાજી છે. તેમની જગ્યા જમીનમાં જ હોય છે. આ વડાઈના મોમન છે, તેઓ આખરે જમીનમાં જ જાય છે.

બીજા જે રૂહના મોમનો છે, તે એવા થાય છે કે, દીનના કામમાં તેઓ આગળ અને આગળ કદમ ભર્યા કરે છે. તેઓ ઉભા રહેતા નથી. તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેશ્તથી પણ ઉંચે જશે.

બહેશ્તથી પણ વધારે પાક એક જગ્યા છે, ત્યાં રૂહને પહોંચવું જોઈએ. 

તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા, તેઓ અમારે રસ્તે ચાલ્યા છે.

મિસાલ મનસુર ચાલ્યો.

મનસુર માટે બહેશ્ત મૌજુદ હતી; પણ તે કહેતો હતો કે, ખાલી બહેશ્તમાં જઈને શું કરૂં; જ્યાં સુધી મગજને ચાખીશ નહિ ત્યાં સુધી પાછો નહિ વળું, આગળ વધીશ.

રૂહની અસલ ઉમેદ છે તે બીજું જવહર છે. જ્યારે અસલની ખબર ન પડે, ત્યારે શું વળ્યું ?

હાલ તમારી બન્ને બાજુએ બે રસ્તા છે. એક તરફ એક સડક ગઈ છે તથા બીજી તરફ બીજી સડક ગઈ છે. એક સડક હેવાન એટલે બદનની છે અને બીજી સડક રૂહની એટલે ફિરસ્તાની છે.

ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે.

જો તમે એ સડક પકડશો તો સાતમે આસમાને જઈ પહોંચશો.

અગર એ સડક છોડી આપશો તો, તમારો રૂહ જમીન ઉપર જ રહેશે. 

સાતમા આસમાન ઉપર જે સડક જાય છે તેનો ખ્યાલ કરો.

તમે તમારો સુકો રસ્તો શોધો.

તમારો સુકો રસ્તો સાતમા આસમાન ઉપર છે.

જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સુકી જમીન તમને મળશે અને તમારૂં દિલ પણ તમને ખાત્રી આપશે.

આ દુનિયા રૂપી દરિયામાંથી સાતમા આસમાનની સુકી જમીને પહોંચવા માટે, રસ્તામાં જે સડક છે, તે પર શેતાન ઘણી જાતના વરસાદ વરસાવે છે. ફિતના, દુશ્મની, જુઠું બોલવું વિગેરે હજારો જાતના વરસાદ તે રસ્તા ઉપર વરસાવે છે અને મોમનને સુકી જમીન ઉપર પહોંચવા આપતો નથી.

મહેનત કરીને ઈલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે સાતમા આસમાન સુધી પહોંચી જાય છે.

મારા વાસ્તે ઘણી મહેનત છે. “એ” બેઈલ્મી કેમ રાજી થાય ? “એ” હકીકતને પકડતો નથી. એને હકીકત જોઈતી નથી.

જેઓ બેઈલ્મી છે તેઓ હકીકતને છોડી આપે છે.

પણ જેઓ હકીકતી છે તે બીજે રસ્તે ચાલે છે.

જેમ આગળ (૧) ઈસા (૨) પીર સદરદીન (૩) નાસર ખુશરૂ (૪) પીર શમ્સ (૫) મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા ઉપર ચાલ્યા.

આ રસ્તો નાદાનના માટે બહુ મુશ્કીલ છે.

પણ જે દાના અક્કલવાળો હશે તે કહેશે કે, આ રસ્તો સારો છે.

હકીક્તના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો.

ખોટું ન બોલવું. મારા દીનમાં ખોટું બોલવાની મનાઈ છે.

પૈસા સાથે દિલ બાંધવું નહિ.

ઘણા પૈસા કમાવો તેમાં ખુશી પણ નહિ થશો.

મહેનતથી કમાવેલા પૈસા જતાં રહે તો દિલગીર થવું નહિ.

ખુદા ન કરે ને કોઈનો છોકરો ગુજરી જાય તો તેણે અફસોસ ન કરવો.

મોમનને દુનિયામાં કાંઈ પણ નુકશાની થાય છે તેનું તેને દુ:ખ થતું નથી.

દુનિયામાં મોમનને નુકશાની થાય તો પણ ગમ ન કરે. દીનનો ઈત્તેકાદ અને ઈમાનની નિશાની એજ છે.

ઈન્સાન ઉપર જે દુ:ખ પડે છે, તે મોમનને સુખરૂપ લાગે છે.

ઈન્સાન ઉપર બિમારી, કોઢીયાપણું, રગતપીત વિગેરે દરદ આવે છે, પણ મોમન તેનો અંદેશો રાખતો નથી અને નાખુશ બનતો નથી.

મોમનને અગર રગતપીતનું દરદ હોય, તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના ઉપર ગમે તેટલા દુઃખ આવી પડે, તો પણ તેમને તે દિલ ઉપર લાવતો નથી.

ઈસા હકીકતી હતો. તે ખુદામાં ફના થયો. 

તમે પણ ફનાફિલ્લાહ થાઓ.

તમે વિચાર કરો કે, ફના થઈએ. જે કોઈ ચાહે અને કોશીષ કરે તે ત્યાં પહોંચી શકશે. પણ તમારા ગુન્હા તમને ત્યાં પહોંચવા આપતા નથી. તે ગુન્હાઓએ તમને કેદખાનામાં બંધ કીધા છે.

તમે ફિલસુફી પડો તો ખુદાવંદતઆલાની નજીક થઈ શકો.

પીર શમ્સ, પીર સદરદીન તથા મૌલાના રૂમ, ફિલસુફી ઘણી પડયા હતા, તેમજ કુરાને શરીફ માયના સાથે પડયા હતા.

રૂહ ક્યાંથી આવ્યો ? પાછો રૂહ ક્યાં જશે ? જેઓ ફિલસુફીની કિતાબો પડયા છે, તેઓ સર્વે જાણે છે. 

પીર શમ્સ, પીર સદરદીન, મૌલાના રૂમ, એઓ જ એવા થઈ શક્યા એમ નહિ સમજતા.

તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકશો.

આવું ઈલ્મ તમારા ઉપર વાજબ છે.

હું તમારા માટે ફિલસુફી રાખીશ તે તમે પડજો તથા સમજજો. તેમાં મોટી હિંમત છે.

હિંમતવાળાનો રૂહ જલદીથી દરિયામાં મળી જાય છે.

તમારો રૂહ એક નદીની મિસાલ છે.

અમે એક દરિયો છીએ.

તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે અમારા પોતામાં છે. છેવટે તમે દરિયામાં જ મળી જશો.

જુઓ આ કચ્છના મુલકમાં જે નદીઓ છે, તે દરિયામાં મળી શકતી નથી. રસ્તામાં જ સુકાઈ જાય છે.

એ પ્રમાણે જે લોકો બેહિંમત છે તેનો રૂહ પણ આ કચ્છની નદીઓની માફક રસ્તામાં જ સુકાઈ જાય છે.

તમે ઘણા જ બેહિંમત છો, તેથી તમારો રૂહ જલદીથી ત્યાં પહોંચી શકતો નથી.

તમે તમારા રૂહને રસ્તામાં સુકાવા આપો નહિ, પણ જલદીથી દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો.

તમે ઉંઘમાં પડેલા છો તેથી, તોપના અવાજ સાંભળતા નથી. સુતેલા માણસને ઉઠાડવામાં આવે છે તેમ, અમે તમને જગાડીએ છીએ કે, ઊઠો ! ઈબાદતમાં મશગુલ થાઓ, ભુલો નહિ ! ત્રણ વાગાની ઈબાદતમાં ઘણોજ ફાયદો છે. એક તરફ આખી દુનિયાનો માલ બીજી તરફ ઈબાદત એવું ઈબાદતનું જબરૂ વજન છે.

ખુદાને મળવું ઈબાદત ઉપર છે. ઈબાદત ઈમાન ઉપર છે. વળી ઈમાન હાંસલ થવું એ ઈશ્ક ઉપર છે.

ઈશ્ક કેવો હોવો જોઈએ ?

જેમ એક બિયાબાન જંગલમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવીજ રીતે રૂહને પણ ઈમામનો ઈશ્ક હોવો જોઈએ. ઈમામના બદન ઉપર નહિ, પરંતુ ઈમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઇએ.

જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તેજ ખુદા પરસ્ત છે.

ઈન્સાનને લાજમ છે કે ખુદાવંદતઆલાનો ઈશ્ક દિલમાં રાખે.

ઈન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે ? તે કરતા હજારો દરજ્જે વધારે ખુદાવંદતઆલાનો ઈશ્ક રાખવો જોઈએ.

તમે મોમન છો તો ખુદાવંદતઆલા ઉપર આશક થાઓ.

હકીકતીઓનો ઈશ્ક ઔલાદ, સ્ત્રી તથા પૈસા ઉપર નથી હોતો પરંતું ખુદાવંદતઆલા ઉપર હોય છે.

મોમન જેમ જેમ ખુદાવંદતઆલા ઉપર વધારે અને વધારે મોહબત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે અને વધારે નજીક થતો જાય છે; તે ખુદાને પ્રત્યક્ષ જુએ છે.

એવી જાતની મહોબત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારૂં શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. 

જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તેજ ખુદા પરસ્ત છે.

જો ઈશ્ક બરાબર હોય તો, ઈમાન રૂહ સાથે એકજ થઈ જાય છે.

તમે ઈમાનની બરાબર સંભાળ રાખજો.

જેમ માણસો પોતાની દોલત સંભાળે છે, તે પ્રમાણે મોમન પોતાના ઈમાનની સંભાળ રાખે છે.

તમે તમારૂં ઈમાન મનસુર જેવું રાખો.

જુઓ મનસુરને શુળી ઉપર ચડાવવામાં આવ્યો. તો પણ તેણે પોતાનું ઈમાન મુક્યું નહીં. 

જ્યારે મનસુરને શુળી ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું, એ લોહીમાંથી પણ “અનલહક”નો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. આ ઈમાનની નિશાની છે. 

ઈમાન અમુલ્ય વસ્તું છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હ. મૌલા મુર્તઝાઅલીને મોમન નુસેરી “અલ્લાહ" કહેતો હતો. તેને ૭૦ વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે “અલી અલ્લાહ" કહ્યા કર્યું, પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે. અને એની ઓલાદ પણ સચ્ચાઈવાળી થશે. આ મોમન અને એની ઔલાદને ક્યામતમાં પુછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો.

જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહયું તેનું સઘળું સલામત રહ્યુ. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહિ.

જે શખ્સ ઈબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લુંટી લ્યે છે.

કેટલા દિવસ તમારા દિલને ઈબાદત વગરનું રાખશો.

ઈબાદતનો બોજો ગરીબ તથા પૈસાદાર બન્નેના ઉપર સરખો છે. 

પૈસા ન હોય તો નહિ આપો પણ ઈબાદત કરો.

જો ઈબાદત નહિ કરો તો જહન્નમમાં જશો અથવા પાછા હેવાન થશો તેમાં શું ફાયદો ? 

સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો. તે પોતાના અસલ મકાને પહોંચ્યો.

તમે પણ ઈબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ.

તમે ઈબાદત કરો તો પીર સદરદીન જેવા થાઓ.

તમારે તમારી ઈબાદત છોડી દેવી જોઈએ નહિ.

જો કદાચ તમે બીમારીના બીછાના પર પડ્યા હો, તો પણ ઈબાદત છોડતા નહિ.

જ્યાં સુધી તમારા તનમાં પ્રાણ છે ત્યાં સુધી તમારી ઈબાદત છોડતા નહિ.

ખુદાવંદતઆલાની ઈબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહિ.

ઈન્સાન રાત દિવસ પૈસા પેદા કરે અને સારા કામ કરે પછી મરી જાય, ત્યારે શું ફાયદો ?

તમે પીર સદરદીન જેવા થવાનું ધારો છો, તે કેમ બની શકે? તમારામાં હિંમત તો છે નહિ, ત્યારે તમારાથી બીજું શું થાય તેમ છે?

હંમેશાં બંદગી કરવા છ્તાં જો આઝાદીમાં ન પહોંચ્યો તો શું વળ્યું ? 

કેદખાનામાં ઈબાદત કરે અને સમજે કે મરી જશું ત્યારે કેદખાનામાંથી છુટા થઈ બહેશ્તમા જશું પરંતું બહેશ્ત પણ કેદખાનુંજ છે.

તમે બંદેખુદા છો. ખુદા રહેમુર રાહેમીન છે. ત્યારે શું તમને કોઈ વખત આઝાદ નહિ કરે? હું નથી કહેતો કે આ દુનિયા પછી પણ તે આઝાદીમાં તમે પહોંચી શકશો. એ સર્વે સીધા રસ્તા ઉપર ચાલવા તથા આલા હિંમત ઉપર આધાર રાખે છે. એ સઘળું તમારા હાથમાંજ છે.

અમે અમારા દિલથી તમને દુઆ કરીયે છીએ કે, “ખુદા યા ! તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય ખરાબીથી દુર ભાગે. રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે.

ખુદા યા ! તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતાં વધારે છે.

અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે. તેઓને જ કામ આવે છે.

સારી દુનિયાની લિજ્જતથી દુર રહે એવો રોજો રાખે, તો બાતુની આંખ અને કાન છે, તે ખુલે.

ઈન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે, પણ એવી રીતે જુએ કે, ખુદાના ભેદ અને કરામતની ખબર પડે. 

તમે કહો છો કે, અમે મોમન છીએ; ત્યારે અમે પુછીએ છીએ કે, જનાવરથી ક્યો હુન્નર તમારામાં વધારે છે?

એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે ? આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય.

આવા આવા વિચારો કરશો ત્યારે જ મોમનના લક્ષણ તથા દીનની ખબર પડશે.

દરેક ઈન્સાનના રૂહ સાથે ઈમામનું નુર જોડાએલું છે.

જ્યારે તમે માણસને જુઓ છો, ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે. હાથ, પગ, મોઢું, આંખો, સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી.

તમે રૂહને જોવાની તજવીજ કરો.

તમારી ફઝીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે.

ખુદાના નુરનો દીવો તમારી અંદર છે, તમારા હાથમા છે. એ દીવો તમો સર્વેમાં છે. તેને તમે જુઓ. તમે એને પુછો, તમે એને નહિ પુછશો તો તમને ક્યાંથી ખબર પડશે ? તમારો મઝહબ ઘણો કઠણ તથા મુશ્કિલ છે.

કેટલાક હજાર વર્ષો થઈ ગયા તેમાં કેટલા માણસો તે મકસુદ ને પહોંચ્યા ? હ. ઈસા, હ. રસુલ સ., મનસુર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખાજ હતા.

જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા.

મુર્તઝાઅલીએ ફરમાવ્યું છે કે, ‘જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો.’

જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ-દોસ્તને જોઈએ છીએ.

ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજજો સમજો ત્યારબાદ ખુદાના દરજજાની ખબર ૫ડશે.

મોમનનો રૂહ તે અમારો રૂહ છે.

તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે અમારા નુરને જુઓ.

હું કહું છું કે, જે કાંઈ છે તે રૂહજ છે, માટે તેની તપાસ કરો કે તે શું છે ? તે ક્યાંથી આવ્યો ? તે નુરની નિગાહ કરવી જોઈએ.

સારી દુનિયાની લિજજતથી દુર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે, તે ખુલે.

ઈન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે, પણ એવી રીતે જુએ કે જેથી, ખુદાના ભેદ અને કરામતની ખબર પડે. 

અકકલવાળો માણસ કહેશે કે મારી આરઝુ આઝાદીની છે. હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ !

અક્કલવાળો મોમન હોય, તેના માટે દુનિયા જહન્નમ છે.

અગર બાદશાહ હોય તો પણ દુનિયા જહન્નમ છે.

જો હજાર બે હજાર કે કરોડ રૂપિયાની દૌલત હોય, ઉંમર પણ સો બસોની હોય, તો પણ સઘળું ઝેર બરાબર છે.

અમારા ફરમાન તમને સખત લાગે છે અને ઘણા મુશ્કીલ માલુમ પડે છે, પણ અમારી ફરજ એ છે કે તમને ફરમાન કરીયે.

જેવી રીતે છાપા, ન્યુઝ પેપર વાંચી જાઓ છો તેવી રીતે વાંચી ગયા તો શું ફાયદો ?

જેમ જમીનમાં બી વાવવામાં આવે છે, તેમ અમારા ફરમાન દિલમાં રોપજો, તો તેમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે.

અમારા ફરમાન ઉપર બે કલાક વિચાર કરજો.

અમારા ફરમાન જેઓ સમજી શકશે તેને મીઠાશ લાગશે.

અમારા ફરમાનને કિંમતી સમજજો. જો મામુલી સમજશો તો નુકશાન થશે.

ફરમાન ધ્યાનમાં નહિ લીયે તે મુર્ખ નાદાન છે.

નાદાન દીનનો દુશ્મન છે.

જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી.

અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહિ નાખતા. 

અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે.

અમારા ફરમાન પ્રમાણે નહિ ચાલશો તો, તમે પરેશાન થશો. ત્યાં લોખંડ તથા આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે, ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે, “તૌબા તૌબા” રાત દિવસ ગુરજ માથામાં લાગશે.

બેખબરીનો ગુરજ ઘણોજ ઈજા પહોંચાડનાર છે.

આતશના ગુરજથી ડરીને ધાસ્તીના લીધે ઈબાદત કરે, તે મોમન નથી; પણ ખરૂં ડરવું એ છે કે, ખુદાના દિદારથી દૂર ન થવાય; તેનાથી ડરવું જોઈએ. 

મોમનનું દિલ છે, તે ખુદાવંદતઆલાનું ઘર છે.

મોમનના દિલની ખુબી એવી છે કે, અમે તેના દિલમાં રહીએ છીએ.

તમારી પાસેથી ન તો અમે માલ માગીએ છીએ કે, ન તો જાન માગીએ છીએ: ફક્ત તમારૂં દિલ માગીએ છીએ.

હવે પછી પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાવંદને તમારા દિલમાં જગ્યા આપો.

જ્યારે તમારૂં દિલ રાજી રહે, ત્યારે ખુદા રાજી રહે.

તમે દુનિયામાં કેદમાં છો, ત્યાં સુધી રાજી નહિ થાઓ.

જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને નસિહતના બોલ સમજાવવા જોઈએ. 

તેઓ એમ ન કહે કે, દીનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં ન્હોતા આવ્યા.

દીન અને નસિહતના જે બોલ તેઓની રૂહાનીને પહોંચવા જોઈએ, તે જ્યારે પહોંચતા નથી, ત્યારે તેનું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે.

તમારા દીનમાં તથા બીજાના દીનમાં કેટલો બધો ફરક છે ? તમે ખ્યાલ કરો. તમારો દીન "રૂહાની” છે અને બીજાઓનો દીન "જીસ્માની" છે. 

રૂહાની તથા જીસ્માની દીનમાં કેટલો બધો ફરક છે ? તે મુખી કામડીયા બચ્ચાંઓને નહિ સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસિહતના બોલ નહિ લાગે તો જીસ્માની દીન બચ્ચાંઓના ધ્યાનમાં બેસી જશે.

દરેક જમાતની ફરજ છે કે, નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે.

જેઓને ઈલમની ખબર નથી, તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો.

તમે હકની વાત જાણતા હશો, અને બીજાને નહિ કહો તો તમને ગુન્હા થશે.

તમે મોમન હો, પણ થોડી કસર હોય, તે કામ ન આવે.

તમને ઈલમ ગીનાન આવડતા હશે, માએના પણ આવડતી હશે, પણ જો તમે હંમેશાં જમાતખાનામાં નહિ આવો તો કોઇ ચીજ તમને ફાયદો કરશે નહિ. આ મોટી નસિહત છે.

જે શખ્સ ઈબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લુંટી લ્યે છે.

મારા ફરમાન તમારા દિલમાં ઘડ બેસે છે કે નહિ ? હું મુશ્કીલ સમજુ છું.

બીજી ફરજો ઉપરાંત પ્રથમ તો તમારે ત્રણ વખતની દુઆ કદી ચુકવી નહિ. હંમેશાં દુઆ વખતે જમાતખાનામાં હાજર રહેવું અને ત્યાંજ દુઆ પડવી.

જો જમાતખાનું દુર હોય અને તમને ખાત્રી હોય, કે વખતસર ત્યાં પહોંચી નહિ શકાય તો રસ્તામાં હો તો રસ્તામાં, દુકાને હો તો દુકાને, રેલગાડીમાં હો તો ત્યાં, જ્યાં તમે હો ત્યાં દુઆનો વખત ગુજારી લેવો.

મોમનને લાજમ તથા વાજબ છે કે, મગરિબ વખતે હંમેશાં દુઆ પડવા હાજર થાય.

જેઓ મગરબ ટાણે દુઆ પડવા નથી આવતા, તેઓ પોતા ઉપર જુલમ કરે છે.

જમાતખાનું દુઆ પડવા માટે છે, માટે તમે હંમેશાં દુઆ પડવા આવો. અગર કોઈ બીમાર હોય તે કારણથી આવી ન શકે, તે કદાચ ન આવે, પણ બાકીના બધા દુઆ વખતે સાંજે જમાતખાનામાં આવો.

તમે ઘણા જ નસીબ વાળા છો, કે સવારે જમાતખાને આવો છો, અને અમારા દિદાર કરો છો.

જે કોઈ બાઈ ભાઈ જમાતખાને આવે છે, તેને રાત અને દિવસ અમારા બાતુની દિદાર થાય છે.

અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે. અને તેમાં રોશની પેદા થશે.

અમારા ફરમાન પ્રમાણે ચાલે છે, તેજ અમારા ખરા મોમન છે.

અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે.

જે ફરમાન અમે કર્યા છે તેને જીવતા જાગતા રાખવા તમારા હાથમા છે. તેને તમે લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહિ કરો તો તેને મારી નાખ્યા ગણાય.

અમારા ફરમાનની તારવણી કરી જમાતને સમજણ પાડવી એ મિશનરીઓનું ખાસ કામ છે.

યા અલી મદદ