૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક
રેકોર્ડીંગ - ૩
રેકોર્ડીંગ - ૩
પવિત્ર નુર મૌલાના શાહ કરીમ હાઝર ઈમામે ફરમાવ્યું :-
અમારા પ્યારા પુજનીય યાદના દાદાજાનની સંપૂર્ણ ઇચ્છા અને નિમણુક મુજબ પવિત્ર ઈમામતની મારી ગાદીનશીની નિમિતે અમે આખી દુનિયાના બધા વ્હાલા રૂહાની બચ્ચાઓને અમારા માતા અને પિતા તરીકેના ઉત્તમ દુઆ આશિષો ફરમાવીએ છીએ.
નુર મૌલાના શાહ કરીમ હાઝર ઈમામે ઈમામતની મસનદ ઉપર બિરાજમાન થયા બાદ શનિવાર તા. ૨૦-૭-૧૯૫૭ ના જીનીવા ખાતે વીલા બરકતમાં ત્યાં ખાતે હાજર રહેલા મુરીદો વચ્ચે પહેલીજ વાર મુખ મુબારકથી ફરમાવ્યું,
તમો મારા સઘળા રૂહાની બચ્ચાઓને અમે ઘણા દુઆ આશિષ ફરમાવીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે સુખી અને આબાદ રહો.
અમારા દાદા પ્રત્યે તમોએ જે ભક્તિ ભાવ અને વફાદારી બતાવી છે તેની અમારા દીલ ઉપર ઘણી ઊંડી અસર થઈ છે.
અમારા દાદાએ જીંદગીના છેવટ સુધી પોતાના રૂહાની બચ્ચાઓની ભલાઈ માટે કામ કર્યું હતું. અમો પણ અમારી જીંદગી તમોને અર્પણ કરીએ છીએ.
અમારા વ્હાલા રૂહાની બચ્ચાંઓ, અમો તમારી સમક્ષ બોલી રહ્યા છીએ એ સાથેજ તમારા આગલા ઈમામની યાદીઓને અમારી અંજલિ અર્પણ કરીએ છીએ.
જ્યારે આપણે એવણને યાદ કરીએ છીએ ત્યારે એવણની ઘણી ઘણી યાદો આપણા ખ્યાલમાં આવે છે.
એવણની જિંદગી દરમ્યાન એવણ આપણી કોમ માટે જે હાંસલ કર્યું છે તે સાધારણ રીતે કામયાબ કરતાં કેટલીક સદીઓ વીતી જાય છે. એમના કાર્યો કેટલા ભવ્ય અને પ્રભાવશાળી હતા એ દુનિયાએ એમને જે અંજલિઓ આપી, એ સાચી રીતે પૂરવાર કરે છે.
એવણ અમારા માટે પ્રેરણાદાયક હશે. અને એમના નકશે કદમ ઉપર ચાલવાની હંમેશાં અમારી ખ્વાહીશ રહેશે.
આત્મા માટે બંદગી અને શરીર માટે કસરત કરવા સાથે શુભેચ્છા(goodwill) અને સહકારની ભાવના કેળવશો તો તમોને હંમેશા સફળતાં મળશે.
ઈન્સાનમાં બે ચીજો છે: એક શરીર અને બીજો આત્મા.
આત્માને રૂહાની ખોરાકની જરૂર પડે છે. તેજ પ્રમાણે શરીરને કસરતની જરૂર પડે છે.
સુખની એક માત્ર ખાત્રી પૂર્વકની ચાવી છે તે છે ઈબાદત.
તમારામાંના ઘણાને એ સમજાશે કે જ્યારે તમારો મુસીબતનો સમય હોય અથવા વ્યક્તિગત ગમ હોય તો તેના નિવારણનો ખરો ઈલાજ ઈબાદત છે.
પરંતુ માત્ર મુશીબતના વખતમાંજ બંદગી કરો તેમ ન હોવું જોઈએ.
સુખના દિવસોમાં પણ ઈબાદત કરવી જોઈએ. કારણ કે તે તમને ઈન્શાનિયતના ગુણો બક્ષશે જે તમારામાં હોવા જોઈએ.
સેંકડો વરસથી અમારા રૂહાની બચ્ચાઓ ઈમામતની રસી દ્વારા દોરવણી મેળવતા રહ્યા છે.
તમોએ સઘળી બાબતોમાં સલાહ અને સહાય માટે જમાનાના ઈમામ તરફ દ્રષ્ટિ કરી છે અને તમારા ઈમામને પોતાના રૂહાની બચ્ચાઓ પ્રત્યે અતિશય પ્રેમ અને વહાલ હોવાથી, એમના નુરથી તમોને એંધાણ મળ્યું છે કે તમારે રૂહાની અને દુન્યવી સંતોષ પ્રાપ્ત કરવા કયાં અને કઈ દિશામાં મોઢું ફેરવવું જોઈએ.
ઈમાન એ મોટામાં મોટી વસ્તું છે રસ્તામાં ધુળ પડી હોય તેની કંઈ કિંમત નથી, તેમ ઈમાન વગરના માણસની કિંમત ધૂળ મીસાલ છે.
મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઈન્સાન ધુળ મિસાલ છે અને તે વિના તેની જિંદગી અર્થ વગરની છે.
ઈમાનવાળા ગરીબ માણસનું જીવન, ઈમાન વગરના ધનવાન કરતા ઘણું જ કિંમતી છે.
અમારા વ્હાલા રૂહાની બચ્ચાઓ એક મુદદ્દો ઘણી જબરી મહત્ત્વતા ધરાવે છે અમો ઈચ્છીએ છીએ કે તમો હંમેશાં એ યાદ રાખો કે તમે તમારી જીંદગી દરમ્યાન જમાતખાનાની હાજરીમાં નિયમીત રહેશો.
તમારી બંદગીઓમાં હંમેશાં નિયમીત રહેશો.
તમારી મઝહબી ફરજોમાં નિયમીત રહેશો એવું અમો ચાહીએ છીએ.
અમે ઈચ્છીએ છીએ કે તમે એમ નહિ સમજતા કે તમે તમારા રસ્તાના [મંઝીલના] આખરી છેડા સુધી પહોંચી ગયા છો.
પણ તમારે એ યાદ રાખવું જોઈએ કે તમે હંમેશાં તે રસ્તાના શરૂઆતના તબક્કામાં છો.
રૂહાની બાબતમાં અમો ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે આપણી જમાતની પ્રણાલીકાઓ તેરસો વરસથી ચાલી આવે છે.
અમો ઈચ્છીએ છીએ કે અમારી જમાત ઈમામતની રસીને મજબુતપણે વળગી રહે.
અમો ઈચ્છીએ છીએ કે તમે આપણી પ્રણાલીકાઓને મજબુત પણે વળગી રહો.
અમો ઈચ્છીએ છીએ કે તમે નિયમીત જમાતખાને હાઝરી આપો અને આપણી જમાતની પ્રણાલીકાઓનું પાલન કરો.
જમાતખાનામાં નિયમિત રીતે હાઝરી આપો. અને નિયમીત રીતે દુઆ બંદગી ગુજારો કારણ કે માત્ર આ એકજ વસ્તું છે કે જે તમને સાચું સુખ આપી શકશે.
તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઉંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ.
અમને લાગે છે કે આપણી યુવાન પ્રજાને ગીનાન શીખવવાની ઈસમાઈલીયા એસોસીએશન ઉપર ખાસ કરીને જે જવાબદારી અને ફરજ છે તેને અંજામ આપશે તોજ આપણી આ અદભુત પ્રણાલીકાઓને આપણે ચાલુ રાખી શકીશું, નહીતર આપણે આપણો અગત્યનો એવો ભુતકાળનો અમુક વારસો ગુમાવી બેસસું કે, જે આપણી જીંદગી પર્યંત અને હવે પછી જનમવાના છે તે અમારા રૂહાની બચ્ચાઓના જીવન માટે અતિ અગત્યનો છે.
સદીઓ થયા જુદા જુદા ઈમામોના વખતમાં મઝહબી રીત રીવાજો એક સરખાજ રહયા છે.
અમો માનીએ છીએ કે અમારી કોમી જીંદગીમાં ફેરફારો થવાજ જોઈએ.
દુન્યવી બાબતો માટે ઈમામ પોતે નિર્ણય લ્યે છે. અને જુદા જુદા વિસ્તારોમાં અમો ફેરફાર કરી રહ્યા છીએ.
પરંતુ અમારે ભારપુર્વક જણાવવું જોઈએ કે એ જરૂરી નથી કે અમારા મઝહબી સિધ્ધાંતોમાં પણ થવા જોઈએ.
અમો તમોને વખતો વખત દુન્યવી બાબતોને લગતા ફરમાનો કરીએ છીએ પણ જે બાબત અગત્યની છે અને હંમેશાં અગત્યની રહેશે તે એ છે કે અમારા રૂહાની બચ્ચાઓએ પોતાના મઝહબનો અર્થ સમજવો જોઈએ.
સદીઓ થયા જુદા જુદા ઈમામોના વખતમાં મઝહબી રીત રીવાજો એક સરખાજ રહ્યા છે.
તેઓએ નિયમીત રીતે પોતાના મઝહબની પાબંદી કરવી જોઈએ પછી તે (૫૦૦) વરસ ભુતકાળમાં હોય કે (૫૦૦) વરસ ભવિષ્યમાં હોય.
અમો ઈચ્છીએ છીએ કે તમે ભુતકાળની જેમ તમારી ઈબાદત બંદગી નિયમીત ગુજારતા રહેજો.
માવિત્રોની એ ખાસ ફરજ રહેશે કે અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મઝહબ શીખવે અમારી જમાતો એ યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી.
તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે એકલી કેળવણીજ પુરતી નથી, તમારામાં શ્રધ્ધા અને મઝહબ માટે પ્રેમ પણ હોવા જોઈએ.
સૌથી વધારે મહત્વની બાબત તમારે એ યાદ રાખવાની છે કે દુન્યવી જીવન એ કાંઈ તમારૂં ધ્યેય નથી.
સૌ પ્રથમ તમારે તમારી મઝહબી ફરજો અને તમારી બંદગીમાં નિયમીત રહેવું જોઈએ.
યાદ રાખો કે તમારી પાસે અહીં (આ દુનિયામાં) જે કંઈ છે તે ટૂંક મુદત માટે છે. તમો આ પુથ્વી ઉપર અમર્યાદિત સમય સુધી રહેવાના નથી.
અમો નથી ઈચ્છતા કે અમારા રૂહાની બચ્ચાઓ એ ભૂલી જાય. કે આ પૃથ્વી ઉપરનું જીવન અનંતતામાનો માત્ર એક ઘણો ટુંકો માર્ગ છે અને તમારે એમ ન માનવું જોઈએ કે તમો અહિં માત્ર એક જ હસ્તી માટે છો ત્યાર પછી તમારે કોઈ હીસાબ આપવાનો નથી.
કોઈ પણ રૂહાની બાળક માટે દુન્યવી બાબતો સર્વોપરી અગત્યતા ધરાવતી નથી, તે ક્યારેય ધરાવશે પણ નહિ,
તમારે એ સમજવું જોઈએ કે આ દુનિયાની અંદર આપણે ઘણા થોડા સમય માટે છીએ.
આ દુનિયાનો જ્યારે આપણે ત્યાગ કરીશું ત્યારે દુન્યવી ઉન્નતિ માટે જે કાંઈ કર્યું હશે તે આપણે આપણી સાથે લઈ જઈ શકશું નહિ.
માટે દુન્યવી વસ્તુંઓ પાછળ અવિચારી બની ભટકવું એ માત્ર નાદાનીજ નહિ પણ મોટી મુર્ખતાજ છે.
જેઓ અમર્યાદીત દૌલત ધરાવે છે પરંતુ તેઓ જાણતા નથી કે તેઓનું આ ધન આવે છે ક્યાંથી ? તેનું મૂલ્ય કેટલું છે ? અને તે શા માટે છે ? વહેવારૂ રીતે પણ જોતાં આ ધનદૌલત આશિર્વાદરૂપ બનવાને બદલે તે વધુ અને વધુ બોજારૂપ બનવાની વલણ ધરાવે છે.
પૈસા અને દુન્યવી નિયામતો એ ખરી ફતેહમંદીથી ઘણાંજ દૂર છે.
એવો સમય આવે કે તમારે ન નિવારી શકાય તેવી લાલચોનો સામનો કરવો પડે, ત્યારે મઝહબના સંપૂર્ણ જ્ઞાન થકી તેની ઉપર વિજય મેળવી શકશો.
તમારા વડીલો એ ક્યારે પણ ન આપી હોય તેવી સલાહ અમો તમોને આપીએ છીએ.
જો તમે ઈલ્મ થકી તમારી જાતને સજાવશો અને તે મુજબ અમલ કરશો. તો તમે ફરિશ્તા બનશો.
આવતી પેઢીઓ દરમ્યાન તમે વધતી જતી ભૌતિક વિપુલતા અને દુન્યવી પ્રવૃત્તિ ધરાવતા એવા જગતમાં જીવી રહ્યા હશો કે જેમાં માનવીના મોટા વર્ગનું બુધ્ધિકૌશલ્ય અને વિચારશક્તિ તમને દુન્યવી લાભો પુરા પાડવા તરફ વળેલા હશે.
કદાચ એક દિવસ અમુક માનવીઓના મનમાં મઝહબના અર્થ અને તેની જરૂરત વિષે કંઇક ગુંચવડો પેદા થશે.
જો અમારા રૂહાની બચ્ચાઓ પોતાના માનસ(mind)ને સર્જાએલાને બદલે સર્જક ગણવા માંડશે, અને તેઓના દુન્યવી સુખચેનને જોતાં તેઓ રૂહાની નમ્રતાને બીન જરૂરી માનવા પ્રેરાય એવી રીતે તેઓ પોતાના જીવનનું ઘડતર કરશે તો અમો તમને હમણા કહી શકીએ છીએ કે સાચા અને વાસ્તવિક સુખ અમારી દુઆ છે કે જેનો તમને અનુભવ થાય તે તમારા હૃદયને કદી સ્પર્શ નહીં કરે.
તમારી આસપાસના દુન્યવી વાતાવરણનું કોઈ પણ ઝડપી પરિવર્તન તમારા માટે અતિશય દુખદાયક, અતિશય ચિંતા કરાવનારૂં અને હતાશા લાવનારૂ બનશે.
તમારે ઠાઠ માઠ ભર્યું કે અમીરી જીવન જીવવું ન જોઈએ. કે જે માત્ર તમને જ નહિ, પણ તમારા બાળકોને અને તમારા કુટુંબને નુકશાન પહોંચાડે છે.
તમો સમજી નહીં શકો કે દુન્યવી લાભોએ તમારા હૃદયમાં માત્ર અસંતોષ અને ભ્રમણા પેદા કર્યા છે.
જો તમે ઈલ્મ થકી તમારી જાતને સજાવશો અને તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો
તમારે તમારી આવકની મર્યાદામાં રહેવું જોઈએ તમારે ઠાઠ માઠથી કે ખર્ચાળ રીતે રહેવું ન જોઈએ. કારણ કે ન તો અમારી જમાતોના હીતમાં છે કે ન તો તમારા બચ્ચાંઓ કે તમારા પૌત્રાઓ કે તમારા પરપૌત્રાઓના હીતમાં છે.
અમે તમોને ભારપૂર્વક ફરમાવીએ છીએ કે તમે સાવચેતીથી, અક્કલ હુશિયારીથી અને કરકસરથી રહો. ખાનાવાદાન.
જો તમે ઈલ્મ થકી તમારી જાતને સજાવશો અને તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો.
તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઉંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ.
આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યારભર્યા દુઆ આશિષો ફરમાવીએ છીએ.
અમોને એ જાણીને અતિશય હર્ષ થયો છે કે જે સ્થળે અમારા દાદાજાનનો જન્મ થયો હતો એ સ્થળે પાકિસ્તાનની જમાતે અમારા માટે એક ઘર ધરાવવાનું શક્ય બનાવ્યું છે.
તમો કોઈ વેળાએ બસમાં અગર બીજે ક્યાંય જઈ રહ્યા હો અને જો તમારા પાસે તસ્બીહ હોય તો અચુક ત્યાંજ અને ત્યારે જ તમારી દુઆ ગુજારી લ્યો અને તેમાં જરાએ અચકાઓ નહીં અથવા શરમાઈને મુલતવી રાખો નહીં.
સાચા સુખની એક માત્ર ખાત્રી પુર્વકની ચાવી છે. તે છે ઈબાદત.
યાદ રાખો જે અમો તમોને અવર નવર દુન્યવી ફાયદા માટે ફરમાન ફરમાવીએ છીએ પરંતુ અમો જોઈએ છીએ કે તમારામાના ઘણા ખરા દુનિયા પાછળ લાગેલા હોય છે અને દુન્યવી પ્રગતિનેજ પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે આવા લોકો અવળે રસ્તે દોરવાઈ ગયેલા છે.
ખરો માર્ગ એ છે કે તમો તમારી બંદગીના વખતને બરાબર સંભાળો અને એકાગ્રતાથી ખરૂં સુખ મેળવો.
તમારે યાદ રાખવું જોઈએ કે ગરીબ કે પૈસાદાર સર્વે માટે બંદગી જરૂરી છે.
તમારી દુકાનો, તમારા મકાનો, તમારી સર્વે ઔલાદ, પૈસા વિગેરે બધું અહીંજ રહી જશે માત્ર તમારો રૂહ એકલોજ જશે. આ બાબત તમે કદી પણ ભુલશો નહિ.
યા અલી મદદ