૧૦૦૦ પવિત્ર ફરમાન મુબારક
રેકોર્ડીંગ - ૨
રેકોર્ડીંગ - ૨
હઝરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું:-
મૌલા મુર્તઝાઅલી નાના હતા, મગર પોતાની જવાન વયે ખયબરનો કિલ્લો ફતેહ કર્યો હતો અને કિલ્લાના દરવાજાને ખાઈ ઉપર પકડી રાખી સઘળા લશ્કરને તેના ઉપરથી પસાર કરાવ્યું અને જીબરા નામના કાફરને મારી નાખ્યો હતો.
આગા અલીશાહ અને અમારા દાદા તથા તેઓના વડવાઓમાં એકજ “અલીનું નુર” હતું અને અમારામાં પણ તેજ નુર ઉતરી આવેલું છે. અમે તેમના ગાદી વારસ છીએ.
નુર હંમેશાં હાઝર નાઝર છે, ફક્ત નામો જુદા જુદા હોય છે.
મૌલા મુર્તઝાઅલીની ગાદી કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે.
"ઉમર ઇબ્ને અબ્દે વદ કાફર હતો! તે મૌલા મુર્તઝાઅલી સામે ઘોડા ઉપર સવાર થઈ લડવા માટે આવ્યો હતો. મૌલા મુર્તઝાઅલી, તે કાફરથી કદમા ઘણા નાના હોવાથી, તેને શરમ લાગી અને તે ઘોડા ઉપરથી નીચે ઉતરી, મૌલા મુર્તઝાઅલી પાસે આવ્યો, છતાં પણ તે કાફર મૌલા મુર્તઝાઅલીથી ઉંચોં દેખાતો હતો.
(હ.) ઉમરે, પયગમ્બર પાસે અરજ કરી કે, યા રસુલિલ્લાહ ! તેની સાથે આપણને લડાઈ કરવી વાજબ નથી, કારણ કે, તે કાફર ઘણો જોરાવર છે. એક વખત મેં તેની લડાઈ જોઈ હતી, ત્યારે તેની પાસે ઢાલ પણ નહિ હતી. આ વખતે ઢાલને બદલે, એક ઊંટ ઉભો હતો તેને પકડી, તે ઊંટની ઢાલ બનાવી લડયો હતો.
તે કેટલો જોરાવર અને બહાદુર હશે ? તે કેટલો જોરાવર અને બહાદુર હશે કે જેણે ઊંટના ચાર પગ પકડી તેની ઢાલ બનાવી. ઊંટને પકડવો મુશ્કેલ છે. જ્યારે તેણે ઊંટને પકડયો ત્યારે તેનામાં કેટલી કુવ્વત હશે? એવો જોરાવર હોવા છતાં, મૌલા મુર્તઝાઅલીએ તે કાફરના એક જ ઝટકે બે ટુકડા કરી નાખ્યા.
જે વખતે હ. ખિઝર, હ. મુસા સાથે વાતો કરતા હતા તે વખતે એક પક્ષી આવ્યું અને દરિયામાંથી ચાંચ ભરી ચાલ્યું ગયું. તે સમયે હ.મુસાને હ. ખિઝરે કહ્યું કે, તમોએ તે પક્ષીને દરિયામાંથી ચાંચ ભરી ચાલ્યા જતાં જોયું? હવે જુઓ. આ દરિયામાંથી કાંઈ ઓછું થયું?
આ દરીયો છે તે મુર્તઝાઅલી છે; તેમાંથી પક્ષી ચાંચ ભરી ગયું તેથી શું આ દરીયો ઓછો થઈ ગયો? જુઓ, આમાંથી કંઈ ઘટયું પણ નથી અને કાંઈ ખલાસ પણ થયું નથી.
તેવી રીતે મૌલા મુર્તઝાઅલી છે તે ઈલ્મનો દરીયા છે, તેમાંથી જે કોઈ ઈલ્મ મેળવે છે તો તેમાંથી કાંઈ પણ ખલાસ થતું નથી.
એક વખત, મુસા પયગમ્બર “કોહે તુર” ઉપર ખુદાના દિદાર કરવા ગયા અને અરજ કરી કે, ખુદા યા ! તમારા દિદાર કરાવો.
ત્યારે હુકમ થયો કે, તું પહેલાં મુર્તઝાઅલીના નુરના દિદાર કર, પછી મારા દિદાર કરી શકીશ. તે વખતે મુર્તઝાઅલી બાતુનમાં હતા.
મુર્તઝાઅલી મોજીઝા કરતા હતા.
નબી મોહમ્મદની અગાઉ, મૌલા મુર્તઝાઅલી કુલ્લ નબીયોની સાથે બાતુનમાં હતા અને હ. નબી મોહમ્મદ મુસ્તફાના વખતમાં જાહેરમાં ભેગા હતા.
અસલ કાંઈ નહિ હતું ત્યારે મુર્તઝાઅલીએ નાનુ રૂપ ધારણ કર્યું હતું.
એક વખત એક કદાવર અને જોરાવર દેવ (રાક્ષસ) હતો તે જેને જોતો તેને મારી નાખતો અને લોકોને બહુ સતાવતો હતો.
એક દિવસ, નવ વર્ષની બાળવયમાં મૌલા મુર્તઝાઅલી ચાલ્યા આવતા હતા. રસ્તામાં આ દેવને જોઈને પુછયું, ક્યાં જાય છે ? ત્યારે દેવે કહ્યું કે પહેલવાનો સાથે કુસ્તી લડવા જાઉં છું. ત્યારે મુર્તઝાઅલીએ ફરમાવ્યું કે, આવ, મારી સાથે કુસ્તી લડ. ત્યારે દેવે મુર્તઝાઅલીની નાની ઉંમર જોઈ જવાબ આપ્યો કે તારા સાથે શું કુસ્તી લડું ? તું બચ્ચું છો ! હું તો મોટા મોટા પહેલવાનો સાથે કુસ્તી લડું છું. ત્યારે મુર્તઝાઅલીએ ફરમાવ્યું કે, જોઉં તારા હાથમાં કેટલી તાકાત છે ! પછી તેનો એક હાથ પકડી તેના ઉપર એટલું બધું જોર આપ્યું કે તે દેવની સઘળી તાકાત ખલાસ થઈ ગઈ અને બીજો હાથ પાછળથી પકડી, ખજુરીના ઝાડના રેસાથી બન્ને હાથ બાંધી દીધા અને ફરમાવ્યું કે, તું તો કહેતો હતો કે મોટા મોટા પહેલવાનો સાથે કુસ્તી લડું છું, પણ તારામાં આટલું પણ જોર નથી. આમ ફરમાવી મુર્તઝાઅલી તેની નજર આગળથી અદ્રષ્ય થઈ ગયા. આ જોઈ તે દેવ અહિંથી તહિં હાથ છોડાવવા માટે દોડા દોડ કરવા લાગ્યો પણ કોઈ તેના હાથ છોડી શક્યું નહિ.
દુનિયામાં જેટલા પયગમ્બરો જાહેર થતા હતા, તેઓની પાસે આ દેવ, પોતાના હાથ છોડાવવા જતો હતો, ત્યારે જવાબમાં તેને એજ કહેવામાં આવતું કે જેણે તારા હાથ બાંધ્યા છે તેજ છોડી શકશે.
જ્યારે આખર જમાનામાં, પયગમ્બર નબી મોહમ્મદ મુસ્તફા દુનિયામાં જાહેર થયા ત્યારે તે દેવે તેમની પાસે આવીને અરજ કરી કે યા નબી સાહેબ ! મારા હાથ છોડી આપો? ત્યારે પયગમ્બર સાહેબે ફરમાવ્યું કે તારા હાથ કોણે બાંધ્યા છે ? ત્યારે દેવે બનેલી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે દરેક જમાનાના પયગમ્બર પાસે ગયો પણ તેઓએ આપની પાસે જવા કહ્યું અને કહ્યું કે જેણે આ હાથ બાંધ્યા છે તેજ તેને છોડી શકશે. આ બનાવને હઝારો વર્ષ વીતી ગયા છે અને હવે હું આપની પાસે આવ્યો છું.
આ સાંભળી નબી સાહેબે ફરમાવ્યું કે જેણે તારા હાથ બાંધ્યા છે તેને જોવાથી તું ઓળખીશ ? ત્યારે તે દેવે જવાબમાં 'હા' કહી અને તેના હાથ બાંધનારની સુરતનું વર્ણન કહી સંભળાવ્યું.
ત્યારે પયગમ્બર સાહેબે મૌલા મુર્તઝાઅલીને બોલાવી લાવવા ફરમાવ્યું.
મૌલા મુર્તઝાઅલી તે સમયે નવ વર્ષની ઉમરના હતા. તેઓ ગુલામના ખંભા ઉપર બેસીને પધાર્યા.
મૌલા મુર્તઝાઅલીને જોઈ તે દેવ ધ્રૂજવા લાગ્યો અને કહ્યું કે આ તેજ બાળક છે કે જેણે મારા હાથ બાંધ્યા હતા.
પછી પયગમ્બર સાહેબે મૌલા મુર્તઝાઅલીને અરજ કરી કે, આ દેવના હાથ છોડી નાખો અને મુર્તઝાઅલીએ તે દેવના હાથ છોડી નાખ્યા.
આ બનાવથી દેવને ઈમાન આવ્યું અને તે મુસલમાન થઈ મુર્તઝાઅલીનો મુરીદ થયો.
એક વખત હ. અમીરૂલ મોમનીન મૌલા મુર્તઝાઅલી “ફુરાત” નદીના કીનારે ગયા; અને ઘોડા ઉપર સવાર થઈ “અલી અલ્લાહ” માનનારી કોમ પાસે પહોંચ્યા તે "અલી અલ્લાહ” માનનારી કોમ એવી છે, જે મુર્તઝાઅલીને ખુદા સમજે છે. તે કોમના એક માણસને પોતા પાસે બોલાવીને ફરમાવ્યું કે, શું તું અલી અલ્લાહ કહે છે ? તેણે કહ્યું કે, “મને ભરોસો છે આપ ખુદા છો !" પછી મૌલા મુર્તઝાઅલીએ તેનું માથું કાપી નાખી; મારીને પાછો જીવતો કરીને ફરમાવ્યું કે તું મને અલી અલ્લાહ શા માટે કહે છે ? ત્યારે તે માણસે જવાબમાં અરજ કરી કે, આપે મને મારી નાખી. ફરી જીવતો કર્યો, જેથી હવે મને જે કંઈ શક હતો તે નીકળી ગયો છે. આપ સહી “અલી અલ્લાહ” છો.
મુર્તઝાઅલીએ હુકમ કર્યો કે, આ શખ્સને ડુંગર ઉપર લઈ જઈ કટકા થાય એવી રીતે ફેંકી દીઓ. ત્યારે તેને તેવી રીતે ફેંકી દેવામાં આવ્યો. બાદ તેને ફરી સજીવન કરી મૌલા મુર્તઝાઅલીએ ફરમાવ્યું કે, તું અલી અલ્લાહ હજી બોલે છે? ત્યારે તેણે આધિનતાથી જવાબ આપ્યો કે, જે કટકા કરી, મારીને સજીવન કરે, તેના ઉપર મારૂં ઈમાન વધ્યું છે.
આવી રીતે, અનેક રીતે અને અનેક વખતે તેને મારીને જીવતો કરવામાં આવ્યો અને હરવખતે પુછવામાં આવ્યું કે, હજી પણ અલી અલ્લાહ કહે છે ? જવાબમાં તે હર વખત એમજ કહેતો હતો કે, આપ સહી અલ્લાહ છો. જે મારીને જીવતો કરે તેને અલ્લાહ કહેવો.
“ઈમાન અમુલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હ. મૌલા મુર્તઝાઅલીને મોમન નુસેરી “અલ્લાહ” કહેતો હતો, તેને ૭૦ વખત કતલ કરવામાં આવ્યો પણ તેણે “અલી અલ્લાહ” કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે, અને એની ઔલાદ પણ એવી સચ્ચાઈવાળી થશે. આ મોમન અને એની ઔલાદને ક્યામતમાં પુછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો.”
“મુર્તઝાઅલીની પાસે સફાન ઈબ્ને અક્લ નામના એક માણસે આવી અરજ કરી કે, યા મૌલા ! હું તમારા દોસ્તમાંથી એક છું; પરંતુ, મારાથી ઘણા મોટા ગુન્હા થયા છે. તેની મને સજા કરો તો, હું આખરતના અઝાબથી છુટું.
મુર્તઝાઅલીએ ફરમાવ્યું કે, તેં કેવા ગુન્હા કર્યા છે અને તારા ગુન્હા કેવા છે તેનું તું બયાન કર ? ત્યારે તે શખ્સે પોતાના કરેલા ગુન્હાઓનું વર્ણન કર્યું.
જ્યારે તે શખ્સે, પોતાના કરેલા ગુન્હા જાહેર કર્યા ત્યારે મુર્તઝાઅલીએ ફરમાવ્યું કે, તારા ગુન્હા એવા છે કે, કાંતો તને ભીંતમાં ચણાવીને મારી નાખું, યા તો તને ઝુલ્ફિકારથી મારૂં અથવા તને આગમાં બાળીને મારૂં ત્યારે તું છુટે. માટે હવે તુંજ કહે કે; તારૂં દિલ કેવી સજા ભોગવવા રાજી છે ? તો તે પ્રમાણે તને સજા કરૂં. ત્યારે તે શખ્સે અરજ કરી કે, મને આગમાં બાળો !
ત્યારે મૌલા મુર્તઝાઅલીએ અમાર ઇબ્ને આસરને ફરમાવ્યું કે, આવતી કાલે સઘળા માણસોને ભેળા કરજો અને લાકડા પણ ભેગા કરજો અને ગામના સઘળા માણસોને કહેજો કે, મુર્તઝાઅલી પોતાના દોસ્તને, તેના કરેલા ગુન્હાની સજા કરે છે, યાને બાળે છે. તે તમે આવીને જુઓ કે, મુર્તઝાઅલી પોતાના દોસ્તને કેવી સજા કરે છે ?
પાછળથી કેટલાક માણસો મુર્તઝાઅલીની ગિબત કરવા લાગ્યા અને એક બીજાને કહેવા લાગ્યા કે, મુર્તઝાઅલી તો કહેતા હતા કે, મારા જે દોસ્ત છે તેને આગ અસર નથી કરતી.
પરંતુ, સવારે તો તેનો દોસ્ત બળશે; જ્યારે તે બળી રહેશે ત્યારે આપણે મૌલાને કહેશું યાને મહેણું મારશું કે: તમે તો કહેતા હતા કે, મારા દોસ્તને આગ અસર નથી કરતી; તો આ તમારો દોસ્ત કેમ બળી ગયો. આવી રીતે પાછળથી ગિબત કરવા લાગ્યા.
જ્યારે સવારમાં સફાનને તેડી આવ્યા ત્યારે, બીજા લોકો, જે પાછળથી ગિબત કરવાવાળા હતા તેઓ પણ ત્યાં આવીને ઉભા રહ્યા.
જ્યારે સફાનને લાકડામાં ઉભો રાખી આગ સળગાવવામાં આવી ત્યારે, આગે તેને કંઈપણ અસર કરી નહિ.”
અલ હમ્દોલિલ્લાહ ! તમે પણ અમીરૂલ મોમનીન મુર્તઝાઅલીના દોસ્ત છો, જેથી, તમને પણ આગ અસર નહિ કરે.
પરંતુ તે દોસ્ત હતો તે દિલથી હતો. ફક્ત નામનો તે દોસ્ત નહિ હતો; માટે તમે ખાલી નામના ખાતર દોસ્ત નહિ કહેવડાવો, પણ દિલથી દોસ્ત થાઓ. જો દીલથી દોસ્ત થશો તો, તમને પણ આગ અસર નહિ કરે. જ્યારે તમે ચોકસાઈ કરી, દિલથી દોસ્ત થશો ત્યારે તે મર્તબો તમને મળશે.
જ્યારે નબી મોહમ્મદ મુસ્તફા, આખરી હજ યાને છેલ્લી હજ કરવા ગયા, અને હજ કરીને જ્યારે પાછા વળ્યા, ત્યારે અડધે રસ્તે 'ગદીરે ખુમ' નામની જગ્યાએ આવ્યા. એ વખતે આગળ ગયેલા તેમજ પાછળ રહેલા કાફલાના માણસો પણ ત્યાં ભેળા થયા.
હઝરત નબી મોહમ્મદ મુસ્તફાએ તેઓને ફરમાવ્યું કે, હવે અમારો આખરી વખત નજીક છે, યાને હવે અમે થોડા દિવસ આ દુનિયામાં છીએ, માટે તમોને ફરમાવીએ છીએ કે, આજ દિવસ સુધીમાં, ખુદાના જેટલા ફરમાનો થયા હતા તે બધા અમોએ સાચા કહી સંભળાવ્યા છે. આ વાત સાચી છે કે નહિ તે તમે અમને કહો ?
ત્યારે, સઘળા માણસો કહેવા લાગ્યા કે, હા ! તમોએ ખુદાના સઘળા ફરમાનો અમને સંભળાવ્યા છે.
પયગમ્બરે ફરમાવ્યું કે, તમે ખુદા પાસે એ વિષે અમારી શાહીદી પુરશો યાને ગવાહી આપશો કે, અમોએ ખુદાના સાચા ફરમાનો તમને સંભળાવ્યા.
ત્યારે, સઘળા માણસો કહેવા લાગ્યા કે, હા ! અમો ખુદા પાસે ગવાહી આપશું કે, તમોએ બધા ફરમાનો અમને સંભળાવ્યા છે.
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
આ હદીસને સુન્નીઓ પણ કબુલ રાખે છે. આ હદીસ સુન્નીની લખેલી છે. ઝહોરા નામનો એક સુન્ની જે મોટો કાબેલ હતો, તેના હાથથી આ હદીસ લખાએલી છે; તે અમે તમને સંભળાવીએ છીએ.
પયગમ્બરે ફરમાવ્યું કે, અમે તમારા પયગમ્બર હતા એવી ગવાહી તમે આપશો ? ત્યારે તેઓએ કહ્યું કે, બરહક, તમે અમારા પયગમ્બર હતા, તેની ગવાહી આપશું.
પયગમ્બરે ફરમાવ્યું કે, અમે પણ ગવાહી આપીએ છીએ કે, અમે તમારા પયગમ્બર છીએ અને ખુદાવંદ આલમીને, અમને તમારા ઉપર પયગમ્બર કરીને મોકલ્યા છે.
ત્યાર બાદ પયગમ્બરે ફરમાવ્યું કે, અમારી પાછળ બે ચીજો અમે મુકી જઈએ છીએ; તે બન્ને ચીજો કયામત સુધી ચાલુ રહેશે અને હોજે કૌસર સુધી સાથે રહેશે.
પયગમ્બરે ફરમાવ્યું કે, તે બન્ને ચીજો કઈ છે ? એક તો અમારી આલ-જાંનશીન છે, અને બીજી ચીજ કુરઆન છે. આ બન્ને ચીજો કયામત સુધી હંમેશાં ચાલુ રહેશે અને હોજે કૌસર સુધી સાથે રહેશે.
નબી મોહમ્મદ મુસ્તફાએ તે વખતે હઝરત અલીનો હાથ પકડીને સઘળા માણસોને ફરમાવ્યું કે, અમારા પછી અમારો જાંનશીન મુર્તઝાઅલી છે. જે કોઈ મુર્તઝાઅલીથી મહોબ્બત રાખશે, તે મુર્તઝાઅલી સાથે હોજે કૌસર સુધી હંમેશાં ત્યાં સાથે રહેશે.
“ત્યાર બાદ પયગમ્બરે તેઓને ફરમાવ્યું કે અમારા જાંનશીન અને વસી, મુર્તઝાઅલીને તમારા ઉપર નીમી જાઉં છું. તેની તમે ખુદા પાસે ગવાહી આપજો કે, અમે મુર્તઝાઅલીને અમારો વસી નીમી ગયા હતા અને તમારા ઉપર મુકી ગયા હતા.
તેઓએ કહ્યું કે, અલબત, અમે ગવાહી આપશું અને કબુલ કરશું કે, તમે અમારા ઉપર મુર્તઝાઅલીને તમારા વસી તરીકે નીમી ગયા હતા.
એ વખતે મુર્તઝાઅલીના બન્ને હાથ પકડી ઉભા કરીને પયગમ્બરે ફરમાવ્યું કે, અમે ખુદાના રસુલ છીએ અને અમારો વસી તે મૌલા અલી છે. જેના અમે મૌલા છીએ, તેના અલી મૌલા છે.
પયગમ્બરે ફરમાવ્યું કે, તમે કબુલ કરજો અને ખુદા પાસે ગવાહી પુરજો ! તે વખતે સઘળા લોકો કબુલ થયા.
સહુથી પહેલ વહેલા ઉમર ઈબ્ને ખિતાબ ઉભા થયા અને મૌલા મુર્તઝાઅલીને કહ્યું કે, “બકન ! બકન ! યા અલી ઈબ્ને અબુ તાલીબ તમને મુબારકી છે ! “આમ કહી પંજો લઈ કબુલાત આપી. ત્યાર પછી સઘળા માણસોએ કબુલાત આપી.”
પયગમ્બર અને મૌલા મુર્તઝાઅલી ત્યાંથી પોતાને મકાને આવ્યા. ત્યાં એક અરબ, ઈબ્રાહીમ ઇબ્ને હારસ નામનો રહેતો હતો; જે મોટો માણસ હતો, તેને ‘ગદીરે ખુમ’માં બનેલી બીનાની ખબર પડતાં, તે પોતાને મકાનેથી ઊંટ ઉપર બેસીને પયગમ્બર પાસે આવ્યો અને કહ્યું કે, તમોએ અમને ખુદાના જે ફરમાનો સંભળાવ્યા અને તેની ગવાહી પુરવા અમને કહ્યું; જેથી અમોએ કબુલ કર્યું કે તમે સાચા છો.”
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
“પછી તે અરબે રસુલિલ્લાહને કહ્યું કે, તમોએ અમને ફરમાવ્યું કે, ખુદાવંદતઆલાએ તમને નમાઝ પડવા માટે ફરમાવ્યું છે, તે ફરમાન અમોએ કબુલ કર્યું અને તમોએ તે સાચેસાચું કહ્યું હતું. ત્યાર બાદ તમોએ અમને રોજા માટે ફરમાવ્યું અને તે પણ, તમોએ કહ્યું કે આ સાચા ફરમાન છે; તે પણ, અમોએ કબુલ કર્યા. ત્યારપછી તમોએ ફરમાવ્યું કે, જકાત આપવી યાને ખુમસ આપવી. તે પણ તમોએ સાચું કહ્યું અને અમે કબુલ થયા. ફરીથી તમોએ હજના માટે ફરમાન કર્યા તે પણ તમોએ સાચા કહ્યા જેથી અમે કબુલ થયા.
આટ આટલું કરવા છતાં, તમને સંતોષ ન થયો અને અમારા ઉપર ભાર નાખી જાઓ છો; અને તમારા કાકાના ફરઝંદને અમારા ઉપર મૌલા કરીને નીમી જાઓ છો.
તે અરબે કહ્યું કે, આ તમારા કાકાના ફરઝંદ અલીનો ભાર અમને સોંપી જાઓ છો, તે શું તમને ખુદાનો હુકમ છે? કે તમારા પોતાના ખ્યાલથી તમારા કાકાના ફરઝંદને સોંપી જાઓ છો?
ત્યારે પયગમ્બર મોહમ્મદ મુસ્તફાએ ફરમાવ્યું કે, ખુદાના હુકમ વગર અમે એક પણ કામ કરતાં નથી અને ખુદાના હુકમ વગર અમે જરા જેટલું પણ બોલતા નથી.
ત્યારે તે અરબ ઊંટ ઉપર સવાર થઇને ચાલ્યો ગયો. તે વખતે તે, ઘણા ગુસ્સામાં હતો. રસ્તામાં ચાલતાં ચાલતાં, ગુસ્સામાં ખુદાને કહ્યું કે, યા ખુદા ! અગર તેં અમારા ઉપર મુર્તઝાઅલીને નીમી જવાનું ફરમાન પયગમ્બરને કર્યું હોય, તો તે કરતાં, અમારા ઉપર પત્થરનો વરસાદ વર્ષાવ; તો તે સહન કરવા માટે અમે ખુશી છીએ.”
મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
“તેજ વખતે આસમાનમાંથી એક પત્થર તે અરબ ઉપર પડયો, જેથી, તે જહન્નમમાં દાખલ થયો.”
જો વગર ઈમામે આ દુનિયા ચાલે તેવું હોત તો, હ. મુરતઝા અલી પોતાને હાથે પોતાની ગાદીના વારસ મુકરર કરી જતેજ નહિ.
જેમ આગા શાહ હસનઅલી અને આગા અલીશાહ દાતાર હતા, તેમ અમે ઈમામ રૂપે તમારી પાસે છીએ. તમે હંમેશાં દીનની કીતાબો પડશો તો માલમ પડશે કે, ઈમામની ગાદી હંમેશાં કાયમ અને દાયમ ચાલતી આવે છે. ફરમાન તથા ગીનાન વાંચવાનો અભ્યાસ તમે નહિ રાખો તો શેતાન ફરેબ આપશે અને દીનમાં મુસ્તકીમ નહિ રહી શકશો.
તમે પણ અમારા મુરીદો છો. ધર્મ પાળવામાં તમને અહીં ઘણી જ સગવડ છે, ત્યારે તમે બીજા ધર્મવાળાને આ ધર્મમાં લાવવાને શા માટે મહેનત લેતા નથી? તમે તો ઉલ્ટા તે લોકોની શેતાનની બાજીમાં ફસાઈ પડો છો. આમ બનવાનું કારણ એ છે કે, તમારામાં તે હિંમત અને ઈલમ નથી. તમે બેઈલમ તથા બે હિંમત છો, તેથી તમે શેતાનની બાજી ખાઈ જાઓ છો. જો તમારામાં જોઈતું ઈલમ તથા જોઈતી હિંમત હોય, તો તમે પણ સામા આવતા શેતાનને નસાડી શકો.
કોઈ ઈશ્નાઅશરી અથવા બીજા કોઈ દીનવાળો, તમને ફરેબ દેવા આવે તો એકદમ તમે તેને બંધ કરી શકો.
આ ધર્મ પાળવામાં હિંમત એ મુખ્ય ચીજ છે.
હિંમત રાખવાથી, તમે મહાન કામ કરી શકશો. બીજું એ કે, જો તમને પુરતું ઈલમ હોય, તો તમને ફેરવવા આવનાર બીજા દીનવાળાને બંધ કરવા એક જ શબ્દ પુરતો છે. તે શબ્દ એ છે કે, તમે તેમને પુછો કે, તમારો ઈમામ કોણ છે ? અને તે ક્યાં છે ? તમારા ઈમામનો રસ્તો બતાવો. તો તેઓ એમ કહેશે કે, અમારો ઈમામ તો જીવતો છે, પણ તે ગેબ થઈ ગયો છે તો ફરીથી તેમને પુછો તમારો ઈમામ ગેબ થઈ ગયો છે તો તે શું ઈન્સાન જાતથી ડરે છે ? શું તેને માણસોનો ડર છે કે માણસો તેને મારી નાખશે ? કયા કારણથી ઈમામ ગેબ છે ? તે સમજાવો. ઈમામ તો ગેબ થતો જ નથી, ત્યારે તેઓ કારણ શું સમજાવી શકશે ? અને તમારા સવાલનો શું જવાબ આપી શકશે ? તરત તેઓ આ સવાલથી બંધ થઈ જશે.
ત્યાર બાદ તમે તેને કહો કે, ઈમામ તો ઈન્સાનને આ દુનિયામાંથી તારનાર છે તે જો તમને છોડી ને ભાગી જાય અથવા ગેબ થઈ જાય, તો તમને શી રીતે પાર ઉતારી શકશે ? તમારો ઈમામ જ તમને રઝળતા મુકીને, નાશી જાય એ કેમ બને ? તમે તેના મુરીદ થયા, તો તમારો મુરશીદ તમને છોડીને ગેબ થઈ જાય, એ બનવા જોગ નથી; એ નહિ માનવા જેવી વાત છે. જો ઈમામ ગેબ થઈ જાય, તો પછી તમે મુરીદ કોના ? તમે હાઝર ઈમામના મુરીદ, કે ગેબ ઈમામના મુરીદ ? ઈમામ ગેબ થવાની તમારી વાત માની શકાય તેવી નથી. તમે તમારા ઈમામને શોધી કાઢો.
આ દુનિયામાં ઈમામનું કામ એજ છે કે, હાજર રહી વખતો વખત પોતાના મુરીદોના લાભ માટે બોધ આપવો તેમને સારે રસ્તે ચલાવવા અને ઈમામત બરાબર સાચવવી.
હ. નબી મહમદ સરખા પયગમ્બર પહેલવહેલા આ દુનિયામાં આવ્યા હતા, તે પણ કહેતા હતા કે, દુનિયાની નબુવત મારી પાસે છે. હું' પયગમ્બર છું, એમ જાહેર રીતે કહેતા હતા. તેઓ ઈન્સાનથી ડરતા નહિ હતા. તેઓએ જાહેરમાં ઘણા મોજીજા દુનિયાને દેખાડયા. તેઓ ઈન્સાન જાતથી કોઈ પણ રીતે ડરતા નહિ હતા. તેઓ જો એવા જાહેર મોજીજા નહિ દેખાડત તો તે વખતની દુનિયા તેમને નબી કરીને કેમ માનત અને નબી તરીકે તેમને કેમ કબુલ કરત ? તમે જાણો છો તેમ હ. નબી મહંમદનું નામ સહુ કોઈ જાણે છે. જ્યારે તેઓને નબુવત મળી ત્યાર પછી ડર કોનો હોય?
કરબલાના મેદાનમાં હ. ઈમામ હુસેન સામે મોટું જંગ કરવામા આવ્યું, તે વખતે તેઓ હજારો માણસોની સામે એકલા લડયા હતા. દુશ્મનો તરફનો ઝુલ્મ તથા મહા દુઃખ સહન કરવા છતાં પણ કહેતા હતા કે, હું ઈમામ છું, આવા સંકટો વખતે પણ તેઓ ગેબ થયા નહિ. પણ ફક્ત એક લાકડી લઈને દુશ્મનોની સામે આગળ અને આગળ જંગમાં ધસી ગયા હતા, તે વખતે તેઓએ પોતાની ઈમામત છુપાવી નહિ, જો ઈમામનો જોમો હાઝર ન હોય તો સર્વે કાફર થઈ જાય.
હ. ઈમામ હુસેનની લાકડી (ગાદી) હાલ અમારી પાસે છે અમે પોતેજ ઈમામ હુસેન છીએ. તમે જુઓ છો કે, આજે પણ એક લાકડી હાથમાં રાખીને, અમે જ્યાં ત્યાં ફરીયે છીએ કારણ કે, અમે પોતે ઈમામ છીએ. અમને કાંઇપણ બીક નથી. ઈમામ હાઝર જ છે અને તેઓના ઉપર દુઃખ પડે, તે છતાં ગેબ થઇ જતા નથી. આ બાબતની સાબિતીના દાખલામાં દુર જવુ પડે તેમ નથી.
જુઓ, અમારા દાદા શાહ હસનઅલી દાતારને તમે કેટલાકોએ દીઠા હશે. તેમના દિદાર પણ કર્યા હશે. તેમના ઉપર કેવો કેવો સિતમ ગુજારવામાં આવ્યો હતો ? તેઓએ કેવી કેવી મુશ્કેલીઓ ભોગવી હતી ? પોતાની સાથે એક લાકડી સિવાય બીજું કાંઇ પણ નહિ રાખ્યું ઈરાન દેશમાં મરહુમ શાહ ફતેહઅલીની સામે લડાઈ કરી હતી અને દુઃખ ભોગવતા ભોગવતા આખરે હિંદુસ્તાનમાં પધાર્યા હતા, તેમ છતાં પણ તેઓ ગેબ થયા નહિ. ઈરાનમાં તેઓ ઉપર એટલી હાડમારીઓ, પડી કે, તેમની પાસે કાંઈપણ ચીજ રહી નહિ; એટલે સુધી કે, તેઓને ઉભા રહેવાની જગ્યા પણ મળી નહિ, ત્યારે તે દેશ છોડી, આ હિંદુસ્તાનમાં પધાર્યાં, પણ ગેબ થયા નહિ. પોતા ઉપર પડેલા સર્વે દુઃખો સહન કર્યા, પણ ગેબ થયા નહિ.
જુઓ, ઈમામ હુસેનની ચુમાલીસમી પેઢીએ, “શાહ ખલીલલુલ્લાહ,” શાહ હસનઅલીના પિતા, ઈમામના જોમામા હતા. તેમના દિદાર હમણાં જેઓ એંશી વરસથી વધારે ઉમરના હશે, તેઓએ કીધા હશે. જાહેર રીતે તો શાહ ખલીલલુલ્લાહના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. જો તેઓને ગેબ થઈ જવું હોત, તો તે વખતેજ ગેબ થઈ જાત અને આવું દુઃખ સહન કરતેજ નહિ. ઈમામ થયા તો તેમનાથી એમ થાયજ નહિ. વળી તેઓએ એમ પણ નહિ કહ્યું કે, અમે હવે ગેબ થઈ જઈએ છીએ, કારણકે અમારા ઉપર ઘણું દુ:ખ પડયું છે.
હવે જ્યારે ઈશનાઅશરી લોકો કહે છે કે, ઈમામ દીનના જંગમાંથી યાને લડાઈના મેદાનમાંથી નાસી ગયા છે અને ગેબ થઈ ગયા છે, એ શી રીતે માની શકાય ? તમે ખ્યાલ કરો કે, જ્યારે ઈમામ થઈને દીનની લડાઈમાંથી નાસી જાય અને દીનની ખાતર ઉભો ન રહે ત્યારે દીનના કામમાં શી રીતે મદદ કરી શકે ? તમારો બચાવ પણ શી કરી શકે ? અને તમને બહેશ્તમાં શી રીતે લઈ જઈ શકે ? તેનામાં ધર્મને માટે ઈમામપણાની હિંમત ન હોય અને ઈમામપણાની હિંમત જાહેરમાં બતાવે નહીં, તો તે મુરુદોના કામ શી રીતે પાર પાડી શકે ?
આ ઉપરથી તમને ખાતરી થશે કે , ઈમામ આ દુનિયામાંથી ગેબ થયા જ નથી. ઈમામ ગેબ થઈ શકે જ નહીં. ઘણી તાજુબીની વાત છે કે ઈશનાઅશરીઓ કહે છે કે અમારો ઈમામ તો ગેબ થઈ ગયો છે. કોઈ ઈમામ એમ નથી કહી ગયા કે, અમે હવે ગેબ થઈ જઈએ છીએ.
તમે તમારા દિલ સાથે ચોકસી કરો અને શેતાનની બાજી ખાઓ નહિ. તમને ફેરવવા આવે તેને સામો જવાબ આપી, તમારા દીનમાં મુસ્તકીમ રહો.
જેઓ ઈશનાઅશરીઓમાં જાય છે તે મઝહબ અમારો નથી. તેઓ અમને ઓળખતા નથી. ત્યાં જઈને ભુલ નહિ ખાતા. તેઓ મોઢેથી કહે છે, "ઈમામ દુનિયામાં હાઝર કાયમ જોઈએ" ઈમામ વગર દુનિયા ખાલી નથી, ઈમામ દુનિયા ઉપર જરૂર જોઈએ, પણ તેઓ સમજતા નથી. તેઓ એક બાજુ નબીની આલની તારીફ કરે છે અને બીજી બાજુ કહે છે કે ઈમામ બાર સિવાય બીજો ઈમામ નથી.
તેઓ એટલું પણ સમજતા નથી - વિચાર કરતા નથી કે ૧૦૦૦ થી ૧૨૦૦ વર્ષ થયા શું ઈમામ ત્યાં બેસી રહ્યા હશે ?
તેઓ ઈમામને “સાહેબે ઝમાન” તરીકે તો સંબોધે છે; પણ તેઓ તેનો અર્થ નથી સમજતા, અને જ્યારે તે ઈમામ જગતમાં મૌજુદ નથી તો પછી તેને “સાહેબે ઝમાન”નો લકબ કેમ આપી શકાય ?
ઈમામ દુનિયામાં મૌજુદ હોવોજ જોઈએ. દુનિયાનો આધાર ઈમામ છે.
યા અલી મદદ