Ilm Majalis Logo

ILM MAJALIS

વજ હે દીન - દીનનો ચહેરો

રેકોર્ડીંગ - ૧

રેકોર્ડીંગ - ૧

0:000:00

પ્રકરણ - ૧ થી ૧૦.

(પેજ-૭) હકના ઈમામ તે જ હોય શકે કે જેના ફરઝંદો પણ ઈમામ હોય અને જેની વંશાવળી (ક્યામત સુધી) કદી તુટે નહીં. આથી ઉલટું ખોટા ઈમામનો વંશ કદી પણ કાયમ રહેતો નથી. તેમજ તેઓનો દાવો પણ ખોટો સાબિત થાય છે.

જેમ કુરઆનમાં કહેવાયું છે:

અય મુહમ્મદ ! અમે તને કવસર ભેટ આપી. તમારા પરવરદિગારના માટે તમે નમાઝ પઢો અને કુરબાની આપો. બેશક તમારા દુશ્મનો નિર્વશ રહેશે.

(૧૨) બધાજ અરબોએ મોહમ્મદ (સ.અ.વ)ને ખુદાના પયગમ્બર ગણેલા હતા. અને કહ્યું હતું કે અમે બધા મુમિન છીએ, પણ ખુદા મોહમ્મદ (સ.અ.વ.)ને સંબોધીને કુરઆને પાકમાં ફરમાવે છે: "અરબો કહેવા લાગ્યા કે અમે ઈમાન લાવ્યા, કહો કે તમે ઈમાન નથી લાવ્યા, પણ એમ કહો કે ઈસ્લામ લાવ્યા છીએ અને હજી તમારા દિલોમાં ઈમાને ઘર કર્યું નથી."

(૨૨) હવે જે શખ્સ ઝાહિર કરતાં બાતિન વધુ જાણે છે તે ખુદાથી વધુ નઝદીક છે.

(૨૩) જે ફિરકાના લોકોએ ફક્ત ઝાહિર ઈલ્મ મેળવી તે પર સંતોષ મેળવ્યો અને બાતુની ઈલ્મથી બેખબર રહ્યા તેઓને ખુદા ફરમાવે છે: "તેઓ દુનિયાના સંસાર-વહેવારથી જાણકાર છે, ૫ણ આખરેતની બાબતમાં અજાણ છે."

(૨૫) ઈલ્મનો ખરો અર્થ કોઈ પણ વસ્તુંને તેના મૂળ સ્વરૂપમાં ઓળખવાનો થાય છે.

ઈમામ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે: "યુવાન માણસનો તાજ ઈલ્મ છે. અને અકલ તે તાજમાં સોનાનો પટો છે."

(૨૭) આ દુનિયા છે પરંતુ આપણી પાછા વળવાની જગ્યા તો પેલી દુનિયા છે. દરેક નિર્જીવ અને સજીવ બન્ને વસ્તુંઓને તેના અસલ સ્વરૂપ તરફ તો પાછા વળવાનું જ છે. જેમ કહેવાયું છે કે: "દરેક ચીઝ તેના અસલ તરફ પાછી વળે છે."

મારા વ્હાલા ભાઈઓ હું એટલા માટે જ કહું છું કે તમે ઝાહેરી અને બાતેની બન્ને ઈલ્મ મેળવવાની કોશિશ કરો જેથી તમે હકતઆલાના વધુ નઝદીક પહોંચી શકો કેમકે ઈલ્મ અને અમલ પરવરદિગારે આલમની સૌથી કીંમતી બક્ષિશ અને મોટામાં મોટી રહેમત અને બરકત છે.

(૩૧) જે શખ્સ તાવીલનું જ્ઞાન મેળવી સમજી સોચીને પોતાનું અમલ કરશે તો તેના માટે જન્નતનો દરવાજો ઉઘડી જશે. જેમ ખુદાનો કોલ છે: "જે લોકો પોતાના પરવરદિગારની બીક રાખે છે તેઓને ટોળાબંધ જન્નતમાં લઈ જવામાં આવશે. જ્યારે તેઓ ત્યાં પહોંચશે ત્યારે જન્નતનો દરવાજો ખોલી દેવામાં આવશે એ પ્રસંગે ફરિશ્તાઓ તેમને કહેશે : ભલે પધારો તમારા ઉપર સલામ છે."

(૩૩) રસુલિલ્લાહ (સ.અ.વ.) જન્નતના દરવાજા છે. અને આપના વસી તેના ઉઘાડનાર છે.

તેમ ક્લેમતુ-શહાદત (Divine Word)એ જન્નતના દરવાજાની ચાવી છે. ચાવી વિના દરવાજો ઉઘડી શકે નહીં.

કલેમતુ-શહાદતના બે ભાગ છે: “લાઈલાહા ઈલલ્લાહ” ખુદાની વહેદાનિયત (એકમાત્ર) હોવાની સાક્ષી આપે છે કે સિવાય એક ખુદાના બીજો કોઈ ખુદા નથી. તેનો બીજો ભાગ “મોહમ્મદુન સુલિલ્લાહ” મોહમ્મદ (સ.અ.વ.) ખુદાના પયગમ્બર છે. એવી સાક્ષી આપે છે.

(૩૪) ચાવીને અરબીમાં 'મિફતાહ' કહે છે આ શબ્દના પણ બે ભાગ છે 'મિ - ફતહ' એજ પ્રમાણે ચાવીના પણ બે ભાગ હોય છે એક ભાગ તે ચાવીનો હાથો અને બીજો તેના દાતરડા.

ત્યારે રસુલિલ્લાહ (સ.અ.વ.) બહિશ્તના બંધ દરવાજા છે. તેની ચાવી કલમે ઈખ્લાસ છે. મુમિનીનના હાથમાં તે દરવાજાની ચાવી છે, અને ઈમામુઝ ઝમાન તે ચાવીના ફેરવનાર છે. જ્યારે ઈમામુઝ ઝમાનના વસીલાથી મુમિન આ ચાવી ફેરવશે ત્યારે જન્નતનો દરવાજો ઉઘડી જશે.

જ્યારે તમામ જગત દીને મોહમ્મદી (નાતિક)નો સ્વીકાર કરશે ત્યારે ઈમામુઝ ઝમાન તાવીલનો મર્મ લોકોને સમજાવશે. તે વખતે મુમિન જાણી શકશે કે શરીઅત અને તાવીલથી ખરી મુરાદ શું હતી.

(૩૫) જહન્નમનું અસલ સ્વરૂપ નાદાની એટલે અજ્ઞાનતા છે; અને જન્નતનું અસલ સ્વરૂપ ઈલ્મ છે.

રૂહાની આલમ વિષે

(૪૨) આગળ કહી ગયો છું તેમ સૌથી પહેલા જે ચીઝ ઝાહેર થઈ તે અલ્લાહતઆલાનો હુકમ-(કુન) હતો. ખુદાએ ફરમાવ્યું કે: “કુન” (થા) અને તરત જ "ફયકુન" એટલે થઈ ગયું. મતલબ કે આકાશ, પૃથ્વી, હવા, પાણી, સૂરજ, ચાંદ, તારા, પહાડ વગેરે દરેક વસ્તું અલ્લાહનો માત્ર એક જ શબ્દ “કુન" ઉચ્ચારવાથી વજુદમાં આવી. તેના ટેકામાં મેં એમ પણ કહ્યું છે કે, ખુદા સિવાય દરેક ચીઝ ઈલ્મના તાબે છે, એટલે કે ઈલ્મનો સર્જનહાર પણ ખુદા છે. આ ઉપરથી સાબિત થાય છે કે, ખુદાતઆલાનું સૌથી પહેલું સર્જન ઈલ્મ છે.

હવે હું આગળ વધીને એમ પણ કહીશ કે બારીતઆલાના હુકમથી સૌ પ્રથમ આલમે રૂહાની એટલે કે પેલી દુનિયા સર્જાઈ અને તે દુનિયામાંથી આ દુનિયા કાયમ થઈ.

(૪૩) પૃથ્વીનું સર્જન પેલી દુનિયામાંથી થયું છે. આ ઉપરથી હવે આપણે નક્કી માની લેવું જોઈએ કે પેલી દુનિયા કાયમી અને અવિનાશી છે. ઉપરાંત આ દુનિયામાં ઈલ્મથી વધીને બીજું કંઈ નથી મતલબ કે પેલી દુનિયા અક્લ લેનારી અને આપનારી બન્ને છે, જ્યારે આ દુનિયામાં નફ્સ (ઈન્સાન) પેલી દુનિયામાંથી અક્લ મેળવનાર છે. તો આપણે માની લઈએ કે પેલી દુનિયા અક્લ છે અને તે સિવાય બીજું કંઈ જ નથી.

દુનિયામાં આપણે જોઈએ છીએ કે દરેક વસ્તું ફાયદો આપનારી છે અને લેનારી છે. વનસ્પતિ આકાશથી પડતા વરસાદથી ફાયદો મેળવી તે ફાયદો પ્રાણીઓને પહોંચાડે છે પ્રાણીઓ પોતે વનસ્પતિમાંથી મેળવેલો ફાયદો ઈન્સાનને પહોંચાડે છે. તે જ પ્રમાણે ગુરૂ ચેલાને, પયગમ્બર ઉમ્મતને.

(૪૭) જે શખ્સ આ જગતમાં રહી પેલા જગતનું જ્ઞાન મેળવી લે છે અને તેને સારી રીતે, સંપૂર્ણ રીતે ઓળખી લે છે, તેનો આત્મા આ શરીર છોડયા પછી ત્યાં જ જશે અને ખુદેબરીમાં તેને કાયમનું સ્થાન મળશે.

(૪૮) ખુદા (નફ્સેકુલ) બેનિયાજ છે એટલે ગરજવંતો નથી. જ્યારે ઈન્સાન નિયાઝમંદ (ગરજવંતો) છે.

(૪૯/૫૦) ખુદાએ ઈન્સાનને અશરફુલ મખલુકાત એટલે પોતાની સર્જેલી વસ્તુંઓમા સર્વશ્રેષ્ઠનું બિરૂદ આપ્યું છે, એથી સાબિત થાય છે કે ખુદાએ આ દુનિયા ઈન્સાન માટે જ સર્જેલી છે.

ખુદાતઆલાએ આ દુનિયાનું સર્જન પોતાના કમાલ અને એજાઝથી કર્યું છે. અર્થાત આ દુનિયા ખુદાની અક્લ, તાકત કુવત, કમાલ અને મઆરેફત (જાણકારી)નો એક અદના નમૂનો છે. વળી ઈન્સાન પણ ખુદાને અક્લથી જે પહેચાની શકે છે.

(૫૩) ઈન્સાન બે ચીજથી બનેલો છે. શરીર અને આત્મા. આત્મા નફીસ (સૂક્ષ્મ-Subtle) છે. અને શરીર કસીફ (dense) છે. શરીરને ચાર ચીજો ખોરાક પૂરો પાડે છે. તેમાંની બે આત્મા જેવી નફીસ (સૂક્ષ્મ) છે; આગ અને હવા. ત્યારે બીજી બે શરીર જેવી કસીફ (ઘટ્ટ) છે. માટી અને પાણી. ઈન્સાન કે જે આત્મા અને શરીરથી બનેલો છે તે વનસ્પતિથી ખોરાક મેળવી પોતાના શરીરને મજબુત બનાવે છે.

હવે આત્મા કે જે શરીરમાં જકડાએલો છે તેના માટે પણ ખોરાકની જરૂરત છે. શરીરના જેમ આત્મા પણ ચાર વસ્તુંઓથી ખોરાક મેળવે છે. જેમાંની બે આત્મિક (રૂહાની) અને બે શારીરિક (જીસ્માની) છે. જેમ શરીર ખોરાકથી મજબૂત બને છે તેમ આત્મા પણ તેને મળેલા ખોરાકથી કુવ્વત મેળવે છે. આત્માને જે બે આત્મિક ખોરાક મળે છે તે છે નફ્સેકુલ અને અક્લેકુલ. બીજી બે ચીજો છે નાતિક અને અસાસ.

(૫૪) આત્માનો આ ખોરાક ઈન્સાનને અક્લ અને જ્ઞાન આપી તેને હયવાનમાંથી ઈન્સાન બનાવી ફરિશ્તાના દરજજ્જામાં પહોંચાડે છે. જે શખ્સમાં અક્લ અને જ્ઞાન હોય છે તેને આ બન્ને વસ્તું સર્જનહાર પાસેથી યોગ્ય હિસ્સો મળેલ છે. જેમ ખુદા ફરમાવે છે: “તે સર્વશક્તિમાન, સર્વ જાણનારનો હુકમ છે.”

ખુદાએ પોતાનું ઈલ્મ આપી તેજ દૌલતથી ઈન્સાનને માલામાલ કરવા અને જહન્નમના અઝાબથી બચાવવા આ દુનિયામાં મોકલેલ છે. તે વ્યક્તિ છે નાતિક એટલે પયગમ્બર.

જો પયગમ્બર (સ.અ.વ.) પૃથ્વિના પટ ઉપર મનુષ્ય માત્રને ફાયદો પહોંચાડવા માટે ન આવ્યા હોત તો ઈન્સાનની સમજ, અક્લ અને ઈલ્મ બધું જ વ્યર્થ ગયું હોત.

(૫૫) દુનિયામાં લોકોનો આત્મા સરખો છે તેથી તેઓમાં મળતાપણું દેખાય છે, પણ રંગ અને ચહેરો મહોરો જુદો જુદો હોવાથી એકબીજાથી અલગ દેખાય છે.

દુનિયાવાસીઓ ચાર ભાગમાં વહેંચાએલા છે. પીળા (ચીનના લોકો ), કાળા (આફ્રિકાના લોકો), સફેદ (યુરોપના લોકો) અને લાલ (રેડ ઈન્ડિયનો) રંગ અને ચહેરા જુદા હોવાનું કારણ એ છે કે લોકો જે દેશમાં વસે છે તેમાં ત્યાંની આબોહવા અને વાતાવરણ કારણભૂત છે.

આ ઉપરથી નક્કી થયું કે પયગમ્બર ખુદા તરફથી રિસાલત (God's Word) એટલે પયગામ (સંદેશો) લઈને આવે છે, આ રિસાલત બે પ્રકારની હોવી જોઈએ. આત્મા જેવી મોહકમ (મજબૂત) અને ચહેરા જેવી જુદી. બીજા શબ્દોમાં કહીએ તો પયગમ્બરે લોકોને જે ઈલ્મ આપ્યું છે. તેનું ઝાહિર શરીર જેવું છે, અને બાતિન આત્મા જેવું છે.

હવે જ્યારે ઈન્સાન શરીર અને આત્મા બન્ને ધરાવે છે, ત્યારે શરીરને અલ્લાહ પાક તરફથી ચોક્કસ પ્રકારના કામો સોંપવામાં આવ્યા છે.

(૫૫/૫૬) શરીરની છ દિશાઓ છે. આગળ-પાછળ, જમણું-ડાબું, ઉંચું-નીચું તેવી જ રીતે ખુદા પાકે દોરે સત્રમાં - છ (૬) મશહુર પયગમ્બર દુનિયાના લોકો તરફ તેઓની હિદાયત માટે મોકલાવ્યા. (૧) આદમ (અ.સ.) લોકો -તરફ તેમના માથા તરફથી આવ્યા છે (૨) હ. નુહ (અ.સ.) ડાબી બાજુએથી આવ્યા છે. (૩) હ. ઈબ્રાહીમ (અ.સ.) પીઠ તરફથી આવ્યા છે. (૪) હ. મૂસા (અ.સ.) નીચેથી આવ્યા છે. (૫) ઈસા (અ. સ.) જમણી બાજુએથી આવ્યા છે. આદમના મુકાબિલ મૂસા છે. નૂહના મુકાબિલ ઈસા છે. અને ઈબ્રાહીમના મુકાબિલ મેહબૂબે ખુદા, નબીએ અકરમ, ( સ. અ. વ.) છે.

આ છ પયગમ્બરો ઈન્સાનના શરીરની છ બાજુએથી આવેલા છે. અને દરેક પયગમ્બરે પોતાને દૌરમાં પોતાની ઉમ્મતના લોકોને ખુદાના પયગામથી નવાજ્યા છે.

(૫૭) ઈન્સાનની સાદી સમજ પણ તેને એ જ કહેશે કે લોકોને તેઓના સારા કામોનો બદલો (જઝા) અને બૂરા કામોનો બદલો (સઝા) આપવા માટે સાહેબે ક્યામતનું આવવું જરૂરી છે. કેમકે ખુદા તરફથી લોકોને કામ સોંપવા હવે બીજો કોઈ પયગમ્બર આવનાર નથી. શરીરની ફક્ત છ જ દિશા છે, અને પયગમ્બરના આવવા માટે શરીરની બીજી કોઈ દિશા બાકી રહી નથી.

(૫૯) આ છ (૬) મહાન પયગમ્બરો પોતપોતાના દૌરમાં લોકો તરફ અઠવાડિયાના જુદા જુદા દિવસે આવ્યા. હવે જે આવશે તે સાતમા હશે.

આદમ (અ.સ.) રવીવારના દિવસે પોતાની ઉમ્મત તરફ ખુદાનું ફરમાન લઈ આવ્યા. એમ કહેવાય છે કે અલ્લાહ પાકે છ (૬) દિવસમાં દુનિયાની (તઅલીર) રચના કીધી, રવિવારે શરૂઆત કરી અને જુમ્માના દિવસે કામ પૂરું કર્યું અને શનીવારે આરામ કર્યો. આ જ કારણે યહુદીઓ શનીવારે કામધંધો બંધ રાખી આરામ લીએ છે.

પયગમ્બરોએ આ વિષયમાં જે કંઈ કહ્યું છે, તેનો અર્થ એ નથી કે ખુદાને આ જગતની રચના કરવામાં છ દિવસ લાગ્યા અને સાતમા દિવસે ખુદાએ આરામ કર્યો. ખુદાએ તો ફક્ત એક જ શબ્દ ઉચ્ચાર્યો “કુન” (થા) અને 'ફયકુન' (થઈ ગયું).

પયગમ્બરોના કહેવાનો ખરો અર્થ એ છે કે ખુદાના ફરમાનથી છ મહાન પયગમ્બરો આવ્યા અને તેઓએ પોતાની ઉમ્મતના લોકોને કામ સોંપ્યું. હવે જે સાતમા આવશે તે કામ નહીં સોંપે તેઓ ફક્ત લોકોના કામોનો બદલો આપશે. તે મહાન શનીવારનો દિવસ હશે અને તે દિવસના માલિક કાએમુલ ક્યામત (હ. અલી અ.સ.) હશે.

સારાંશ આદમ (અ. સ.) રવિવારે, નૂહ (અ.સ.) સોમવારે, ઈબ્રાહીમ (અ.સ.) મંગળવારે, મૂસા (અ.સ.) બુધવારે, ઈસા (અ.સ.) ગુરૂવારે અને મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) જુમ્માના દિવસે ખુદાના દીન સાથે, આલમે દીનમાં જલ્લા આરોઝ થયા. હવે લોકોની નઝર શનીવાર ઉપર છે. તે દિવસે લોકોને પોતાના કામોનો બદલો મળશે એવા લોકોને જેઓએ પયગમ્બરોના ફરમાન મુજબ શરીઅતનું પાલન કર્યું છે અને પોતાના દીનને સાચવ્યો છે.

(૬૧) દુનિયામાં પયદા થયેલી દરેક વસ્તું ઈન્સાન માટે જ છે. પણ તે ચીઝોનો પયદા કરનાર ઈન્સાન નથી, મતલબ કે ઈન્સાન કામિલ નથી. કામિલ તે જ છે કે જેના લીધે જગત અને જગતની તમામ વસ્તું વજૂદમાં આવેલી છે.

(૬૨) જ્યારે ઈન્સાન આ દુનિયાનો સર્જનહાર નથી તો આપણે માની લઈએ કે તેનો પયદા કરનાર નફ્સેકુલ (ખુદા) છે અને ઈન્સાન નફ્સેકુલનો એક જુઝ (અંશ) છે. જો ઈન્સાનને આ પૃથ્વી પરથી ઉપાડી લેવામાં આવે તો દુનિયા નાબૂદ થઈ જાય કેમ કે જ્યારે કારીગરની કારીગરીજ ન રહે તો પછી આ જગતની જરૂરતજ શું ?

(૬૬/૬૭) ઈસ્લામમાં કુરઆન બાબત બે માન્યતા છે. કેટલાક એમ કહે છે કે તે મખલૂક (રચાએલા) છે, ત્યારે કેટલાક તેને ખુદાના કલામ માને છે. બન્નેનું કહેવું ખરું છે છતાં બન્ને ખરી બીનાથી અજાણ છે.

(૬૭) ખુદા પાકને જે કંઈ કહેવું હતું તે હઝરત જીબ્રાઈલના મારફત નબીએ અકરમ (સ.અ.વ.)ને કહેવડાવતા એટલે કુરઆન અક્લેકુલ તરફથી નફ્સેકુલ ઉપર ઉતર્યું છે. હવે અક્લેકુલ અને નફ્સેકુલનું સર્જન થયું નથી. સર્જાએલી વસ્તું તે જ કહેવાય જે બીજી કોઈ વસ્તુંમાંથી બનાવવામાં આવેલી હોય.

હવે આપણે બીજી તરફ નઝર કરીએ કુરઆને મજીદમાં સુરાઓનો સંગ્રહ છે. સુરાઓ આયાતોથી, આયાતો શબ્દોથી અને શબ્દો અક્ષરોથી બનેલા છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે આજે આપણા પાસે જે કુરઆન છે તે મખલૂક છે, પણ જ્યારે કુરઆન રસુલિલ્લાહ (સ. અ. વ.) પર નાઝિલ થયું ત્યારે તે મખલૂક નહોતું. રસુલિલ્લાહ (સ. અ. વ.) તો ખુદાના તરફથી જે કંઈ કહેવામાં આવ્યું તે આપે લોકોને અરબી ઝબાનમાં કહી સંભળાવ્યું આમ એક અર્થમાં કુરઆન મખલૂક છે અને બીજા અર્થમાં ખુદાના કલામ છે.

(૬૮) કુરઆનના ચાર અક્ષરો છે, “કાફ”, “રે", “અલીફ” અને “નૂન”. આમાંના પહેલાં બે અક્ષરો "કાફ” અને “ રે " એકબીજા સાથે જાડાએલા છે અને પછીના બે અક્ષરો “અલીફ” અને “નૂન" જુદા છે, કુરઆન શબ્દ કરીન એટલે નઝદીક ઉપરથી લેવામાં આવ્યો છે. પહેલા અક્ષર જે એકબીજાથી જોડાએલા છે તે નાતિક (પયગમ્બર) અને તેમના અસાસ (વસી) પર હલાલત કરે છે. પછીના બીજા બે છૂટા શબ્દો શરીર અને આત્મા જેવા પાસે પાસે છે. કુરઆન શબ્દ ઉચ્ચારાય છે તેના પછીના બે અક્ષરો સાથે જોડાવા જોઈએ. છેવટના બે શબ્દોમાં “અલીફ"થી મુરાદ એક અર્થમાં "અક્લેકુલ" અને “નૂન”થી મુરાદ “નફ્સેકુલ” છે “નૂન” બન્ને બાજુએથી સરખો અને ખુલ્લો છે. આનો અર્થ એ છે કે હર આખિર એટલે “નફ્સેકુલ" પોતાના અવ્વલ એટલે “અક્લેકુલ" (ખુદા) તરફ પાછો વળશે.

ઈલ્મે અબજદના હિસાબે કુરઆને શરીફના પહેલા બે અક્ષરો “કાફ” ના(૧૦૦) અને "રે"ના (૨૦૦) થાય છે,“કાફ” અસાસ છે અને “રે" નાતિક છે. નાતિકનો દરજજો અસાસ કરતા બમણો છે નાતિક નર અને અસાસ માદા છે.

"અલીફ”ની સંખ્યા ઈલ્મે અબજદ મુજબ એક (૧) છે અને તે અક્લેકુલ છે. તેનો ભાવાર્થ એ છે કે દરેક વસ્તું અક્લેકુલથી જ અસ્તિત્વમાં આવેલી છે. છેવટના “નૂન”ની સંખ્યા (૫૦) છે જે દસના પાંચ સેટ ધરાવે છે. અને તે નફ્સેકુલ છે. કુરાન શબ્દમાં કાફ અને રે સંપૂર્ણ ક્રિયાનું પ્રતિક છે જે સંયુક્ત શરીરનો ભાગ છે. જ્યારે અલિફ અને નૂન એ સરળ આત્માનું પ્રતિક છે.

(૬૯) "કુરઆન" શબ્દનો એક બીજો અર્થ જોઈએ. તેના પહેલાં બે અક્ષર શરીર અને આત્મા છે. તે શબ્દો એકબીજાથી જોડાએલા છે જે એમ બતાવે છે કે શરીરનો આત્મા સાથે સંબંધ છે. છેવટના બે અક્ષરો કે જે એકબીજાથી જુદા છે તે ઈલ્મ અને અમલ છે.

હવે જે માણસમાં ઈલ્મ અને અમલ બન્ને નથી તે હયવાન જેવો છે જેનામાં ઈલ્મ છે. પણ અમલ નથી તે હયવાન કરતાં પણ બદતર છે. આથી ઉલ્ટું જેનામાં ઈલ્મ અને અમલ બન્ને છે તે ઈન્સાન ફરિશ્તાના દરજ્જામાં પહોંચી શકે છે.

તન્ઝીલ અને તાવીલમાં શું તફાવત છે તે હું કુરઆનની આ આયતથી સમજાવીશ “સુરજના કસમ અને તેની રોશનીના કસમ અને ચાંદના કસમ જે તેના પછી ઊગે છે." તેનો બાતુની અર્થ એ છે કે સૂરજ ખુદાના પયગમ્બર છે અને ચાંદ અલીએ આલા (સ.અ)થી મુરાદ રાખે છે. રોશની એ તાવિલ (ઈલ્મ) થાય છે. આમ, શબ્દને તન્જિલ કહેવામાં આવે છે અને અર્થને તાવિલ કહેવામાં આવે છે.

કુરઆનનું તાવીલ અહીં મેં ટૂંકમાં સમજાવ્યું છે. મારા વાંચકો તેને સમજી શક્યા હશે એવી ઉમ્મદ છે.

ઝાહિર અને બાતિન

(૭૪) ઝાડના પાંદડાઓ ચોક્કસ ઋતુમાં લીલા અને ચોક્કસ ઋતુમાં પીળા થઈ શા માટે ખરી જાય છે ? વરસના મહિના બાર (૧૨) કેમ છે, તેર (૧૩) કેમ નથી ? રમઝાન ઈસ્લામી તકવીમ (કેલેન્ડર)નો નવમો માસ શા માટે છે, આઠમો, કે દશમો શા માટે નથી ? આ બધું જાણવા માટે બાતિની ઈલ્મ મેળવવું જરૂરી છે. આ બધા કારણો તે જ લોકો જાણી શકે છે, જેને ખુદાવંદ કરીમે ઈલ્મ અને અક્લની દૌલતથી માલામાલ કર્યા હશે.

(૭૫) રસુલિલ્લાહ (સ.અ.વ)ની શરીઅત ઝાહિર છે, ત્યારે તેનું તાવીલ બાતિન છે. કિતાબ અને શરીઅત આ બન્ને શરીરની જેમ છે જ્યારે તેની તાવીલ અને ભાવાર્થ આત્મા જેમ છે. જેમ આત્મા વિનાનું શરીર નકામું છે, તેમ તાવીલ વિનાની કિતાબ અને શરીઅત પણ ખુદાના નઝદીક નકામા છે.

આ જગતમાં ઝાહિર કરતા બાતિન વધારે શ્રેષ્ઠ છે, અને દરેક ઝાહિર વસ્તુનું મૂળ તેના બાતિનમાં છે, તો નક્કી થયું કે ખુદાતઆલાની કિતાબ અને પયગમ્બરની શરીઅત તેના બાતિનના કારણે જ સર્વોત્તમ છે. જે ઈન્સાન બાતિની ઈલ્મથી અજાણ છે, તે દીને ઈસ્લામથી પણ નાવાકિફ છે. આવા લોકો તરફ પયગમ્બર અને ઈસ્લામ પણ અણગમો દાખવે છે. એવા લોકોનો દાખલો આપી ખુદા ફરમાવે છે; “તમે જાહેલોમાંથી ન થાવ.”

(૭૬) ઈન્સાન શરીર અને આત્મા બન્નેનું સંયોજન છે. શરીર આલમે ફાની છે. જ્યારે આત્મા આલમે રૂહાની છે. આત્માનું સ્થાન શરીરમાં તાવીલની માફક છે. આત્માની નજાતીનો આધાર શબ્દ અને તાવીલ (અર્થ) ઉપર છે. સમજુ અને આલિમ શખ્સ આ હકીકતથી વાકિફ છે.

યા અલી મદદ.