Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે શાહ કરીમ (Excerpt)

રેકોર્ડીંગ - ૨

રેકોર્ડીંગ - ૨

0:000:00

(૧૪૩/૧૪૦) અમારી જાતને જુનવાણી દર્શાવ્યા વગર અમે માનીએ છીએ કે શિક્ષણ પ્રચાર માટે શક્ય બને તેટલું મહાન મુસ્લિમ લેખકો અને ફિલસુફોના કાર્યો અને વિચારોને ફરી એકવાર આગળ લાવવા જરૂરી છે. જો આમ થાય તો ....નર્સરીમાં પહેલીવાર વાંચન શિખતા આપણા બાળકોની કલ્પના વેલિગ્ટન અથવા નેપોલિયનને બદલે આપણા મહાન ખાલેદના પરાક્રમોમાંથી શા માટે ન રંગાય ? તે જ પ્રમાણે ફિલસુફીમાં ડીગ્રીની તૈયારી કરતો વિદ્યાર્થી 'હેજેલ' અથવા 'કર્કગાડ'ને બદલે "અલ-હલ્લાજ"નો શા માટે અભ્યાસ ન કરે ?

(૧૪૮/૧૪૪) રૂહનું સર્જન કરવામાં આવ્યું છે અને તેને શારીરિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. 

(પેજ-૧૪૮) જો ઈમામે તમારામાં પોતાનો વિશ્વાસ અને પોતાનો ભરોષો મુકેલ છે, તો એ વિશ્વાસ અને ભરોષાને પરિપુર્ણ કરો.
     
દરેક વખતે જ્યારે તમે ઘડિયાળ તરફ નજર કરો, જ્યારે તમે કાંટાને એક સેંકડ અથવા એક મિનિટ આગળ જતો જુઓ, ત્યારે તેનો અર્થ એ થયો કે આ ફરમાન ઉપર અમલ કરવા તમારે માટે હવે એક સેંકંડ અથવા એક મિનિટ ઓછી થઈ ગઈ. દુન્યવી જીવન નહીં પણ માત્ર રૂહાની જીવન જ અનંત છે. 

(પેજ-૧૪૯) જ્યાં સુધી તમે જીવંત છો, ત્યાં સુધી પ્રત્યેક દિવસ જીવવો જોઈએ અને એ દિવસ દરમ્યાન તમારી શ્રેષ્ઠ શક્તિથી પોતાની જવાબદારી પૂર્ણ કરવી જોઈએ. માટે જે સમય એક વખત વીતી ગયો તે હંમેશને માટે વીતી ગયો. માટે એ બાબત પ્રત્યે સજાગ રહો કે વીતેલી પળ ફરી કદી પણ આવતી નથી. માટે સમયને નકામો પસાર થવા ન આપો.

(૧૫૦/૧૫૧) શીખવું એટલે પુછવું, પરંતું પુછવાનું બે પ્રકારે હોઈ શકે છે; તે ખંડનાત્મક હેતું વાળું હોઈ શકે છે તેમજ કંઈક વધું સારૂં આપવાના હેતુ માટે પણ શીખવાનું હોઈ શકે છે.
...learning means questioning. But questioning can occur in two ways; it can occur with the intent to destroy and it can occur with the intent to learn so as better to provide.

(૧૫૨/૧૫૪) જો તમે સવાલ પુછો તો તે સમજણ મેળવવાના હેતું માટે હોવો જોઈએ.

(૧૫૪/૧૫૬) દુનિયાથી મોહિત થવું અને શાશ્વતને (અનંતાને) ભૂલી જવું એ આ જગતનું વલણ છે. 

(૧૫૮/૧૬૩) તરીકાના અર્થઘટન પ્રમાણે જે બાતિન છે એ બાતિન છે. જે ઝાહેર છે એ ઝાહેર છે તે યાદ રાખજો. આ બાબત મુળભૂત છે ....કોઈ ગુંચવણ ન હોવી જોઈએ.

(૧૬૫/૧૬૭) સર્જન પ્રવૃતિ સ્થગિત નથી, પણ તે સતત ચાલતી ક્રિયા છે. 

(૧૬૬/૧૬૮) ઈસ્લામ કહે છે કે અલ્લાહની શક્તિ અમર્યાદિત છે. સમયની દ્રષ્ટિએ તેની કોઈ હદ નથી. ઘેરાવાની દ્રષ્ટિએ તેની કોઈ હદ નથી, સમય અને સ્થળથી તે પર છે. ....અલ્લાહની ઝાત ખરેખર છે અને આનો એવો અર્થ થાય છે કે જ્યારે ઈન્સાન પોતાની જાતને સવાલ કરે છે કે સાયન્સનો અર્થ શું થાય છે ? ત્યારે ઈસ્લામનો જવાબ સીધો સાદો છે. તે કહે છે કે સાયન્સ અલ્લાહના અસ્તિત્વની, તેના સર્વ શક્તિમાન હોવા વિષેની અને તેની ઝાત અવિનાશી હોવા વિષેની એક નાનકડી વધારાની સાબિતી છે. ....આ મઝહબ ભુતકાળનો છે આ મઝહબ આજનો છે અને આ મઝહબ ભવિષ્યકાળનો છે.  ....ખાનાવાદાન.

(૧૬૮/૧૭૨) આપણું (દુન્યવી) જીવન સમયમાં મર્યાદિત છે, રૂહ અનંત છે. ....એ ધ્યાનમાં રાખો કે તમે ક્યાંય પણ રહેતા હો, જીંદગીની એક હદ નિશ્ચિત છે. અને દરેક વ્યક્તિનો માત્ર હિસ્સો જે અનંત છે તે તેનો રૂહ છે.

(પેજ-૧૭૩) ઈસ્લામની તાલીમ મુજબ અલ્લાહ અનંત છે, તેના સર્જનની કોઈ હદ નથી, ન તો સમયમાં કે ન તો કદમાં કે ન તો જગ્યામાં, તે સર્જન કરે છે અને તે વિસર્જન કરે છે અને તેથી અલ્લાહનું સર્જન ખુદ તેની માફક અનંત છે.

(૧૭૦/૧૭૪) તમારી તસ્બિહ તમારી સાથે રાખો અને અલ્લાહના નામને અથવા અલીના નામને પુકારો અને એ વાતની ખાત્રી કરો કે તમારો મઝહબ દરરોજ તમારા મગજમાં, તમારા દિલમાં, અને તમારા રૂહમાં હાજર હોય. કારણ કે એ ખુદ એક ઈબાદત છે.

(૧૭૦/૧૭૫) જ્યારે પણ તમને સમય મળે તમારા દીન વિશે ખ્યાલ કરો.

(૧૭૧/૧૭૬) તમારા મઝહબની પ્રેકટીસ કરવાનો અર્થ તમારી જીંદગીમાં રહેલા તે કાર્યો કરવાનો થાય છે જે તમને ખુદાના અસ્તિત્ત્વનું ભાન કરાવે - તેનો અર્થ ખુદાને યાદ કરવાનો થાય છે. આ કાર્ય કાંઈક તમારા ખિસ્સામાં અથવા તમારી બેગોમાં તસ્બીહ રાખવા જેટલું સરળ હોઈ શકે છે. અને જ્યારે તમે “અ” જગ્યાએથી “બ” જગ્યાએ જઈ રહ્યા હો, ત્યારે અલ્લાહ, મહમદ, અલીના નામને યાદ કરો.

તમારી પાસે અદભૂત તક છે. તમારી સામે મોટો પડકાર (Challenge) પણ છે. તે પડકારને ઉપાડી લ્યો તેનો વધુમાં વધુ ફાયદો મેળવો.

(૧૭૩/૧૭૮) જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હો, જ્યારે તમને નિરાંતની એક પળ મળે, તમારી તસ્બીહ બહાર કાઢો અને અલ્લાહના નામને, મહમદના નામને, હ. અલીના નામને યાદ કરો. એક સેંકન્ડના એકસોમા ભાગ માટે પણ તમારા મઝહબની યાદગીરી રાખવાનો તે એક અમલ તમારા મઝહબની પ્રેકટીસ છે.

(૧૭૯/૧૮૬) તરીકાના પાલન માટે મુળભૂત હોય એવા નિર્ણયો ઝમાનાના ઈમામ જ લે છે. તો આપણા મઝહબના પાલનના મુળભૂત તત્ત્વમાં કોઈપણ પરિવર્તન થવાનું નથી. ....ઝમાનાના ઈમામ અને માત્ર ઝમાનાના ઈમામજ છે જે તરીકાની બાબતોમાં દોરવણી આપવાનો અધિકાર ધરાવે છે.
              
જેઓને એમ લાગતું હોય કે આપણી જમાતની પ્રણાલિકાઓ બદલાઈ જશે, તેઓએ નાહક આવી ચિંતા ન રાખવી જોઈએ કારણ એ ચિંતા તો જમાતમાં હોવી જ ન જોઈએ, કારણ કે એ ઝમાનાના ઈમામજ છે કે જેઓ આ નિર્ણયો લઈ શકે છે.
              
તમારી ઈબાદતમાં નમ્ર રહો, સાચા અને પ્રમાણિક રહો તેમજ નૂર અને રૂહાની સુખ મેળવવાનો પ્રયાસ કરો, કારણકે આ જગતના દુન્યવી જીવનને સમયની મર્યાદા છે. જ્યારે આત્માનું જીવન અનંત છે. એકને બીજા માટે છોડી નહીં આપો.

(પેજ ૧૮૭) નુર માટેની તમારી ખોજની સફળતા માટે, તમારા દુન્યવી જીવનમાં સફળતા માટે, મુશ્કેલી આસાન માટે અમે અમારા પ્યાર ભર્યા દુઆ-આશિષો ફ૨માવીએ છીએ.  ....ખાનાવાદાન.

(૧૮૦/૧૮૭) તમારે માટે અને અમારે માટે દિવસમાં ચોવીસ કલાક છે અને તેને કોઈ બદલી શકતું નથી, તેને કોઈ પણ બદલી શકતું નથી, કોઈ પણ નહિ. માત્ર અલ્લાહ કદાચ એક દિવસે પોતાની મરજીથી તે બદલે ! અન્ય કોઈ તે બદલી શકતું નથી.

(પેજ-૧૮૮) રોશની અને સુખ માટેની વ્યક્તિગત ખોજ તેમજ  દુન્યવી અને રૂહાની બાબતો વચ્ચે સમતુલા જાળવવી આ એવી મુદ્દાની બાબતો છે જેને આધારે જમાતે પોતાના મજહબનું અર્થઘટન અને પાલન કરવું જોઈએ.

(૧૮૧/૧૮૯) ભારતીય ઉપખંડની જમાતો તમે જેને ગિનાન કહો છો તે ધરાવે છે, તો ઈરાન કે અફધાનિસ્તાનની જમાતો તમે જેને કસીદા કહો છો તે ધરાવી શકે છે.

(૧૮૧/૧૯૦) કેટલીક વખત ઉમ્મા-મુસ્લિમ સમાજમાં અને તેની બહાર એવી લાગણી પ્રર્વતતી હોય છે કે વિવિધતા એ એક પ્રકારની નબળાઈ છે. અમે તમને ખાતરી પૂર્વક જણાવીએ છીએ કે વિવિધતા શક્તિ છે.

(૧૮૨/૧૯૧) તમે ઈમામને "ઝમાનાના ઈમામ" તરીકે સંબોધો છો, એ ઈમામની જવાબદારી છે કે તેઓ મઝહબનું અર્થઘટન એવી રીતે કરે કે તેનું પાલન નિરંતર જે જમાનામાં જમાત જીવી ૨હી હોય તે જમાના પ્રમાણેનું હોય. કારણ એ યાદ રાખો કે ઈસ્લામ સર્વે જમાના માટે છે. યાદ રાખો કે ઈસ્લામ સર્વે જમાના માટે છે.

(૧૮૪/૧૯૫) આપણી ખરેખર માન્યતા છે, દ્રઢ માન્યતા છે કે, ઈસ્લામ અનંત છે તો પછી જો તમે ઈન્સાનની અક્કલને અંકુશમાં રાખશો તો તમે ઈન્સાનની સમજ તથા માનવ ઈતિહાસના કોઈ પણ આપેલ સમયના તેના મઝહબ વચ્ચે એક ઉંડી ખાઈ પેદા કરશો ; અને તે બરદાસ કરી શકાય નહિ અથવા તેની છૂટ આપી શકાય નહિ અને તે કારણે આપણો તરીકો ઘણી સદીઓથી ઈન્સાનની અક્કલના વિકાસમાં આગળ અને આગળ રહેલ છે.

"ઈબ્નેસીના" એ એક દાખલો છે, પણ માત્ર એક દાખલો છે. 

"અઝહર" એ બીજો દાખલો છે. પણ ફક્ત બીજો જ.

"કય૨વાન"ને ભુલી ન જજો.

બીજા ઘણા સ્થળો કે જે ઈન્સાનની અક્કલ તથા રોશનીના કેન્દ્ર રહયા છે તેમને ભુલશો નહિ.

(પેજ-૧૯૭) વરસાદ એક રહેમત છે. આ યાદ રાખો આ યાદ રાખો.

(૧૮૮/૨૦૨) ફક્ત અલ્લાહ જ સંપૂર્ણ છે. બીજું કંઈ પણ સંપૂર્ણ નથી.

(પેજ-૨૦૩) મુરીદો એક સમાન જ અર્થઘટન ધરાવે છે, પરંતુ ઘણીવાર જુદા જુદા ઐતિહાસિક સંદર્ભમાંથી આવે છે, અને તે ઐતિહાસિક સંદર્ભ જે નાસિર ખુસરૂનો સંદર્ભ છે, તે સંદર્ભ ઘણો અગત્યનો છે અને તેને ભુલવો
જોઈએ નહિ.  ખાનાવાદાન.

(૧૮૯/૨૦૪) મુળતત્વ ઝમાનાના ઈમામ પ્રત્યેની વફાદારીનું જે મુળતત્વ છે તે બદલાવું જોઈએ નહિ.
       
સંપુર્ણ તો ફક્ત અલ્લાહ જ છે, માનવી સંપૂર્ણ નથી.

(૧૯૦/૨૧૨) એક તરફ અસરકારકતા, કાબેલિયત, જવાબદારીપણું અને દિશાનું ભાન અને બીજી તરફ સંપૂર્ણતા એ બેમાં મોટો તફાવત છે. ફક્ત અલ્લાહ જ સંપૂર્ણ છે.

(૧૯૧/૨૧૩) અમારી દ્રષ્ટિએ એ મહત્ત્વનું છે કે આપણે ક્યાં જવા માંગીએ છીએ તે વિષેની સ્પષ્ટ સુઝ હોવી જોઈએ.

(પેજ-૨૧૪) જ્યાં સુધી આપણા તરીકાના સત્ત્વનો આદર થતો હોય ત્યાં સુધી તે વિવિધતા એ શક્તિ છે. ....મહત્ત્વનું એ છે કે આપણા તરીકામાં સત્ત્વનો આદર થાય.

(૧૯૨/૨૧૫) મઝહબની પ્રેકટીસમાં મજબૂત અને વફાદાર રહો. એ મઝહબ દ્રઢ માન્યતાનો છે; એ મઝહબ દ્રઢ માન્યતાનો હોવો જોઈએ; બીજા ધર્મોમાં બનેલ છે તેમ, તે સગવડીયો મઝહબ નહિ હોવો જોઈએ.
        
અને જો તે દ્રઢ માન્યતાનો મઝહબ છે, તો પછી તે ફક્ત દિલની દ્રઢ માન્યતાનો જ નહિ, પરંતું રૂહની અને અક્કલની દ્રઢ માન્યતાનો પણ મઝહબ છે. તે મઝહબ દ્રઢ માન્યતાનો છે, અક્કલનો છે, અને નીતિ-નિયમનો છે.
           
આપણો તરીકો એ એક શાંતિનો, એકતાનો, અક્કલનો અને દ્રઢ માન્યતાનો તરીકો છે.

(૧૯૩/૨૧૭) તમે ક્યારેય એકલા નથી, તમે એકલા નથી. કેટલીક વખતે તમને કદાચ એવી લાગણી થાય કે તમે એકલા છો, પરંતુ તમે એકલા નથી અને અમે નથી ચાહતા કે તમે એવી લાગણી અનુભવો કે તમે ક્યારેય એકલા છો. તમારી સાથે હોવા બદલ અમે આનંદિત છીએ. અગર જો કે અમે શારીરિક રીતે (હાજર) હોઈએ કે ન હોઈએ તેનાથી કશો ફરક પડતો નથી. અમે હમેશાં તમારી સાથે છીએ. "I am always with you," તમે જ્યાં પણ હો અમે તમારી સાથેજ છીએ.          ખાનાવાદાન.

(૧૯૪/૨૧૯) તમને એકાદ પળ મળે તો તસ્બીહ લો અને યા મુહમદ કહો, યા અલી કહો, યા અલ્લાહ કહો.
        
તમે જે દરેક સેકંડ તમારા ધર્મને અર્પણ કરો છો તે એક ખોજ છે એક રહેમત છે. 
        
જો કે અમે શારીરિક રીતે તમારાથી વિદાય લઈશું પરંતુ અમે તમને કદી અમારા દિલમાંથી વિદાય નથી આપતા, અમે તમને કદી અમારા વિચારોમાંથી વિદાય નથી આપતા, અમે તમને કદી અમારી દુઆઓમાંથી વિદાય નથી આપતા.
      
તમને જે પણ મુશ્કેલી હોય તેમાં ઈમામનો પ્રેમ તમારી સાથે છે એ વિષે તમે ક્યારે પણ શંકા ન કરજો.
ખાનાવાદાન.

(૧૯૬/૨૨૨) રૂહાની બંધન જે દરેક મુરીદને સમય દરમ્યાન, ઇતિહાસની આર પાર, ભુગોળની આર પાર ઝમાનાના ઈમામની સાથે બાંધે છે, તે એક કાયમી બંધન છે.
           
ઈમામના સઘળા મુરીદો માટે, ભલે પછી તેઓ મધ્ય એશિયામાંથી હોય, હિંદમાંથી હોય, પાકિસ્તાનમાંથી હોય કે પશ્ચિમના જગતમાંથી હોય તેઓ માટે મૂળભૂત સિધ્ધાંત છે "ઝમાનાના ઈમામની ઓળખ".
           
ઈસ્લામ ફક્ત સમજ્યા વગરની ગોખણ પટ્ટીનો ધર્મ નથી. એતો અક્કલથી સમજવાનો એક ધર્મ છે, એતો વ્યક્તિગત શોધ કરવાનો ધર્મ છે.

(પેજ-૨૨૩) આપણા ધર્મની નીતિરીતિમાં રહીને તમારી અક્કલનો ઉપયોગ કરો.

(૧૯૮/૨૨૭) ઈમામ ....દરેક સમયે રૂહાની રીતે તમારી સાથે છે અને એ “કડી” જે મુરીદ અને ઈમામ વચ્ચે છે તે એક હંમેશની કડી છે. 

(૧૯૯/૨૨૮) માનવ ઇતિહાસની કેટલીય સદીઓ સુધી મુસ્લિમ સંસ્કૃતિએ ઘણી મોટી સંખ્યાના વિષયો વિશે દુનીયાની તેના વિચારમાં અને જ્ઞાનમાં આગેવાની કરી હતી, એ આગેવાનીને ગુમાવવી ન જ જોઈએ. અને અગર જો તે ગુમાવી દીધી છે તો, ઈન્શાઅલ્લાહ તેને ફરી પાછી મેળવી શકાશે.

(પેજ-૨૨૯) ખરેખર અલ્લાહ પાસે તમારામાંના વધારે માનવંત તેજ છે કે જે તમારામાં વધારે પરહેઝગાર છે. ખરેખર અલ્લાહ જાણકાર અને ખબર રાખનાર છે. 

(૨૦૩/૨૩૨) અમો આશા રાખીએ છીએ કે, આપણા ઈતિહાસમાં ફરી ચેતન રેડવા, તેનું ફરીથી અર્થઘટન કરવા, તેમાંથી તેમજ આપણા ભૂતકાળના મહાન ચિંતકોથી સબકો અને શિખામણો ગ્રહણ કરવા વધારે અને વધારે કામ કરવામાં આવશે.
         
તે જ્ઞાનના ખાતર જ્ઞાન હાંસલ કરવાની વાત નથી; તે ખુદાના સર્જનને વધારે સારી રીતે સમજવા માટે જ્ઞાન હાંસલ કરવાની વાત છે.

(૨૦૬/૨૩૬) ફક્ત અલ્લાહ જ પરિપૂર્ણ છે. અન્ય રીતે કોઈ પણ પરિપૂર્ણ નથી. આપણે સારી રીતે કાર્ય કરવા કોશિષ કરીએ છીએ, પરંતું આ ધરતી ઉપર આપણે પરિપૂર્ણ નથી.

(૨૦૭/૨૩૮) બની શકે ત્યાં સુધી જોખમોની જવાબદારી લો. જોખમોની જવાબદારી લેવી એટલે કે તકો ખોજવી.
          
સિરાત-અલ-મુસ્તકીમના માર્ગ ઉપર ટકી રહો. ભટકતા ન રહો. તમારા મનમાં એ માર્ગ ઉપર રહેવા સ્પષ્ટ રહો.

(૨૦૮/૨૩૯) એ કદી ન ભૂલશો, એ કદી પણ ન ભુલશો કે વ્યક્તિનો માત્ર એક જ ભાગ જે અનંત છે એ તેનો રૂહ છે. તે શારીરિક રીતે અનંત નથી.

(પેજ-૨૪૦) કાબેલીયત ઉપર આધારીત સમાજનો વિચાર એ એક બહેદ મહત્વનો વિચાર છે.

(પેજ-૨૪૧) તમારા સમગ્ર જીવન દરમ્યાન પોતાને શિક્ષણ આપતા રહો. શિક્ષણ મેળવવાનો વિચાર મૂળભૂત છે.
     
તમારા જીવન દરમ્યાન પોતાની લાયકાતો વધારવાની કોઈપણ તકને ન ગુમાવો.

(૨૦૯/૨૪૪) શીયા ઈસ્લામમાં અક્કલને અને એ અક્કલને વિચારવા, છણાવટ કરવા અને ઊંડાણપૂર્વક ગ્રહણ કરવા, તેમજ રૂહાની અને દુન્યવી બાબતો વચ્ચેના એ પુલને તમારી જીવન જીવવાની રીત સાથે સતત એક તાલ બનાવવા માટેની ક્ષમતાને વિકસાવવાને મહત્વ આપવામાં આવ્યું છે.

(પેજ-૨૪૫) તમારી ઓળખ જાળવી રાખો, તમારી ઈમાનદારી જાળવી રાખો અને પોતાને ભવિષ્ય માટે સારી રીતે તૈયાર કરો.  ખાનાવાદાન.

(૨૧૧/૨૪૭) સવાલ માત્ર એટલો જ નથી કે મેં શું મેળવ્યું છે, સવાલ એ છે કે બીજાઓ મેળવવા પામે તે માટે મેં શું મદદ કરી છે, એ વિચાર ઈસ્લામમાં સામાજીક ઈમાનદારીનો છે.

(પેજ-૨૪૮) આપણી નીતિમત્તામાં, ઈસ્માઈલીમાં, શીઆ ઈસ્માઈલી નીતિમત્તામાં, અલ્લાહનો વિચાર અને તમારા દરરોજના જીવનમાં અલ્લાહની મૌજુદગી ઘણી જ અર્થપૂર્ણ છે.

(૨૧૨/૨૫૦) આ વિશ્વવ્યાપી દીનધર્મને તેના ૧૪૦૦ વર્ષોના ઇતિહાસમાં અને એક અબજ કરતાં પણ વધુ લોકો દ્વારા તેના પાલન દરમ્યાન જુદાં જુદાં અર્થઘટનો આપવામાં આવ્યા છે. 
     
પરંતુ આપણે કદાપી એ બાબતની ઉપેક્ષા ન કરવી જોઈએ, કે એવા મૂળભૂત સિધ્ધાંતો અને માન્યતાઓ છે, જે સર્વે મુસ્લિમોને એક સાથે બાંધી રાખે છે. તે છે; અલ્લાહનું એકપણું અને પયગમ્બર હ. મુહમ્મદ સ.અ. તેના છેલ્લા અને આખરી ૨સૂલ હતા. આ એવી દ્રઢ માન્યતાઓ છે; જેમા પ્રત્યેક મુસ્લિમ સહભાગી બને છે. 

(પેજ-૨૫૧) અલ્લાહની માનવજાત માટેની સૌથી મહાન ભેટ, આપણી અક્કલનું રક્ષણ કરવું જોઈએ અને તેને આગળ વધારવી જોઈએ તેને નુકશાન પહોંચાડવું ન જ જોઈએ, ઓછામાં ઓછું તેનો નાશ તો ન જ કરાય.
        
ઈલ્મ-જ્ઞાન જ્યાંથી પણ મળી શકે ત્યાંથી મેળવવું જોઈએ પરંતુ તેનો ઉપયોગ આપણા દીનધર્મની નીતિમત્તાની અંદર રહીને કરવો જોઈએ.

(પેજ-૨૫૨) આપણે આપણા જીવનની પવિત્રતાને સંપૂર્ણપણે માન આપવું જોઈએ. ખુદ પવિત્ર કુર્આન ફ૨માવે છે, અને જે કોઈ એક જીવને બચાવે છે, તેણે જાણે આખી માનવજાતને બચાવી લીધી.

(૨૧૬/૨૫૪) તમે જે નીતિરીતિ સાથે રહો છો, તેમજ તમારા ધર્મના પાલન સંબંધી આશયની પ્રમાણિકતા, એ બન્ને મૂળભૂત માપદંડો છે. 

(૨૧૭/૨૫૪) જ્યારે અલ્લાહ મુસ્લિમોની કસોટી કરે છે ત્યારે તેઓએ, અલ્લાહે તેમને નવાજેશ કરેલ અક્કલથી તેનો સામનો કરવો જોઇએ. ....જમાતે નિરાશાજનક હાલતમાં જીવવું ન જોઈએ, પરંતુ તેઓએ હિંમતની, દ્રઢ સંકલ્પની તેમજ દ્રઢ મનોબળની હાલતમાં જીવવું જોઈએ.

(૨૧૯/૨૫૮) અમારા રૂહાની બચ્ચાઓ શિક્ષણનો વિચાર, માત્ર ભૌતિક ફાયદો મેળવવા માટે, આગળ વધવાના એક સાધન તરીકે જ કરે, તો પછી તે બૌદ્ધિક અહંકાર અને ભૌતિક લાલસાને જન્મ આપે છે. 
       
શિક્ષણનો અર્થ અને તેનો ઉપયોગ સાચી સમજણ ઉપર આધારિત હશે. શિક્ષણ કાંઈ માનવીય મૂલ્યોને તજી દેવા માટે નથી, અથવા તો તેને રૂંધી દેવા માટે નથી. તે સમાજને, ખોટા આડંબર અને લાલચ ભરેલા માર્ગે નહી, પરંતુ નમ્ર અને આભારવશ માર્ગે કાર્ય કરવા શક્તિમાન બનાવવા માટે છે. 

(૨૨૧/૨૬૦) ઈસ્લામ આપણને ફરમાવે છે કે અલ્લાહના સર્જનને વધુ સારી રીતે સમજવા માટે, એટલે કે, ધર્મના અર્થની વિશાળ સમજણ મેળવવા માટે, આપણે પોતાને શિક્ષિત બનાવવા જોઈએ. શિક્ષણનો હેતું માત્ર દુન્યવી જીવન જ નથી. રૂહાની જીવનને પણ સમજવું ઘણું સારૂં છે.

(પેજ-૨૬૨) માનવ સમાજમાં કદી પણ આટલું બધું સારું જ્ઞાન, સાધારણ પ્રકારનું જ્ઞાન અને ખરાબ જ્ઞાન લોકોને મળવા પામ્યું નથી. એટલા માટે કયું જ્ઞાન સારું છે, કયું જ્ઞાન સાધારણ કક્ષાનું છે, અને કયું જ્ઞાન બિલ્કુલ જ્ઞાન જ નથી, એ તો માત્ર એવી જાણકારી જ છે, જે સમાજ માટે સારી નથી, આ વિશેના ફેંસલાઓ, સંભાળપૂર્વકના ફેંસલાઓ તમારે કરવા પડશે. ....એટલા માટે, માત્ર ભૌતિક (પાસા)માંથી જ નહિ, પરંતુ રૂહાની (પાસા)માંથી પણ જ્ઞાન મેળવવું જ જોઈએ. ....ઈસ્લામમાં શિક્ષણ, સર્વોત્તમ શિક્ષણ, એ શિક્ષણ છે કે જે આપણા ધર્મની નીતિમત્તાના સિદ્ધાંતોમાં સમાયેલું હોય.

(૨૨૨/૨૬૪) ઈસ્લામ કહે છે : તમે જ્ઞાનનો ઉપયોગ ખુદાના સર્જન વિશે વધારે શીખવા અર્થે કરો. 

(૨૨૪/૨૬૮) ભૂતકાળના આપણા મહાન ફિલોસોફરો, આપણા મહાન ઈતિહાસકારો, આપણા મહાન કવિઓની હિકમત તથા વિચારસરણીમાંથી લાભ હાંસલ કરવાની એક તક છે. ....અમારા રૂહાની બચ્ચાંઓ, ખાસ કરીને નવયુવાનો, આ અદભુત પ્રણાલિકા સુધીની પહોંચ ધરાવીને પરિપકવ થાય, મોટા થાય, અને તેમાંથી ઈમાન, ખુશી તથા માર્ગદર્શન મેળવવા શક્તિમાન થાય. ખાનાવાદાન.

(૨૨૮/૨૭૨) અલ્લાહ ફ૨માવે છે કે ઈન્સાન તેનું શ્રેષ્ઠતમ સર્જન છે. આ શ્રેષ્ઠતમ સર્જનને કઈ ચીજ બીજાઓથી અલગ પાડે છે ? તે શું છે ? એ અક્કલ છે. બીજું કાંઈ નથી.

(૨૨૯/૨૭૪) સમતુલામાં માત્ર વ્યક્તિની રૂહાની જવાબદારીઓની પરિપૂર્ણતા જ નહીં, પરંતું  જ્ઞાન મેળવવાની જવાબદારી અને બીજાઓના ભલા માટે તેનો ઉપયોગ કરવાની જવાબદારી પણ આવી જાય છે. ખાનાવાદાન

(૨૩૨/૨૭૭) અમારી જમાત એ જાણે કે આ બાબત ઉપર કોઈપણ બાંધછોડ કરવામાં આવશે નહિ. આપણા તરીકાનું સત્ત્વ એ આપણા તરીકાનું સત્ત્વ રહેશે.

(૨૩૩/૨૮૦) એ ધ્યાનમાં રાખો કે જીવન અનંત નથી. શારીરિક જીવન પછી તમે અનંત જીવનમાં દાખલ થાઓ છો. એટલા માટે, જમાતખાનામાંની તમારી હાજરીમાં, દુઆ-બંદગીની નિયમિતતામાં બાંધછોડ કરો નહિ.
        
તમારા ઉપરના જીવનના દબાણોથી અમે વાકેફગાર છીએ. પણ તેનો અર્થ એ નથી થતો કે તમે જમાતખાનામાં નિયમિત રહેવા માટેના સમય કે ઈચ્છાને તજી દો.
      
સમયે સમયે ફક્ત તમારી તસ્બિહ લો, ફક્ત તમારી તસ્બિહ લો. અલ્લાહ પ્રત્યે તમારો ઉચ્ચ આદરભાવ વ્યક્ત કરવા, હઝરત અલીના નામને યાદ કરવા, થોડી સેંકન્ડો અર્પણ કરો, જેથી આ હંમેશ માટે તમારા રોજિંદા જીવનનો એક ભાગ બની રહે. તે હાંસિલ કરવું મુશ્કેલ નથી. તમે તે કરી શકો છો. 

(૨૩૪/૨૮૧) બીજાઓને જાણ થયા વગર પણ, સરળ રીતે તમારા ધર્મને યાદ કરીને, યાદ કરીને, યાદ કરીને, યાદ કરીને, પાલન કરી શકો. 

(૨૩૫/૨૮૬) આપણી પાસે આત્મ વિશ્વાસની એવી સૂઝ છે કે, આપણે આગળ વધી શકીએ તેમ છીએ, આનો અર્થ એવો નથી કે ભવિષ્યમાં દરેક બાબત ગુલાબનો એક બગીચો બની જશે. સામાન્ય રીતે ગુલાબના ફૂલ જવલ્લે જોવામાં આવતા ફૂલો છે, તે મુશ્કેલી ભરેલ આબોહવામાં સારી રીતે ટકી રહેતાં નથી, અને તેમને માવજતની જરૂરત હોય છે, તેમજ તેમને પાલન-પોષણની જરૂરત હોય છે. 

(૨૩૬/૨૯૯) મઝહબની સતત યાદદાસ્તનો (યાદગીરીનો) આ અમલ એ અમલ છે કે જેને અમો ઉંચામાં ઉંચી મહત્ત્વતા આપીએ છીએ.

(પેજ-૩૦૦) તસ્બિહ ઉપર સીધે સાદી રીતે પયગમ્બર સાહેબનું નામ, હઝરત અલીનું નામ અથવા ઈમામોના નામ લઈ સતત પણે ગુજારવામાં આવતો આધિનતાનો એ અમલ તમને સુખની અનેક સેકન્ડો આપશે, પણ તમારા મઝહબના રોજિંદા અમલમાં તે સેકન્ડોનો અર્થ કલાકોનો અને દિવસોનો થશે. 
    
અમો તમને અમારા ખાસ દુઆ-આશિષો ફરમાવીએ છીએ કે જો તમે આમ કરો તો તમને સુખ હાંસલ થાય, રૂહાની રોશની હાંસલ થાય, દુનિયાના દબાણોમાં રાહતની પળો હાંસલ થાય.

(૨૩૭/૩૦૨) દિવસ દરમિયાન તમારી તસ્બીહ લ્યો. અને દિવસમાં જેટલી વખત શક્ય હોય એટલી વખત અલ્લાહને યાદ કરો, હ. અલીને યાદ કરો, ઈમામોના નામ લ્યો, અને આ યાદ કરવામાં વધું સમય જતો નથી. તે આનંદથી અને નોખી રીતે તે યાદ કરી શકાય છે.

(૨૩૮/૩૦૪) જ્ઞાનની શોધ કરતી વખતે યાદ રાખો કે આપણા તરીકામાં જ્ઞાન એ ઈમાનનું પ્રતિબિંબ છે. જ્ઞાન છે તે ઈમાનનું પ્રતિબિંબ છે. 

(પેજ-૩૦૫) અમારી જીંદગીનો એવો એક પણ દિવસ પસાર થતો નથી કે જ્યારે અમો અમારી જમાતને યાદ કરતા ન હોઈએ કે જમાત માટે કાર્ય કરતા ન હોઈએ.

(૨૩૨/૨૭૭) તમારી જાતને શિક્ષિત બનાવો. અને અમે ઈમાનની મજબૂતી માટે, સિરાતલ્ મુસ્તકીમ ઉપર રહેવાની શક્તિ માટે, તમારી સારી તંદુરસ્તી માટે, તમારા લાંબા જીવન માટે, તમારી ઉમેદોની પરિપૂર્ણતા માટે અને તમારા કુટુંબોમાં એકતા માટે અમારા ઉત્તમ, ઉત્તમ હેતપૂર્વકના પ્યાર ભર્યા દુઆ-આશિષો ફરમાવીએ છીએ.
ખાનાવાદાન, ખાનાવાદાન, ખાનાવાદાન.

(પેજ-૩૦૩) તમારી જમાત માટે અમો આશા રાખીએ છીએ કે તમારા હૃદયમાં રૂહાની પ્રકાશ પથરાય.   ખાનાવાદાન.

યા અલી મદદ