ખાનગી ફરમાન
રેકોર્ડીંગ - ૧
રેકોર્ડીંગ - ૧
*** ફક્ત બૈતુલખ્યાલ મંડળી માટે ***
હક મૌલાના સરકાર આગા સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાઝર ઈમામે ફરમાવ્યું કેઃ-
પેજ(૧) ત્રીજી વખત ફરમાવું છું કે હાઝર ઈમામને ઓળખીને મારીફતનો ગમ કરવો એ મારીફતને ઓળખવા સીવાય બધું ખોટું છે ,તમારા ઈમામ હૈયાત બેઠા છે, તેટલા માટે મારીફતનો ગમ કરવો, તે પણ હાઝર ઈમામને ઓળખીને મારીફતનો ગમ કરશો તો તમને ફાયદો છે.
પેજ(૨) મુખી કારભારી અને ખાસ પંજેભાઈઓને કહીએ છીએ કે તમો જલ્દીથી ખુદાના દિદારને પહોંચો અને આ ક્રિયાઓ ઉપર અમલ કરોઃ જે ખોટું ન બોલવું, નિંદા ન કરવી.
(૧) ખરાબ વસ્તુ ન વાપરવી.
(૨) કાળ ક્રોઘ ન કરવો.
(૩) સ્પર્શ ઈન્દ્રિય વશ રાખવી અર્થાત બદ નજર ન કરવી.
(૪) દરેક ઠેકાણે ખુદાને હાઝર સમજવું.
(૫) સંગત સારા જ્ઞાનિ માણસની કરવી, બીજા કોઈની ન કરવી.
૧. લોભ ૨. લુચ્ચાઈ ૩. ખોટી સાક્ષી ૪. આપ હત્યા ૫. બાળ હત્યા૬. ચોરી, આ બઘી વાતો ગુનાહની છે, તેમાંથી એક કરશો તો બધા ગુનાહો સામેલ થશે, તેમાં સંભાળીને ચાલવું, પોતાના ખુદાને હાઝર કરી સમજવું, ગુન્હાના કામથી હંમેશા દૂર રહેવું. જે ખુદાએ ફરમાવ્યું છે તેના ઉપર પળે પળ ઘ્યાન આપી ચાલવું અને ખુદાને હાઝર સમજવું.
પેજ(૨,૩.) ૧. વધુ બોલવું ન જોઈએ. ૨. વગર પૂછીયે જવાબ ન આપવો કારણ કે મગજની નુકસાની છે, તેથી ધ્યાનની પણ નુકસાની છે કે બેઠક નહીં થશે પારકો હક ખાઈ જવો ન જોઈએ.
ઝીકર ફિકરમાં હોંશિયાર રહેવું.
પેજ(૮) જે ઈબાદતમાં તમારા જેવી ઈબાદત કોઈ પાસે નથી. તમારી પાસે સોનાનો ગાંગડો છે અને બીજાઓના સોનાના ગાંગડાની પૂછવાની શું જરૂર છે ? તમો તમારા સોનાના ગાંગડાની સંભાળ કરજો. બીજાનો લેવા જશો તો ચોરી છે. તમારા પાસે જે ગાંગડો છે એ જ હલાલ છે. બીજા પાસેથી લેશો તો હરામ છે, આ સોનુ હકીકતી છે. આજ સોનુ તમોને કામ આવશે.
તમો તમારા દીન પર મજબુત રહેજો. તમો તમારા દીન માટે જાન, માલ ઔલાદ, બધું કુરબાન કરો. તમે મોટું કામ કરો છો તે શું સમજો છો ?
તમે કાંગવો ભરો છો તે લવીંગના ખોબા ભરીયા, એટલે બસ એમ નથી. ફરમાવ્યું જે તમો કાંગવો ભરો છો તેમાં પહેલો ખોબો ભરો છો તેનો મતલબ એ છે જેતમારી ઝબાન એમોને આપી, બીજા ખોબામાં જીવ અને શરીર આપ્યું, ત્રીજા ખોબામાં પોતાનો અસલ રૂહ કાયમ છે, જેને કાલીબ પણ કહેવામાં આવે છે, તે પણ અમોને સોંપ્યો છે. આ ત્રણે ચીજો તમોએ ગીરવી રાખી છે તે તમો લઈ લીઓ છો. તમોએ જે બૈયત કરી છે તે કોઈ વખતે પણ તોડી ન નાખજો.
પેજ(૧૦) ઝીકર બંદગી છે તેમાં તમો ગુલાબની માફક છો યાને ફુલ છો અને બીજા જે છે તે ઝાડ છે.
તમે એવી રીતે મહેનત કરો કે ફુલ થાઓ.
તમે હમણા એવી મહેનત અને ખિદમત કરો કે જેમાંથી ઈશ્ક અને મોહબ્બત પેદા થાય. મારા ઘરની ખિદમત ઘણા તરેહની છે, તેમાં ઈશ્ક અને મોહબ્બતથી - દિલની મોહબ્બત કરો.
તમો દસ જણા એક વખતે એક દિલ થાઓ તો એક વખતે આખી દુનિયાને તોડી નાખી અને ફરી પાછી બનાવી શકો.
એક બાજુ થોડી વાર બેસીને અમારા ફરમાનનું ધ્યાન, ફરમાનનો ખ્યાલ કરો. બાદ ઘણી આશિષ ફરમાવી.
પેજ(૧૧) ઈમામ ખુદાવંદ છે તે બાતુની મદદ આપે છે અને જાહેરી મદદ આપવી તે જમાતનું કામ છે.
પેજ(૧૨) અમો એવો ખ્યાલ નથી કરતા કે એક, બે, દસ, વીસ, પચાસ, અમો તો એમ ઈચ્છીએ છીએ કે તમારામાંથી બસો માણસો ફીરસ્તા જેવા થાય.
પેજ(૧૩) કામ પર બેસો ત્યારે એવું દિલ જોઈએ કે જો તલવાર મારવામાં આવે તો પણ ખબર ન પડે. ફરમાવ્યું કે એજ કામ પર ધ્યાન આપવું જોઈએ, ત્યારે બહારનો કોઈપણ ખ્યાલ કરવો ન જોઈએ, ઓરડામાં બેઠા હોય અને માણસો આવતા હોય, અવાજ થાય, બોલતા હોય, તો પણ કાંઈ ન સાંભળો, મીસાલ માણસનો મુડદો પડ્યો હોય એ પ્રમાણે જોઈએ. દિવસના ચોવીસ કલાક છે તેમાં બે કલાક પેલી દુનિયામાં હો, બાકી બાવીસ કલાક આ દુનિયામાં હો.
આ દુનિયામાં જ્યાં સુધી હૈયાત છો ત્યાં સુધી ફિરસ્તાઓની હદના થાઓ, પણ મુવા બાદ ફિરસ્તાથી ઉપર જાઓ.
ઈન્સાનને શેતાન હઝાર તરેહની બાજી આપે છે, દીનના સાચા હોય છે તે બાજીમાં નથી આવતા.
પેજ(૧૪) તમારા હાથમાં દરેક ચીજ છે. નૂર તમારા દિલમાં છે, માટે નૂર તમારા દિલમાં હોવા છતાં ખરાબ કામ કરો એજ ઘણું ખરાબ છે. તમારા દિલમાં ખરાબ ખ્યાલ આવે તે ઘણું પાપ છે.
તમે મોમન છો, ઈમાની છો, પણ મગરૂર ન થવું. એવો ખ્યાલ કરો જે સારા થયા તે બસ છે. એમ ન સમજવું જે ઉપર ચડી ગયા તો બસ. મિસાલ એક દાદર ચડ્યા એટલે દિલમાં એમ ન સમજશો કે અમે ચડી ગયા, બસ છે, તો તમે નીચે ઉતરી જશો. પણ પગથિયે પગથિયે ઉપર ચડો, તેની આ હદ નથી, લા હદ (જેની હદ નથી એ) છે. હમેંશા ઉંચે ચડવું, નીચે ન ઉતરવું.
પેજ(૧૫) એક દિલ થઈ ત્રણ જણા ચાલો. એક વખત એકસો માણસ એક તરફ હતા, તેમાં બે માણસોએ એકસોહ માણસોને હટાવી દીધા, તેમાંથી એક દાનેશમંદે કહ્યું, જે બે એક દિલ હતા અને એકસોના દિલ જુદા જુદા હતા તેથી તેઓને હટાવી દીધા. તમો ત્રણ જણા એક દિલથી ચાલો તો ત્રીસ લાખ જેવા છો, ખાનાવાદાન.
પેજ(૧૬) તમો મોટું કામ કરો છો ત્યારે જાણે કે બંગલાની અંદર દાખલ થયા છો. મારી હકુમત (સત્તા) જે શખ્સ બંગલાની અંદર દાખલ થાય છે તેના પર છે. જે શખ્સ બંગલાની બહાર છે તેના પર નથી. ત્યારે તમારી ફરજ છે કે જે પ્રમાણે અમો તમોને હુકમ ફરમાવીએ અને કોઈ વખત મદદ માગીએ ત્યારે તમોએ બરાબર તેના માથે અમલ કરવો જોઈએ.
જ્યારે તમે શેતાનની બાજી ખાશો અને બરાબર નહી ચાલશો ત્યારે અમો બીજા સારા ક્યાંથી ગોતવા જઈએ ?
પેજ(૧૭) તમો એક મરદ પહેલવાન જેવા થાઓ, કે ગમે તેટલો પણ બોજો હોય છ્તાં શુરાપણથી પહાડ માથે પણ ચાલ્યા જાઓ.
ઈલમ, ઈમાન, અને આમાલ સારા હોય તો મોમન ઘણોજ જલ્દીથી સાતમા આસમાન માથે પહોંચી શકે છે.
ઈન્શાઅલ્લાહ, તમો બરાબર એકદિલી રાખીને તમારૂં કામ શુરાપણથી બજાવો.
પેજ(૧૮) દરવાજો એ બંધ કરો જે તમારૂં મન ભટકે છે તે દિલના દરવાજા બંધ કરો અને બહારના ખ્યાલ આવવા ન દીઓ. જો કોઈ આવે તેને તલવારથી યાને યા અલીના જાપથી કાપી નાખો યાને તલવાર એ છે. ફરમાવ્યું જે બત્તી ઝાંખી કરો છો તે આ બત્તી બળે છે તે નહીં પણ જે નીંદરની બત્તી છે એ ઝાંખી કરો, જેથી કરીને દિલની બત્તી રોશન થાય.
પેજ(૧૯) આ જાપ નુરને જોવા માટે છે.
તમારાથી ઈમામ હુસેનને કતલ કરવા વાળા હઝાર દરજજે સારા હતા, કારણ તેઓએ ઈમામત જે ચીજ છે તેને શહીદ કરેલ નહીં પણ તમો જે મારા ફરમાન પ્રમાણે નથી ચાલતા તે મારી ઈમામતને ઓછી કરો છો યાને કતલ કરો છો, ત્યારે તમો પણ તેઓ કરતા ખરાબ છો.
તમે લોકો એમ સમજો છો કે સાહેબની નોકરી ન કરવી. ત્યારે અમારી ખિજમત અને નોકરી નહી કરો ત્યારે અમારા મુરીદ શેના ?
પેજ(૨૬) તમો આ ચીજ લીઓ છો અને તેના ઉપર પ્યાર નથી રાખતા એ ઠીક નથી. ફરમાવ્યું કે તમારૂં એક નાનું બચ્ચું હોય તેને તમે જ્યારે તેડો છો ત્યારે પ્રથમ તમારા દિલની અંદર ઉલટ આવે છે. પછી તમારૂં મન તેના માથે જાય છે. પછી તમારી આંખોની અંદર રહેમ છુટે છે, ત્યારે તમે તેને હાથમાં લઈને પ્યાર કરો છો. જેમ એક માણસ આંઘળો હોય તેનું બચ્ચું તેની પાસે આવે છે. ત્યારે તેને પણ દિલમાં ઉલટ પેદા થાય છે અને તેનું મન તેના માથે જાય છે. ત્યારે તેને પ્યાર કરી તેડે છે, તેમ આ ચીજ પણ એવી છે. બાદ ફરમાવ્યું કે અમોને તમે પોતાના દિલમાં હાઝર દેખજો. તમે જ્યારે જમાતખાનામાં આવો ત્યારે પણ અમોને હાઝર દેખજો.
પેજ(૨૭) બાદ ફરમાવ્યું કે તમારૂં શરીર છે તે એક ગામ મીસાલ છે અને તેની અંદર તમારો રૂહ તથા પંજભુ અને મન વિગેરે છે.
જેમ એક ગામ હોય અને તેની અંદર બે રાજા ભાગીદાર હોય તેમાંથી એક રાજાની મરજી હોય તો એ ગામથી આસ્તે આસ્તે પોતાની વસ્તીને તાબે કરીને પછી ગુપ્ત રીતે વસ્તી વધારીને પોતાનું જુદું ગામ બનાવતો જાય. તેમ તમે પણ શરીરની અંદર પોતાના રૂહને સાતમા આસમાન પર એટલે ઉંચે લઈ જવા માટે સાંકળની કડીઓ એક એક કરીને બનાવતા જાઓ, તો તે સાંકળ છેક સાતમા આસમાન સુધી જશે, તેથી કરીને તમો એ સાંકળના આધારે ઉંચે ચડી શકશો. માટે તમારા દિલમાં એ સાંકળ રોજ એક (આમ કરીને ધણી સલામત દાતારે પોતાની આંગળીઓ મીલાવી આંકડા કરીને ફરમાવ્યું કે) આ પ્રમાણે રોજ રોજ સાંકળ બનાવવાનું ચાલું રાખો તો ઉંચે ચડી શકશો. ખાનાવાદાન.
પેજ(૨૯) ખાસ કરીને જે રૂહાનીના રસ્તા છે તે પ્રમાણે વર્તો. અલહમ્દુલિલ્લાહ એ રસ્તો તમોને મળ્યો છે. તમોને દેખાડીયો છે પણ ચાર કડીઓની સાંકળ મિસાલ છે.
પહેલે તમે જુદાઈનો ખ્યાલ કરો કે અમે પોતાના અસલથી જુદા થયા છીએ, બીજુ એવા ખ્યાલને હંમેશાં મગજમાં ભરી રાખો. એટલે કે ભુલી ન જવું અને હંમેશાં યાદ રાખવું અને વાસલ થવાની દિલમાં ચાહના કરો, તે માશુક સાથે મિલાપ થાય એવી રીતે ચાર કડીઓની એક સાંકળ થઈ.
(૧) જુદાઈનો ફિરાક (૨) એ મગજમાં ભરી રાખવું. (૩) દિલમાં તેની ચાહના કરવી (૪) વાસલ થવું.
આ ચાર કડીંઓની જે સાંકળ બની તે રસ્તો રૂહાનીનો છે. માટે તેનો હંમેશાં ખ્યાલ કરતા રહેજો, કે જેથી તમે તમારા અસલ મકાન પર પહોંચો.
પેજ(૩૦) હવે ખ્યાલ કરો કે તમારૂં અસલ શું છે ? કોઈ કહે છે મારૂં અસલ આદમથી છેઃ તો આદમથી તમારા જીસમ થયા છે.
પણ તેની પહેલા તમારૂં અસલ ‘આલમ ઝરે’ અર્થાત ઝીણા રજકણ જેવા (ઝરા) પરંતુ તે ઝરા તમે ‘આલમ ઝરે’ના વખતથી થયા છો, પણ તેની પહેલા શું હતા ?
ઝરાથી પણ ઝીણાં "લા" અર્થાત નિરાકાર કહેવાય છે તે હતા. તો ત્યાંથી તમે ઉતરતા ઉતરતા આ જીસમની અંદર બંધાણા છો. વાસ્તે જીસમથી પોતાને છુટો કરો તો પોતાના અસલમાં વાસલ થાઓ.
પેજ(૩૧) પોતાના રૂહને જીસમથી જુદો કરશો, તે એવી રીતે કે જે રસ્તો તમે અખ્તીયાર કર્યો છે તો એના પર બરાબર ખ્યાલ રાખો અને ખરાબીઓ છે તે દુર કરો. ખાસ કરીને મોટી ખરાબી એ છે કે એક બીજાની દુશ્મની કરવી.
જે બેફરમાનીના કામો છે તે મુકી દીઓ અને ઈબાદતમાં ખ્યાલ પુરો રાખો અને વખતો વખત સુધારા વધારા હાંસલ કરતા જાઓ જેથી તમારો રૂહ દેહીથી જુદો થાય અને પોતાના અસલમાં અર્થાત નૂરમાં મળી જાય. ખાનાવાદાન.
પેજ(૩૫) કેદખાનામાં , દરીયામાં, ગમે તેમ થાય પણ જ્યાં સુધી જાન છે ત્યાં સુધી આ કામને મુકજો નહિ. ફરમાવ્યું કે આ કામ ઘણું આસાન કરવાનું છે પણ એક શરત છે, ચોવીસ કલાકની અંદર એક, બે કલાક તમે જો ખ્યાલ કરશો, તે પણ બીજે ઠેકાણે ન જજો, બંદગી પર બેસો ને ખ્યાલ બીજે ઠેકાણે હોય તો ફાયદો નહિ થાય યાને એ વખતે તમારો ખ્યાલ એજ બંદગીમાં હોય તો ફાયદો થાય. તમે પોતાના ખ્યાલને બીજે ઠેકાણે દોડાવો તો નૂર તમારા ઘટમાં કેમ આવીને બેસે ?
પોતાના દિલમાં જે ખ્યાલ છે તેને મજબુત કબજે રાખો.
પેજ(૩૫,૩૬) ખુદા ન કરે ને બંગલો તુટી પડે તો પણ તમને ખબર ન પડે. જેમ હોસ્પિટલમાં એક માણસને દવા સુંઘાવે છે ત્યારે તે બેહોશ થાય છે, એવી રીતે પોતાના ખુદાના ઈશ્કની મસ્તીમાં હો ત્ચારે તમને પણ ખબર ન પડે. ખુદાનો ઈશ્ક યાને જે વખતે ઈબાદત હકીકી કરો તે વખતે તમો એવા થઈ જાવ જેમ પયગમ્બર મએરાજ કરવા ગયા. મએરાજની માફક રૂહને ઊંચે મોકલી દીઓ. તમે એક કલાક મરીને જીવતા થાઓ. મરવું અને જીવતા થવું તમારા હાથમાં છે. તમોને એવો ખ્યાલ થાય જે પેલી દુનિયામાં જવું, તો તમે રૂહને મોકલી શકો છો. ફરમાવ્યું કે એ સાચું અને ઘણું મુશ્કેલ છે, પણ ધીમે ધીમે કાંઈ મુશ્કેલ નથી.
હમણા રોજ અડધો કલાક પોતે કસરત કરે, વરજશ કરે. આખું શરીર કસરત કરે, તો એવી રીતે શરીર શક્તિ હાંસલ કરે છે અને કુવ્વતદાર થાય છે. તમારી પણ એવી રીતે વરજશ યાને કસરત છે. તમે એવો વિચાર કરો કે હું મએરાજ જાઉ તો તે કાંઈ મોટી વાત નથી, પણ તમે નહિ જઈ શકો, કારણ કે તમોએ તાલિમ નથી લીધી. વરજશમાં શું થાય છે ? ખ્યાલ કબજે રાખો તો પછી કામ થાય છે. આ કામ પર જ્યારે તમે બેસો છો ત્યારે બીજા ખ્યાલો મુકી દીયો, પરંતુ એજ ખ્યાલ પર રહો.
પેજ(૩૭)એક મિનિટની પાકી બંદગી બે વરસની કાચી બંદગી કરતાં વધારે છે.
એકજ જગ્યા ઉપર બેસો તો વધારે સારૂં છે. એક મિનિટ પાકી ઈબાદત ઘણી સારી છે. બે વરસની કાચી ઈબાદત કરતા એક મિનિટ પાકી ઈબાદત ઘણી સારી છે.
આ જે મોટું કામ તમે કરો છો ત્યારે અમો તમોને દીનનો દરવાજો દેખાડીએ છીએ, હવે એ દરવાજો ખુલ્લો છે. તમો અંદર આવો અથવા તો બહાર રહો એ તમારી મરજી. જે આ કામ લઈને ઈબાદત નથી કરતો તેનું ઈમાન આસ્તે આસ્તે ચાલ્યું જાય છે. રાતના બાર વાગ્યા પછી અફતાબ (સૂરજ) ઊગે ત્યાં સુધી તમે જેટલી ઈબાદત કરો તે બધી ઉપર ચડે છે. ખાનાવાદાન.
પેજ(૩૮) પહેલા તમારા રૂહને પાક કરો. જે રસ્તાની તમને માહિતગારી છે, તે રસ્તા ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ. આવી રીતે રૂહ પાક થશે. તમારા મરણ બાદ તમારો રૂહ પાક થવાથી બીજી દુનિયામાં જશે. કારણ કે રૂહ ખુદાનું નૂર છે. જેમ એક આગનું તણખલું મોટા ઢગલામાં નાખીએ તો એક થઈ જાય. તમારો રૂહ મળી જશે તે નૂર એક થઈ જશે એ પણ મરવા વખતે, પણ હૈયાતીમાં નહિ. જીસ્મને ન જોવું પરંતુ રૂહનો ખ્યાલ કરો. શુકર છે કે તમે બધા રૂહાની રસ્તા પર છો, જે રસ્તો તમોને મળ્યો છે. રૂહના રસ્તા ઉપર ચાલવા માટે શરીરની પણ જરૂરત છે.
પેજ(૩૯) તમને જે કામ આપીએ છીએ તે સખત નથી. તે બચ્ચું પણ કરી શકે એવું થોડું કામ આપીએ છીએ, તેમાં કાંઈપણ કસુર કરવી ન જોઈએ.
પેજ(૪૧) તમે ઘણા ઈમાનદાર છો અને ઈમાન છે તે નૂર છે, ત્યારે તમે નૂરને જુઓ તો અસલ મકાન પર પહોંચો.
આ કામ શા માટે છે તેનો મતલબ ન સમજો, તો જેમ ગધેડાને હીરો મળે અને ગળામાં બાંધે, ગધેડો તેની કદર નથી સમજી શકતો, એ મિસાલ તમારી છે, માટે હમણા તમે કોણ છો ? અને ક્યાં જશો ? અને તે કેવી રીતે જશો ? તેનો મતલબ સમજો. તમે પોતાને ઓળખો તો તમને અસલની ખબર પડે.
પેજ(૪૨) તમે યાદ રાખો કે જ્યાં સુધી તમને એટલી કમ-તાકાતી હોય જે બે થી ચાર જણાં તમને પકડીને મિજલસમાં લઈ આવે ત્યાં સુધી તમને આવવું વાજબ છે. ઘણી અફસોસની વાત છે, તમારી ખુદા એવી હાલત ન કરે તો ઘણું સારૂ. કેમ કે એવા વખતે ઈન્સાનથી ઈબાદત થઈ શકતી નથી.
માટે તમને જે કામ મળ્યું છે તે કોઈ વખતે નુકશાનીમાં ન જાઓ તેના માટે છે, ન કે ઈબાદતમાં કાહેલી કરવા માટે છે. માટે જે શખ્સ ઈબાદતમાં કાહેલી કરે છે તો સમજો કે તેના ઈમાનમાં હરકત થાય છે. આ તો પહેલી નિશાની છે, માટે તમે જવાંમર્દ થાઓ. જે પોતાના વખત પર મિજલસમાં આવી પહોંચો.
મિજલસની બે રાતો આવવું વાજબ છે, એ ન ભૂલજો. તો તમને દીનની તથા તમારા રૂહની ખબર પડે. જો તમે રૂહાની ઈલમ નહિ સાંભળો તો તમને ખબર કેમ પડશે ?
પેજ(૪૩) ફીરસ્તા થવું અને તેના કરતાં આલા (ઉત્તમ) થવું એ ઈન્સાનના પોતાના હાથમાં છે. એટલે સુધી કે ખુદાની નજદીક થઈ શકે છે. આ બાબતો ઈન્સાનના પોતાના હાથમાં છે. માટે હિંમત રાખશો તો પહોંચશો. અલહમ્દુલિલ્લાહ જે હાલ થોડા દિવસ થયા રંગુનમાં રૂહાની ઈલ્મનો જુસ્સો પેદા થયો છે. માટે જેમ હિંમત કરશો તેમ વધશો; પણ તમે આલા દરજ્જે પહોંચવાની ઉમેદ રાખો તો પહોંચશો.
પેજ(૪૫) તમે જે તમારી હૈયાતી બાદ જોવા માંગો છો તે તમારી હૈયાતીમાં જુઓ. તેમાં એવી શરત છે કે પહેલા એક મિનિટ, પછી બીજે દિવસે બે મિનિટ પણ એક ધ્યાનથી બેસો. એમ નહીં કે તમે હઝાર ઠેકાણે તમારૂં ચિત્ત રાખો. અમે જે શબ્દ આપીએ છીએ તે ઉપર તમારી સુરતી એક-દિલથી બરાબર રાખતા જાઓ. તે એવી રીતે જે પહેલાં એક મિનિટ, બીજે દિવસે બે મિનિટ એમ દરરોજ એક એક મિનિટ વધારતા જાઓ. એમ પણ જો બની ન શકે તો ચાર દિવસ સુધી એક મિનિટ રાખો. એમ ચાર ચાર દિવસે એક એક મિનિટ વધારતા જાઓ અને પછી અડધો કલાક અને એમ આસ્તે આસ્તે કરી કલાક બેસો તો ઈન્શાઅલ્લાહ, છ મહિનામાં બલ્કે ત્રણ મહિનામાં તમે હૈયાતીમાં જ તથા હૈયાતી બાદ તમે જે પણ મોઢેથી માંગો તે દેખી શકશો. બલ્કે ત્રણ દિવસ મરી જાઓ યાને બરાબર એક સુરતીથી જેટલી તાકાત તમારામાં છે તેટલી શબ્દ પર આપો અને બરાબર એકધ્યાનથી બેસો તો ફક્ત ત્રણ દિવસની અંદર જોઈ શકશો. પણ તમે બેસી શકશો નહિ, બલ્કે અડધો કલાક પણ એકધ્યાનથી તમે બેસી શકશો નહીં. જે તમે પોતાની હૈયાતી બાદ જોશો તે તમારી હૈયાતીમાં જુઓ, તેમાં શરત એ છે કે પહેલાં તો તમે મરી જાઓ.
પેજ(૪૬) એવી રીતે બેસો કે તમારો ખ્યાલ આ દુનિયાના કોઈ ઠેકાણે કોઈ પણ કામ ઉપર અગર ક્યાંય પણ જવો ન જોઈએ અને અમો તમને જે 'શબ્દ' આપીએ છીએ તે ઉપર બરાબર બેસો.
તમારામાં હિંમત નથી, નહિ તો અમો જે 'બોલ' આપીએ છીએ તેના માથે તમારી જેટલી તાકાત છે તે બરાબર આપો તો ઈન્શાઅલ્લાહ જરૂર જોઈ શકશો; માટે બરાબર બેસવાશીખો અને બેસો. ખાનાવાદાન.
પેજ(૪૭) જ્યાં સુધી તમારો ખ્યાલ અહીં તહીં હશે તો આગળ વધી શકશો નહીં. તમે એક પગથિયા પર, બે પગથિયા પર, ત્રણ પગથિયા પર, ચાર પગથિયા પર, પાંચમા પગથિયા પર છો. તમે એવો ખ્યાલ મ કરજો કે બસ આટલે સુધી છે, પણ એમ સમજજો કે ઘણા પગથિયા છે, એમ સમજીને એક ધ્યાનથી બે કલાક સુધી તમને મરી જવું જોઈએ.
પેજ(૪૭,૪૮) હમણાં એક શખ્સ હોય, ઘણો ઈમાની હોય પણ એ શખ્સને તમે ધ્યાનથી બે કલાક બેસવા માટે કહો તો તે શખ્સ કદી પણ બેસી નહીં શકે, કારણ કે તેની આદત નથી. જ્યાં સુધી તેની આદત નથી થઈ ત્યાં સુધી તે શખ્સ બેસી નહિ શકશે. પહેલા એક મિનિટ એક ધ્યાનથી અહીં તહીંના ખ્યાલ ન હોય એવી રીતે ચારથી પાંચ દિવસ સુધી, પછી બે મિનિટ, એજ પ્રમાણે પછી ત્રણ મિનિટ, પછી ચાર મિનિટ, એ પ્રમાણે પોતાની આદત રાખો. જો તમે આવી રીતે આદત રાખશો તો તમે આગળ વધી શકશો. તમે આવી રીતે પોતાનું ધ્યાન પગથિયા પર મજબુત બરાબર ચોક્કસ કરશો તો તમે તે પગથિયા પરથી ટપીને ચાર પાચ પગથિયા પર ચડી જશો. આવી રીતે તમે હંમેશા કવાયત લેશો તો તમે આગળ વધી શકશો.
પેજ(૪૮)કેટલાકનું ઝીકર જબાનથી ને કેટલાક દિલથી કરે છે. પરંતુ જો તેમનો ખ્યાલ બહાર રહે છે ત્યારે અંદરનો તાર તૂટી પડે છે અને તમને નુકશાન થાય છે. નુકશાન એ છે કે તમે આગળ વધી શકશો નહીં.
યા અલી મદદ
