પીર પંદિયાતે જવાંમર્દી
૧ - પેજ નં - ૧ થી ૧૦૦.
૨ - પેજ નં - ૧૦૧ થી ૧૮૯.
યાને
હક મૌલાના ઈમામ મુસ્તનસિરબિલ્લાહના પવિત્ર ફરમાનો :
(પેજ - ૧) હકીકી મોમન તે છે કે જે પોતાના માલ યાને કમાઈમાંથી દસમો ભાગ, જે ઈમામે હાઝિરનો હક છે તે સિદ્દક દિલથી અને પુરેપુરો અલગ કરીને પોતાના ઈમામે ઝમાનને હવાલે કરી દે છે.
(૨) હકીકી મોમન તે છે કે જે શરીઅતથી તરીકતમાં અને તરીકતથી હકીકતમાં-જે શરીઅતનું બાતિન છે, તેમાં દાખલ થઈ જાય છે. શરીઅત એક દીવા મીસાલ છે અને તરીકત રસ્તા માફક છે. અને હકીકત તે મંઝીલે મકસુદ માફક છે. મોમનને એવી કોશીશ કરવી જોઈએ કે તે દીવાના અજવાળામાં સીધા રસ્તા પર ચાલી શકે અને હકીકતના ઘરમાં દાખલ થઈ જાય. અને હકીકતની બુનિયાદ ઈમામે ઝમાનને ઓળખે અને દરેક ચીજનો મકસદ તેની આંતરિક અસલિયત છે. કેમકે ચીજનો નીચોડ, મગજ અને રસ તો એ જ છે. તો શરીઅતથી પયગમ્બર (સ.અ.)ની આંતરિક બુઝુર્ગી છે જેનું નામ હકીકત છે અને ઈમામે વક્તની ઓળખાણ મારફત પર કાયમ છે.
(૫) મોમન તે છે જેનું વચન એકજ હોય. તેની વાત સીધી હોય, વાંકુ ન બોલે.
મોમન તે છે કે જે વાયદો કરે તો તેને વાજબ છે કે પોતાનો વાયદો સાચો કરી દેખાડે. તેના પર બરાબર અમલ કરે યાને વાયદા ખીલાફી ન કરે.
(૮) હકીકતી મોમન તે છે કે જે સાચ અને જૂઠને ઓળખી શકે છે. હલાલ અને હરામ વચ્ચેના તફાવતને સમજી શકે છે. અને તેઓને તરત એક બીજાથી જુદા કરી શકે છે.
(૮/૯) કોઈ હલાક કરી દેનાર જોખમમાંથી ઉગરી ગયા હો તો એ વખતે હસવું તેમાં વાંધો નથી. નહીંતર જે માણસને મરી જવું છે, અને જે દરવેશ છે તેને તો હસવું આવેજ શાનું ?
(૯) હકીકતી મોમન તે છે કે જે હંમેશા ખુદાની યાદમાં મશગુલ હોય અને હંમેશા ખુદાના ડરથી અથવા તેના દિદારની તમન્નામાં ગિરિયાઝારી યાને અશ્રુપાત કરતો રહે.
(૧૦) હકીકતી મોમન તે છે કે જે હંમેશા ઝિકર ફિકર અને ખુદાવંત ઝુલજલાલની શનાખતને માટે કોશીશો કરવામાં મશગુલ હોય.
(૧૧) હકીકતી મોમન તે છે કે જે હંમેશા ઈમામે ઝમાનના ફરમાન અને તેના હુકમની તાબેદારી કરે છે.
હકીકતી મોમન તે જ છે કે જે ખુદાવંદે ગફ્ફારને હમેશાં પોતાની સામે હાજર નાજર રૂબરું અને પોતાના શરીરથી પણ વધારે નજીક સમજે છે.
હકીકતી મોમન તે જ છે કે જે કોઈ પણ કામકાજ કરે તેમાં પોતાના ખુદાવંદને તે પોતાની પાસે હાજર સમજે છે.
(૧૨) હકીકતી મોમન તે જ છે કે જે પોતાના ખુદાવંદને ઓળખે છે. સચ્ચાઈથી ચાલે છે. અને પોતાના દિલ અને જબાનમાં એક વચની હોય છે.
હકીકતી મોમન તે જ છે કે મોમનોની અને નેક લોકોની સોબતમાં રહીને ઈલમની વાતો સાંભળે છે અને તેને યાદ રાખે છે.
(૧૪) હકીકતી મોમન તે છે કે જે હંમેશા રાતદિન ખુદાની યાદમાં રહે અને તેની ઝબાન પર ખુદાના નામના રટણ સિવાય બીજું કંઈ હોતું નથી યાને ઝિક્રે ઈલાહી સિવાય તે બીજી કાંઈ પણ વાત કરતો નથી.
(૧૭) હકીકતી મોમન....દરેક કામમાં ખુદાવંદને પોતાની સામે હાજર નાજર સમજનાર હોય છે. અને હંમેશા હકતઆલાની યાદમાં રહે છે. જે બંદો એવો હોય તો તેને માટે દુનિયામાં નૂર અને ખુશાલી હોય છે. અને આખરતના દિવસે તે બહેશ્તમાં પોતાના આકા મૌલા મુર્તઝાઅલીના દિદારમાં મશગુલ હશે.
(૨૨/૨૩) પરવરદિગારે પોતાના પ્રેમને પરહેઝગારો તથા પાક મોમિનોને માટે રૂહાની ખોરાક તરીકે નક્કી કર્યા છે.
જે કોઈ પોતાના પરવરદિગારનો ઈચ્છુક તથા તેની મુલાકાતનો આશિક હોય છે તો ખુદાવંદતઆલા પોતાના ઝિક્રથી તેની ઝબાન તથા દિલને કરાર આપે છે. અને એવો બંદો હકતઆલા તરફ ધ્યાન ધરનારો બની રહે છે.
(૨૪) બુઢાપામાં લોભ લાલચ વધે છે અને અક્કલ ઓછી થતી જાય છે. એ વખતે ઘણાખરા લોકો દુનિયાની લાલસામાં ગિરફતાર થઈ જાય છે અને દીન તરફ ગાફલ રહી જાય છે.
(૨૭) ઉચ્ચ હિમ્મતવાન અને જવાંમર્દ તે છે કે જે દુન્યવી ફાયદાઓથી રાજી નથી થતો તેમ નુકશાનથી દિલગીર નથી થતો. પથ્થર અને હીરા ઝવેરાત તેની નજરમાં એક સરખા જ હોય છે, તેની નજરમાં ખાવું અને ન ખાવું એ બન્ને સરખું જ હોય છે. કારણ કે તે સમજદાર અને જ્ઞાની હોય છે.
(૨૭/૨૮) જવાંમર્દ અને ઉદારચરિત્ર શખ્સ તે છે કે જે મહેમાન નવાઝ હોય છે. તે હંમેશા બીજાનો મહેમાન બનવા નથી માગતો પણ સિંહની માફક બીજાઓને પણ પોતાના ભોજનમાંથી ખવડાવીને રાજી થાય છે. શિયાળની માફક બીજાનું ખાવાવાળો નથી હોતો. તે હંમેશા હસમુખો હોય છે. તેના દિલમાં ઝમાનાના ઈમામનો સાચો પ્રેમ અને પુરો ભરોસો હોય છે તે ઈમામે ઝમાનની મારેફત રૂપી અમર સંપત્તિ મેળવવાની કોશીશ કરતો રહે છે.
(૨૯) ખુદાએ-ગફ્ફાર તેનો મદદગાર હોય છે. અને ખુદાનું મદદગાર થવું એ છે કે તેના દિલનો અરીસો સાફ અને નુરાની બની જાય છે. તેનું ઈમાન મજબૂત અને સંપુર્ણ હોય છે.
(૩૧) પોતાના બધા કામોમાં સબ્ર અને મક્કમતા તેમજ ખુદા ઉપર ભરોસો રાખવો જોઈએ. તેણે બધા કામોમાં ધીરજવાન અને હિમ્મતવાન રહેવું જોઈએ, પણ બે કામમાં સબર ન કરવી જોઈએ અને તે જલ્દી પૂરા કરવા જોઈએ અને તેમાં ઢીલ કે ધીરજ ધરવી ન જોઈએ બલ્કે એ પ્રસંગે સબ્ર કરવો હરામ અને કુફ્ર છે.
તેમાં પહેલું તો પરવરદિગારના દિદારની તમન્ના અને આરઝુ કરવામાં અને તેની મુલાકાત સુધી પહોંચી જવામાં જે તમામ કામોથી વધુ મહત્વનું અને લાઝમી છે તેમાં સબર કરવો એ કુફ્ર છે.
(૩૧/૩૨) બીજું કે હકતઆલાના મુબારક આદેશ અને ફરમાન બજાવી લાવવામાં, કેમકે ખુદાની ઈતાઅત વાજિબ છે અને તેમાં સબર ઢીલ કે સુસ્તી કરવી એ કુફ્રની પુંજી છે.
(૩૨/૩૩) જ્યારે હકતઆલાની ઈબાદત અને બંદગીનો વખત આવે તો તું જે કંઈ દુન્યવી કામમાં મશગુલ હો અને જે કંઈ કામ તારા હાથમાં હોય, ચાહે તે જરૂરી હોય કે બિનજરૂરી, તરત જ એને છોડીને જલ્દીથી હકતઆલાની બંદગી તરફ ચાલ્યો જા અને જરાય ઢીલ વગર અલ્લાહતઆલાના ઝિક્ર અને ઈબાદતમાં મશ્ગુલ થઈ જા. આ બધી જવાંમર્દીની નિશાનીઓ છે.
(૩૭/૩૮) કોઈ માણસ હજારો નેક કામ કરે અને હંમેશા ખુદાની યાદ અને ફિકર, તારીફ અને સ્તુતિ કરે, હંમેશા તૌબા કરતો રહે અને હજ્જારો ઈબાદતો અદા કરી નાખે પણ જ્યાં સુધી તે પોતાના ઈમામે અલી મુકામને જે દુનિયામાં હાજર નાજર હોય છે તેમને ન ઓળખે તો ન તેની નમાઝ કબુલ થાય, કે ન તેની ઈબાદત કબુલ થાય, કે ન તો તેની નેકી.
મોમીનો રહેમાનના સૈનિકો છે.
(૩૯) સખી મોમીન ખુદાનો દોસ્ત છે.
(૪૪) હકીકી મોમન તે જ છે કે જે ઈલ્મ અને મારેફત રાખે છે. પોતાના ઈમામે ઝમાનની ઈતાઅત કરે છે.
(૪૫) (જે) ....ખુદાવંદતઆલાના દીદારની તમન્નામાં હર વખત બંદગી અને ગિરિયાઝારીમાં લાગ્યો રહે છે. તેનું રૂદન વસંતનો વરસાદ કે જે બાગ બગીચાઓને હરિયાળા કરી દે છે, તેના જેવું હોય છે.
(૪૯) ફરમાનો દવા માફક છે.
(૫૨/૫૩) ઓ મોમિનો, ઓ અઝીઝો, બીજો બોલ એ છે કે જ્યારે કોઈ આલિમ એક મિજલસમાં વાયેઝ કરતો હતો; તેમાં અચાનક કોઈ મુનાફક ભંગ પાડવા ઊભો થયો, એ જાહેલ મુનાફિક ખુદા અને તેના ઈલ્મથી બેખબર હતો, તેણે કંઈ પૂરું સાંભળ્યું નહોતું. વળી તેને ભલા બુરાની કંઈ પણ તમીઝ નહોતી. એવો શયતાન-સિફત અને ગુમરાહ શખ્સ મજલિસમાંથી બહાર નીકળી ગયા પછી પોતાની તરફથી થોડું જુઠું મિલાવીને પછી તે આલિમને નામે ચઢાવી ગેરસમજુતી ફેલાવવા અને એમ કરીને તે આલિમની મઝાક ઉડાવવા માગતો હતો, જો કે પેલો આલિમ તો નિખાલસ દિલે ઈલ્મની વાતો સંભળાવતો અને બયાન કરતો હતો. તેને પેલા શયતાન, મુનાફિક અને મુન્કર શખ્સના બદ ઈરાદાની કંઈ ખબર નહીં હતી.
(૫૩/૫૪) ....પણ એ માણસ બેવકુફ, નાદાન, દ્વેષી અને ગધેડો હતો, તેથી તેણે કોઈ વાત આલિમને પૂછવાને બદલે મિજલસ પૂરી થઈ ગયા પછી પોતાના જેવા જ બીજા કેટલાક નાદાન અને મૂર્ખ ગધેડાઓ ક્યાંક બેસીને બીજા કેટલાક નાદાન ગધેડાઓને પોતાની આસપાસ એકઠા કરીને પેલા આલિમની નિંદા કરવા લાગ્યા.
(૫૪/૫૫) ઓ અઝીઝો, અગર એ નાદાન અને બેવકુફ દિલમાં હસદ ન રાખતે અને સચ્ચાઈ તરફ આગળ વધતે તો એજ ઘડિએ વિદ્વાનને ઈલ્મની હકીકત પૂછી લેત અને માલુમ કરી લેતે, અને તેનો ખુલાસો સાંભળી એ નાદાન મૂર્ખ દ્વેષી મુનાફકનું દિલ રોશન, મુલાયમ અને સત્ય શોધક બની જતે અને તે હકીકતથી જાણકાર થઈ જાત. તેના દિલને તસલ્લી અને શાંતી થઈ જતે અને તે સાચો હકીકતી મોમન બની જાત.
(૫૮) પહેલા ઈલમ અને પછી અમલ છે.
(૬૦) ....મોમીનોએ (ઈમામ (અ.)ના) દિદારને ખાતર પોતાનું માથું, પોતાની ઔલાદ, માલ મિલ્કત કે મુલ્કને પણ મૌલાની રાહમા કુરબાન કરી દીધા છે. મોમીનોએ દીદાર મેળવવાને માટે દૂર દરાજના ખુશ્ક અને દરિયાઈ માર્ગો પર મુસાફરીઓ કરી, તેઓ તોફાનોમાંથી પસાર થયા, મોટા ખર્ચા અને દુઃખો બર્દાશ્ત કર્યા, ત્યાં સુધી કે છેવટે મૌલાના દીદારને પહોંચી ગયા.
(૬૧) મોમીનોએ દિદારને ખાતર ખુદાવંદની યાદમા કોશીશો કરી. સતત ઝિક્ર જાગૃત રાખ્યા, તેઓ દિનરાત એક પળવારને માટે પણ ખુદાની યાદથી ગાફલ ન રહ્યા અને પુરા ઉમંગ તથા ઉત્સાહથી બંદગી કરી. મોમીનોએ દીદારને ખાતર પોતાના મસ્તક અને પ્રાણની કંઈ પરવા ન કરી.
(૬૩) જે માણસ હાઝર ઈમામનો તલબગાર હોય તો હાઝર ઈમામ પણ તેના તલબગાર હોય છે. અને જે કોઈ ઈમામે ઝમાનને આખી દુનિયા કરતા વધારે પ્યારા ગણે તો, હાઝર ઈમામ પણ તેને સર્વશ્રેષ્ઠ કરી દે છે.
(૬૪) હઝરત મૌલાના ઈમામ મુસ્તનસિરિબિલ્લાહે ફરમાવ્યું, ઓ મોમિનો તે ઉપરાંત એ પણ જાણી લ્યો કે જ્યારે કોઈ મોમન દીનદારનું દિલ પ્રસન્ન, આનંદી અને રાજી થઈ જાય છે તો સમજી લ્યો કે ખુદા પણ રાજી થઈ ગયો. કેમ કે મોમનનું દિલ ખુદાનું ઘર છે. અને ખુદાવંદ કરીમની નજર કરવાની જગ્યા છે.
(૬૫) ઓ મોમિનો, ....ખુદાના ખ્યાલ સિવાય કોઈ પણ ખ્યાલ નથી તો એવું દિલ અર્શે ઈલાહી અને મુકામે મલાએકા યાને ફિરસ્તાઓનું સ્થળ છે.
(૬૬/૬૭) જેવી રીતે મોમનો ખુદાથી દોસ્તી રાખે છે તેમ ખુદા પણ તે મોમીનોથી દોસ્તી કરે છે તથા તેમને મદદ કરે છે. અને જે કોઈ ખુદા સાથે દોસ્તી કરતો હોય અને તેને ઓળખતો હોય, અને ઈબાદત કરતો હોય તો ખુદાવંદ તેને બધી આફતોથી સુરક્ષીત રાખે છે અને દુનિયામાં ખુદાનો ખાસ બંદો તથા હકીકી મોમન બની જાય છે.
(૬૯) ....અગર કોઈ માણસના દિલમાં કોઈ બુરો ખ્યાલ પેદા થાય અથવા તે હરામખોરી તરફ આગળ વધે અને એ વખતે તે અમારી તરફ આજીજી કરીને મદદ માગે તો અમે તેને એ શયતાની વસવસાથી અને તેને માટે આખરતના આઝાબનું કારણ બનનાર પાપ કર્મથી બચાવી લઈશું, અને તેના દિલમાં નેક કામની નિયત પેદા કરી દઈશું. જેથી કરીને તે સારા કામ તથા નેક આમાલ કરવા પ્રેરાય અને તે ખુશીથી દુનિયામાં જીંદગી ગુજારી શકે તેમજ આખરતમાં પણ ખુશહાલ રહી શકે.
(૭૧/૭૨) ઓ મોમિનો, મેં તમને પેદા કર્યા છે અને એ માટે પેદા કર્યા છે કે તમે હંમેશા મારીજ યાદમાં રહો. એ હાલતમાં બીજા કોઈની યાદ તમારા માટે વાજબી નથી. અને દરેક જાતની મુસીબતોમાં મારી જ તરફ આજીજી કરો અને મારી પાસે મદદ માંગો કેમ કે મારા સિવાય કોઈની પાસે આજીજી કરવી અને બીજા કોઈથી જરૂરત માંગવી યોગ્ય નથી. તમારે પૂરી રીતે બા અદબ રહેવું જોઈએ કે જેથી તમારાથી કોઈ ગલતી ન થઈ જાય અને મારું નામ તમારા દિલ અને તમારી ઝબાન પર જપવાનું ચાલું રાખો કે જેથી હું તમારા પર રાજી રહું.
(૭૨/૭૩) મેં મારી રહેમાની સિફતથી તમને નેસ્તીના વમળમાંથી છોડાવીને વજુદના કિનારા પર પહોંચાડી દીધા. જીંદગીના તમામ સાધનો પૂરા પાડ્યા અને તમારી સગવડને માટે મેં તમને રાહત અને આરામ બકશ્યા કે જેથી તમે મારી ઈબાદત કરી શકો અને જે કામોનો મેં હુકમ કર્યો તેના પર અમલ કરી શકો અને જેની મેં તમને મનાઈ કરી છે તેનો ત્યાગ કરી શકો, કે જેથી તમે પણ મારા જેવા થઈ જશો અને જીવંત તથા અમર બની જશો અને હું તમને ઈલ્મ અને કુદરત ઈનાયત કરીશ. તો અગર તમે જો મારી ફરમાંબરદારી કરશો તો તેનો ફાયદો તમને જ મળશે મને નહીં. કેમ કે હું તો બેનિયાઝ છું અને તમે મોહતાજ છો. વળી તમે એ પણ જોઈ લ્યો અને વિચાર કરો કે હું તમારાથી પણ વધારે તમારો શુભેચ્છક છું. તમે જેટલી તમારી કાળજી અને સંભાળ લ્યો છો તેથી પણ વધારે હું તમારી કાળજી અને ખ્યાલ રાખું છું. તો અગર જેમ તમે ક્યારેય તમારા પોતાના દુશ્મન નથી બનતા અને તમારી કાયમી રાહતને માટે તલબગાર હો તો મને યાદ કરતા રહો અને મારી દોસ્તી કરો કેમ કે કોઈ બીજો માણસ તમને જોખમ અથવા મુશ્કેલીમાંથી ઉગારી શકવાનો નથી બલ્કે એ પોતે તો તમારા કરતાંયે વધારે લાચાર છે.
(૭૪) ઓ મોમિનો, જે કોઈ મારા દિદાર કરવા માગતો હોય તો તેની ફરજ છે કે તે મને તેની પોતાની જાત કરતાં પણ વધારે નજીક સમજે અને મને હાજર તથા નાજર સમજે. દરેક હાલતમાં અને દરેક સ્થળે મને હાજર અને મૌજુદ જાણે. રોઝે ક્યામતના હિસાબનો ડર રાખે અને પોતાના મોતથી ગાફલ ન થઈ જાય અને જે માણસ મારી ફિકરમાં રહે, તો હું પણ તેની ફિકર કરતો રહું છું.
(૭૬) ....ઈમામે ઝમાન કોઈ પીરની નીમણુંક ફરમાવે છે તો એ વખતે તેની ઝીણવટભરી ઓળખાણ જરૂરી થઈ પડે છે અને તમારે એજ પીરના દરજ્જા મારફત ઈમામ શનાસી સંપૂર્ણ કરવી જોઈએ.
(૭૯/૮૦) ....ઉમદા અને અણમોલ વસ્તુંઓ કઈ કઈ છે ? પાક રૂહ, પવિત્ર દિલ, ઈમામે ઝમાનનો ઈશ્ક, તેમની સંપૂર્ણ ઓળખાણ, તેમની બીક અને ઉમેદમાં જીવ આપી દેવો અને તેમની પ્રસન્નતા માગવી વગેરે ઉમદા માલ અને ઉત્તમ આમાલ છે.
(૮૨/૮૩) તમે પીરનો દામન પકડો, કારણ કે પીર જ તમને હાઝર ઈમામની સંપૂર્ણ મારિફત સમજાવી શકે છે.
અગર તમે તમારા દિલને હકતઆલાના ઈશ્ક અને મોહબ્બતમાં જીવતું અને પ્રસન્ન રાખવા માગતા હો અને ખુદાવંદે આલમીનનો ઈશ્ક હંમેશાં તમારા હ્રદયમાં તાજો ને તાજો રાખવા ઈચ્છતા હો, એવો ઈશ્ક કે જે તમને તમારા પરવરદિગારની મુલાકાત માટે બેકરાર અને તેના દીદારનો તલબગાર કરતો રહે (એવું તમે ઈચ્છતા હો) તો તમે તમારું દિલ બધી વસ્તુંઓથી ફેરવી દો. માત્ર ખુદા તરફ જ તમારું ધ્યાન લગાવી દો. પરવરદિગાર, પીર અને હાદીએ બરહકથી વિનંતી કરીને મદદ માંગો. બાતલ અને જૂઠા ખ્યાલો ત્યજી દો અને દુનિયાની મોહબ્બતને સંપૂર્ણ પણે દિલમાંથી દૂર કરી દો. ત્યારેજ ખુદાવંદતઆલાનો ઈશ્ક તમારા દિલમાં જામી શકશે અને તમને હકીકી દીદાર માટે આકુળ વ્યાકુળ કરી દેશે.
(૮૪) ઓ મોમિનો ! તમારા જમાનાના નૂહની નૌકામાં સવાર થઈ જાઓ કેમ કે એ સિવાયની બીજી બધી કિશ્તીઓ ગરક થઈ જનારી છે. માટે તમે તમારા આકા અને સરદારનો દામન પકડી રાખો અને હકીકતના ઘરમાં રહો. અને તમારા નુહે ઝમાનની કિશ્તીમાં દાખલ થઈ જાઓ કે જેથી તમે સહી સલામતીથી નજાતના કિનારા પર પહોંચી જાઓ અને એ આકા તથા નુહે ઝમાન તમારા વખતના ઈમામની શનાખત હાંસલ કરી લ્યો અને કિશ્તીએ નુહમાં દાખલ થઈ જાવ યાને કે તેમના દાવતના તરીકા પર અમલ કરો. કે જેથી તમારું ઈમાન મુકમ્મિલ થઈ જાય અને તમારો રૂહ આફતોથી બચી શકે.
(૮૫) જે ઘર અજવાળિયા અને બારીઓ વગરનું હોય તે અંધકારવાળું હોય છે. એ પ્રમાણે જે માણસનું દિલ ઈમામે ઝમાન રૂપી સૂરજના તેજ વગરનું હોય તેમાં પણ અજ્ઞાનતાનું ઘોર અંધારું છવાયેલું હોય છે. એ અંધારામાં કોઈ ચીજ સાથે અથડાઈ પડવાનું અથવા ભટકીને ભૂલા પડી જવાનું જ થાય છે.
(૮૫/૮૬) ....જો કે એ માને છે કે હું સાચા રસ્તા પર છું. પણ તે અનુમાનના પડદામાં જ ફાંફા મારે છે તેવા લોકો ખુવાર થાય છે અને જાણતા નથી કે સીધો રસ્તો ક્યો છે. તેઓને ભાન નથી કે સીધો રસ્તો તો એને કહેવાય છે કે જે દીનના માલિક ઈમામ હૈયાત અને હાઝર નાઝર છે.
(૮૭/૮૮) પયગમ્બરે ફરમાવ્યું છે કે જે માણસ મારી ઈતરત (આલ) અને ખુદાની કિતાબને પકડી રાખશે તે કદી પણ ગુમરાહ થશે નહીં. અને મારી ઈતરત તે ઈમામે ઝમાન છે. આ હકીકત બઅઝોહા મિમ્બ અઝ સંબંધે છે. વળી ઈમામ દ્વારા જ ઈમામને ઓળખી શકાય છે. ઈમામ પોતે જ પોતાની ઔલાદમાંથી જેને ઈમામ તરીકે નીમે તે જ ઈમામ થાય છે. તેમના સિવાય બીજો કોઇ ઈમામ થઈ શક્તો નથી. લોકો ઈમામની નીમણુંક નથી કરી શક્તા, બલ્કે આગલા ઈમામ જ પોતાની ઔલાદમાંથી જેને ઈમામતના નુરને માટે મુકરર કરે અને જેને ઈમામતના રહસ્યો સોંપે તેજ ઈમામ થાય છે અને એજ આલે નબી કહેવાય છે. અને બાકીના ફરઝંદો અગર ઈમામની ઈતાઅત કરે, તો તેઓ અહલે નજાત ગણાય છે.
(૮૯) જાહેરી મુલ્લાઓ પણ જાણે છે કે દુનિયા ઈમામ વગર એક ક્ષણવાર પણ ખાલી રહી શકતી નથી કેમ કે અગર એક ક્ષણવાર પણ ઈમામે ઝમાન મોજુદ ન હોય, તો જમીન અને તેના પર રહેતા તમામ પ્રાણીમાત્ર, જડ ચેતન સૃષ્ટી નાબુદ થઈ જાય. આ બધું જાણતા હોવા છતાં દુનિયાની લોભ લાલસાને કારણે તેઓ તમામ ઈમામે ઝમાનની શાનને છુપાવી મૌલાના મુન્કર થઈ ગયા છે.
(૯૧/૯૨) ઓ મોમિનો, ઓ સદાકતવાળાઓ હસી ખુશી એ વખતે કરો કે જ્યારે તમે ખતરા અને આફતોમાંથી નજાત મેળવી લીધી હોય અને ડૂબી મરવાથી બચીને કિનારા પર અને સફરથી સલામતી સહિત મંઝિલ પર પહોંચી ચુક્યા હો. આમ ત્યારે થઈ શકે છે કે જ્યારે તમે તમારા ઝમાનાના ઈમામની મારફતમાં પહોંચી ચુક્યા હો....એવો વખત જ તમારે માટે આનંદ અને ઉત્સવનો પ્રસંગ છે.
માટે અટ્ટહાસ્ય કરીને હસવું જે તકલાદી અને વ્યર્થ વસ્તુંઓથી ઉત્પન્ન થાય છે. તેની મિસાલ બાળકોના તકલાદી રમકડાં જેવી છે.
(૧૦૦) ....નેક લોકોએ પોતાના ઈમાન પરિપૂર્ણ કરવા માટે મોમિનોની મજલિસમાં હાજરી આપી, ઈબાદત બંદગી અને દીનદારી કરી. પોતાના વિદ્વાનોને હકીકતી ઈલ્મ સંબંધે સવાલો કર્યા, ઈલ્મ સાંભળ્યું, ઈલ્મ યાદ કર્યું. સારી રીતે જ્ઞાન હાંસલ કર્યું. અને તેના પર અમલ કર્યો, આવા લોકો હકના દીનના આશિક હતા.
(૧૦૧) ઓ મોમિનો, તમે બધા ઈમામના પાક દીનના આશક બનો. કલામ અને ગિનાન ઈલ્મથી વાકેફ થઈ જાઓ અને પોતાના સમય અને સંજોગો ધ્યાનમાં રાખો ખુદાથી ગાફલ ન થઈ જાઓ, કેમ કે ખુદાને ભૂલી જવું એ આફત સમાન છે.
(૧૦૪) ઈન્સાની રૂહ સંગઠિત છે અને હેવાની રૂહ વિખરાયેલ હોય છે. અને હઠાગ્રહ તથા વિરોધ એ જનાવરી ખસલતો છે. હેવાની રૂહની જીંદગી ખોરાક પર આધાર રાખે છે, તેને જો થોડો વખત ખાવાનું ન મળે તો તે થોડીવારમા મરી જાય છે. અને ઈન્સાની રૂહ ઈમામે ઝમાનની મારેફત અને સંતપૂરૂષોની મોહબ્બત તથા દોસ્તીથી જીવંત રહે છે. અગર તેને આ ચીજો ન મળે તો તે હલાક થઈ જાય છે.
ઓ મોમિનો, અગર તમે બન્ને જહાનમાં જીવંત રહેવા માગતા હો તો તમારા ઈમાનને મુકમ્મિલ કરી લ્યો. કેમ કે તમે ઈમાનના અજવાળા મારફત જ અમર જીંદગી સુધી પહોંચી શકશો. અને ઈમાન ઈમામે વક્તની શનાખત તથા મારેફત અને ફરમાંબરદારી તથા એવણ જનાબના મુરીદોની મહોબ્બત તથા દોસ્તીથી પ્રાપ્ત અને પરિપૂર્ણ થાય છે. માટે તમારા ઈમામની પયરવી કરો એક બીજાથી રાજી અને સંગઠિત રહો કે જેથી તમે બન્ને જહાનમાં જીવંત રહી શકો અને આખરતમાં તમને નેક લોકો તથા અંબીયા તથા ઔલિયાની સાથે અને ઈમામની હુઝુરમાં ઉઠાડવામાં આવે અને અત્યંત આનંદથી એક બીજાને જોશો.
(૧૧૦) તમે હંમેશા તમારા ઈમામે ઝમાનના ઝિકરમાં મશગુલ રહો. એથી વધારે ઉંચી કોઈ ઈબાદત નથી. એ માણસ કેવો સદભાગી છે, જે એનો અર્થ સમજે અને તે અમર સંપત્તિને પામે અને તેને આવી બખ્તાર ન્યામત નસીબ થાય.
(૧૧૧) હકીકી મોમન તેજ છે જેનું દિલ અને ઝબાન એક જ હોય.
....પહેલા તો નેક કામ પર પોતે અમલ કરે અને પછી બીજાઓને તેની શિખામણ આપતો રહે.
(૧૧૧/૧૧૨) ઈન્સાનને પોતાના પરવરદિગારની મારેફત ત્યારે હાંસિલ થાય છે કે જ્યારે તેણે પોતે પોતાને ઓળખી લીધો હોય. પહેલા તો તું તારા શરીરના અંગે અંગનો અભ્યાસ કરીલે. એ પછી તારે જાણવું જોઈએ કે તું ખુદ બ ખુદ પેદા નથી થયો. કોઈ બીજાએ તને પેદા કર્યો છે. પછી તારે વિચાર કરવો જોઈએ કે કોણે તને પેદા કર્યો ? અને આ દુનિયામાં શા માટે મોકલવામાં આવ્યો છે ? અને તે તને ક્યાં લઈ જવા માગે છે ?
....પોતાને જાહેરથી બાતુન તરફ લઈ જવો જોઇએ.
(૧૧૩/૧૧૪) જ્યારે તેનું દિલ પાક અને સાફ થશે. શક અને વસવસા દિલમાંથી નીકળી જશે, પોતાના ઈમામે ઝમાનની મારફત પર યકીન કરશે અને દરેક સ્થળે પોતાની સામે મૌલાના હાઝર ઈમામને હાજર અને નાઝર દેખશે તે વખતે એ ઈલ્મુલ યકીનમાં પહોંચશે.
અને હક્કુલ યકીનના મરતબા પર ત્યારે પહોંચશે કે જ્યારે તેનું દિલ યકીનના નૂરથી પ્રકાશીત થઈ જશે અને તે પોતાના જીવને નૂરૂલયકીનની રોશનીમાં જોવા લાગે છે એ પછી જે મરતબામાં તેનો પરવરદિગાર છે, તેને તે અયનુલ યકીન (યકીનની આંખ)થી જોઈ શકશે.
આ તને બધું ત્યારે થાય છે કે જ્યારે તું તારા પીર અને ઈમામની આજ્ઞા પર અમલ કરે.
(૧૧૫) ....ઈમામે ઝમાન, હુજ્જત તથા દાઈઓ અને સત્યપંથના શિક્ષકોનું દ્રષ્ટાંત - તબીબો, વિદ્વાનો અને ઉસ્તાદો જેવું હોય છે. અને બાકીના લોકો બીમાર અથવા નાના દુધપલ બચ્ચાંઓ જેવા હોય છે.
(૧૧૬) ....દિલમાં દુનિયા અને માલમત્તાની મોહબ્બત, ઈઝ્ઝત કે પદવીની આરઝુ કે મિષ્ટાન્ન ખાવાનો શોખ ન હોવો જોઈએ. તેઓ અમલમાં સાચા હોય અને તેઓનું મોઢું પવિત્ર હોય.
(૧૧૭) વળી તેઓનો ખ્યાલ દુનિયા કે આખરત એ બેમાંથી એકેય તરફ ન હોય બલ્કે ઈમામે જમાનના દીદાર અને એવણ જનાબની પ્રસન્નતા તરફ જ હોય.
....તમામ ચીજો તરફ દુર્લક્ષ કરી ઈમામે ઝમાનની મારેફત તરફ આગળ વધી જાઓ. એટલા માટે કે ઈમામની મહોબ્બત વગરની દરેક ચીજ ભલે તે સારી હોય કે નરસી આગ જેવી દુ:ખદાયક છે.
(૧૧૮) ....જેવી રીતે પીર, મૌલાના હુકમને આધીન રહે છે અને તેમા જરા પણ ગફલત નથી કરતા એજ રીતે મોમિનોએ પણ પીરના આદેશ મુજબ ચાલવું જોઈએ.
(૧૧૯) ....મુર્શિદ અને રહેબર જે કંઈ તમને તાલીમ આપે છે ....તમે દિલોજાનથી એ ઉપદેશ કબુલ કરો અને એ નિયામત બદલ શુક્રાના અદા કરો કે, અગર ઈન્સાન એક સીધા માર્ગે ચાલી રહ્યો હોય અને વળી સાથે એક પ્રકાશીત દીવો પણ હોય, તો તે બહુ સહેલાઈ અને સલામતીથી પોતાના વતનમાં પહોંચી જાય છે.
(૧૨૬) ....ઈમામે ઝમાન તો સૂરજની પેઠે જગતમાં જાહેર છે.
(૧૨૮) સત્યપંથ તથા ઈમાન અને મૌલાના હાઝર ઈમામની મારેફતથી મોટી કોઈ દૌલત નથી તેને બરાબર સંભાળજો અને તમારા પીરનો દામન મજબુતીથી પકડજો.
(૧૪૮/૧૪૯) ....હઝરત અહદીતે આદમ અબુલ બશર અલયહિસ્સલામને પેદા કર્યા અને ફિરશ્તાઓને આદેશ ફરમાવ્યો કે આદમને સિજદો કરો. ત્યારે બધા ફિરસ્તાઓએ સિજદો કર્યો માત્ર ઈબ્લીસે ન કર્યો તેણે સિજદો કરવા માટે ઘમંડથી ઈન્કાર કરી દીધો. ત્યારે ખુદાવંદે ફરમાવ્યું કે તું સિજદો કેમ ન કર્યો ? ત્યારે તેણે અરજ કરી કે તું પોતેજ મને ફરમાવ્યું હતું કે તારે મારા સિવાય કોઈને સિજદો ન કરવો. વળી એ પણ છે કે આદમથી હું ઉત્તમ છું. કેમ કે એ માટીમાંથી બનેલ છે અને હું આગમાંથી છું. આમ તકબ્બુરી અને નાફરમાનીથી તેના તમામ નેક આમાલ અને ઈબાદત બરબાદ થઈ ગઈ અને પરવરદિગારે આલમના કોપ તથા બેનિયાઝીની આગમાં બળીને તેની નેકીઓ તથા બંદગીઓ નાબુદ થઈ ગઈ.
આ બધું બનવાનું મૂળ કારણ નાફરમાનીને કારણે, ન ઓળખવાનું અંધારું હતું. તે ઈબાદત જે મારફત વગરની હોય તે એ આબિદને માટે સજાનું કારણ બને છે અને તેનો કોઈ ખરીદનાર નથી હોતો. તો એ ઈબાદત જે કબુલ થઈ જાય છે તે એવી ઈબાદત છે કે જેમાં તું દીનના માલિકને ઓળખે અને તેના ફરમાન મુજબ ઈબાદત કરે અને જે કંઈ હુકમ થાય તેને કંઈ પણ ચું કે ચાં કર્યા વગર કબુલ કરે. કેમ કે મારફત વગરની ઈબાદત ભૂલ અને પાપનુંજ અનુસરણ છે.
(૧૫૦) દરેક ચીજ અને દરેક શખ્સના (તકલીદ) અનુકરણમાં ભૂલ થાય છે. અને જે માણસ તકલીદ(અનુકરણ)માં રહે તો તે તૌહીદમાં નથી પહોંચી શકતો.
(૧૫૭/૧૫૮) ઓ મોમિનો ! યાહ્યા પયગમ્બર (અ.)નો કિસ્સો સાંભળો. તેઓ દિવસ રાત રોયા કરતા હતા અને આરામ લેતા નહીં હતા. એક દિવસ હકતઆલા તરફથી યાહ્યા પયગમ્બર પર હઝરત જિબ્રાઈલ (અ.) નાઝિલ થયા અને કહ્યું કે અય યાહ્યા પયગમ્બર, પરવરદિગારે આલમીન ફરમાવે છે કે તમે આમ શા માટે રડ્યા કરો છો મને તમારા પર બહુ દયા આવે છે. અગર તમે બહેશ્તને માટે રુઓ છો તો મેં તમને એ ઈનાયત કરી દીધી. અગર તમે દોઝખની બીકથી રૂદન કરતા હો તો મેં દોઝખ તમારા પર હરામ કરી દીધી.
(એ સાંભળી યાહ્યા પયગમ્બરે અરજ કરી, હું ન તો બહેશ્તને માટે રડું છું કે ન દોઝખના ડરથી, બલ્કે યા બારીતઆલા, હું તો તારા દીદાર માટે રૂદન કરું છું. ત્યારે પરવરદિગાર આલમીને ફરમાવ્યું કે અગર તમે મારા દીદાર માટે આંસુ વહાવી રહ્યા છો, તો હજુ આનાથી પણ વધુ ગિરિયાઝારી વ રૂદન કરો કે જેથી તમારી આશા પૂરી થાય.
(૧૬૧) ....ઈમામે ઝમાન જેઓ કલમ, રૂહ અને ઝાહિર તેમજ બાતિનના સ્વામી છે તેઓ બધું જુએ છે.
(૧૬૩) અગર તમે માલેવાજબાત નહીં અદા કરો તો તમારી મિસાલ એક એવા માણસ જેવી થશે જે ખેતરમાં હળ તો ચલાવે છે પણ બીજ વાવતો નથી.
(૧૮૫) ઈમામે ઝમાનની ફરમાનબરદારીમાં માથું ઝુકાવવું, મૌલાની બયઅતમાં હાથ દેવો, મૌલાની રાહમાં તથા આજ્ઞામાં ચાલવું, ઈમામની મહોબ્બત દિલમાં રાખવી, ઈમામના પાક નામના રટણમાં ઝબાન સતત ચાલતી રાખવી, ઈમામની તારીફ તથા સ્તુતિ પ્રેમથી સાંભળવી અને ઈમામના દીદાર કરવા એ ક્રિયાઓ અનુક્રમે માથાની, હાથની, પગની, દિલની, ઝબાનની, કાનની અને આંખની પવિત્રતાના સાધનો છે. યાને તે હકીકી મોમનના બાતુનને સાફ કરનાર રૂહાની વઝુ છે.
(૧૮૬) જે માણસ ઈમામના ફરમાન તથા કલામને તાબે થાય છે, તેના દરેક અવયવ પાક અને સાફ થઈ જાય છે.
(૧૮૭) જે માણસ પોતાના હાઝર ઈમામને ઓળખે છે તેજ સાચો વહેદત શનાશ મોમિન છે.
(૧૮૭/૧૮૮) ઓ મોમિનો, મૌલાના શાહ મુસ્તનસિરબિલ્લાહ (અ.) ફરમાવે છે કે જે કોઈ માણસ દુનિયામાં પોતાને કંઈ અથવા કોઈ પણ વ્યક્તિ સમજે છે તો તે નાશ પામી જનાર છે અને તે હસ્તીથી તદ્દન બેખબર છે. ઈન્સાનને ન તો કોઈ હસ્તી (being) કહી શકાય કે ન તો નેસ્તી (nothing) કહી શકાય છે, ન તો નૂર છે, ન અંધકાર. ઈમામ કે જે સાહેબે વિલાયત છે તેવણ ખુદાવંદ અગર માણસનો હાથ પકડે તો જ તેને હસ્તી અથવા અમર જીવનના નૂરથી પ્રકાશીત થઈ શકે. અગર એ માણસ ઈમામનો મુન્કર હોય અને તેણે પોતાના ઝમાનાના ઈમામને બૈયતનો હાથ ન આપ્યો હોય તો તે નેસ્તી યાને નાશવંત તથા અંધકારમય થઈ જાય છે.
(૧૮૯) ઓ મોમીનો હ. મૌલાના શાહ ઈમામ મુસ્તનસિરબિલ્લાહ (અ.સ.) ફરમાવે છે કે : જે માણસ દુનિયામાં સતપંથીઓની મિજલસમાં બેસીને દીનનું ઈલ્મ ગ્રહણ કરી તે પ્રમાણે ચાલે તો એ બંદા પર અમારી રહેમતની નજર થાય છે અને મરણ પછી તેનો રૂહ સલામતી અને શાંતિથી અલ્લાહના નૂરમાં મળી જાય છે.
।। સમાપ્ત ।।
આ ફરમાનો હ. ઈમામ મુસ્તનસિરબિલ્લાહ (અ. સ.) ફરમાવીને તેને પીરનો દરજ્જો આપેલો છે.
**********