Ilm Majalis Logo

ILM MAJALIS

રોશનાઈ નામા

પ્રકરણ - ૬

પ્રકરણ - ૬

0:000:00

મરણબાદ મળનાર બદલો અને શિક્ષા વિષે.

(પેજ - ૭૮) દરેકે એ જાણવું જોઈએ કે “નફ્સેકુલ”માં જે કાંઈ ખામી ઉતરી આવેલી છે તેમાં સંપુર્ણ સુધારો, ક્યામતના દિવસે સવારી કરી ઝહુર ફરમાવનાર નર કાયમે કિયામત કે જેનું આગમન આ દુનિયાની ઉત્પત્તિનું ધ્યેય છે, તેમની ઝહુરાતથી થશે, તેમના થકી જ એ ખામી સુધરશે અને તેનાથી આ દુનિયાનો હેતું સિદ્ધ થશે.

જે કાંઈ સર્વ સદાકાળથી અનંતમાંથી ઉઠતા શબ્દ અથવા તેના અવાજની મિસાલ અસ્તિત્વમાં છે તે બધાના એ મગજરૂપ છે અને જે કાંઈ અસ્તિત્વમાં છે તે બધું ઘાસ અને ઝાડની છાલ છે.

(૭૮/૭૯) બધા ગત મહાન પયગમ્બરો આ દુનિયામાં તેના થનારા આગમન વિષે મનુષ્ય જાતને ચેતવણી આપવા આવ્યા હતા અને તેમણે પોતા તરફથી એ ચેતવણી આપી દીધી છે, અને તેની સત્તા અને શક્તિનો ડર લોકોને બતાવેલ છે. જેમકે ખુદાવંદતઆલા (કુરાને શરીફ - સુરા ૭૮, આ. ૧-૩માં) ફરમાવે છે કે, "તેઓ શા વિષે પુછે છે ? (૧) મોટા સમાચાર વિષે ? (૨) કે જે માટે તેઓમાં મતભેદ થાય છે. (૩)”

જ્યારે તે બહાર પડશે યાને સવારી કરી પ્રગટ થશે ત્યારે બધા માંગળિક તારાગણ તેના અંકુશ નીચે ચમકવા લાગશે અને આકાશો અને તેમાં રહેલ સઘળી વસ્તુંઓ મજબુર બનીને તેના અદના ગુલામો તરીકે તેનો હુકમ ઉઠાવશે. તે દુનિયા ઉપરથી જુલ્મ, જુઠાણું, નિરીશ્વરવાદ અને છળકપટને જડમૂળથી ઉખેડી નાખશે. જેમકે હ. મુસ્તફા અલહીસલામે ફરમાવ્યું છે કે, “જમાનો પુરો થવાની નક્કી કરેલી મુદતમાં ભલે એક દિવસ જ બાકી હશે તો પણ ખુદાવંદતઆલા, એને મારી આલમાંથી મારા એક જાનશીન, સવારી કરી પ્રગટ થઈ પૃથ્વીને, ગમે તેટલો જુલ્માટ અને અન્યાયથી તે ભરાયેલ હશે છતાં, સમદ્રષ્ટિએ અને ઈન્સાફથી ભરી દે ત્યાં સુધી લંબાવશે.”

(૭૯/૮૦) જ્યારે એ જીસ્માની દુનિયાના કારોબારને બરાબર હાલતમાં લાવી મુકે અને તેની કુવ્વતથી મઝહબ પાક અને સાફ બની જશે ત્યારે નિરીશ્વરવાદ અને ખુદાતઆલાની બેફરમાની આ દુનિયામાંથી નાબુદ થઈ જશે. જેમકે ખુદાવન્દતઆલા (કુરઆને શરીફ - સુરા ૮૨, આ. ૧૯માં) ફરમાવે છે કે “તે એવો દિવસ છે કે કોઈ જીવ બીજા જીવ માટે કંઈ ચીજ ઉપર સત્તા ધરાવતો નથી અને હુકમ તે દિવસે ખાસ ખુદાનો જ છે.”

એટલે કે હ. કાયમ-તેમના ઉપર મહાનમા મહાન સલામ હોજો-તરફના ફરમાનો મળ્યા સિવાય એ વખતે કાંઇપણ કરી શકશે નહિ. જેવી રીતે કે આજે મઝહબના દુશ્મનોમાંથી દરેક જણ એક ખોટા દાવેદારને પયગમ્બર તરીકે ચુંટી કાઢે છે અને તે પોતાના અનુયાયી કોમમાંથી એકાદ ટોળું ભેગું કરે છે. અને તેમને માટે હલાલ હરામના ફરમાનો બહાર પાડે છે અને પેલાઓ તેની સત્તાનો સ્વીકાર કરે છે. જેમકે ખુદાવન્દતઆલા (કુરાને શરીફ - સુરા ૯, આ. ૩૧માં) ફરમાવે છે કે, “તેઓ (યહુદીઓ અને ખ્રિસ્તીઓ)એ પોતાના આલેમો અને જાહેદોને અલ્લાહ સિવાય ખુદાતઆલા તરીકે લીધા છે.”

(૮૦/૮૧) આની મતલબ એ છે કે ખ્રિસ્તીઓ અને મઠવાસીઓ તેમના પાદરીઓ અને સંતોને પોતાના ખુદા તરીકે ગણે છે એટલે કે તેઓ ખુદાતઆલાએ જેમના માટે હુકમ ફરમાવેલ છે તેવા અસાસની બાબતમાં પયગમ્બરના ફરમાનોના પાલનથી પોતાના મોઢા ફેરવી લે છે. અને તેઓ પોતાના મનસ્વીપણે દીનના દુશ્મનોની તાબેદારી કરે છે.

ત્યારબાદ કાયમ અલહીસલામ આ દુનિયામાંથી, આલમે અલવી યાને ઉપલી દુનિયામાં સિધાવશે, જ્યાં “નફ્સેકુલ” તેમના મારફત “અક્લેકુલ”નો દરજ્જો પ્રાપ્ત કરશે, જ્યારે મોમીનો અને ગુન્હેગારોના દરેક આત્મા તેમને લાયક બદલો હ. કાયમ પાસેથી મેળવશે. જેઓએ ઝમાનાના ઈમામની તાબેદારી અને ફરમાનબરદારી કરી હશે અને જેમણે નક્કી કરેલા દિવસે સવારી કરી પ્રગટ થનાર કાયમની પિછાણ મેળવી હશે - અને તેના આગમનની સચ્ચાઈનો ખુલ્લી રીતે સ્વિકાર કર્યો હશે, એ બધા “નફ્સેકુલ” સાથે મળી જઈને તેની સાથે ખુદાઈ કલમા યાને સત શબ્દ(કુન)માં ભળી જશે. કાયમી કુવ્વત, આશિર્વાદો અને નિરંતર ટકી રહેનાર સુખ તેમના તરફથી દોડતા આવશે, કારણ કે સુખ શાંતિ અને શક્તિનો તે માલિક છે. જ્યારે ઈલ્મ અને રહેમત તેના દ્રવ્યમાં (જાતમાં) એવી રીતે હશે કે તે કદિપણ તેનાથી અલગ થાય નહિ જે મોમીનો કલમા , ઈલાહી શબ્દ (કુન) તરફ પાછા ફરશે યાને તેમાં ભળી જશે. તેમને અવર્ણનિય અને બેશુમાર ભલાઈ, શાંતિ નવાજેશ અને આરામ મળશે. તેઓ જે કાંઈ ચીજની ઈચ્છા કરશે તે તુરતજ તેને, કોઈને પણ મધ્યસ્થ તરીકે રાખવાની જરૂર વગર મળી જશે. જેમકે ખુદાવન્દતઆલા (કુરાને શરીફ - સુરા ૪૩, આ. ૭૧માં) ફરમાવે છે કે: “અને તેમાં જે મન ઈચ્છે અને જે આંખોને આનંદ પમાડે તે તૈયાર છે; અને તમે તેમાં નિરંતર રહેનાર છો.”

(૮૨) એમ કહી શકાય કે ભાગ્યશાળી જીવોને ત્યાં શું શું મળશે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. જેમકે ખુદાવંદતઆલા (કુરાને શરીફ - સુરા ૩૨, આ. ૧૭માં) ફરમાવે છે કે; “માટે આંખને, રોશની આપનાર ચીજ જે તેઓને માટે છુપી રાખવામાં આવી છે તે કોઈ માણસ જાણતું નથી. જે તેઓ (તાબેદારી સ્વિકાર) કરતા હતા તેને માટે આ બદલો છે.” વળી હ. મુસ્તફા અલહીસલામ જન્નતનું વર્ણન કરતાં ફરમાવે છે કે, “ત્યાં એવું એવું છે કે જે આંખે ભાગ્યેજ દીઠેલ હોય અથવા કાને સાંભળેલ હોય અથવા માણસના મનમાં એનો ખ્યાલ કવચિતજ આવેલ હોય."

પણ જે જીવાત્માઓએ, નાફરમાની કરી હતી, આ દુનિયાની ઉત્પત્તિનું કારણ સમજ્યા નહોતા, કાયમ અલહીસલામને પિછાણ્યા ન્હોતા અને ખુદાતાલાના હુદુદને ઓળખ્યા વગર ખુદાતઆલા પાસે જવાની ઉમેદ રાખનારા ટોળામાંના હતા તેઓ નાશ પામશે. જેમકે ખુદાતઆલા (કુરાને શરીફ - સુરા ૪, આ. ૧૩માં) ફરમાવે છે કેઃ

(૮૩) “જે ખુદાને અને તેના ફિરશ્તાઓને અને તેની કિતાબોને અને તેના પયગમ્બરોને અને છેલ્લા દિવસને માનતો નથી, તે ખરેખર આડે માર્ગે જઈ લાંબી (મોટી) ભૂલમાં પડયો છે.”

જે કોઈ શખ્સ ખુદાતઆલામાં ઈમાન નથી લાવતો એવો શખ્સ એ ગણાય છે કે જે રસુલે ખુદાના દરજ્જાને સાચા તરીકે નથી માનતો; જે કોઈ ફિરસ્તાઓના અસ્તિત્વનો ઈન્કાર કરે છે તે એવો શખ્સ ગણાય છે કે જે અસાસને નથી ઓળખતો અને તેનામાં ઈમાન લાવતો નથી, ખુદાઈ કિતાબમાં ઈમાન નહિ લાવનાર કાફિર એવા શખ્સો ગણાય કે જે તાવિલના ધણીઓ-ઈમામોનો અસ્વીકાર કરે છે. ખુદાવન્દતઆલાના પયગમ્બરો (નાતિક)માં ઈમાન નહિ લાવનાર એઓ ગણાય કે જેઓ હુજ્જતો અને દાઈઓ છે, તેમની શનાખત નથી મેળવતા અને આખરતના દિવસમાં ઈમાન નહિ લાવનાર બેઈમાન એને ગણવો જોઈએ કે જે હઝરત કાયમ અલહીસલામના આગમનનો અસ્વીકાર કરતો હોય છે.

(૮૫/૮૬) એટલા માટે દરેક જણે એ સમજી લેવું જોઈએ કે બક્ષીસ અને સજા બેઉની વહેંચણી કરનાર હ. કાયમ અલહીસલામ છે; જે કોઈએ આ દુનિયામાં તેને ઓળખેલ હશે, તેના ધર્મપ્રચારના કાર્યને જાણતા હશે અને તેમનામા ઈમાન લાવેલ હશે તે, તે દિવસે હ. કાયમ તરફથી તેના જ્ઞાન યાને મારિફતના પ્રમાણમાં બદલો મેળવશે; પણ જેઓએ તેમને ઓળખેલ નહિ હશે તેઓ સદાની સજાના ભોક્તા બનશે.

આ પ્રમાણે તેણે નક્કી કરેલ બદલો અથવા શિક્ષા લોકોને મળશે; કારણ કે અગ્નિમાંથી પ્રકાશ અને ધુમાડો બેઉ ઉત્પન્ન થાય છે, જે જરૂરી ગરમી આપવા અને બાળવાનું કાર્ય કરે છે. ગરમી અને પ્રકાશ એ મોમીનોના ભાગમાં અને બાળવાનું કાર્ય અને ધુમાડો પાપીઓના ભાગે જશે.

જીવંત અને મરેલ ઝાડ.

હ. કાયમ અલહીસલામના આગમન અગાઉ મોમીન અને મુશરિક આત્માઓના જ્ઞાન સંબંધી કેવી હાલત હશે એની સરખામણી શિયાળા યાને પાનખર રૂતુંમાં ઝાડની થતી હાલત સાથે કરી શકાય. શિયાળા દરમ્યાન એક ઝાડ તાજું અને રસથી ભરેલું રહે છે, જ્યારે બીજું તેનાં મુળિયાથી છુટું પડી સુકાઈ જાય છે. શિયાળામાં બેઉ એક સરખા દેખાય છે પણ પેલા સજીવ ઝાડને એવી આંખ હોય છે કે તે વસંતના આગમનની રાહ જુએ છે. જ્યારે વસંત આવે છે ત્યારે તેમાંથી લીલા પાંદડાઓ ફૂટે છે અને સુવાસિત અને રંગીન ફૂલ આવે છે; સ્વાદિષ્ટ સુંદર ઘાટવાળા મઘમઘતા ફળો એવા ઝાડોમા ઉત્પન્ન થાય છે.

(૮૬/૮૭) જો એક મનુષ્યને એ ઝાડ તરીકે કલ્પીએ તો તે ઘણો સુખી હોય છે. પણ એ ઝાડ કે જેના મુળિયા કપાઈ ગયા છે અને જે સુકાઈ યાને મરી ગયેલ છે, તે વસંતના આગમન પ્રસંગે દરરોજ વધારેને વધારે કાળું પડતું જશે અને સુકાતું જશે અને તેની ડાળીઓ નીચે તુટી પડશે અને જ્યારે તેમાં સડો પેસશે એટલે તે બળી જશે. જો આ ઝાડના જેવા એકાદ માણસને કલ્પીએ તો તે ઘણો દુઃખી હશે.

પેલા જીવંત ઝાડની માફક તે દિવસે, મોમીન, પોતાના સૂર્યના આગમન અને ઝહુરત સાથે આલમે અલવી (ઉંચી દુનિયા)માં હશે અને પોતાની આંખો, હ. કાયમ અલહીસલામ ઉપર નિરંતર ટકે એવા સુખ મેળવવા માટે ઠેરવેલ હશે; જ્યારે પાપી જીવાત્મા આલમે અલવી યાને ઉંચી દુનિયામાં પેલા મરેલા ઝાડની માફક હંમેશાં એજ ફિકર અને ચિંતામાં હશે કે આવતી કાલે, કે જ્યારે હ. કાયમ ઝહુર ફરમાવશે ત્યારે કદાચ મને બાળવામાં આવશે.

આ બધા કારણોને લીધે મનુષ્ય આત્મા આ કિતાબમાં અમે આપેલા છ પ્રકરણો બરાબર સમજશે અને તેમાં દર્શાવેલા બોધ મુજબ અંતઃકરણપુર્વક અમલ કરશે તો તે શાંતિ મેળવશે.

(૮૮) જે માણસ ખુદાઈ કલમાની (કુન-સતશબ્દની) અગત્યતાને પિછાણે છે અને તવહીદ યાને ખુદાનું “એક હોવા”નું જ્ઞાન મેળવીને “અક્લેકુલ” સાથેનો મેળાપ સાધે છે તેનો એમાં મુખ્ય હિસ્સો છે. નફ્સેકુલના મર્તબાના અને તેના યાને નફ્સેકુલના “અક્લેકુલ”ના દરજ્જાએ પહોંચવાના પ્રયત્નોના પોતાના જ્ઞાનના પ્રતાપે તે આ જગતની ઉત્પત્તિ જે હેતુસર છે તે હેતું બરાબર સમજી જશે; તે પોતાની શંકાઓ અને વ્હેમોથી પાક બનશે અને જે ગુણ નફ્સેકુલને લાયક ગણી શકાય તેવો ગુણ ખુદાવંદતઆલાને તે કદી પણ લાગું પાડશે નહિ ને નફ્સેકુલને સ્વયં હૈયાતીના મૂળ તરીકે, તેના પોતાના અસ્તિત્વના પરિભ્રમણના જ્ઞાનથી, તે જાણી શકશે.

(૮૮/૮૯) પોતે આ દુનિયામાં ક્યાંથી આવેલ છે અને પોતાને ક્યાં જવાનું છે તે સંબંધમાં હવે વધુ વખત ગુંચવાડા કે વહેમમાં તે પડશે નહિ. તે ખુદાના રસુલો, વસીઓ અને ઈમામોના દરજ્જા અને તેની તાબેદારીની અગત્યતાના જ્ઞાનમાં સદા મગ્ન રહેશે. આ મુજબ સતપંથે ચાલવાથી અને ઈમામની શનાખત મળવાથી અને સજાથી વાકેફ હોવાથી તે પોતાનો બદલો મેળવશે; બદલા માટે તે ઘણો આરઝુમંદ બનશે અને ખરાબ કામના નતીજાથી ડરીને ચાલશે.

આ છ પ્રકરણોના જ્ઞાનથી તે આ પ્રમાણે ઉપલી દુનિયા યાને આલમે અલવીમાં નિવાસ કરવાને પસંદ કરાયેલાની લાયકાત મેળવશે અને જેમ એ છ વિભાગી (શષ્ટકોણ) વર્તુળ સંપુર્ણ બને છે જેમ ભૌતિક વસ્તુઓ પોતાની છ બાજું ધરાવવાથી સંપૂર્ણ બને છે, તેમ સંપૂર્ણ બનશે.

એજ મુજબ ઝમાનાના ધણી, ખુદાના દોસ્ત અને અક્લના ભેરૂ, ઈમામ અલ મુસ્તનસિરબિલ્લાહ મઅ-આદ્દબ અબિતમીમ, અમીરૂલ મોમનીન-જેના ખરા બંદાઓ અને પાક સાથીઓ ઉપર ખુદાતઆલાના આશિર્વાદ ઉતરો-ની કૃપાથી, આ છ પ્રકરણોની મદદથી, આ બાબતો એક બીજાને સાનુકુળ થાય એવી રીતે ખરેખર ખ્યાલ ઘડનાર મનુષ્યનો આત્મા અમર બની જશે.

ઝમાનાના ધણી-હાજર ઈમામના ગુલામ કે જેને પુર્વના વિભાગનું દઆવતનું કામકાજ તેની મદદ અને દયાથી સોંપવામાં આવેલ છે તેના તરફથી રચાયેલ આ કૃતિ અહિં સમાપ્ત થાય છે.

આ કિતાબની નકલ ઉતારવાનું કાર્ય સોમવાર તા. ૧૮મી, રબ્બિયુલ આખર, હિ. સ. ૧૧૯૫ (ઈસ્વી સન તા. ૧૩-૪-૧૭૮૨ ના પુર્ણ કરવામાં આવ્યું.)

(સમાપ્ત)