Ilm Majalis Logo

ILM MAJALIS

રોશનાઈ નામા

પ્રકરણ - ૫

પ્રકરણ - ૫

0:000:00

નાતિક, અસાસ અને ઈમામની જરૂરત વિષે.

(૬૪) કલિમા યાને શબ્દ, અક્લેકુલ અને નફ્સેકુલને ઓળખવું જેટલું અગત્યનું છે, તેટલું જ અગત્યનું નાતિકો, અસાસ અને ઈમામને વિવેકપુર્વક (બી-તકલીદ) ઓળખવાનું છે;

કારણ કે આકાશો અને પૃથ્વીની ઉત્પત્તિમાં અને તેમની વચ્ચે જે કાંઈ છે તેમાં આપણે ડહાપણની નિશાનીયો (હિકમતહા) જોઈએ છીએ, (જેવી કે) આકાશો અને જમીનોનું સપાટપણું અથવા વળાંક, સૂર્યનું ભ્રમણ કે જે કોઈ વખત આકાશમાં કોઈ વખત તેની મધ્યમાં કોઈ વખત તેની એક બાજુએ હોય છે, કે જેને લીધે પૃથ્વી ઉપર ગરમી યાને ઉનાળો અને શરદી યાને શિયાળો આવે છે અથવા જાય છે. શિયાળામાં જમીન નિષ્ક્રિય રહે છે અને ઉનાળામાં તે ફળો ઉત્પન્ન કરે છે.

આ ઉપરાંત તર્કશાસ્ત્રીય ગોઠવણોની નિશાનીઓ (હિક્કમતહા) અને બીજી ઘણી અસરો દુનિયામાં પડેલી છે કે જે પુરવાર કરે છે કે આ જગત પેદા કર્યા અગાઉ તેનો કોઈ સર્જનહાર હતો કે જે એને હસ્તીમાં લાવેલ છે અને તેણે તેમાં હડાપણભરેલી મુખ્ય વસ્તુંઓ (હિકમતહા) ભરેલી છે.

(૬૫) મનુષ્ય પ્રાણી કે જે આ જગતની (અંતિમ ધ્યેયની) આખરી હદ છે તેમાં “નફ્સેકુલ" અને "અક્લેકુલ"ના કાર્યની સાબિતીયો મળી આવે છે એટલે આપણે અનુમાન બાંધી શકીએ કે આ સૃષ્ટીની રચના, ઉપલા અધિકારવાળી અક્લેકુલની મદદથી નફ્સેકુલ તરફથી કરવામાં આવેલ છે.

આ પ્રમાણે જ્યારે સત્યના શાહે (ખુદાવન્દાને હક) અલહીસલામે આપણી પાસે આ (ઈલ્મ) જાહેર કર્યું, એટલે આપણી બુદ્ધિ, એ એમજ બરાબર છે એવું જાણી લઈને એ માન્ય રાખ્યું. આનું કારણ એ છે કે આ (ભૌતિક) દુનિયામાં “અક્લેકુલ” એ સાચા ઈમામ (ઈમામે હક) છે જ્યારે તેનો થોડો થોડો હિસ્સો (અક્લહાઇયે જુઝવી) વ્યક્તિગત રીતે મોમીનો પાસે છે.

આવું વ્યક્તિગત (મોમનનું) દિલ જ્યારે “અક્લેકુલ” તરફથી અસર મેળવે છે ત્યારે તે આ બાબત સમજી શકે છે. અને જ્યારે તેને આવી મદદ નથી મળતી ત્યારે તે તેનો સ્વિકાર કરતું નથી. અને જે પ્રાપ્ત થયેલ છે તેના વ્યાજબી હિસ્સાનો આખો ભાગ મળેલ ન હોય એવા વિભાગિય (ટુકડા-જુઝવહા) જેવું બની જાય છે.

(૬૬) કુરાને શરીફમાં દેખાવે બધી નીતિકથાઓ (અથવા સંકેત, મિસાલ) રહેલી છે, એનો ભાવાર્થ અક્કલ સમજી શકતી નથી અને જો સાચા ઈમામ (ઈમામે હક) તરફથી તેના ભાવાર્થ સંબંધી ખુલાસાઓ ન મળેલ હોત તો તેને (ઈન્સાનને) એકબીજાથી ઉલટાપણામાં ગોથા ખાવા પડત.

જગતમાં આવા તાર્કિક સંયોગો (હિકમતહા)ના દાખલાઓ આપણી નજરે પડતાં હોવાથી જ્યાં સુધી આપણને એની ખુલાસાવાર સમજણ કોઈ ન આપે ત્યાં સુધી આપણામાં એવી કોઈ શક્તિ નથી કે આપણે તે સમજી શકીએ. એટલા ખાતર ખુદાતઆલાને મનુષ્ય રૂપમાં કોઈ એક શખ્શ (એક-તન)ને મોકલવાનું યોગ્ય લાગ્યું કે જે લોકોને સૃષ્ટી સર્જનની વાર્તા ખુલાસાવાર સમજાવે અને સત્ય રસ્તે ચાલવા લોકોને સાદ કરે.

(૬૬/૬૭) આ દુનિયામાં આવો શખ્સ, જેવો અક્લેકુલનો દરજ્જો ઉંચ જગતમાં (આલમે અલવીમાં) છે તેવા દરજજાવાળો હોવો જોઈએ, અને તે નાતિક અલહીસલામ છે. તેનામાં પોતાના ઈલ્મના બળ વડે નફ્સેકુલની બધી શક્તિઓનો સમાવેશ થયેલો હોવાથી એ બેઉ આલમો વચ્ચે મધ્યસ્થ તરીકે બનીને, પોતાના દિલની સફાઈથી આત્મિક જગત (આલમે લતીફ - સૂક્ષ્મ જગત)માંથી જ્ઞાન મેળવીને, ભૌતિક જગત (ઈન્સાનો)ને છટાદાર ભાષામાં તે જ્ઞાન પહોંચાડે છે; જેમકે ખુદાવંદતઆલા (કુરાને શરીફ - સુરા ૨૬, આયાત ૧૯૩ થી ૧૯૫માં) ફરમાવે છે કે, “તે કુરાન સહિત રૂહોલ- અમીન જીબરાઈલ નીચે ઉતર્યો છે. (૧૯૩) તારા અંતઃકરણ ઉપર ઉતાર્યું છે. એટલા માટે કે તું ચેતવણી આપનારાઓમાંનો થાય. (૧૯૪) સ્પષ્ટ અરબ્બી ઝબાનમાં (૧૯૫)."

(૬૭) એટલા માટે નાતિક આ ભૌતિક જગત આલમે જીસ્માનીમાં ઈલ્મમાં છેવટની હદ તરીકે છે અને કોઈ પણ જીસ્માની હસ્તી (હદે જીસ્માની) તેના કરતાં ચઢીયાતી થઈ શકતી નથી. તેને આલમે અલવી યાને ઉચ્ચ જગતમાંના જ્ઞાનનું શિક્ષણ તેના આત્માની રોશનાઈ દ્વારા મળેલ છે, નહિ કે જેમ આપણે કાન વડે સાંભળીને મેળવીએ છીએ એવી રીતે જીસ્માની કાન દ્વારા, નફ્સેકુલ કે જે કાળ(સમય)ની પેલે પાર છે તેને વાસ્તે આજ હસ્તીની શરૂઆતના વખત જેવી છે કે જેથી તે જે શક્તિઓ “અક્લેકુલ” તરફથી તેને મળેલ છે તે આસ્તે આસ્તે વખત અનુસાર ખુલ્લી કરે છે.

(૬૮) જીસ્માની દુનિયા (ભૌતિક જગત)માં રસુલે ખુદાએ એ શક્તિઓ કે જે તેણે આલમે અલવી યાને ઉચ્ચ જગતમાંથી પોતાના નુરાની આત્મા વડે મેળવેલ હતી. તે બધી ઈલાહી નિશાનીયો અને છુપા ભેદોના ખુલાસા કે જે ક્રમવાર ગોઠવ્યા વગર અખંડિત રૂપમાં, એ થાપણ મુકવાને લાયક એવા એક શખ્સને સોંપી દીધા.

તે એક શખ્સ તેના અસાસ હતા કે જેમને સમય અનુસાર આજ ફરી ખુલાસાઓ સાથે મનુષ્ય જાતને આપવાના હોય છે; જેમકે ખુદાવન્દતઆલા (કુરઆને શરીફ - સુરા ૧૭, આયાત ૧૬માં) ફરમાવે છે કે : “અને કુરાનને અમે પૃથક પૃથક નીચે મોકલ્યું છે, એટલા માટે કે તું માણસો પાસે ધીમેથી વાંચે અને અમે તેને (ખરેખર) નીચે મોકલ્યું છે.” એટલે કે એવા રૂપમાં કે તારા ગાદીનશીનો, ઈમામો પોતાના ઝમાનામાં ખુદાવન્દતઆલાના ફરમાનથી તારી કિતાબ ઈલાહી સ્પષ્ટીકરણ યાને તન્ઝીલના રૂપને તેના અંદરના અર્થ યાને તાવિલને સ્પષ્ટીકરણના અર્થમાં લાવીને લોકોને સમજાવે અને તેના ઝમાનાની મનુષ્ય જાતમાં તેનો ફેલાવો કરે.

(૬૮/૬૯) પયગમ્બર પોતાના જીવનના અંત સમયે, પોતાના ગાદીવારસો, કે જે ખરા ઈમામો છે તેમને તેના ખુલાસાઓ પહોંચાડવાનું કાર્ય સોંપી ગયા છે. જેમકે ખુદાવન્દતઆલા (કુરઆને શરીફ - સુરા ૧૩, આ ૭માં) ફરમાવે છે કે "તું માત્ર ચેતવણી આપનાર છે અને દરેક કોમ માટે એક રસ્તો બતાવનાર છે.”

(૬૯) આ જગત અક્લેકુલ પાસેથી મેળવેલી ચઢિયાતા દરજ્જાની મદદ વડે, પેદા કરેલી નફ્સેકુલ તરફની ઉત્પત્તિ છે તે જ મુજબ, આલમે દીન યાને મજહબી દુનિયા નાતિક અલહીસલામના કુવ્વતમાંથી પેદા થયેલી અસાસની ઉત્પત્તિ છે.

આત્મિક જગતની બધી મુખ્ય વિભુતિઓ (આલમે લતીફ - સૂક્ષ્મ જગત)માં પહેલા “અક્લેકુલ" છે કે જે ઉંચ જગત (આલમે અલવી)માં દરેક ચીજથી ઉચ્ચ કક્ષાના છે. તેનાથી નીચે "નફ્સેકુલ" “જદ્” “ફત્હ” અને “ખ્યાલ” એમ અનુક્રમે છે. આ આલમે અલવી યાને ઉચ્ચ જગતની મુખ્ય વિભુતિઓ છે અને એ ઉચ્ચ જગતમાંથી નીચેના જગતમાં પોતાની ઝહુરાત ફરમાવે છે.

"નાતિક” કે જે મનુષ્ય જાતમાં ઉંચામાં ઉંચી અને ઉત્તમમાં ઉત્તમ કક્ષાએ છે. તે “અક્લેકુલ"ની બરાબર છે, તે બીજા મનુષ્યોની સરખામણીમાં આકાશ છે કે જ્યાં જમીનમાંથી કોઈ પણ ચીજ કદિ પહોંચી શકતી નથી.

(૭૦) તેના પછીનો દરજ્જો અસાસનો છે કે જે “નફ્સેકુલ”ની બરાબર છે કે તાવિલ ગુઢાર્થનો ધણી અને જેવી રીતે “નફ્સેકુલ” નીચેની દુનિયાનો રચનાર છે. તેવી રીતે, શરીયતના ખુલાસાઓનો સરજનહાર છે.

તેનાથી નીચે “જદ્દ”ને મળતો દરજ્જો ઈમામનો છે અને "ફત્હ”ને મળતો દરજ્જો ઈમામના બાબનો છે. "ખ્યાલ"ની બરાબરનો દરજ્જો હુજજતનો છે. નીચેની દુનિયાના આ પાંચ દરજ્જાઓ ઉપરની દુનિયાના પાંચ દરજ્જાઓની માફક છે. જેમકે રસુલે ખુદા ફરમાવે છે કેઃ “મેં તે પાંચમાંથી લઈને પાછું પાંચને સોંપ્યું.”

આજ કારણને લીધે કહેવાય છે કે તાય્યીદ યાને ઈલાહી મદદ હુજજત પછીના દરજ્જાવાળાઓ ઉપર નથી ઉતરતી. આ પાંચ દરજ્જાવાળાઓ ઈલાહી મદદ ધરાવનાર છે કે જેની મદદથી તેઓ સત્યજ્ઞાન યાને ઈલ્મે હકીકી તેમના ખુદાવન્દાને દૌરે ખીશ યાને ઝમાનાના શાહ અને તેમના વખતના હુજ્જત યાને પીરના ફરમાનથી લોકોને આપે છે કે જેથી મજહબી દુનિયા મજબુત બને.

(૭૦/૭૧) બરાબર એજ પ્રમાણે ઉપલા જગતના પાંચ મુખ્ય દરજ્જાવાળાઓ ખુદાઈ કલ્મા (કુન-શબ્દ) તરફની ઈલાહી મદદ નીચલી દુનિયાને પહોંચાડે છે કે જેથી એ મજબુત બને.

એટલા માટે અમે કહીએ છીએ કે શરીર સાથે જોડાયેલો મનુષ્યનો જીવાત્મા જમીન કે જે શરીરોનું બેસવા ઉઠવાનું છેવટનું આશ્રય સ્થાન છે, તેનાથી અળગો થઈ શકતો નથી. એજ પ્રમાણે જમીન પાણીથી કે જે તેનું છેવટનું આશ્રય સ્થાન છે, તેનાથી અને તેના ભેજ કે જેમાંથી તેને ઉત્પન્ન કરવામાં આવેલ છે તેનાથી અળગી થઈ શકતી નથી.

પાણી એ વાયુનું આખરી આશ્રય સ્થાન છે અને વાયુ એ અગ્નિનું કે જેમાંથી તે પેદા થયેલ છે. તેનું આશ્રય સ્થાન છે, તેનાં સંબંધમાં પણ એજ પ્રમાણે છે.

આ બધાના સમુદાયની નીચલી દુનિયા બનેલી છે, કે જેમાં આ બધી વસ્તુંઓ એકબીજાથી જુદી ન પડે એવી રીતે, અવિભાજ્ય રહેલી છે અને મહાનમાં મહાન આકાશમાનું પેલું સર્વથી મોટું વર્તુળ ન્હાનામાં ન્હાના બિન્દુઓથી જમીનના મધ્યબિન્દુ યાને કેન્દ્ર સાથે જોડાયેલ છે. નફ્સેકુલ, અક્લેકુલ તરફથી મળેલી ઉચ્ચ કક્ષાની મદદથી તેઓના વાલી અને માર્ગદર્શક છે.

૭૧/૭૨) એજ પ્રમાણે ભૌતિક જગતમાં જે સ્થાન મનુષ્ય જાતિનું છે. તેવું સ્થાન “મુસ્તજીબ”નું મજહબી દુનિયામાં છે અને જેવી રીતે મનુષ્ય શરીરની ઉંચામાં ઉંચી હદ્દ જમીન છે તેવી રીતે તેની ઉંચામાં ઉંચી હદ માઝુનનો દરજ્જો છે. માઝુન(શિક્ષક)ની ઉચામાં ઊંચી હદ દાઈના દરજ્જાની અને દાઈની હદ ઉંચામાં ઉંચી હદ જેમ પાણીની ઉંચામા ઉંચી હદ વાયુ છે તેમ હુજ્જતનો દરજ્જો છે. જેમ હવાની ઉંચામાં ઉંચી હદ અગ્નિ છે તેમ હુજ્જતની ઉંચામાં ઉંચી હદ બાબનો દરજ્જો છે. અને અગ્નિની ઉંચામા ઉંચી હદ નભોમંડળ છે તેમ બાબની તેવી હદ ઈમામ છે. આ બધા સર્વાંશપણામાં એકબીજાથી સંકળાયેલા છે.

(૭૨) એજ મુજબ હકીકતી દુનિયા ઈમામે હકથી પેલા નબળા મુસ્તજીબ કે જે જમીનના નાનામાં નાના બિન્દુઓની મિસાલ છે તેની સાથે એવી રીતે સંકળાયેલ છે કે કોઈ વસ્તું તેના વગરની રહેલ નથી. અસાસ ઈલાહી મદદના બળ વડે, કોઈની પણ દરમ્યાનગીરી વગર, જે પ્રમાણે અક્લેકુલની મદદ વડે નફ્સેકુલ નીચલી દુનિયાનું વાલીપણું ધરાવે છે, તે પ્રમાણે, આ બધા દરજ્જાવાળાઓના વાલી અને માર્ગદર્શક છે.

(૭૨/૭૩) ઉપર દર્શાવેલ દરેક દરજ્જો જે પ્રમાણે બતાવ્યો તે પ્રમાણે ઈમામ અને તેની નીચેના સુધી અનુક્રમે છે અને ખુદાવન્દતઆલા (કુરાને શરીફ - સુરા ૧૭, આ. ૭૧માં) ફરમાવે છે કે, “તે દિવસ કે જે દિવસે અમે દરેક પ્રજાને તેના ઈમામના નામથી બોલાવીએ છીએ.” એટલે કે મુસ્તજીબ(student-નવા મુરીદ)ને માઝુન(શિક્ષક) દ્વારા અને માઝુનને દાઈ(મિશ્નરી) દ્વારા અને અસાસને નાતિક દ્વારા બોલાવવામાં આવશે. એ મુજબ હ. રસુલિલ્લાહ ફરમાવે છે કે, “અમે ખુદાતઆલાનું નુર છીએ, અને અમારા શીયાઓ એક મુબારક ઝાડ મિસાલ છે કે જેને, દરેક ઝાડને હોય છે તેમ, મૂળ, ફળ અને પાંદડાંઓ છે.”

(૭૩/૭૪) એટલા માટે આ હદીસમાંના ભાવાર્થ મુજબ દરેક મોમીન કે જે ઝમાનાના ઈમામની બૈયત કરે છે, તે નુરે ઈલાહીનો થઈને મુસ્તફાની એક ઓલાદ બની જાય છે. તેની પાછા ફરવાની જગ્યા એ બનશે કે જ્યાં આખું ઝાડ-વૃક્ષ પાછું જઈ મળશે, કારણ કે તે ઝાડના પાંદડામાંનું એક પાંદડું બની ગયેલ હોય છે. જ્યારે એક મોમીન સત્ય પાક કુટુંબ (ખાનદાને હક)માંનો એક બની જાય છે. અને સત્ય યાને હક શિક્ષણનો સ્વિકાર કરી તેને જાહેર અને બાતિન બેઉ રીતે તાબે થાય છે ત્યારે તે દુનિયામાં ગરીબ અને નિર્બળ (મુસ્તજીબ) હોય છતાં તેના ઝમાનાના ઈમામના દાયરામાં આવી જાય છે અને પોતાની યોગ્યતા મુજબ એક મ્હાન મર્તબો મેળવે છે; જેમકે ખુદાવન્દતઆલા (કુરાને શરીફ - સુરા ર, આયાત ર૬માં) ફરમાવે છે કે, “ખરેખર ખુદા એક મચ્છર કે તે કરતાં કોઈ જરા મ્હોટાનો દાખલો આપવામાં શરમાતો નથી.” આની તાવીલ-ગુઢાર્થ એમ છે કે જો કે એક મચ્છર નાનો છે પણ તે એક હાથી કે જે એક મોટામા મોટું પ્રાણી છે તેની બરાબરનો છે અને તેની બરાબરીમા તેનો ન્હાનો દેખાવ છે, છતાં તે પ્રમાણમાં કુવ્વતમાં નિર્બળ નથી. આ ગરીબ (નિર્બળ) મુસ્તજીબનું રૂપક છે કે જે એક રૂહાની તરીકે એક મચ્છરની માફક છે. તે જ્યારે ઝમાનાના ઈમામની બૈયત કરે છે અને પોતાથી બની શકે એટલી તેઓશ્રીની તાબેદારી કરે છે ત્યારે તેની ગમે તેવી ગરીબાઈ હોય તો પણ તે પોતાના મૌલાના મર્તબામાં હિસ્સો મેળવે છે કે જેમ એક મચ્છર કદમાં ન્હાનકડો હોવા છતાં મખ્લુકાત તરીકે એક હાથીના જેવો છે.

(૭૪/૭૫) એ મુજબ જ્યારે એક મનુષ્ય કે જે, મખલુકાતના આશરી (આશ્રય) સ્થાને છે તે આ નીચલી દુનિયાના દરજ્જાઓની (તબક્કાવાર) ફરમાનબરદારી, અમે ઉપર જણાવી ગયા તે મુજબ કરે છે, અને ઉપલી દુનિયાના દરજ્જાઓને પિછાણે છે, ત્યારે તે અક્લેકુલ કે જે સરજનહાર છે તેમાં પાછું ફરશે યાને તેમાં મળી જશે અને તેની માફક તે ઉપલી દુનિયામાં પહોંચી જશે. તે અક્લેકુલની માફક ખુદાવન્દતઆલાની આભારદર્શક રૂપે બંદગી ગુજારસે કે જે સિવાય બંદગી ગુજારવા માટેનું બીજું કોઈ સ્વરૂપ હોતું નથી.

(૭૫) જ્યારે ખુદાતઆલાના તાબેદાર બંદાઓના આત્માઓ ઉપલી દુનિયામાં પહોંચે છે ત્યારે સરજનહારનો આભાર (Thanksgiving) પ્રદર્શિત કરવા સિવાયનું બીજું કોઈ બંદગીનું સ્વરૂપ તેમની પાસે નથી હોતું. જેમકે ખુદાવંદતઆલા, બહેશ્તમાં આનંદ માણનારાઓની વાતમાં (કુરાને શરીફ - સુરા ૧૦, આ. ૧૦માં) ફરમાવે છે કે, “અને તેઓનો મુલાકાતમા માન આપવાનો શબ્દ "સલામ” શાંતિ છે, અને તેઓની છેલ્લી દોઆ એજ છે કે, વખાણ ખાસ ખુદાનાજ છે કે જે સર્વ આલમનો પાલક છે.” (અલહમ્દોલિલ્લાહી રબ્બિલ આલમીન).

એ પ્રમાણે દરેક મોમીનને જરૂરનું છે કે તેઓ નીચલા અને ઉપલા એ બધા દીની મહાન મર્તબાઓ અમે જે વર્ણન આપ્યું છે, તે મુજબ સમજે.

સાત ઉંચા મર્તબાઓ કે જે મહાન અક્ષરો છે અને જે નિર્માણવાદ એટલે કે નિરંતરતામાંથી બનનારા બનાવ સંબંધીનો ખુદાવંદતઆલાનો ઈરાદો સાબીત કરનારી સંજ્ઞાઓ છે, તેમને નીચે જણાવ્યા મુજબની રીતે ઓળખવા જોઈએ. ટુંકમાં તે બાબત નીચે પ્રમાણે છે.

(૭૫/૭૬) દરેકે એ જાણવું જોઈએ કે અક્ષર એ વસ્તુંઓનું એક ચિન્હ છે, અને પયગમ્બર(નાતિક) પેલી રૂહાની જગતની "ધારો” (કિનારાઓ-મધ્યસ્થ) તરીકે પોતાના જીવાત્માથી અને આ ભૌતિક જગતની ધારે પોતાના શરીરોથી, એ બેઉ દુનિયામાં રહેલા હતા. એ પયગમ્બરોમાંથી આવેલ દરેક પયગમ્બર પાસે પેલી દુનિયાને છેડે એવો દરજ્જો અને સત્તા રહેલી હતી કે જે થકી તે, પેલી દુનિયામાંથી (જ્ઞાનનો) ફાયદો હાંસલ કરીને તે (ફાયદો) આ દુનિયાને પહોંચાડતા.

(૭૬) “કાયમ” (અક્લેકુલ) કે જેમના આશીર્વાદ આપણા ઉપર હોજો, મખ્લુકાતની છેવટની ઉંચામાં ઉંચી કક્ષાએ હોવાથી અને જેના ખાતર નફ્સેકુલે આ જગત પેદા કરેલ છે, તેઓશ્રીનો પેલી ઉપલી દુનિયામાં કુલ સંપુર્ણ હિસ્સો છે, બલ્કે એમ કહી શકાય કે તમામ “નફ્સેકુલ"ના માલીક તેઓશ્રી છે.

(૭૭) અમે ગમે તેટલું ખુલાસાવાર સમજાવીએ તો પણ રૂહાની દરજ્જાધારીયોની સિફાતોનો સંપૂર્ણ ખ્યાલ આપવાને અમે કદિ પણ શક્તિવાન થવાના નથી. વાચા એ ભૌતિક છે કે જે અક્ષરો અને તાળવું અથવા જીભ અને હવાથી ઉત્પન્ન થયેલ અવાજમાંથી બનેલ છે અને જીસ્માની વસ્તુંઓથી આ ભૌતિક સિવાય બીજી બાબત કોઈ પણ સમજાવી શકે નહિ.

બુદ્ધિવાન અભ્યાસી કે જે આ પ્રકરણ વાંચશે તે સમજી જશે કે અમે જે કાંઈ અહિં કહ્યું છે તે ખરું છે, અને (મહાન) સત્ય બીના એ છે કે અમે અદના ગુલામો તરીકે ઈમામે ઝમાન-કે જેના બંદાઓ-મોમીનો ઉપર ખુદાવંદતઆલાના આશિર્વાદ ઉતરોના ફરમાન મુજબ વર્તવાને બંધાયેલા છીએ. ખુદાતઆલા અમને મદદ કરે અને એ અમારો મદદગાર થાય એવી દુઆ માંગુ છું.

યા અલી મદદ