Ilm Majalis Logo

ILM MAJALIS

રોશનાઈ નામા

પ્રકરણ - ૪

પ્રકરણ - ૪

0:000:00

ભૌતિક જગતમાં મનુષ્ય આત્માઓની ઉત્પત્તિ વિષે.

સહેલાઈથી સમજાય એ માટે નફ્સેકુલ તરફથી ભૌતિક જગતમાં જે કાંઈ ઉત્પન્ન થયેલ છે તે બધાને ત્રણ પંક્તિમાં વહેંચી નાખવામાં આવેલ છે; ભૌતિક જગત ખુદ, નફ્સેકુલ અને અક્લેકુલથી ત્રીજે દરજ્જે છે.

આ બધાઓમાં “અક્લેકુલ” મર્દ મિસાલ છે, નફ્સેકુલ ઔરત મિસાલ અને તેમાંથી ઉત્પન્ન થતા “હયઉલા” (invisible તત્વ) વિર્ય મિસાલ છે. જ્યારે ભૌતિક જગત એક બાળક મિસાલ છે, કારણ કે હયઉલા-વિર્યમાં ઘણા બાળકો સંભવે છે;

આ જગત, પહેલા બુદ્ધિગમ્ય હદ (અક્લેકુલ) પછી ત્રીજું હોવાથી તેમાં, અક્લેકુલના ટેકાથી નફ્સેકુલ તરફથી જે કાંઈ દ્રષ્ટિગોચર થાય છે તે બધું એ ત્રણ પ્રકારના વર્ગને લગતું હોય છે.

આમાનો પહેલો વર્ગ ઉગી નીકળનારો નફસ-જીવ છે કે જે પૃથ્વી ઉપર ઉગતા તરેહવાર ઘાસ અને ઝાડ જેવા છોડવાઓમાં રહેલો છે, તેનો છે;

બીજો વર્ગ સાન-શુદ્ધિ ધરાવનાર જીવનો છે કે જે બધા વનસ્પતિઆહારી, માંસાહારી અથવા જળચર અબોલ પ્રાણીઓમાં રહેલો છે.

(૪૨/૪૩) ત્રીજો વર્ગ બોલતા જીવ (સુખનગોઈ)નો કે જે મનુષ્યપ્રાણીઓમાં રહેલાનો છે, કે જેને (ઈન્સાનને) બોલવાની શક્તિ અને અક્કલ, (અક્લેકુલ) (પ્રથમ) બુધ્ધિમાંથી હિસ્સો મેળવવાના ગુણની (ઈન્સાનને) નવાજેશ કરવામાં આવેલ છે.

(૪૩) જીવ-નફસના આ ત્રણે જુદા જુદા પ્રકારો નફ્સેકુલમાંથી અસર મેળવે છે, આ ત્રણે જુદા જુદા પ્રકારોમાના પહેલા બે (વનસ્પતિ અને જાનવરન)ને અક્લેકુલ તરફથી જેમ મનુષ્યના જીવાત્માને પોષણ મળે છે તેમ મળતું નથી; એટલે જે કોઈ ચીજને એના યાને અક્લેકુલના તરફથી પોષણ ન મળે તે તેના તરફ પાછી ફરતી નથી એટલે કે આખરે તેમાં મળી જતી નથી.

એટલા ખાતર વનસ્પતિમાં રહેલા કે હયવાનોમાં રહેલા જીવોને ઉચ્ચતર જગતમાં જવાનો કોઈ સંજોગ નથી અને જે કોઈ વાચાળ જીવ (ઈન્સાન)ને અક્લેકુલ તરફથી અસર મળતી નથી તે પણ તે જગતમાં પાછા ફરવા અશકત નિવડે છે.

નફ્સેકુલનું કાર્ય સૂર્ય તરફથી જમીન ઉપર પડતા પ્રકાશ જેવું છે કે જેનાથી જમીન ઉજાસને લીધે ઝગમગાટ મારે છે, પણ જ્યારે સુર્ય આથમી જાય છે ત્યારે ઉજાસ પણ અલોપ થઈ જાય છે. જ્યારે સુર્યના પ્રકાશનો અમુક જથ્થો સંગ્રહી શકે એવા પાસાદાર કાચ અથવા અરીસા ઉપર સુર્ય પ્રકાશે છે, ત્યારે આ પાસાદાર કાચ અથવા અરીસામાથી એવો ચળકાટ નીકળે છે કે તે તેમાંથી આગ સળગી શકે કે જેમાંથી કોઈપણ વખત પ્રકાશ મેળવી શકાય છે. આ પ્રકાશ અને ગરમી સંબંધી તેના ગજાના પ્રમાણમાં સૂર્ય જેવું (કાર્ય) તે કરી શકે છે.

એજ પ્રમાણે જ્યારે મનુષ્ય શરીરમાં નફ્સેકુલની શક્તિ ઉત્પન્ન થાય છે અને પોતાની અસલિયત સંબંધમાં શિક્ષણ મેળવવા અક્લેકુલ તરફથી તેને પોષણ મળે છે ત્યારે, ખુદાવન્દતઆલાની તવહીદની શનાખત થવાને લીધે, જેવી રીતે સુર્યના પ્રકાશની પાસાદાર કાચ અથવા અરીસા ઉપર પડતા પ્રકાશની ક્રિયા સૂર્યમાં જે તાસીર હોય છે તેવીજ તાસીર તેમાં નિપજાવી શકે છે, તેવીજ રીતે કે મનુષ્ય શરીરમાંનો આત્મા નફ્સેકુલના જેવો બની જાય છે. પણ જ્યારે સૂર્ય આથમી જાય છે ત્યારે એ આગમાંની તાસીર પણ બંધ થઈ જાય છે,

એજ પ્રમાણે જો એ જીવ-નફ્સ અક્લેકુલ પાસેથી પોષણ મેળવે અને તેના જેવો બની જાય તો તે પહેલા નફ્સેકુલમાં મળી જાય છે અને જ્યારે નફ્સેકુલ અક્લેકુલમાં મળી જાય છે ત્યારે એ અનંત સુખ અખન્ડાનંદ પ્રાપ્ત કરે છે.

આ પ્રમાણે આપણે જાણી શક્યા કે ભૌતિક જગતમાં નફ્સની ત્રણ જાતો છે જેવી કે એક છોડો યાને વનસ્પતિમાં હોય છે એવી ઉગીને વધનારી, બીજી હેવાનોમાં હોય છે યાને આરોગનારી અને ત્રીજી મનુષ્ય પ્રાણીઓ (ઈન્સાનો)માં હોય છે એ વાચાવાળી; એટલે આપણે ત્રણેનો ભેગો સમાવેશ માણસમાં થયેલો જોઈએ છીએ.

(૪૫) એ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે માણસ વનસ્પતિની માફક વધે છે, કારણ કે ખોરાક લેવાથી તે મોટો થતો જાય છે, તેમજ તેમાં હેવાનોના જેવો આરોગવાનો ગુણ હોવાથી તે ખોરાક ખાય છે અને પીણું પીએ છે. આ બે ગુણ ઉપરાંત તેનામાં વધારાનો ત્રીજો ગુણ પણ છે કે જે વાચા છે. એ મુજબ આપણે કહી શકીએ કે આ પ્રમાણે માણસથી જગત સમ્પુર્ણ બને છે અને એ મુજબ થવું અગત્યનું છે.

આ પ્રમાણે જો સમ્પુર્ણતા માણસ થકી પ્રાપ્ત થતી હોય તો એ જરૂરનું છે કે માણસોનો જીવાત્મા (નફ્સે મર્દુમ) શરીરમાંથી છુટો થઈ, જ્યાંથી તે નીચે ઉતરી આવેલ છે તે ઉંચ જગત (આલમે અલવી)માં જવાને શક્તિવાન બને કે જ્યાંથી તેણે આ દુનિયામાં પાછું આવવું જોઇએ નહિ; કારણ કે એ ખામી સુધરી ગયા પછી કાંઈપણ કરવાપણું રહેતું નથી. જો મનુષ્યનો જીવાત્મા અહિં હોય અને તેના દ્વારા દુનિયા પુર્ણ બની ગઈ હોય, તો તેને અહિં પાછો લાવવાનું અશક્ય ગણાય; કારણ કે પુર્ણતા ઉપરનો વધારો એક પ્રકારની ખામી બની જાય છે. જો તેને અહિં પાછો લાવવામાં આવે તો પણ તે આજે છે તેના કરતાં તેમાં કાંઇ ફરક પડનાર નથી.

(૪૬/૪૭) એથી અમે કહીએ છીએ કે “નફ્સેકુલ”નું બળ આખા જગત ઉપર પ્રસરેલ છે અને તેનાથી તે ભરપુર છે, પણ તે ચૈતન્યરૂપમાં (લતીફ-સૂક્ષ્મ) હોવાથી તે કોઈ પણ જગ્યા રોકતું નથી; જો કે દુનિયામાં કોઈ પણ જગ્યા “નફ્સેકુલ" વગરની યાને ખાલી રહેલ નથી, છતાં તેનું ખાસ કોઈ (જાહેર) અસ્તિત્વ નથી (અઝ જાયે ખુદ હસ્તી ન દારદ). જગત તેમાંથી ઉદ્દભવેલ હોવાથી, જ્યારે જ્યારે મૂળતત્ત્વોથી કોઈ ચીજ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે નફ્સેકુલની અસર તે અસ્તિત્વ લઈ લે છે અને તે સજીવ બની જાય છે અને પછી ભલે એ પ્રવૃત્તિ (જુમ્બીશ)માંથી એક છોડ અસ્તિત્વમાં આવે.

(૪૭) એક મનુષ્ય પ્રાણી તેની માતાના ગર્ભાશયમાં એક છોડ જેવો બને છે અને જેવી રીતે એક છોડ અજાણપણે વધ્યે જાય છે તેવી રીતે, પ્રયત્ન કર્યા વગર અજાણપણે તે વધવા માંડે છે.

ત્યારબાદ તેની માતા તેને જન્મ આપે છે અને તે દુનિયામાં આવે છે, એટલે એ એક જાનવર કે જેને ખાવા અને સુવા સિવાય બીજી કાંઇ સાન હોતી નથી તેના જેવો બને છે; જે કાંઈ તેના હાથમાં આવે તે, પછી સુકી પરાળ હોય અથવા સુગંધીદાર ઘાસ હોય તેમાં કાંઈ પણ ફરક સમજ્યા વગર જેમ જાનવર ચાવી ગળે ઉતારી જાય છે તેમ, મ્હોમાં મુકે છે એ પ્રમાણે એક ન્હાનકડું બાળક હયવાનની તરેહ વર્તે છે. ખાવાની વસ્તું સિવાય બીજી કોઈ ચીજની તે માંગણી નથી કરતું જે કાંઈ તેના હાથમાં કે મ્હોમાં મુકવામાં આવે તેને તે તુરતજ ખાવા લાગે છે. જ્યાં સુધી બુદ્ધિગમ્ય નફ્સ (અક્લેકુલ) પોતાની અસર તેની ઉપર નથી પાડતું અને તે બોલવાને શક્તિમાન નથી થતું ત્યાં સુધી તે આજ હાલતમાં રહે છે.

ત્યારબાદ એ બાળક બોલવા અને દરેક ચીજોના નામો જાણવા માડશે.

(૪૮) હવે આપણે સમજી શક્યા કે આ જગતની ઉત્પત્તિમાં ખરી રીતે પ્હેલાં “નફસે નામીયા” યાને વનસ્પતિ અને છોડવાઓમાં હોય છે તેવો, ઉગીને વધવાની શક્તિવાળો જીવ હસ્તીમાં આવ્યો.

અને થોડા વખત પછી હેવાનોમાં ખાસ હોય છે એવો, સ્હેજ સાનવાળો જીવ-નફસ (હિસ્સીયા).

અને તે પછી થોડા વખતે વનસ્પતિ અને છોડો તેમજ હયવાનોથી ઉંચી પાયરીએ મુકનારો, મનુષ્ય પ્રાણીઓમાં ખાસ હોય છે એવો બોલવાની શક્તિવાળો નફ્સ (જીવ) હસ્તીમાં આવ્યો.

આ ત્રણે શક્તિ એક સાથે મનુષ્યમાં આવેલી છે અને વળી મનુષ્ય પ્રાણી (ઈન્સાન)થી ચઢી જાય એવી કોઈ પણ ચીજ જગતે ઉત્પન્ન કરી નથી.

આ ઉપરથી આપણને ખાત્રી થાય છે કે નફ્સેકુલ તરફથી માણસ કરતાં વધારે ઉમદા અને મ્હાન કોઈ પણ વસ્તું ઉત્પન્ન થયેલ નથી. ઝગમગાટ મારતા તારાઓ સાથેનું નભોમંડળનું ભ્રમણ તેણે (નફ્સેકુલે) મહાન માણસ જાત માટે ઉત્પન્ન કરેલ છે, કારણ કે જગતની ઉત્પત્તિનો હેતું જો બર આવી ગયો હોત તો તે ભ્રમણ બંધ પડી ગયું હોત.

(૪૮/૪૯) મનુષ્યનું શરીર પોતાનું પોષણ આ પૃથ્વીમાંથી મેળવતું હોવાથી જ્યારે જીવ તેનાથી છુટો થાય ત્યારે તે યાને શરીર મુળતત્વો (અગ્નિ, વાયું, પાણી, માટી)માં અવશ્ય મળી જાય છે; કારણ કે એ મુળતત્ત્વો તેના યાને શરીરના ઉત્પત્તિસ્થાન એટલે કે અસલ મુકામ છે.

(૪૯) એવા જ કારણોને લઈને જીવાત્મા પાછો વળીને ‘નફ્સેકુલ&aposમાં અનિવાર્ય રીતે જઈ મળે છે. સવાલ માત્ર, તે કેવી રીતે પાછો થઈ જઈ મળે એ સંબંધી છે.

જો તે હિકમત ભરી રીતે પોતાના અસલ વતનમાં પાછો થઈ જઈ મળે તો જીવ રાહત શાન્તિ મેળવે છે કે જેને ઘણાઓ ખુદ ખુદા જેવી હાલતની ઉપમા આપે છે. કારણ કે તેઓનું કહેવું છે કે ખુદ ખુદાતઆલાએ આ જગત ઉત્પન્ન કરેલ છે; પણ આપણે જોઈ ગયા તેમ જેણે આ જગતની રચના કરી (તરકીબ કરદા અસ્ત) તે નફ્સેકુલ છે અને તેથી મનુષ્યનો જીવ પાછો થઈ તેમાં જઈ મળશે.

જ્યારે મોમીન નફ્સેકુલમાં ફરી પાછો જઈ મળી જાય છે. ત્યારે તે જગતના સર્જનહાર જેવો બની જશે. એ પ્રકારના જનો જે કહે છે તેના કરતા વધારે મહાન, ઘણો ઘણો મહાન ખુદાતઆલા હો ! તે ખુદાવન્દતઆલા, લોકો કહે છે તેનાથી ઘણો મહાન ઉંચા દરજ્જાવાળો છે.

(૪૯/૫૦) પણ જો કદાચ નફ્સે-જુઝ યાને કોઈ વ્યક્તિગત જીવનું પોતાના અસલ વતનમાં પાછું ફરવું હિકમત વગરનું હશે તો, તેના ઉપર દુઃખો અને મુશ્કેલીઓ આવી પડશે કે જેના સંકટનું વર્ણન એવી રીતે કરવામાં આવેલ છે કે તેને દોઝખની આગમાં નાખવામાં આવશે કે જે સ્થિતિનો કદી પણ અંત આવશે નહિ. ખુદાવન્દતઆલા આપણને આગની સજાથી બચાવે.

(૫૦) મોમીન તે છે કે જે ખુદાઈ કાનુનો (હુદુદ-ચાર હદોને) પિછાણે છે, ખોટા વિષેશણો તેને યાને ખુદાતઆલાને લગાડતો નથી અને દરેક કાનુન (હદ)ની અગત્યતા પિછાણીને, ખુદાતઆલાને, તેની ઉત્પન્ન કરેલી કોઈ પણ ચીજના બરાબર ગણતો નથી.

લોકોના સંબંધમાં જેમ ખુદાતઆલાએ (કુરાને શરીફ સુરા ૧૧, આયાત ૩ માં) ફરમાવ્યું છે કે:- "અને એટલા માટે કે તમે તમારા પરવરદિગાર પાસે માફી માંગો, પછી તેની તરફ પશ્ચાતાપ કરતા &aposપાછા ફરો&apos કે જેથી તે તમને નિમેલા વખત (મરણ) સુધી સારી જીન્દગી જે ઉપભોગ કરવામાં આવે, અને દરેક અત્યંત ધાર્મિક માણસને તેની ધર્મિષ્ઠતાનો બદલો આપે; અને જો તમે તમારી પીઠ ફેરવો તો ખરેખર તમારે માટે મ્હોટા દિવસની શિક્ષાથી હું ડરું છું."

(૫૦/૫૧) "નિમેલ વખત”નો અર્થ એમ છે કે "તે તમને આ દુનિયામાં ઈલ્મે હકીકત તરફનો રસ્તો બતાવશે. જ્યારે કે તમે તમારા ઝમાનાના ઈમામ (ખુદાવન્દે ઝમાનાયે ખીશ) કે જે તમારા જીવોનો પરવરદિગાર છે. તેને ઈલ્મથી ઓળખશો. ત્યારપછી તેણે ખુદાતઆલાએ ફરમાવ્યું કે: દરેક દયાળુ મૌલા (ખુદાવંદે ફઝલ)ને તેમના દરજ્જા પ્રમાણેનો હક્ક આપો, યાને તેમના તરફ તમારી ફરજ અદા કરો.

(૫૧) એટલા માટે દરેક મોમીને ભૌતિક (દીની) અને આત્મિક જગતના દરેક બંધારણ (હદ અઝ હુદુદ)નો સાચો દરજજો ઓળખવો જોઈએ, અને ન્હાનાને મોટા તરીકે ઓળખી તે મુજબ કબુલ કરી લેવું જોઈએ નહિ; તેમજ મોટાને ન્હાના તરીકે ગણી લેવો જોઈએ નહિ. પણ રાહે રાસ્ત ઉપર ચાલીને આ બાબતમાં બરાબર વર્તવું જોઈએ.

(૫૧) જે કોઈ શખ્સ નાની હદને મોટી હદ તરીકે ગણે છે. તેની ગણત્રી તેઓમાના એક તરીકે થશે કે જેમ ખુદાવન્દતઆલા (કુરાને શરીફ સુરા ૫, આયાત ૭રમાં) ફરમાવે છે કે, “ખરેખર, તેઓ કાફર થયા છે."

(૫૩) એજ પ્રમાણે આ દુનિયામાં જે લોકો (યાને આપણે) અસ્તિત્વમાં આવ્યા છીએ તે બધા એક સાથે સંભવિત રીતે "નફ્સેકુલ"માં સમાયેલા હતા. અને આસ્તે આસ્તે તેમાંથી બહાર પડી જગતમાં આવેલા છીએ. જગત પોતે અસ્તિત્વમાં આવ્યા પહેલાં અખંડિત પણે “નફ્સેકુલ"માં હતું. પણ તેને કોઈ દ્રષ્યમાન રૂપ ન્હોતું, અને જ્યાં સુધી તે અસ્તિત્વમાં ન આવ્યું ત્યાં સુધી તેમાં ભેદ પડેલો ન્હોતો.

(૫૩) બધા મનુષ્યો (રૂહાની) જગતની અંદર સંભવિત રીતે સમાયેલા છે. એ વાતની સાબીતી એ છે કે તેઓ તેમાંથી ઉત્પન્ન થાય છે અને આપણે સમજીએ છીએ કે અમુક ચીજમાં જ્યાં સુધી અમુક વસ્તું સમાયેલી નથી હોતી ત્યાં સુધી તે તેમાંથી ઉત્પન્ન થતી નથી.

એના દાખલા તરીકે ઘઉંના દરેક દાણામાં, તેમાંથી ઉત્પન્ન થનારા ઘણા દાણાઓ સમાયેલા છે પણ એક રેતીના કણમાં ઘઉં સમાયેલા હોતા નથી.

(૫૩/૫૪) હવે જ્યારે આપણને એ વાતની ખાત્રી થઈ કે જગત એ “નફ્સેકુલ”ની પેદાશ છે એટલે આપણે એ સમજી લેવું જોઈએ કે દરેક મખલુકાત એજ પ્રમાણે તેમાંથી (નફ્સેકુલમાંથી) ઉત્પન્ન થયેલું છે. આ પ્રમાણે મખલુકાત એજ રીતે (રૂહાની) જગતમાંથી હસ્તીમાં આવેલ હોવાથી જગત એ “નફ્સેકુલ”ની પેદાશ તરીકે સાબિત થાય છે અને દરેક મનુષ્ય પ્રાણીઓ સંભવિત રીતે “નફ્સેકુલ”માં સમાયેલા હતા એ સત્ય હકીકત તરીકે સાબિત છે.

(૫૪) &aposનફ્સેકુલ&aposને એ શક્તિ (કુવ્વત) &aposઅક્લેકુલ&apos તરફથી મળેલ છે. એટલા માટે માણસનું મૂળ (અસલીયાત) શબ્દ (કલિમા)માં છે, પણ તે એક શક્તિ (કુવ્વત) તરીકે રહેલ છે અને તે ફક્ત આ જગતમાં વહેવારૂ રૂપમાં આવેલ છે. તેમા (ઈન્સાનનો) વહેવારૂ રૂપે આવવાનો હેતું પોતાના અસલિયાતના જેવો બનવાનો અને પેગમ્બર (નાતિક) કે જે આ જગતમાં “નફ્સેકુલ”નો કાર્યસાધક દરજ્જો ધરાવે છે. તેમના તરફથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે.

જ્યારે (ઈન્સાન) ઈલાહી કાનુનો (હુદુદ)નો સ્વિકાર કરે અને ખુદાઈ તવહીદને પિછાણે ત્યારે તેઓ “નફ્સેકુલ” જેવા બનશે અને એ મુજબ તેઓ તેમાં મળી જશે અને પોતાનો બદલો મેળવશે.

આની મિસાલ વિર્યના ટીપાં જેવી છે કે જે માતાના ગર્ભાશયમાં પડે છે અને ત્યાં પોષણ મેળવીને પોતાના માતાપિતા જેવું બને છે; તેમ છતાં જે જીવો રહેબરી માટે કોઈ દૈવી વ્યક્તિનો સમાગમ ન સાધે અને તવહીદની શનાખત ન મેળવે તો, તેઓ આ દુનિયામાં જનાવરો જેમ ખાય છે, પીએ છે અને પછી મૃત્યુ પામે છે તેના જેવું જીવન જીવે છે. અને તેઓને કોઈ બદલો મળી શકતો નથી.

(૫૭) "અમે એ પણ જાણવા માગીએ છીએ કે અમારે ખુદાતઆલાના ફરમાન મુજબ ઉંચા હુદુદની પુજા કરવી કે કેમ ?” એ સવાલના જવાબમાં અમે જણાવીએ છીએ કે, તમારે એ સમજી લેવું જોઈએ કે “તવહીદ”ની પીછાણ માટે એ જરૂરનું છે કે તમારે ઉંચા કે નીચા કોઈ પણ હદને ખુદા તરીકે ગણવો અથવા ગણવા માટેની ઈચ્છા કરવી જોઈએ નહિ. “હદો” તરીકે તેઓ ખુદા હોઈ શકે નહિ.

(૫૭/૫૮) ખુદાતઆલાની પ્રથમ પુજા “અક્લેકુલ”માંથી ઉદભવે છે કે જે આભાર દર્શનની બંદગી છે. તેના જેવી બંદગી કોઈ કરી શકતું નથી. તેની મહત્તા, પાકીઝગી, શક્તિઓ અને હિકમતથી થતી બંદગીને કોઈ હદ નથી.

(૫૮) તેના પછી બીજા નંબરે “નફ્સેકુલ”ની, એણે પોતામાંથી ઉત્પન્ન કરેલ આ મહાન સૃષ્ટિરૂપે, બંદગી છે. ખુદાવન્દતાલા જલલશાનહુની તેની બંદગીનું આ સ્વરૂપ છે. જે કાંઈ કરી શકવાની તેનામાં શક્તિ છે તે બધી ખુદાતઆલાની એ બંદગીમાં સમાયેલ છે. તે આટલા બધા મહાત્માઓ (નફ્સહાઇએ બુઝુર્ગવાર)ને પેદા કરે છે તેમજ કયામત સુધી કે જ્યારે, મખલુકાતમાં સર્વશ્રેષ્ઠ એવા “કાયમ” - જેના ઉપર ઉત્તમમાં ઉત્તમ સલામ હો-ને પેદા કરશે, ત્યાં સુધી એવા મહાત્માઓ પેદા કર્યા કરશે.

દરેક ઉંચ હુદુદ (હુદુદે અલવી) તરફથી બંદગી તેની શક્તિઓને આભારી છે.

આ ભૌતિક (દીની) જગતમાં નાતિક અલહીસલામની બંદગીનો દરજ્જો પહેલો છે કે જે આ જગતમાં સર્વશ્રેષ્ઠ અને સર્વ સંપૂર્ણ બંદગીનું સંપૂર્ણ સ્વરૂપ છે; કારણ કે તેના જેવી બંદગી કોઈપણ ખુદાનો બંદો અદા કરી શકતો નથી.

ત્યાર પછી અસાસ તરફની બંદગી છે કે જેમાં બધા બંદગી ગુજારનારાઓની બંદગીઓની આખરી હદો મળી ગયેલ છે.

ત્યાર બાદ સાચા ઈમામે (ઈમામે બ હક્ક)ની બંદગી આવે છે. ત્યાર પછી આવે છે તેના બાબ, હુજ્જતો, દાઈયો, માઝુનો અને મુસ્તજીબોની યોગ્ય ક્રમવાર બંદગીઓ.

(૫૯) વધારે માહિતગાર અને વધારે આગળ વધેલા દરેક બંદાની બંદગી વધારે ઉંચ, સંગીન (બુઝર્ગવાર વ બિશતર) અને ખુદાતઆલાને વધારે ખુશ કરનારી હોય છે. અકલેકુલથી મુસ્તજીબ સુધીના બધા ખુદાતઆલાની બંદગી કરવાની અને બદલો મેળવવાની ઈચ્છા રાખે છે કે જે તેઓ “અક્લેકુલ” તરફની બંદગીને વચમાં રાખ્યા વગર બજાવે છે અને તેઓ બંદગીમાં “અક્લેકુલ”ના જેવા બને એવો પોતાથી બનતો દરેક પ્રયાસ કરે છે.

ખુદાતઆલાને તેની, લોકો બંદગી કરે યા ઈલ્મ મેળવે તેથી કાંઈપણ ફાયદો થતો નથી અથવા તેમની બિન તાબેદારીથી તેને કાંઈ નુકશાન પણ પહોંચતું નથી; તો પછી તેની બંદગી કરવાથી અને ઈલ્મ મેળવવાથી માણસોને શા માટે બદલો મળવો જોઈએ ? એ સવાલનો જવાબ આ પ્રમાણે છે.

બંદગી એ પેલી દુનિયામાં શરીર મિસાલ અને ઈલ્મ એ એક આત્મા મિસાલ છે. જે કોઈ વ્યક્તિને જેમ વધારે જ્ઞાન હોય અને તે વધારે પવિત્ર હોય તેમ તેનું આત્મિક શરીર વધારે બળવાન બને છે જ્યારે તેનો અમલ તેના ઈલ્મના જેવો થાય છે ત્યારે તે આત્માનું સ્વરૂપ સંપુર્ણ બને છે.

(૬૦) ઉચ્ચ દુનિયા (આલમે અલવી)માં, જેવી રીતે આ જગતમાં એક સશક્ત શરીર આ દુનિયાના સુખો સંપુર્ણપણે માણી શકે છે. તેવી રીતે તે (રૂહાની) દુનિયાના બધા પ્રકારના સુખ અને આનંદ મેળવે છે. એટલા ખાતર ઈલ્મ મેળવવાની તમન્ના અને આ જગતમાંની સારી વર્તણુક માણસને, આખરતમાં, મૃત્યુ બાદના જીવનમા, તેના રસ્તાઓ સાફ બનાવવામાં મદદ કરે છે. તેની વર્તણુક શરીર મિસાલ છે અને તેનું ઈલ્મ જાન (રૂહ) મિસાલ છે;

જેવી રીતે કે ખુદાતઆલા (કુરાને શરીફ સુરા ૩૫, આ. ૧૦માં) ફરમાવે છે કે: “તેના તરફ પાક શબ્દો તેના તરફ ઉંચે ચડે છે અને સારૂં કામ પાક શબ્દોને ઉંચા ચડાવે છે.” એટલે કે પાક શબ્દો વધારે બળવાન છે અને સારા આમાલ તેને ટેકો આપે છે. એટલા માટે જે કોઈ જેવું બળવાન સ્વરૂપ ત્યાં મોકલે છે તેજ મુજબના વધારે સુખો તે ત્યાં ભોગવે છે; જેવી રીતે ખુદાવંદતઆલા (કુરાને શરીફ સુરા ૭૩, આ. ૨૦ માં) ફરમાવે છે કે “અને બંદગી અદા કરો અને ઝકાત આપો અને ખુદાને નિખાલસપણે ધીરો અને જે ભલું આગળથી તમે તમારે પોતાને માટે મોકલો છો તે તમને ખુદા પાસેથી મળશે, તે વધારે સારૂં અને બદલામાં વધારે મ્હોટું છે.”

(૬૨) એ મુજબ અમે કહીએ છીએ કે બંદગીથી ફાયદો અને નાફરમાનીથી નુકશાન જીવને પોતાને છે; ખુદાવન્દતઆલા જલલશાનહુને નહિ.

આ ભૌતિક જગતમાં મનુષ્ય આત્મા શા માટે આવ્યો તેનું કારણ અમે ઉપર ટુંકમાં દર્શાવી ગયા તે છે કે જેથી એક મોમીન ખાત્રીપુર્વક સમજી લે કે તેને અહિં એટલા માટે લાવવામાં આવેલ છે કે તે ઈલ્મથી પોષાઈ મોટો થઈ પોતાના અસલ વતનમાં પાછો જઈ મળે અને તેની હયાતીનું કારણ “નફ્સેકુલ” અને “અક્લેકુલ” વચ્ચે દેખાતી ખામીને આભારી છે. જ્યાં સુધી આત્મા આ દુનિયામાં આવતો નથી ત્યાં સુધી ન તો તે પોતાનું વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે કે ન તો પોતાનું તત્વ (ઝાત) હાંસલ કરી શકે છે, કે ન તો સ્વતંત્ર હસ્તી (ઈશરાત) મેળવે છે.

(૬૩) હવે જ્યારે તેણે (ઈન્સાને) પોતાનું અસ્તિત્વ મેળવેલ છે. એટલે તેને પોતાની અસલિયાતનો ખ્યાલ (સુરતે કુલે ખીશ) મેળવવાની શક્તિ પણ આપવામાં આવેલ છે.

જો એ ગુન્હાઓ કરે અને પોતાના મનુષ્ય તરીકેની ઉત્પત્તિને વેડફી નાંખે તો તે સજાને પાત્ર ઠરે છે.

એમ છતાં જો તે સત્યના શાહ (ખુદાવન્દે હક યાને ઈમામો)ની દોરવણી મુજબ ચાલે, અને પોતાની અસલિયાતનો ખ્યાલ ગોતી કાઢે તો જ્યારે તે ઉંચી દુનિયામાં પહોંચશે ત્યારે તેણે મેળવેલું એ જ્ઞાન બધી રીતે સત્ય પુરવાર થશે; એવી રીતે કે તેનો નાશ નહિ થાય પણ તેને લાયકનું બધું તેને મળશે. જેમકે ખુદાવન્દતઆલા (કુરઆને શરીફ સુરા ૯, આ. ૧૨૦ માં) ફરમાવે છે કે “ખરેખર ખુદા સારા કામ કરનારાઓનો બદલો વ્યર્થ કરશે નહિ.”

કોઈ પણ જાતનો વહેમ રાખ્યા વગર જેઓ આ બાબત ઉપર મનન કરશે તેમને માટે આટલું બસ છે. એમ છતાં જેઓના વિચારો ખોટી રીતે બંધાઈ ગયા છે અને જેઓ, જે દલીલો અને સાબીતીઓ સાચી છે તેનો કોઈ પણ તરેહ ઈન્કાર કરવાનો ઈરાદો રાખે છે તેમને માટે વધારે બોલવું અથવા ચુપકીદી ધારણ કરવી બન્ને સરખું છે.

યા અલી મદદ