રોશનાઈ નામા
પ્રકરણ - ૩
પ્રકરણ - ૩
નફ્સેકુલ” તેનો મર્તબો અને કાર્ય વિષે.
(૩૩) "નફ્સેકુલ” બીજા ગણાય છે. કારણ કે અક્લેકુલ પછી ક્રમમાં તે બીજા છે. અક્લેકુલ બાદ ઉંચી કે નીચી પંક્તિની મૂળ વિભુતિઓ (હુદુદો)માંથી કોઈ પણ હસ્તી તેનાથી ઉંચી નથી. તેનો સંખ્યાસુચક દરજ્જો “બે” છે, જ્યારે ‘અક્લેકુલ'નો દરજ્જો “એક” છે. બે પછીની એવી કોઈ સંખ્યા નથી કે જેમાં "બે”નો સમાવેશ ન થાય. જેવી રીતે કે એવી કોઈપણ હસ્તી, શું મનુષ્ય કે શું ફરિસ્તો (જદ્, ફત્હ, ખ્યાલ) નથી કે જેનું અસ્તિત્વ “નફસેકુલ”ને આભારી ન હોય.
(૩૩/૩૪) સંભવિત(potential) રીતે તે યાને "નફ્સેકુલ", "અક્લેકુલ"ની માફક સમ્પુર્ણ છે. જો કે ખરી રીતે (બ ફઅલ) તે અપુર્ણ છે, કારણ કે અક્લેકુલની મારફત ખુદાના કલિમા (કુન શબ્દ)માંથી તે નિપજેલ છે અને જે કોઈ વસ્તું મધ્યસ્થની મદદથી અસ્તિત્વમાં આવે તે દરેક વસ્તું તેના યાને મધ્યસ્થના દરજ્જાની હોઇ શકે નહિ. તે સંભવિત રીતે એકજ બાબતમાં તેની પંક્તિમાં આવી શકે. જેવી રીતે કે એક ઉછેરાયેલ ફરજંદ એક વખત તેના બાપના જેવો ખરેખરો સંપુર્ણ માણસ થાય છે, પણ એક માબાપમાંથી છુટું થયેલ યાને પેદા થયેલ બચ્ચું જન્મે તેજ ક્ષણે તેના પિતાના જેવું બની જાય એતો સંભવિત નથી જ. જો એ શક્ય હોય તો તેને મનુષ્યત્વ (manhood)નું ભાન આપમેળે થઈ જાય અને તે તરતજ પોતાના જેવાં બચ્ચાં પેદા કરવા શક્તિમાન બની જાય.
(૩૪) આજ કારણને લીધે, કહેવાય છે કે શૂન્ય રીતે (potentially) "નફસેકુલ", "અક્લેકુલ"ની બરાબર છે. પણ વાસ્તવિક (actually) રીતે તે તેમ નથી. તે "નફ્સેકુલ", “અક્લેકુલ”ના મધ્યસ્થપણા દ્વારા ઉત્પન્ન થયેલ છે અને જે વસ્તુંઓ બીજામાંથી પેદા થાય તેનું (નફ્સેકુલનું) પાલનપોષણ તેણે યાને જેમાંથી પેદા થયેલ હોય તેણે (અક્લેકુલે) કરવું જોઈએ કે જેથી તે એક દિવસ તેના જેવી જ થઈને ઉભી રહે.
દાખલા તરીકે મનુષ્યનું વિર્ય માદાના ગર્ભાશયમાં પડતા અને પોષાતા તેની માતા તરફથી મળેલા પોષણને લીધે, અને પિતાના બળે તે એક દિવસ તેના પિતાના જેવું થાય છે. આ પ્રમાણે એક બાળકની ઉત્પત્તિમાં બેઉનો હિસ્સો છે; જેમકે ખુદાવન્દતઆલાએ (કુરાને શરીફ સુરા - ૯૦, આયાત ૧-૩)માં ફરમાવેલ છે કે “હું આ શહેરના સોગંદ નહિં ખાઉ (૧) અને તું આ શહેરમાં રહે છે. (૨) અને પિતાના અને જેને તેણે જન્મ આપ્યો છે. (એટલે છોકરાના) સૌગંદ નહી ખાઉં (૩)."
(૩૪/૩૫) જમીન યાને શહેર નાતિકને લાગુ પડે છે કે જે ઈલ્મનું શહેર છે. કારણ કે હ. રસુલિલ્લાહે ફરમાવ્યું કે “હું ઈલ્મનું શહેર છું અને અલી તેનો દરવાજો છે.” ત્યારપછી ખુદાવન્દતઆલા ફરમાવે છે કે “તું આ શહેરમાં રહે છે યાને આ શહેરમાં તું ગમેતેમ કરવાને સ્વતંત્ર છે.” એટલે કે તું ત્હારા પોતાના અસાસ (વસીયો) નિમવાને મુખત્યાર છે. ખુદાતઆલા ફરમાવે છે કે ‘અને પિતા અને તેમનાથી જન્મેલી ઔલાદના સોગન્દ નહિ ખાઉ.’ આ સૌગન્દમાં પિતા એ “અક્લેકુલ” છે કે જેનો દરજ્જો ઉંચ દુનિયા (આલમે અલવી)માં પિતા જેવો છે અને ઓલાદ એ ‘નફ્સેકુલ' છે. જેનો દરજ્જો ઔલાદ જેવો છે.
(૩૫) ‘નફ્સેકુલ’, 'અક્લેકુલ'માંથી ઉત્પન્ન થયેલ છે. અને તે એક દિવસ પુર્ણ બની જાય એવો સંભવ છે; તેણે પ્રયત્નો આદરી લીધા છે અને 'અક્લેકુલ’ પાસેથી ફાયદો મેળવવાનું શરૂ કરી લીધું છે. તે એક બાળક મિસાલ છે કે જે પોતામાં રહેલ શક્તિ (કુવ્વત)થી માતાના ગર્ભાશયમાં પોષણ મેળવે છે અને જે સંભવિત રીતે એક દિવસ મનુષ્ય બીજધારક થનાર છે. તે પ્રવાહી હમેશાં માતાના ગર્ભાશયમાં ખોરાક (માયદા) ચુસી લે છે. એજ પ્રમાણે "નફ્સેકુલ” શિક્ષણ (instruction) અને ખોરાક (nutrition) (ફાયદા વ માયદા) અક્લેકુલ પાસેથી મેળવે છે અને એવી રીતે વર્તે છે કે તે કમાલિયત (સંપુર્ણતા) મેળવી શકે.
(૩૫/૩૬) આ જીસ્માની આલમની રચનાનો શિલ્પી (સર્જનહાર) "નફ્સેકુલ" છે અને આ દુનિયામાં કર્તવ્યશીલ રહેનાર "નફ્સેકુલ" છે. તેનામાં (નફ્સેકુલમાં) રહેલા આ જોમ (જુમ્બીશ)નું કારણ પોતે કમાલિયત યાને સંપૂર્ણતા મેળવે એવી તેની તીવ્ર ઈચ્છા છે. અને આ સંપુર્ણતા આ જગતમાં દ્રષ્ટિગોચર થતા મહાત્માઓ (નફસેહાઈ બુઝર્ગવાર) જેવાં કે, નબીઓ (નાતિક), અસાસ, ઈમામો, હુજ્જતો, દાઈઓ, માઝુનો અને મુસ્તજીબોના આત્માઓથી મેળવાઈ રહી છે. આ જગત તેણે ઉત્પન્ન કરેલ હોવાથી તેનું કાર્ય જીવોને એવી ફરજ પાડવાનું છે કે તે નફ્સેકુલ એક દિવસ અક્લેકુલના જેવો દરજ્જો પ્રાપ્ત કરીને તે સંપુર્ણ બની જાય. એમ કરવાનું કારણ એ છે કે “નફ્સેકુલ" અક્લેકુલના જેવો દરજ્જો ધરાવતું નથી. અને તેની ઈચ્છા જલ્દીમાં જલ્દી “અક્લેકુલ”ના જેવો થવાની છે, છતાં સંપુર્ણતા મેળવવા સમયની મર્યાદા વગરના ઝડપી અક્લેકુલના જેવા પુરતા બળના અભાવે, એ પ્રકારની ખામી (નુકશાન) સુધારવામાં તે નિષ્ફળ નિવડ્યું છે; પણ તેણે વળી પોતાના જેવીજ એક હસ્તી પેદા કરી છે.
(૩૬/૩૭) જ્યારે તે પોતાના જેવી હસ્તી પેદા કરવામાં પ્રવૃત્ત થયું એટલે એની એ પ્રવૃત્તિમાંથી "હયઉલ્લા” બહાર પડયું અને આ (ભૌતિક) જગતે તેના ઉપરથી પોતાનું સ્વરૂપ મેળવ્યું. પોતામાં જે કાંઈ કમાલિયત હતી તે બધી “નફ્સેકુલે” “હયઉલ્લા”માં મુકી દીધી. એમ છતાં એ, કાર્ય કરવા તુરતજ બહાર ન આવ્યું કે જેથી જગત 'હયઉલ્લા'ના સ્વરૂપમાંથી તેનું સ્વરૂપ લઈ લે; એટલા માટે એણે ડાહ્યાજનોના આત્માઓની શક્તિઓને, આ જગતમાં, જેવી રીતે માણસનું વિર્ય ઘણા બાળકો પેદા કરવાની સંભવિતતા રાખે છે, તે શક્યતાની હાલતમાંથી એક દિવસ વાસ્તવિકતાની હાલતમાં આવી જાય છે, તેવી રીતે, અપુર્ણ રાખી દીધી છે. એથી આ જગતે નાતિકો, અસાસ, ઈમામો, અને બીજાઓના રૂપમાં ‘નફ્સેકુલે’ જે જોમ તેનામાં મુકેલ હતું તે વડે, આ શક્યતાને વાસ્તવિકતામાં ફેરવી નાખવા તેણે પ્રવૃત્તિ (જુમ્બીશ) આદરી દીધી છે.
(૩૭/૩૮) જેવું જગત પોતાના કાર્યમાં પ્રવૃત્તિશિલ બની ગયું કે તુરતજ કાળ યાને સમયના એકમો યાને કલપ અને જુગોની ઉત્પત્તિ થઈ અને એ ગતિના પ્રતાપે જગત પોતે અવકાશ બની ગયું અને વખત જતાં એ અવકાશમાં 'નફ્સેકુલે' જે કાંઈ સંભાર ભરી મુકયો હતો તેમાંના બધા પોતાની પ્રવૃત્તિથી શ્રેષ્ઠ બનવા લાગ્યા. તે કાર્ય યાને પ્રવૃત્તિ અત્યારે પણ આપણે જોઈએ છીએ તેમ ઉત્પત્તિમાંથી ઉત્પત્તિનું કાર્ય હતું કે જે જગતમાં હંમેશને માટે ચાલું બની ગયું છે. કોઈપણ ચીજ તેનાથી બાકાત રહી શકે નહિ અને નફ્સેકુલ આ જગતમાં જે કાંઈ કરે તેમાં ફેરફાર થાય જ નહિ. મહાત્માઓ (નાતિક-અસાસ) (નફ્સહાઈયે બુઝર્ગવાર) આ જગતમાં ઉત્પન્ન થાય છે અને એક દિવસ તેઓ 'નફ્સેકુલ'ની એ ખામી (નુકશાન)ને બરાબર સુધારી નાખશે. જ્યારે એ ખામી સુધરશે ત્યારે 'નફ્સેકુલ', 'અક્લેકુલ'ના બરાબર થશે અને શરૂઆતમાંજ જે કરવાની તેની આકાંક્ષા હતી તે પુરી થઈને રહેશે.
એમ છતાં જે ‘અક્લેકુલે’ કર્યું છે અને જે તે (નફ્સેકુલ) કરે છે તેમાં ખરેખરો તફાવત એટલો છે કે 'અક્લેકુલ’ તે કાળક્ષેપ યાને સમયની મર્યાદા વગર મેળવ્યું છે. જ્યારે ‘નફ્સેકુલ' જે કરે છે તે કાર્યની મર્યાદામાં રહીને જ મેળવી શકશે. એટલા માટે અમે કહી ગયા છીએ કે 'અક્લેકુલ’ ખુદાતઆલાના આભાર માનવાની પ્રવૃત્તિ સિવાય તે સ્વયં-પૂર્ણ (બેનિયાઝ) હોવાથી એ રીતે એ નિવૃત યાને શાન્ત છે.
(૩૮/૩૯) એજ પ્રમાણે ‘નફ્સેકુલ' કે જે 'અક્લેકુલ' દ્વારા ઉત્પન્ન થયેલ છે. તેને પ્રવૃત્તિનો અને શક્ય નિવૃત્તિનો એમ બન્ને ગુણ પ્રાપ્ત થયેલ છે; તેની પ્રવૃત્તિ (જુમ્બીશ) પોતાની સંપુર્ણતા યાને કમાલિયત મેળવવાના પ્રયત્નોમાં દેખાય છે. અને તેની નિવૃત્તિ યાને આરામ જે બાબતમાં તે અક્લેકુલ સાથે જોડાયેલી છે તેમાં, તેના સ્વપુરતાપણામાં કે જેમાંથી તે ફાયદો ઉઠાવે છે તેમાં રહેલ છે. એજ પ્રમાણે નફ્સેકુલની રચેલી દુનિયામાં પ્રવૃત્તિ (જુમ્બીશ) અને નિવૃત્તિ (આરામ) બેઉ અસ્તિત્વમાં આવેલ છે. આ મુજબ તત્ત્વોમાં જગત શાંત છે. જ્યારે આકાશો (ગ્રહો વગેરે ગતિમાન છે. કોઈ પણ જીસ્મ યાને સ્થુળ શરીર આ બેઉ હાલતોમાંની એકેથી મુક્ત નથી.
(૩૯) એજ પ્રમાણે “નફ્સેકુલ”નું કાર્ય બેવડું છે. એમાનો એક પ્રકાર તેના સંભવિત સંપૂર્ણ હોવાનો અને વાસ્તવિક રીતે અપુર્ણ હોવાનો છે. જેવી રીતે કે જગતની ઉત્પત્તિ સંભવિત રીતે પુર્ણ છે પણ આસ્તે આસ્તે અસ્તિત્વમાં આવે છે. તે ઈન્સાન જાતની માફક છે. વ્યક્તિગત માણસો જ જન્મે છે અને મરે છે, જ્યારે માણસ જાત જગતના દરેક ભાગમા પથરાયેલી છે અને જગત એ આખી મનુષ્યસૃષ્ટિ છે, એટલે આ જગતમાં નફ્સેકુલનું કાર્ય (ફઅલ) જ્યાં સુધી તે વાસ્તવિકતા ધારણ કરે (બ ફએલ હમી આમદ) ત્યાં સુધી સંભવિતપણે પૂર્ણ છે.
(૩૯/૪૦) બીજા હાથ ઉપર 'નફ્સેકુલ’ પોતાના કાર્યમાં સંભવિત રીતે અને વાસ્તવિક રીતે બેઉ રીતમાં પુર્ણ છે. આ કાર્ય એમ છે કે તે, નાતિકો અસાસો અને ઈમામોના આત્માઓ કે જેઓ ખરેખરા પુરૂષો (મર્દુમાને બ હકીકત) છે અને જેઓ તેમના જીવાત્માઓની સુરતમાં ‘અક્લેકુલ’ જેવા છે; જેમકે હ. પયગમ્બર રસુલ (સ.) ફરમાવે છે કે 'તમારા ચહેરાઓ બગાડો નહિ કારણ કે ખુદાવન્દતઆલાએ આદમને પોતાની સુરત ઉપરથી બનાવેલ છે. અને તેનામાં પોતાના રૂહમાંથી ઉત્પાદન બળ (નામીયા) ફૂંકેલ છે.’
એટલા માટે તમારે જાણવું જોઈએ કે ‘ઈલાહી સુરત’ એ ‘નફ્સેકુલ’ છે અને ‘ઈલાહી રૂહ’ એ શબ્દ (કલિમા-અક્લેકુલ) છે અને આદમ (અ.) ખુદાવન્દતઆલાના ફરમાન મુજબ તે જમાનાના નાતિક છે. દરેક જમાનામાં તે પોતાના બળથી જુદા જુદા શારીરિક રૂપમાં તેનામાં રહેલા, ‘નફ્સેકુલ’ના જેવો, અને ‘કલિમા’ ઈલાહી શબ્દ (અક્લેકુલ) તેનામાં રહેલા રૂહ જેવો છે; જેમકે ખુદાતઆલા (કુરાને શરીફ, સુરા ૨૧, આ. ૯૧)માં હ.મરીયમ અલહીસલામની વાર્તા સંબંધી ફરમાવે છે કે ‘અને તેણી (ઈમરાનની પુત્રી મરીયમ)ને યાદ કર કે જેણે પોતાના છુપા ભાગ (ઇન્દ્રિય)નું રક્ષણ કર્યું. પછી અમે તેણીની અંદર અમારા રૂહમાંથી ફુક્યું. આની મતલબ એ છે કે મરીયમે પોતાના કાન શયતાનોની વાતો સાંભળવા ધર્યા નહિ; આનો સબબ એ છે કે જનનેન્દ્રિય કાનના જેવી છે અને કાન એજ ઈન્દ્રિયની સંજ્ઞા રૂપ છે, એટલે કે જેમ જનનેન્દ્રિય દ્વારા શારિરીક પુતળું ઉદભવે છે તેમ કાન દ્વારા માનસિક પુતળું (સુરતે નફ્શાની) ઉદભવે છે. ‘તેણીએ પોતાની જનનેન્દ્રિયનું રક્ષણ કીધું. એની મતલબ એ છે કે તેણે પોતાના કાન એવાઓ કે જે ફક્ત જાહેરીજ બાબતો શીખવતા અને તેમાંના ગુઢાર્થ (તાવિલ)ની અવગણના કરતા, તેમના તરફ ધર્યા નહિ યાને તેમની વાતો સાંભળી નહિ. 'અને અમે શબ્દ (કલિમા) રૂપમાં હ. ઈસા અલહીસલામને તેઓ પેગમ્બર (અક્લેકુલ) બને ત્યાં સુધી ઉછેરી મોટા કરવા જેવા ભાગ્યની નવાજેશ કરી છે.”
એટલા ખાતર હ. રસુલિલ્લાહ (અ.)ની હદીસ કે જેમાં તેઓશ્રી ફરમાવે છે કે 'તમારા ચહેરાઓને બગાડો નહિ.” એમાં તેઓશ્રીનો કહેવાનો હેતું એ છે કે 'ખરા ખાનદાન (ખાનદાને હક)ના દુશ્મનોમાંથી કોઈને તમારા રૂહાની પેશવા, ઈમામો તરીકે ગણો નહિ કે જેમ કરવાથી તમારા આત્માઓના સ્વરૂપો, શયતાનોના ચહેરાઓ જેવા વિકરાળ બની જાય. ચહેરાનો તાવિલી અર્થ ઈમામ થાય છે, કારણ કે મોમિન તેના ઈમામના નામથી ઓળખાય છે. જેવી રીતે ખુદાવન્દતઆલા (કુરાને શરીફ સુરા ૧૭, આ. ૭૧)માં ફરમાવે છે કે (તે દિવસ યાદ કર) કે જે દિવસે અમે દરેક પ્રજાને તેના ઈમામના નામથી બોલાવીએ છીએ.
ઈમામની તાબેદારીમાં ખુદાવંદતઆલા આપણને દ્દઢ બનાવે અને તે આપણને તે દિવસે તેની દયા અને ઔદાર્યથી તેમના નામે બોલાવે એવી દુઆ ગુજારૂં છું.
યા અલી મદદ