Ilm Majalis Logo

ILM MAJALIS

રોશનાઈ નામા

પ્રકરણ - ૨

પ્રકરણ - ૨

0:000:00

ખુદાતઆલા જલલશાનહુના 'શબ્દ' યાને કલિમા (અક્લેકુલ) વિષે.

(પેજ - ૧૯) ખુદાતઆલાને બધા કારણોના કારણ તરીકે પીછાણવો જોઈએ અને દરેકે એમ પણ જાણી લેવું જોઈએ કે, 'શબ્દ' યાને કલિમા એક ઉચ્ચાર અથવા શબ્દ યાને સુખુન છે અને લોકો કહે છે તેમ સૃષ્ટિના સર્જન કાર્ય વખતે ખુદાતઆલા તરફથી ઉચ્ચારાએલ એ શબ્દ ‘થા’ હતો. તે ખુદાતઆલા તરફનું કાર્ય હતું, એમ છતાં આવા કાર્યને કર્તા સાથે કાંઈએ ઈન્દ્રિય સંબંધ, સમાનતા, કે અસમાનતા નથી. આને સાદી રીતે દરેક જણ સમજી શકે એ સારૂ આપણે એ કલિમા યાને ‘શબ્દ'ને મનુષ્યની ભાષામાંનો એક ઉચ્ચાર યાને સુખુન (શબ્દ) કહીએ છીએ.

(૧૯/૨૦) આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિએ ઉચ્ચારેલ 'બોલ' કોઈ પણ રીતે તેની સાથે રહેતો નથી અથવા એ બોલ, બોલનારના જેવો હોતો નથી. ખુદાવન્દતઆલા તરફથી ઉચ્ચારાયેલ શબ્દનો અર્થ ‘થા’ હોવાથી આપણે તેને સંપુર્ણ (તમામ) માનીએ છીએ. કારણકે તેણે યાને કિર્તિમાન ખુદાવન્દતઆલાએ તેને કોઈપણ ચીજમાંથી ઉત્પન્ન કરેલ નથી યાને 'સુનકાર' કે જે તે વખતે હતું તેમાંથી 'સુન્ય' તરીકે તેને કાંઈક ચીજ તરીકે ઉત્પન્ન કરેલ છે. મતલબ કે 'સુનમાંથી શબ્દ' નિપાવેલ છે. જે કાંઇ અસ્તિત્વમાં આવવાનું હતું તે સઘળું સર્વથી શ્રેષ્ઠ રીતે અસ્તિત્વમાં આવ્યું અને એ સંપુર્ણ અસ્તિત્વના કારણરૂપ 'શબ્દ' હોવાથી અને તેની સાથે કોઈ મધ્યસ્થ નહિં હોવાથી, પરિણામે આ મુજબ તેમની બેઉની વચ્ચે કોઈના હોવા વગર તે તેની સાથે એકત્રિત બની ગયું, એથી અમે કહીએ છીએ કે પહેલું કારણ કલિમા ખુદાઈ કલિમા યાને સત શબ્દ છે અને તેના કારણથી જે કાંઈ અસ્તિત્વમાં આવ્યું તે, તેના મારફત ઉત્પન્ન થયેલ 'અક્લ' (અક્લેકુલ) છે.

(૨૦) જો આપણે કાલ્પનિક રીતે તે બેઉને એક બીજાથી જુદા પાડીએ તો અક્લ(અક્લેકુલ) પોતાની કમાલિયતને યાને પોતે પહેલા કારણ રૂપ બનેલા હોવાનો દરજ્જો ગુમાવી દે. અને જો તે પોતાની કમાલિયત ખોઈ બેસે તો કલિમા- શબ્દ પણ એ દરજ્જો ખોઈ બેસે. જ્યારે આપણે ખાત્રીપુર્વક કહીએ છીએ કે 'પહેલું કારણ' અને ‘પહેલા કારણરૂપ' ખરેખર અસ્તિત્વમાં છે અને આપણે આ જાણીએ છીએ કે તેમની વચ્ચે કોઈ મધ્યસ્થ ન્હોતું, તો જેમ આપણે ‘સુર્યનું તેજ' અને 'સુર્યનું બિમ્બ' કહીએ છીએ તે મુજબ નામ સિવાય તેમને બીજી રીતે એકબીજાથી જુદાં પાડવું નકામું છે. એટલા માટે અક્લ (અક્લેકુલ)એ 'કારણરૂપ'(object) અને 'કારણભુત' (subject), 'વિચારક' અને 'વિચારાયેલ' બન્ને છે.

(૨૧) અક્લ (અક્લેકુલ) છે એ જાણકાર (દાના) છે અને તેના માટે તેની અસલિયત (ઝાત) સિવાયની કોઈપણ તેણે જાણવા માટેની વસ્તુંજ નથી. તે પોતેજ અકલ-બુદ્ધિ અને આકિલ-બુદ્ધિવાન બન્ને છે.

(૨૧/૨૨) એટલા માટે અમે કહીએ છીએ કે કલિમા શબ્દ 'એક' અરબ્બીમાં બોલાય છે તેમ 'વહદ' છે અને 'અકલ' (અક્લેકુલ) પણ એક છે જેને એજ ભાષા અરબ્બીમાં 'વાહિદ' કહે છે. ગણત્રીના દરેક આંકડા (અદદ) એકડાથી નીચે છે, જો આપણે એમ માનીયે કે એકડાનું અસ્તિત્વજ નથી તો ગણત્રીના બીજા બધા આંકડા સંભવેજ નહિ; પણ જો આપણે એકડા પછીના બધા આંકડા તજી દઈએ તો બાકી ‘એકડો’ તો રહે છે જ, એટલે બધી હસ્તીયો (હમા હસ્તીહા) અક્લ(અક્લેકુલ)થી નીચે હોવાને લીધે તે યાને અક્લ (અક્લેકુલ) પોતે પહેલી હસ્તી છે. એટલે એ પહેલી હસ્તીથી અક્લ (અક્લેકુલ)ને જુદાં પાડી શકાય નહિ.

(૨૨) ફક્ત માણસ જ વ્યક્તિત્વ માટે શોધ કરે છે અને તેને સમજી શકે છે કારણ કે તેને અક્લ (અક્લેકુલ) તરફથી એ સમજવાની શક્તિ બક્ષીસ થયેલી છે; એ અસરના બળ વડે તેઓ વસ્તુંઓના ગુણધર્મ શોધી શકે છે.

હવે જ્યારે આપણે એ જાણી શક્યા કે ખુદાવન્દતઆલા તરફથી પ્રથમ પેદા થયેલ ઉત્પત્તિ ‘અક્લ' (અક્લેકુલ) છે તો પછી તેના યાને અક્લ (અક્લેકુલ)ના અલગ અસ્તિત્વની શોધ કરવી અયોગ્ય છે; જો આપણે તેના અસ્તિત્ત્વને જુદા તરીકે ગણીએ તો અક્લ (અક્લેકુલ)ના એ અલગ અસ્તિત્ત્વના જ્ઞાનની શોધ કરવા માટે આપણામાં એનાથી બહેતર અને એનાથી ઉંચા પ્રકારનું બુદ્ધિબળ હોવું જોઈએ કે જેની મદદ વડે આપણે એવી શોધ કરી શકીએ અને જો તેના કરતા વધારે ઉંચું યાને તેની પહેલાનું એવું કાંઈ અસ્તિત્ત્વમાં હોય તો તેવું અસ્તિત્ત્વ પહેલી ઉત્પત્તિ ગણાય અને જો એમ હોય તો 'અકલ’ (અક્લેકુલ) પોતાનું શ્રેષ્ઠ પદ ગુમાવી બેસે.

(૨૩) આ ઉપરથી સમજાય છે કે આપણે અક્લ (અક્લેકુલ) તરફથી મળેલું એવું બુધ્ધિબળ ધરાવીએ છીએ કે જેની મદદથી તેની યાને અક્લ (અક્લેકુલ)ની નીચેની પંકિતની ચીજોનું જ્ઞાન મેળવવા શક્તિવાન છીએ. હવે જ્યારે આપણે એ સમજી શક્યા કે માનવબુધ્ધિને તેની યાને અક્લ (અક્લેકુલ)ની તરફથી એ શક્તિ મળે છે એટલે એ શક્તિ ખુદાતઆલાની રહેમતમાંથી ઉત્પન્ન થાય છે એમ સમજાય છે, કારણ કે અક્લ (અક્લેકુલ)ને વસ્તુઓનું જ્ઞાન મેળવવાની અને તેમને પોતાના તાબામાં લાવવાની યાને તેની વ્યવસ્થા કરવાની ફરજ પડે છે. બીજી વસ્તુંઓ ઉપરથી આપણે અક્લ (અક્લેકુલ)ને ઓળખી શકીએ છીએ એમ આપણે કહીએ છીએ. કારણ કે તે બીજી વસ્તુંઓને ઓળખવા સાથે ખુદ પોતાની ઝાતને ઓળખવાને શક્તિવાન છે. અને એનાથી ઉતરતી કોઈ પણ વસ્તુંમાં એવી શક્તિ હોતી નથી. બીજી ચીજોથી તેને જુદી પાડનાર આજ બાબત છે. અને આવી એક ખાસીયત ધરાવવા સિવાય તેને છુટકો નથી. જો કે ભલે તેને આવા ગુણની નવાજેશ થયેલી છે છતાં એ શક્તિના બક્ષણહાર કોઈ એકે એની અગાઉથી ધારણા બાંધેલી હોય છે અને એ સિફાત તેના પોતાની ઝાતની હદની અંદર હોય છે.

(૨૩/૨૪) ઉપર બતાવ્યા મુજબ જ્યારે એ ખુલ્લેખુલ્લું સમજાયું કે અક્લ (અક્લેકુલ)ના ઉપર તેના પોતાના કરતા બળવત્તર કોઈ હોવું જોઈએ એટલે આપણે એ ઉચ્ચતર અસ્તિત્ત્વ યાને ખુદાવંદતઆલા (અલ્લાહ)ના એનાથી નીચી પંક્તિના અસ્તિત્ત્વ કે જે અક્લ (અક્લેકુલ) છે તેની શક્તિ વડે ઓળખવો જોઈએ. છતાં એ બનવું તો અશક્ય છે, કારણ કે નીચી પંક્તિનું અસ્તિત્ત્વ પોતાથી ઉચ્ચત્તર અસ્તિત્વને પોતામાં સમાવી શકે નહિ. જેવા આપણે આ સમજી શક્યા કે તુરતજ એ જ્ઞાનના પ્રતાપે “તવહીદ”ના કલમાની અને "અક્લ” (અક્લેકુલ)ના દરજ્જાની સમજ આપો આપ આવી જાય છે.

(૨૫) અક્લેકુલ આદિ (પહેલી) ઉત્પત્તિ છે અને નફ્સેકુલના બીજ અક્લેકુલના દ્રવ્ય (ઝાત)ની અંદર સમાવવામાં આવેલા છે. આ ઉપરથી તમે બરાબર સમજી શક્શો કે તેની નફ્સેકુલની ઉત્પત્તિ આજ રીતે થયેલ છે અને એ અક્લેકુલમાંથી ઉત્પન્ન થયેલી એક ચીજ છે.

આ ઉપરથી એ સાબીત થાય છે કે “અક્લ” (અક્લેકુલ) અવ્વલ નંબરની હસ્તી છે, એની મદદથીજ બીજી બાબતો સમજી શકાય છે; પણ એવી કોઈ પણ વસ્તું નથી કે જેની મદદથી "અક્લ” (અક્લેકુલ)ને પામી શકાય.

(૨૬/૨૭) એ મુજબ આપણે “અક્લ” (અક્લેકુલ)ને એવી રીતે ઓળખવા જોઈએ કે તે કોઇપણ યાને બીજી જગ્યાએથી મેળવેલા ઈલ્મ વગર જ પોતે પોતાની જાતનું જ્ઞાન ધરાવે છે. અને કોઈપણ બહારની શક્તિદ્વારા બળ મેળવ્યા વગર શક્તિશાળી છે. તે તાત્ત્વિક રીતે સ્વતંત્ર (બેનિયાઝ) છે.

એક હાથ ઉપર અક્લ (અક્લેકુલ) પ્રવૃત છે જ્યારે બીજા હાથ ઉપર તે નિવૃત છે. આજ કારણને લીધે જે કાંઈ તેના તાબામાં છે તે બધું કાં તો પ્રવૃત્તિશીલ છે અથવા નિવૃત્ત છે; પણ અક્લ (અક્લેકુલ)ની પ્રવૃત્તિ આપણી પ્રવૃત્તિ જેવી નથી, કારણ કે જરૂરીયાત આપણને પ્રવૃત્તિશીલ બનાવે છે. 'અક્લ’ (અક્લેકુલ)ને કોઈ જરૂરીયાત હોતી નથી.

(૨૮) અમે જે પ્રવૃત્તિ વિષે કહ્યું તે, અક્લેકુલમાંથી નફ્સેકુલને ઉત્પન્ન કરવાનું કાર્ય છે. આનું કારણ એ છે કે ખુદાતઆલાના વખાણ યાને સ્તુતિમાં અક્લેકુલે જે પ્રવૃત્તિ આદરી તેને લીધે ખુદાઈ “શબ્દ” (કલિમા) કે જે "અકલ” (અક્લેકુલ) સાથે એકત્રિત બનેલ છે તેના બળના પ્રતાપે તેનામાંથી “નફ્સેકુલ"ની ઉત્પત્તિ થઈ છે.

"અક્લ" (અક્લેકુલ)માંથી “નફસ” (નફ્સેકુલ)નું પેદા થવું એ એકલું સમય વગરનું કાર્ય હતું અને “નફસેકુલ"માં તેની પેદાશ વખતે “અકલેકુલ” સાથે અમુક પ્રકારનું મળતાપણું અને અમુક પ્રકારનું બિનમળતાપણું હતું. સંભવિત (potentially) રીતે સંપુર્ણ હોવા તરીકેનું મળતાપણું ગણાય અને કાર્યમાં ખરી રીતે તેના અપુર્ણ હોવા તરીકે તેનું બિનમળતાપણું ગણાય; કારણ કે “અક્લેકુલ” તો બેઉ પ્રકારે સંપુર્ણ હોય છે. નફ્સેકુલની ખરેખરી અપુર્ણતાનું કારણ એ છે કે તે “અક્લેકુલ”ના મધ્યસ્થપણા દ્વારા ખુદાઈ કલિમા યાને સતશબ્દ (કુન)માંથી અસ્તિત્વમાં આવેલ છે, જ્યારે "અક્લ” (અક્લેકુલ) અને કલિમા યાને સતશબ્દ (કુન) વચ્ચે કોઈ મધ્યસ્થ ન્હોતું. અક્લ (અક્લેકુલ)માંથી ઉત્પન્ન થયેલ વસ્તું (નફ્સેકુલ) તેના યાને “અક્લ” (અક્લેકુલ)ના જેવીજ હોય એમ સમજવું એ બરાબર નથી.

(૨૮/૨૯) અક્લ (અક્લેકુલ)ની હૈયાતી અને ખુદાઈ શબ્દ (કલિમા)ના જોડાણ, તેમજ તેમાંથી નફ્સેકુલના અસ્તિત્વમાં આવવા વચ્ચે કાંઈ સમયનો ગાળો ન્હોતો. કારણ કે સમય યાને કાળ એ નફ્સેકુલની પ્રવૃત્તિની નિપજ છે. એટલા ખાતર એ માનવું બરાબર નથી કે, કાળ (સમય) કે જેનું કારણ ખુદ નફ્સેકુલ છે એ તેની યાને નફ્સેકુલની અગાઉ અસ્તિત્વમાં આવી શકેલ હોય. કોઈ પણ ચીજનું તેના અસ્તિત્વના મૂળના અગાઉ અસ્તિત્વમાં હોવું સંભવે જ નહિ. (યાને નફ્સેકુલ સમયથી પર છે).

(૨૯) પોતાનું બેન્યાઝપણું યાને સ્વપુરતાપણું એ અક્લ (અક્લેકુલ)ની સ્થિરતાનું રૂપ છે. જે કાંઈ તેના (અક્લેકુલ)ના તાબામાં છે તે બધું તેના (અક્લેકુલ) ઉપર અવલંબિત છે.

(૩૦) અક્લ (અક્લેકુલ) પહેલી (અવ્વલ) હસ્તિ છે. પણ જે કાંઈ અવ્વલ હોય તે અનિવાર્યપણે આખર (છેવટ)નું બની જાય છે, કારણ કે જે કોઈ તેને અનુસરે છે તે અવ્વલથી આખર સુધી હોય છે. આવી રીતે અક્લ (અક્લેકુલ) આખરી સ્થાને પણ છે. કારણ કે જે કાંઈ તેમાંથી ઉત્પન્ન થયેલ છે તે છેવટે તેમાંજ પાછું ફરવાનું છે. આજ કારણ છે કે નફ્સેકુલની જુમ્બેશ યાને કાર્યશીલતા તે બેન્યાઝપણું કે જે અક્લ (અક્લેકુલ) સાથે જોડાયેલ છે તેના માટેની આકાંક્ષાને લીધે ઝડપી બને છે અને તે યાને “નફસેકુલ”, "અક્લેકુલ"માંથી ઉત્પન્ન થયેલ હોવાથી તેણે અનિવાર્યપણે તેના તરફ યાને 'અક્લેકુલ' તરફ પાછું ફરવું જ જોઈએ યાને તેમાં તેણે પાછા ફરીને મળી જવું જોઈએ.

(૩૧) ખુદાવન્દતઆલા (કુરાને શરીફ સુરા - ૫૭, આ-૩)માં ફરમાવ્યું છે કે “તે પહેલો અને છેલ્લો અને જાહેર અને છુપો છે, અને તે સર્વ ચીજ જાણનાર છે” આટલી બધી મહત્તા અને શક્તિ “અક્લેકુલ” ધરાવે છે.

હ. રસુલ (સ.) ફરમાવે છે કે “ખુદાવન્દતઆલાએ જે ચીજ પ્રથમ પેદા કરી તે “અકલ” (અક્લેકુલ) હતી.”

(૩૧) ખુદાતઆલાએ ફરમાવ્યું કે “મારા ગૌરવ અને માહાત્મ્યના સૌગંદ ! કે ત્હારા કરતાં મહાન અને ભવ્ય કોઈ ચીજને મેં કદિ પણ પેદા કરેલ નથી. ત્હારા થકી હું (કોઈને પણ બક્ષિસ) નવાજીશ કરીશ અને ત્હારા થકી (કોઈને પણ) સજા કરીશ.”

(૩૧/૩૨) જો તું આવા ગુણો ધારણ કરનાર અક્લેકુલને પિછાણે તો તું તેને તેની ખરી પ્રકૃતિના રૂપમાં ઓળખી કાઢે, ત્યારબાદ મોમીનને ખુદાઈ એકપણા (તવહીદ)ની અક્લેકુલની પિછાણ બરાબર થઈ ગણાય. અને તે કાયમી સિદ્ધાંત (હુદુદ) સંબંધમાં ભુલ થાપ, ખાય નહિ.

સાહેબે ઝમાન - તેમના નામનો ઉચ્ચાર મહાન અને ગૌરવશાળી હો તેમની કૃપાને લીધે આ પ્રકરણ પુરૂં કરું છું.

યા અલી મદદ