રોશનાઈ નામા
પ્રકરણ - ૧
પ્રકરણ - ૧
રોશનાઈ નામા
ખુદાતઆલાના એક હોવા (તવહીદ)ની ઓળખાણ વિષે.
ઈમામે ઝમાન - ઈમામ શાહ મુસ્તનસિરબિલ્લાહ અલહીસલામની દયાથી કહીએ છીએ કે :-
(પેજ-૭) ખુદાતઆલાની વહેદાનિયત (એક હોવાપણા)નું જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ મનુષ્ય આત્મા શાશ્વતતા યાને અમરધામ મેળવી શકે છે.
...સગુણવાદ અને નિર્ગુણવાદ બેન્નેથી મુક્ત એવું ખુદાવંદતઆલાનું આ જ્ઞાન "ખુદા એક છે" એમ જાણવામાં રહેલું છે.
(૮) તેની (ખુદાતઆલાની) તવહીદ (એકપણા)ને કોઈ હદ નથી એમ સમજવું. એ ખાત્રીપૂર્વક માનવાની અને કહેવાની અગત્યતા છે કે તેની વહેદાનીયત એક હોવાપણું એ હકીકતને આભારી છે કે ગણત્રીમાં તે સદા એકજ રહે છે અને એટલા માટે આપણે તે એક છે એમ જાણીયે છીએ. દરેક વસ્તું કે જેને જોડ હોય છે તે એવું છે કે એકજ જાતના બે નંગ એટલે એક જોટો; પણ ખુદાતઆલાની જોડી બને એવી એજ પ્રકારની કોઈ વસ્તું જ નથી.
ખુદાવંદતઆલાએ એને યાને અકલેકુલને 'સુનકારમાંથી સુન’ તરીકે કોઈને પણ મધ્યસ્થ તરીકે રાખ્યા વગર ઉત્પન્ન કરેલ છે. પહેલું કારણ અક્લેકુલ છે. ખુદાતઆલાએ અક્લેકુલને જ અક્લેકુલના કારણરૂપ બનાવીને ઉત્પન્ન કરેલ છે. બધા કારણોના કારણરૂપ એને જ અક્લેકુલને પહેલા કારણ તરીકે તમારે ગણવાના છે.
(૯) ખુદાતઆલા, કોઈના કારણરૂપ હોવાથી અથવા કોઇ વસ્તુંના પોતે કારણભુત હોવાથી મુક્ત છે.
... ન તો કોઈ તેની સમાન છે અને કદિયે હતું કે જેથી તે ભળવાથી તેનામાં કાંઈ વધારો થાય અથવા તેમના વગર તેનામાં કાંઈ ઉણપ આવે. તે અસ્તિત્વ કે બીનઅસ્તિત્વથી પર છે.
(૧૦) જગત અને તેનો સરજનહાર (નફ્સેકુલ) બેઉ, કારણના પહેલા પરિણામ કે જે અક્લેકુલ છે, તેના નીચે હોવા જોઈએ. સબબ કે જીસ્માની જગતનું તકદીર રચનાર નફ્સેકુલનો દરજ્જો અક્લેકુલથી નીચે છે.
નફ્સેકુલ છે એ જગતનો ખરો સરજનહાર છે અને જગત તેની રચેલી સૃષ્ટી છે.
(૧૦/૧૧) જગત તે જીસ્માની પદાર્થ ગૌહરે કસીફ (ઘટ્ટ) અને નફ્સેકુલ એ રૂહાની પદાર્થ "લતીફ" (સૂક્ષ્મ) છે. જગતનો પદાર્થ પોતાનું રૂપ "સુરત" નફ્સેકુલ પાસેથી મેળવે છે. એમ છ્તાં ખુદા 'ગૌહર' (પદાર્થ) બનાવનાર છે. છ્તા તે ખુદા ગૌહર પદાર્થથી પર છે.
તવહિદ સંબંધી ચર્ચા વખતે શબ્દોમાં આ બાબતો સમજાવવી મુશ્કેલ હોવાને લીધે, લાક્ષણિક રીતે તર્કશાસ્ત્રથી અનુમાન કર્યા સિવાય તેના વિષે સીધી રીતે, કાંઈ વર્ણન નથી થયું એનું એજ કારણ છે.
(૧૧/૧૨) આ બાબતને વધારે સ્પષ્ટ રીતે સમજવા અને એની સચ્ચાઈ પુરવાર કરવા માટે એક દષ્ટાંત આપી શકાય.
એક દ્રષ્ટાંત.
જો કોઈ માણસ એક મુઠ્ઠી ખજુર અને ઘાસ પકડે અને થોડીવાર પછી તે ફેંકી દે તો જ્યારે તેણે તે ચીજો પકડી રાખી હતી ત્યારે અને તે ફેંકી દીધી ત્યારે તેનો તેજ માણસ રહે છે. કોઈ એમ નહિ કહી શકે કે જ્યારે તેની મુઠ્ઠીમાં ખજુર અથવા ઘાસ હતું ત્યારે તે વધારે મોટો હતો, પણ હમણા તેની પાસે તે નહિ હોવાથી ન્હાનો બની ગયો છે. આનું કારણ એ છે કે ખજુર અથવા ઘાસ તેનો સજાતિય નથી. માણસને બીજા માણસો સાથે સામ્ય હોય છે, અને માણસ અને હેવાન વચ્ચે સામ્ય હોતું નથી. ખજુર અથવા ઘાસને માણસ સાથે સામ્ય કે બિન સામ્ય જેવું કાંઈ નહિ હોવાથી કોઈ એમ ન કહી શકે કે તે તેણે પકડેલ હતા ત્યારે તે મોટો હતો અને તે નહિ હોવાથી ન્હાનો બની ગયો છે. જો કે વનસ્પતિયુક્ત ચૈતન્ય (નફસે નામીયા) પદાર્થ તરીકે ઘાસ અને ખજુર સાથે તેને સામાન્ય સંબંધ રહેલો છે.
એટલા માટે ખુદાને કોઈ વસ્તુંના કારણરૂપ અથવા કારણભુત ગણવાનું અશક્ય છે, કારણકે આ બેઉ કોટી તેની બનાવેલી ઉત્પત્તિ છે અને તે પોતે તો આ બેઉથી પર છે.
(૧૩) વાચા અને વાચક યાને બોલનાર અક્લેકુલથી ઉતરતી પંક્તિના છે અને તેથી તે બન્ને પોતાથી ઉતરતી પંક્તિના સિવાયની બાબતોમાં કાંઈ પણ કહી શકે નહિ.
રૂહાની કે જીસ્માની જે જે હસ્તીયો છે, તે બધી તવહીદમાંથી ઉત્પન્ન થયેલી છે.
તમારે એ જાણવાની જરૂર છે કે જે અસ્તિત્ત્વમાં છે તેને તેની સામી બાજુ તરીકે બિન અસ્તિત્ત્વ હોય છે.... અને જેને વિરૂધ્ધ બાજુ હોય તે ખુદા હોઈ શકે નહિ.
"નામ તેનો નાશ છે."
(૧૩/૧૪) ગુણ અને ગુણધારક બન્ને તેની સત્તા નીચે છે. પણ ખુદ પોતે તો સ્વયંભુ આ બધાથી પર છે, અને કોઈ પણ વસ્તુંને તેની સાથે કાંઈપણ સંબંધ નથી. યાને તે અલિપ્ત છે, જેમકે તેણે (કુરાને શરીફ - સુરા ૧૧૨, આયાત ૧ માં) ફરમાવ્યું છે કે “કહે કે અલ્લાહ એકજ છે” (કુલ હોવ અલ્લાહો અહદ.)
અલ્લાહ
(૧૪) આ ચાર અક્ષરો કે જેનાથી અલ્લાહ અરબીમાં લખાય છે તેમાં તેણે ચાર મુખ્ય મુદ્દા (હદ) સમાવ્યા છે. તેમાના બે રૂહાની અને બે જીસ્માની છે, કે જેના થકી ખુદાની “વહેદાનિયત” પિછાણી શકાય છે. તેમાંનો એક અક્ષર અલિફ (અ-I) છે કે જે એક સીધી લીટી છે, જેને બધા અક્ષરો જોડાઈ શકે છે. તે કોઈ પણ અક્ષર સાથે જોડાઈ શકતો નથી. બધા અક્ષરો તેના થકી પોતાનો વળાંક (તરતીબ) લે છે; કારણ કે જેટલા અક્ષરો છે તે બધા આડીઅવળી વળેલી લીટીઓ છે. અલિફ (અ-I) એ “અકલે કુલ”નું રૂપક છે કે જેમાંથી તમામ રૂહાની તેમજ જીસ્માની હસ્તીયોએ પોતાનું અસ્તિત્ત્વ પ્રાપ્ત કરેલ છે. અને તે બધી હસ્તીઓ તેની સાથે જોડાયેલી છે.
જ્યારે તે પોતે (અકલેકુલ) તો એ બધી ચીજોથી પર હોવાથી પોતાની શક્તિને લીધે કોઈ સાથે જોડાયેલ નથી.
(૧૫) બીજો અક્ષર લામ (લJ) છે કે જે એવી લીટી છે કે જેનો નીચેનો ભાગ એવી રીતે આગળ ખેંચાયેલ છે કે તે લંબાઈ અને પહોળાઈ ધરાવનાર સપાટી જેવો લાગે છે. તે લાગે છે તો “અલીફ” જેવો પણ બીજા અક્ષરો બેઉ બાજુથી તેની સાથે જોડાય છે તેમ તે પોતે પણ બીજા અક્ષરો સાથે જોડાય છે. “લામ” “નફ્સેકુલ”નું રૂપક છે કે જેની બધી બાજુએથી રૂહાની અને જીસ્માની બન્ને હસ્તીઓ જોડાયેલી છે, અને તે “અક્કલ” (અક્લેકુલ) સાથે સામ્ય ધરાવે છે કે જેમ “લામ” “અલિફ” સાથે ધરાવે છે.
ત્રીજો અક્ષર પણ “લામ” છે, જે જો કે તેની પહેલાના અક્ષર જેવો છે, છતાં એ અલીફના ફક્ત અર્ધા અંશ જેવો છે. તે “નાતિક”નું રૂપક છે કે જે બધી બાજુએથી નફ્સેકુલ સાથે જોડાયેલ છે અને તેના તરફથી દીની જ્ઞાન કે જે ત્રીજી દુનિયા છે તેના બંધારણના કામમાં મદદ (તાય્યદ) મેળવે છે.
પહેલી દુનિયા રૂહાની હસ્તીઓનું જગત (લતીફ-સૂક્ષ્મ) છે. બીજી દુનિયા જીસ્માની જગત (કસીફ-ઘટ્ટ) છે અને ત્રીજી દુનિયા દીની જગત (મધ્યસ્થ) છે.
જેવો (સહુથી ઉંચો) દરજ્જો પેલી (રૂહાની) દુનિયામાં અક્લેકુલનો છે તેવો દરજ્જો દીની જગતમાં (સૌથી ઉંચો દરજ્જો) નાતિક ધરાવે છે. જેવી રીતે કે આ બીજા લામને પણ “અલિફ” સાથે સામ્ય રહેલું છે.
(૧૬) અલ્લાહ શબ્દનો ચોથો અક્ષર હે (હ) છે કે જે લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ ધરાવનાર.... તે “અસાસ”નું રૂપક છે કે જેનો સંબંધ નાતિક સાથે છે.
અક્ષર ‘હે’ (હ) કે જે લીંટીના બેઉ છેડાઓથી એક છેડો પાછો વળીને બીજા છેડા સુધી જોડાયેલા વર્તુળ જેવો અક્ષર છે. તેવી રીતે, મખલુકાત પોતાની અસલીયાત (અવ્વલ)ને પાછી જઈને મળે એ ખાતર અસાસ મોમીનોની રૂહાનીયોને ખુદાતઆલાની તવહીદ અને આલમે અલવી યાને ઉચ્ચતર દુનિયા ...તરફ પાછા વાળે છે.
ત્યારે ભાઈ તું, અમે ઉપર જણાવી ગયા તે, ચાર રૂહાની હદોને લગતી કુરાને શરીફની આયાતમાં ખુદાવન્દતઆલાએ જે ફરમાવેલ છે તેનો અર્થ સમજી જજે.
(૧૭) ખુદાતઆલા ફરમાવે છે કે “અલ્લાહુ સમદ” યાને ખુદા બેનિયાઝ અથવા “સ્વતંત્ર” અથવા “અકળ” “અનંત” “અવિનાશી” “મઆબુદ” છે. એમાં એનો કહેવાનો અર્થ એમ છે કે આ ચાર 'હદો' મુળ ખુદાતઆલાએ પેદા કરેલી છે અને બધાની ફઝીલત યાને મહાનતા શું રૂહાની કે શું જીસ્માની તેમના ઉપર આધાર રાખે છે. આનું કારણ એ છે કે જીસ્માની હસ્તીયો ‘નાતિક' અને 'અસાસ’ના તાબામાં છે જ્યારે રૂહાની બધી હસ્તીયો 'અકલ’ (અક્લેકુલ) અને ‘નફસ’ (નફ્સેકુલ)ના તાબામાં છે અને આ જીસ્માની અને રૂહાની હસ્તીયો આ ચાર ‘મૂળ' કે જે તેમનાથી ઉચ્ચતર છે તેમાંથી પોતાની ફઝીલત મેળવે છે.
(૧૭/૧૮) ત્યારબાદ ખુદાતઆલા ફરમાવે છે કે ‘તેણે કદી જન્મ આપ્યો નથી અને તેને કોઈએ જન્મ આપ્યો નથી.” આની મતલબ એ છે કે જેવી રીતે એક ચીજ બીજીમાંથી જન્મે છે તે તેના જેવીજ હોય છે, તેવી રીતે જે કાંઈ આ બે આત્મિક મૂળો રૂહાનીની નીચેનું છે તે બધું તેમના જેવું છે અને જેમ એક વસ્તું બીજીમાંથી ઉત્પન્ન થઈ હોય તેમ તેમાંથી ઉત્પન્ન થયેલ છે. એજ પ્રમાણે આ સ્થુળ જગત (જીસ્માનીયત)માં જે કાંઈ તેનાથી યાને ખુદાતઆલાથી ઉતરતું છે તે બધું નાતિક અને અસાસથી જન્મેલ (ba-zadan-i nafsani) જ્ઞાનની પેદાશ છે અને જે કોઈ જેમાંથી જન્મે તે આખરે એક દિવસ તેના જન્મદાતા જેવું બને છે. અને રૂહાની અથવા જીસ્માની કોઈપણ દુન્યવી ચીજ, તેની યાને ખુદાવન્દતઆલાની જોડીદાર કદી બની શકે નહિ.
(૧૮) ત્યારબાદ તે યાને ખુદાવન્દતઆલા ફરમાવે છે કે ‘અને તેની સમાન કોઈ નથી’ આની મતલબ એ છે કે રૂહાની કે જીસ્માની આલમમાં જે કાંઈ અસ્તિત્વમાં છે તે વારાફરતી એક બીજાને મળતા આવે છે. આ એ વાતની સાબીતી પુરી પાડે છે કે ખુદાવન્દતઆલાએ જ તેઓને એક બીજાને મળતી આવે એવી રીતે (જોડીમાં) પેદા કરેલ છે જ્યારે ‘એકપણું’ (તવહીદ-uniqueness) અને (અકારણપણું-causelessness) પોતાને માટે અનામત રાખેલ છે.
મુસ્તજીબ યાને ધર્મમાં નવા દાખલ થએલા માટેનું આ પ્રકરણ અહિં પુરું થાય છે; આથી તે યાને મુસ્તજીબ તવહીદની અગત્યતા પિછાણે.
ઈમામે ઝમાન અલહીસલ્લામની કૃપાથી આ પ્રકરણ પુરૂં કરું છું.
યા અલી મદદ