Ilm Majalis Logo

ILM MAJALIS

હકીકતે દીન

રેકોર્ડીંગ - ૧, પેજ ૧ થી ૩૩

રેકોર્ડીંગ - ૧, પેજ ૧ થી ૩૩

0:000:00

રેકોર્ડીંગ - ૨, પેજ ૩૪ થી ૬૮

રેકોર્ડીંગ - ૨, પેજ ૩૪ થી ૬૮

0:000:00

યાને ધર્મનો ખરો અર્થ

(પીરોની પુઠીયામાં ૪૮મા પીર ખલિલુલ્લાહઅલી ઉર્ફે પીર શહાબુદીન શાહ રચિત)

બિસ્મિલ્લાહિર્ર રહેમાનીર્ર રહીમ

(પેજ - ૧) હજરત શહેનશાહ (ઈમામ) આગા અલીશાહ કે જેમના ઉપર મારો જીવ કુરબાન જાય, તેમનો નાચીઝ ગુલામ શહાબુદીન અલ-હુસેની કહે છે કે:-

મહાન અને મૌલાના મૌલા (હ.) મૌલા મુર્તઝાઅલી (સ.) ફરમાવ્યું છે કે –

(૨) “એક વખત હ. રસુલ (સ.) સાહેબે પોતાના સાથીઓમાના કેટલાકને જંગ માટે મોકલ્યા, અને જ્યારે તેઓ ફતેહ કરીને પાછા ફર્યા અને તેમની હજુરમાં પેશ થયા, ત્યારે હ. રસુલ (સ.) સાહેબે તેમને “જેહાદે અસગર” યાને ન્હાની ધાર્મિક લડાઈ ફતેહ કરવા માટે મુબારકી આપી અને ફરમાવ્યું કે, “તમારે હજી "જેહાદે અકબર" યાને મોટી ધાર્મિક લડાઈ ફતેહ કરવાની બાકી છે.” એ ઉપરથી તેઓએ અર્ઝ ગુજારી કે, “એ મોટી જેહાદ કઈ છે ?” ત્યારે જવાબમા આપ નામદારે ફરમાવ્યું કે “ઘણીજ જવલંત લડાઈની ફતેહ એ છે કે જો એક માણસ પોતાના “નફસે અમ્મારા” (કુબુધ્ધિ) સાથે લડાઈ કરી ફતેહ મેળવે છે. તેમના ઉપર ખુદાના આશિર્વાદ ઉતરો–જે આ કહ્યું તે ખરૂં છે.

(૩) પોતાની અક્કલ (સદબુધ્ધિ)ની આજ્ઞા મુજબ હંમેશાં વર્તવાને પોતાના સ્વભાવને તઆલીમ આપે. મુક્તિ મેળવવાનું તત્વ એમાંથી રચાય છે. સિરાતલ મુસ્તકીમ એટલે પુલસરાત કે જે તલવારની ધાર જેવી બારીક છે અને જે રસ્તેથી બહેશ્ત મેળવી શકાય છે, તે સંજ્ઞાનો “ખરો અર્થ" એમાં રહેલો છે.

(૪) ખુદાવંદતઆલા ફરમાવે છે કે, “જેણે પોતાના નફ્સને પાક કર્યો તે રસ્તગાર થયો." (મુક્ત થયો).

પોતે પોતાને શુધ્ધ કરે એના જેટલી બીજી કોઈ વધારે અગત્યની ચીજ નથી. એમ કરે તોજ એક વ્યકિત નેકીને રસ્તે આગળ વધવાની આશા રાખી શકે; કારણ કે પોતાનાજ હલકા મનોવિકારો કે જે તેને ધાર્મિક ફીલોસોફીને અનુસરતા અને ઈલાહી મઝહબની આજ્ઞાઓ પરિપુર્ણ કરવાથી રોકે છે.

(૪/૫) એ બાબતમાં હઝરત મૌલા મુર્તઝાઅલી વિગતવાર સમજાવે છે. તે નામદાર ફરમાવે છે કે “ઓ ખાલિક, મારા આ બિનતાબેદારી૫ણાને એક જીદ્દી ઊંટને દોરડાથી બાંધીને નમાવું તેમ, તારી ઈચ્છા રૂપ દોરડાથી બાંધીને તારી આગળ જબરદસ્તીથી નમાવી ઘુંટણભેર કરૂં છું, કે જેથી તે તારી ઈચ્છાને અનુકુળ ન હોય તેવું કાંઈ પણ કરે નહિ.”

કુરઆને શરીફમાં ફરમાવ્યું છે કે “જેઓ ખુદાને રસ્તે લડે છે, તેઓને અમે અમારા રસ્તાની હિદાયત કરીએ છીએ.” આ રસ્તો એજ સિરાતલ મુસ્તકીમ છે.

(૬/૭) મનુષ્યની જીન્દગી અત્યંત કિંમતી છે.

દરરોજ સવારે ઉંઘમાંથી ઉઠીને પોતાના કાર્યો ઉપર વિચાર કરવો જોઈએ અને પોતાના મનોવિકાર પાસે હિસાબ માંગવો જોઈએ. આમ કરવાથી અને જરાક મનન કરવાથી અને આસપાસની દુનિયા ઉપર નજર નાખવાથી સમજાશે કે, ”પોતાની હૈયાતીની દરેક પળ, કવચિત મળતા મોતી અને જવાહિર જેવી બલ્કે તેથી વિશેષ કિંમતી અને અમુલ્ય છે. એક વખત તે હાથથી ગઈ, તો તે પાછી કદી આવે તેમ નથી; અને ખરેખર તે કદી પણ પાછી મળનાર નથી. જીન્દગીની એક પણ પળ કે જે ચાલી ગઈ તે કોણ પાછી મેળવી શકે એમ છે ? એટલા માટેજ તેને હું તેની અવેજીમાં બીજું કાંઈપણ મુકી ન શકાય એવી અમુલ્ય કહું છું. તે એક જાતની એવી મુડી છે કે જે રોકવાથી એકાદ વ્યકિત પોતાને માટે ખુદાવન્દતઆલાની દયાનો ખજાનો મેળવી શકે છે. તમે ફક્ત એક પળ ઉપર તમારી પોતાની આખરત બાંધી શકો છો, (યાને મુકિત મેળવી શકો છો.) જો કોઈ તેનો બરાબર ઉપયેાગ કરે તો, એક પળમાં પણ તે ખુદાની નઝદીકી હાસલ કરી શકે છે. અને આ દુનિયામાં સાધારણ ચીજો જેમ તે જુએ છે તેવીજ એકતા ખુદા સાથે સાધી શક્વા જેટલી હદે તે પહેાંચી શકે છે.

જો તમે જીન્દગીની કિંમત સમજો અને પોતાને હોશિયારીમાં રાખો તો આવી એકાદ પળના સોદાથી તમે અવિનાશી નફો હાસલ કરી શકો, તેમાં તમને કદી ખોટ જશે નહિ અથવા કદી પણ ઓછું થશે નહિ. એટલા માટે વખત બરબાદ કરો નહિ, જાથુકની દેવાદાર સ્થિતિમાં જીવન જીવો નહિ. જો તમે વખત બરબાદ કરશો, કાંઈ પણ ભલાઈ તરફ લઈ નહિ જનાર રસ્તાઓ સારૂં તમારી શક્તિ વેડફી નાખશો, બેવકુફીથી તકો ગુમાવી દેશો, તો તમે બધું ખોઈ બેસશો. એવા કોઈ ચાલાક વેપારી વિષે તમે કદી સાંભળ્યું છે કે જેણે પોતે કાંઈ નફો ન કરી શકે એવા અથવા જેમાં પોતાની મુડી દબાઈ જાય બલ્કે ખોઈ દેવાય એવા ધંધા પાછળ પોતાનો વખત બગાડ્યો હોય ?

(૧૦) ધર્મના મહાન સત્તાધારીઓએ, દરેક આઠ કલાક લાંબા એવા, દિવસ અને રાતના ત્રણ સરખા ભાગ પાડેલા છે; અને જો તમે રાત્રી દિવસના દરેક ભાગ માટે જેમ નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ બરાબર કાર્ય કરો તો, તમે રૂહાની તેમજ દુનિયાના કામકાજમા આગળ વધવાને ફતેહમંદ થશો. (એ વિભાગ એમ છે કે) એક ભાગ ઉંઘવા, ખોરાક લેવા, અને ગૃહ કાર્ય માટે નક્કી કરેલો છે; બીજો ભાગ પોતાની આજીવિકા મેળવવા ધંધામાં રોકવાનો છે અને ત્રીજો ભાગ ખુદાવંદતઆલાની બંદગી કે જેનો હેતું મુકિત અને અમર જીન્દગી મેળવવાનો છે, તે માટે અર્પણ કરવાનો છે.

(૧૨) અક્કલ-તુલાત્મક બુધ્ધિ અથવા અંતરનો અવાજ અને નફસ–પોતાનું અધર્મપણું અથવા સ્વાર્થ.

તે ૫ણ જાણ ભાઈ, કે એક બાજુ અંતરાત્મા (અક્કલ-સુબુધ્ધિ) અને બીજી બાજુ નફ્સ અથવા દુષ્ટ મનના વિકારો (કુબુધ્ધિ) વચ્ચે ઘણો તફાવત છે. જો તું આ તફાવત સમજે અને યોગ્ય સમયે તે ઉપર મનન કરે તો, કોઈપણ બાબતમાં તને કદી પણ કાંઈ મુશ્કેલી નડશે નહિ; કારણકે એમ કરવાથી તારે કેમ વર્તવું તે તું જાણી શકશે અને હંમેશાં સિરાતલ મુસ્તકીમ–સીધા રસ્તા ઉપર તું રહેશે. અક્કલ છે તે સદબુધ્ધિ છે કે જે તને હમેશાં સાચો રસ્તો બતાવે છે અને તને તેનાથી આડો અવળો જવા દેતી નથી. અમર જીંદગી મેળવવા અને જન્નત કે જ્યાં હમેશાં રહેવાનું છે તેમાં દાખલ થવા સારૂં આશિર્વાદ મેળવવા ખુદાવંદતઆલાની બંદગી કરવી એ સદબુધ્ધિ છે.

(૧૫) એક કવિએ ઠીકજ કહ્યું છે કે :– “તે એક આરીસો છે કે જે પશ્ચિમ તરફ ધરી રાખેલ છે (ત્યારે) તું તારો ચહેરો પુર્વ તરફ રાખેલો છે, તેથી દિલગીર છું કે હું તારી પાસેથી ચાલ્યો જાઉં છું.”

(૧૯/૨૦) મારિફત અથવા આત્મિક જ્ઞાન.

કહેલું છે કે “ઓ મહમદ, તારા વાસ્તે ન હોત તો અમે આ દુનિયા પેદા કરી ન હોત.” એટલે કે જે બધું પેદા કરવામાં આવ્યું અને હસ્તીમાં આવ્યું તે ફક્ત તેના (હ. મહમદના) ખાતરજ પેદા કરવામાં આવ્યું છે, અને બીજી જગ્યાએ કહેલું છે કે, “જો અલી ન હોત તો અમે તને (હ. મહમદ રસુલ સ.ને) પેદા કર્યો ન હોત.” આ ઉપરથી એ સાફ સિધ્ધ થાય છે કે દુનિયાની ઉત્પત્તિનો હેતું, ઈલાહી ખુબીયો અને પરિપુર્ણતા કે જે તેની સિફાતો છે તેની (હ.અલીની) જાહેરાતની એાળખાણ માટેનો છે. અક્કલને રસ્તે ચાલીને આ સમજવા અને જોવાની આંખો ક્યાં છે ? કુરાને શરીફમાં ચોક્ખી રીતે કહેવામાં આવ્યું છે કે, જો હ. રસુલિલ્લાહ (સ.) હ. અલી (અ.)ની વિલાયત યાને વસી તરીકેની જાહેરાત ન કરી હોત તો તેમની નબુવતનું કાર્ય અધુરૂં રહ્યું હોત. જેમકે “ઓ રસુલ, તને જે સંદેશો આપવામાં આવ્યો છે, તે માણસોને પહોંચાડી આ૫ અને જો તું તે નહિ પહોંચાડે તો તું તારું નબુવતનું કામ પુરૂં કરી શકીશ નહિ.” એ મુજબ દુનિયાની ઉત્પત્તિ, નબીયોને મોકલવા, પવિત્ર કિતાબોનું પ્રકટીકરણ આ બધાનો હેતું એ હતો કે મનુષ્ય જાત તેને પિછાણી શકે; જેમકે કહેલું છે કે “જેને માટે (હ. અલી અ. માટે) અમે (ખુદાવન્દતઆલા) દરેક પેગમ્બર મારફત બોલ્યા છીએ અને જે (અલી) મહમદના વખતમાં જાહેર થયેલ છે.” આ બાબતની ચર્ચા યોગ્ય સ્થળે ૫ણ કરવામાં આવશે.

દીન ભાઈઓ, હવે એ બાબત ઘણીજ સારી રીતે સમજાવી શકાશે કે “ઉચ્ચત્તર જ્ઞાન” યાને “મારિફત” શું છે ? એ બાબત એવી રીતે સમજાવી શકાશે કે ઈન્શાઅલ્લાહ દરેક બાબતની ચોખવટ થઈ જાય અને તમે એ બાબત એટલી ચોક્ખી સમજી શકો કે જે સમજવાને બાહોશની અક્કલ પણ મુંઝાઈ જાય.

(૨૧) કુરાને શરીફમાં કહેલું છે કે “ખરેખર ખુદાએ મોમીનો પાસેથી તેઓના જીવ અને તેઓના માલ ખરીદ્યા છે કે (તેને બદલે) તેઓને માટે બહેશ્તની વાડીઓ છે.”

(૨૨) શહીદોના શાહ (એટલે ઈમામ હુસેન અ. સ.) કહે છે કે “ઓ, બારીતઆલા, મેં મારી જીન્દગી અને મારૂં કુટુંબ તારા ઈશ્કને ખાતર તજી દીધા છે. મારી ઓરતો અને બચ્ચાંઓને વિધવાઓ અને યતીમો તરીકે રવડતા રાખીને હું તારી પાસે આવ્યો છું; તારી કમાલિયતના દીદારની મેં તલબ કરી છે. અને જો તું મારા કટકે કટકા કરી નાખે તો પણ મારૂં દિલ તારા ઈશ્કથી એટલું ભરપૂર છે કે તારા સિવાય બીજા કશાની તે કદી ૫ણ આરઝુ રાખશે નહિ.”

બરાબર વિચાર કરો અને નોંધી લો કે પોતાના નિશ્ચયમાં તેઓશ્રી કેટલા મક્કમ હતા અને આ દુનિયા તરફ તેઓ નામદાર કેટલા બેપરવા હતા ? કેટલી હદ સુધી તેમણે નિશ્ચય કર્યો હતો ? ! આ છે દુનિયાને ખરેખરી રીતે જીત્યાનો અર્થ !

(૨૨/૨૩) આપણે મારિફત અથવા ઉંચા ધાર્મિક જ્ઞાન બાબતમા વાતચિત કરતા હોવાથી ફરમાનબરદારી વિષે હું જે કહું તે બરાબર ધ્યાનથી સાંભળો.

ભાઈ, ઈતાઅત (ફરમાંબરદારી) એ ઈબાદત જેવીજ બાબત છે અને ઈબાદત એ મારિફતનો પાયો છે. ધાર્મિક સમજ(ઈલ્મ) અને ઈબાદત આ મખલુકાતના પાયા છે, ખુદ કુરાને શરીફમાં ફરમાવેલું છે કે (સુરા ૫૧. આ. ૫૬) “જીન્ન અને માણસો મારી બંદગી કરે તે સિવાય બીજા કારણ માટે મેં તેમને પેદા કરેલ નથી.” અને ખુદાવંદતઆલાએ એમ ૫ણ ફરમાવેલ છે કે “હું એક છુપો ખજાનો હતો, અને મને જાહેર થવાની ઈચ્છા થઈ. અને માણસ જાતને એટલા માટે ઉત્પન્ન કરી કે તેઓ મને ઓળખે.”

મહાન ધાર્મિક પુરૂષોએ મારિફત અને ઈબાદતને એકજ ગણેલ છે.

(૨૪)ઈમામ

(૨૫) જાહેર હંમેશાં બાતુન પર આધાર રાખે છે. એક સમજુ પુખ્ત વયના માણસ સાથે જેમ આપણે વાત કરીએ તેમ એક બાળક સાથે વાત કરવાનું કેમ બને ? બાળકમાં એ વાત સમજવાની કે સાંભળવાની ધીરજ કે સમજશકિત કદિપણ હોઈ શકેજ નહિ; એક સમુદ્ર કુંજામાં કેમ સમાઈ શકે ? દરેક માણસ પોતાનું ઘર પોતાના શોખ મુજબ બાંધે છે.

(૨૫/૨૬) જો તમે તમારા દિલો અને આત્માઓમાં તમારી જાતે કોશિષ કરો તો (સમજી શકો). જેમ ફરમાવેલ છે કે “જો તમે અખંડ ઈશ્કની શોધ કરનારા હો તો અમારા દરવાજામાંથી આવો.”

ખુદાવંદતઆલાની સિફત(ગુણ) બાબતમાં વધારે વિચાર કરવાની મઝહબમાં મના કરવામા આવી છે.

"જે બધું તારી કલ્પનાની બહાર છે, તે બધું ફક્ત તારી કલ્પનાની હદ છે, નહિ કે ખુદાવંદતઆલા. તેની સિફતને અક્કલ તોજ જાણી શકે, જો એક તણખલું સમુદ્રને તળીએ બેસી શકે.”

(ખુદાવંદતઆલાની સિફત બાબતના) ચિંતન કરવાની જે ના પાડવામાં આવી છે તેનું કારણ એ છે કે (તેમ કરવાથી) તમે ગુંચવણમાં પડી ન જાઓ; સબબ કે તેની સિફાત(ગુણ-શક્તિ) જાણવાને તમે કોઈપણ રીતે શકિતવાન નથી.

(૨૭) ઈમામ સજ્જાદ (એટલે ઈમામ જૈનુલ આબેદીન અ.)મે ફરમાવેલ છે કે, એક હદીસ કે જે હ. રસુલિલ્લાહ (સ.) તરફથી દરજ થઈ હોવાનું તેઓ નામદાર જણાવે છે કે, હ. મહમદ (અ.)ની જીન્દગીના આખર વખતે લોકો ઘણા જીજ્ઞાસું બની ગયા. જે ઉપરથી કુરાને શરીફની સુરા ૧૧૪ નાઝિલ થઈ જેમાં ફરમાવવામાં આવ્યું છે કે, “કહે ખુદા એક છે.” તમારી ધારણા મુજબ ખુદાવંદતઆલાને તમે જે સિફત લાગુ પાડો છો, તે તમારી કલ્પનામાંથી આવે છે. ઘણા મોટા ભાગે એ બનવા યોગ્ય છે કે, એક હયવાન પણ પોતાની ખુદની ખામીઓથી મુક્ત એવા સંપૂર્ણતાએ પહોંચેલાને પોતાનો ખુદા બનાવે.

હ. ઈમામ મહમદ બાકર (અ.)નો કૌલ છે કે, “બનવા જોગ છે કે, એકજ ડંખ હોવો એ એક પ્રકારની ખામી ગણીને એક નાનકડી કીડી, બે ડંખ ધરાવનાર (કીડી)ને પોતાનો ખુદા કલ્પે.”

(૨૮) હું તમને આથી વધુ સ્પષ્ટતાવાળો એક બીજો દાખલો આપીશ. સુર્ય શું છે, એ સમજાવવા સારૂ તમે સુર્યને બતાવ્યા સિવાય બીજું શું કરી શકો ? તેની જાતનો સુર્યજ ફક્ત મિસાલ છે. જો તમે સૂર્યને જોવા માગતા હો તો સૂર્યનેજ જુઓ.

(૨૮/૨૯) આ મુજબ તેઓ યાને ખુદાવંદતઆલાના ઓલિયા (ઈમામ) ખુદાવંદતઆલાનું જાહેરી રૂપ (સુરતે જાહેરી ખુદા) છે. ખરી હકીકતોમાં તે સંબંધી ઈશારા છે. લોકો એમના વિષે વાંચી જાય છે પણ સમજતા નથી, તેઓ કહે છે કે “તારા ઉપર આશિર્વાદ હોજો, ઓ ખુદાવંદતઆલાના નુરાની મિસાલ. ઓ તું, ખુદાતઆલાની આંખ, ઓ તું, ખુદાતઆલાના સાંભળવાના કાન, ઓ તું ખુદાતઆલાનો સખાવતી હાથ, ઓ તું ખુદાના લોહી; ખુદાવંદતઆલાના લોહીના પુત્ર !” એ મુજબ એ ચોક્ખું સમજાય છે કે તેઓ ખુદાવંદતઆલાની સિફાતો છે અને તેને ઓળખવાનો તમારા ઉપર હુકમ થયેલ છે અને તેમની એળખાણ તે ખુદાવંદતઆલાની ઓળખાણ (મારિફત) બરાબર છે.

ત્યારે જે રૂપમાં આ હદીસ કહેવામાં આવેલ છે તેનો અર્થ બરાબર સમજ કે “જે કોઈ પોતાના જમાનાના ઈમામને ઓળખ્યા વગર મરી જાય છે તે કાફર અથવા મુર્તિપૂજક તરીકે મરે છે. જે પોતાના (વખતના) ઈમામને નથી ઓળખતો તે ખુદાવંદતઆલાને નથી ઓળખતો.”

(૩૦) ખુદાવંદતઆલાની મહત્તા અને પરિપુર્ણતાના જહુર એટલે કે અમિરૂલ મોમેનીન હ. મૌલા મુર્તઝાઅલી (અ.)મે ફરમાવ્યું છે કે “જો મેં તેને (ખુદાતઆલાને) જોયો ન હોત તો મેં તેની કદી ઈબાદત કરી ન હોત.”

(૩૧) આવી બાબતો દરેક જણને કેમ કહી શકાય અને બધા દરેક બાબત કેમ સાંભળી, જોઈ કે સમજી શકે ? ફક્ત તેઓથી જ એ બની શકે કે જેઓ પોતાની હકીકતી આંખોથી આ જુએ.

બીજાઓ (આગળ વધેલાઓ) માટે જે કંગાળ સિધ્ધી હોય તે સાધારણ માણસ માટે કેટલી સંતોષકારક અને મગરૂરીરૂપ પ્રાપ્તિ ગણાય ? કહેલું છે કે જે ભલાઓ પાસેથી મેળવવું વાજબ ગણાય તે જ્યારે (ખુદાવંદ તઆલાના) પસંદ કરેલાઓ પાસેથી મળે ત્યારે તે ગુન્હા ગણાય. જે લોકોને રૂહાની નજર નથી તેઓ જો ખુદાની હસ્તી હોવાનું અને મરણ બાદ ફરી સજીવન થવાનું છે, એટલું સ્વિકારે તો તેઓ પરહેજગાર ગણાય પણ જેઓને મારિફતનું જ્ઞાન હોય એવાને લાગેવળગે છે ત્યાં સુધી આટલું હોવું તદ્દન અપુર્ણ બલ્કે ગુન્હા ભરેલું છે. જેમકે એક બાળક કાંઈ કરે તે તેની ઉંમરના પ્રમાણમાં ઘણું હેાશીયારી ભરેલું અને કુદરતી ગણાય. ૫ણ જો એવું જ કામ કોઈ પુખ્ત ઉમરનો માણસ કરે તો તે તદ્દન જુદીજ બાબત લેખાય, તેનું એ કામ ખચિત તદ્દન હાષ્યજનક અને મુર્ખાઈ ભરેલું દેખાશે.

(૩૨) હ. ઈમામ જાફર સાદિક (અ.)ને એક માણસે પુછ્યું કે “શું એ ખરી વાત છે કે ક્યામતને દિવસે ખુદાવંદતઆલા બધાને દિદાર આપશે યાને નજરે દેખાશે ?” “હા.” તે નામદારે જવાબ આપ્યો“ તે (ખુદાવંદતઆલા) તે દિવસ પહેલાથી નજરે દેખાય છે. તે ત્યારથી તેના બંદાઓને દિદાર દે છે કે જ્યારે તેણે (ખુદાવંદતઆલાએ) તેમને પુછ્યું કે હુંજ તમારો મૌલા નથી ? તમે તેને શું જોતા નથી ?” જે માણસે આ સવાલ પુછ્યો હતો તેણે જવાબમાં કહ્યું કે “ઓ મારા મૌલા, હું તને જોઉ છું. મને તારી સત્તાની રૂએ (બીજાઓને) કહેવાની રજા આપ.” હ. ઈમામ (અ.)મે જવાબ આપ્યો કે “આ બાબત કોઈને કહેતો નહીં, કારણ કે લોકો મુર્ખ અને નાદાન છે, આને તેઓ કુફ્ર ગણીને તારૂં કહેવું તેઓ માનશે નહિ.”

(૩૩) એક કવિતાની કડીમાં હ. ઈમામ ઝયનુલઆબેદીન (અ.) ફરમાવે છે કે “મારા ઈલ્મના જવાહિરો હું હંમેશાં છુપાવી રાખું છું કારણ કે અજ્ઞાનો તે જોતા નથી અને સત્ય સમજતા નથી. તેઓ તેની કિંમત સમજવાને લાયક નથી. અગાઉ મારા દાદા અબુલ હુસન (યાને અલી ઈબ્ને અબુ તાલિબ) આ ઈલ્મ ધરાવતા હતા પણ તેમણે તે છુપાવી રાખ્યું હતું અને હ. ઈમામ હુસેન (અ.)ને અને તે પહેલા હ. ઈમામ હસન (અ.)ને છુપું રાખવા માટે વારસામાં સોંપ્યું હતું. ઈલ્મના આ જવાહીરો ઘણા કિંમતી અને નિખાલસ છે ૫ણ જો હું તે જાહેર કરૂં તો મારા ઉપર કુફ્રપણાનો આરો૫ મુક્વામા આવે, કદાચ ધર્માન્ધો મને મારી નાખવાનો ૫ણ પ્રયત્ન કરે અને એ મુજબ ઘોર પાપ કરી બેસે. તેઓ એક નેક કામ કરે છે એવી માન્યતા નીચે મારૂં ખુન કરી બેસે."

(પેજ - ૩૪) અમીરૂલ મોમેનીન હ. અલી ઈબ્ને અબુતાલિબ (અ.)મે ફરમાવ્યું છે કે, “હું એવી ઘણી બાબતો જાણું છું કે જે તમારી પાસે ખુલ્લી થઈ જાય તો તે તમને એવી ઉશ્કેરી મુકનારી દેખાય કે એક છુટું દોરડુ ઊંડા કુવામાં ઉતારવામાં આવ્યું હોય તે પાણીને હલાવી નાખે પણ તળીએ પહેાંચી શકે નહિ, એવા ઢીલા દોરડાની માફક તમને હલાવી નાંખે.”

તે નામદારે વધુમાં ઉમેર્યું કે “હું આ દુનિયાના લોકો સાથે પક્ષીઓના ઉડતા ટોળાંની પાછળ ઉડતા પક્ષી જેવું મારૂં વર્તન રાખું છું. જ્યારે બધા ઉપડે ત્યારે ઉપડું અને એવી રચનામાં ઉડુ કે કોઈ પણ એક બીજાને અડચણ કરે નહિ.” પણ ખ્યાલ કરો કે આ બધું કરવા છતાં તેમના જમાનામાં લોકો તરફથી તેમને કેવી મુસીબતો વેઠવી પડી હતી ? અને પોતાના ઈલ્મને એટલું છુપાવવા છતાં તમે જુઓ છો તેમ, તે ઈલાહી મહત્તા અને ગૌરવના ઝળકાટથી ચારે તરફ ફેલાઈ ગયું. આ બાબત ઊંડી વિચારણા માંગી લ્યે છે.

(૩૫) ભાઈ, આ “ઝહુર” શું હતું ? અને તે કેમ હસ્તીમાં આવ્યું તે હું નથી જાણતો. ઓ અમારા મૌલા, ઓ મખલુકાતના મુળ કારણભુત, ઓ મખલુકાતના આખરી અંજામ તું શું હતો ? ઓ ગહન ભેદ, તું પોતે તને કેવી રીતે હસ્તીમાં લાવ્યો ? ઓ તું નુરે હક, તું તારી મેળે (સ્વયંભુ) એવી રીતે ઝાહેર થયો કે દુનિયાના દરેક જણની વિચાર શકિત બહેર મારી ગઈ ! તેં ક્યું જવાહિર જાહેર કર્યું છે કે તારી ઉત્પતિથીજ 'લા હદ' જગાના અણુએ અણુમાંથી સ્તુતિ કરતા ફિરસ્તાઓનો નાદ પેદા થયો. ઓ ખુબીએ બકા ! તારા ઉપર સલવાત હોજો. તારા ઉપર સલવાત કે તેં તારી જાતને છુપી રાખી છે, છતાં તું આટલો બધો જગ મશહુર અને જાહેર છે, એટલો બધો કે ઘણાઓ તને ખુદા તરીકે સંબોધે છે. ખરેખર, જો તેં તારી જાત ઉપરથી આ ૫ડદો દુર કર્યો હોત તો આંધળાઓની આંખ પણ ખુલી ગઈ હોત અને તેઓ તારા તેજથી જાદુગરો બની ગયા હોત ! ત્યારે મનુષ્ય જાત તને કેવી રીતે ગોતી શકે, તેઓ તને કેવી રીતે જોઈ શકે અને તેઓ તને શું કહે ?

(૩૬) ભાઈ આ બોધદાયક રસાલો મેં ઈમાનદાર લોકો માટે લખેલ છે.

પોતાના મઝહબની પેરવીની સચ્ચાઈ બાબતમાં હું કોઈ સાથે વાદ વિવાદ કરતો નથી. જેને જે ગમે તે પાળે.

(૩૬/૩૭) આ૫ણા મૌલા (એટલે હ. અલી ઈબ્ને અબુતાલીબ) (અ.) ફરમાવે છે કે, “હ. રસુલ (અ.)મે પોતાનો સંદેશો પહોંચાડ્યો હતો અને મઝહબની જાહેરી બાજુ તેમને સુપ્રત કરવામાં આવેલ હોવાથી તેમણે જેહાદ ચાલુ કરી હતી, અને મારે (યાને હ. મૌલા અલીને) બાતિન અથવા મઝહબના ઉંડા અર્થ (તાવિલ) સાથે સંબંધ છે.” તેમણે બાતિનનો અર્થ જુદી જુદી રીતે સમજાવ્યો કે જેમ પ્રખ્યાત હદીસમાં મળી આવે છે કે, “અબુઝર જો સલમાનના દિલમાં શું છે એ જાણી જાય તો તેને કાફર ગણે.” અથવા એક બીજી જગ્યાએ ફરમાવેલ છે તેમ “તે તેને મારી નાંખે.” એ ઉપરથી સાબિત થાય છે કે, હ. આદમ (અ.)ના વખતમાં બલકે તેની અગાઉથી અને ખાતેમુલ અંબિયા (હ. મહમદ રસુલ સ.) સુધી દરેક જમાનામાં અને દરેક યુગમાં મઝહરે ઝાતે અલ્લાહ હંમેશાં રહેતા આવેલ છે; જેમ તમને કહેવામાં આવ્યું હતું તેમ અત્યારે પણ તે દુનિયામાં હાજર છે.

(૩૮) જો તમે બરાબર જોશો તો તમને જણાશે કે દરેક જણ કે જે ભુલાવામાં પડ્યો તે ધર્મમાં કાંઈ ખોટું હોવાને લીધે નહિ પણ દુન્યવી મોજમજાના શોખીનોની ખોટી મનોદશાને લીધે એમ બન્યું. આવા કમનસીબ લોકો રખડી પડ્યા કે જેમણે મખલુકાતનો હેતુ શું હતો ? તેઓ પોતે કોણ હતા ? તેઓ ક્યાંથી આવ્યા ? અને તેમને ક્યાં જવાનું છે ? એ તેઓ સમજ્યા નહિ.

(૩૮/૩૯) અરબી હાશમી પેગમ્બરે (તેમની અને તેમની આલ ઉપર ખુદાવંદતઆલાના આશિર્વાદ ઉતરો) ફરમાવ્યું છે કે, “મારા જાનશીન (ઈમામો) અહલેબૈત કુરાનથી જુદા થશે નહિ કે જે હક અને બાતિલનો ભેદ સમજાવે છે. એથી (એને વળગી રહેવાથી) મારા લોકો હવઝે કૌશર ઉપર મને આવીને મળે.” તેઓશ્રીએ ફરમાવ્યું કે “આ બેઉ પવિત્ર અને પાક વસ્તુંઓ છે જે હું અનામત તરીકે તમારી વચ્ચે છોડી જાઉં છું. જ્યાં સુધી તમે આને વળગી રહેશો ત્યાં સુધી મારા પછી કદી પણ ગુમરાહ થશો નહિ; પણ હ. રસુલ (સ.)નું આવું ફરમાન હોવા છતાં, સ્વાર્થિ લોકો હ. રસુલના અંગત સગા ઈતરત સંબંધના ફરમાનની બધી બાબત ભુલીને બીજી બાબતેમા અગાઉથી મશગુલ થઈ ગયા અને સત્ય રસ્તેથી ભુલા પડી ગયા; અને લાલચ અને અધોગતિના ખાડામાં હમેશને માટે પડી ગયા. હ. આદમ (અ.) અને બીજા નબીયો કોના મઝહર હતા ? અને તેમને શા માટે મોકલવામાં આવ્યા હતા ? તેનો તોલ તેઓએ કર્યો નહિ. તેઓ પોતાને રસ્તે આંધળા થઈને ચાલ્યા અને તે (ખરો રસ્તો) તદ્દન ગુમાવી દીધો અને એ પ્રમાણે પોતાના અંતિમ હેતુંને વિસરી ગયા.

એટલા માટેજ ફરમાવેલું છે કે, હું (હ. અલી) બધા નબીઓ સાથે છુપાયેલો હતો કારણ કે જગત હજી પરિપકવ થયું નહોતું. પણ જ્યારે હવે જગત ૫રિ૫કવ થયું છે અને લોકો સમજવાને શક્તિવાન છે ત્યારે હું (હ.) મહમદની સાથે જાહેર થયો છું.”

(૪૧) ઈતરત અથવા અહલે બયત.

આ ઉપરથી એ સાફ સમજાય છે કે દુનિયામાં દરેક જમાનામાં દરેક પળે એ સર્વ શ્રેષ્ઠ પેશવા–રાહનુમા હોવોજ જોઈએ, મનુષ્ય જાત બચ્ચાંની માફક છે. તે પોતાની રીતે ભલે હેશિયાર હોય ૫ણ તેની બુધ્ધિથી પર હોય એવી ઘણી બાબતો છે, જે માટે તેને એક ગુરૂ(ઈમામ)ની જરૂર છે કે જે તેને જરૂરી જ્ઞાન આપે. એક પુખ્ત વયનો માણસ પછી તે ગમે તેટલી વયનો હોય તેને ૫ણ જે બાબતોમાં આગળનો અનુભવ નથી હોતો તે બાબતો માટે તેને રહેનુમાની જરૂર છે.

"ખુદા જેને ચાહે છે તેને પોતાના નુર તરફ હિદાયત કરે છે.”

(૪૨) "હ. મહમદ” અને “હ. અલી” બેઉ એકનાજ જહુર હતા અને એકજ “નુર” હતું. પણ તેઓ જુદા જુદા લિબાસમાં મનુષ્યો વચ્ચે એક બીજાના કાર્યમાં મદદ કરવા માટે આવ્યા કે જેથી લોકોને એક બીજાની ઓળખાણ આપી શકે.

(૪૩/૪૪) ભાઈ, હકનો બોલ એક છે અને હક તરફ જવાનો રસ્તો એક છે. હ. પગમ્બર રસુલ (સ.) સાહેબે પોતાના આખરી વખતે ફરમાવ્યું કેઃ “આ કિતાબ (કુરાને શરીફ) અને અમારી આલ (ઈતરત) ક્યામતના દિવસ સુધી કદી પણ જુદા થશે નહિ.”

(૪૭) જ્યાં સુધી કારવાન–કાફલો પોતાની તરસ છિપાવવા હૌજે કૌશર સુધી ન પહોંચે ત્યાં સુધી તારા રાહબર ઉપરથી તારો હાથ ઉઠાવતો નહિ. ત્યારેજ તું જોઈ શકશે કે કાફલામાંના કેટલા ગોવાળની પાછળ ચાલ્યા અને આખરે તેમણે પોતાની પ્યાસ બુઝાવી.

(૫૧) તેમણે હ. રસુલ (સ.) પોતેજ ફરમાવ્યું છે કે, “લોકો તરફથી જેટલી મુશ્કીલીઓ મને પોતાને સહન કરવી પડી છે એટલી બીજા કોઈ નબીને સહેવી પડી નથી.” તેઓશ્રીએ લોકોને નાઉમેદી અને નિરાશાપણાના જંગલમાંથી છોડાવી હિદાયતને કિનારે લાવી મુક્યા. તેણે તમને એક ચોક્ખો સહેલો મઝહબ આપ્યો છે. જેમકે તેમણે પોતેજ ફરમાવ્યું છે કે, “હું લોકો માટે આસાન મઝહબ લઈને આવ્યો છું.”

(૫૬) કુરાન

કુરાને શરીફ કેમ લખી લેવામાં આવ્યું હતું તેની તવારીખમાં નોંધ છે તેમજ દરેક જણ તે જાણે છે. હમણા જે રીતે છે તેવી રીતેજ તે નહોતું. દરેક જણ પાસે તેમાંનો થોડો ભાગ હતો કે જે મોઢેથી બોલી જતો. હ. ઉસમાનના વખતમાં સત્તાધારીઓએ થોડા ભાગો ચુંટી કાઢયા અને બાકીના રદ કર્યા. આના ઉપર વિગતવાર લખતાં ઘણું લાંબુ થઈ જાય. ત્યારબાદ તેમણે બીજી બધી કોપીઓ જબરદસ્તીથી હાથ કરી અને તેને બાળી નાખી.

એ મુજબ અસલ કુરાન કે જે હ. રસુલ (સ.અ.) ખરેખર મુકી ગયા હતા અને જે તેની ઈતરત યાને ખરા હકદાર ગાદી વારસો હસ્તક રહેતું આવે છે.

(૫૮) ખરો દીન.

હવે આપણે આવી બાબતો ઉપર આવતા હોવાથી આ૫ણે જોવું જોઈએ કે ખરો દીન એટલે શુ ? ખરી ઈબાદત કઈ કહેવાય અને ખરી મારિફત કઈ કહેવાય ?

ભાઈ, ઈસ્લામ બે સિધ્ધાંત ઉપર પ્રતિપાદન થયો છે. ફક્ત મોઢેથી “કલમો” પડવો તે ધાર્મિકતાની બહારની બાજુ (જાહેરી બાજું) છે. કે જેને ખરેખરા ઈમાન સાથે કાંઈ લાગતું વળગતું નથી.

(૫૯) હ. પેગમ્બર સાહેબે યાને કુરાને શરીફમાં મુનાફકોને સંબોધીને ફરમાવેલું છે કે (સુરા. ૪૯ આ. ૧૪) “એમ નહિ કહો કે અમે ઈમાન લાવ્યા છીએ પણ એમ કહો કે અમે ઈસ્લામ આણ્યો છે. ફક્ત ખુદાતઆલાજ તમારા દિલોમાં ઈમાન મુકી શકે છે.” જેમ હ. રસુલ (સ.) ફરમાવ્યું છે તેમ, ઈમાન અને ખાલી બહારના ઈસ્લામ ધારણ કરવામાં ફરક છે. આ બાબતની પુરતી છણાવટ અમે ખુદાવન્દતઆલાની મદદથી કરીશું.

ઈબાદતના સ્વરૂપો.

(૫૯) જો તમે આનો ફરક સમજવા માગતા હો તો ભાઈ જાણો કે અમે ઉપર કહી ગયા તેમ રાત્રી અને દિવસને ત્રણ સરખા ભાગમાં વહેંચી નાખવા જોઈએ અને દરેકને ખાસ કામને માટે રોકી દેવા જોઈએ. શરીરથી બંદગી કરવી તે પોતાના જાહેરી આમાલની સાધારણ બજવણી છે. ખ્યાલની બંદગી, ખરાબ વિચારો કે જે માટે ખુદાવન્દતઆલાએ મના ફરમાવેલ છે તેને સંયમ અને સાધુ પુરૂષો (મહેબુબાન)ના દાખલાઓમાં મળી આવે છે, તેવા સારા અને ધાર્મિક બાબતો ઉપરના એકીકરણની બનેલી હોય છે. તેણે તેની (ઈમામની) સુરત ૫ણ પોતાના દિલમાં હરહંમેશ રાખ્યા કરવી જોઈએ અને જેને ખુદાવન્દતઆલાએ રદ કર્યા છે તેવા દિનના દુશ્મનો તરફ બેદરકાર બનતા શીખવું જોઈએ. આસ્તે આસ્તે તમારૂં આખું શરીર તેમના (ઈમામ) તરફના સન્માનથી ભરાઈ જશે. અને તમે ખુદાવન્દતઆલાના દોસ્તો–ઔલિયામાંના એક બની જશો કે જેમને તેના (ખુદાતઆલાના) દુશ્મનો સાથે કાંઈ લેવા દેવા નથી.

(૬૦) હદીસમાં કહેલું છે કે “કિયામતને દિવસે ખુદાવન્દતઆલા દરેકને જે ચીજોમાં તે વળગેલો (જે તરફ મહેબત ધરાવતો) હશે તેમાંથી તેને ઉભો કરશે, પછી ભલે તે (ચીજ) સાદો પત્થર હોય !” એટલા માટે દરેક જણ કે જે હ. મહમ્મદ અને તેની અહલેબેતને વળગી રહેલ હશે તે કિયામતને દિવસે તેમની (અહલેબેત) સાથે ભળેલો હશે.

(૬૧) કિયામત જેવી કોઈ ચીજ નથી એમ નહિ કહો, તે છે જ, અને તે એ કે જે બદલો વાળે છે અને સજા કરે છે, તે બદલો લેશે.

(૬૨) દીલની બંદગી: હ. પયગમ્બર (સ.) અને અહલેબેત પંજતનપાક તરફ સદા અથાગ પ્રેમ હશે અને મૌલા અને તેના ગાદી વારસ (ઈમામો) માટેનો અતુટ ઈશ્ક અને તેમને તમારા અંત:કરણોમાં દોરવણી આપનાર તરીકે-તેઓજ તમારૂં સત્ય છે એવી માન્યતામાં સમાયેલી છે. જ્યારે જ્યારે તમોને હ. રસુલ (સ.) અને તેમની અહલે બેત માટે ઈશ્ક થાય ત્યારે ત્યારે તમે ખુદાવન્દતઆલાની બંદગી કરી છે. (એમ સમજજો).

(૬૩) હ. ઈમામ જાફર સાદિકે કહેલી હદીસ શું તમે નથી સાંભળી કે કોઈ માણસે તેમની હાજરીમાં ખુદાવન્દતઆલા પાસે વારંવાર એમ બોલીને દુઆ માંગી કે, “યા ખુદા ! મને બહેશ્તમાં દાખલ કર !” ત્યારે હ. ઈમામ (સ.) ફરમાવ્યું કે “આવી રીતે દુઆ માંગો નહિ, ૫ણ કહો કે “અલ્લાહ ! મને બહેશ્તમાંથી કાઢી નહિ મુકજે.” આનું કારણ એ છે કે જ્યાં સુધી તમે એવું કાર્ય ન કરો કે જેની શિક્ષા તરીકે તમને બહેશ્તમાંથી હાંકી કાઢવામાં આવે ત્યાં સુધી તમે બહેશ્તમાં રહેવાના છો. અને જેવું તમે કાંઈ દુષ્ટ કૃત્ય કર્યું કે તરતજ તમારે તે (બહેશ્ત) છોડી દેવું પડશે.

(૬૩) ઈમાન.

આ ઉપરથી સાફ સમજાય છે કે, “ઈમાન” હૃદયમાના ઈશ્ક સિવાય બીજી કોઈ ચીજ નથી, અને તે બાબત સમજવા સહેલી બને એ માટે અમે એક દાખલો આપીયે છીએ.

ઈમાન એક ઝાડની માફક છે, જેના મૂળ અંતઃકરણની અંદર ઉતરે છે, તેનું થડ અક્કલ છે, અને ડાળીઓ નૈસર્ગિક બુદ્ધિમાં છે, જ્યારે કલ્પના તેના નવા કુંપળો છે અને પાંદડા શરીરના જ્ઞાન તંતુઓ છે. ઈમાનનો પાયો મૌલા તરફનો ઈશ્ક છે અને જો આ પાયો યાને આ ઈશ્ક (યાને) ઈમાનનું મૂળ મજબુત અને સારી હાલતમાં હોય તો ઝાડના બીજા ભાગો જેવા કે થડ, તેમની ડાળીયો અને પાંદડા પારંગશે(flourish), પછી ભલે તેને (સંજોગવશાત) કાંઈ નુકશાન પહોંચ્યું હોય; એથી ઉલ્ટું જો મુળ જમીનમાં ઊંડા ઉતર્યા નહિ હોય અથવા કદાચ સડી ૫ણ ગયા હોય. તો આખું ઝાડ તરતજ સુકાઈ જશે અને પછી બળતણ સિવાય બીજા કોઈ ઉપયોગમાં તે આવી નહિ શકે. એ મુજબ મૌલા તરફનો ઈશ્ક ઈમાનનું મૂળ હોવાથી બધું છે. જો તે મજબુત નહિ હોય તો જાહેરી આમાલ કે જે ઝાડના પાંદડા જેવા છે તે કરમાઈ જશે. જો તમારી પાસે તાજા અને સારા રંગવાળા એક હજાર મણ પાંદડા હશે તો તે થોડા વખતમાં સુકાઈ જશે અને પછી એક ન્હાનકડો આગનો તણખો તેને તદ્દન બાળી નાખવા માટે પુરતો થશે.

(૬૪) જો તમારામાં મૌલા તરફનો ઈશ્ક હશે અને જાહેરી આમાલ વધારે બજાવી નહિ શકો છતાં તમે મોમીન ઈમાનદાર રહેશો; કારણકે જો કે તમારી (બાહ્ય) વર્તણુંક સારી ન હોય છતાં તમારો સ્વભાવ હજી ખરાબ નથી, એ માટે ખુદાવંદતઆલાની માફીની આશા રાખી શકાય, પણ જો એથી ઉલ્ટું હોય તો તમારે માટે અફસોસ ! દસ હજાર રોજા અને નિમાઝ તમને કાંઈ કામ નહિ આવે. શું તમે નથી જોતા કે જે મકાનનો પાયો મજબુત નહિ હશે પણ તેની બધી દીવાલોને સોનેરી ઓ૫ ચડાવેલ હશે અને તેને સુંદર નક્શીદાર રીતે રંગેલ હશે છતાં તે પવનના એકજ ઝપાટાથી પડી જશે અને તમારી બધી મહેનત અને ખર્ચ નકામા જશે. એથી ઉલ્ટું જો તેનો પાયો ખાત્રીલાયક રીતે મજબુત હશે તો અને તેની દિવાલોને ફક્ત રંગ રોગાન કરેલ નહિ હોય તો તે મકાન ખરેખર મજબુત હશે; તે ફક્ત એટલું જ બતાવે છે કે તેને સાફ રાખવામાં આવેલ નથી. પણ તેનું બાંધકામ મજબુત છે.

(૬૫) મૌલા તરફનો તમારો ઈશ્ક કે જે ઈમાનનો પાયો છે અને તમારી દીલી બંદગી અને સચ્ચાઈ (હકીકત) ૫ણ તેમજ છે; તો જ્યાં સુધી તે સજીવ છે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પાપ તેનો વિનાશ કરી શકશે નહિ, પણ જો (દિલમાં) હ. અલી (સ.) તરફની દુશ્મનીની જરાપણ લાગણી હશે તો કોઈપણ પ્રકારનું સવાબી કામ મદદ રૂપ નહિ બને. મૌલા અલી તરફનો ઈશ્ક બધા પાપો ધોઈ નાખે છે.

મનકુલ છે કે કેાઈએ એક ઈમામ (સ.)ને કહ્યું કે. “તમારા મુરીદો ઝઘડાઓ ઉભા કરે છે અને તેથી અમે તેમને બળવાખોર અને હરામખોરો ગણીએ છીએ.” એનો જવાબ એ હતો કે, “નહિ, અમારા મુરીદો અમારા મિત્રો છે અને અમારા મિત્રો પોતાના ગુન્હાઓ માફ થયા પહેલા મરતા નથી. આ દુનિયામાં હરામખોર અને બળવાખોર તેજ છે કે જે અમારો દુશ્મન છે.”

ખચિત એવા મુર્ખ દોસ્તો પણ પડ્યા છે કે, જેઓના કાર્યો વાંધા ભર્યા અને નુકશાનકારક હશે, પણ તેમના ઈરાદાઓ અને હેતું નેક અને પાક હોય છે. કિયામતના દિવસે તેઓ સફેદ ચહેરાઓ સાથે ઊભા થશે. કારણકે તેમના ગુન્હાઓ આજ દુનિયામાં માંદગી, ધંધાની નુકશાની અથવા જુલ્મગારોના જુલ્મ જેવી સજાથી બક્ષાયેલા હોય છે. મોમીનોના એવા ન્હાના ગુન્હાઓ પણ હોય છે કે જે માટે તેઓને ભયંકર સ્વપ્ન જોવું પડે છે.

હવે તમે સમજી શકો છો કે, તમારૂં બાતુની કે જાહેરી દરેક કાર્ય એક ખાસ પ્રકારની બંદગી રૂપ છે, વળી બંદગી એજ મારિફત છે. તેઓ એક બીજાથી જુદા પડી શક્તા નથી, અથવા જુદા હોઈ શક્તા નથી. એ મુજબ તારી આંખની મારિફત એ છે કે, એ ઈન્સાનની સુરત કે જે તારો રહેનુમા છે તેને તું ઓળખે, (અને) એજ ખાસ શખ્સ છે. (જો કે) જાહેરીમા તેના બધા કામકાજ સાધારણ ઈન્સાન જેવા હોય છે.

૫ણ આવી (જાહેરી) આંખથી તેના સ્વરૂપને પકડી નહિ શકાય. તેને દિલમાં પણ–દિલની અંદરની નજર કે જે આંખની નજર કરતા જુદી હેાય છે તેનાથી નિરખવો જોઈએ. દીલ જે જુએ છે તે “નુરાનિયત” છે, એના અર્થ સંબંધમાં આથી વધુ હું કાંઈ કહી શકતો નથી, આ એક મખફી બાબત છે કે જે તમે સમજી શકશો નહિ.

(૬૭) આ મુજબ તમારા પોતાના મનોવિકાર–નફસે અમ્મારા સાથેની લડાઈથી અને ઝહેમત અને ઈબાદતમા ખુદાવન્દતઆલાની મદદથીજ તમારા દિલોમાંના જીવંત આત્મિક જ્ઞાનથી, અંતરાત્માના અવાજની ચોક્સાઈથી, ધાર્મિક જ્ઞાનના અભિયાસ અને તેની પ્રાપ્તિથી અને તમારી ફરજોની બજવણીથી જેમ વિગતવાર વર્ણવેલ છે, તે મુજબ આત્મિક શુધ્ધિનો ઉંચો દરજ્જો મેળવી શકશો. તમે જો આ બધું કરશો તો તમે જેની શોધમા છો તે દરજ્જે પહોંચશો. તમારે તેની શોધ કરવાની છે અને તેમાં તમને બેનસીબ નહિ રાખવા એ એના (ખુદાવન્દતઆલા) ઉપર આધાર રાખે છે.

(૬૭/૬૮) આ વાંચ્યા પછી ખુદાવન્દતઆલાના કેવા મહાન આશિર્વાદો ઉતરે છે તેનો તેઓ ખ્યાલ પણ નહિ બાંધી શકે, તે તેમનું (ખુદાનું) કામ છે.

અમે જે કહ્યું છે તે એવાઓને સંબોધીને કહ્યું છે કે, જેઓ આ સમજવાની શકિત ધરાવે છે.

આમાં આ૫ણને “ખુદા” મદદગાર થાઓ. ભાઈ, પેલી કહેવત યાદ કર કે :- “તમારા પાસેથી બીજાઓ હિસાબ માંગે અને હિસાબને લગતો સવાલ ઉપસ્થિત થાય, તે પહેલા તમારો હિસાબ ચોક્ખો કરી નાખો.

સમાપ્ત.