Ilm Majalis Logo

ILM MAJALIS

ગવહરે રહેમત

0:000:00

તારવણી

દીની વિભાગ

હક મૌલાના ધણી સલામત સરકાર સુલતાન મોહમ્મદશાહ હાઝર ઈમામે ફરમાવ્યું:

(પેજ - ૪૧) જો કે આપણો પવિત્ર મઝહબ સઘળી તંદુરસ્ત અને નિર્દોંષ દુન્યવી મેાજમજાહ માટે છુટ આપે છે, છતાં અમે આશા રાખીએ છીએ કે બચ્ચાઓ હંમેશા અમારે ઘેર એટલે જમાતખાને જઇને અમારો વિચાર કરવાનું કદી પણ ભુલશે નહિ.

જેવી રીતે હમણા અમને જુઓ છો, તેવી રીતે હંમેશાં અમને જમાતખાનામાં જોજો. જ્યાં સુધી અમે અત્રે છીએ ત્યાં સુધી તો તમે અમને ઈશ્ક દેખાડશો પણ પાછળથી પણ ઈશ્ક દેખાડજો અને અમને જમાતખાનાથી જુદા નહિ ગણતા, જેનો બદલો આ દુનિયામાં બરકત અને પેલી દુનિયામાં દિદાર.

ઈબાદત, તે વડે આપણે રૂહાની કુવ્વત મેળવી શકીએ છીએ. ઈબાદત એક એવુ માધ્યમ છે કે જે થકી આપણો રૂહ ઉપર જઈ શકે છે. ઈબાદત આપણને ભવિષ્યમા આવનાર કમનસીબીઓ, દુઃખો અને બિમારી સહન કરવા હિંમત આપશે. આવી મુસીબતેાથી અજાણ હોવા છતાં પણ ઈબાદત વડે આ સર્વે (મુસીબતો) તમારાથી પહેલા થઈ ગયા છે તેઓ કરતા વધારે ખુશીની સાથે અને કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર સહન કરી શકશો. તે ઉપરાંત ઈબાદત હમેશા અટળ શ્રદ્ધા અને ફતેહમંદી આપશે.

(૫૯) મોજશોખ અને રમતગમતમાં આખો વખત ધ્યાન નહિ આપો, કારણ કે તેથી ખર્ચ, વખત, દુનિયા, આખીરત સર્વ જશે અને બહુ ખરાબ થઈ જશો. રમતમાં ધ્યાન રાખવાથી જરૂર શેતાન તેને પકડશે. આ વાત એક કાનથી સાંભળી બીજે કાનથી કાઢી નહિ નાખજો.

(૬૩) જેમ ભૌતિક હાલતો બદલાય છે તેમ આત્મિક હાલતો ફક્ત આ જીવન પુરતીજ મર્યાદિત નથી અને તમારે આધ્યાત્મિક પ્રગતિમાં વધારે આગળ વધવાની જરૂર છે. અંતે તમને જણાશે, તે આખરત માટેનુંજ કાર્ય તમોને આ દુનિયાના કામોમાં મદદરૂપ થાય છે.

(૬૬) બન્ને દુનિયામાં શહિદ જેવા થઈને રહો. આપણો ધર્મ ખુશહાલીનો છે. શહિદ લોકો માથું આપે છે અને તમે જે કામ (ખિદમત) કરો છો, તે શહાદતના કામ છે. આવા સારા કામો કરવામાં આનંદ ભરેલી ખુશહાલી અને મિજાજ ઠંડો અને ખુશ રહે છે.

(૯૦) શાળામાં શીખેલી ધર્મ ભાવના એક માણસના જીવન અને ચારિત્ર ઘડતરમાં અતિ અગત્યનો ભાગ ભજવે છે. યુવાન અને વૃદ્ધ બન્નેના રૂહાની જીવનનું મૂલ્ય કદી એક સરખું આંકી શકાતું નથી.

(૯૧) શિક્ષકો, એસોસીએશન અને તે લોકો કે જેઓ પોતાનો વખત અને ફિકરનો ભોગ આપવા તૈયાર છે, તેઓને એ જોવાની ફરજ છે કે જે ઉચ્ચ મકસદ માટે તમો પોતાનો ખ્યાલ અને ધ્યાન આપી રહ્યા છો. તેને છાજે એવું શિક્ષણ આપવામાં આવે છે અને એવી મિસાલો કાયમ કરવામાં આવે છે.

(૯૪) માલેવાજબાતની ખૂબી અને જરૂરિયાત વિષે બચ્ચાંઓને બચપણથીજ જ્ઞાન આપવું જોઈએ કે જે જ્ઞાન તેઓની નસે નસમાં ઓત પ્રોત થઈ ગયું હોય; જેથી તેઓ જ્યારે મોટા થાય ત્યારે માલેવાજબાત આપવામાં બિલકુલ કાહેલી કરે નહિ.

બચ્ચાઓને ફરમાવ્યું: તમારા માવિત્રો જેવી સેવા બજાવે છે, તેવી જ રીતે તમે પણ સેવા બજાવતા રહેજો. એજ મઝહબનો પાયો છે. બચ્ચાંઓ છો તો શીખીને દીન દુનિયાની સેવા કરી અને તમારા બાપ દાદાનું નામ છે તે કરતા પણ તમારે વિશેષ નામના મેળવવી જોઈએ. તમારા બાપથી વિશેષ સેવા બજાવજો જેથી દુનિયામા પણ ચડતી થશે. ખાનાવદાન.

(૯૫) અમને આશા છે કે જે પ્રમાણે તમારા વડવાઓ મઝહબને સમજી શક્યા હતા તેથી વધુ સારી રીતે તમે સમજી શકશો. એવો વખત પણ આવશે કે જ્યારે તમો વિદ્યાર્થીઓ સમક્ષ અમુક કાબુ ન કરી શકાય તેવી લાલસા આવશે, કે જેને માત્ર મઝહબને સંપૂર્ણ રીતે સમજવાથી દૂર કરી શકાય છે.

(૯૮) જો કે ઈસ્માઈલીઓ ઈમામતની પવિત્ર “જાનશીની" વિષેની તેમની પેાતાની માન્યતાની સચ્ચાઈમાં મજબુતપણે માનવાવાળા છે. તેમ છતાં તેઓ બીજા કેટલાક ફિરકાઓની જેમ, બીજા મુસ્લિમ બિરાદરો, જેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના દિવ્ય સંદેશનો બીજો અર્થ તારવે છે તેમને વગોવવા જેટલી અંતિમ હદે કદી ગયા નથી.

ઈસમાઈલીઓ હંમેશ એમ માનતા આવ્યા છે અને દરેક જમાનામાં તેમને તેમના ઈમામ તરફથી એમ શીખવવામાં આવ્યુ છે કે તે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ગાદીવારસ બાબત સાચી માન્યતા ધરાવે છે. પરંતુ તેથી બીજા મુસ્લીમો જેઓ જુદી માન્યતા ધરાવે છે તેમને પેાતાના ઈસ્લામી ભાઈઓ તરીકે સ્વીકારવામા ન આવે. તેમની તરફ મહે।બ્બત રાખવામાં ન આવે અને તેમને માટે દુઆ કરવામાં ન આવે તથા તેમને જાહેરમાં કે ખાનગીમાં તિરસ્કાર કરવામાં આવે અને તેમને માત્ર વગેાવવામાં આવે, એવું કોઈ કારણ નથી.

આજના જમાનામાં બધી તરફના બહારના અને અંદરના ભયને લક્ષમાં લેતા જ્યારે મુસ્લીમોએ એકત્ર રહેવાની જરૂરત છે, ત્યારે અમે આશા રાખીએ છીએ, અમે માનીએ છીએ અને દુઆ કરીએ છીએ કે ઈસ્માઈલીઓ બધા ફિરકાના મુસ્લિમ પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોની ભલાઈ અને સુખને માટે વિચાર દ્વારા અને દુઆઓમાં સાચો ઈસ્લામિક માતૃભાવ બતાવશે.

(સંદેશો, કેરો ૧૬/૨/૧૯૫૫)

(૧૦૧) તમે જ્યારે મિજલસમાં આવો છો ત્યારે તમે અમને રૂહાની મેહમાની કરો છો.

(૧૦૨) અસલ મિસરના વખતમાં પંજેભાઈઓએ ખિદમત કરી છે; તે જ રસમ આજ દિવસ સુધી ચાલું રાખવામાં આવી છે.

જેમ લશ્કરમાં ઘોડેસવાર પલટન હોય છે તેમ તમે પંજેભાઈઓ છો, ડિસિપ્લીનની જરૂર છે. દરેક પોતાના મતથી કામ કરશે તો મરી જશે. એક બીજાને લાગશે. તમે અમારા ઘોડે સવાર લશ્કર છો. ઘોડે સવાર લડાઈને વખતે દૂર ઉભા રહીને દૂરથી દુશ્મનની ખબર લાવવી વિગેરે કામ કરે છે. જમાત લશ્કર છે. ઘોડેસવાર ખબર આપે છે કે અહીં ડર છે, ચેતો. જવાન હંમેશા અમારી ઘોડે સવાર પલટન છે.

(૧૦૩) અત્યારનો ઝમાનો પ્રગતિનો છે. તેથી તમારે પણ જમાનાના દોર મુજબ પ્રગતિ સાધવી જોઈએ. યુવકો અને યુવતીઓએ કોમી સસ્થાઓમાં તેમજ જમાતી દરેક કામકાજમાં આગળ પડતો  ભાગ લેવો જોઈએ. યુવકો અને યુવતીઓએ કોમી બધી પ્રવૃત્તિઓનો બોજો ફક્ત બુઢ્ઢાઓ ઉપર મૂકી આળસુ અને નચિંત બનવું ન જોઈએ પણ ચાલુ ઝમાના પ્રમાણે કોમ અને ધર્મને છાજતાં ઝરૂરી સુધારા વધારા સાથે દરેક કોમી પ્રવૃત્તિમાં ઉત્સાહ અને ખંતથી ભાગ લઈ ઈસમાઈલી કોમને દુનિયામાં ભાગ લઈ ઈસમાઈલી કોમને દુનિયામાં આગળ પડતી કોમ બનાવવી જોઈએ. આ ફરજ અને જવાબદારી કોમના યુવાન વર્ગની છે જે તેઓએ જરૂર અદા કરી પેાતાના ઈમામ, ધર્મ અને કોમ પ્રત્યેની વફાદારી બતાવવી જોઈએ.

(૧૦૪) તમે પોતે પેાતાને સંભાળજો અને પેાતાના ઈસ્માઈલી દીનભાઈને કાળજીથી સંભાળતા રહેજો તમે દીનભાઈઓની ખિદમત કરો, તે ખરેખર અમારી ખિદમત છે, તે કરતા પણ વધારે ફાયદો છે. તમે મોટા છો તે હંમેશાં જમાતની ખિદમત કરજો....તમને આખી રોટલી મળે તો અર્ધી રોટલી તમારા ગરીબ દીનભાઈ હોય તેને આપજો.

જમાતની તમે જે રોજ ખિદમત કરો છો,  તે રોજની મહેમાની  કરો છો.

(૧૦૪) જે કામ અમે સોંપીએ તે હોશિયારીથી પેાતાની યથાશક્તિ પ્રમાણે જોખમદારી સમજી સેવા કરે. જોખમદારીભરી વધુ સેવા કરનાર અમારી વધુ નઝદીક છે.

ગરીબ હોય અગર ફકીર હોય પણ જમાતની અને સરકારની બરાબર ખિદમત કરતો હોય તે અમારા મનથી મોટો છે, અમારો અઝીઝ છે.

(૧૦૫) કોમના નવયુવાનોએ વાએઝીન તરીકે ખિદમત આપવા ઉમેદવારી બતાવવી જોઈએ. અમને યુવાન વર્ગ ઉપર ઘણો જ ભરોસો છે. તેઓ શક્તિ વડે મદદ કરી શકે છે અને વાવટાને ફરકતો રાખી શકે છે.

(તાલિકા મુબારક)

વાએઝીને અમારા ફરમાનો, પીરોના ગીનાનો અને ઈતિહાસ સિદ્ધ મઝહબના મૂળ તત્વો અને ઉસુલો ઉપર મુદ્દાસરની સચોટ અને અસરકારક વાએઝ જમાતને સંભળાવવી જોઈએ.

(૧૦૮) જમાતને રાહે રાસ્ત પર લાવવાનો બોજો ઓનરરી વાએઝીન ઉપર રહેલો છે.

(૧૦૮) કોમના હોશિયાર, ભણેલા અને ધાર્મિક જ્ઞાન ધરાવનારા યુવાનોએ આ પ્રમાણે ઓનરરી સેવા આપવાની ખાસ ફરજ છે; આમ કરવાથી અમારી તેમજ કોમની ઘણી સારી સેવા બજાવેલ ગણાશે.

(૧૧૧) વાએઝીને અમારા ફરમાનો, પીરોના ગિનાનો અને ઈતિહાસ સિધ્ધ મઝહબના મૂળ તત્વો અને ઉસુલો ઉપર મુદ્દાસરની સચોટ અને અસરકારક વાએઝ જમાતને સંભળાવવી જોઈએ.

(૧૧૨) ઈસ્માઇલી મઝહબ માટે વધુમાં વધુ કાર્ય તથા ખિદમત કરવાની શ્રેષ્ઠ ભાવના દરેકે કેળવવી જોઈએ.

અમો તેથી દરેક ઈસ્માઈલી પાસે, તેને સોંપાએલ કાર્ય પોતાની બધી શક્યતાઓથી કરવું તે તેની ફરજ સમજે, એવી આશા રાખીએ છીએ. જેઓ અમારી વધુ ખિદમત કરે છે, તેઓ અમને વધુ નઝદીક થાય છે.

(૧૧૩) વારસ મામદ રેમું વિષે ફરમાવ્યું: વારસ મામદ રેમુંએ અમારી ઘણી ખિદમત કરી છે. એ મિસાલ એહલેબેતના મેમ્બરમાં છે. જેવી રીતે વઝીર બસરીયા, વઝીર રહીમ એહલેબેત થયા છે.

મર્હુમ સુંદરજી કુરજી સબંધી ફરમાવ્યું: મર્હુમ ઘણા સારા માણસ હતા. મઝહબનો પાયો હતા. મઝહબના ઝાડ જેવા હતા. ઘણી ખિદમત કરી છે. ઈસમાઈલી મઝહબના એક રૂહ હતા. રોશનાઈ હતી. હવારીયુન (અસહાબ-સાથીદાર) જેમ હતા.

વારસ હીરજી ઘણા નેક અને સારા મોમન હતા. તેના જેવા આ દુનિયામાં ઘણા ઓછા હશે. તે ઘણા નેક મોમન હતા.

વારસ ઈસા માટે ફરમાવ્યું: વારસ ઈસા નૂરનો વાવટો હતા. ઈસા વારસના વખતમાં ત્યાં ખાતે મઝહબનો ફેલાવો ઘણો નહિ હતો. વારસ તથા વારસ ખાન મહમદ તથા બીજા ચાર પાંચ જણાઓએ ધર્મનો સારો ફેલાવો કર્યો હતો.

(૧૧૪) મુખી મેગજી મૂળજીને ફરમાવ્યું: તમને જ્યારથી મુખીપણું મળ્યું છે, ત્યારથી દિલોજાનથી નિમક હલાલીથી સેવા બજાવેલ છે. પોતાના જીગર અને જાનથી ઘણી સેવા બજાવેલ છે.

મુખી મેગજી મૂળજીના અવસાન પછી ફરમાવ્યું: મર્હુમ વઝીરે અમારી ઘણી ખિદમત કરી છે. દિલો જાનથી પોતાની જિંદગી અમને અર્પણ કરી હતી.

વઝીર ડાહ્યાભાઈ સબંધી ફરમાવ્યું: મોમન ઈસમાઈલીના છોકરાઓ, જે અમે અત્રે જોઈએ છીએ તે એક જીવ, એક કરોડ રૂપિયા કે બંગલા સમાન છે અને તેથી અમને ઘણી કિંમત આપેલ છે, એમ અમે સમજીએ છીએ.

 

દુન્યવી વિભાગ

 

(૧૬) છુટી લાકડી સહેલાઈથી ભાંગી શકાય છે, પણ પાંચ કે દસ લાકડીઓ ભેગી કરી ભાંગવા જતા તે ભાંગી નહિ શકાય. જેથી હંમેશા સહકારથી સંગઠિત થઈ એક દિલથી એકઠા મળીને કામ કરશો તો  બહુ જ આગળ વધશો અને ફાયદો મેળવશો. ખાનાવાદાન.

(૧૮) તમે એક દિલ થશો તો સેવા કરી શકશો, તેથી હાઝર ઈમામ પણ દુનિયામાં મદદ કરશે.

તમે અત્યાર સુધી અમારી સલાહ મુજબ બરાબર ચાલ્યા નથી, છતાં આટલી સિદ્ધિઓ મેળવી છે. તે કરતાં જો અમારી સલાહ મુજબ અરસપરસ સંપસલાહથી ચાલ્યા હોત તો આના કરતાં પણ વધુ સિદ્ધિઓ મેળવી હોત, પરંતું અફસોસ છે કે તમારામા હસદ અને અદેખાઈ બહુંજ છે. તમારામાં હિમ્મત છે. તમારામા કામ કરવાની આવડત છે જેને લીધે તમેાએ આ સિદ્ધિઓ મેળવી છે, પણ જો તમે અમારી સલાહ મુજબ હસદ અને દુશ્મની કાઢી નાખો તો આખી દુનિયાનો કાબુ તમારા હાથમા હોય. હજી પણ બહુ મોડું થયું નથી. અને એ મુજબ તમારે કામ કરવાનું છે.

(૨૧) મોમન રાત દિવસ અમારી હુઝુરમા છે. મોમન હંમેશા બગીચામાં છે. મેામનનું રડવુ પણ ખુશીનું હોવું જોઈએ. દુખ આવે તો પણ પરવા કરવી નહી. અમો તમારા ઉપર બહુ ખુશી છીએ. ખાનાવાદાન.

મુશ્કેલી અથવા જોખમથી ડરવું નહી અને મક્કમતાથી ઊભા રહેવું અને પરિણામ ખુદાના હાથમાં સોંપી દઈ દિવસે દિવસે બનતું બધુ કરી છુટવું.

(૨૩) કેળવાયેલી માતા બચ્ચાંનુ રક્ષણ કરી શકે છે. બાળાઓ પર માતા તરીકેની ફરજો હોવાથી, તેઓના પર વિશેષ ધ્યાન આપવું. માતા જો કેળવાયેલી નહી હશે તો બચ્ચાને તકલીફ થશે, આ લેાકો ઉપર કેળવણી ફરજીયાત છે. કેળવણી વગર કંઈ થઈ શકતું નથી.

જેટલું પણ ઈલ્મ દુનિયામાં છે તેટલુ બધું છોકરીઓને શિખવાને માટે ખુલ્લું રહેવું જોઈએ.

(૨૪) અલહમ્દોલીલ્લાહ ઘણું સારું છે કે આપણી જમાત કેળવણીનો સારો લાભ લે છે, પણ એ પૂરતું નથી. કેળવણી એ કુસ્તી નહિ કસરત છે, જ્યારે હૈયાતી છે તે કુસ્તી છે, માટે હૈયાતી સુધી કેળવણી લેવી જોઈએ. કેળવણી તે છે કે જેનાથી હૈયાતીમાં બીજા સાથે હરીફાઈ કરી શકાય છે.

(૨૫) પુરુષો અને સ્ત્રીઓએ કેળવણી અવશ્ય લેવી જોઈએ. કેળવણીનો વિષય એટલો બધો ગંભીર અને જરૂરનો છે કે કોઈ પણ કામ અગર તો જમાતના જીવન મરણનો તે સવાલ છે.

અમારો કહેવાનો મતલબ એ નથી કે ફક્ત મોટા મોટા પુસ્તકો વાંચવા અને ડિગ્રીઓ મેળવવી. પણ વહેવારુ કેળવણીની મુખ્ય જરૂર છે.

(૨૬) છોકરાઓને ફરમાવ્યું કે, તમે અમારા રૂહાની બચ્ચાઓ છો. નોકરી  કરતા સાહસ કરવું વાજબી છે. કેળવણી લીધા પછી હિમ્મત કરવી જરૂરી છે....અમારે જરૂર કહેવુ પડશે કે, ભવિષ્ય માટે અમુક અંશે ચિંતાનું કારણ જણાય છે અને અમને ધાસ્તી છે કે, આ નિશાળમાંથી શીખીને બહાર પડતા છોકરાઓનો મોટો ભાગ ક્લાર્કની અને એવી બીજી ખાત્રીપુર્વકની ફક્ત ગુજરાન પુરતી લાઇનો લેવા તરફ દોરવાય છે, જ્યારે સાહસનો જુસ્સો તેઓમા હોતો નથી.

(૨૭) ઈસમાઈલી પ્રજાની અત્યારની હાલત તેઓના સાહસીકપણાનેજ  આભારી છે. એ જુસ્સો હાલ માત્ર અભણ અને અજ્ઞાનોમાં દેખાય છે.

આજે કેળવણીનો ખરો હેતું ગણત્રીના આંકડા અને હકીકતોના જ્ઞાનને નહિ પણ ઈન્સાનના તેના ખરા જુસ્સાને સુધારવાનો અને વધારવાનેા છે. એ જુસ્સાને દાબી કે રૂંધી દેવામાં નજ આવવા જોઈએ, તેમજ દૂરના મોટા  દેશેામાં જઈ સંપૂર્ણ સુખી થવાની પ્રેરણાને જરૂર ઉત્તેજન આપવું જોઈએ.

(૨૭) જો આ સ્કુલના શિક્ષણનું પરિણામ માત્ર સાહિસકતાના જુસ્સાને દૂર કરવાનો હોય, જે જુસ્સો મુશ્કેલીઓ સહન કરવા, ભવિષ્યમાં ફતેહથી મળતા મોટા બદલા માટે શરૂઆતમાં થોડી અગવડો વેઠી લેવાનું શીખવતો હોય, તેને મારી નાખવામા અને માત્ર ક્લાર્કશીપ તરફ ઘસડી જવાનું હોય, તો અમારી શાળાએ ફાયદા કરતા નુકશાન વધારે કર્યુ છે.

 

અમારા આ શબ્દો ઘણા ભારપૂર્વકના છે અને અમે ખાસ કરીને શિક્ષક વર્ગને કહીએ છીએ કે, તેઓ બાળકોને સમજાવે કે, લડાઇમાં નહિ પણ શહેરી અને સુધરેલા જીવન માટે લડવું અને મરવુ, તે ચાલુ જીંદગી જીવવા કરતાં વધું માન ભર્યુ છે.

ઊઠો, જાગો, આફ્રિકા ખંડનો વિચાર કરો. મહાન જીત અથવા તો સંપૂર્ણ હાર જેની સ્વપ્ને પણ ખ્યાલમાં ન આવે તેવી દરેક શક્યતાઓ છે અને તે તમને પરિણામના મોટા બદલા તરફ દોરી જવા માટે પુરતી છે. જો કદાચ તેમ કરતા તમે હારો અને મોતને ભેટો તો તે મેાત પણ માનભર્યું હશે.

સચ્ચાઈ, પ્રેમ અને કંઇપણ સંકોચ વિના તમે આ દેશને પેાતાના વતન તરીકે માન્ય રાખશો નહિ તો તમને તમારો દેશ બદલો આપશે નહિ. કારણ કે એક દેશ તે શખ્સનેજ નવાજે છે, જે પેાતાનું વતન તેને બનાવે છે.

(૨૯) યાદ રાખો કે આપણા ઈસ્માઇલી મઝહબ અનુસાર માનવ શરીર ખુદાવંદતઆલાનું ઘર છે. કારણ કે તેમા આત્મા છે કે જે નુરાની જ્યોત મેળવે છે. આથી કરીને બદનની ઘણી માવજત, તેની તંદુરસ્તી અને તેનું આરોગ્ય તમારી પાછળની જીંદગીને માર્ગદર્શન આપશે. તમારા બાહ્ય અને અંદરના આરોગ્ય માટે મોં, આંખ, કાન અને કોઈ ચેપની પહેલીજ નીશાની નજરમા આવે કે તુરત તેને દૂર કરવામા કાળજી રાખો. તમારી જીંદગીમા આગળ જતા રમતગમત માટે મુશ્કેલ થઈ પડશે પરંતું તમારા વ્યાપાર, ખરીદી વિગેરે માટે બદનને ટટ્ટાર રાખી પગે ચાલશો તો (તંદુરસ્તી માટે) તમે ઘણું કરી શકશો. દુઆ-બંદગીનો વખત બિલ્કુલ ચુકવો ન જોઈએ. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી જમાતખાને જાઓ જ. જો ન બની શકે તો ગમે ત્યાં હો ત્યાં દુઆની તસ્બી કાઢી લો. એમ કરી સ્વચ્છ શરીરમાં સ્વચ્છ આત્મા રાખો.

(મુબારક સદેશો)

(૩૦) અમારા રૂહાની બચ્ચાંઓની એ પ્રાથમિક મઝહબી ફરજ છે કે તે ગર્ભની શરૂઆતથી પરિપકવતાના સમય સુધી બાળકની સંપૂર્ણ સંભાળ રાખવાનું શીખે, કમેાતનું પ્રમાણ ચેાક્કસ ઓછુ થવું જ જોઈએ. આમા માત્ર જીંદગી જ નહિ પરંતુ આત્માનું રક્ષણ રહેલુ છે. આવી રીતે બચાવી લીધેલ બાળક એક દિવસ ખુદાવંદતઆલા, પયગમ્બર, હઝરત અલી અને તેની આલ પ્રત્યેના, પ્રેમ અને શ્રધાનું શિક્ષણ આપનાર એક મિશનરી બની શકશે.

(૬૪) તમે ઘેાડાને પાણીની નજીક લઈ જાઓ, અગર તે તેને નદી કે સરોવરની વચ્ચે લઈ જઈ પાણીમાં ડુબાડી પણ દીઓ, છતાં તે રાજીખુશીથી પાણી ન પીએ તો તમે તેને શુ કરી શકો ? તેથી કાંઇ પણ ફાયદો નથી. મતલબ કે તમે અરસપરસ ખંત, હિંમત, વિશ્વાસ અને પ્રમાણિકપણે એકબીજાના લાભ લઈ જમાતને અને પેાતાને ફાયદો નહિ પહોંચાડો તો, આ ઘેાડાની માફક બધું નકામું છે અને અમારી રાત-દિવસની જહેમત અને ચિંતા બરબાદ જશે, માટે આવી સંસ્થાઓનો નિતિ અને ઈમાનદારીથી પ્રમાણિકપણે પુરેપુરો લાભ ઉઠાવજો. જેમ કે એક કાગળનો ટુકડો હોય તો તે ટુકડાને સહેલાઈથી અને જલ્દીથી ફાડી શકાય છે. પણ જો તેવા એકસો કાગળ સાથે હોય તો તેને ગમે તેવો જોરાવર માણસ ફાડી શકશે નહિ, તેવી જ રીતે એક માણસ બીજા માણસને નુકશાન પહાંચાડી શકે, પણ જો ઘણા માણસો સાથે હાય તો કોઈની તાકાત નથી કે તેઓને નુકશાન પહાંચાડી શકે. ખાનાવાદાન.

(૩૮) તમો, અમારા બચ્ચાંઓને તમારી તંદુરસ્તી, ભલાઈ અને દુન્યવી બહેતરી માટે ફરમાવીએ છીએ અમે અમારા મુરીદોને દુનિયામાં સુખી અને આબાદ જોવા ચાહિયે છીએ.

(૬૫) અમે તો એમ કહીએ છીએ કે પ્લેટિનમ જ્યુબિલી આજે જ છે. જમાતના ફાયદા વાસ્તે એક એક પળ જ્યુબિલી છે, જમાતની ખિદમતનો તમારો ખ્યાલ છે તો અત્યારે પણ તમો આ કામ શરું કરી શકો છો.

(૬૮) તમારો  રોજીંદો  શ્રમ ગમે તેવો  મુશ્કેલ અને સખત હોય છતાં તેને મોહબતનો શ્રમ બનાવો. યાદ રાખો કે લેાકશાહી તંત્રમાં મતદાન અને શહેરી હક્કો ગમે તેવા નમ્ર હોય છતાં સંભાળ અને ધ્યાનપુર્વક અને ગંભીરપણે વિચારીને તેનો ઉપયોગ કરવો  જોઈએ અને તમારી શક્તિ મુજબ એવું સમજીને કે તેની પાછળ તમારો  કોઈ અંગત, વર્ગવાદી કે પ્રાંતવાદી હિતો સમાયેલા નથી બલ્કે તેથી સમગ્ર રીતે આખી પ્રજાનું હિત અને દેશની સલામતી સચવાય. જો કોઈ એક રાષ્ટ્રના લેાકો સંગઠીત અને આપભોગની ભાવના ધરાવનારા હોય તેા ગમે તેવી જબરી મુશ્કેલીઓ અને મેાટી કમનસીબીઓ ઉપર તેઓ ફતેહ મેળવી શકે છે. આપણે જોયું છે કે એકસો વરસની મુસીબતો  અને આફતો  વેઠ્યા પછી પણ તુર્કી કેવી રીતે હંમેશ કરતાં વધારે બળવાન બનીને બહાર આવેલ છે. બીજા પણ બે  દેશોનો  દાખલો લેવા જેવો છે અને મુશ્કેલીઓનો સામનો કરવામાં કોઈને પણ નિરૂત્સાહી ન બનવું જોઈએ. જર્મની અને જાપાને ઈતિહાસમા જાણીતી થયેલી સૌથી જબરી હાર ખાધા પછી પણ સખત કાર્ય અને ખંતથી સભ્ય રાષ્ટ્રોમાં પેાતાને બળવાન, ધનવંત તેમજ પ્રતિષ્ઠિત સભ્યો તરીકે સ્થાપિત કરેલ છે. તમારો રોજિંદો શ્રમ ગમે તેવો મુશ્કેલ અને સખત હોવા છતાં તેને મહોબ્બતનો શ્રમ બનાવો.

(૬૯) પાકિસ્તાનમાં વસતા દરેક ઈસમાઈલી કે જેનો ફાળો ગમે તેટલો નમ્ર હોય છતાં તેનો પાતાના શહેરીપણાનો  અર્થ હિમ્મત અને ખંતના જુસ્સાથી કરે તો બેશક અમોને એ જાણીને ખુશી થશે કે ઘણા વર્ષોના સર્જિકલ આપરેશનો અને બિમારીઓ  ભોગવ્યા પછી પણ અમો તમોને આ પિતાતુલ્ય સલાહ આપવા હજી સુધી હયાત છીએ.

મઝહબી દ્રષ્ટિબિંદુ પ્રમાણે જો કે તમારે તમારા ધાર્મિક સિદ્ધાંતોને મક્કમપણે વળગી મુસ્લિમ દુઆઓમા આ એક દુઆ હંમેશા સૌથી વધારે સુંદર જણાઈ છે અને તે એ છે કે : સર્વશક્તિમાન અલ્લાહ પોતાની અનંત કૃપા વડે સઘળા મુસ્લિમોના ગુનાહ માફ કરે.

(પ્લેટિનમ જ્યુબિલી ઈર્શાદમાંથી ઉતારો)

(૭૦) જુદે જુદે સમયે નવી નવી મુશ્કેલીઓ પેદા થાય છે, અને અમેાએ તમો અમારા વ્હાલા રૂહાની બચ્ચાઓ માટે લાંબુ જીવન અર્પણ કર્યા પછી અમારી ૮૦મી સાલગ્રેહના અવસરે અમો તમોને યાદ અપાવીએ છીએ કે જિંદગી એક હંમેશ માટેની લડત છે અને તેથી તમારામા સઘળા કોયડાઓનો સામનો કરવા માટેની શક્તિ હોવી જ જોઈએ.

આમ છતાં તમારે કદીયે એ ભુલવું ન જોઈએ કે અગર દુન્યવી હાલત બદલાય છે તો પણ રૂહાની હાલત માત્ર આ જિંદગી પુરતી મર્યાદિત નથી. અને તેથી રૂહાની પ્રગતિમાં સરસાઈ પ્રાપ્ત કરવાનું વધારે જરૂરી છે. અંતે તમોને જણાશે કે એ આખેરત માટેનું તમારૂં કાર્ય જ છે કે જે તમારા દુન્યવી કાર્યોમાં તમેાને મદદરૂપ થશે.

(૭૧) અમોએ અમારી આખી જિંદગી તમારા માટે અર્પણ કરેલ છે અને અમોએ ઘણીવાર તમેાને કહેલું છે: તે આ અવસરે ફરીથી કહીએ છીએ કે સઘળાઓની ઉન્નતિ અને ભલાઈ માટે ભાઈચારાથી સંગઠીત રીતે તમોને કાર્ય કરતાં જોઈને અમોને એટલો બધો  આનંદ થાય છે કે તેટલો આનંદ અમોને બીજી કોઈપણ વસ્તું આપી શકતી નથી. આ ઉપરાંત બીજી સઘળી કોમો સાથે પણ અંતઃકરણપૂર્વકનો સહકાર કરો અને ઈસ્લામના રૂહાની સંગઠન દ્વારા એકબીજાની મુશ્કેલીઓની સારી રીતે જાણવાની કોશીશ કરો.

(૭૨)અમારા અતિશય હેતવંતા પ્યારા રૂહાની બચ્ચાઓ કે જેઓ અમારી આઠ વર્ષની વયથી લઈને દુષ્ટ ખ્યાલોની સઘળી લલચામણીઓનો  સામનો કરીને, પેાતાના રૂહાની પિતા અને માતાની પડખે વફાદારીપુર્વક ઉભા રહ્યા છે તે સઘળાઓને, અમે અમારી ૮૦મી સાલગ્રેહના અવસરે, અમારા માતા પિતા તરીકેના અતિશય પ્યારભર્યાં દુઆ આશિષોની નવાજીશ કરવા ઈચ્છીએ છીએ. અમારૂં અંતઃકરણ અને આત્મા તમો સઘળાઓની સાથે છે અને તમારા મા-બાપો અને વડવાઓની પણ સાથે જોડાયા છે. પરંતુ આટલા લાંબા વરસો સુધી અમારી સહાય અને ખિદમતમાં રહ્યા હતા.

યા અલી મદદ